અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/પંદર – સૈન્યભરતી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પંદર – સૈન્યભરતી

હવે આપણે એક એવા પ્રકરણને લઈએ છીએ જેને અંગેની ગેરસમજૂતી હજીયે પૂરેપૂરી ગઈ નથી. આપણને એ બાબતમાં રસ છે કે આ વિશે મહાદેવની ભૂમિકા કેવી હતી.

અને એ પ્રકરણ તે ગાંધીજી દ્વારા સૈન્યભરતીના પ્રયાસનું પ્રકરણ. પહેલા વિશ્વયુદ્ધના કટોકટીના એ દિવસો હતા. અંગ્રેજ અમલદારો એ યુદ્ધમાં બ્રિટિશ સામ્રાજ્યના ભાગ તરીકે ભારત બધી રીતે ઇંગ્લંડ પક્ષે મદદ કરે એવા પ્રયત્ન કરતા હતા. ગાંધીજી ખેડાના સત્યાગ્રહમાં રોકાયેલા હતા તે ટાણે જ વાઇસરૉયે પોતે બોલાવેલી યુદ્ધપરિપદ સારુ તેમને આમંત્ર્યા હતા. વાઇસરૉયના નિમંત્રણને માન આપીને તેઓ દિલ્હી ગયા તો ખરા, પણ એમને સતત એ વાત ખૂંચતી હતી કે જે પરિપદમાં ટિળક મહારાજ અને એની બેસંટ જેવા નેતાઓને બોલાવવામાં નહોતાં આવ્યાં તેમાં જવાથી લાભ શો? વળી મૌલાના શૌકતઅલી અને મહમદઅલી તો તે વખતે નજરકેદ હતા. એટલે એમની હાજરીનો પણ ત્યાં અભાવ સાલવાનો હતો. તેથી તેઓ મનમાં એમ વિચારીને ગયા હતા કે દિલ્હીમાં વાઇસરૉયને વ્યક્તિગત રીતે મળીશું. એમની આગળ આ લોકોને ન બોલાવવા અંગે વિરોધ નોંધાવીને પાછા આવીશું. પણ દિલ્હીમાં વાઇસરૉયે તેમની જોડે જે સલૂકાઈથી વાતચીત કરી અને પોતાની લાચારી પ્રદર્શિત કરી, તેનાથી તેઓ પીગળ્યા. તેમણે પરિપદમાં હાજરી આપી એટલું જ નહીં, પણ યુદ્ધમાં મદદ કરવા અંગેના ઠરાવને માત્ર એક વાક્ય હિંદીમાં બોલીને ટેકો આપ્યો. વાઇસરૉય સાથેની મુલાકાતને પરિણામે એમના જ શબ્દોમાં, એમની ‘ન્યાયવૃત્તિ ઉપર ક્ષાત્રવૃત્તિએ વિજય મેળવ્યો.’ તેથી તેઓ પરિપદમાં હાજર રહ્યા. પરિપદને અંતે ગાંધીજીએ વાઇસરૉયને એક પત્ર લખ્યો. તેના કેટલાક અંશો આ રહ્યા:

‘જે સલ્તનતમાં સામ્રાજ્યના બીજા ભાગોની સાથે નજીકના ભવિષ્યમાં અમે સંપૂર્ણતાએ ભાગીદાર થવાની આશા રાખીએ છીએ, તેને આપત્તિકાળે જરાય આનાકાની વિના પૂરેપૂરી મદદ આપવાનો અમારો ધર્મ છે. પણ મારે આટલું સ્પષ્ટ કરવું જોઈએ કે તેની સાથે એ આશા રહેલી જ છે કે અમારી મદદને પરિણામે અમારા ધ્યેયને અમે સત્વર પહોંચી શકીશું. કર્તવ્યનું પાલન કરતાંની સાથે જ તેને લગતા હકો આપોઆપ મળી જાય છે, એ ન્યાયે લોકોને આટલું માનવાનો અધિકાર છે કે જે સુધારાઓ તરતમાં થવાની આશા આપના ભાષણમાં આપવામાં આવી છે તે સુધારામાં કૉંગ્રેસ અને મુસ્લિમ લીગની મુખ્ય માગણીઓનો સમાવેશ થશે.

‘હું મારા દેશબંધુઓને સમજાવી શકું તો… સામ્રાજ્યની આ અણીને વખતે બધા સશક્ત હિંદીઓને તેના રક્ષણ અર્થે મૂંગે મોઢે હોમાઈ જવા પ્રેરું. હું જાણું છું કે આટલું કરવાથી જ અમે સામ્રાજ્યના મોટામાં મોટા અને આદરપાત્ર ભાગીદાર બની જઈએ, અને રંગભેદ તથા દેશભેદ તો ભૂંસાઈ જ જાય. … હિંદુસ્તાનમાં એવા ઘણા છે કે જેઓ માને છે કે હોમ રૂલ મેળવવાને સારુ જેટલો ભોગ આપીએ એટલો ઓછો છે. તેની સાથે તેઓ એટલું સમજવા જેટલા પણ જાગ્રત છે કે જે સામ્રાજ્યમાં પૂરેપૂરું માનનું સ્થાન મેળવવાની તેઓ આશા રાખે છે, તે સામ્રાજ્યને માટે ભોગ આપવાને તેઓએ એટલા જ તૈયાર રહેવું જોઈએ. તેમાંથી એ ફલિત થાય છે કે સામ્રાજ્યને તેની ઉપર ઝઝૂમતા ભયમાંથી મુક્ત કરવાને માટે અમે કશું બોલ્યાચાલ્યા વિના પૂરેપૂરા હોમાઈ જઈએ તો જ અમારા ધ્યેયને અમે વહેલા પહોંચી શકીએ. આ સાદું સત્ય ન સ્વીકારવું એ રાષ્ટ્રના આત્મઘાત સમાન છે. અમારે સમજવું જ જોઈએ કે સામ્રાજ્યને બચાવવામાં અમે બરાબર હિસ્સો લઈશું, તો એટલાથી જ અમારું હોમ રૂલ અમારા ખોળામાં આવીને પડશે.

‘… પરિષદમાં મેં અને બીજા જેઓએ ટેકો આપ્યો છે તેમણે તો મરતાં લગી મદદ આપવાનો નિશ્ચય કર્યો જ છે. પણ અમારી સ્થિતિ કફોડી છે. આજે અમે સામ્રાજ્યના સમાન ભાગીદાર નથી. અમારા બલિદાનનો પાયો ભવિષ્યની આશા ઉપર બંધાયેલો છે. એ આશા કઈ છે એ સાફ અસંદિગ્ધ ભાષામાં હું ન જણાવું તો આપને અને મારા દેશને હું બેવફા ગણાવું. હું આજે મારું સારું કરવા નથી ઇચ્છતો પણ આપે એટલું તો જાણવું જોઈએ કે અમને નિરાશા સાંપડશે તો સામ્રાજ્યને વિશેની અમારી આજ લગીની માન્યતા એક ભ્રમણારૂપ થઈ જશે.

‘બીજી એક વાત પણ કહેવાનું મારે ચૂકવું જોઈએ નહીં, આપે ઘરના કજિયા ભૂલી જવાનું સૂચવ્યું છે. તેનો અર્થ જો એમ હોય કે અમલદારોનાં જુલમો અને અપકૃત્યો અમારે મૂંગે મોઢે સહન કર્યાં કરવાં તો એ અમારે માટે અશક્ય છે. વ્યવસ્થિત અત્યાચારનો તમામ શક્તિ વાપરીને સામનો કરવો એ હું ધર્મ સમજું છું. …ખેડાની રૈયત સરકારને ગાળો દેતી હતી તે આજે સમજી ગઈ છે કે તેનામાં જ્યારે સત્યને સારુ દુ:ખ વેઠવાની શક્તિ હોય છે ત્યારે ખરી સત્તા સરકારની નહીં, પણ લોકોની ચાલે છે. આજે તેમનામાં કડવાશ ઓછી થઈ ગઈ છે. અને જે રાજ્યસત્તાએ સવિનય કાયદાભંગને માન્ય કર્યો તે સત્તા લોકમતને છેક અવગણનારી ન હોય એવી તેની પ્રતીતિ થઈ છે. તેથી મારી એવી માન્યતા છે કે ચંપારણ અને ખેડામાં મેં જે કામ કર્યું છે તે, આ યુદ્ધમાં મારો સીધો, સ્પષ્ટ અને વિશિષ્ટ ફાળો છે. …જો શરત્રબળને બદલે આત્મબળને લોકપ્રિય કરવામાં હું સફળ થાઉં તો હું જાણું છું કે હું હિંદુસ્તાનને એવું બનાવી શકું જે, આખા જગતની તેની ઉપર કરડી નજર થાય તો તેની સામે પણ ઝૂઝી શકે. …

‘હું આ લખું છું કારણ, અંગ્રેજ પ્રજાને હું ચાહું છું અને (સામ્રાજ્ય પ્રત્યે) જે વફાદારી અંગ્રેજમાં હોય તે જ વફાદારી દરેક હિંદીમાં હું જગાવવા ઇચ્છું છું.’૧

ત્યાર બાદના તરતના કાળમાં સૈન્યભરતીમાં ભાગ લેવાનાં કારણો દર્શાવનારા ગાંધીજીએ ઘણા કાગળો લખ્યા છે, જેની નકલ મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં રાખી છે. મહાદેવભાઈની ડાયરીના ચોથા ભાગની પ્રસ્તાવનામાં શ્રી નરહરિભાઈએ આ બધા પત્રોના સારરૂપ કેટલાક ઉતારાઓ ટાંક્યા છે. ગાંધીજીના આ અંગેના વિચારો સમજવામાં આ ખૂબ ઉપયોગી થઈ પડશે એમ માનીને પ્રસ્તાવનાનો એ ભાગ લગભગ આખો જ જોઈએ:

‘જે પ્રજા લડવાને માટે નાલાયક છે તે ન લડવામાં રહેલા ગુણો વિશે પોતાના અનુભવોની સાબિતી આપી શકે નહીં. આ ઉપરથી હું એવું અનુમાન કાઢવા માગતો નથી કે હિંદુસ્તાને લડવું જ જોઈએ. પણ હું એટલું જરૂર કહેવા ઇચ્છું છું કે હિંદુસ્તાનને લડવાની કળા આવડતી હોવી જોઈએ.

‘જેને શસ્ત્રકળા શીખવી છે, જેને મારી જાણવું છે તેને હું હિંસા કરતાં પણ શીખવું. આ વખતે હું કંઈ ન કરી શકું તો તમારે એમ સમજવું કે મારી તપશ્ચર્યા ઓછી છે. માર્યા વિના જેને મરતાં ન આવડે તેણે મારીને મરતાં શીખવું.

‘મારું નામ મેં લશકરભરતીમાં આપ્યું તે જ વખતે મેં જણાવ્યું હતું કે હું દુશ્મનને કે મિત્રને કોઈને મારવાનો નથી. પણ જે લોકોને લડવાનો બાધ નથી, પણ કાં તો કાયરપણાને લીધે, કાં તો અંગ્રેજો પ્રત્યેના દ્વેષને લીધે લડવા તૈયાર થતા નથી, તેમના પ્રત્યે મારી શી ફરજ છે? તેમને મારે શું એમ ન કહેવું જોઈએ કે મારો માર્ગ ન સ્વીકારતા હો તો તમારે તમારું કાયરપણું અથવા દ્વેષ જે હોય તે છોડી દેવાં જોઈએ અને લડવું જોઈએ? જે માણસ મારવાની શક્તિ ધરાવતો નથી તેને તમે અહિંસા શીખવી શકો નહીં.

‘હિંસક માણસોને તેમની હિંસા ઓછામાં ઓછી નુકસાનકારક રીતે કરવાનું શીખવીને, તે શીખવવાની ક્રિયામાં જ અહિંસાના સદ્ગુણ સમજાવવામાં કદાચ હું સફળ થાઉં. આ રીતે જ અહિંસા અથવા સત્યાગ્રહના સિદ્ધાંતનો હું કદાચ વધારે સારી રીતે પ્રચાર કરી શકું.

‘અહિંસા એટલે મારવાની અથવા તો ઈજા પહોંચાડવાની ઇચ્છાને નાબૂદ કરી નાખવી. અહિંસા એવા જ માણસો પ્રત્યે આચરી શકાય જેઓ આપણા કરતાં બધી રીતે ઊતરતા હોય. એનો અર્થ એ થયો કે પૂર્ણ અહિંસાધર્મીએ છેવટની પૂર્ણતા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. ત્યારે આનો અર્થ શું એવો થયો કે આપણે બધા પૂરા પ્રેમધર્મી બનીએ તે પહેલાં આપણે સૅન્ડો થવાનો પ્રયત્ન કરવો જોઈએ? ના. એ અનાવશ્યક છે. આપણે દુનિયા સામે અડગ ઊભા રહી શકીએ એટલું બસ છે. એ જાતની હિંમત આપણામાં હોય એ તદ્દન જરૂરી છે. કેટલાકમાં આવી હિંમત તેઓ લડવાની તાલીમ મેળવે ત્યાર પછી જ આવી શકે.

‘પ્રજાનું ફરજિયાત નિશસ્ત્રીકરણ થયું છે. પણ દિલમાંથી મારવાની ઇચ્છા જરાય ગઈ નથી. x x x હિંદુસ્તાનને માટે વધારેમાં વધારે કહી શકાય તો તે એટલું જ કે, અહીં કેટલીક વ્યક્તિઓએ બીજા દેશો કરતાં અહિંસાના સિદ્ધાંતને લોકપ્રિય બનાવવા માટે વધારે ભારે પ્રયાસો વધુ સફળતા સાથે કર્યા છે. પણ તે ઉપરથી એવો મત બાંધવાને કારણ નથી કે લોકોમાં અહિંસાના સિદ્ધાંતે ઊંડાં મૂળ ઘાલ્યાં છે.

‘અહિંસાનો પાઠ તો એ માણસને આપવાનો છે જેનું જીવન જુસ્સાથી તરવરતું હોય અને જે પોતાના વિરોધીની સામે છાતી કાઢીને ટટાર ઊભો રહી શકે એમ હોય. મને લાગે છે અહિંસા પૂરેપૂરી સમજવા માટે અને બરાબર પચાવવા માટે શારીરિક હિંમતનો પૂરો વિકાસ થયેલો હોવો પણ અનિવાર્ય છે.

‘કોઈ પણ માણસના મનમાં અહિંસા એટલે કે, પૂર્ણ પ્રેમનો સિદ્ધાંત ઉતારવા માટે એનું મન પ્રાણવાન શરીરની મારફત બરાબર ખીલીને પરિપક્વ થાય તેની મારે રાહ જોવી જોઈએ.

‘જ્યારે દરેક હિંદીને હું લશ્કરમાં જોડાવાનું કહું છું ત્યારે સાથે સાથે સતત એને કહેતો રહું છું કે એ લશ્કરમાં જોડાય છે તે લોહીની તરસ છિપાવવા માટે નહીં પણ મરણનો ભય ન રાખવાનું શીખવા માટે છે. x x x લશ્કરભરતીના મારા દરેક ભાષણમાં સૈનિકની ફરજના આ ભાગ ઉપર મેં વધારેમાં વધારે ભાર મૂક્યો છે. એવું મારું એક પણ ભાષણ નથી થયું જેમાં મેં કહ્યું હોય કે “જર્મનોને મારવા માટે આપણે જઈએ!” મારી માગણીના જવાબમાં ખૂબ મોટી ભરતી થશે અને અમે બધાં ફ્રાન્સમાં જઈને લડાઈનું પલ્લું જર્મનોની સામે ફેરવી શકીશું તો મને લાગે છે કે અમારી વાત સંભળાવવાનો હિંદને અધિકાર પ્રાપ્ત થશે અને હિંદ કાયમી સુલેહ કરાવી શકશે. હવે આગળ કલ્પના કરો કે નિર્ભય માણસોનું લશ્કર ઊભું કરવામાં હું સફળ થાઉં અને એ લોકો ખાઈઓમાં પહોંચી જાય અને પ્રેમપૂર્ણ હૃદયે પોતાની બંદૂકો મૂકી દઈ જર્મનોને પડકાર આપે કે તમારા માનવબંધુ એવા અમારી ઉપર ગોળી ચલાવો, તો હું કહું છું કે જર્મન હૃદય પણ પીગળી જશે. જર્મનો એકલી રાક્ષસી વૃત્તિવાળા જ છે એવો આરોપ તેમના ઉપર મૂકવાનો હું ઇનકાર કરું છું.

‘એટલે આ બધાનો અર્થ એ થયો કે અપવાદરૂપ સંજોગોમાં એક આવશ્યક અનિષ્ટ તરીકે યુદ્ધનો આશ્રય લેવો પડે, જેમ આપણે આપણા શરીરનો લઈએ છીએ તેમ. યુદ્ધ પ્રત્યે અહિંસાવાદી તટસ્થતાથી જોતો બાજુએ ઊભો રહી શકે નહીં. તેણે પોતાની પસંદગી કરી જ લેવી જોઈએ, કાં તો યુદ્ધમાં સક્રિય સહકાર આપે, કાં તો યુદ્ધનો સક્રિય વિરોધ કરે.’૨

આટલા ઉતારા આપ્યા પછીયે નરહરિભાઈને સંતોષ થતો નથી. તેથી તેઓ કહે છે:

‘ડાયરીમાંનાં આ વિશેનાં બધાં લખાણમાં બાપુજી પોતાના મનોભાવો સંપૂર્ણ રીતે પ્રગટ કરી જ શક્યા છે એમ ન કહી શકાય.’

એ સ્પષ્ટ છે કે ગાંધીજીની ભૂમિકા આ બાબત હજી શોધકની જ હતી. કાંઈ લાધેલું સત્ય તેઓ જગત આગળ (કે વાઇસરૉય આગળ) ધરી નહોતા રહ્યા. તેઓ બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યે તે કાળે વફાદાર હતા અને જ્યારે એની પ્રત્યે બંડખોર બન્યા ત્યારે પણ બ્રિટિશ પ્રજા પ્રત્યેનો પ્રેમ તો તેમનો એવો ને એવો જ રહ્યો હતો. વ્યક્તિગત રીતે તેઓ પોતે શસ્ત્ર હાથમાં લેવાના નહોતા, પણ શસ્ત્ર લેવાનો જેમને બાધ ન હોય તેવા યુદ્ધમાં સશસ્ત્ર સાથ આપે તેમ તેઓ કહેતા. ઇંગ્લંડ પ્રત્યેની તેમની વફાદારી એક વિશિષ્ટ અર્થની અને તેથી મર્યાદિત હતી. તેઓ કહે છે: ‘હું ઇંગ્લંડને વળગી રહ્યો છું તેનું કારણ એટલું જ છે કે હિંદુસ્તાન દુનિયાને પોતાનો સંદેશો ઇંગ્લંડ મારફત વધારે સારી રીતે આપી શકશે.’ આ એક વિવાદાસ્પદ વિષય છે. પોતાના પક્ષની સામેની મોટામાં મોટી દલીલ રજૂ કરતાં તેઓ જ પાછા કહે છે:

‘બીજી તરફથી હિંદુસ્તાનને નિ:શસ્ત્ર કરવાનું ઇંગ્લંડનું કૃત્ય, તેમની ગુમાનભરી અને અમને ભાગ નહીં લેવા દેનારી લશ્કરી નીતિ, અને હિંદુસ્તાનના ધનનું અને કળાનું અંગ્રેજોના વેપારલોભની વેદી ઉપર અપાયેલું બલિદાન, એ બધાને હું એટલું ધિક્કારું છું કે મારામાં પેલી શ્રદ્ધા ન હોત તો હું ક્યારનોયે બળવાખોર બન્યો હોત.૩

એ હકીકત છે કે મહાદેવભાઈના મનમાં ગાંધીજી જેવી અંગ્રેજ પ્રત્યેની વફાદારી નહોતી અથવા એ કહેવું કદાચ વધારે સાચું છે કે તેમણે એ બાબત બહુ ઊંડો વિચાર કર્યો નહીં હોય અને એમને ગાંધીજી જેવો અનુભવ તો નહોતો જ.

મહાદેવભાઈની ભૂમિકા તે વખતે બે પ્રકારની હતી. એક તો દરેક વિષયમાં ગાંધીજીની ભૂમિકા સમજી લેવાની અને એને શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લેવાની. એટલે તેમણે આ વિષય પર ખાસ દલીલો કરી નથી અને ગાંધીજી સૈન્યભરતી વિશે જે કાંઈ કહેતા હતા, તેની તેઓ માત્ર નોંધ કરતા રહેતા હતા. આ જ ભૂમિકામાં ગાંધીજી જે કહે તે પ્રકારની તાલીમ લેવા તેઓ તૈયાર રહેતા હતા.

બીજી ભૂમિકા હતી પોતામાં દોષદર્શી પૂજાને સ્થાને અદોષદર્શી ભક્તિ વાસ કરે તેનો પ્રયાસ કરવાની. ગાંધીજી પાસે આવતાંની સાથે જ એમણે શિષ્યપણું સ્વીકારી લીધું હતું. એ શિષ્યપણા સારુ ગુરુના દોષ દેખાય તોપણ તે ન જોવાનો પ્રયાસ કરતા. એટલે એમના વ્યવહાર વિશે કાંઈક પ્રશ્ન ઉત્પન્ન થાય તો તેને શંકાની નજરે જોવાને બદલે ‘આ વિષય આપણી પહોંચ બહારનો છે; આમાંય કાંઈક સારપ હશે, મને મારી મર્યાદાને લીધે એ નથી દેખાતી. મારી મર્યાદા હું શોધી કાઢું, તો મને આજે જ્યાં દોષ કે વાંક દેખાય છે તેને પણ હું સમજી શકીશ.’ એવી વૃત્તિ તેમનામાં હતી.

અલબત્ત, ગાંધીજી આ વૃત્તિને પોસતા નહોતા. એમના સાથીઓ પૈકી કોઈ એમની ટીકાઓ કરે તો તેઓ હરખાતા અને એ ટીકાને વધાવતા. જોકે એનો અર્થ એ નહીં કે હંમેશાં એવી ટીકાને તેઓ સ્વીકારી લેતા, તેઓ પોતે પણ સામી દલીલો કરતા અને આવી જે ચર્ચાઓ ચાલતી તેને પરિણામે બંને એકબીજા પર પ્રભાવ પાડતા.

મહાદેવભાઈને ગાંધીજી સાથેના મતભેદો પ્રગટ કરતાં થોડો વખત લાગ્યો. મતભેદો પ્રગટ કરવાનાં ઉદાહરણો આપણે આગલાં પ્રકરણોમાં જોઈશું. એમ કરતાં વધુ સહજ રીતે ગાંધીજીની વાત સમજી લઈને એમની સાથે તાદાત્મ્ય અનુભવવાની વૃત્તિ આવી. આની પાછળ એક તરફ કામ કરતી હતી મહાદેવભાઈની ભક્તિ, જે તર્કના ક્ષેત્રથી તેમને પર લઈ જતી હતી. બીજી તરફ કામ કરતી હતી તેમની નમ્રતા, જે એમની ભક્તિના ગુણનો જ એક ભાગ હતી. તે નમ્રતાને લીધે મોટે ભાગે મતભેદ થાય તો તેમાં ગાંધીજીનો દોષ શોધવાને બદલે તેઓ એમાં પોતાનો દોષ ક્યાં છે એ જ શોધવા પ્રયાસ કરતા.

આવાં કારણોને લીધે સૈન્યભરતીના વિષયમાં આપણે મહાદેવભાઈને મોટે ભાગે ગાંધીજી સાથે મતભેદ પ્રગટ કરતા જોતા નથી. ગાંધીજી કોઈ મુદ્દો મૂકે તો ‘આ મુદ્દો તમે પોતે સૌ આગળ સ્પષ્ટપણે મૂક્યો છે ખરો?’ કે એવો કોઈ પ્રશ્ન પૂછી લેતા, પણ વધુ તર્ક કરતા નહીં.

અહીં એ પણ સ્પષ્ટતા કરી લઈએ કે સૈન્યભરતીના પ્રયાસો ગાંધીજીએ આદર્યા ત્યારે મહાદેવભાઈને એમની સાથે જોડાયે માત્ર છ-સાત માસ જ થયા હતા. એમની ઇચ્છા ત્યારે ગાંધીજીના તત્ત્વની છણાવટ કરવા કરતાં એનું પાન કરવાની હતી. એ ભૂમિકા જ્ઞાનીની નહીં, પણ સગુણ સાકાર ભક્તની હતી.

તેથી જ્યારે સૈન્યભરતી સારુ નામો નોંધાવવાની વાત આવી ત્યારે શરૂઆત ગાંધીજીએ પોતાના નામથી કરી. પણ પછી જે નામો આવ્યાં તે તમામ આશ્રમવાસીઓનાં હતાં. એ કહેવાની જરૂર ન હોય કે એ નામોમાં મહાદેવભાઈનું નામ આગલી હરોળમાં હતું. અલબત્ત, ગાંધીજીની સાથે આ આશ્રમવાસીઓએ પણ માન્યું હતું કે તેઓ શસ્ત્રો નહીં ઉપાડે. યુદ્ધમાં મરવાની તેમની તૈયારી હશે, ઘાયલોની તેઓ સેવા કરશે, પ્રત્યક્ષ શસ્ત્રો ઉપાડવાને બાદ કરતાં બીજી રીતે જે યુદ્ધમાં મદદ થઈ શકતી હોય તો તે કરવા તૈયાર હતા.

એ વાત પણ સાફ છે કે ગાંધીજીની ભૂમિકા પશ્ચિમના શાંતિવાદીઓ જેવી યુદ્ધમાત્રના વિરોધની નહોતી. ગુલામ દેશના આઝાદી માટે ઝૂઝતા નેતાની ભૂમિકામાં રાષ્ટ્રવાદનું તત્ત્વ અવશ્ય થોડેઘણે અંશે પણ આવવાનું જ. અલબત્ત, આ રાષ્ટ્રવાદ તેમને બીજા દેશો પર આક્રમણ સુધી લઈ જાય એવો ઝનૂની અને સંકુચિત રાષ્ટ્રવાદ નહોતો. પણ એ રાષ્ટ્રવાદ એમને પોતાના દેશ પર આક્રમણ થતું હોય તો શસ્ત્રો વિનાયે એનો મુકાબલો કરવાને પ્રેરતો હતો. એમણે પોતે દક્ષિણ આફ્રિકામાં ઝૂલુ યુદ્ધ દરમિયાન સેવાનો અનુભવ લીધો હતો. તેથી, લગભગ એ અનુભવને આધારે જ પોતાના સાથીઓને એને અનુરૂપ પ્ર-શિક્ષણ આપવા માંડ્યું. એક કિશોર તરીકે તે કાળે ખેડા જિલ્લામાં ગાંધીજીના રસાલામાં થોડા દિવસો સારુ આવેલા શ્રી પ્રભુદાસ ગાંધીએ ગાંધીજી દ્વારા અપાતી તાલીમનો તાદૃશ ચિતાર આપ્યો છે:

‘બાપુજી તદ્દન પથારીવશ થઈ ગયા હતા. એમની બીમારી મટતી નહોતી. એમને શરીરે પુષ્કળ નબળાઈ આવી ગઈ હતી. પણ એમનું ચિંતન મોળું નહોતું પડ્યું. એક દિવસ, નમતી બપોરે, ઓશીકા બાજુ ઊભેલા મહાદેવભાઈને બાપુજીએ સાવ ધીમા અવાજે કહ્યું: “અત્યારે તો રંગરૂટ ભરતી માટે આપણું ફાળાનું અટકી પડ્યું છે. હમણાં દિવસો બધા વીત્યે જાય છે. હું પથારીવશ છું, પણ આ સમયનો લાભ લઈ તમારે તમારા શરીરને રંગરૂટ થવા લાયક બનાવવું જોઈએ. રીતસર રંગરૂટમાં ભરતી થયા પછી કવાયત શીખવાની રહેશે. એ માટે શરીર પૂરતું કસાયેલું હોવું જોઈએ. અત્યારથી તમારે લાંબું ચાલવાની શક્તિ મેળવી લેવી જોઈએ. સવારની પ્રાર્થના પછી રોજ સવારે દૂર સુધી ચાલવાનું રાખવું, એટલે લાંબું ચાલવાની ટેવ પડશે.” ’

મહાદેવભાઈએ બાપુજીની આ સૂચના કશાયે વિવાદ વિના સાંભળી લીધી. અને બીજે જ દિવસે અમારી પરોઢની પ્રાર્થના પૂરી થયા પછી અંધારામાં જ ફરવા નીકળી ગયા. સૂરજ ચડ્યે પાછા અનાથાશ્રમમાં જ ઉપલે માળે બાપુજી પાસે આવ્યા.

બાપુજીએ મહાદેવભાઈ પાસે હિસાબ માગ્યો: ‘કેટલે જઈ આવ્યા?’ પોતે વહેલા ફરવા ગયા અને સાત-આઠ માઈલ જેટલે જઈ આવ્યા એ મહાદેવભાઈની વાત સાંભળીને બાપુજીને મુદ્દલ સંતોષ ન થયો. એમણે ચોખ્ખા શબ્દોમાં મહાદેવભાઈને આદેશ જ આપ્યો:

‘તમારે રોજ અઠ્ઠાવીસ માઈલ તો ચાલવું જ. સવારે વીસ માઈલ અને સાંજે આઠ માઈલ.’

મહાદેવભાઈએ રોજ અઠ્ઠાવીસ માઈલ ચાલવાનો બાપુજીનો આદેશ એક સાચા સિપાઈની પેઠે ચૂપચાપ સ્વીકારી લીધો.

એ વાતને બીજે દિવસે મહાદેવભાઈ ફરવા નીકળ્યા ત્યારે તેમણે મને પણ સાથે લીધો, કેમ કે એમને પોતાનો દૈનિક કાર્યક્રમ બદલવો પડે એમ હતું.

નડિયાદથી મહેમદાવાદ જતી સડકવાળા માઈલના પથ્થરોના આંકડા જોતાં જોતાં અમે મધ્યમ ગતિથી ચાલવા માંડ્યું. મહાદેવભાઈ સારી પેઠે ઊંચાઈવાળા હોવાથી લાંબે ડગલે ચાલતા હતા. પણ હું પાછળ ન રહી જાઉં એનું ધ્યાન રાખતા હતા. સવારના પહોરના સમયનો પૂરો ઉપયોગ કરવા સારુ મહાદેવભાઈએ ચાલતાં ચાલતાં મને ગુજરાતી ભાષાનું બહોળું જ્ઞાન આપવા માંડ્યું.

ગુજરાતી ભાષાની કહેવતો યાદ કરી કરીને એમાંનો મર્મ સમજાવે, ‘પાણી પાયું’, ‘પાણી બતાવ્યું’, અને ‘પાણીચું આપ્યું’ — એમ એક એક શબ્દ જુદી જુદી રીતે વાપરતાં અર્થ કેવો બદલાઈ જાય છે તે ખૂબી બતાવી. એક જ અર્થ બતાવનારા કેટકેટલા શબ્દો છે એ ગણાવતા જાય અને મીઠું મીઠું મિત કરતા જાય. એટલે ચાલવાનું રસમય બની જતું હોય અને પંથ સહેલાઈથી કપાતો જતો હતો.

ચાલતાં ચાલતાં ચાર માઈલ પૂરા થાય ત્યારે મહાદેવભાઈ મને કહે કે, ‘તું અહીં રોકાઈ જા. ઝાડને છાંયે બેસ. હું બીજા છ માઈલ પૂરા કરી પાછો આવું ત્યારે આપણે સાથે અનાથાશ્રમ જઈશું.’

પરોઢિયે પાંચ વાગ્યા પહેલાં અમે ચાલવા જઈએ અને દસ વાગ્યા પહેલાં પાછા અનાથાશ્રમમાં પાછા આવી જઈએ. પળનોયે વિસામો લીધા વિના મહાદેવભાઈ કૂવે જઈ નાહવાનું, બાલટી ભરી દાદરો ચડવાનું અને બીજું રોજનું દૈનિક કામ શરૂ કરી દે. સાંજ થવા આવે ત્યારે ફરી પાછા લાંબે સુધી ફરવા જાય અને આવતાં-જતાં આઠ માઈલ ચાલે. એ રીતે એમણે બાપુજીના આદેશનું અક્ષરશ: પાલન કરવા માંડ્યું.

આવી જ રીતે રોજ નિયમપૂર્વક અઠ્ઠાવીસ માઈલ ચાલ્યા પછી એક સાંજે પ્રાર્થના પછી બાપુજી બોલ્યા:

‘મહાદેવ, તમે સાંજે ફરવા જાઓ છો ત્યારે પાછા આવતાં અંધારું થઈ જાય છે. આજકાલ ઉનાળો ચાલે છે, ગરમીને લીધે ખેતરોમાંથી સાપ સડક પર આવે. અજાણ્યે સરપ પર આપણો પગ પડે તો માઠું પરિણામ આવે. જરૂર પડ્યે આપણે મૃત્યુને વધાવી લઈએ પણ નાહક મોતનું જોખમ વહોરવામાં ડહાપણ નથી. તમારે સાંજનું ફરવાનું હવે ન કરવું.’૪

અહીં આપણે એ પણ નોંધ લેવી જોઈએ કે સૈનિકભરતી માટેનો ગાંધીજીનો પ્રયાસ તેમણે હિંદમાં કરેલા વધુમાં વધુ નિષ્ફળ પ્રયાસ પૈકીનો એક હતો. ગાંધીજીના અથાગ પરિશ્રમ છતાંયે તેમને પોતાના આશ્રમવાસીઓ સિવાય બીજો કોઈ સૈનિક મળ્યો નહોતો. ગાંધીજીની એક ફરિયાદ એ હતી કે, ‘ભરતીના કામમાં મને એક પણ માણસ એવો મળ્યો નહોતો, જેણે મારવામાં વાંધો આવવાને લીધે સૈન્યભરતી વિશે પ્રતિકૂળતા બતાવી હોય.’ તેથી તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે લોકો માત્ર ભીરુતાને કારણે જ સેનામાં ભરતી થવા તૈયાર નથી. ગુજરાતના લોકોની ભીરુતા જોઈને ગાંધીજી અવારનવાર દુ:ખ કે આક્રોશ પણ વ્યક્ત કરતા. એમ પણ બન્યું હોય કે સૈનિકભરતી માટેનું વાતાવરણ તપવા માંડ્યું એટલામાં જ મહાયુદ્ધમાં સૈનિકોની જરૂર ન રહી, તેથી નવા રંગરૂટ ભરતી કરવાની મનાઈ આવી અને કાર્યક્રમ પડતો મૂકવો પડ્યો. પણ એયે સ્વીકાર્યે જ છૂટકો કે જે ખેડામાં એક મહિના પહેલાં ગામેગામ ગાંધીજીને અને વલ્લભભાઈને સાંભળવા હજારોની મેદની એકઠી થતી તે જ ખેડામાં લશ્કરભરતીનો વિચાર સમજાવવા ખાતર ઘેર ઘેર ફરીને લોકોને ભેગા કરવા પડતા. આ જ સ્થિતિને વાસ્તવિકતા માનવા ગાંધીજી તૈયાર થઈ ગયા હતા. એમના સૌથી નાના પુત્ર દેવદાસ ગાંધી, જેમને તે વખતે હિંદી પ્રચારાર્થે ગાંધીજીએ તામિલનાડુ મોકલ્યા હતા. તેમને એક પત્રમાં તેઓ લખે છે:

‘હજી સુધીની મારી નિષ્ફળતા એમ સૂચવે છે કે લોક મારી સલાહ માનવા તૈયાર નથી. પણ જ્યાં તેઓને રુચે છે એવા કામમાં હું હાથ ઘાલું ત્યાં મારી સેવા લેવા તૈયાર છે. આ જ યથાર્થ છે.’ અત્યાર સુધી કરેલાં કામોમાં સૈન્યભરતીનું કામ સૌથી કઠણ કામ હતું.

એક વાત ખાસ નોંધવા જેવી છે કે ચંપારણ, ખેડા કે અમદાવાદના મિલમજૂરોના આંદોલન વખતે લોકોમાં જે ઉત્સાહ દેખાતો હતો, અને આંદોલનને જે સફળતા મળી રહી હતી, તેવી કોઈ સફળતા આ કાર્યક્રમમાં મળતી નહોતી કે નહોતો દેખાતો તેવો કોઈ ઉત્સાહ. કોઈ પણ આંદોલનમાં નવાસવા આવેલા તેજસ્વી યુવાનને આવી ઘટના આંચકારૂપ બની રહે. ઘણાય તરુણો આવે પ્રસંગે આંદોલન છોડીને ચાલ્યા જતા પણ જાણવા મળ્યા છે. પણ ભક્ત મહાદેવના સમત્વ પર આ ‘लाभालाभौ जयाजयौ’ની કોઈ અસર જણાતી નથી. તેઓ જેટલા ઉત્સાહથી સફળ આંદોલનમાં ગાંધીજીની સાથે હતા તેટલા જ ઉત્સાહથી અસફળ આંદોલનના પણ સાથીદાર હતા. આ સમત્વ માટે આંતરિક મૂડીની જરૂર હોય છે જે મહાદેવમાં ભરપૂર હતી. એ આંતરિક સમત્વ તેમને બહારની સફળતા-નિષ્ફળતા વેઠી લેવાની શક્તિ આપતું હતું. અનેક ગામડાંઓમાં ગાંધીજીના કાર્યક્રમની વ્યવસ્થા કરવા ગયા હોય ત્યારે લોકો કહેતા કે, ‘બધું ત્યાર (તૈયાર) છે.’ પણ પ્રત્યક્ષપણે ત્યાં જઈને જુએ ત્યારે મહાદેવભાઈને ઝાડુ લગાવવા અને પાથરણાં પાથરવાને સાદ પડાવવાથી માંડીને સર્વ તૈયારીઓ કરવી પડે. પણ એની એમને નાનમ નહોતી. ખેડા જિલ્લાનો ‘ત્યાર છે’ શબ્દ તો ત્યાર બાદ એમની ભાષાનો વિનોદમાં વપરાતો એક પારિભાષિક શબ્દ થઈ ગયો હતો, જે આજીવન એમની સાથે રહ્યો હતો!

ગમે તેવા ઘોંઘાટ વચ્ચે પણ કલમ ચાલુ રાખવાની શક્તિ પણ મહાદેવભાઈએ ખેડા જિલ્લાના આ પ્રવાસ પછી કેળવી. આગળ ઉપર લોહીના દબાણની બીમારીને લીધે ઊંઘ બગડી, ત્યાં સુધી મહાદેવભાઈ પણ ઊંઘ પર ઠીક ઠીક કાબૂ ધરાવતા. એટલે ચાહે ત્યારે ઊંઘી શકતા અને ચાહે ત્યારે ઊઠી શકતા અથવા શોરબકોર કે હર્ષનાદો વચ્ચે પણ ઊંઘ લઈ શકતા, તેની તાલીમની શરૂઆત પણ ખેડામાં થયેલી.

આ દિવસોમાં છેલ્લા માસ બે માસ દુર્ગાબહેન પણ નડિયાદ આવીને બાપુની મુખ્ય છાવણી ભેગાં ભળેલાં. તેથી રાંધવાની જવાબદારી તેમણે ઉપાડેલી. બાકી શરૂઆતમાં ‘પ્રેમથી રાંધેલી ખીચડી’ બનાવી આપવાની જવાબદારી ઘણી વાર મહાદેવની થઈ જતી.

દુર્ગાબહેનને ચંપારણથી નીકળીને મહાદેવ પાસે કે સાબરમતી આશ્રમમાં આવવાની રજા પણ ભારે તપસ્યાને અંતે મળી હતી. ચંપારણના ગામ મધુવન, જ્યાં દુર્ગાબહેન ‘પંડિત’ તરીકે કામ કરતાં હતાં ત્યાંથી ગાંધીજીને લખેલ એક પત્ર હાથ લાગ્યો છે, જે પુરાણકાળની મહાદેવપ્રિયા સતીની યાદ અપાવે તેવો છે. એ પત્રનો મોટો ભાગ અહીં એટલા સારુ ઉતાર્યો છે કે તેમાં દુર્ગાબહેન તેમ જ મહાદેવભાઈ બંનેની અંતરકથા છતી થાય છે:

દુર્ગાબહેન ગાંધીજીને લખે છે:

હું આપ ઇન્દોરથી અત્રે જ આવશો એમ આશા રાખતી હતી. પણ મારી તે આશા વ્યર્થ ગઈ. આજે આ પત્ર લખું છું એમાં કંઈ વધારે પડતું લખાય તો મને ક્ષમા કરશોજી.

મેં આપને આગળ એક પત્રમાં લખ્યું હતું કે મને હવે વિયોગ સહન કરવાની ટેવ પડી છે, પણ ત્યારે હું ધારતી હતી કે તમે બંને થોડા વખતમાં અત્રે આવી પહોંચશો. પણ મારી એ આશા પણ નિષ્ફળ ગઈ અને આજે મારે આપને લખવું પડે છે કે મારામાં હિંમત તો મૂળથી જ નથી, પણ મેં મારી લાગણી દબાવી રાખી હતી. પણ હવે લાગણી નહીં દબાય…

મારાથી મારી સ્થિતિ હવે નથી સહેવાતી. હું અત્રે કાંઈ ભારે કામ પણ કરતી નથી. અને મારી તેવી મોટી ઇચ્છાઓ પણ નથી. મેં મારા નાના જીવનમાં શાંત જીવન ગાળી જવાની જ ઉમેદ રાખી છે.

મહાદેવપ્રસાદ આપની સાથે રહી આપની સેવા બજાવે છે, તેથી મને બહુ સંતોષ થાય છે. કોઈ પણ પ્રકારની એમને સૂચના કરીને તેમની સેવામાં આડે આવું અથવા તેમનું દિલ દૂભવું તો મને તેથી સોગણું દુ:ખ થાય એમ છે. પણ આપની સાથે એમની એ સેવામાં ભાગ લેવા ઇચ્છું છું. અમે અત્રે આવ્યાં ત્યારે મેં એમ જ આશા રાખેલી કે હું હંમેશાં એમની સાથે જ રહીશ. તેથી, અને તેમની ઉત્કંઠા જોઈને જ મેં એમને રજા આપેલી. પણ હવે મારાથી મારી સ્થિતિ સહેવાતી નથી.

મારી નમ્ર વિનંતી આપ કબૂલ નહીં કરો? આપે મને પુત્રી બનાવી છે તો મને પણ કાંઈક માગવાનો હક છે અને તે માગી લઉં છું.

આપની સાથે એઓ રહે છે અને બાકીનું રાંધવાનું, કપડાં વગેરે બીજી વ્યવસ્થા રાખવાનું એવું પરચૂરણ કામ હું કરું તો મને તેમ કરવાની આપ રજા નહીં આપો?

અ. સૌ. બા આપની સાથે નથી. તેઓ મારા જેવી મૂંઝવણ ભોગવી રહ્યાં છે. અને મારે આમ લખવું પડે છે તે મને બહુ ખરાબ લાગે છે. પણ શું કરું? હું મારા મનના ભાવને દાબી નથી શકતી. મારે અંગે મુસાફરીમાં જેટલો ખર્ચ થાય તેટલાનું વળતર હું આપને મારી ભાંગીતૂટી સેવાથી નહીં આપી શકું?

મને મહાદેવપ્રસાદના પણ બહુ વિચાર આવે છે. તેમનું બુદ્ધિના કામમાં પોતાનું મન ખીલે એવામાં જ એમનું ઝાઝું ધ્યાન રહે છે. એટલે ઝીણી વસ્તુઓ સંભાળી લેવી એમને માટે કઠણ છે, છતાં તે ન સંભાળી શકે તો પાછળથી તેને માટે મૂંઝાય છે. એ પણ મને ખબર છે. મારે ઘેર નાનામાં નાની બાબતો મારે અને મારી સાસુએ એમને સંભારવી પડતી તે મને યાદ આવે છે અને દુ:ખ થાય છે. એમનું એવું કામ કરીને આપની સેવા કરવામાં એમને વધારે અનુકૂળતા હું નહીં કરી શકું? મારે મન એમની સેવા પણ ઓછી ન જ કહેવાય.

આપની સાથે રહેવામાં અને ફરવામાં જેટલી અડચણો નડે તે હું ખમી લેવાને તૈયાર છું. પણ હું એકલી નહીં જ રહી શકું. મારામાં એ બળ નથી આવ્યું. આ ધ્યાનમાં નહીં લો?

મને એમ થાય છે કે મે મહિનામાં આનંદીબહેન ચાલ્યાં જવાનાં ત્યારે મને સૂનકાર લાગશે. લોકસેવામાં મારું મન એટલું બધું ચોંટેલું નથી કે મારી પ્રિય વસ્તુના વિચાર પણ હું તેમાં ભૂલી જાઉં. તો તે પહેલાં મારી આ સ્થિતિ છૂટે એમ કરશો એમ પ્રાર્થના કરું છું. આનાથી મને મારે ઘેર રહીને મારી વૃદ્ધ અને દુ:ખી માતાની સેવા કરવાનું વધારે અનુકૂળ પડશે એમ લાગે છે.

આપને અનેક પ્રવૃત્તિમાં આ પણ વળી એક નવો ત્રાસ. પણ શું કરું? મારાથી લખ્યા સિવાય રહેવાતું નથી. હજી પણ એક બાબત આપને લખવા ઇચ્છું. મારે ઘેરથી મારા પૂજ્ય શ્વશુરનો મારી ઉપર એક પત્ર આવ્યો હતો. તે ઉપરથી એમ માલૂમ પડ્યું હતું કે તેમને અમારી આ સ્થિતિ પસંદ પડી હોય એમ લાગતું નથી. તેમણે અમને આવવાની રજા આપેલી, પરંતુ તે તેમના ખરા દિલથી નહીં એમ મને એમના પત્ર પરથી જણાય છે. તો મારે આપને એટલું કહેવું જોઈએ કે મહાદેવપ્રસાદને આપની સેવામાં રહેવાની ઇચ્છા છે તો તેમાં હું બિલકુલ આડે આવવા ચાહતી નથી. પરંતુ મારા પિતાશ્રીને પણ દૂભવવા હું ચાહતી નથી. એટલે તેમને જ્યારે જરૂર પડે ત્યારે અમે તેમને પણ ઉપયોગી થઈ પડીએ એમ ઉમેદ રાખું છું. અને તે આપની પાસેથી ચાહું છું. અને જિંદગીભરને માટે આપની જ સાથે રહીશું એવી પ્રતિજ્ઞા પણ લઈ શકતી નથી. તોપણ અમારાથી જ્યાં સુધી રહેવાશે ત્યાં સુધી રહેવાને તૈયાર છું.

પત્ર દુ:ખથી લખાયો છે એટલે ક્ષમા આપશો જ એવી વિનંતી કરું છું. …આ પત્ર વાંચવાને માટે ત્રાસ આપું છું માટે ક્ષમા કરશોજી. આપે મને પુત્રી બનાવી છે તો હું સમજું છું મને મારા હૃદયની વાત મારા પિતા આગળ સ્પષ્ટ કહેતાં શરમાવાનું શેનું?૫

સ્વાભાવિક રીતે જ દુર્ગાબહેનના નડિયાદ આવ્યા પછી મહાદેવભાઈ તથા ગાંધીજી બંનેને થોડી રાહત થઈ હતી.

પરંતુ લશ્કરભરતીના પ્રયાસમાં તનતોડ પરિશ્રમ કરી ગાંધીજીએ શરીર ઘસી નાખ્યું. સખત મરડો થયો અને ખૂબ લાંબા ગાળા સુધી તેની તકલીફ રહી. શરીર એટલું ક્ષીણ થઈ ગયું કે થોડા દિવસ તો જાણે જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતા હોય એમ લાગ્યું. સામાન્ય રીતે પોતે જાત પર આવેલું કષ્ટ સહન કરી લેનાર મહાદેવથી બીજાનું દરદ સહન થતું નહીં. તેમાં વળી આ તો ગાંધીજીનું દરદ, એટલે પછી મહાદેવની ચિંતાનું તો પૂછવું જ શું? દિવસરાત ખડે પગે ઊભા જ હોય. ગાંધીજી જ્યારે ઊંઘે ત્યારે બેસીને ટપાલ લખે. ટપાલ પણ એ દિવસોમાં બમણી લખવાની હતી — એમની અને ગાંધીજી વતી.

ગાંધીજી લગભગ બધી બીમારીઓને માણસની પોતાની કૃતિ માનતા હતા. તેમાં વળી પોતાની બીમારી હોય તો એ પોતાને માફ કરે જ શાના? એમણે માની જ લીધું કે પોતાના અનિયમિત આહારવિહારને કારણે જ આ બીમારી આવી છે. એટલે તેનો ઇલાજ પણ તેઓ પોતાના પ્રયોગો દ્વારા જ કરવાનો પ્રયત્ન કરતા હતા.

ગાંધીજીને મરડાને લીધે શૌચ જવાની તકલીફ પડતી હતી તે મહાદેવભાઈથી જોઈ ન શકાયું. તેમણે આશ્રમમાંથી ગાંધીજી સારુ એક કમોડ મગાવ્યું. નરહરિભાઈ વળતી ગાડીએ કમોડ લઈને નડિયાદ આવ્યા. રાષ્ટ્રીય શાળાના કામમાં ખૂંપેલા નરહરિભાઈ ખેડાનો સત્યાગ્રહ જોવા કે ગાંધીજી પોતાને ગામ કઠલાલ ગયા ત્યારે પણ રાષ્ટ્રીય શાળા છોડીને બહાર નીકળેલા નહીં. એમને આવેલા જોઈને ગાંધીજીએ પૂછ્યું, ‘કેમ આમ એકાએક આવવાનું થયું?’ ‘કમોડ લઈને આવ્યો.’ નરહરિભાઈએ સહજભાવે કહ્યું, ‘કમોડ કોણે મગાવ્યું?’ મહાદેવભાઈએ સમજાવવા પ્રયત્ન કર્યો કે તેમને અહીં શૌચ જવાની અગવડ પડતી હતી અને આશ્રમનું કમોડ તો ખાલી જ પડ્યું હતું. ગાંધીજીએ તેમની ઉપર ભારે ગુસ્સો કર્યો. ‘એમ આશ્રમના ઉપયોગ સારુ રાખેલું કમોડ આપણાથી મગાવાય જ શી રીતે?’ મહાદેવભાઈએ દલીલ કરી જોઈ કે ત્યાં કોઈ વાપરતું નહોતું, તેથી ગાંધીજી વધુ ખિજાયા. તેમણે કહ્યું, ‘રેલવે સ્ટેશન પર આગ ઓલવવા જેમ ડોલો, પાણી કે રેતી ભરેલી પડી હોય છે, એનો રોજેરોજ ઉપયોગ ન પણ થતો હોય, તેમ આશ્રમના કમોડનું પણ ગણવું. ગમે ત્યારે પણ એ કોઈકના ઉપયોગમાં આવે.’ ગાંધીજીને આમ મહાદેવ અને નરહરિ પર ગુસ્સે થયેલા જોઈને વલ્લભભાઈ વચ્ચે પડ્યા કહે, ‘કેમ આ છોકરાઓને ધમકાવો છો? તમે દક્ષિણ આફ્રિકા રહેલા તેથી તમને કમોડની ટેવ હોય. આશ્રમમાં કોઈને એવી ટેવ નથી. ત્યાં કોઈને ઝાડા થતા હોય તોપણ તે કમોડ કરતાં સાદા પાયખાનાનો ઉપયોગ કરવો પસંદ કરે એમ છે.’

વલ્લભભાઈના વચ્ચે પડવાથી ગાંધીજી શાંત પડ્યા. પણ તોયે તેમણે તો રાતોરાત કમોડ પાછું લઈ જવાની સૂચના આપી જ. વલ્લભભાઈએ નરહરિભાઈને રાતોરાત પાછા જતાં રોક્યા અને બીજે દિવસે વળાવ્યા.

આમ રાતદિવસ ખડે પગે ઊભા રહેતા મહાદેવને પણ એની ખાતરી નહોતી કે સ્વામી કઈ ઘડીએ પુણ્યપ્રકોપ કરશે!

નોંધ:

૧. गांधीजीनो अक्षरदेह – ૧૪ : પૃ. ૩૨૦થી ૩૩૧માંથી સારવીને.

૨. महादेवभाईनी डायरी – ૪ : પ્રસ્તાવના, પૃ. ૬, ૭, ૮માંથી સારવીને.

૩. એજન, પૃ. ૯.

૪. शुक्रतारक समा: પૃ. ૭૯, ૮૦.

૫. ગાંધી સ્મારક સંગ્રહાલયના પત્રવ્યવહારમાંથી.