વાર્તાકાર હેમાંગિની રાનડે/ઉનાળો
ઉનાળાની હજુ શરૂઆત હતી, પણ એ બંધ ઓરડીમાં બપોરે જીવ ગૂંગળાઈ જતો. બાપુજી પથારી પર પડ્યા રહેતા, બારીઓ બંધ કરી દેવાતી, અને હું બહાર સાર્વજનિક ગૅલેરીમાં જઈ ઊભો રહેતો. ઘરમાં બીજી કોઈ જગ્યા નહોતી. અંદરની ઓરડીમાં મા અને બહેન નીચે જમીન ઉપર ચટાઈ નાખીને સૂતાં. માના ઊંડા નિઃશ્વાસોથી એ ભારી વાતાવરણ વધારે વજનદાર બની જતું, ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જતો. ગૅલેરીમાંથી હું નીચે સૂની ગલી જોયા કરતો. ઊની ઊની બપોરનું એ સૂનું દૃશ્ય. એકાદું માણસ દેખાય ન દેખાય, સાઈકલ પણ જાણે અકળાતી નીકળી જાય, દૂર ક્યાંક ફેરીવાળાનો અવાજ સંભળાય અને એ અવાજથી રસ્તાની નીરવતાનો ભંગ થઈ જાય. થોડી વાર પછી શાંતિ સ્થપાય ખરી, પણ પડેલી તડનાં એંધાણ મનમાં ક્યાંક ઊંડે-ઊંડે ખૂંચ્યા કરે. ઓરડામાં હું પાછો જતો, જ્યારે સામેવાળી ચાલીની ત્રણ નંબરની રૂમની બાઈ બહાર આવી એના મૂંગા, અબોધ બાળકના પગમાં બાંધેલું દોરડું ખોલી અંદર લઈ જતી. હું પણ મારી રૂમમાં પાછો ફરતો. બાપુજી પીડાથી અકળાઈ કણસતા. મા એમના પગ પર હાથ ફેરવતી, અંદર બહેન ગુપચુપ મારી સામે ચાનો કપ મૂકતી. ચા પી, પગમાં ચપ્પલ સરકાવી હું બહાર નીકળી જતો. કેટલાય પ્રશ્નો ત્યારે મારા મનમાં સળવળતા. ભવિષ્યમાં શું થશે? બાપુજી ઠીક થઈ જશેને? ઘર કેમ ચાલશે? જુવાન બહેનનાં લગ્નનું શું થશે? મને શું ક્યારેય નોકરી નહીં મળે? ઉત્તર ન જડતા. માથું ભારે થઈ જતું. એઓના ભારથી મારી પીઠ બેવડ વળી જતી. આંખોમાં બળતરા થતી. બફારા મારતી બપોરમાં, હવાની લહેરખી માટે તલસતો હું, અમથો-અમથો બહાર ભટક્યા કરતો. સાંજે થાક્યો-પાક્યો લથડતો, ઘરે પાછો ફરતો ત્યારે બાજુની રૂમમાં, તાજેતરમાં રહેવા આવેલાં કાકી હાથ-મોઢું ધોઈ, પાવડર-ચાંલ્લો કરી, ઑફિસેથી આવેલા અને બહાર ગૅલેરીમાં પગ ફેલાવી આરામખુરશીમાં બેઠેલા ધણીને શરબતનો ગ્લાસ આપતાં. હું નજર બચાવી નીકળી જતો. પણ પતિ-પત્નીની આંખોમાંના પ્રશ્નો મારી પીઠને કનડતા રહેતા. વણપુછાયેલા એ સવાલો સાથે એમની નજરમાંનાં દયા, અનુકંપા, કુતૂહલ અને ધિક્કારથી હું મારી જાતને બચાવવા મથતો. બાપુજી પથારીમાં પડ્યા રહેતા, મા પાછળની ઓરડીમાં રાતનાં વાળુની તૈયારી કરતી. હું પલંગ પાસેની ખુરશી પર બેસીને બાપુજીની ઊંચી-નીચી થતી છાતી જોયા કરતો. ક્યારેક શ્વાસ જોરથી ચાલતો, ક્યારેક છાતી ધ્રુજી ઊઠતી, ક્યારેક નિઃશ્વાસ સાથે ઘણા-બધા શ્વાસો બહાર ફેંકાઈ જતા. ત્યાર પછી થોડી વાર છાતી નિ:સ્પંદ રહેતી. લાગતું કે – પાછી વેદનાના કણસાટ સાથે છાતી ઊઠતી, હું બાઘાની જેમ અનિયમિત ચાલતી એ ધમણ જોયા કરતો. ઉનાળો વધ્યો. સામેની ચાલીવાળો અબોધ બાળક દોરીથી બાંધેલા પગે ઊઠતો-પડતો, ઊભો થતો અને ગૅલેરીમાંથી હાથ બહાર કાઢી હલાવતો રહેતો. સાથે એક અસ્પષ્ટ ગૂંગણો અવાજ કાઢતો. અવાજની જોડે, એના મોઢામાંથી લાળ ટપકતી. એ લાળ ગૅલેરીની પાળ પર રોકાઈ જતી. ધોમ તડકામાં એ લાળ ચાંદીના તારની જેમ ચમક્યા કરતી. જાણે, બાળકના માથા પરનું આભાવલય જરીક નીચે ખસી આવ્યું છે અને હવે રેખા બની, જોનારાની આંખોને આંજી રહ્યું છે. મને વિચાર આવતો: આનું શું થશે? ક્યાં સુધી મા એનું જતન કરી શકશે? ક્યાં સુધી ઘરનાં મફતમાં ખવરાવતાં રહેશે? આ ભારરૂપ જ રહેવાનો. પછી થતું, આ બાળકમાં દેવત્વનો અંશ તો નહીં હોય? કદાચ એ શાપિત પ્રાયશ્ચિત્ત કરવા તો આ ધરતી પર નહીં ઊતર્યો હોય? અને મંત્રમુગ્ધ હું જોતો રહેતો એ બાળકને. અચાનક મને લાગ્યું, મારી પડખે કોઈ ઊભું છે. ક-મને મેં નજર ફેરવી. બાજુવાળાં કાકી મારી પાસે ઊભા હતાં. મેં મારી જાત સંકેલી લીધી. એ પણ સામે જોતાં હતાં. બિચ્ચારો! બોલી એમણે ઉમેર્યું: ખબર છે આવાં બાળકોમાં ભગવાન વસેલ છે? હું ચમક્યો. મારા મનની વાત આ બાઈ કેમ કરતાં કળી ગઈ હશે? હવે કાકી બોલ્યાં, ઉનાળો હજુ શરૂ થયો છે. પણ કેટલો સખત બાફ છે! નહીં? આ સવાલ મારે માટે એટલો અણધાર્યો હતો, કે હું મૂંઝાઈ ગયો. જવાબ ન આપી શક્યો. અમે બન્ને ગુપચુપ એ બાળક સામે જોતાં ઊભાં રહ્યાં. સામેનું આ કુટુંબ બે વરસ પહેલાં અહીં ચાલીમાં આવીને વસ્યું હતું. ત્યારે આ બાળકને ઘરની બહાર નીકળવા નહોતા દેતા. પણ પછી ધીરે ધીરે એનું વધતું શરીર એ નાનકડી રૂમમાં, બીજા સભ્યોની વધતી સંખ્યા જોડે કદાચ સમાઈ ન શક્યું. એટલે હવે એને સવારે નવરાવી-ધોવરાવી ગૅલેરીમાં લાવી બાંધી દેવાય છે. શરૂઆતમાં ચાલીનાં બીજાં બાળકો માટે એ કૌતુક, ભય અને ઘૃણાનું પાત્ર હતું, હવે એની સામું કોઈ જોતું નથી. એ કો’ક મૂંગા પશુની જેમ ત્યાં પડ્યું રહે છે. હમણાં હમણાં એ અગિયાર-બાર વરસના છોકરાએ ગૅલેરીની પાળ પર રેલાઈને ઊભા રહેતાં શીખી લીધું છે. શું જોઈને એ અબોધ બાળક હાથ હલાવી ગોં-ગોં કરતું હશે? જ્યાં સુધી શ્વાસ ચાલતો, એ કર્કશ અવાજ એકધારો કાઢ્યા કરતો. શ્વાસ પૂરો થતાં, એ અવાજ બંધ થઈ જતો. પાછો નવેસરથી અવાજ શરૂ થઈ જતો. એના પાતળા, સળિયા જેવા હાથ અવાજ જોડે હવામાં ઊછળતા રહેતા. પછી થંભી જતા. પાછા શ્વાસ સાથે હાથ હલતા. આ ક્રમ અવિરત ચાલુ રહેતો, અને બપોરની નીરવતા વધારે ભયાનક બની જતી. આવ! આપણે શરબત પીએ, નિ:સાસો નાખી કાકીએ કહ્યું, મેં એમની તરફ જોયું. એમની આંખોમાં ‘એ’ પ્રશ્ન નહોતો જેના પૂછવાની મને બીક હતી. હાશ થઈ. મને સમજાયું નહીં, એમને ના કેવી રીતે પાડું? મૂંગો એમની પાછળ ચાલ્યો. બહાર મૂકેલી આરામખુરશીમાં બેસવાનો ઈશારો કરીને અંદર ગયાં. હું બાઘાની જેમ ત્યાં બેસી રહ્યો. ચાલી સૂમસામ હતી. બીજા ભાડૂતો પોતપોતાની રૂમમાં હતા. તપેલીમાં ચમચો હલાવવાનો અવાજ આવ્યો. હું જરીક નિરાંતે ખુરશીને અઢેલી બેઠો. પરસેવાથી ભીની બપોરમાં સાકર ઘોળવાનો આ અવાજ ઠંડકભર્યો કેમ લાગતો હશે? સાકર શરબત માટે ઘોળાઈ રહી હતી, એટલે? કે એ શરબત મારે માટે હતું, એટલે? કે અહીં મારા શરીરની તંગ નસોને રાહત મળી માટે? ત્યાં મેં ગ્લાસ હાથમાં લીધો. એ ગ્લાસનો સ્પર્શ શીતળ, સુખદ હતો. હું શરબત ગટગટાવી ગયો, એકી શ્વાસે. ઉનાળો વધુ આગળ વધ્યો. હવે હું બહાર ઊભો રહી રસ્તા પરની ઊડતી ધૂળ જોયા કરતો. ક્યારેક ધૂળ વાવાઝોડાનું રૂપ ધરી, ઘૂમરી લેતી. જ્યાંથી ધૂળ ઊડતી, ત્યાં જ ફરી બેસી જતી. ફક્ત ફેલાવો વધતો. ક્યારેક અહીંની ધૂળ ઊડીને ત્યાં ગોળ બનાવીને ભેગી થતી, સાથે કાગળના ટુકડા, તણખલાં પણ ઊડતાં. પછી થોડીક વાર વાતાવરણ શાંત રહેતું. પછી રાહ જોવાતી બીજા ગરમ ઝપાટાની. રૂમમાં રહેવું અસહ્ય થવા લાગ્યું. માનાં બળજબરીથી રોકી રાખેલાં આંસુની ફરિયાદ સહન નહોતી થતી. બહેનની આંખોમાંના ઊકળતા લાવાની બીક લાગતી. બાપુજીના ગળામાંની ઘરઘર પળભર થંભી ફરી શરૂ થઈ જતી. એમની સુક્કી આંગળીઓ પથારીની ચાદર કનડ્યા કરતી. એમનો જીવ જાણે સંકોચાઈને આંગળીઓમાં વસી ગયો છે, અને બહાર નીકળવા મથી રહ્યો છે... હું અવશ જોયા કરતો. ઘણુંખરું હું બહાર જ રહેતો. રસ્તા પર રેઢિયાળની જેમ ફર્યા કરતો અથવા ગૅલેરીમાં ગુપચુપ ઊભો રહેતો. રસ્તા પરની ગરમ વરાળમાં બધું ધ્રુજતું લાગતું, આંખો અસ્થિર થઈ જતી. ક્યારેક બાજુવાળાં કાકી આવીને મને લઈ જતાં, અને એમની રૂમની બહાર મૂકેલી ખુરશીમાં નહીં, હવે રૂમમાં લોઢાની ખુરશી પર બેસાડી શરબત પાતાં. શરબત પી કંઈ પણ બોલ્યા વગર બહાર નીકળી જતો, ફરી રસ્તા પર ભટકવા. પણ કાકીનો વણપુછાયેલો પ્રશ્ન મને અકળાવતો. મારે માટે નોકરી ક્યાંય નો’તી. જ્યાં હતી, એ માટે હું લાયક નો’તો. બાપુજીની બીમારી વધતી જતી હતી. ડૉક્ટર તરફથી કોઈ જાતની આશા નો’તી. માની આંખો હવે રાતી દેખાવા લાગી, બહેનની નજરનો લાવા સુકાવા લાગ્યો, અને હું… હું રસ્તા પર ભટકતો, ઊની બપોરની લૂ ઝીલતો, ફરતો રહ્યો. ગરમી હવે વજનદાર બની ગઈ. મને થતું, એના ભારથી હું દબાઈ રહ્યો છું, સુક્કા વાવાઝોડામાં ફસાઈ ગયો છું, ક્યાંય પાણી નથી. આમ જ તરફડી-તરફડી બાપુજીની જેમ ઠાલો થઈ જઈશ. સામેવાળા અબોધ બાળકની જેમ મૂંગો થઈ જઈશ, મારાય પગમાં દોરડાં બંધાઈ જશે. બંધાઈ ગયાં છે, હું કોઈ કામનો નથી. હું ફક્ત હવામાં હાથ હલાવી ગૂંગણો અવાજ કાઢી શકું છું. મારા મોઢામાંથીયે લાળ ટપકે છે... મેં મોઢા પર હાથ ફેરવ્યો. સુક્કા, રૂખડા જેવા હોઠ, રુક્ષ ચહેરો, ગરમ-ગરમ, હું પાછો ફર્યો. ઘસડાતા પગે દાદરો ચઢી મારા માળા પર પહોંચ્યો, બાજુવાળી કાકી બહાર આરામખુરશી પર પગ પસારી બેઠી હતી. જોતાંવેંત કહે, બાપ રે! આટલી ગરમીમાં ક્યાં ભટક્યા કરે છે તું? ચાલ અંદર ચાલ, શરબત પી લે. તૈયાર કરી રાખ્યું છે. તરત ઊઠી મેં ચપ્પલ કાઢ્યાં, પાછળ એમની અંધારી ઓરડીમાં ગયો. રસોડામાંથી શરબતનો ગલાસ લાવતાં: નકામો ભટક્યા કરે છે, કંઈ કામ કેમ નથી કરતો, હેં? જવાનજોધ માણસ. એમ કહ્યું. આ જ, આ જ પ્રશ્નની હું યુગો, યુગોથી રાહ જોતો હતો. આ પ્રશ્ન પુછાતો નો’તો, એટલે હું અસ્વસ્થ હતો, અને નચિંત પણ. હું વિચાર કરતો, કાકી આ પ્રશ્ન પૂછી નાખે તો છૂટો થાઉં. દ્વિધાની એ સ્થિતિ સહન નો’તી થાતી. મેં કાકી ભણી જોયું, એના હમણાં જ ધોયેલા અને પાઉડર લીપેલા ચહેરા પર, હોઠોની સહેજ ઉપર પરસેવાનાં ટીપાં. મારી આંખો એના ચહેરા પર ચોંટી ગઈ. નદીના ગર્ભમાંથી તાજાં કાઢેલાં ઝબૂકતાં મોતી, પાણીદાર નીલી, લીલી શીતળતાથી ભર્યાં ભર્યાં. અભાન હું જોતો રહ્યો. સુક્કા રણમાં વીરડીનો આભાસ! હું આગળ વધ્યો એ મોતી પી જવા. હવે મારી તરસ મટશે. હું વાંકો વળ્યો. એના હાથમાંનો ગ્લાસ નીચે પડ્યો. મારા હાથમાં જાણે તોપનો ગોળો ફૂટ્યો. હું આક્રમક થઈ ગયો. મેં એને બાથમાં લઈ મારી તરફ ખેંચી, ક્યાંક ઊંડેથી નીકળતો એક નિઃશ્વાસ સંભળાયો. એ ધીમેથી બોલી, આ શું? બારણું ઉઘાડું છે ને! અને મારા પાશમાંથી છૂટી, ચપ્પલ ઘરમાં લઈ દરવાજો વાસી દીધો. આહ! જંગલી ડુક્કરની જેમ એ ટાઢા કાદવમાં હું ધસતો ગયો. જ્યારે બહાર નીકળ્યો, મારી પણક જેવી નસો ઢીલી પડી ગઈ હતી પણ બહારની હવાના ગરમ આઘાતે માથું ફેરવી દીધું, મારી વિચાર કરવાની શક્તિ ગુમ થઈ ગઈ. જડ જેવો મારી રૂમમાં આવતો રહ્યો. અંદર બધું રાબેતા મુજબ હતું. મરવા જીવી રહેલા બાપુજી, એમની જીવાદોરી પકડી રહેલી બા, અને એ બન્નેની છાયામાંથી છૂટવા મથી રહેલી, અકળાતી બહેન. હું બાપુજીની પથારી પાસેની ખુરશી પર બેસી ગયો. સામેવાળા ઘરના બાળકનો કરવત જેવો અવાજ એ વજનદાર વાતાવરણ કાપતો રહ્યો. ઉનાળો તપ્યો. બફારો વધ્યો. આકાશમાં માંડ એકાદ વાદળનો કટકો દેખાતો. તડકાની ચમક ઓછી થતી, પણ રાહત ક્યાંય નો’તી. પરસેવાની ગંધથી હું અકળાઈ જતો. ઘરની દીવાલો પણ જાણે પરસેવાને કારણે પચપચ થવા લાગી. ચારે બાજુથી એ ભીની ગરમી ગૂંગળાવી રહી. હવે મારો રોજિંદો કાર્યક્રમ બદલાઈ ચૂક્યો. બહાર જવાને બદલે કાકીની ઓરડીમાં જતો, ધ્યાનથી ચપ્પલ અંદર જ ઉતારતો. ન તે કંઈ બોલતી, ન હું કંઈ કહેતો, અને બન્ને ઠંડકમાં ડૂબતાં-ઊભરાતાં. જ્યાં સુધી હું અંદર રહેતો, રાહત રહેતી. બહાર આવી જેવો ગૅલેરીમાં ઊભો રહેતો અજાણી આંખોથી અબોધ બાળકના ચાળા જોયા કરતો. તે દિવસે વાદળ ઘેરાયાં હતાં. બફારો બેફામ હતો. ઓરડીમાં બાપુજી ખૂબ બેચેન હતા. દરદને કારણે એમની આંખો ચકળવકળ ફર્યા કરતી. હું એમને જોતો બેઠો હતો. અચાનક તેમની આંખો મારા તરફ ફરી. મારી સામે એકધાર્યા જોઈ રહ્યા, પણ એ આંખોમાં ઓળખાણ નો’તી. હતી ઊંડી અંતહીન વ્યથા. એકાએક ક્યાંક દૂરથી ઘરઘરાટ સંભળાયો. મારી સંવેદનામાં કશો સંચાર થયો. શું શું બાપુજી? ગભરાઈને હું એમની તરફ વળ્યો, ઝૂક્યો. એમના માથા પર હાથ મૂકીને જાણવા મથ્યો. પણ મારો હાથ અધ્ધર થીજી ગયો. એક ચીસ સાથે નીચે રસ્તા પર મોટર રોકાઈ. એક અસ્પષ્ટ ઊંહકારે વીજળીની જેમ બપોરની નીરવતા પર તરાપ મારી. એને છિન્નભિન્ન કરી નાખી. મારું ધડધડ કરતું હ્રદય ક્ષણ માટે બંધ થઈ ગયું. હું જલદીથી ઊઠી, બારણું ઉઘાડી બહાર આવ્યો. રસ્તા પર માણસો ઊભરાઈ રહ્યા હતા. આટલા બધા માણસો રોજ ક્યાં રહેતા હશે? હું જ્યારે સૂમસામ ગલીઓમાં ભટકતો, ત્યારે આમાંથી કોઈ પણ ક્યારેય કેમ દેખાતું નો’તું? હું નીચે ઊતર્યો. મેદનીમાંથી રસ્તો કાઢી જરી નજીક ગયો, મોટર રસ્તા વચ્ચોવચ ઊભી છે, અને એની અડફેટમાં નીચે કશુંક છે. વાંકા વળી જોયું, તો પાતળા, સળિયા જેવા હાથની ઉઘાડી હથેળી કશીક યાચના કરતી ત્યાં પડી છે. આજુબાજુ ગરમ ડામર પર ચમકતા, લાલ ચણોઠી જેવા લોહીના છાંટા! સામેવાળું અબોધ બાળક! ગાડીનો ડ્રાઈવર કેફિયત આપી રહ્યો હતો. બાળક અચાનક ગાડી સામે આવી ગયું. ગાડી રોકે એ પહેલાં, નિમિષમાત્રમાં એ ગાડી જોડે ભટકાઈ ગયો. ત્યાં સામેના માળમાંથી બાળકની મા અને ભાઈભાંડુ ગભરાયેલાં ઊતરી આવ્યાં. જ્યારે જાણ્યું કે એમનું બાળક છે, તો મા છાતી કૂટી કલ્પાંત કરવા લાગી. હાય રે! આજે જ બિચારાને બાંધવાનું ભૂલી ગઈ! ક્યાં હતા આ લોકો, જે અત્યારે અહીં, તમાશો જોવા એકઠા થયા છે? અને ક્યાં હતો હું પોતે? આ જ આ સમયે હું રોજની જેમ ગૅલેરીમાં કેમ ઊભો નો’તો? હું હોત તો મને જરૂર એ અબોધની ગેરહાજરી ખૂંચી હોત! કદાચ એ બાળક બચી ગયું હોત! હું ધીરે ધીરે ઉપર આવતો રહ્યો. આજુબાજુની ગૅલેરીઓ ભરચક હતી. અમારી ચાલીનાં બધાં ભાડૂતો બહાર આવી વાંકાં વળી નીચે જોતાં હતાં. રોજ ઘરમાં ભરાઈ રહેનારાઓને પણ હોનારતમાં દિલચસ્પી જાગી. મેં નીચે જોયું. બાળકની મા મૂએલા માંસના લોચાને મોટરમાં નાખી, ગલીના કો’ક પંચાતિયા સાથે કદાચ હોસ્પિટલ લઈ ગઈ. મારું શરીર કંપી ગયું. આટલી ગરમીમાં પણ મને ટાઢ કેમ વાય છે? મેં બન્ને હાથોથી છાતી ભીડી. ઉપર આકાશ ભણી જોયું. આકાશ એકાએક વાદળોથી ઘેરાયેલું હતું. એ રાતે ખૂબ વરસાદ વરસ્યો. બીજી સવારે, જ્યારે બાપુજીને બાંધીને સ્મશાન લઈ જતા હતા, ત્યારે માએ બોલાવી ધીમેથી પૂછ્યું, ‘લાકડાં ભીનાં હશે, સળગશે?’
(‘ગદ્યપર્વ’ જાન્યુઆરી-૨૦૦૪)