‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/પ્રતિભાવકના રહસ્ય પરથી છેવટે પડદો ઊંચકાયો : હર્ષવદન ત્રિવેદી

From Ekatra Foundation
Revision as of 02:45, 6 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૮ ગ
હર્ષવદન ત્રિવેદી

[સંદર્ભ : જુલાઈ-સપ્ટે. ૨૦૦૯, ‘સિદ્ધાંતે કિમ્‌?’ની સમીક્ષા, હર્ષવદન ત્રિવેદી, તથા ‘ઉદ્દેશ’ સામયિક (જાન્યુ. ’૧૦, ફેબ્રુ. ’૧૦)ની પત્રચર્ચા તથા જાન્યુ.-માર્ચ ’૧૦ ‘પ્રત્યક્ષ’ની પત્રચર્ચા.]

‘પ્રતિભાવક’ના રહસ્ય પરથી છેવટે પડદો ઉંચકાયો’

પ્રિય રમણભાઈ, આપને યાદ હશે કે મેં થોડાં વર્ષો અગાઉ સુમન શાહના પુસ્તક ‘સિદ્ધાન્તે કિમ્‌?’ની સમીક્ષા લખી હતી (જુઓ ‘પ્રત્યક્ષ’, જુલાઈ-સપ્ટે. ૨૦૦૯). તેમાં અમુક મુદ્દે મારે તેમની ટીકા કરવાનો પણ પ્રસંગ આવ્યો હતો. ત્યાર બાદ ‘ઉદ્દેશ’ સામયિક (જાન્યુ. ૨૦૧૦)માં ‘પ્રતિભાવક’ એવી સહીથી મારી સમીક્ષાને ‘ઊડઝૂડ અને ડોળઘાલુ’ ગણાવી મારી ઉપર પસ્તાળ પાડતું અને સુમન શાહની વિદ્વત્તાની ભૂરિ ભૂરિ પ્રશંસા કરતું એક લખાણ આવ્યું હતું. તમને, મને, મિત્રોને, અને ગુજરાતી સાહિત્ય તથા સુમન શાહથી વાકેફ સર્વ કોઈને ખાતરી હતી જ કે આ લખાણ સુમન શાહનું છે. છતાં, એ પછીના અંકમાં ‘ઉદ્દેશ’ના તંત્રી સ્વ. પ્રબોધ જોશીને તમે તથા બીજાં કેટલાંક વાચકોએ, અને મેં, એ લખનાર છદ્મનામધારી પ્રતિભાવક કોણ છે એ જાણવા, એ લેખકની અધિકૃત ઓળખ છતી કરવાની માગણી કરી પણ તંત્રીએ કોઈ મચક આપી નહોતી. એ વાત તો ખેર પછી વીસરાઈ ગઈ. થોડા વખત પહેલાં સુમન શાહનું ‘નિસ્બતપૂર્વક’ નામનું પુસ્તક (૨૦૧૧, પાર્શ્વ પ્રકાશન) મારા હાથમાં આવ્યું. કૂતુહલવશ મેં તેને ખોલીને જોયું તો તેમાં ઉપરોક્ત પ્રતિભાવકવાળો લેખ પણ જોવા મળ્યો! એ સાથે જ પ્રતિભાવક કોણ એ રહસ્ય પરથી પડદો ઊઠી ગયો. ફાંટાબાજ કુદરતના આ કરિશ્માથી મને ખાતરી થઈ ગઈ છે કે સત્યને બહુ લાંબા સમય સુધી ઢાંકી રાખી શકાતું નથી. વિડંબના એ વાતની છે કે જે વાત ગુપ્ત રાખવા માટે સ્વ. પ્રબોધ જોશી આજીવન અડીખમ રહ્યા અને પોતાના લેખકની ગુપ્તતાના રક્ષણ માટે ઝઝૂમ્યા તે વાત, હવે, એ ‘પ્રતિભાવક’ને હાથે જ, બહાર આવી ગઈ છે. એ લખાણ સુમન શાહનું હતું એ વાત હવે અધિકૃત બની છે. જોકે એમના પોતાના જ પુસ્તકમાં એ લખાણ, એ લખાણ મૂળે પ્રતિભાવકની સહીથી લખાયું હતું એવી કોઈ સ્પષ્ટતા વિના જ, સમાવાયું છે. આ પુસ્તક વાંચતા એ ધ્યાનમાં આવ્યા વિના રહેતું નથી કે ‘કાલપુરુષ’ને ‘સાહિત્યદેવતાની પ્રતિમા’ સાથે ગાઢ intertextual સંબંધ છે અને ‘વિવેચનની પ્રક્રિયા’ને વિવેચનના ઇતર પ્રયોજનો સાથે પણ સંબંધ છે. આ બંને લેખો પહેલી વાર પ્રકાશિત થયા એ જમાનામાં સુમન શાહનાં ‘ખેવના’ અને ‘નિસ્બત’ બન્ને કેટલાંક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યાં હતાં તે આજે પણ ઘણાંને યાદ હશે. (યુવાનોએ પોતાના વયવરિષ્ઠો પાસે વધુ માહિતી મેળવવી. કેમકે આ માત્ર ગુરુપરંપરાથી પ્રાપ્ત જ્ઞાન છે. તે પુસ્તકોમાં નહીં મળે. આજની ભાષામાં કહીએ તો encoded knowledge છે અને પાસવર્ડ વયવરિષ્ઠો પાસે છે.) આ પુસ્તકમાં સુમન શાહ એક વેદાન્તીની ભૂમિકામાં જોવા મળે છે. કેટલાક લેખો તેમણે પોતાના આ જગતમાંના દરજ્જા અંગે સતત સભાન રહીને લખ્યા છે તો સામયિકી નામના વિભાગમાં તેમનાં ‘સ્વ’નું વિગલન થઈ જાય છે. અને તેઓ પોતાના જ કર્તૃત્વને પોતાનાથી જ દૂર થઈને સાક્ષીભાવે જુએ છે. શ્રી શાહે સામયિકી વિભાગનો ઉપયોગ જે રીતે કર્યો છે તે રસપ્રદ છે. તેનો અભ્યાસ કરતાં મેં નોંધ્યું કે આ કટારનો ઉપયોગ તેમણે પોતાના ટીકાકારનો તિરસ્કાર કરવા માટે તથા પ્રશંસકનો પુરસ્કાર કરવા માટે કર્યો છે. આ બંનેનાં ઉદાહરણો હું નીચે આપી રહ્યો છું. સૌ પહેલાં ટીકાકારના તિરસ્કારનું ઉદાહરણ લઈએ – સામયિકી-૧માં સુમન શાહ લખે છે, ‘પ્રત્યક્ષ (જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૯)માં અમારું સવિશેષ ધ્યાન ખેંચાયું સુમન શાહના વિવેચનગ્રંથ ‘સિદ્ધાન્તે કિમ્‌?’-ના હર્ષવદન ત્રિવેદીના લખાણથી. આખું ચોંકાવનારું લાગ્યું, કેમકે લેખકના કહેવાનો ટૂંકસાર એ છે કે સુમન શાહ સિદ્ધાન્ત કશો સમજ્યા જ નથી! એટલે તાબડતોબ લાઈબ્રેરીમાંથી અમે પુસ્તક લઈ આવ્યા. જોયું, તો ઉદ્દેશની છે એવી ડબલ ક્રાઉન સાઈઝનાં ૨૯૮ પાનાંનો એ ગ્રંથ છે ને એમાં ૪૨ લેખો છે અમને સમજાયું કે ગ્રંથકાર સુમન શાહને લેખકે ખાસ કશી મહેનત લીધા વિના જ ઉતારી પાડ્યા છે’ (નિસ્બતપૂર્વક, પૃ. ૩૧૭). ત્યાર બાદ એમણે સ્વયં પોતાના ગ્રંથનું વિવેચન કર્યું. જુઓ : ‘ઍરિસ્ટોટલ, મુનિ ભરત, લૉન્જાઈનસનો ઉદાત્ત તત્ત્વવિચાર તથા સર્જકતા, ભાવકતા, ભાવન અને વિવેચન, કલા અને સાહિત્યકલા, સાહિત્યિક વાદ-વિચારણા, સાહિત્યસ્વરૂપ-સિદ્ધાંત, પશ્ચિમની સાહિત્યવિવેચના, વિવેચનનાં વિવિધ સ્તરો, અવલોકન/સમીક્ષા, પ્રત્યક્ષ વિવેચન વગેરે વગેરે કઠિન વિષયો વિશેના સંકુલ છતાં સુગમ અનેક લેખોથી સમગ્ર ગ્રંથ સમૃદ્ધ બની આવ્યો છે’ (એજન). આ વાંચતાં આઘાત, આશ્ચર્ય અને રમૂજ જેવી વૃત્તિઓ એકસાથે આવે પણ ઉપરનું લખાણ સુમન શાહે જાતે જ લખ્યું છે. તેમની પાસે તેમના પોતાના ગ્રંથની નકલ ન હોવાથી તેઓ તાબડતોબ લાઈબ્રેરીમાં ગયા અને તેનાં કદ-પાનાં-લેખોની સંખ્યા વગેરેની જાણ પણ તેમને એ પછી જ થઈ! હવે સામયિકીમાં એમણે પોતાના પ્રશંસકનો કઈ હદે પુરસ્કાર કર્યો છે તેનું ઉદાહરણ જોઈએ - ‘જયેશ ભોગાયતાનો ‘વિવેચક સુમન શાહ...’ લેખ એમના સમગ્ર વિવેચનકાર્યને ઊંડળમાં લેવા મથે છે (૨૫-૪૪). વિવેચકે ખરેખર શું કર્યું છે તે દર્શાવવા લેખકે અનેક સ્થાને વિવેચકના જ શબ્દોનો વિનિયોગ કર્યો છે. એ કાળજીનું મૂલ્ય છે એ વિધાયક દૃષ્ટિનું મૂલ્ય છે. કેમકે એથી વિવેચનાત્મક વિવેકનો ચોક્કસ પ્રારમ્ભ થતો હોય છે. દરેક વિવેચકનું આવું અધ્યયનનિષ્ઠ વાચન થવું જોઈએ. અનેકો વડે થવું જોઈએ. તો સંભવ છે કે વિવેચનને વગર વાંચ્યે દુર્બોધમાં ખપાવનારાઓની કટેવનો નાશ થાય. એ સત્યની પતીજ પણ પડે કે વિવેચન ગામના ગોવાળો માટે નથી લખાતું. લેખકે વિવેચકની ‘પિસ્તાળીસ વર્ષ પર્યન્તની વિવેચનપ્રવૃત્તિ’ને ‘એક ઐતિહાસિક પ્રક્રિયા’ કહી છે તેમાં એમની વિવેચના વિશેની સૂઝબૂઝ પરખાય છે. કેમકે કોઈ પણ સન્નિષ્ઠ વિવેચકનું કાર્ય, કૃતિ, કર્તા સિદ્ધાન્ત પ્રત્યક્ષ વગેરે વાનાંના મેળથી સમ્પન્ન થાય. તેમ છતાં, તે એક અવિરત પ્રક્રિયા હોય છે. વિવેચક સમગ્રને મુલવતી વખતે એ પ્રક્રિયાગત સંદર્ભની અવગણના ન કરાય. બાકી, વાક્યો કે તેના ગુચ્છ ચૂંટી તે પર મન ફાવે તેવી ટીકાટિપ્પણી કરવાનું કામ ઘણું સહેલું ગણાય. પણ આ લેખકે એ પ્રક્રિયાપરક ઇતિહાસને નહીં ભૂલનારું અઘરું કામ કરી બતાવ્યું છે. એમના એ અભિગમનું સ્વાગત થવું જોઈએ (પૃ. ૩૨૪). પોતાના વિવેચનકાર્યનું મૂલ્યાંકન કરતા જયેશ ભોગાયતાના આ લેખ ઉપર જેટલા ઓવારી ગયા છે એટલા એમની ‘પિસ્તાળીસ વર્ષની’ કારકિર્દીમાં ભાગ્યે કોઈ લેખ, લેખક કે કૃતિ ઉપર ઓવાર્યા હશે. આ પુસ્તક સુમન શાહે બીજા કોઈને નહિ પણ જયેશ ભોગાયતાને અર્પણ કર્યું છે એ પણ યોગાનુયોગ જ હશે! આ પુસ્તકમાં કેટલાક ‘ઐતિહાસિક’ કહેવાય એવા લેખો સંગ્રહાયા છે. વિવેચન અને વ્યવસાયના સંબંધ વિશે કે વિવેચનની વ્યાવહારિક નિસ્બત કઈ એ અંગે કોઈ જાણવા માગે તો તેને આ પુસ્તકમાંથી ઘણી સામગ્રી મળશે તેમ જ સાહિત્યના વ્યવહારુ પ્રયોજન વિશે પણ એક નવી જ સૂઝ લાધશે. અંગ્રેજીમાં વિવિધ ક્ષેત્રોના unofficial history પણ લખાય છે. ગુજરાતી વિવેચનનો કોઈ આવો ઇતિહાસ લખવા માગશે તો પણ તેને આ પુસ્તક રીફર કર્યા વિના ચાલવાનું નથી. ‘વિવેચન’નો ઉપયોગ કારકિર્દીની બઢતી ‘પ્રક્રિયા’માં તો ખરો જ પણ ટીકાકારોની ટીકા કરવામાં અને પ્રશંસકોનો પુરસ્કાર કરવામાં પણ, પોતાનું નામ ગુપ્ત રાખીને, કેવી રીતે કરાય એ જાણવા માટે સુમન શાહના આ ગ્રંથનું વાચન અનિવાર્ય (!) બનશે.

અમદાવાદ;
૨, મે ૨૦૧૬

હર્ષવદન ત્રિવેદી
૯૭૨૩૫૫૫૯૯૪

[અપ્રિલ-જૂન, ૨૦૧૬, પૃ. ૪૮-૪૯]