વાર્તાકાર હેમાંગિની રાનડે/બેસ્ટ ફ્રેન્ડ
સોનુ દિલ્હીથી નવો નવો આવ્યો હતો. તેની શાળા હજુ શરૂ નહોતી થઈ. મમ્મીને રોજ ઑફિસે જવું પડતું એટલે સોનુ ઘરમાં એકલો પડી જતો. મમ્મીને આ બહુ ગમતું નહીં, પણ ઈલાજ નહોતો. નોકરી માટે જ એ લોકો મુંબઈ આવ્યાં હતાં. પપ્પાના મૃત્યુ પછી, ઘણી મુશ્કેલીઓ વેઠ્યા બાદ મમ્મીને આ નોકરી મળી હતી. સોનુ મમ્મીને સમજાવતો, “હું હવે કાંઈ નાનો કીકલો થોડો છું? હું છ વરસનો છું. તું શું કામ ચિંતા કરે છે, મમ્મી? હું આરામથી ઘરમાં રહીશ…” પણ મનમાં ને મનમાં સોનુને બહુ બીક લાગતી. ત્યાં દિલ્હીમાં કેટલા બધા લોકો હતા. ઘરમાં દાદા, દાદી, કાકા-કાકી, તેમનાં છોકરાઓ, આજુબાજુવાળા… મમ્મી રોજ એને શિખામણ આપતી: “જો, બાઈ સિવાય, બીજા કોઈ માટે બારણું નહીં ઉઘાડતો હોં! કોઈ દરવાજો ઠોકેને, તો અંદરથી જ પૂછી લેવું, સમજ્યો? સંભાળીને રહેજે બેટા, બારીમાંથી ડોકાતો નહીં અને જમવાને ટાણે જમી લેજે અને હા, ગૅસ ખોલતો નહીં, હોં!” સોનુ રોજ આ શિખામણ ધ્યાનથી સાંભળે, માથું હલાવીને હા પાડે. ત્યાર પછી તો મમ્મી જ્યારે ઘરની બહાર નીકળે કે સોનુ પોતે જ કહે. “દરવાજો નહીં ખોલું, કોઈ બારણું ઠોકશેને તો અંદરથી જ પૂછી લઈશ. સંભાળીને રહીશ હું મમ્મી. બારીમાંથી નહીં ડોકાઉં, જમવાને ટાણે જમી લઈશ અને હા, ગૅસને તો હું અડીશ પણ નહીં, હોં મમ્મી!” —અને મા-દિકરો બન્ને હસી પડતાં. પણ સોનુને ઘરમાં બહુ એકલું એકલું લાગતું. ટી.વી.ના કાર્યક્રમો જોઈ લીધા, ચોપડીઓ વાંચી લીધી, ગૅલેરીમાં ઊભાં ઊભાં નીચે જોયું, ખાઈ લીધું, સૂઈ ગયા, ઊઠ્યા. હવે? હવે શું? એકલાથી થાય એવાં એવાં બધાં કાર્યો કરી લીધાં, પણ એકલા એકલા કંઈ રમાય થોડું? મમ્મીના ગયા પછી કામવાળી બાઈ આવતી. કામ પતાવીને, સોનુને કહી, દરવાજો ખેંચીને ચાલી જતી. દરવાજો ખેંચીને ચાલી જતી. દરવાજો બંધ થઈ જતો. ક્યારેક સોનુ બારણાં પર કાન દઈને સાંભળવાનો પ્રયત્ન કરતો. કદાચ બાજુવાળાના ઘરમાંથી કંઈ અવાજ સંભળાય! પણ કાંઈ ન સંભળાતું. એ લોકો વહેલી સવારે નીકળીને છેક સાંજે પાછા ફરતા. સાંજે મમ્મી આવતી અને સોનુને લઈને ફરવા જતી, પણ ત્યારે મમ્મી એટલી તો થાકી જતી કે તેનામાં વાત કરવાનીયે તાકાત ન રહેતી, પણ સોનુ પાસે વાતોનો ખજાનો ભર્યો હોય. મમ્મી થોડીક વાતો કરતી, પછી ચૂપ થઈ જતી. સોનુ સમજી જતો, મમ્મી બહુ થાકી ગઈ છે. તે પણ ચૂપ થઈ જતો અને બન્ને મૂંગા-મૂંગા ઘરે પહોંચી જતાં. એક દિવસ કામવાળી બાઈ જોડે તેની દીકરી પણ આવી. બાઈએ એને ધમકાવીને કહ્યું, “ત્યાં ચૂપચાપ બેસી જા.” અને પોતે કામ કરવા લાગી. સોનુએ છોકરીને જોઈ. પાતળી, કાળી અને જરીક ગંદી પણ. છોકરી સંકોચાઈને બારણાં પાસે બેસી ગઈ. “તારું નામ શું છે?” બીકને લીધે છોકરી કંઈ ન બોલી. “અરે, તારું નામ કહેને?” બાઈએ છણકો કર્યો, “સંભળાતું નથી, બાબો શું પૂછે છે? તારું નામ કે’ને?” “રહીમન” એક ધીમો અવાજ આવ્યો. “તું ભણવા જાય છે?” એણે માથું હલાવ્યું. “તું નિશાળે નથી જતી? હું જૂન મહિનાથી નવી નિશાળમાં જવાનો છું.” એ બાઘાની જેમ સોનુને જોઈ રહી. કામ કરતાં કરતાં બાઈએ કહ્યું, “નિશાળે ક્યાંથી જાય બાબા? ઘરનું બધું કામ કરે છે.” “કામ કરે છે? પણ આ તો સાવ નાની છે.” બાઈ હસી પડી. સોનુ રહીમનને અંદર બોલાવી પોતાનાં રમકડાં, ચોપડીઓ દેખાડવા માગતો હતો, પણ રહીમન ત્યાંથી ખસે જ નહીં! એટલે સોનુ બધી ચીજો ત્યાં જ લઈ આવ્યો અને પાસે બેસીને રહીમનને બધું બતાડવા લાગ્યો. કામ પતાવીને બાઈ જવા નીકળી ત્યારે સોનુએ હિમ્મત કરીને કહ્યું, “આને કાલે પણ લેતી આવજે, હં!” બાઈ હસીને ચાલી ગઈ. રહીમને પાછળ ફરીને સોનુ તરફ જોયું. સોનુએ હાથ હલાવ્યો. દરવાજો બંધ થઈ ગયો. સોનુ દોડીને ગૅલેરીમાં ગયો. ત્યાંથી એણે રહીમનને ટા-ટા કર્યું. રહીમન ઉપર જોઈ રહી હતી, પણ એણે વળતું ટા-ટા ન કહ્યું. સાંજે મમ્મીને કહેવા માટે સોનુ પાસે ઘણું ઘણું હતું. એક શ્વાસમાં સોનુએ રહીમનની વાત મમ્મીને કરી. ઉત્સાહથી ખીલેલા એના ચહેરાને મમ્મી જોઈ રહી. રવિવારે બાઈ સાથે મમ્મીની કંઈ વાત થઈ અને રહીમન રોજ બાઈ સાથે સોનુને ઘરે આવવા લાગી. હવે રહીમન રોજ દરવાજા પાસે બેસી ન રહેતી. ઘરમાં અંદર આવતી, સોનુનાં રમકડાં જોતી, રમકડાંને અડતી, સોનુની ચોપડીઓ ખોલીને એનાં ચિત્રો જોતી. સોનુ બતાવતો, સમજાવતો અને ખુશ થતો. રહીમનનાં કપડાં હવે સાફ રહેવા લાગ્યાં. એના ખરબચડા વાળ તેલ નાખીને ઓળાવા લાગ્યા. બીકને લીધે હવે રહીમન તોતડું ન બોલતી. બંન્ને છોકરાંઓ સાથે મળીને બપોરે જમતાં. મમ્મી હવે સવારે બન્ને માટે રાંધીને જતી. બાઈ રોજ સવારે રહીમનને લઈને આવતી. સાંજે, જ્યારે બધાં ઘરોનું કામ પતી જતું, ત્યારે તે રહીમનને લઈને જતી રહેતી. હવે સોનુનો દિવસ જલદી જલદી પસાર થઈ જતો. આંખના પલકારામાં સાંજ પડી જતી. મમ્મીને કહેવા માટે રોજ કંઈ ને કંઈ નવું રહેતું. મમ્મી પણ એની વાતો સાંભળતી ને ક્યારેક સ્મિત કરતી, ક્યારેક ખડખડાટ હસી પડતી. સોનુ રહીમન જોડે કલાકો સુધી રમતો. મનની વાતો રહીમનને કરતો. મોટા થઈને એન્જિન-ડ્રાઇવર બનવાની પોતાની ઇચ્છા, પપ્પાનો પોતા પ્રત્યે પ્રેમ, ત્યાં દિલ્હીના ઘરની ખૂબીઓ, દાદા-દાદીનું હેત, કેટલી કેટલી વાતો હતી કહેવા માટે! “જાણે છે મમ્મી? હું રહીમનનો સૌથી સારો મિત્ર છું.” એ મમ્મીને કહેતો, “હા! અમે નક્કી કર્યું છે કે જ્યારે હું એન્જિન-ડ્રાઇવર બનીશને તો સૌથી પહેલાં રહીમનને ટ્રેનમાં બેસાડીને ફેરવી લાવીશ. તું જોજે મમ્મી.” અને મમ્મી અચંબાથી એના મોઢા સામું જોતી રહેતી. નિશાળ શરૂ થવાને હવે ઓછા દિવસો બાકી રહ્યા હતા. પહેલી તારીખે મમ્મીએ થોડીક નોટો કાઢીને સોનુને આપી. “આ લે! બાઈ આવે તો એને આપજે. એનો પગાર છે.” પછી એક પરબીડિયું આપીને કહ્યું, “અને આ રહીમન માટે.” “રહીમનને શા માટે મમ્મી?” સોનુથી પૂછ્યા વગર ન રેહવાયું. “કેમ? રોજ તારી જોડે રમવા નથી આવતી રહીમન?” મમ્મીએ હસીને સોનુને બચ્ચી ભરી. એટલે? શું રહીમન એની સાથે રમવા એટલા માટે આવે છે કે મમ્મી એને એના પૈસા આપે છે? તો શું હું રહીમનનો બેસ્ટ ફ્રેન્ડ નથી? એ મને મળવા નથી આવતી? પોતાની ગરજે આવે છે? સોનુનું મોઢું ચઢી ગયું. તે દિવસે જ્યારે રહીમન આવી તો સોનુએ એની સામે પરબીડિયું મૂકીને કહ્યું, “લે, આ તારો પગાર છે,” બાઈએ પાછળથી આવીને ઝટ પરબીડિયું ઉપાડી લીધું. પછી તો સોનુ ન રહીમન જોડે રમ્યો, ન એની સાથે બોલ્યો. પોતાના ઓરડામાં જઈને ચોપડી ખોલી વાંચવા બેઠો. રહીમને આવીને જ્યારે એની ચોપડી ઝૂંટવી તો સોનુ બરાડી ઊઠ્યો, “ચોપડી કેમ ખેંચે છે? તને ખબર છે કે લખવા-વાંચવાનું કામ કેટલું અઘરું છે? અભણ ક્યાંયની, જા અહીંથી.” રહીમન સોનુ તરફ આંખો ફાડીને જોઈ રહી. કંઈ બોલી નહીં. સાંજે મમ્મી આવી તો સોનુએ એની સાથેય વાત ન કરી. રવિવારે મમ્મીએ રહીમનને બોલાવી હતી. દરિયાકિનારો ઘરની પાસે હતો. આજે બન્ને છોકરાંઓને મમ્મી ત્યાં લઈ જવા માગતી હતી. બે દિવસ પછી નિશાળ શરૂ થશે. છોકરાઓ ભલે ફરતાં. સોનુનો ગુસ્સો હજુ શમ્યો ન હતો. વગર બોલ્યે એ ગુપચુપ ચાલતો રહ્યો. દરિયાકિનારે ઠંડી હવા હતી, મોજાંનો અવાજ હતો અને પાણી હતું. અધધધ! આટલું પાણી! જોતાવેંત સોનુની આંખો અચરજથી ફેલાઈ ગઈ. એકસામટું આટલું બધું પાણી તો એણે કદી જોયું જ ન હતું. કિનારા ઉપર બાળકો રમતાં હતાં, ફરતાં હતાં, રેતીનાં ઘરો બનાવતાં હતાં. “તમે બન્ને પણ ઘર બનાવોને! જુઓ, કેટલાં સરસ ઘર છે.” મમ્મીએ કહ્યું. બન્ને બાળકો પોતપોતાનાં ઘર બનાવવા લાગ્યાં. થોડી વાર પછી સોનુએ જોયું કે રહીમનનું ઘર તૈયાર હતું. બહુ સુંદર ઘર હતું. કમાનો, બારીઓ, ઘુમ્મટવાળું ઘર. સોનુના ઘરની તો દીવાલો પણ હજી ઊભી નહોતી થઈ. મમ્મીએ આવીને જોયું. “વાહ! રહીમન! તેં કેટલું સરસ ઘર બનાવ્યું છે!” મમ્મીએ વખાણ કર્યાં. સોનુનું ઘર હજી એવું ને એવું જ પડ્યું હતું. એક તો અમારી પાસેથી પૈસા લે છે અને પાછી મારી મમ્મીનાં વખાણ પણ એ જ લે છે, સોનુનો ગુસ્સો ઊભરાઈ પડ્યો. એ ઊઠ્યો, દોડીને રહીમનના ઘર પર પગ મૂકીને કૂદવા લાગ્યો. “લે, લે તારું ઘર. જો, મેં કેવું કરી નાખ્યું, જો.” જુસ્સામાં આવી એ નાચવા લાગ્યો. રેતીનું ઘર જમીનદોસ્ત થઈ ગયું. રહીમન રડતી જતી અને સોનુ જોડે લડતી જતી. ધક્કા-મુક્કી, લાત-ઠોંસા, બન્નેએ એકબીજાને ખૂબ માર્યાં. મમ્મી વચ્ચે પડી, પણ બેમાંથી કોઈએ એને ન ગણકારી. એકબીજાને મારી, ઉઝરડીને બન્ને થાકીને જરાં શાંત થયાં, ત્યારે મમ્મીએ ગુપચુપ બન્નેના હાથ પકડ્યા અને બન્નેને ઘરે લઈ આવી. સોનુને ઘરનો દાદરો ચઢાવીને એ રહીમનને મૂકવા એને ઘરે ગઈ. રાતે મમ્મીએ સોનુ સાથે વાત ન કરી, જમવાનું ન આપ્યું. પોતે પણ કંઈ ખાધું નહીં. બીજે દિવસે જ્યારે સોનુએ જોયું કે આજે પણ મમ્મી એની જોડે નથી બોલતી ત્યારે સોનુ બબડવા લાગ્યો, “એક તો અમારા પૈસા લે છે અને મમ્મી વખાણ પણ એનાં જ કરે છે. મને ખાવા ન આપ્યું, મારી જોડે મમ્મી બોલતી પણ નથી.” સોનુને બહુ રડવું આવતું હતું, પણ એ રોયો નહીં. રુદન દબાવતાં એનું ગળું દુખવા માંડ્યું તોય તે ચૂપ બેસી રહ્યો. ઑફિસે જતી વખતે મમ્મી બોલી, “હું જઈને બાઈને કહી આવું છું કે હવે પછી રહીમનને કદી અહીં ન મોકલે. તું એનો બેસ્ટ ફ્રેન્ડ નથી, તું તો એનો ખરો દુશ્મન છે.” મમ્મીનો અવાજ સાંભળતાંવેંત સોનુ રડી પડ્યો. મમ્મીએ પાસે આવીને એને પ્રેમથી પૂછ્યું, “સોનુ, તેં આવું જંગલી જેવું વર્તન કેમ કર્યું? એવું તે શું કર્યું હતું રહીમને?” હવે સોનુથી સહેવાયું નહીં. એ ચિડાઈને બોલ્યો, “હું એને મારી બેસ્ટ ફ્રેન્ડ સમજતો હતો, પણ એ તો પોતાના મતલબે અહીં આવતી હતી. મારે માટે નહોતી આવતી. પૈસા માટે આવતી હતી.” “એ વાત સાચી નથી.” “સાચી છે. તેં જ એને પૈસા આપ્યા હતા.” “એક કામ કર સોનુ. આજે જઈને તું રહીમનનું ઘર જોઈ આવ. હું આજે ઑફિસ નહીં જાઉં, ચાલ, મારી સાથે. હું તને એનું ઘર બતાડું. જા હાથ-મોં ધોઈ આવ.” સોનુ કંઈ સમજ્યો નહીં, પણ મમ્મીનો આ અવાજ સાંભળ્યાં પછી કંઈ પણ કહેવાની એની હિમ્મત નહોતી. ડાહ્યા છોકરાની જેમ હાથ-મોં ધોઈ, વાળ ઓળીને એ મમ્મી સાથે ચાલી નીકળ્યો. એમના ઘરની સામે બે રસ્તા ઓળંગીને એક વસ્તી હતી. ગંદી, ગંધાતી. ચારે બાજુએ કચરો વેરાયેલો હતો જેની આસપાસ કાગડાઓ, મરિયલ, બીમાર કૂતરાઓ અને જાડી બિલાડીઓ કચરામાં મોઢું મારતાં હતાં. પાણીના નળ પાસે ત્રીસ-ચાળીસ બૈરાંઓની ભીડ હતી. એક ઝૂંપડી પાસે જઈને મમ્મી થોભી. “રહીમનની મા,” એણે બૂમ પાડી. બાઈ બહાર આવી અને શેઠાણીને જોઈને ચકિત થઈ ગઈ. “રહીમન ક્યાં છે?” મમ્મીએ પૂછ્યું અને ઘરમાં પગ મૂક્યો. ઘરમાં એટલું તો અંધારું હતું કે કાંઈ દેખાતું નહોતું. ખૂણામાં ચૂલા પાસેથી એક આકૃતિ ઊભી થઈ. ફાટેલાં, જૂનાં કપડાંમાં વીંટળાયેલી રહીમન એમની સામે ઊભી હતી. રડવાથી કે પછી ધુમાડાથી એની આંખો લાલ હતી. “રહીમન, આ સોનુ તારી માફી માગવા આવ્યો છે.” “ના, ના, એની શી જરૂર છે?” બાઈ વચમાં બોલી. “છોકરાંઓ તો લડતાં-ઝઘડતાં રહે!” “પ્રેમની લડાઈ કોને ન ગમે રહીમનની મા? ગુસ્સાની, નફરતની લડાઈ ન હોવી જોઈએ. કાલથી સોનુ નિશાળે જશે. રહીમન પણ કાલથી સ્કૂલે જશેને?” “હા બહેન! તમે જે પૈસા આપ્યા હતા તેમાંથી રહીમન માટે યુનિફૉર્મ સિવડાવવા આપ્યો છે.” સોનુએ મમ્મી ભણી જોયું. મમ્મીએ હસીને રહીમન તરફ ઈશારો કર્યો. સોનુ રહીમન પાસે ગયો, એના ખભા પર હાથ મૂકીને બોલ્યો. “મને માફ કરી દે, માય બેસ્ટ ફ્રેન્ડ!”
(‘નવનીત સમર્પણ’ માર્ચ-૧૯૯૭)