વાર્તાકાર હેમાંગિની રાનડે/ચપરાસણ

From Ekatra Foundation
Revision as of 12:56, 3 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચપરાસણ

એનો ધણી ચપરાસી હતો. અને તે ચપરાસીની ત્રીજી વારની પત્ની હતી. પીવાની લતે ચડેલા આધેડ ઉંમરના ચપરાસીને થનાર સસરાએ જ્યારે જમાઈનો દરજ્જો આપવાનું નક્કી કર્યું, ત્યારે પિતૃત્વના પોતાના કર્તવ્યથી ઊગરી, જીવમુક્તિનો માર્ગ મોકળો કરી લેવાનો વિચાર કદાચ સર્વોપરી હોય પણ ખરો, છતાંયે જમાઈ પાસેથી મળતા હજાર રૂપિયાનો મોહ પણ કંઈ ઓછો તો નો’તો જ. ચપરાસીની બન્ને પૂર્વ પત્નીઓ તેને સંતાનસુખથી વંચિત રાખીને સ્વર્ગે સિધાવી હતી. હવે આ નાની ઉંમરની, તંદુરસ્ત, થોડું-ઘણું ભણેલી છોકરી, તેના આત્માને ગતિ આપનાર દીકરો જરૂર જ જણશે એવો વિશ્વાસ ચપરાસીને ખરો ! અને ભાગીરથીએ ધણીની આ એકમાત્ર અને અંતિમ ઇચ્છા પૂરી પણ કરી દીધી. ઇચ્છાપૂર્તિ બાદ ચપરાસીએ દીકરાની પધરામણીના આનંદને દ્વિગુણિત કરવા માટે જલસાનું આયોજન કર્યું, અને ત્યાં એટલી ચઢાવી લીધી કે ઑફિસની લાઇબ્રેરીમાં, હંમેશની ટેવ મુજબ જ્યાં તે બપોરે ખુમારી ઉતારવા સૂતો, ત્યાં મૃત હાલતમાં મળી આવ્યો. સાથી ચપરાસીઓએ મૃતદેહને ઠેકાણે પાડ્યો, અને ભાગીરથી વિધવા થઈ.

***

જે ઝૂંપડીમાં લગ્ન પછી મહાલવા ભાગીરથી આવી હતી, તે ઝૂંપડી ચપરાસીએ, જ્યારે તે ભાનમાં હતો, ત્યારે ખરીદી હતી. અને તે માટે કરજ ઑફિસના મુખ્ય ચોકીદાર પાસેથી લીધેલું તેમ જ સસરાનાં ચરણોમાં અર્પિત કરેલી રકમ પણ તે જ ચોકીદાર પાસેથી લેવાઈ હતી. મુખ્ય ચોકીદાર જેવા દેવદૂતો, ગરીબોના અભાવના વખતમાં તેમને મદદરૂપ થવા માટે ભગવાન અચૂક મોકલી આપે છે, અને તેઓ લેણદારોની પીઠ પર સહાનુભૂતિનો હળવો હાથ ફેરવી, તેમના અંગૂઠા રંગી, સાધારણ કાગળ પર થપ્પો મુકાવી, સહાયતા કર્યા બાદ વ્યાજ અને મૂળ રકમને ઠેકાણે કરજદારની જિંદગી બરબાદ પણ કરી જાણે છે. જ્યારે ચોકીદારે જાણ્યું કે ભાગીરથી થોડું-ઘણું ભણી છે, તેની ધુતારી ખો ચમકી, અને તેણે એક એવો માર્ગ વિચાર્યો કે ભાગીરથી પણ મુઠ્ઠીમાં રહે, અને દર મહિને રૂપિયા મેળવવાનું સાધન પણ બની રહે. તેણે ઑફિસમાં ભાગીરથીને નામે અરજી મુકાવી કે તેનો પતિ ઑફિસની ડ્યુટી દરમિયાન, ઑફિસના સમયમાં, ઑફિસની અંદર મૂઓ છે, માટે ઑફિસનું કર્તવ્ય છે કે ઑફિસ ભાગીરથીને નોકરી આપે, અરજી કરનાર બાઈ ભણેલી હોવાને કારણે તેને મૃત પતિની જગ્યાએ ચપરાસણ તરીકે ઑફિસ નિયુક્ત કરે. ચપરાસીના મૃત્યુની બીનાએ ઑફિસમાં ચર્ચા માટે એક મસાલેદાર, મજાનો વિષય તો ઉપલબ્ધ કરાવ્યો જ હતો, જે હજી વાસી નો’તો થયો, ત્યાં આ બીજી ખબરે તો જાણે આગ વરસાવતા ઉનાળામાં મૃદુ છંટકાવ કરી દીધો. બધાં ટેબલો એકદમ ચુસ્ત અને ચોક્કસ થઈ ઊઠ્યાં, અને ભાગીરથીને ચપરાસણ બનાવવાના વિષયને લઈને વિવિધ પ્રકારની વાતોએ ઉછાળો લીધો. અને એક સોહામણી સવારે ભાગીરથી, મુખ્ય ચોકીદારે એનાયત કરેલી સાડી પહેરી, ઉઘાડે પગે, તેલથી લદબદ વાળ સહિત, બાળકને પાડોશીને સોંપી, ઑફિસમાં દાખલ થઈ અને સહેજ ડરેલી, સહેજ સંકોચાયેલી, આ ટેબલ પરથી પેલા ટેબલ પર ફરતી નજરે પડી. દયા અને દિલસોજી દેખાડવામાં, બીજા કર્મચારીઓ પર સાખ જમાવવાના પ્રયત્નોમાં ઑફિસના બધા જ લોકો લાગી ગયા. ક્લાર્કો તેને કામ સમજાવે છે, ચપરાસીઓ ઑફિસના તોરતરીકા બતાવે છે અને મેડમ લોક ભાગીરથીને જોતાંવેંત ગમગીન સાદે હુકમ ફરમાવે છે. હમદર્દીના આ વહેણમાં ભાગીરથી બિચારી તણાઈ ન ગઈ એ એનું ભાગ્ય ! સમય વીત્યો. હવે ભાગરથી ઑફિસમાં નવી નથી રહી. કર્મચારીઓની તેનામાં દિલચસ્પી અને તેના પ્રત્યેની હમદર્દી, બન્ને ટાઢાં પડી ગયાં છે. કામમાં ભૂલ થવાથી ભાઈઓ શું અને બાઈઓ શું, તેને ખરી-ખોટી સંભળાવતાં થઈ ગયાં છે. ભાગીરથીયે ધીટ બની ગઈ છે. આંખ આડા કાન કરી, મોઢું ફેરવી નીકળી જતાં શીખી ગઈ છે. તેનો દીકરો મોટો થતો જાય છે, તેને મ્યુનિસિપલ નિશાળમાં દાખલ કરવાનો સમય આવી પહોંચે છે. એક દિવસે બધાએ જોયું, ઑફિસના પેસેજમાં ભાગીરથી, રાતા-ચોળ મોઢે, હાથ નચાવતી, એક ક્લાર્ક જોડે કશુંક બોલે છે. જાણતા વાર ન લાગી કે ચોકીદાર ભાગીરથી પાસે એક નાજુક માગણી કરે છે, અને ભરપાઈ માટે કાલ રાતે તે ભાગીરથીના ઝૂંપડા સુધી ગયો છે. પણ ભાગીરથીએ બૂમ-બરાડા કરી, લોકોને એકઠા કરી, તેને હાંકી કાઢ્યો છે. જેનો બદલો લેવા ચોકીદારે ભાગીરથી પાસે ચપરાસીને આપેલ પૈસા, વ્યાજ સહિત, પાછા માગી રહ્યો છે. ભાગીરથીનું કહેવું છે કે કરજ ચૂકવવા તે તૈયાર છે, પણ ટુકડે-ટુકડે. એકસામટા આટલા રૂપિયા કેવી રીતે આપી શકાય? વાત હેડ ક્લાર્ક સુધી પહોંચી, જેમણે ખંધુ હસીને ચુકાદો ભાગીરથીના હકમાં આપ્યો. આજની ભાગીરથી કાલની પેલી જૂની ભાગીરથી નથી રહી. ચોકીદારે આપેલી સાડીને ઠેકાણે હવે શરીર પર સસ્તી, પણ રોજ નવ-નવી નાઇલોનની સાડીઓ દેખા દે છે, તેલથી લદબદ વાળને બદલે સૂકાં વાળનાં લટિયાં ફરફરે છે, સૂના કપાળ પરની શોભા બિંદીથી વધી ગઈ છે, અને ઉઘાડા પગ હવે પ્લાસ્ટિકનાં ચંપલોથી સજેલા, ઑફિસની ચીકણી જમીન પર ચટકવા લાગ્યા છે. સંકોચાયેલી, બીકણ ભાગીરથીના આ બાહ્ય રૂપ જોડે તેનું આંતરિક રૂપ પણ બદલાતું જાય છે. પૂછેલા પ્રશ્નના ઉત્તર હવે સામું જોઈ, સ્પષ્ટતાથી દેવાય છે. અને હવે જ્યારે ચોકીદારની દેખરેખ નથી રહી, બીજા ચપરાસીઓ તેની સાથે બોલતા થયા છે. ક્યારેક ધીમે સાદે મશ્કરી પણ થાય છે અને ભાગીરથી તેમની આવી વર્તણૂકથી વહી નથી જતી, છતાં આનંદ તો જરૂર માણે છે. સાંજે જ્યારે તે ફાટકમાંથી બહાર નીકળે છે, ત્યારે ચોકીદાર, ભ્રૂકુટી તાણી તેને ગાળો આપે છે, પણ ભાગીરથી ફરીને તેની તરફ જોતી નથી. પહેલી તારીખે પગાર થતાં જ હેડ ક્લાર્ક પાસે જઈ ચોકીદારનું દેણું ચૂકવે છે, અને નાની ડાયરીમાં નોંધ પણ કરે છે. કો’ક ક્લાર્ક, એકાદો ચપરાસી તેની આજુબાજુ ભમે છે જરૂર, પણ તેણે હજી સુધી કોઈને પણ પીઠ ઉપર હાથ ધરવા નથી દીધો. પુરુષકર્મચારીઓ હવે, ચોકીદાર ક્યારે ભાગીરથી ઉપર ઝડપ મારશે, તેની શરત લગાડતા બંધ થયા છે અને કર્મચારી બહેનો હવે છડેચોક ભાગીરથીના કામચોરપણા બદલ ફરિયાદ કરતી શરૂ થઈ છે. એક સવારે ભાગીરથી મીઠાઈનું પડીકું લઈને ઓફિસે આવે છે. કારણ પૂછતાં જણાવે છે કે કાલે તેનું દેણું સમૂળગું ઊતરી ગયું છે, અને હવે તે ચોકીદારની ચુંગાલમાંથી સાવ મુક્ત છે. બધા મીઠાઈ અને ખુશખબરનો આનંદ માણે છે અને તેને અભિનંદન આપે છે. ઑફિસના બિનતારી સંદેશથી જણાયું કે ભાગીરથીનો બાપ દીકરીની સલામતી અને તેની રક્ષાના પોતાના કર્તવ્ય પ્રત્યે સજગ થઈ તેને ઘેર ગયો હતો, પણ ભાગીરથીએ હજાર રૂપિયા ખાતર દીકરીને વેચી દીધા પછી હવે બાપનો તેની પ્રત્યે કોઈ અધિકાર નથી રહ્યો, કહી તેને કાઢી મૂક્યો હતો. સોનાનાં ઈંડાં દેવાવાળી મરઘી હાથમાંથી છટકી ગઈ જાણી બાપે તેને ઘણાં બધાં નામે નવાજી, જેમાં ‘છિનાળ’ મુખ્ય હતું. બાપની વિદાય પછી ભાગીરથીએ નિરાંતનો શ્વાસ લીધો, પેટ ભરીને જમી, પગ ફેલાવીને, બાળકને હૈયાસરસો ચાંપીને ઘસઘસાટ ઊંઘી ગઈ. પણ પેટ ભરીને જમવું, પગ ફેલાવીને સૂવું, બાળકને વળગાડી લેવામાત્રથી શરીરને તે ગરમી ક્યાં મળે છે, જે બધા જ થાકોડા અને ચિંતામાંથી માણસને મુક્ત કરી શકે ! એટલે હવે સર્વ અધિકારો સહિત એક સંપૂર્ણ માનવી બનવાનો ભાગીરથીએ નિર્ણય લીધો. આ નેક કામમાં સાથ આપવા માટે ઑફિસમાં પુરુષોની અછપ નો’તી જ ! પણ ફક્ત ‘પુરુષ’ની શોધ કરવાનો કદાચ ભાગીરથીનો ઈરાદો’ય નો’તો. હવે તેની નજર ઑફિસના દરેક પુરુષને આંકતી-જોખતી હતી. તેનામાં એક બીજું પરિવર્તન પણ જોવા મળ્યું. કામ ચૂકવવાનું હવે તે બરાબર શીખી ગઈ હતી. સાથે સહેજ તોછડાઈ પણ. ક્યારેક કોઈ મહિલા સાથે જીભાજોડીએ થઈ જતી, જે મહિલાઓ માટે અસહ્ય હતું. ‘અરે વાહ ! અમે નોકરીએ રખાવી, અને હવે અમારું જ કામ ભારે પડે છે કેમ? ચરબી વધી ગઈ લાગે છે હરામખોરના શરીર પર’થી લઈને બીજી ભારેખમ વાતો પણ તેનું નામ આવતાંવેંત થતી. શરીર પર ચરબી વધવાની વાતને જો તેના શાબ્દિક અર્થમાં લેવાય, તો વાત કંઈક અંશે સાચી પણ હતી. ભાગીરથીનું શરીર ફેલાતું જતું’તું, ચાલમાં શિથિલતા જણાતી હતી, ચહેરા પર અળસાયેલો ભાવ દેખાતો હતો. અને એક દિવસે આ ગોપનીયતા ઑફિસમાં જાહેર થઈ ગઈ : ભાગીરથી મા બનવાની છે. સમાજ આખાની માન-મર્યાદા હવે નાનકડી આ ઑફિસમાં સંકોડાઈ આવી. મધ્યમવર્ગના માણસને, પાપનો આ ભાર ધરતી કેમ કરીને ઊંચકી શકશે, તેની ચિંતાએ બેબાકળો કરી મૂક્યો. આકાશનાં ચીંથરાં ઊડતાં દેખાયાં. મહિલાઓને મતે, અર્થાર્જન સ્ત્રી-સ્વતંત્રતામાં શામિલ છે, એ ખરું, પણ આવી બેશરમી? આવા દૂષિત વાતાવરણમાં તેમને માટે શ્વાસ લેવોયે ભારે હતો ! પુરુષોની તકલીફ એ હતી કે ભાગીરથીએ તેમને એક મોકો કેમ ન આપ્યો? એટલા તો તેઓ કંઈ નો’તા ! ચોકીદાર બળતરાને લઈને ગરમ તો હતો જ, તેણે વિરોધનો ઝંડો ઊંચક્યો અને વાત હેડ ક્લાર્ક સુધી પહોંચી: ઑફિસમાં ભ્રષ્ટાચારે સીમા ઓળંગી દીધી છે.

***

હું પર્સોનેલ ઑફિસર હતી. ભાગીરથીનો કેસ મારી પાસે આવ્યો. મને કહેવામાં આવ્યું કે હું પૂરી તપાસ કરું અને દોષી વ્યક્તિ માટે સજાની સિફારિશ કરું. અહીં દોષી કોને ઠરાવવો એ સવાલ બેમતલબ હતો. મેં ભાગીરથીને બોલાવી. નાઈલોનની સાફ, ધોયેલી સાડી, ઢંગથી ઓળેલા વાળ તેલ વગર, કાખમાં પર્સ, પગમાં પ્લાસ્ટિકનાં ચંપલ, નજર સીધી, ભય-ગભરાટ લવલેશ નહીં. નમ્રતાથી ઊભી રહી. બેસવાનું કહ્યું. સભ્યતાથી બેઠી. “ભાગીરથી, જે પૂછું તેનો સાચો જવાબ દેજે.” તેણે માથું હલાવ્યું. “તને ખબર છેને તને કેમ બોલાવી છે તે?” તેણે ફરી માથું ધુણાવ્યું. “તને દિવસ છે?” મારો અવાજ જરીક દબાયો. તેણે ‘હા’માં ગરદન હલાવી. મેં જોયું, તેના મોઢા પર તૃપ્તિની છાયા વિલસી રહી હતી. “જો ભાગીરથી, આ વાત સિરિયસ છે. તને એક બાળક છેને?” તેણે હામી ભરી. “તારો પતિ... એટલે... કહેવાનો અર્થ... કે બાળકનો બાપ કોણ છે?” તેણે એક ભરપૂર નજરે મારી ગમ જોયું. પછી સ્પષ્ટ શબ્દોમાં એક આધેડ ઉંમરના ચપરાસીનું નામ કહ્યું. હું ચોંકી. તે? તે માણસ? જો હું સાત દિવસ અને સાત રાત બેસીને વિચાર કરત, તોયે તે માણસ આ બાબતમાં શામિલ હશે એ ન પામી શકત. તે માણસ શાંત સ્વભાવનો હતો, કામની સાથે નિસ્બત રાખવાવાળો, તેને પોતાને છોકરાં-છૈયાં, પત્ની, સારો મજાનો પરિવાર હતો. “ભાગીરથી, પણ તે... તે પરણેલો છે.” મારા મોઢામાંથી નીકળી ગયું. “હા મેડમ છે, છેને. તેને ત્રણ છોકરા છે. મોટી દીકરીનાં લગ્ન ગયે વરસે જ થયાં છે.” “છતાંયે તેં...” મને સમજણ ન પડી કે હવે મારે શું કહેવું. “મેડમ, બાપ કોઈ પણ હોય, મા તો હું જ છુંને !” આ દલીલનો શો જવાબ હોઈ શકે? “તોયે, તે પોતાના કુટુંબને મૂકીને...” “ના રે ના. કુટુંબ શા માટે મૂકે? હેં?” “તો... તો પછી તું...” “હું કરીશને મોટો. એકને તો મોટો કરી જ રહી છુંને ! આનેય કરીશ.” અનાયાસ તેનો હાથ પેટ પર ગયો, પછી તેણે ગરદન ઉઠાવીને મારી ગમ જોયું. સીધું મારી આંખોમાં. તે નજરમાં શંકા ચમકી ગઈ. “તમે... તમે આ બાળકને પાડવાનું તો નથીને કહેતાં? હેં મેડમ?” “ના... ના.” હું ચિડાઈ. “કોઈ એવું નથી કહેતું... અમે તો ફક્ત...” “હા મેડમ, એવું ન બોલશો. મને આ બાળક જોઈએ છે, માટે તો...” “એટલે તેં... પેલા ભલા માણસને ફસાવ્યો.” “હા મેડમ, તે સારો માણસ છે, એટલે જ તો. બાકી આ ઑફિસના માણસો... છી... છી...” ઘૃણાથી એણે મોઢું મચકાવ્યું. “પણ... પછી... લગ્ન...?” “ના મેડમ, મારે લગ્ન નથી કરવાં. પહેલા લગ્નમાંયે કયાં સુખ માણી લીધાં હતાં? હું જેવી છું, તેવી જ ઠીક છું.” “અને આ સંબંધ આમ ને આમ ચાલતો રહેશે? એ ન સંખાય...” “તે માણસ જોડે? ના રે મેડમ, તે ચપરાસી જોડે હવે મારો શો સંબંધ? મને જે જોઈતું હતું તે મને મળી ગયું. હવે તે પોતાને રસ્તે, હું મારે રસ્તે.” “પણ તે... માનશે?” મારી શંકા. “હા, એટલે જ તો તેની સાથે...” અહીં તે જરીક શરમાઈ. “પણ ભાગીરથી, આ ભ્રષ્ટાચાર છે, વ્યભિચાર છે.” “આ મોટી-મોટી વાતો મને ના કહેશો મેડમ. આ ઑફિસમાં શું ચાલે છે, શું હું જાણતી નથી? હું તો બધાં ટેબલો પર ફરું છું. બધું જાણું છું. પણ મારે શી લેવા-દેવા. બધાનાં ધરમ-કરમ તેમની સાથે. મને આ બાળક જોઈતું’તું. એક એવું બાળક, જે માર-ઝૂડ કર્યા વગર માગવાથી મળે.” તેનો સ્વર ગળગળો થઈ ગયો. “તે સુખ મને જોઈતું’તું. હવે તમે મને નોકરીમાંથી કાઢી મૂકશો તોયે વાંધો નહીં. હું બીજું કામ શોધી લઈશ. પણ આ બાળક જનમશે જ.” તેણે દૃઢતાપૂર્વક કહ્યું. હું કંઈ ન બોલી શકી. જે રિપોર્ટ મેં ઑફિસમાં આપ્યો તેમાં લખી નાખ્યું કે આ બાબતમાં ઑફિસની કોઈ પણ વ્યક્તિ સંડોવાયેલી નથી અને ઑફિસની બહાર જે થયું હોય તેમાં ઑફિસની કોઈ જવાબદારી નથી. જ્યારે ભાગીરથીનું બાળક જન્મ્યું ત્યારે હું તેને મળવા હોસ્પિટલમાં ગઈ. ધર્માદાની તે હોસ્પિટલમાં જે બિછાના ઉપર ભાગીરથી બાળકને સોડમાં લઈ તેને એકધારી નીરખી રહી હતી, તે બિછાનાની દીવાલ પર એક ફોટો હતો. માતા મરિયમ અને તેના ખોળામાં તેમનો દીકરો, બન્ને માતાઓના ચહેરા પર શાંતિ અને તૃપ્તિની છાયા હતી.