અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/સોળ – દીક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સોળ – દીક્ષા

૧૯૧૭ના નવેમ્બરમાં મહાદેવભાઈ ગાંધીજી સાથે જોડાયા. ૧૯૨૧ના ડિસેમ્બરમાં તેઓ પહેલી વાર જેલમાં ગયા. આ ગાળો એમના દીક્ષિત થવાનો ગાળો ગણાય. જોકે કેટલીયે બાબતમાં તેઓ ગાંધીજી પાસે આવતાં પહેલાં જ તૈયાર હતા. ઘણી બાબતો તેમણે આવતાંવેંત ઉપાડી લીધી, જ્યારે અમુક પ્રકારની સાધના તો છેલ્લા શ્વાસ સુધી ચાલી

પણ આપણે જેને દીક્ષાકાળ ગણ્યો છે એટલા કાળ દરમિયાન મહાદેવભાઈએ ગાંધીજી જોડે અસાધારણ એકાત્મતા સાધી લીધી હતી. એ એકાત્મતા સાધવા સારુ અંદરબહાર બંને બાજુની તાલીમની જરૂર હતી — બહાર કરતાંયે અંદર વધારે. મહાદેવભાઈની સહજ વૃત્તિ જ અંતર્મુખ હતી, તેથી અંદરની તાલીમ લેવી તેમને માટે સ્વાભાવિક હતી, અને બહારની તાલીમ અંદરની તાલીમને અનુસરતી હતી.

રવીન્દ્રનાથે એક શબ્દ યોજ્યો છે: ‘આગુનેર પરશમણિ’ — અગ્નિનો પારસમણિ. એમણે ગાયું છે:

आगुनेर परशमणि छोंआओ प्राणे अे जीवन पुण्य करो दहनदाने.

(અગનના પરસમણિથી દહો પ્રાણ આ – જીવનને દહનથી શુચિ બનાવો!)

અને પછી કહે છે:

દેહ આ માહરો ઊંચકી લઈ જરા કોડિયું મંદિરે તવ જલાવો!

મહાદેવભાઈ જાણે આવા અગનપરસ સારુ તૈયાર થઈને જ ગાંધીજી પાસે આવ્યા હતા. તેથી બહારના ક્ષેત્રે દોડાદોડી, કલાકોના કલાકો સુધી કામ, કષ્ટમય જીવનની હાડમારી, પત્નીનો વિયોગ ઇત્યાદિ અને અંદરના ક્ષેત્રે નિરંતર સાવધાની, આત્મખોજ, પોતાની ત્રુટી શોધી કાઢવાની, તેને સ્વીકારવાની અને પરિષ્કૃત કરવાની તત્પરતા, વગેરે. સાધક માટે આકરી તપસ્યાના વિષય બની શકે તેવા વિષયો મહાદેવભાઈ માટે અલ્પ કષ્ટસાધ્ય હતા. આ સાધના પાછળ એમની પાસે જે મૂડી હતી તે ભક્તિની હતી. એ ભક્તિને લીધે એમની સાધના સહજ બની જતી હતી. ભરજુવાનીમાં, ભણીગણીને, વકીલાતનો ધંધો કે નોકરી છોડીને સમાજસેવાર્થે નીકળી પડવાને સામાન્ય લોકો ત્યાગ કહે. પણ મહાદેવભાઈ તો કહી ગયા છે:

‘સાચું પૂછો તો દુનિયામાં ત્યાગ જેવી કોઈ વસ્તુ જ નથી. જે માણસ બરાબર સમજીવિચારીને કોઈ પણ વસ્તુનો કે શોખનો ત્યાગ કરે છે તે એના કરતાં વધુ સુંદર વસ્તુની પ્રાપ્તિ માટે તેમ કરતો હોય છે. પહેલી વસ્તુ કે શોખ પ્રત્યે તેને અરુચિ અથવા વિરક્તિ ઉત્પન્ન થાય છે. અને તેનાથી સુંદર લાગતી વસ્તુ કે શોખ માટે તેના હૃદયમાં અનુરક્તિ ઉત્પન્ન થાય છે. “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના” એ મહાસત્યનું પણ આ જ રહસ્ય છે.’

જે જીવન છોડીને મહાદેવભાઈ ગાંધીજી પાસે આવ્યા હતા તેને વિશે તેમને રુચિ ખૂબ ઊંડી નહોતી, એમ ભણતર પૂરું કર્યું ત્યાર પછી ગાંધીજી સાથે જોડાયા ત્યાં સુધીના કાળનું એમનું જીવન બતાવે છે. ઐહિક સુખો પ્રત્યેની એમની આસક્તિ સરેરાશ લોકો કરતાં કાંઈક ઓછી જ હશે એમ જણાય છે. પત્નીથી વર્ષો સુધી દૂર રહીને અભ્યાસ કે નોકરી કરવાની તૈયારી, પરસ્ત્રીને પોતાની શય્યામાંથી દૂર ખસેડવાની વિવેકબુદ્ધિ, અર્થપ્રાપ્તિમાં બહુ મોટા મનોરથો ન રાખવાની વૃત્તિ, ખાણીપીણી અને રહેણીકરણીમાં આર્થિક મર્યાદાને કારણે એક સીમા આવી જતી તે મોજશોખને ખાતર ઉલ્લંઘવાની વૃત્તિનો અભાવ, એ બધું એમ બતાવે છે કે સામાન્ય રીતે દુનિયા જેને ભોગના વિષયો માને છે તેને અંગે મહાદેવભાઈને બહુ આસક્તિ નહીં હોય. બીજી બાજુ એમને જે વિષયમાં અનુરક્તિ હતી તે ઘણી ઉદાત્ત અને તીવ્ર હતી. એ અનુરક્તિનો આરંભ, અલબત્ત, નાનપણથી ધાર્મિક સંસ્કાર દ્વારા, કિશોર અને યુવાવસ્થામાં નૈતિકતા પોષે એવા સંયોગો અને વલણ દ્વારા તેમ જ સાહિત્ય અને દર્શનના અભ્યાસ દ્વારા થઈ ચૂક્યો હતો. પરંતુ ગાંધીજી પાસે આવવાથી મહાદેવભાઈને પોતાની અનુરક્તિ ઠાલવવાનું સગુણ સાકાર આલંબન મળી ગયું હતું. આ આલંબન (ગાંધીજી) પોતે એક જડ કે સ્થિર વસ્તુ નહીં પણ નિત્ય વિકાસશીલ હતું. તેથી ગાંધીજીના વિકાસની સાથે મહાદેવભાઈનો પણ ચેતોવિસ્તાર સતત થતો રહ્યો. બંનેની પ્રકૃતિમાં કેટલાક ભેદ હતા તેને લીધે સંઘર્ષ પણ થયા છે, પણ સંઘર્ષ કરતાં વૈવિધ્ય વધુ સર્જાયું છે.

આવા સુમેળ પાછળ મુખ્ય તત્ત્વ પ્રેમનું હતું — જે આકર્ષણથી વધતું વધતું એકાત્મતા સુધી પહોંચ્યું. પણ એ પ્રેમે, મુખ્યત્વે બંનેના પ્રકૃતિભેદને લીધે અનેક રિસામણાં-મનામણાં, કોપ-પશ્ચાત્તાપ, અસંતોપ-સમાધાન પણ અનુભવ્યાં છે. મહાદેવભાઈના દીક્ષાકાળનાં આ વર્ષો પ્રેમના હિંડોળાના આવા અનેક આરોહઅવરોહથી ભરપૂર છે.

પહેલી મુલાકાત વખતે જ બંનેના પ્રથમ દૃષ્ટિએ પ્રેમના પ્રસંગને આપણે આગળ ઉપર જોઈ ગયા છીએ. ગાંધીજીએ મહાદેવને પ્રેમ, આશ્ચર્ય અને આનંદમાં ગરક કરી દીધા હતા. અને ‘મને તો આ પુરુષને ચરણે બેસી જવાનું મન થાય છે’ — એમ મહાદેવને થયું હતું. જ્યારથી સાથે રહેવા-ફરવાનું શરૂ થયું ત્યારથી ગુરુશિષ્ય વચ્ચે સ્નેહના પ્રસંગો સંખ્યાબંધ બનવા લાગ્યા. ભાગ્યે જ પોતાને હાથે રસોઈ બનાવી હોય એવા મહાદેવને રસોઈ બનાવતાં શીખવું પડ્યું. એ રસોઈમાં કોઈ કોઈ વાર મહાદેવનાં અશ્રુબિંદુ પણ ભળતાં ગાંધીજીએ દીઠાં. પછી પોતે શિક્ષક બનીને રસોઈ કરતાં શીખવી. અને થોડા વખતમાં તો કહી શક્યા કે એમના હાથની પ્રેમે રાંધેલી ખીચડી ખાવા મળે છે એ બીજા લાભો ઉપરાંત વધારાનો લાભ હતો.

ત્યારથી બંધાયો હતો એક અપૂર્વ સંબંધ, જે મહાદેવના જીવનના છેલ્લા શ્વાસ સુધી અને ગાંધીજીના સ્મરણના છેલ્લા દિવસો સુધી ટકવાનો હતો.

ગાંધીજીએ મહાદેવના માનસનો લગભગ સંપૂર્ણ કબજો લઈ લીધો હતો અને મહાદેવે ગાંધીજીના કામકાજનો. આરંભ થયો સાહચર્યથી. ગોધરાની રાજકીય પરિષદ પછી ચંપારણ જવા મોહન અને મહાદેવ સાથે નીકળ્યા ત્યારથી પચીસ વરસના સહવાસમાં બેયનો સંગ છૂટ્યો હોય તો કેટલાક જેલવાસમાં, મહાદેવની માંદગીમાં અથવા કાંઈક ખાસ સોંપેલા કામસર મહાદેવને બીજે ઠેકાણે મોકલ્યા હોય ત્યારે, નહીં તો બંને જણ એક જીવ બે ખોળિયાં માફક રહ્યા.

મહાદેવે માત્ર ગાંધીજીના દફતરનાં કામકાજ સંભાળવાથી જ શરૂઆત નહોતી કરી. રોજેરોજનાં ઘરકામનાં કે અંગત કામો પણ એટલી સહજતાથી ઉપાડી લીધાં કે એ કામ સોંપતાં ગાંધીજીએ પણ સહેજે સંકોચ ન અનુભવ્યો. ૧૯૪૨માં મહાદેવના મરણ પછી ડૉ. સુશીલાબહેને જ્યારે એમનાં કપડાં ધોવા માંડ્યાં તે કાળે ગાંધીજી દરેક ઘટના સાથે મહાદેવને સંભારતા હતા. ‘આ બધાં કામો મહાદેવ કરતા. એટલું જ કે તે વખતે હું આજના કરતાં ઘણાં વધારે કપડાં પહેરતો અને તે પણ ખૂબ જાડાં અને વજનદાર હતાં’, પણ સાથે એમ કહીને પોતાનો સિદ્ધાંત સમજાવતાં મનને થોડુંક સાંત્વન પણ આપી દેતા કે, ‘મહાદેવે ભારે કામોમાં યશસ્વિતા મેળવી તે શરૂઆતનાં વર્ષોમાં નાનાં કામો કરવાની તાલીમનું ફળ છે.’

આ ‘નાનાં કામોને’ ગાંધીજી નાનાં માનતા જ નહીં. દરેક કામને તેઓ સરખી કાળજીથી કરતા, એટલું જ નહીં પણ કરાવતા. રસોઈ શી બનવી જોઈએ અને કેવી રીતે બનાવવી જોઈએ તેમાં એમને રસ હતો. પથારી કેવી રીતે પાથરવી અને સંકેલવી જોઈએ તેમાં તેમને રસ હતો, પાણી કેટલું વપરાયું, ચૂલામાં બળતણ કેટલું વપરાયું, કાગળ એક બાજુ કોરો હોય તો તે વપરાયો કે નહીં, પત્ર લખ્યો તો તેનું સંબોધન યથાયોગ્ય થયું કે અવિવેક અથવા અતિવિવેક થયો એ જોવું, દરેક નવે સ્થળે પહોંચ્યા પછી ત્યાંથી ટપાલ કેટલા વાગ્યે જાય છે એ જાણી લીધા પછી બરાબર સમયસર ટપાલ પેટીમાં પડી કે નહીં એ બધી બાબતમાં ગાંધીજીને રસ હતો અને આ તમામ બાબતો ઝટપટ શીખી લઈ એ બાબતોમાં ગાંધીજીને ચિંતામુક્ત અને ભારમુક્ત કરી દેવામાં મહાદેવને રસ હતો. આ કામો સોંપવા અને કરાવવામાં ગાંધીજીમાં કડકાઈ અને સ્નેહનું અજબ મિશ્રણ હતું.

તેથી એક દિવસ મહાદેવભાઈ પોતાની ડાયરીમાં નોંધે છે:

‘ગાડીમાં બેઠા પછી મને પૂછ્યું, “ટાંકીમાં પાણી નખાવ્યું છે?” મને ખ્યાલ ન હતો. ‘તમને આવી વસ્તુ પણ કહેવી પડે છે? મુસાફરોને શું શું જોઈએ તે તમારે જાણવું જ જોઈએ. … હું બહાર જાઉં ત્યારે તમારે એવી વસ્તુઓ સંભાળી લેવી જ જોઈએ. એ બધું તમારે પહેલું જ શીખવાનું છે.’

આમાં છેલ્લાં બે વાક્યોમાં ત્રણ વાર વપરાયેલો ‘જ’ શબ્દ ગાંધીજી કેવા કડકાઈથી કામ લેનાર હતા એ વાત એ દેખાડી આપે છે.

બીજી બાજુ સાથી માટેની કાળજી પણ તેવી જ. એસ્થર ફેરિંગ નામની એક ડેનિશ યુવતીને પહેલી એપ્રિલ, ૧૯૧૭ને દિને લખેલા પત્રમાં ગાંધીજી લખે છે:

‘ … તું સ્ટેશન પર ન મળી તેથી મને બહુ દિલગીરી થઈ. તારે માટે અને બિચારા મહાદેવ માટે મને બહુ લાગી આવ્યું. તમે બંને બહુ લાગણીપ્રધાન છો. એક જ બીબામાં ઢળાયેલાં છો. ટ્રેન ઊપડી ચૂકી ત્યારે બારીમાંથી જોતો હું કંપતો હતો. મને એમ થતું હતું કે ટ્રેન પકડવા મહાદેવ એવી ગાંડી દોટ મૂકશે કે કેવળ થાકથી જ ફસડાઈ પડશે. બેજવાડામાં એને જોયો ત્યારે મને નિરાંત થઈ. …’૧

આ પ્રીતિસંબંધ બહુ અલ્પકાળમાં જ ઘનિષ્ઠ થઈ જાય છે. એટલે સુધી કે બંનેને એકબીજા વિના થોડા દિવસ રહેવું પણ ભારે લાગે છે. માત્ર એક દિવસ સારુ મહાદેવને અલાહાબાદ મૂકીને ગાંધીજી પટણા જતા હતા. બીજે દિવસે તો મહાદેવ એમને જઈને મળવાના હતા. પણ મહાદેવ નોંધે છે કે, ટ્રેનમાં બાપુને વળાવતાં પોતાને રડવું આવી ગયું, અને ગાંધીજી એક પત્રમાં લખે છે:

‘હું ન લખું એટલે તમારાથી પણ ન લખાય એવો કાયદો માથેરાનમાં ઘડાયો લાગે છે.’૨ અથવા ‘તમારો કાગળ મળ્યો. — મને ફુરસદ હોય યા ન હોય, પણ જમવું પ્રિય છે, તેમ કેટલાક કાગળો પણ પ્રિય છે. એટલે જેમ જમવાનો તેમ તેવા કાગળો વાંચવાનો વખત કાઢું.’૩

ગાંધીજીની વ્યક્તિગત સેવામાં મહાદેવ મણા નહોતા રાખતા. તો ગાંધીજી કોક વાર અગાસીમાં સૂઈ ગયેલા મહાદેવને ઉઠાડીને પલંગ પર સુવડાવી દેતા. અલબત્ત, બંનેની ઉંમરમાં એક પેઢીનો ફરક હતો. એમ તો બંનેના સ્વભાવમાં પણ ઘણો ફરક હતો. તેથી મહાદેવના પ્રેમમાં કેટલીક વાર અતિભાવુકતા જોવા મળતી. ગાંધીજી જ્યારે ધ્યાન આપે, વાત કરે કે પત્ર લખે ત્યારે પોતાનું પૂરું દિલ બેચાર વાક્યોમાં ઠાલવી દે, છતાં એમના પ્રેમમાં લાગણીવેડા જોવા ન મળે. ગાંધીજીના આસામના એક પ્રવાસ વખતે મહાદેવભાઈ અલાહાબાદ હતા. ત્યાં મોકલ્યા તો ગાંધીજીએ જ આગ્રહ કરીને, પણ આ પ્રવાસ દરમિયાન ગાંધીજી લગભગ રોજેરોજ મહાદેવનું સ્મરણ કરે છે.

સિલચર જતાં રસ્તામાંથી લખે છે:

‘બ્રહ્મપુત્રની મુસાફરીમાં તમને ઠીક યાદ કર્યા. પણ કંઈ આપણને ભાવે એટલું મળે છે કે ખવાય છે?’૪ તેજપુરથી લખે છે: ‘આસામમાં તમે હોત તો તમારી કાવ્યશક્તિને ઠીક ભોજન મળત. પણ આપણે કંઈ ભોગ ભોગવવા આ કર્મભૂમિમાં જન્મ્યા નથી. એટલે આસામ અને પ્રયાગ બંનેમાંથી જે કાવ્ય સિંચાય તે સિંચવું રહ્યું.’૫

આમ આપણે જોઈએ છીએ કે ગાંધીજીના પ્રેમ અને પ્રશિક્ષણ વચ્ચે બંનેને નોખા પાડતી રેખા ખૂબ પાતળી હતી.

ગાંધીજીએ પોતાના સાંનિધ્યમાં જે હજારો કાર્યકર્તાઓ તૈયાર કર્યા તેની પાછળનું મુખ્ય તત્ત્વ હતું ગાંધીજીનું જીવન. એ જીવન જ કાર્યકર્તાઓને પ્રેરણા આપતું. એવું જ અગત્યનું તત્ત્વ હતું ગાંધીજીનો પ્રેમ. જે પ્રેમમાં ઠપકો પણ મીઠો લાગતો અને જે કસોટીના સમયમાં કાર્યકર્તાઓને ટકાવી રાખતો.

ગાંધીજીએ મહાદેવના આ ‘દીક્ષાકાળ’ દરમિયાન એમને જે તાલીમ આપી તેમાં ઝીણામાં ઝીણી બાબતો અને આવડતો વિશેની કુશળતાનું શિક્ષણ તો હતું જ, પણ એના કરતાંયે વધારે અગત્યની વાત એમના આંતરિક શિક્ષણની હતી.

મહાદેવના આંતરિક શિક્ષણમાં પહેલી વાત એમની પોતાની જાતને સમજતા કરવાની હતી. એમનું આંતરિક પૃથક્કરણ કરતાં તેઓ થાકતા જ નહીં. મહાદેવ વિશે ઠેઠ ૧૯૨૦ની જાન્યુઆરીમાં ગાંધીજી એસ્થર ફેરિંગને ચિંતા સાથે ફરિયાદ કરે છે:

‘આજે પરોઢિયે ઉત્સાહના બે શબ્દો તને લખવાની ઇચ્છા થઈ આવી. બિચારા મહાદેવ માટે મને એવી જ લાગણી થાય છે. તેને ગજા ઉપરાંતનો બોજો ઉઠાવવો પડે છે. ઈશ્વરનો પાડ માનું છું કે તેનું અંત:કરણ બહુ જ સંવેદનશીલ છે. તે એના પોતાના પ્રત્યે બહુ અક્ષમાવાન રહે છે. પણ એનો સ્વભાવ બહુ જ આળો છે, પોતાની અંદર રહેલા દિવ્ય તત્ત્વનો તેને પૂરો અનુભવ નથી થયો એટલે તે ચિંતા કર્યા કરે છે. …’૬

પોતાની અંદર રહેલા દિવ્ય તત્ત્વનો અનુભવ લેવો એ ગાંધીજીનો નિરંતર પ્રયાસ હતો અને પોતાના નિકટતમ સાથીઓમાં પણ એ શોધ જોવા માગતા હતા. આ દિવ્ય તત્ત્વની ખોજને આપણે અધ્યાત્મ કહી શકીએ. પણ સમગ્ર જીવનને અખંડ માનનાર ગાંધીજીને મન આધ્યાત્મિક, નૈતિક કે દુન્યવી એવા ભેદ નહોતા. કારણ, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આદિ પાયાનાં મૂલ્યોને તેઓ એકલા આચરણમાં જ કે વાણીમાં જ નહીં પણ મન, વચન અને કર્મ ત્રણેયમાં જેવા પ્રયત્નશીલ હતા. તેથી જ ગાંધીજી દિવ્ય તત્ત્વના અનુભવની વાત કરે છે, તો બીજી તરફ ‘ચારિત્ર્યની પૂંજીમાં વધારો એ જ ખરી લક્ષ્મી’ છે૭ એમ કહે છે. એને આપણે નૈતિક ક્ષેત્રનો વિષય કહીશું અને ‘રેલના ડબ્બામાં પાણી ભરી લીધું કે નહીં’ એને દુન્યવી ક્ષેત્ર કહીશું. પણ ગાંધીજીને મન આ ત્રણે ક્ષેત્રો મહત્ત્વનાં હતાં. બલકે જીવનનાં એક તરફ આર્થિક, સામાજિક, રાજનૈતિક વગેરે, તો બીજી તરફ આધિભૌતિક, નૈતિક, આધ્યાત્મિક વગેરે ક્ષેત્રોમાં એકત્વ જોવું એ ગાંધીજીની ચિંતનશૈલીની વિશિષ્ટતા હતી. તેથી પોતાનાં ભાષણો તથા લખાણોની પ્રસ્તાવના કોણ લખે એ પ્રશ્નનો ગાંધીજીનો છેવટનો જવાબ છે:

‘મારું આચરણ એ જ શુદ્ધ પ્રસ્તાવના. વાંચી શકે તે વાંચી જોશે.’૮

ખેડા જિલ્લામાં ઠેઠ ૧૯૧૮માં ઉચ્ચારેલા વચન અને નોઆખાલીમાં જીવનને છેડે ઉચ્ચારેલ મહાવાક્ય ‘મારું જીવન એ જ મારી વાણી’ એ બેમાં આપણને જે સામ્ય દેખાય છે તેની પાછળ જીવનના આચાર, વિચાર, પ્રચાર, — એવા જુદા જુદા ભાગલા પાડી ન શકાય, સમગ્ર જીવન એક અખંડ સાધના છે, એ એમની માન્યતા હતી. દીક્ષાકાળ દરમિયાન મહાદેવનું જે પ્રશિક્ષણ થયું તેનો ‘પાઠ્યક્રમ કે અભ્યાસક્રમ’ તે આ માન્યતા ઉપર ખડો હતો. એના એક પાઠનો નમૂનો જુઓ:

‘હરિલાલે૯ કલકત્તામાં મનુ સૂબેદારની૧૦ ભલામણ લઈ જવાનું કહેલું, અને મેં કંઈ વિરોધ ન બતાવેલો તે સાંભળીને મને … બોધ આપ્યો. એ બોધમાં જણાઈ આવતી મારે માટેની અપૂર્વ મમતા, મને સુધારવાની તીવ્ર ઇચ્છા અને એ બંને ઉપરાંત મારા સ્વભાવની તલસ્પર્શી પરીક્ષાએ હું ચકિત થયો.’૧૧

આ નોંધ લખાઈ ત્યારે મહાદેવભાઈને ગાંધીજી સાથે જોડાયાને પૂરા છ માસ પણ નહોતા થયા. તેથી ચકિત થવું એમને માટે સ્વાભાવિક હતું. ઉપરાંત એમની ભક્તિ એવી હતી કે જે ગાંધીજીની વાણી એ રોજેરોજ ઝીલતા હતા તેનાથી એ છેવટની ક્ષણ સુધી અહોભાવથી ચકિત થતા. સામાન્ય રીતે માણસ પોતાની ટીકાથી છંછેડાય કે અકળાય, પણ મહાદેવ તેનાથી હરખાતા હતા. ગાંધીજીનો પોતાને વિશેનો અભિપ્રાય સ્પષ્ટપણે જણાવતાં કહે છે:

‘તમે તદ્દન ભોળા છો. હું આ તમારો દોષ છે એમ કહું છું, ગુણરૂપે નહીં. તમે તમારી આસપાસના વાતાવરણને વશ થઈ જાઓ છો. વાતાવરણને દબાવીને ઊંચે ચડવાની શક્તિ તમે નથી બતાવતા. એનો અર્થ એ કે તમે દુષ્ટ વાતાવરણમાં જરૂર પડી જાઓ. બીભત્સ વસ્તુ જોઈને ચિત્રમાં બીભત્સતા આણ્યા વિના ન રહે એવા ચિતારા જેવા તમે છો. તમે અયોગ્ય વાતાવરણમાં મુકાઓ તો તેનાથી તદ્દન અળગા થઈ જવાને બદલે તેમાં રસ લો છો, માણો છો.’૧૨

આવો આક્ષેપ સહજ ભાવે સ્વીકારતાં મહાદેવ કહે છે: ‘આપનું આ પૃથક્કરણ તદ્દન સાચું છે. હું કબૂલ કરું છું, અને એ સુધારવા હું પ્રયત્ન બરોબર કરવાનો. પણ … જેવાને હું સુધારવા બેસું?’૧૩

અને આના જવાબમાં જીવનનો એક સિદ્ધાંત જ ગાંધીજી શીખવી દે છે:

‘બીજાને સુધારવાની વાત જ ક્યાં છે? જગતમાં કોઈ પારકાને સુધારી શકતું જ નથી. જાતે સુધરવાનું છે. અળગા થઈ જાઓ, એટલે અળગા રહીને જ તમે પ્રભાવ પાડો. અમુક વાતો તો તમારી સમક્ષ કદી ન જ થઈ શકે. તમારી આગળ અમુક શબ્દો કે વસ્તુઓ વિશે બોલતાં સામો માણસ શરમાય ત્યારે તમારો પ્રભાવ પડ્યો કહેવાય. અતિશય શુદ્ધ વાતાવરણમાં જ રહેતાં શીખો.’૧૪

પવિત્ર વાતાવરણ બનાવવાનો રાજમાર્ગ ગાંધીજી પાસે હતો — શરીરપરિશ્રમ કે કષ્ટમય જીવન, પણ એ માર્ગ તેમણે જિંદગીથી કંટાળીને કે પોતા પ્રત્યે તિરસ્કારને લીધે શોધેલો નહોતો. જીવનને તેઓ વધુમાં વધુ વિધાયક (પૉઝિટિવ) રૂપે જોતા.

‘મને તો આખા જીવનમાં બિલકુલ રસ ન રહે, જે મને એમ લાગે કે આ સંસારમાં સંપૂર્ણ પ્રેમ હું પ્રાપ્ત કરી શકું નહીં.’૧૫

જીવનને વિધાયકરૂપે જોતા તેથી જ ગાંધીને સારું કષ્ટમય જીવન પણ આનંદમય બની જતું:

‘મળસકે ઊઠીને નવાગામ જવા નીકળ્યા. નવાગામ બારેજડીથી સાડા દસ માઈલ થાય, ચાલીને જવાનો ઇરાદો રાખેલો હતો. … ખાઈને ખુશ થાય, ચૉકલેટની સરખામણી કરે એવા મગફળી અને ગોળના લાડુ હતા. સિપાઈની રીતે બાપુએ હાથમાં દાબડો રાખીને તે રસ્તે ખાવા માંડ્યા. સાથે આનંદથી કહેતા જાય: “સિપાઈગીરી કરવી છે, આફ્રિકામાં મેં બહુ એવું એવું કીધેલું છે.” ‘ ૧૬

કષ્ટમય જીવન અને નિરંતર જાગૃતિ એ પોતાનું અને આસપાસનું વાતાવરણ પવિત્ર રાખવાના ગાંધીજીના ઉપાયો. જાગૃતિમાંથી આગલું પગલું આવે, વિષયો પર અંકુશ. હરિલાલ ગાંધીને સલાહ આપતાં ગાંધીજી લખે છે:

‘ગુણો જડ નથી, ચૈતન્યમય છે. તમારી જિંદગી વિચારરહિત અને સ્વચ્છંદી રહેલી છે. હવે વિચારમય અને સંયમમય કરો એવું ઇચ્છું છું. વળી, ખવાસો પર અંકુશ મેળવવામાં જ પુરુષાર્થ છે, એ ધર્મ છે. તમે એ પુરુષાર્થ કરો એટલે તમારા દોષો ભુલાઈ જશે.’૧૭ ‘ખવાસ’ શબ્દનો સામાન્ય અર્થ તો થાય હજૂરિયો પણ એનો બીજો અર્થ થાય છે ટેવ. માણસની ટેવ એની નોકર હોવી જોઈએ. પણ ઘણી વાર માણસ જ એનો નોકર બની જતો હોય છે.

परबस जानि हँस्यो इन इंद्रिन निजबस है, न हँसैहो । अब लौं नसानि, अबन नसैहों । 18

ગાંધીના જીવતાજાગતા (ચેતનમય) એવા નમૂનાને આંખ આગળ રાખીને મહાદેવનો પુરુષાર્થ એ ખવાસ પર અંકુશ રાખવા મથતો.

આ પુરુષાર્થ માત્ર ઇન્દ્રિયનિગ્રહથી સંતુષ્ટ થતો નહોતો. એમાં વ્યાવહારિકતા અને ચાતુર્ય પણ જોઈએ. ‘સર્વન્ટસ ઑફ ઇન્ડિયા સોસાયટી’ની એક મિટિંગમાં ગાંધીજીની સાથે આયોજકોએ મહાદેવ અને દેવદાસને૧૯ એ સભામાં પ્રવેશવાની છૂટ આપેલી. પણ બીજા જે સભ્ય નહોતા તેવાને બંધી હતી. મહાદેવે પોતાના ભોળપણને લીધે જેમને નહોતા જવા દીધા તેમના પૂછવાથી જણાવી દીધું કે પ્રવેશ અંગે પોતાને ખાસ રજા મળી હતી. બીજે દિવસે ગાંધીજીએ ઠપકો આપ્યો:

‘તમે કાલે ડહાપણભરેલી રીતે નથી વર્ત્યા. તમે …ને એમ શા માટે કહેલું કે સોસાયટીના વાર્ષિક સમારંભમાં તમને જવાની રજા મળી છે? તમારે તો માત્ર એમ જ કહેવાનું હતું કે અહીંના નિયમ પ્રમાણે બહારના માણસોને નથી જવા દેતા.’

મેં કહ્યું: ‘એ ખોટું ન કહેવાય? મને અને દેવદાસને તો રજા દેવે આપી હતી.’

બાપુ: ‘ના, એમાં ખોટું બોલવાનું આવત જ નહીં, તમે એમ કહેત કે ત્યાં જવાનું નથી, કારણ, આવા નિયમ છે, તેમાં કાંઈ ખોટું ન હતું… તમને પૂછત જ નહીં કે તમે જવાના છો? આમ કર્યાથી તમે …ના મનમાં વ્યાપેલું ઝેર, અપમાનની લાગણી, અને તેની સાથે થયેલી હિંસા બધું ટાળી શકત, અને સોસાયટીને પણ બચાવી શકત. ડૉ. દેવે તમારી પાસે જ …ને કહેવડાવ્યું ત્યારે તમે આમ વર્તશો એમ ધારીને જ.’

મેં કહ્યું: ‘પણ સોસાયટીનું વર્તન સજ્જનાઈભરેલું ગણાય ખરું? — ન ગણાય.’

બાપુ કહે: ‘શા માટે ન ગણાય? મારી સાથે તો અનેક જણા આવે, તરેહવાર વિચારના પણ આવે. તે બધાને એ લોકો કેમ દાખલ કરી શકે? તમને તો એ સારી રીતે ઓળખે, તટસ્થ તરીકે જાણે, અને તમારામાં શ્રદ્ધા એટલે આવવા દે. પણ એ તો કાંઈ નહીં. ભવિષ્યમાં આવું ન બને. હું ઠપકારૂપે નથી કહેતો. માત્ર તમને સમજાવું છું કે તમે વિશેષ ડહાપણ વાપર્યું હોત તો સારું કામ થાત.’૨૦

આમ મહાદેવના પ્રશિક્ષણનું કામ ક્યારેક મીઠા ઠપકા દ્વારા, ક્યારેક લોકો સાથેની મુલાકાતો અને ત્યાર બાદ ચર્ચાયેલા મુદ્દાઓ દ્વારા, ક્યારેક લોકોને લખાતા પત્રો દ્વારા અને આખો વખત ગાંધીજીના પ્રત્યક્ષ જીવન દ્વારા ચાલતું રહેતું. આ કાળ દરમિયાન એવા પણ અનેક પ્રસંગો બનતા કે જેમાં મહાદેવને ગાંધીજી ચર્ચા કરવા કે મતભેદ પ્રગટ કરવા પ્રોત્સાહિત કરતા. એક વાર મહાદેવને પૂછે:

‘તમે ઍન્ડ્રૂઝનો કાગળ ફરી વાંચી ગયા? તેની ઉપર ચર્ચા કરો. ઝઘડો કરવા જેવું કાંઈ જ ન લાગ્યું? આજે હું મારી પાસે પોલાકને ઇચ્છું છું, તે જો હોય તો દૃઢતાથી મારી સાથે પગલે પગલે ઝઘડો કરી મને ખૂબ વિચારવાની ફરજ પાડે, અને તે વસ્તુ પર છેવટના વિચાર કરાવે.’૨૧

એચ. એસ. એલ. પોલાક દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના નિકટતમ સાથીઓમાંના એક. ગાંધીજીને પ્રવાસ દરમિયાન જ્હોન રસ્કિનનું अनटु धिस लास्ट પુસ્તક આપીને એમનું જીવન પલટાવી નાખવામાં પોલાક જ નિમિત્ત બનેલા. મહાદેવને મળ્યા ત્યારથી જ ગાંધીજી એમનામાં પોલાકના ગુણો જોતા હતા. પોતાની ભારતની પ્રવૃત્તિઓ અંગે પણ ગાંધીજી પોલાકને સદા વાકેફ રાખતા હતા. પોતાની સાથે ઝઘડો કરવાનું સૂચવ્યું તેનાથી બરાબર ચાર માસ પહેલાં ગાંધીજી પોલાકને લખી ચૂક્યા હતા:

‘ … મારી પ્રવૃત્તિઓ અંગે જણાવવાનું કે શ્રી દેસાઈ તમને એનાથી વાકેફ રાખતા રહે એવી સૂચના હું તેમને આપી દઉં છું. મારા કાર્યને માટે એમણે પોતાનું જીવન અર્પણ કરી દીધું છે. તેઓ એક શક્તિશાળી સહાયક છે. અને તમારું સ્થાન લેવાની તેમની મહત્ત્વાકાંક્ષા છે. એમણે ભગીરથકાર્ય ઉપાડ્યું છે, અને તેને માટે તેઓ પ્રયત્નશીલ છે.’૨૨

મતભેદો પ્રગટ કરી તે અંગે જરૂરી હોય તો ઝઘડો પણ કરવાના ગાંધીજીના સૂચનથી પ્રોત્સાહિત થઈને પેલા પ્રસંગમાં મહાદેવભાઈ ચર્ચા ચલાવે છે:

‘એટલે મેં ઍન્ડ્રૂઝના પત્ર૨૩ના સંબંધમાં વાંધા શરૂ કર્યા. પ્રાત:સ્મરામિ૨૪ સમજનારો અને આચરનારો બધી જ પ્રજાઓના હલ્લાને હઠાવવાની લલુતા રાખે ખરો?’ ડાયરીમાં આખી વાતચીત મહાદેવભાઈ સંવાદરૂપે રજૂ કરે છે:

બાપુ: ના, ન રાખે. પણ તેનામાં એ શક્તિ હોય. તે વાપરે કે ન વાપરે એ જુદી વાત છે.

મેં કહ્યું: આજના રાજકીય અધીનતાના વાતાવરણમાં એ તત્ત્વ સમજનારા છે જ નહીં એમ આપ કહો છો? મારો જૂનો ઝઘડો પાછો આવે છે. હું તો માનું છું કે છે જ, અને તેને જરાયે બીજાની પરવા નથી પડી. હિન્દુસ્તાન પર હુમલા થાય કે હિન્દુસ્તાન સળગી જાય.

બાપુ: ‘હોય, પણ મને શંકા છે.’૨૫

(મહાદેવભાઈ દેહાસક્તિવિહીન જનકવિદેહી જેવા, જ્ઞાનીઓની હસ્તી વિશે શ્રદ્ધા ધરાવે છે અને ગાંધીજી એને વાસ્તવિકતાની કસોટી પર કસી જોતા લાગે છે.)

મેં કહ્યું: વારુ, ત્યારે તમે એમ કહેવા માગો છો ને કે આ રાજકીય પારતંત્ર્ય આત્મસાક્ષાત્કારમાં પણ આડે આવે? કારણ તમે તો કહ્યું જ છે કે એ કારણસર તો મેં મારી રાજકીય પ્રવૃત્તિઓ વહોરી છે.

બાપુ: ‘હા, એ વાત સાચી. કોઈ માણસ એવો નીકળે કે એની આડે ન આવે. પણ પ્રજાનું શું?’

મેં કહ્યું: કોઈ કોઈ માણસની જ હું વાત કરું છું, પ્રજા તો કોઈ દિવસ આધ્યાત્મિક સ્વાતંત્ર્ય મેળવી શકવાની જ નથી.

બાપુ: ‘હા, પ્રજાને સંબંધે બરોબર, પણ હું તો માનું જ છું કે આવો વિપ્લવ ચાલી રહ્યો હોય અને અમદાવાદમાં બેઠેલો, તમે કહો તેવો જ્ઞાની તે જોયા જ કરે, ભલેને મૌનવ્રતધારી હોય, તોપણ પોતાના વિચારથી પણ વાતાવરણ ઉપર અસર ન કરે, એ બને જ નહીં.’

અને ફરી પાછા વાસ્તવિકતાની ભૂમિકાવાળી શંકા વ્યક્ત કરે છે:

‘મને નથી લાગતું કે એવા પુરુષો હશે.’

ચર્ચાને અશ્રદ્ધાની સીમા સુધી મહાદેવભાઈ લઈ જવા નથી માગતા. તેથી કહે છે: ‘ત્યારે એ વાત આપણે બંધ કરીએ.’ અને પછી આવા જ્ઞાની-યોગીઓ અંગેની પોતાની મૂળ શ્રદ્ધાને કાયમ રાખતાં કહી દે છે, ‘એમાં આપણે બને એવું નથી.’

ઍન્ડ્રૂઝ પર લખેલા પત્રનો જ આગળ ઉપર ઉલ્લેખ કરી મહાદેવભાઈ ચર્ચાનો વિષય બદલે છે:

પછી મેં કહ્યું કે ‘તમે લૂલાલંગડાને નિરિન્દ્રિય કહો છો તે શું સૂક્ષ્મેન્દ્રિય પણ ગુમાવી બેઠા હોય છે?’

બાપુ : ‘ના, હું સૂક્ષ્મેન્દ્રિય ગયેલી હોય તેવા વિશે જ કહેવા માગું છું. હાથપગ કપાઈ ગયેલા માણસમાં પણ મારવાની નિર્દયતા હોય છે જ.’

મેં કહ્યું: એ સ્પષ્ટ કરવું જોઈએ. જેની ઇન્દ્રિય ગઈ હોય તેને તે ઇન્દ્રિયના ઉપયોગના વિચાર ન જ થાય એવું કાંઈ છે ખરું?

બાપુ: ‘ના, ના. નપુંસકો તો અતિશય વિષયી હોય છે.’

આમ ઝઘડો કરીને વિચાર સ્પષ્ટ અને પુષ્ટ કરવાની માગણી તો મહાદેવ તે જ સંવાદમાં પૂરી કરતા હોય એમ જણાય છે. પણ પોતાની ડાયરીમાં એક મૂળભૂત શંકા ઊભી કરે છે. તેઓ પ્રશ્ન તરીકે નહીં, પણ અભિપ્રાયરૂપે નોંધ કરે છે કે:

‘મને કઠણ વાત તો એ લાગે છે કે છ મહિનામાં આ લોકો (નવા રંગરૂટો) તૈયાર શી રીતે થાય? અને ત્યાં (યુદ્ધમોરચે) લડીને આવ્યા પછી પણ, એ તો નિ:સત્ત્વ થઈ જવાના, એમ મને લાગ્યા જ કરે છે.’

મહાદેવ સાંજે સૈન્યભરતીનો વિષય બીજી બાજુથી ચર્ચ છે:

મેં કહ્યું: બાપુ, મને તો એમ હજી લાગી જ નથી ગયું કે આપણો સંઘ કાશીએ પહોંચશે અથવા આપણે રણભૂમિ ઉપર જવું પડશે. આપણા રંગરૂટોની જરૂર જ નથી પડવાની. આપણે જવાને તૈયાર થઈશું તે પહેલાં લડાઈ પૂરી થઈ રહેશે.

બાપુ: ‘તે તો કેવું સારું થાય! પણ તેયે આપણા લોકો સમજતા નથી.’

પછી ગાંધીજી પોતાના મનને મૂંઝવતો પ્રશ્ન કાઢે છે:

‘પણ આ બધા કરતાં તો મુસલમાનોનો સવાલ મને વધારે ખેંચી રહ્યો છે. મુસલમાનોને કેમ સમજાવવા? એ લોકોમાં ભારે તિરસ્કાર વ્યાપેલો છે. મને મારી ન્યૂનતાઓ વિશેષ લાગતી જાય છે. મને એમ થાય છે કે બહુ પૂર્ણતાથી મેં કામ નથી આરંભ્યું. હું જો આઘો બેસી ગયો હોત તો કાંઈ દુ:ખ ન હતું. પણ મેં તો બધાને ઉપદેશ આપ્યો છે, અહિંસા સમજાવી છે. હવે મારા ઉપદેશથી કોઈ એમ માની લે કે આપણે તો લડાઈમાં ન જ જઈ શકીએ, કારણ, ગાંધીએ અહિંસા સમજાવી છે, તો મને ભારે આઘાત પહોંચે એટલે જ મેં આ કામ લીધું છે. હું અહિંસા શું છે તે સમજાવવા બેઠો છું.’૨૬

ગાંધીજીનો આ પ્રશ્ન અણઊકલ્યો જ રહ્યો હતો અને મહાદેવે કલ્પના કરી હતી તેમ એમના રંગરૂટોને રણભૂમિ સુધી પહોંચવાનો વારો જ નહોતો આવ્યો તેથી ગાંધીજી એ પ્રશ્નમાંથી ઊગરી ગયા હતા.

શરૂઆતનાં આ વર્ષોમાં મહાદેવભાઈની ડાયરીઓમાં ગાંધીજીએ લખેલા પત્રોની નકલ ઠીક ઠીક જગા લે છે. કોઈ કોઈ વાર ગાંધીજી ઉપર આવેલા પત્રો પણ એમાં સ્થાન પામતા. વિનોબા જેવાના પત્રોએ એમાં પાનાંનાં પાનાં ભર્યાં છે, તેથી આજ સુધી ટકી શક્યા છે. બીજા કેટલાક પત્રોનો માત્ર સારાંશ આપીને મહાદેવભાઈ ગાંધીજીના પત્રોને અક્ષરશ: ઉતારી લેતા. એમાં મહાદેવભાઈની ગાંધીજી પ્રત્યેની ભક્તિ તો પ્રગટ થતી જ હતી, પણ ભારતના ઇતિહાસમાં ગાંધીજીના સ્થાન અંગેની સમજ પણ કામ કરતી હતી. પણ એનાથી સૌથી મોટું કામ થતું હતું મહાદેવભાઈનું પોતાનું પ્રશિક્ષણ. જે વિચારોને સમજી, એને જીવનમાં ઉતારી મહાદેવભાઈ ગાંધીજી સાથે તાદાત્મ્ય સાધવાના હતા, જે એમના પોતાના જીવનદર્શનને પુષ્ટ કરવાના હતા, એ વિચારનાં બીજ આપણને આ પત્રો તરફ નજર નાખતાં મળી આવે એમ છે. બધા પત્રો તરફ નજર દોડાવવી તો અસંભવિત અને અનાવશ્યક છે, પણ જુદાં જુદાં ક્ષેત્રમાં કેટલાક તરફ દૃષ્ટિપાત કરવાથી મહાદેવભાઈના દીક્ષાકાળનાં વિવિધ વૈચારિક પાસાં સમજાય એમ છે.

જીવન પ્રત્યે નિષેધાત્મક નહીં પણ વિધાયક દૃષ્ટિએ જોવું જોઈએ એ વાત ગાંધીજી સમજાવે છે અને મહાદેવભાઈ ઝીલે છે:

‘તારો ત્યાગ એટલી હદે ન જવા દઈશ કે જેથી તારું દિલ ખાટું થઈ જાય અને તને તારા પોતા પ્રત્યે તથા આસપાસના પ્રત્યે કંટાળો આવે. … આપણે સાચો ત્યાગ ત્યારે જ કર્યો કહેવાય, જ્યારે આપણે સામા જવાબની કશી અપેક્ષા જ ન રાખીએ. “સેક્રિફિસ” શબ્દનો ધાત્વર્થ… તું જાણતી હોઈશ કે તેનો અર્થ (ટુ મેક સેક્રેડ) પાવન કરવું અથવા પાવન થવું એવો થાય છે. આપણે પોતાને અથવા બીજાને પાવન નથી કરી શકતા જ્યારે આપણે ચિડાઈએ છીએ અથવા ગુસ્સે થઈએ છીએ.’૨૭

જીવનની આ વિધાયક દૃષ્ટિ મહાદેવને સદા પ્રફુલ્લિત રાખતી અને તેમને ત્યાગમાં આનંદ આપતી.

ગાંધીજી કોઈ પણ નિર્ણય કરવા બાબત અંતિમ આધાર અંતરાત્માને માનતા. આ કારણે જરૂર પડે તો પરમ સ્નેહીઓ કે આદરણીય મુરબ્બીઓનો વિરોધ કરતાં પણ તેઓ અચકાતા નહીં. મહાદેવના દીક્ષાકાળમાં સર દીનશા વાચ્છા, સુરેન્દ્રનાથ બેનરજી વગેરેનો વિરોધ કરવાનો તેમને પ્રસંગ પડેલો. તેમણે તે વખતે કહેલું:

‘હું તેમની સાથે પવિત્ર અને અતૂટ સ્નેહગાંઠથી બંધાયેલો છું. … પરંતુ કેટલીક વાર એવા પ્રસંગો આવે છે જ્યારે આપણે અંતરાત્માના અવાજને વશ થવું જ જોઈએ. તે જ આપણો મોટામાં મોટો ભોમિયો છે.’૨૮

ગાંધીજી મોક્ષના ઇચ્છુક હતા. જીવનનું ધ્યેય તેમણે પોતાની જાતને શૂન્યમાં ફેરવી નાખવાનું માન્યું હતું. તેમને સત્યમાં ઈશ્વર દેખાતો હતો અને જીવન આખું તેમણે તેને પામવાના પુરુષાર્થમાં ગાળ્યું હતું. પરંતુ તે પામવા સારુ એમણે નિવૃત્તિનો માર્ગ સ્વીકાર્યો નહોતો. પરમાર્થમાંથી કરેલી બધી પ્રવૃત્તિ એ નિવૃત્તિ છે ને મોક્ષનું કારણ છે. પારકાંની સેવા એ જ પરમ અર્થ છે. પોતા તરફથી ધ્યાન પારકામાં ખેંચી જવું એમાં પુરુષાર્થની જરૂર રહેલી છે એમ તેઓ માનતા. તેઓ સેવાને જ પરમાર્થ માનતા અને પરમાર્થ સારુ કરેલી પ્રવૃત્તિઓને નિવૃત્તિ માનતા. અલબત્ત, એ પ્રવૃત્તિ અનાસક્તિથી થવી જોઈએ. અનાસક્તિને તેમણે ગીતાનો મુખ્ય સંદેશ માન્યો હતો અને તેની સાથે પોતાની મુખ્ય દેણ — સત્યાગ્રહ — ને સાંકળતા હતા. કેળવણીકાર શ્રી સાકરલાલ દવેને એક પત્રમાં તેઓ જણાવે છે:

‘… ફળ ઉપર આસક્તિ રાખ્યા વિના કર્મ કર્યે જવું એ ભગવદ્ગીતાનો જરૂર આશય છે. તેમાંથી હું સત્યાગ્રહ ઘટાવી લઉં છું. જે ફળ ઉપર આસક્તિ નથી રાખતો તે તો પારકાની હત્યા નહીં કરે, પોતાનો ભોગ આપશે. પારકાની હત્યામાં અધીરાઈ છે, અધીરાઈમાં આસક્તિ રહેલી છે.’૨૯

આટલો તર્ક કરી પછી તેઓ સ્પષ્ટતા કરે છે કે તેઓ આ નિષ્કર્ષ પર પહોંચ્યા તે દલીલથી નહીં પણ અનુભવ પરથી.

‘દલીલથી હું તમને કે કોઈને સમજાવવાની ઇચ્છા નથી રાખતો. ઇચ્છા રાખું તોયે શક્તિ હોય એમ હું માનતો નથી. મારી પાસે એના કરતાં બહુ વધારે પ્રબળ શક્તિ છે, અને તે અનુભવ છે. ૧૮૮૯ની સાલમાં મેં ગીતાજીનો પ્રથમ અનુભવ મેળવ્યો ત્યારે જ મને તેમાં સત્યાગ્રહની ઝાંખી થઈ, અને જેમ જેમ હું ગીતાજી વિશેષ વાંચતો ગયો તેમ તેમ ઝાંખી ટળીને સત્યાગ્રહનું તેમાંથી મને શુદ્ધ દર્શન થયું. સ્થૂલ અર્જુનને સમજાવવા સારુ કૃષ્ણ જેવો ચતુર માણસ ગીતાનું ડહાપણ ડહોળી નાખે એ તો વાધરી સારુ ભેંસ મારવા સમાન થાય.’૩૦

મહાદેવના ચિત્તમાં આ કાળમાં સ્પષ્ટ થયું કે ગાંધીદર્શનના મૂળમાં ગીતાનું તેમનું અનુભવપ્રમાણિત ભાષ્ય છે. મૂળથી જ ગીતાના અનુરાગી મહાદેવને આ હકીકત ગીતાનું અનુશીલન કરવા પ્રેરી ગઈ.

એમાંથી જ ઉત્પન્ન થયો ગાંધીજીનો અને મહાદેવનો નૈતિક વિચાર.

અધ્યાત્મનું મૂળ બિંદુ ઈશ્વર. સત્ય જ ઈશ્વર એ સિદ્ધાંત જેને લાધ્યો તેને નીતિનો મૂળ આધાર શોધતાં વાર લાગે એમ નહોતી. મહાદેવે જોઈ લીધું કે નીતિનાં કેટલાંક મૂલ્યો એવાં છે જે દેશકાળ મુજબ બદલાઈ શકે, પણ નીતિનું એક તત્ત્વ એવું છે કે જે દેશકાળ અબાધિત છે. અને તે તત્ત્વ એટલે સત્ય. પ્રામાણિકતા કે ઈમાનદારી એ સત્યનું વ્યાવહારિક સ્વરૂપ છે. ગાંધીજીને મન પ્રામાણિકતા એ જ નીતિની કસોટી હતી. તેથી તેઓ પોતાનું જીવન સદા ખુલ્લી ચોપડી જેવું રાખતા અને જેનું જીવન તેમને ખુલ્લું લાગતું તેમની નીતિમત્તા વિશે તેઓ વિશ્વાસ ધરાવતા. જાહેરજીવનમાં પડેલાં એક બહેન અંગે ગાંધીજીએ કહ્યું હતું:

‘ … જેવાને અમર્યાદ લાગે એવું (એનું) વર્તન હોય, ટોળટપ્પાં કરે, મસ્તી કરે, પણ મને લાગે છે કે એ તો એને માફક જ હોય. હું એના પતિને ઓળખું છું, શૂરો માણસ છે, એણે એને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. બંને વચ્ચે શુદ્ધ પ્રેમ છે. મને લાગે છે કે એના વર્તનમાં કશું ગુપ્ત નથી. એ જ એની શુદ્ધિ પુરવાર કરે છે.’૩૧

સત્ય એ જ ગાંધીજીની દૃષ્ટિએ શીલનો પાયો છે. આશ્રમનાં બાળકો સાથે રમતગમત કરતાં પણ કેટલાક બોધપ્રદ ઉદ્ગારો કાઢે છે, તો મહાદેવ તરત એની નોંધ લે છે:

‘તમે પોત ઉપર ગમે તે ભાત પાડો, પોતને તો દૃઢ, ઘટ્ટ અને સ્વચ્છ રાખજે. પોત એ તમારું શીલ છે, ચારિત્ર્ય છે. ભાત તો તમે વિદ્યાની — ગણિત, ભાષા, વિજ્ઞાનની પાડી શકો છો, પણ પોતને શુદ્ધ રાખવામાં એ કશું કામમાં ન આવે. પોતને તમે તમારા સંયમથી, સદ્વિચારથી, સત્સંગતિથી અને સદ્વાચનથી જ સારું રાખી શકો.’૩૨

આ સીધાસાદા બોધને મહાદેવ ઘૂંટડે ઘૂંટડે પીતા હતા અને વારંવાર ઘૂંટતા હતા.

આ જ અરસા દરમિયાન ગાંધીજીએ એક ભારે દૂરગામી કામ ઉપાડ્યું હતું. આગળ દુર્ગાબહેનના પત્રમાં આપણે જોઈ ગયા કે પોતે અપેક્ષા રાખતા હતા કે ઇન્દોરથી ગાંધીજી ચંપારણ આવશે. ઇન્દોર ગાંધીજી હિન્દી સાહિત્ય સંમેલનમાં અધ્યક્ષતા કરવા ગયા હતા. ગાંધીજી તો કોઈ સંસ્થાના અધ્યક્ષ બને એટલે એ સંસ્થાના કામકાજમાં તરત વીજળીસંચાર થાય. આ ગાળામાં એમણે રાષ્ટ્રભાષાની સેવાનું એક નક્કર પગલું લીધું. તેમણે પોતાના સૌથી નાના પુત્ર દેવદાસ, જે ત્યાર સુધી મોટે ભાગે ગાંધીજી સાથે પ્રવાસમાં રહેતા હતા, અને જેમને વિશે ગાંધીજીને ઘણી ઘણી આશાઓ હતી, તેમને દક્ષિણ ભારતમાં હિન્દીના પ્રચાર અને પ્ર-શિક્ષણ સારુ મોકલ્યા. આ એક એવું કામ હતું જેની દશા ઉપર દૂરગામી અસર પડવાની હતી. દેવદાસભાઈએ વિશેષ કરીને તામિળભાપી પ્રદેશમાં હિન્દીનો પ્રસાર કરવામાં ફાળો આપ્યો. દુર્ભાગ્યે વર્ષો પછી આ વિષય રાજકારણીઓએ ચૂંથ્યો તેથી તે કથળ્યો. નહીં તો ભાષાની દૃષ્ટિએ આ એક મોટું પગલું હતું. ગાંધીજી ખેડામાં હોય, અમદાવાદમાં કે ચંપારણમાં, દેવદાસને નિયમિત પત્રો લખતા. કોઈ કોઈ વાર લખતા, દ્રવિડ લોકો અને બીજા હિન્દીઓ વચ્ચે ન જોડાય એવો અખાત પડી ગયો છે. એ સાંધવાનો ટૂંકામાં ટૂંકો અને અસરકારક પુલ તે જરૂર હિન્દી ભાષા છે. … હિન્દીમાં ન વર્ણવી શકાય એવું કશુંક છે, જેથી એ શીખવી સહેલામાં સહેલી થઈ પડે છે. કારણ ગમે તે હો, પણ હિન્દી વ્યાકરણ સાથે જેટલી છૂટ લઈ શકાય છે તેટલી બીજી ભાષાના વ્યાકરણ સાથે લેવાતી મેં જાણી નથી.’૩૩ તો કોઈ વાર દેવદાસને લખતા, ‘આવા કામમાં અતિ હોશિયાર અને બુજરગ માણસને જ મૂકવાની સાધારણ રીત છે, તેમ કરતાં પણ મદ્રાસ જેવામાં એટલા માણસો શીખવા આવે કે નહીં એ સવાલ રહ્યો. મદ્રાસ ઇલાકાને તમે હિન્દીનું દાન કરી શકો અને લોકો તે લે તો એક મહત્ત્વના સવાલનો ફડચો થાય છે. મદ્રાસ અને બીજા હિન્દના ભાગોનો તમે સંગમ કરાવ્યો કહેવાય. ગંગાનો પુલ બાંધવામાં જેટલી કળા અને જેટલી ધીરજની જરૂર છે તેથી વિશેષ તમે જે પુલ બાંધી રહ્યા છો તેમાં જોઈએ. તમે હિન્દી સહેલું અને રમૂજી કરી મૂકો તો તમારી ચતુરાઈનો ખપ આવશે. તેમ કરવા સારુ તમારે નવરાશ મળે ત્યારે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, તમિલ વગેરે વ્યાકરણો વાંચી જવાં જોઈએ. તેમાંથી તમને કોઈ સહેલી ચાવી મળી જશે કે જેથી તમે લોકોને થોડું શીખવી, ઘણું દઈ શકશો. ધાતુઓ ઉપરથી થયેલા શબ્દો ખૂબ આપી દેવા. એમાં યાદશક્તિની ઉપર થોડો બોજો આવે છે.’૩૪

મહાદેવ દેવદાસના દક્ષિણ ભારત મિશનની સરખામણી મહેન્દ્ર અને સંઘમિત્રાની લંકાયાત્રા જોડે કરતા.

‘ગાંધીજીએ આ દેશને એક ખૂબ મહત્ત્વપૂર્ણ દેણ રચનાત્મક કામની આપી. અન્યાયના પ્રતિકારની અહિંસક પદ્ધતિના પ્રમાણમાં એ ઓછી ઝળહળતી હતી તે સાચું. પણ એનું પરિણામ ઓછું દૂરગામી નહોતું. મહાદેવે તો ગાંધીજી સાથેની પોતાની કારકિર્દીની શરૂઆત જ ચંપારણની ગ્રામસેવાથી કરી હતી. એટલે, એમને દેવદાસના આ કામનું મહત્ત્વ સમજતાં જરાય વાર ન લાગી. તેથી તેઓ નિયમિત રીતે દેવદાસને પત્રો લખતા. દેવદાસના કામની કદરદાની ઉપરાંત તેમાં ગાંધીજીની રોજેરોજની પ્રવૃત્તિથી દેવદાસને વાકેફગાર રાખવાનું દૂતકાર્ય પણ હતું જ. તેથી જ ગાંધીજી દેવદાસને લખે છે, ‘ભાઈ મહાદેવ તમને ખબરોથી નવડાવે છે.’

મહાદેવની પ્રવૃત્તિઓનો, તેઓ ગાંધીજી સાથે જોડાયા ત્યાર પછી થોડા જ સમયમાં, શંકરની જટામાંથી છૂટેલી ગંગાની જેમ વિસ્તાર થવા લાગેલો. ગાંધીજીનાં વ્યક્તિગત કામો તો હતાં જ, તે ઉપરાંત એમનાં ભાષણોની નોંધો રાખવી શરૂ થઈ. ગાંધીજીનું તે કાળે જે મુખ્ય કાર્ય હોય તેને પત્રો દ્વારા, ચર્ચાઓ દ્વારા અને કોઈ કોઈ વાર નાનીમોટી બેઠકોમાં વાર્તાલાપ દ્વારા સમજાવવાનું પણ શરૂ થયું. પણ અનેકવિધ પ્રવૃત્તિઓ છતાં મહાદેવ પોતાનો સ્વાધ્યાય નહીં છોડતા. તેઓ નિયમિત રીતે કાંઈક ને કાંઈક વાંચતા, અને તેમાંયે પોતાના કામને અંગે જરૂરી હોય એવું વાચન તો શોધી કાઢીને વાંચતા. એક સ્થળના સ્વાગતનો ભારી ભભકો જોઈ મહાદેવ ડાયરીમાં નોંધે છે, ‘આવા ભારે ભભકાનું વર્ણન તો વૉલ્ટર સ્કોટ જ કરી શકે. સ્કોટ વાંચવો પડશે.’

સાહિત્યની વાત આવી છે તો સાથે સાથે એટલું પણ કહી દઈએ કે ફક્ત મહાદેવભાઈએ જ નહીં, પણ ગાંધીજીએ પણ આ કાળ દરમિયાન ઠીક ઠીક ગુજરાતી સાહિત્ય વાંચ્યું હતું. અવારનવાર ગુરુશિષ્ય વચ્ચે સાહિત્યચર્ચા ચાલતી. સૈનિકભરતીના કામ દરમિયાન ગાંધીજીએ ભોગવેલી મરડાની ગંભીર માંદગી વખતે રોજ સવારે મહાદેવ ગાંધીજીને આનંદશંકર ધ્રુવની हिंदु धर्मनी बालपोथी વાંચી સંભળાવતા. ‘એમાંથી હું તો રસના ઘૂંટડા પી રહ્યો છું.’ એમ ગાંધીજી કહેતા. મહાદેવભાઈ વાંચતા જાય અને ગાંધીજી ‘હદ વાળી છે, અદ્ભુત ભંડાર ઠાલવ્યો છે’ એવા એવા ઉદ્ગારો કાઢે. પોતાના પરમ મિત્ર સી. ઍફ. ઍન્ડ્રુઝને લખ્યું:

‘આ નિબંધો શુદ્ધ કાંચન છે. આ પ્રાંતમાં મોટામાં મોટા વિદ્વાન પૈકીના એ છે. આ નિબંધોથી મને ભારે સુખ મળ્યું છે. આત્માના મિલનનો અર્થ વધારે સારી રીતે સમજવામાં તેણે મને મદદ કરી છે.’૩૫

મણિલાલ નભુભાઈના कांता નાટક વિશે અભિપ્રાય મિશ્ર હતો:

‘સારું નાટક છે. કલાત્મકતા છે, પણ અંગ્રેજી ભાવો ઘણા જ છે. જ્યાંત્યાં અંગ્રેજી ભણકારા વાગે છે. તરલાનું પાત્ર અંગ્રેજી નાટકોના પાત્ર જેવું છે. વાંચીને रिचर्ड ध थर्ड અથવા मेकबेथ યાદ આવે. रिचर्ड ध थर्ड વધારે.’

राईनो पर्वत વિશે કહે, ‘વીણાવતીને દાખલ કરીને રમણભાઈએ નાટકની કિંમત ઓછી કીધી છે. પાછલા ભાગમાં જાણે વિધવા પુનર્વિવાહનું ચોપાનિયું લખતા હોય તેવું થઈ ગયું છે. નાટક ઉત્તમ છે એમાં શક નથી. પણ આ ખામી તો છે જ. એણે ખૂબ ચડાવ્યું પણ આગળ જઈને પડ્યા.’

દોલતરામ પંડ્યાના ‘अमरसत्र’ નાટક વિશેની ચર્ચા એ બંનેને ‘ક્લિષ્ટ’ શબ્દ અંગેની ચર્ચામાં ઉતારી ગઈ:

‘મહાદેવ, “अमरसत्र” તો સારું છે, પાછળથી શ્લોકો પણ સારા આવે છે; પ્લોટ તો ધૂળ જેવું છે, પણ લખાણ સારું છે અને દોલતરામ પંડ્યા કુદરતી લખતા હોય એવું લાગે છે.’

મેં કહ્યું: મેં વાંચ્યું નથી એટલે શું કહું? પણ ક્લિષ્ટ શૈલી તો હોવી જ જોઈએ.

બાપુ કહે: તમે ક્લિષ્ટ કોને કહો?

મેં કહ્યું: જે વિચાર વધારે સહેલી ભાષામાં મૂકી શકાતો હોય છતાં જે કઠણ ભાષામાં બતાવવાની ખાતર બતાવ્યો હોય, જેમાં કઠણતા એ ભૂષણ નહીં હોય પણ ભારરૂપ હોય તે ક્લિષ્ટ. અને એવી શૈલી દોલતરામ પંડ્યાની ગણાય છે.

બાપુ કહે: ના, સમજવું કઠણ પડે તેને ક્લિષ્ટ નહીં કહેવાય.

મેં કહ્યું: રમણભાઈનો જે સરળતાનો ગુણ છે, તે ગુણ દોલતરામ પંડ્યામાં છે જ નહીં.

તો કહે: તે ખરું, પણ એની કઠણ ભાષાને હું ક્લિષ્ટ નહીં કહું, કારણ, સમજતાં વાર લાગે તેથી આપણે કોઈ ભાષાને ક્લિષ્ટ નથી કહી શકતા.

મેં કહ્યું: જાણીજોઈને કઠણ કરી હોય, વિના કારણ કઠણ કરી હોય તે ક્લિષ્ટ કહેવાય. વિચાર ન સમજાવાને લીધે મણિલાલની ભાષા કઠણ લાગે પણ તે ક્લિષ્ટ નહીં. અલંકારોને લીધે કઠણ લાગે એવી ગોવર્ધનભાઈની ભાષા ક્લિષ્ટ નહીં, પણ શ્લિષ્ટ જ કહેવાઈ છે.

તો કહે કે: હશે. પણ મણિલાલની ભાષા ઘણે ઠેકાણે એવી નથી કે જેને સાદી રીતે બતાવાય છતાં કઠણ રીતે બતાવી હોય?

મેં કહ્યું: ના.

વાત ત્યાં અટકી. પછી મેં પૂછ્યું:

અંગ્રેજી લેખકોમાં ક્લિષ્ટ ભાષા કોની?

જરા વિચાર કરીને કહે: આપણને ક્લિષ્ટ લેખકો શીખવાતા નથી, એટલે શું કહેવાય?

મેં કહ્યું: જોન્સન તો ન કહેવાય.

તો કહે: ના, નહીં જ.

મેં જરા હસતાં હસતાં કહ્યું: ઓસ્ટિનની જ્યુરિસ્પ્રુડન્સ કિલષ્ટ કહેવાય.

બાપુ: મને તો નથી લાગી. એની એક પ્રકારની રીત હતી, પણ મને તો તેમાં બહુ રસ પડતો.

મેં કહ્યું: ડાઈસીના જેટલો પ્રસાદ એમાં ખરો કે?

તો કહે: ના. એ વાત સાચી, પ્રસાદ તો નથી જ. પછી કહે: તમે स्टीवन्स डिजेस्ट ऑफ अेविडन्स વાંચેલો? એના ઉપર હું તો ફિદા છું. આપણે કાયદાનાં પુસ્તકો પણ આપણી ભાષામાં લાવવાં જોઈએ. પણ આપણા વકીલોને ક્યાં ગુજરાતીમાં બોલવું જ છે? એ લોકોને ભાન ક્યાં છે કે ગુજરાતીમાં એ પુસ્તકો મૂકી દેવાથી પ્રજાને કેટલી ચડાવાય? અને આપણા સાક્ષરોને તો જાણે સાચી પ્રવૃત્તિ હાથ લાગી જ નથી. રેઢિયાળ પુસ્તકોનું ભાષાંતર કરે, પણ આવું કાંઈ સૂઝે છે?

મેં કહ્યું: મારે દોલતરામ પંડ્યા વાંચવા જોઈશે. તમે વાંચશો એ મને ખાતરી હતી એટલે જ મેં તમારે માટે કઢાવેલી.

તો કહે: હું તો વાંચવાનો જ. મારે તો ગુજરાતીમાં રેઢિયાળમાં રેઢિયાળ પુસ્તક હોય તે વાંચ્યે જ છૂટકો છે. હા, મને લાગે છે કે, ગુજરાતી બાઇબલ મારાથી ન વંચાય. એનું કારણ એ છે કે અમુક વરસો સુધી એક વસ્તુ અદ્ભુત ભાષામાં વાંચેલી તેની તે જ વસ્તુ બીજી ખરાબ ભાષામાં વાંચવી કઠણ પડે. બાઇબલનું ભાષાંતર કરાવવાનું તો મિશનરીઓને માથે પડ્યું. એટલે ભવ્યમાં ભવ્ય પુસ્તકનું અને અંગ્રેજી સાહિત્યના ઉત્તમ નમૂનાનું ભાષાંતર તે તદ્દન રદ્દી થયું. આપણા સાક્ષરોને એ કરવાનું પણ સૂઝ્યું નથી. ક્યારે સૂઝશે?’૩૬

ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય મહાદેવે ગાંધીજી કરતાં ઘણું વધારે વાંચ્યું હતું એટલે કોઈક વાર ગાંધીજીને કોઈ લેખકને વાંચીને હરખાતા જુએ તો મહાદેવ માત્ર એટલું જ કહે કે, ‘પહેલી વારના વાચનનો હરખ છે.’

પણ આ લોકો પાસે કાવ્યશાસ્ત્રવિનોદ પાછળ કાળ ગાળવાનો સમય મોટે ભાગે તો બેમાંથી એકની માંદગી આવે ત્યારે હોય. બાકી ચર્ચાઓ ચાલે સામાજિક પ્રશ્નો અથવા એથીયે વધારે ગાંધીજીની કાર્યપદ્ધતિ અંગે. સ્ત્રીઓ અંગેની ચર્ચામાં ગાંધીજી કરતાં મહાદેવભાઈ વધુ ઉદાર અને મૂળગામી વિચારના હોય એમ લાગે છે:

‘સાંજે આશ્રમમાંથી નીકળ્યા. બા સાથે હતાં. હું દોડતો દોડતો સાથે થઈ ગયો. મને કહે: મહાદેવ, રાજકીય પ્રશ્નો ઉકેલવા કરતાં સંસારના પ્રશ્નો ઉકેલવા અઘરા છે. બાને આ ચંચી૩૭ આવી છે તોયે થઈ જાય છે કે હું નડિયાદ આવીને રહું. મેં ચંચીબહેનના અને પાર્વતીના રડવાના સમાચાર આપ્યા. તો કહે કે બધાં પોતપોતાનું દુ:ખ રડી રહ્યાં છે, આપણે સૌનું રડવાનું, પણ સૌનું રડવા જઈએ તો દહાડાના ચોવીસેચોવીસ કલાક જાય.

મેં કહ્યું: સ્ત્રી કેટલી પરતંત્ર છે? ધણી ગમે તે કરીને આવે તે પણ સ્વીકારી લેવું પડે છે અને તેનાં પરિણામ ખમી લેવાં પડે છે.

બાપુ: આખા જગતની સ્ત્રીઓનું એમ છે. પણ હું એમાં કંઈ દુ:ખનું કારણ જોતો નથી. એ તો એનો સ્વાભાવિક ધર્મ જ છે. એને અવલંબનની જરૂર રહે છે જ. તે અવલંબનમાં સ્ત્રીઓ આનંદ માને છે, એ જ એનું જીવન છે. આપણે કમાઈ લાવીએ, બહારના પ્રશ્નો જાતે જ કૂટી લઈએ, સ્ત્રીને કહીએ કે એમાં તારે મોં ઘાલવાનું કાંઈ પ્રયોજન નથી, તું સુખે બાળકોને સંભાળ, તેને આનંદમાં રાખ. અને એ તદ્દન સ્વાભાવિક વ્યવસ્થા છે. બકરી ગરીબ છે તે ગરીબાઈ બકરીને દુ:ખરૂપ છે કે? એમ તો સ્ત્રીના માસિક આર્તવ અને જનનના કાર્યને પણ દુ:ખ ગણવા જેવું છે. એ દુ:ખ ગણાય ખરાં?

મેં કહ્યું: ના, પણ એના જેટલું જ સ્વાભાવિક પરાવલંબન નથી.

બાપુ: એટલું જ સ્વાભાવિક છે. કોઈ પણ સ્ત્રીને આલંબન વિના નથી ચાલતું એ તો સાચું કેની? … જેવી બહાદુર બાઈને પણ ટેકો તો જોઈએ જ. પુરુષ વિના એને ચાલી શકતું જ નથી.’૩૮

આ ચર્ચામાં આપણને મહાદેવભાઈની નમ્રતા, એમની સત્યશોધનની વૃત્તિનેય પાછળ રાખી દેતી હોય એમ નથી લાગતું? ગાંધીજી આગળ એક હદથી આગળ ચર્ચા કરતાંયે તેઓ અટકી જતા લાગે છે. એનાથી તેમને કે ગાંધીજીને શો લાભ થયો હશે, એ પ્રશ્ન આપણા મનમાં રહી જાય છે. અલબત્ત, આપણે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ગાંધીજીના વિચારો સતત ગતિશીલ હતા, એટલે ૧૯૧૭થી ‘૨૧ના ગાળામાં હતા તે જ વિચારો સ્ત્રીઓ અંગે ૧૯૩૦-‘૩૨માં રહેતા નથી, ‘૩૦-‘૩૨ના આંદોલનમાં તો ગાંધીજીએ ભારતની સ્ત્રીઓને મુક્તિની ચાવી આપી દીધી હતી. વિચારની આ પ્રગતિ પાછળ જે તત્ત્વોએ કામ કર્યું હશે તેમાં એક મહાદેવ પણ હશે ને?

વિધવાવિવાહ અંગે ગાંધીજીનો મત કાંઈક વધુ સ્પષ્ટ હતો:

‘પુનર્વિવાહ વિશે મારો એવો અભિપ્રાય છે કે સ્ત્રી અથવા પુરુષ ઘરભંગ થયા પછી ફરી ન પરણે એ જરૂરનું છે. હિંદુ ધર્મનો આધાર સંયમ છે. બધા ધર્મમાં સંયમ તો છે જ. પણ હિંદુ ધર્મમાં તેને બહુ વધારે મોટું પદ આપવામાં આવ્યું છે. તે ધર્મમાં પુનર્વિવાહ તો અપવાદરૂપે જ હોવા જોઈએ. આવા મારા વિચારો છે, છતાં જ્યાં લગી બાળલગ્ન ચાલ્યા જ કરે છે અને પુરુષવર્ગ સ્વેચ્છાએ જેટલી વાર લગ્ન કરવાં હોય ત્યાં સુધી કર્યાં જ કરે છે, ત્યાં લગી કોઈ બાળવિધવા ફરી લગ્ન કરવાની ઇચ્છા કરે તેને રોકવા પ્રયત્ન ન કરવો ને તેની ઇચ્છાને માન આપવું. છેક બાળવિધવાના મનમાં પણ હું ફરી વિવાહની ઇચ્છાનું બીજ ન રોપું, પણ ફરી પરણે તો તે ક્રિયાને પાપરૂપ ન ગણું.’૩૯

આ બાબત મહાદેવભાઈએ કોઈ ટિપ્પણી નથી કરી એટલે તેઓ પણ એ બાબતમાં સંમત હશે એમ માની શકાય.

આ કાળમાં જે વિચારને ગાંધીજીએ ફરી ફરી પ્રગટ કર્યો છે અને મહાદેવભાઈએ જેને ભક્તિપૂર્વક પોતાના હૃદયમાં ઝીલ્યો છે, અને ઝીલીને પોતાનો બનાવ્યો છે તે તો સત્યાગ્રહનો વિચાર. ગાંધીજીની એ મૂળ દેણને મહાદેવભાઈ આ કાળ દરમિયાન ઘૂંટડે ઘૂંટડે પીએ છે અને તેમ કરવામાં પોતાની જાતને ધન્ય માને છે.

સત્યાગ્રહને નામે આજે ગમે તેવા મુદ્દાઓ પર ગમે તેવા કાર્યક્રમો યોજાય છે. પરંતુ સત્યાગ્રહનો મુદ્દો નક્કી કરવા બાબત ગાંધીજી કેટલા ચોક્કસ હતા તે મહાદેવભાઈ એક પ્રસંગ દ્વારા નોંધે છે. હોમ રૂલ લીગના પ્રતિનિધિમંડળને વિદેશ જવા સારુ મળેલા પાસપૉર્ટ રદ થયા તેને અંગે સત્યાગ્રહ કરવો જોઈએ એવું સૂચન જ્યારે ગાંધીજી આગળ मराठा પત્રિકાના ઉપતંત્રીએ કર્યું ત્યારે તેમણે ટૂંકી ને ટચ ભાષામાં સત્યાગ્રહની શરતો નીચે મુજબ જણાવી:

‘સત્યાગ્રહ કરનાર બહુ ચુસ્ત જોઈએ, મોટા પાયા પર સત્યાગ્રહ થઈ શકે એવો સત્યાગ્રહનો પ્રકાર હોવો જોઈએ: સામાનું કાર્ય પાશવી, જુલમી, અનીતિમય અને અન્યાયી ન હોય ત્યાં સુધી સત્યાગ્રહનો સવાલ નથી ઊઠી શકતો.’૪૦

શ્રી જેરાજાણીની આગેવાની હેઠળ પાંચ-સાત લોકો માર્કેટના દરવાજા રોકીને સૂઈ ગયા અને ‘ગરીબોના પેટ પર પગ મૂકીને ભલે જાઓ’ એવાં પાટિયાં મૂક્યાં. જેરાજાણીએ એક દિવસ ઉપવાસનું વ્રત લીધું. શ્રી જેરાજાણીને બોલાવીને ગાંધીજીએ કહ્યું:

‘તમે આ જે કર્યું છે તેમાં ક્યાંય સત્યાગ્રહ નથી. સત્યાગ્રહ એ વસ્તુ નથી કે જે વડે તમે સામાની પાસે બળાત્કારે કાંઈ કઢાવી શકો. પ્રેમથી કઢાવી લેવામાં સત્યાગ્રહ રહેલો છે. તમે જે લાંઘણ કરવા ધારી છે તે લાંઘણ કરીને શુદ્ધમાં શુદ્ધ ઇન્સાફ નહીં મેળવી શકાય. … મારું અનુકરણ મારી સંમતિ વિના કેમ થાય? તમે જે કર્યું છે તેમાં સત્યાગ્રહ નથી પણ અસત્યાગ્રહની સીમા આવી જાય છે. તમે નોકરીએ ન ચઢો અને એમને મરજી પડે તે માણસોને રાખી લેવા દો એ સત્યાગ્રહ છે.’૪૧

આ પ્રસંગે क्रॉनिकलના રિપોર્ટરે કાંઈક ખોટો અહેવાલ છાપ્યો. એટલે મહાદેવભાઈએ એનો ઇન્કાર કરતો પત્ર મોકલ્યો. ગાંધીજીએ એ બાબત પ્રશ્ન પૂછ્યો, ‘એ કાગળમાં મેં વાજબીપણા માટે કહેલું તે નથી આવતું.’ મહાદેવભાઈએ ગાંધીજીને સ્મરણ દેવડાવ્યું કે તમે તો લાંઘણ માટે કહેલું, દરવાજા રોકવા માટે નહોતા બોલ્યા.’ ગાંધીજીએ એ વાત સ્વીકારીને કહ્યું, ‘હા, ત્યારે એ બાબત સ્પષ્ટ કરી કાગળ મોકલો.’૪૨

વિનીત દળના નેતા શ્રી નટેસનને એક પત્રમાં ગાંધીજીએ જણાવ્યું કે, ‘સરકારના અત્યાચારો સામે ઊછરતી પેઢીને તમે કશો અસરકારક ઉપાય નહીં બતાવો તો તમે ઝેરવેરની ભૂતાવળ જગાવશો અને … હિંસામાર્ગનો એટલો ફેલાવો થશે કે પછી આપણે સૌને હાથ ઘસવા પડશે.’૪૩

એક જગાએ ગાંધીજીએ છાપાંજોગ નિવેદનમાં સ્પષ્ટતા કરી:

‘સત્યાગ્રહી કદી સરકારને પજવવા ઇચ્છતો નથી. તે ઘણી વાર સરકારની સાથે સહકાર કરે છે. પણ જ્યારે વિરોધ કરવાની તેના ઉપર ફરજ આવી પડે છે ત્યારે વિનયપૂર્વક વિરોધ કરતાં તે અચકાતો નથી.’૪૪

એ કહેવાની જરૂર નથી કે ગાંધીજી પાસેથી મહાદેવ એ વાત તો બરાબર સમજી ગયા હતા કે સત્યાગ્રહ કે અહિંસા અને કાયરતાને નાહવાનિચોવવાનો સંબંધ નથી. બિહારમાં બેતિયાની સભામાં તો ગાંધીજીએ આ મુદ્દાને સમજાવતાં એટલે સુધી કહી દીધું કે:

‘શાંતિનો ઇલાજ કરતો છતાં હું એમ નથી ઇચ્છતો કે હિન્દુસ્તાનની રૈયત નામર્દ બની જાય. … પોલીસ અત્યાચાર કરવાને તૈયાર થાય, તેની સામે મરવાને તૈયાર થાઓ તો તમે સત્યાગ્રહી છો, બહાદુર છો એમ કહું. પણ તમે ઊભા ઊભા (સ્ત્રીઓની) બેઇજ્જતી થવા દો તેના કરતાં તેને મારીને હઠાવો એ સારું. સત્યાગ્રહનો અર્થ એ નથી કે સ્ત્રીઓને મૂકીને ભાગી જવું. … તમે લાંબી લાંબી ડાંગો લઈને અહીં આવ્યા છો. તેમને પૂછું છું કે તમે (બેઇજ્જતી જોવી) એને સત્યાગ્રહ સમજો છો? આપણો ધર્મ નથી શીખવતો કે નામર્દ બનવું, અત્યાચાર સહન કર્યા કરવા. ધર્મ શીખવે છે કે અત્યાચારીનું ખૂન લેવા કરતાં તેને ખૂન આપવા તૈયાર થવું એ સરસ છે. આપણે એવી રીતે ખૂન આપવા તૈયાર થઈએ તો તો આપણે દેવ બની ગયા, પણ અન્યાય જોઈને પલાયન કરીએ તો તો આપણે પશુથી પણ નપાવટ થયા.’૪૫

એક બીજી જગાએ ગાંધીજીએ સ્પષ્ટતા કરી કે અહિંસામાં અદ્વૈષ તો આવી જ જાય છે, એટલે અજાણ્યે પણ સ્વયંસેવક વિપક્ષીઓની નિંદા કે વગોવણી નહીં કરે.

વળી એક સ્થાને તેમણે હિંસા વિશે એ સમજ આપી કે,

‘હિંસાની પદ્ધતિ માનવગૌરવ સાથે સુસંગત નથી … સાચું પૌરુષ, સાચી બહાદુરી, આપણી અંદર રહેલા પશુને કાઢી નાખવામાં છે. ત્યારે જ આપણા આત્માના વિકાસનો માર્ગ મોકળો થાય છે.’૪૬

આમ ગાંધીજીના વિચારોને વાગોળી, તેમનાં વચનોને પોતાની કલમમાં ઝીલી અને તેમની વર્તણૂકને અનુવર્તીને મહાદેવ જે દીક્ષા લઈ રહ્યા હતા તે સમજ્યા પછી આપણે એક પ્રસંગ જોઈએ. જેમાં મહાદેવની ગાંધીભક્તિ જોડે એમનો આત્મવિશ્વાસ પણ પ્રગટ થાય છે:

જલિયાંવાલા બાગકાંડ (જેનો ઉલ્લેખ આપણે આગલા એક પ્રકરણમાં કરીશું) બન્યો એના થોડા દિવસ પછી ગાંધીજીને અમદાવાદ આવવાનું થયું. અમદાવાદમાં લશ્કરે ભારે તૈયારીઓ કરી રાખેલી. શાહીબાગના બંગલાઓ ખાલી કરાવ્યા. શહેરને કોર્ટમાર્શલ ઑર્ડિનન્સ નં. ૪ લાગુ પાડ્યો. આ બધું જોઈ-સાંભળીને મહાદેવભાઈને અકળાટ થયો. ગાંધીજીએ કહ્યું કે એ અકળાટ કે ગભરાટનું કાંઈ કારણ નથી. મહાદેવભાઈનું અનુમાન હતું કે ગાંધીજીને થોડા દહાડા સરકારે છોડ્યા તે પોતાના બળને સંગઠિત કરવા. આ બધી તૈયારી તેમને ગાંધીજીને પકડવાની લાગતી હતી. ગાંધીજીએ હસીને કહ્યું, ‘અરે શી વાત કરો છો? મને શું પકડવાના હતા? એનો ભાર નથી. બીજાને પકડશે એ વાત સાચી છે. મને એ લોકો અલગ પાડી નાખવા માગે છે ખરા.’ છતાં મહાદેવભાઈની માન્યતા હતી કે ગાંધીજી પકડાશે. તેમણે બાંયધરી આપતાં કહ્યું, ‘હું ખાતરીથી કહું છું કે પહેલા પકડાયા તે વખતે મારી આંખમાંથી એક આંસુ નીકળ્યું હતું. આ વખતે તેયે નહીં પડે.’ પછી એમણે પૂછ્યું, ‘બાપુ, ગોળીબાર નહીં કરે?’ ગાંધીજી કહે, ‘અરે, શી વાત કરો છો? એની હિંમત કેમ ચાલે?’ મહાદેવભાઈએ કહ્યું કે, ‘અમુક અમલદારો એવા છે કે સરકારને લાજ લગાડવામાં એમને લાજ નથી આવવાની. એ તો બધા પર ગોળીબાર કરાવે.’ એ લોકોને લાજ નથી એ વાત સ્વીકારીને ગાંધીજીએ કહ્યું, ‘પણ એની પરંપરાથી એ વિરુદ્ધ છે.’

મહાદેવભાઈએ દલીલ કરી કે અત્યારે જે અત્યાચારો થઈ રહ્યા છે તેય તેની પરંપરાની વિરુદ્ધ જ છે ને? છતાં ગાંધીજીને શ્રદ્ધા હતી કે એટલી હદે સરકાર નહીં જાય. એમની પર ગોળીબાર ન કરી શકે. અને દાખલો આપે છે કે સાવરકર જેવા પર પણ ગોળીબાર નથી કર્યો, અજિતસિંહ જેવા પર નથી કર્યો તો એમની પર શું કરે? મહાદેવભાઈએ યાદ દેવડાવ્યું કે રેજિનાલ્ડ કેડોકે તે જ દિવસે લખ્યું હતું કે ગેરરસ્તે દોરવાયેલો સંત સો ચળવળિયા કરતાં વધારે ભયંકર છે. ગાંધીજી કહે છે કે તેમાં શું ખોટું છે? પછી કહે, ‘બાકી ગોળીબાર કરે તો મજા આવે.’ મહાદેવભાઈએ દલીલ કરી કે, ‘દક્ષિણ આફ્રિકામાં તો તમે હજારો હતા, અહીં આપણે ખોબા જેટલા છીએ.’ ગાંધીજી કહે, ‘દક્ષિણ આફ્રિકામાં ખરા સત્યાગ્રહી તો આંગળીના વેઢે ગણાય એટલા જ હતા. અહીં તે ઘણા વધારે છે.’ પછી કહે, ‘મારા પર ગોળીબાર કરે તો બળવો જ ઊઠે, અને તેમ થતાં જે ખૂનામરકી થાય તેને માટે હું છાંટાભાર જવાબદાર નહીં ગણાઉં.’ ત્યારે મહાદેવભાઈ સંકોચ સાથે એક પ્રશ્ન પૂછે છે, ‘આપને જો ફાંસી દે અને તેમ થતાં આપની ઉપર આશક થયેલા અનુયાયીઓનો પિત્તો ઊછળે અને તેઓ લોહી ઉડાડે તો આપના આત્માને દુ:ખ પહોંચાડ્યું ગણાય ને?’ ગાંધીજી કહે, ‘બેશક, ભારે દુ:ખ થાય, સત્યાગ્રહનો એકડોયે એ લોકો સમજ્યા નથી એમ કહેવાય. અને સત્યાગ્રહ અપવિત્ર બને. માત્ર તમે એટલું જ કરી શકો કે એવાં ભારે સત્યાગ્રહી પગલાં લેતા રહો કે તમને પણ શૂળીએ ચડાવે.’ મહાદેવે ઉત્તર આપ્યો: ‘બાપુ, સાચું છે, બરોબર પળાશે.’૪૭

ગાંધીજીએ સૂવાનો આદેશ આપ્યો પણ મહાદેવભાઈની ઊંઘ ઊડી ગઈ હતી. તેઓ વિચારને ચગડોળે ચડી ગયા હતા. એમણે ગાંધીજીની આજ્ઞા લઈ વધુ એક પ્રશ્ન પૂછ્યો, ‘એક વાર આપે કહ્યું છે કે “માણસને એની કૃતિથી જુદો પાડીને નહીં વિચારી શકાય.” આજે સવારે આપે એક વાક્ય એવું કહ્યું હતું કે, “આપણને માણસ તરફ તિરસ્કાર કેમ હોય? તેનાં કાર્યો તરફ તિરસ્કાર હોઈ શકે.” જો આપનો પ્રથમનો ઉપદેશ સાચો હોય તો આ બીજા વાક્યમાં જરા ત્રુટી આવતી લાગે છે. આપણે એક માણસને તેનાં કાર્યોથી અલગ રાખીને તેનાં કાર્યોને નિંદી શકતા નથી.’

ગાંધીજીએ કહ્યું: ‘હા, કાર્ય ઉપર તિરસ્કાર થાય તે આપણને ચડાવનાર છે, માણસ ઉપર તિરસ્કાર થાય તે આપણને પાડનાર છે.’

મહાદેવભાઈ: ‘હું નૈતિક દૃષ્ટિએ તમારી વાત સ્વીકારું છું, પણ મને એ માનસશાસ્ત્રની દૃષ્ટિએ અશક્ય જેવી લાગે છે.’

ગાંધીજીએ કહ્યું કે, ‘તમે તો ત્રિરાશિનું પદ એમ મૂક્યું જણાય છે કે માણસના ગુણ માટે તેને પ્રેમ કરીએ તો તેના દોષ માટે તેને નિંદીએ, … ગવર્નરને હું મળ્યો. તેણે અતિશય ખરાબ ઉદ્ગારો કાઢ્યા, પણ શું તેના પ્રત્યે જરાયે રોષ થયો હતો કે? હું તો પ્રસંગ મળે તો એ માણસની પૂજાચાકરી કરી લઉં… જગતમાં એકે માણસ “હું દુષ્ટ છું” એમ સમજીને દુષ્કાર્ય કરતો નથી. … અંગ્રેજ તરફ મને જરાયે તિરસ્કાર નથી થતો તેનું શું કારણ? હું જોઈ શકું છું કે રાજ્ય કરતી પ્રજા એ રીતે જ વર્તે. એની સેવા કરીને એને સુધારવાની મારી તો ફરજ રહી. … માણસની તિરસ્કારવૃત્તિ એ તો તેની નબળાઈ સૂચવનારી વસ્તુ છે… પ્રેમ કહો અથવા દયા કહો એ જબરા માણસની નિશાની છે. તિરસ્કારવૃત્તિ એ ધર્મવૃત્તિનો લોપ સૂચવે છે. માણસની દયા ઉદારતામાં રહેલી છે. … ઉદારચરિતો ખરા મર્દ છે.’ આ સાંભળીને મહાદેવ તો નિરુત્તર જ થઈ ગયા. સત્યાગ્રહી શૂરાનું યુદ્ધશાસ્ત્ર સત્યાગ્રહના શોધકને મુખે સાંભળી તેઓ એટલું જ બોલ્યા કે, ‘હું બરાબર સમજી ગયો છું,’ એમણે સ્વીકાર્યું કે ગાંધીજીની નિંદા કરનારાઓને પોતે ધિક્કાર્યા હતા તેમાં તેમની ધર્મવૃત્તિ શિથિલ થઈ હતી. એ તેમની નબળાઈ સૂચવતું હતું, પણ સાથે સાથે તેમણે એ પણ ખાતરી આપી કે, ‘હવે એ ભાવ નથી રહ્યો એમ પણ કહી દઉં છું.’ ગીતાનું ‘नष्टो मोह: स्मृतिर्लब्धा त्वत् प्रसादात्’વાળું વાક્ય યાદ આપે તેવું આ સરળ હૃદયે કહેવાયેલું પણ બુલંદ કથન હતું.

‘હા, એ સમજાય એવી વસ્તુ છે. મને તો જરાયે તિરસ્કાર નથી થતો એમ હું બરોબર કહું છું. … એમ બોલતાં મારામાં ભારે ઉદારતા હોવાનો આરોપ વહોરી લઉં છું. પણ જે વસ્તુ મારામાં છે તે કહેતાં મને સંકોચ શો? મને પચાસ વર્ષ થયાં છે તે હું કોઈને ઓગણપચાસ કહું ખરો? મારો ભાઈ દારૂડિયો, ચોરી કરનાર, બીડી પીનાર હતો તેને શું હું ધિક્કારતો હતો? નહીં, કદી નહીં. ‘

મહાદવે શંકા કરી, ‘બાપુ, આ દાખલામાં તો તેઓ આપના ભાઈ હતા માટે આપ પ્રેમથી વર્તી શકેલા એટલો ઉત્તર આપી શકાય.’

તરત ઉત્તર મળ્યો: ‘તેથી જ મેં . … કહ્યું છે કે કુટુંબમાં પ્રેમથી વર્તનાર … પશુની કોટિમાંથી નીકળી એક પગથિયું આગળ ચાલે છે. ગામને વિશે અનુભવ કરનાર તેથી પણ જરા આગળ વધેલો છે, પ્રાંતમાં તમામ માણસો વિશે અનુભવ કરનાર તેથી પણ જરા આગળ વધેલો, એમ આખા જગતમાં પોતાનો ગમે તેવો વિરોધી હોય તેની સાથે તિરસ્કાર, દ્વેષ ન કરતાં પ્રેમથી વર્તનાર — સત્યાગ્રહથી વર્તનાર — वसुधैव कुटुंबकम् માનનાર ઉદારચરિત પુરુષ છે. અને એ ઉદારતાની શી ખૂબી છે! માણસ રાજા જેવો વર્તી શકે છે, પછી ગમે તેટલા પ્રહારો આવ્યા કરતા હોય ને! … મને ખરેખર દક્ષિણ આફ્રિકામાં મીર આલમે ઘા કરેલા તે જરાય લાગ્યા નહોતા, તે આ જ વૃત્તિને લીધે.’

આ સાંભળીને ભક્તાત્મા મહાદેવ કહે છે, ‘મારું અંતર તો આ ઉદારચરિત આત્મા તરફ પૂજાથી ઊભરાઈ રહ્યું હતું. પણ બહાર પણ તે પ્રગટ કર્યા વિના રહેવાયું નહીં. મને પ્રેમાશ્રુ આવ્યા. હું નમીને બોલ્યો: ‘મને ક્ષમા કરજો. મારો તિરસ્કાર પણ ગયો એટલી ખાતરી આપું?’૪૮

દીક્ષાકાળના આ પ્રશિક્ષણનું કદાચ સૌથી મોટું કામ તો થયું ગાંધીજી સાથેના નિરંતર પ્રવાસો દરમિયાન. ગાંધીજીએ ભારત આવ્યા પછી થોડા જ દિવસોમાં રેલગાડીમાં ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરવાની શરૂ કરી દીધી હતી. છેવટનાં વર્ષોમાં ઘણી વાર તેમને સારુ ત્રીજા વર્ગનો નાનો ડબબો અલાયદો (અવિધિસર આરક્ષિત) રાખવામાં આવતો. નહીં તો લગભગ વીસ-બાવીસ વરસ તેમણે ત્રીજા વર્ગની મુસાફરી, બીજા મુસાફરો કરતાં કોઈ વધારાની સગવડ વિના કરી. એ મુસાફરીમાં સગવડ તો ઠીક પણ સ્ટેશને સ્ટેશને રાત કે દિવસ જોયા વિના ગાંધીજીનાં દર્શન સારુ ભીડ થતી તેને લીધે તે મુસાફરી બીજા મુસાફરોની યાત્રા કરતાં ઘણી વધારે અગવડવાળી બની રહેતી. આ મુસાફરીઓમાં સાથે રહીને મહાદેવભાઈએ માત્ર એ મુસાફરીનું કષ્ટ વેઠવાનું જ નહીં, પણ એ કષ્ટમાંથી શક્ય હોય તેટલે અંશે ગાંધીજીને બચાવવામાં (હંમેશાં સફળ નહીં, તેવા) પ્રયાસ કરવાનું કામ પણ પોતાને માથે લીધું હતું. પ્રવાસમાં રસાલામાં જેમ જેમ લોકોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ ભીડ સામેથી ગાંધીજીની ચોકી કરવાના કામમાં બીજા તરુણો પણ સામેલ થવા લાગ્યા એ સાચું, પરંતુ રસાલો વધ્યો ત્યારે તેના બધા સભ્યોનાં મન રાજી રાખવાનું દુષ્કર કામ તો મહાદેવભાઈને માથે જ આવી પડતું. પણ એની વાત યથાપ્રસંગે.

આ વર્ષોમાં ગાંધીજી સાથે પ્રવાસમાં ફરનારા લોકો ઓછા હતા. આખો વખત મહાદેવભાઈ, ઘણી વાર દેવદાસ કે કસ્તૂરબા અને કોઈ કોઈ વાર બીજા આશ્રમવાસીઓ. પણ દરેક પ્રવાસ વખતે કોઈક ને કોઈક સ્થાનિક માણસ સાથે હોય. ગાંધીજી સાથેના પ્રવાસની પહેલી છાપ જે મનમાં પડતી હોય તો તે ભીડ, કોલાહલ અને દોડધામની. રોજેરોજના અનુભવોથી મહાદેવ એટલા ટેવાઈ ગયા હતા કે ડાયરીમાં એની નોંધ પણ જવલ્લે જ જોવા મળે છે. પણ થોડી કલ્પના આવે માટે આપણે એમાંથી એકાદ નમૂનો લઈએ. नवजीवनના વાચકોને ઉદ્દેશીને લખેલા એક પત્રનો થોડો અંશ જુઓ:

‘રાતના નવ વાગ્યા છે. ભાગલપુરથી કલકત્તા જતી ગાડીમાં બેસીને આ પત્ર લખી રહ્યો છું. આ જ વખત કાંઈક શાંતિનો છે. દિવસના અનેક સભાઓ, અનેક માણસોની આવજા. રાત્રે દરેક સ્ટેશને સેંકડો-હજારો માણસો દર્શનાતુર ઊભા જ હોય. એટલે આગલી રાત તો પરાણે જાગવું જ પડે. રાત્રે બે, ત્રણ અને ચાર વાગ્યે માણસો આવતા નથી એમ નહીં, પણ આખરે થાકીને ડોલાં તો આવવા માંડે જ, એટલે માણસોના હુમલા છતાં અર્ધ સુષુપ્ત દશામાં રહીએ. પણ અમારી આગલી રાત તો જાગરણની જ — ગાડી ચાલતી હોય તે દરમિયાન શાંતિની એટલે કામને માટે ઉપયોગની.’૪૦

પ્રવાસ કોઈ કોઈ વાર એટલો આકરો થઈ જતો કે ગાંધીજીને પણ કનડગત કરતો. આપણા લોકોની ‘દર્શન’ કરવાની ઉત્સુકતા અને એને માટેની હઠ, ગાંધીજીને એનાથી સગવડ થાય છે કે અગવડ એનોયે વિચાર કરવા તૈયાર નહોતી.

‘ભટની સ્ટેશન આવ્યું. ભટની સ્ટેશન પર તો હદ વળી. ગાડી સ્ટેશને સુમારે અગિયારે પહોંચે તે આ હલ્લાઓને લીધે બાર વાગ્યે પહોંચી. લોકો દર્શન ન મેળવી શકે એટલે ચિડાઈને અનેક વિનવણી છતાં ગાડીના પાટા રોકીને ઊભા રહ્યા. અનેક જણ કહેવા લાગ્યા કે દર્શન ન થાય ત્યાં સુધી ગાડીને ખસવા જ ન દઈએ. હું પાછો ઊતરીને તેમને પગે પડ્યો. તોયે તેઓ હઠવા તૈયાર ન હતા, આખરે હું ક્રોધે ભરાયો. ન કહેવાના શબ્દો મેં તેમને કહેવા માંડ્યા. ગાંધીજી પંજાબમાં બે માણસો સામે સત્યાગ્રહ કરીને ગાડીમાં બે કલાક ઊભા રહ્યા હતા તે મેં તેમને કહી સંભળાવ્યું; આ તોફાનને પરિણામે કદાચ તેઓ પ્રવાસ કરતા બંધ થઈ જશે અથવા કાંઈક અકલ્પનીય આકરો સત્યાગ્રહ કરી બેસશે એવી ચેતવણી આપી; પણ તે તેઓના કાનને પણ સ્પર્શ નહોતી કરતી. “ભગવાનનાં દર્શન કરવા આવ્યા તેમાં શરમ શાની હોય?” એમ કરી કરીને અમને શરમાવવાનો પ્રયત્ન કરતા. આમ કરતાં કરતાં અમારો ડબ્બો બીજી ગાડીને લગાડતાં ગાર્ડને અર્ધોપોણો કલાક નીકળી ગયો.

ગાંધીજી આ ધમાલમાં ઊંઘે તો શાના જ? પણ ગુપચુપ પડી રહ્યા હતા. ભટની પછી કાંઈક શાંતિ થશે એમ અમે આશા રાખી, પણ એ આશા પણ વ્યર્થ ગઈ. પછી તો દરેક સ્ટેશને લોકોનો ઉપર કહ્યા પ્રમાણેનો હઠાગ્રહ ચાલ્યો. એક સ્ટેશને થાકીકંટાળીને દોઢેક વાગ્યે ગાંધીજી ઊઠ્યા. ગાંધીજી વીનવવા લાગ્યા, “મહેરબાની કરીને તમે જાઓ. આટલી રાતે શા માટે પજવો છો?” તેના જવાબમાં ભયંકર હર્ષનાદો જ થતા હતા. ગાડી ખસે ત્યાં સુધી ન હઠીએ એમ પણ ઘણાક બોલતા હતા. ગાંધીજીએ ફરી પાછી આજીજી કરી, પણ કોણ સાંભળે? આ પ્રસંગે, ગાંધીજીની સૌમ્ય મૂર્તિમાં થયેલી વિકૃતિનું વર્ણન આપવાને માટે મારી પાસે શબ્દો નથી. હું પણ ત્રાસ્યો હતો. શું થશે તેની કલ્પના કરી શકતો ન હતો. ગાંધીજીને કુદ્ધ દશામાં મેં આ પહેલાં કદી જોયા ન હતા. એટલે હું કાંપતો હતો. આખરે તેમણે પોતાનું કપાળ કૂટી કહ્યું: “તમને પગે લાગું છું, ભલા થઈને અહીંથી હઠો.” લોકોની ઉદ્ધતાઈની અવધિ વળી! ગાંધીજીએ આમ ત્રણ વાર કપાળ કૂટ્યા પછી લોકો શાંત થયા.’૫૦

પણ આવી પરિસ્થિતિમાંથી કોઈ વાર કોઈક પાવન પ્રસંગ પણ બની શકે. એ જ દાખલા પછીની વાત લો:

‘આ બધું એક અપરિચિત ગૃહસ્થે જોયેલું. હવે પછીના દરેક સ્ટેશને અમારા ડબા આગળ પહોંચી જઈ ટોળાંઓને અતિશય નમ્ર અને હૃદયદ્રાવક ભાષામાં તેઓ ભાષણ આપી જતા અને સુભાગ્યે ટોળાં પણ તેમની સલાહ કાને ધરતાં અને શાંતિથી વીખરાતાં. આમ અમારા શિર ઉપરનો ભાર એ દેવદૂતે જ લઈ લીધો. તેમનાં ભાષણો અક્ષરશુદ્ધ હતાં. તેમણે ગાંધીજીના બધા સિદ્ધાંતો સારી રીતે જીરવેલા જણાતા હતા, અને શાંતિથી પણ દૃઢતાપૂર્વક દરેક ભાષણને અંતે તેઓ સામાન્ય અહિંસાના, પરદેશી વસ્તુબહિષ્કારના અને અસહકારના પ્રત્યેક અંગ બાબત ઉપદેશ આપતા હતા. તેમની ભક્તિ, તેમનું ધૈર્ય અને તેમની શાંતિ વિશે મારા વિસ્મયનો પાર ન રહ્યો.

મેં તેમને તેમનું નામ પૂછ્યું. તેમણે કહ્યું: “મારું નામ રામગોપાલ. હું મઉમાં એક મામૂલી — સામાન્ય વેપારી છું અને ત્યાં ખિલાફત કમિટીનો સેક્રેટરી છું.” મને વધારે આશ્ચર્ય થયું, આવી રીતે કેટલાયે શાંત કામ કરનારાઓ દેશમાં કામ કરી રહ્યા હશે જેની દેશના ઘણા મોટા ભાગને ખબરે નહીં હોય!’૫૧

અગાઉનો આવો એક પ્રસંગ સ્ટેશનો પર થતી ભીડ અંગેનો નથી:

‘રાત્રે એક જણે પટણા સ્ટેશન ઉપર ખૂબ પંખો કર્યો. બાપુ ગાડીમાં સૂઈ ગયા. તેની શેતરંજી ઉપર તેમના પગ હતા. તેથી તે શેતરંજી લેતાં તેઓ જાગે એમ ધારીને તેણે ન ઉઠાડ્યા અને શેતરંજી મૂકીને ઊતરી ગયો. આ માણસ પોલીસમાં હતો અને તદ્દન સાધારણ સ્થિતિનો એમ આગલી વાત ઉપરથી કલ્પના થાય છે. બાપુને પાછળથી બહુ ચિંતા થઈ. મૂંગું કાર્ય કરનારા સર ગિબી આવા સ્થળે છે એમ બાપુ બોલ્યા. મને પણ બહુ લાગી આવ્યું. મનમાં એમ પણ થયું કે આવું મૂંગું કાર્ય જગતમાં જન્મીને મેં એકે નથી કીધું. પણ આ પ્રસંગ જનસ્વભાવની વિવિધતા જણાવવા માટે લખ્યો છે. સવારે એ શેતરંજીની વાત થતી હતી, તે એક મારવાડી બેઠો બેઠો સાંભળતો હતો. મુગલસરાઈના સ્ટેશન ઉપર ઊતરતાં એ બોલ્યો કે, “મને શેતરંજી આપોને, તમારે શો ખપ છે?” બાપુએ કહ્યું, “નહીં, એ તો એના માલિકને મોકલીશ.” ’ ૫૨

પરંતુ પ્રવાસના અનુભવો એટલે માત્ર રેલગાડી દરમિયાન થયેલા ખટમીઠા અનુભવો જ નહીં. ગાંધીજી સાથેના સતત એકધારા પ્રવાસથી મહાદેવભાઈને જે સૌથી મોટો લાભ થયો તે આખા દેશને જોવા-જાણવાનો. આજે પંજાબ તો કાલે તામિલનાડુ, એક દિવસ કચ્છમાં તો બીજે દિવસે કામરૂપમાં ફરીને મહાદેવભાઈને ભારતનો પરિચય થયો. બિહાર, સંયુક્ત પ્રાંત, કાઠિયાવાડ, કર્ણાટક વગેરે અનેક પ્રદેશોનાં ગામડાંઓ ખૂંદીને તેમને સાચા હિંદનાં દર્શન થયાં. ઠેકઠેકાણાના પ્રશ્નો અને કોયડાઓ તેઓ સમજ્યા, ત્યાંના લોકોના રીતરિવાજોને તેમણે જાણ્યા, ત્યાંની ખાસિયતો અને ખૂબીઓને માણી. માના ખોળામાં તાજું અવતરેલું બાળક જેમ એક વિશાળ દુનિયાને જોઈ રહે છે તેમ ઘર કૉલેજ, નોકરીના નાનકડા ઘેરામાંથી ગાંધીની આંગળી પકડીને પગલાં માંડતા મહાદેવે ભારતમાનો ખોળો ખૂંદીને એની વિશાળતા અને વિવિધતા અનુભવી. રોજેરોજ નવા નવા લોકો જોડે ઓળખાણ થતી. મહાદેવ મુગ્ધ ભાવે એમને મળતા. એમનામાંનાં કેટલાંકનાં નામો એમને સારુ સુપરિચિત હતાં — પણ એમને આટલા નિકટથી જોઈ-જાણી-મળી શકાશે એવી તો એમણે કદી કલ્પનાયે નહીં કરી હોય. સર દીનશા વાચ્છા, સુરેન્દ્રનાથ બેનરજી, ટિળક મહારાજ, લાલા લજપતરાય, સી. વિજય રાઘવાચાર્ય — આ સર્વ એવાં નામો હતાં કે આજનો જમાનો હોય તો તેમની પાછળ તરુણો ‘ઑટોગ્રાફ’ લેવા દોડે. મહાદેવ આ સૌને મળ્યા હતા, એમાંથી કેટલાકની જોડે તેમણે પત્રવ્યવહાર કર્યો હતો. તે જમાનામાં બે ઝળહળતાં નામો પંડિત મોતીલાલ નેહરુ અને ચિત્તરંજન દાસ જોડે તો થોડા સમય પછી તેમને ઘરોબો બંધાવાનો હતો. ખૂબી એ હતી કે મહાદેવે મળતાંની સાથે આમાંથી ઘણાખરાનાં મન મોહી લીધાં હતાં. એમના ‘મોગલ ગાર્ડનના ગુલાબ’ જેવો ખુશનુમા સ્વભાવ કોનાં દિલ ન જીતે? એમની સુધાઝરતી વાણી અજાણ્યા પર પણ કામણ કરતી. એમની નમ્રતા અને એમની ખાનદાની એમને અનેક કુટુંબોમાં કુટુંબીજનનું સ્થાન અપાવતી. મહાદેવ જેવો મળતાવડો અને હસમુખો સચિવ ગાંધીજી સારુ પણ એક કીમતી મૂડી બની રહેતો. પણ એ બધાં કરતાં પણ વધુ અગત્યનો લાભ જો થયો હોય તો પાછળથી જે આખા દેશનું નેતૃત્વ સંભાળવાના હતા તેવા અનેક લોકોની સાથે આ કાળમાં બંધાયેલી ગાઢ ભાઈબંધી. એમાંના કેટલાક વયે વડીલ હતા, પણ મહાદેવભાઈ એમને વિશે પૂજ્યભાવ દેખાડે તોયે એ લોકો તો મહાદેવ વિશે મૈત્રીભાવ જ ધરાવતા હતા. વલ્લભભાઈ તે પૈકીના હતા. બીજા ઘણાખરા સમોવડિયા કે થોડાં વર્ષ મોટા. પટણામાં રાજેન્દ્રબાબુ, મુઝફ્ફરપુરમાં કૃપાલાની, સેલમમાં રાજગોપાલાચારી સાથે ભેટો આ વર્ષો દરમિયાન જ થયો. દિલ્હીમાં જવાહરલાલ સાથે પ્રથમ મુલાકાત પણ પ્રિન્સિપાલ રુદ્રને ત્યાં આ જ અરસામાં થઈ. ઊર્મિલાદેવી સેન એ ચિત્તરંજન દાસનાં બહેન. એમની સાથે સંબંધ જરા પાછળથી બંધાયો, પણ તેમણે મહાદેવના હૃદયમાં માનું સ્થાન લીધું. એની બેસન્ટ જોડે ઉપલકિયા ઓળખાણ થઈ. સરોજિની દેવી જોડેની દોસ્તી વર્ષો જતાં વધતી ગઈ. આમાંના થોડાક બુઝુર્ગોને બાદ કરતાં બાકી બધાં મહાદેવના અવસાન પછી ગયાં. ઘણાખરાએ વીસ-પચીસ વર્ષની એ મિત્રાચારીને સંભારીને મહાદેવને અવસાન પછી વર્ષો બાદ ભારે હૃદયે અંજલિઓ આપી છે.

આ કાળનું સૌથી મોટું પ્રશિક્ષણ સચિવ તરીકેનું હતું. અલબત્ત, વર્ષો જતાં એ સામાન્ય સચિવોના સંબંધોને ક્યાંય આંબી જનારો સંબંધ હતો. પરંતુ શરૂઆતમાં ત્રણ-ચાર વર્ષમાં જ આવા ભારે કર્મઠ, ગતિશીલ અને તેજસ્વી પુરુષના સચિવ થવા સારુ જે કુશળતાઓ જોઈએ તે મહાદેવે ખૂબ સારી રીતે મેળવી લીધી.

આપણે આગળ ઉપર જોઈ ગયા કે મહાદેવભાઈ ગાંધીજી સાથે જોડાયા તેનાં છસાત અઠવાડિયાં પહેલાં જ કલકત્તાના શ્રી સત્યાનંદ બોઝને લખેલ પત્ર ગાંધીજીએ મહાદેવભાઈ પાસે લખાવ્યો હતો. આમ સચિવ તરીકેનું એક કામ લહિયા બનવાનું, વ્યાસજીના ગણેશ બનવાનું કામ તો મહાદેવભાઈએ ગાંધીજી સાથે કામમાં જોડાતાં અગાઉ જ શરૂ કરી દીધું હતું.

ચંપારણમાં ગાંધીજી સાથે કામ કરવાનું શરૂ કર્યું એનાં બે અઠવાડિયાં પછી તો ગાંધીજીએ પોતાના ભત્રીજા શ્રી જમનાદાસ ખુશાલચંદ ગાંધીનો અનુવાદ પોતે જોવાને બદલે મહાદેવને તપાસવા સોંપી દીધો હતો. મહાદેવે અનુવાદકલા ગાંધીજી પાસે આવતાં પહેલાં સંપાદિત કરી હતી. એ કલા ગાંધીજીના સચિવ બન્યા પછી ખૂબ કામ લાગવાની હતી અને વરસો જતાં એ ખીલવાની પણ હતી.

ખરું જોતાં ભાષાજ્ઞાન એ મહાદેવભાઈની મોટી મૂડી હતી. એક અંગ્રેજી અને તમિળને બાદ કરતાં મહાદેવભાઈનું ભાષાજ્ઞાન બીજી બધી ભાષાઓમાં ગાંધીજી કરતાં ચડિયાતું હતું. અંગ્રેજી ભાષાનું જ્ઞાન બંનેનું પોતપોતાની રીતે આગવું અને એકબીજાથી ચડી જાય તેવું હતું — સામાન્ય દૈનિક બોલચાલની તથા કાયદાની ભાષામાં ગાંધીજીની અંગ્રેજી ચડે એવી હતી, સાહિત્યિક લખાણોમાં કદાચ મહાદેવભાઈની તેમનાથી ચડી જાય. તમિળભાષા વરસો પછી મહાદેવભાઈએ વર્ધામાં શ્રી એમ. અરુણાચલમ્ પાસે શીખવા માંડેલી, પણ તેમાં ઝાઝી પ્રગતિ કરી નહોતી, ગાંધીજી વરસો પહેલાં આફ્રિકામાં એમની સાથે સત્યાગ્રહમાં જોડાયેલા મજૂરો સાથે કામ કરતાં શીખેલા, જે ભારત આવ્યા પછી થોડી વીસરાયેલી, છતાં મહાદેવભાઈ કરતાં ઘણી ચડી જાય એવી હતી. ગુજરાતી, હિન્દી, બંગાળી ભાષાઓ મહાદેવભાઈએ ગાંધીજીથી વધારે વાંચેલી. પાછળથી જેલોમાં ગાંધીજી અને મહાદેવ બંને ઉર્દૂ શીખેલા. પણ બનતાં સુધી એમાં બંને સરખાં જ્ઞાનલવદુર્વિદગ્ધ હતા! મરાઠી ભાષામાં મહાદેવભાઈ બોલી તેમ જ લખી શકતા. ગાંધીજીની ઉપર કે પોતાની ઉપર આવતા મરાઠી પત્રોના ઉત્તર ઘણી વાર મરાઠીમાં આપતા. આ પ્રકારનો પહેલો મરાઠી પત્ર ચંપારણમાં કસ્તૂરબા અને દુર્ગાબહેનની માફક અલગ અલગ ગામડાંઓમાં કામ કરતી પાંચ બહેનો પૈકી એક — આનંદીબહેન — ઉપર ગાંધીજી સારુ મહાદેવભાઈએ ઠેઠ ફેબ્રુઆરી ૧૯૧૮માં લખી આપેલો.

ગાંધીજી સાથે જોડાતાં પહેલાંની પૂર્વઅર્જિત મૂડી તરીકે ગણાવી શકાય તેવું બીજું તત્ત્વ હતું અક્ષરનું. પોતાના અક્ષર સારા નહોતા એ વાત ગાંધીજીને હમેશાં ખૂંચતી. જોકે છેવટ સુધી તેઓ જાતે તો પોતાના અક્ષર સુધારી શકેલા નહીં. (ડાબે હાથે લખવા માંડ્યું ત્યારે જમણા હાથ કરતાં કાંઈ વધુ સુવાચ્ય લખતા) પણ તે બંને અક્ષરોને સુંદર તો કોઈ ન જ કહી શકે. કદાચ એ જ કારણસર ગાંધીજીને સુંદર અક્ષરોનું ભારે આકર્ષણ હતું અને બાળકોને તેઓ જેટલા પત્ર લખતા તેમાં લગભગ બધામાં અક્ષર અંગેનો તો કાંઈક ને કાંઈક ઉલ્લેખ આવતો જ! મહાદેવ પ્રત્યે ગાંધીજીના આકર્ષણનાં ઘણાં કારણો પૈકી એક એમના સુંદર અક્ષરો પણ હતા. મહાદેવના મિત્ર નરહરિભાઈના અક્ષરો પણ સુંદર હતા. મહાદેવના અક્ષરો અંગે ગાંધીજીના વિશેષ આકર્ષણ વિશે તેઓ નોંધ કરે છે:

‘ચંપારણના દિવસોમાં બિહારના લેફ્ટનન્ટ ગવર્નરે બાપુજીને કહેલું કે તમારી પાસે આવા સુંદર અને કળામય અક્ષર લખનાર માણસ છે એના ઉપર હું તો મુગ્ધ થઈ જાઉં છું. આ ઉપરથી બાપુજીએ કહેલું કે લેફ્ટનન્ટ ગવર્નર પાસે મારે તમને મોકલવા હશે ત્યારે તમારા અક્ષરનું જ ઓળખાણ આપીશ. વાઇસરૉય લૉર્ડ ચેમ્સફર્ડનો પ્રાઇવેટ સેક્રેટરી સર જૉન મેફી પણ મહાદેવના અક્ષર ઉપર ફિદા થઈ ગયેલો અને એની સાથે એમની ગાઢ મૈત્રી બંધાવામાં શરૂઆતનું કારણ એમના અક્ષર જ હતા. એણે એક વખત મહાદેવને કહેલું કે, વાઇસરૉયના સ્ટાફમાં એક પણ માણસ આવા અક્ષર લખવાવાળો નથી. વાઇસરૉયને પણ તમારા અક્ષરની અદેખાઈ આવે છે.

બાપુજીએ જ્યારે બિહારના લેફ્ટનન્ટ ગવર્નરની વાત કરી ત્યારે મહાદેવે કહ્યું, ‘એમ તો નરહરિના અક્ષર પણ સુંદર છે. સોશિયલ સર્વિસ કૉન્ફરન્સના પ્રમુખ તરીકેનું આપનું ભાષણ ટાઇપ કરાવી લાવવાનું મેં કહ્યું ત્યારે આપે જ કહેલું કે, “નરહરિએ આવા સારા અક્ષરે લખી આપ્યું છે એ મૂકીને હું ટાઇપ કરાવેલું શું કામ વાંચું?” બાપુજીએ કહ્યું કે, વાત ખરી છે. તેના અક્ષર સફાઈદાર છે અને મને ગમે છે પણ એનો મરોડ એવો કળાવાળો ન ગણાય. પછી મહાદેવે છગનલાલભાઈ ગાંધીના અક્ષર પણ સારા છે એમ કહ્યું ત્યારે બાપુજીએ જવાબ આપ્યો કે, “હા, છગનલાલના અક્ષર સારા ગણાય. પણ એ કૉપીબુક હૅન્ડરાઇટિંગ કહેવાય.” ’ ૫૩

જેમ મહાદેવભાઈના અક્ષર સુંદર હતા, તેમ તેઓ ખરાબ અક્ષર ઉકેલવામાં પણ પ્રવીણ હતા. ગાંધીજી પાસે તો જાતજાતના અક્ષરો આવે. એમની તદ્દન નજીકના લોકોમાં જ દેવદાસભાઈ અને પ્યારેલાલજીના અક્ષર ઉકેલવા એ ભારે કપરું કામ હતું. સરોજિની નાયડુના અક્ષર ઉપરથી જોતાં દેખાય સુંદર પણ ઉકેલવામાં ભારે દુષ્કર. એમના પત્રો આવે તો ગાંધીજી સીધેસીધા મહાદેવભાઈને જ સોંપી દે ને કહે, આને તો તમે જ વાંચી સંભળાવો ને!

થોડા જ સમયમાં ગાંધીજીએ અનેક પત્રોના જવાબ પોતે લખવાને બદલે મહાદેવભાઈને જ એના જવાબ આપવાનું કામ સોંપવા માંડ્યું. પાછળના કાળમાં તો આવેલી ટપાલ મહાદેવભાઈ જ જોતા અને ઘણા પત્રોના જવાબ પોતે આપી દેતા. કેટલાકને આપેલા જવાબ ગાંધીજીને દેખાડતા. બાકી રહે તે પત્રો જ ગાંધીજીને જેવા અને ઉત્તર આપવા સારુ સોંપતા. તેથી સ્તો ગાંધીજીએ મહાદેવ જોડાયા પછી થોડા મહિનામાં જ કહ્યું કે:

‘મારું કામ હું ન કરી શકું એમ નહીં, પણ મહાદેવ હોય તો બમણું કામ કરી શકું.’

અલીભાઈઓ વતી શ્રી ધારેએ લખેલા એક પત્રના જવાબમાં ગાંધીજી ઉલ્લેખ કરે છે કે, ‘શ્રી દેસાઈ મારી પાસે નહોતા તેથી હું બને એટલા ઓછા કાગળ લખતો.’ ગાંધીજીનું દૈનિક કામ ચલાવવા સારુ બહુ અલ્પકાળમાં મહાદેવભાઈ એક મહત્ત્વપૂર્ણ કડી બની ગયા હતા એમ દેખાઈ આવે છે.

શારીરિક દૃષ્ટિએ ગાંધીજી અસ્વસ્થ હોય ત્યારે એમના વતી કેટલાંક કામો કરી આપવાં એ પણ સચિવનું કામ થઈ ગયું હતું. મદ્રાસના ત્રિપ્લિકેન મેદાનની વિરાટ સભાને ઉદ્દેશીને ગાંધીજી વ્યાખ્યાન સંભળાવી શકે એમ નહોતા. તેથી તેમનું લખેલું વ્યાખ્યાન મહાદેવભાઈએ વાંચી સંભળાવેલું. આ તો માત્ર એક દાખલો જ આપ્યો છે. વારંવાર તેમને ગાંધીજીનાં વ્યાખ્યાનો વાંચી સંભળાવવાં પડતાં. અને ધીરે ધીરે લોકોને ગાંધીજીની હાજરી અને મહાદેવભાઈનો અવાજ બેયનું મિશ્રણ જાણે કે માન્ય થઈ ગયું હતું!

ગાંધીજીનાં મોટા ભાગનાં ભાષણોની નોંધ માત્ર મહાદેવભાઈની નોંધપોથીમાંથી જ મળતી. તેથી તે વખતે ઘણાં છાપાંવાળાઓ વ્યાખ્યાન પછી એ નોંધની નકલ મેળવવા પડાપડી કરતા અને ગાંધીજીના મરણ પછી જ્યારે ભારત સરકારે ગાંધીજીનાં તમામ લખાણો: कलेक्टेड वर्क्स ऑफ महात्मा गांधी નામે પ્રકાશિત કર્યા ત્યારે તેમાં સેંકડો જગાએ ભાષણો કે પત્રોની નોંધો મહાદેવભાઈની ડાયરી ઉપરથી લીધાનો ઋણસ્વીકાર જેવા મળ્યો.

ગાંધીજીનાં વચનોની નોંધ એટલે માત્ર એમણે આપેલાં વ્યાખ્યાનોની જ નોંધ નહીં પણ એમનો નાનામોટા કોઈ જોડે પણ વાર્તાલાપ થયો હોય તોપણ તેની નોંધ મહાદેવભાઈની ડાયરીમાં ઊતરે. અરે, કોઈ વાર સંનિપાતમાં કે તંદ્રામાં ગાંધીજીએ કાંઈક ઉચ્ચારો કાઢ્યા હોય તો તે પણ મહાદેવ ટપકાવી લેતા. ૨૧–૧–’૧૯ની નોંધનો પહેલો પૅરેગ્રાફ જુઓ:

‘મુંબઈ: (૨૧–૧–૧૯) આજે હરસનું ઑપરેશન કરવામાં આવ્યું. સાડા આઠ વાગ્યા સુધી ઊંઘ્યા. પછી બેભાનમાં લવરી પર ચડ્યા. તેમાં છેલ્લો સપાટો બહુ સુંદર હતો: “સરકારે બે વસ્તુઓ કરવી જ જોઈએ; નિમકવેરો રદ કરવો જોઈએ, અને દૂધનો ઉદ્યોગ રાષ્ટ્રાધીન (નૅશનાલાઇઝ) કરવો જોઈએ. આટલું થાય તો ઘણું દુ:ખ ટળે. નિમકવેરા જેવો ઘાતકી કર કેમ સ્વીકારાયો હશે તે જ સમજાતું નથી. એ પસાર થયો ત્યારે આખા દેશને સળગાવી શકાત. જે વસ્તુ વિના માણસને ઘડીભર પણ ચાલે એવું નથી તે વસ્તુ ઉપર વેરો કેવો?” સ્વસ્થ થયા પછી રાતે બાર વાગ્યે પત્રો લખાવવા માંડ્યા.’૫૪

લાંબા અને થકવનારા પ્રવાસો પછી તરત એ પ્રવાસનાં વર્ણનો લખવાનું કામ ધીરે ધીરે મહાદેવભાઈએ જ ઉપાડી લીધું. એમાં ગાંધીજીનાં ભાષણો, એમની વ્યક્તિગત મુલાકાતો અને કેટલાક અગત્યના પત્રોની પણ નોંધ આવી જતી. ઉપરાંત મહાદેવભાઈનું પોતાનું ભક્તિની શાહીથી ભીનું સરસ વર્ણન તો હોય જ. ગાંધીજી તો એ દિવસો દરમિયાન જે વિષયોની ખાસ ચર્ચા ચાલતી હોય તેની ઉપર નોંધ કે લેખ લખે. ભાષણ વગેરેની નોંધ તો મહાદેવભાઈની જ અધિકૃત ગણાય. गांधीजीनो अक्षरदेहમાં ‘પંજાબની મુસાફરીનાં સ્મરણ હું નથી આપી શક્યો, ભાઈ મહાદેવ દેસાઈએ તેનો ચિતાર આપ્યો છે.’ — જેવા ઉલ્લેખો વારંવાર જેવા મળે છે. गांधीजीनो अक्षरदेहના માત્ર ૧૮મા ગ્રંથમાં જ આ રીતે મહાદેવભાઈ દ્વારા મદ્રાસી, પંજાબ, શાંતિનિકેતન, ઉત્તર પ્રદેશ વગેરેનાં ભાષણોનો અને બીજો અહેવાલ મહાદેવભાઈએ આપ્યો છે અને ગાંધીજીના તો ચાલુ વિષયો પરના લેખો જ આપ્યા છે, એવા ઉલ્લેખ જોવા મળે છે. જ્યારે આ જ કાળ (૧૯૧૯–’૨૦)ની મહાદેવભાઈની ડાયરીઓમાં આ પ્રદેશોમાં ઠેર ઠેર ગાંધીજીએ આપેલાં વ્યાખ્યાનોની નોંધ જોવા મળે છે. એમ તે પ્રારંભિક કાળથી જ મહાદેવભાઈની ડાયરીઓ कलेक्टेड वर्क्स (અક્ષરદેહ) પછી ગાંધીજીનાં ભાષણો, વાર્તાલાપો આદિનું સૌથી વધુ અધિકૃત અહેવાલનું સ્થાન લે છે.

સચિવ તરીકે મહાદેવભાઈને માથે એક બીજું કામ પણ આવતું, ‘ગાંધીજી સાથે સાધેલી એકાત્મતાને લીધે તેમનાથી તે કામ ઘણી વાર અનાયાસે થઈ જતું. એ કામ હતું ગાંધીજી ઉપર થતી ટીકાઓના જવાબ આપવાનું. મોટે ભાગે આ જવાબમાં તેઓ ગાંધીજીના શબ્દોનાં ઉદ્ધરણોનો જ ઉપયોગ કરતા, તેથી તે ઉત્તર વધુ અધિકૃત બની જતા. આવા અનેક દાખલાઓમાંથી આપણે માત્ર એક જોઈએ. મહારાષ્ટ્રમાં સંગમનેર (ખાનદેશ)માં આપેલા ભાષણની નોંધનો એક ભાગ:

‘હિન્દુસ્તાનમાં સ્થળે સ્થળે મળતા પ્રેમના સાગરમાં હું નાહી રહ્યો છું. પણ પ્રેમાગ્નિથી જ્યાં સુધી શક્તિ પ્રગટે નહીં ત્યાં સુધી તે પ્રેમ નકામો છે. મને મારી પૂજા નથી ગમતી. मने चरणस्पर्श नथी गमतो. मने ते अतिशय अप्रिय छे. एमां हिन्दुस्ताननुं तो पतन ज रह्युं छे. हिन्दुस्तान चरणस्पर्शथी स्वराज नथी मेळववानुं; हिन्दुस्तानने हुं टटार ऊभेलुं जोवा इच्छुं छुं. જગતના બધા દેશની સામે તે ટટાર ઊભું રહે એ જોવા ઇચ્છું છું, મારે નથી જોઈતું ગાંધીરાજ, નથી જોઈતું વ્યક્તિરાજ, મારે એક સ્વરાજ જ જોઈએ છે. એટલે મને ચરણસ્પર્શ નથી જોઈતો.’

ઉપરના નાગરી લિપિવાળા ઉદ્ગારો સર નારાયણરાવ ચંદાવરકરને હું ભેટ ધરું છું. ગાંધીજી પોતાને અવતાર માનવા દે છે, ચરણસ્પર્શ કરવા દે છે, તેની સામે કશો હુંકાર સુધ્ધાં નથી કરતા, એવો તેમણે टाइम्स પત્રમાં આક્ષેપ કર્યો છે. यंग इन्डिया પત્ર પણ તેઓ નામદાર વાંચતા નથી જણાતા. તો આ ઉદ્ગારો તેમને શી રીતે પહોંચશે? (પણ ન પહોંચે તેમાં વાંક કોનો?)’૫૫

મહાદેવભાઈના અહેવાલમાં ક્વચિત્ ભૂલો પણ થતી. ઑક્ટોબર, ૧૯૨૦માં લખનૌની એક વિરાટ સભામાં જુદા જુદા વક્તાઓ જોડે ગાંધીજી પણ બોલ્યા હતા. મહાદેવભાઈએ ગાંધીજીના ભાષણનો કાંઈક વધુ વિગતવાર અને બીજા વક્તાઓનાં ભાષણોનો એનાથી સહેજ ઓછી વિગતે नवजीवनમાં અહેવાલ આપ્યો હતો. આ વ્યાખ્યાનોમાં એક મૌલાના અબદુલ બારીનું હતું. તે વ્યાખ્યાન કઠણ ઉર્દૂમાં થયું હતું અને મહાદેવભાઈ એ પૂરું સમજ્યા નહોતા એમ લાગે છે. રિપોર્ટ છાપતાં પહેલાં આ બાબત મહાદેવભાઈ પોતે પણ સચેત હતા. તેથી અહેવાલને અંતે તેમણે લખ્યું હતું:

‘આ પ્રમાણે મેં મારા શબ્દોમાં મૌલાનાસાહેબની દલીલ મૂકી છે. એમાં દોષ હોવાનો સંભવ છે. પણ મેં મારી સમજ અને સમૃતિ પ્રમાણે એ મૂકી છે. એ પ્રસંગ એટલો બધો ગંભીર હતો અને એના ઉપર વિવેચન એટલું બધું તોળેલા શબ્દોમાં કરવામાં આવ્યું હતું કે એ શબ્દેશબ્દ આપ્યા વિના એમાં કાંઈક અધૂરપ રહી જાય.’

આ અહેવાલનો એક ઈસાઈએ અનર્થ કર્યો. મૂળ ભાષણમાં મૌલાના અબદુલ બારીએ ખેરીમાં થયેલા એક ખ્રિસ્તીના ખૂન વિશે કહ્યું હતું. મૌલાનાએ ખૂનીને ટેકો આપ્યો અને જેમનું ખૂન થયું હતું તેમને કાફર કહ્યા એમ અર્થ કરીને મિ. ડગલસ નામના એક ભાઈએ અસહકાર આંદોલનને પોતાનો ટેકો પાછો ખેંચી લીધો હતો. એ આખા પ્રકરણ અંગે ‘એક નિર્દોષ ભૂલ’ નામનો લેખ લખીને મહાદેવભાઈએ અહેવાલમાં પોતાની સમજ મુજબ, કયાં કયાં ભૂલ કરી હતી તે સમજાવ્યું હતું. એ લેખની શરૂઆતમાં ગાંધીજીએ નીચે મુજબ નોંધ કરી હતી:

‘મારે ખુદ આ ભાષણોની અને ખાસ કરીને મૌલાના અબદુલ બારીએ આપેલા ભાષણની છણાવટ કરવાની જરૂર છે. ગમે તે વખતે ખબરપત્રીની મુશ્કેલી મોટી જ હોય છે, પરંતુ જ્યારે તેને તેનો હેવાલ સીધો જ લખી લેવો પડે છે અને સાથે સાથે પોતે પૂરી સમજતા ન હોય તેવી ભાષામાં અપાયેલા વક્તાના ભાષણનો તરજુમો તેને કરવો પડતો હોય છે ત્યારે તેનું કામ વધારે મુશ્કેલ બને છે. મારા સહકાર્યકર શ્રી મહાદેવ દેસાઈએ મૌલાનાના ભાષણની નોંધ લીધી ત્યારે તેમની પણ આવી જ સ્થિતિ હતી. તેમનો હેવાલ नवजीवनમાં પ્રગટ થયા પછી મેં એ જોયો છે અને તેથી મને દુ:ખ થયું છે. તેમણે એક ગંભીર છતાં નિર્દોષ ભૂલ કરી છે એમ મને લાગ્યું. આ હેવાલ મૌલાનાને ન્યાય આપતો નથી અને એમાં મિ. વિલબીના ખૂનીને તેમના મોંએ શહીદ કહેવડાવવામાં આવ્યો છે અને મૌલાનાએ અલ-કુરાનના શબ્દો કરતાં મારા શબ્દોને પસંદગી આપ્યાનું તેમાં જણાવવામાં આવ્યું છે. મને જે સહકાર્યકરો મેળવવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે તેમાં મહાદેવ દેસાઈને હું એક ઉત્તમ અને ખૂબ જ કાળજીવાળા સહકાર્યકર ગણું છું. પરંતુ ઉત્તમ હેતુ ધરાવવા છતાં આપણામાંના સારામાં સારા માણસો કેટલીક વાર ભૂલો કરી બેસે છે.’૫૬

ત્યાર બાદ ગાંધીજીએ પોતે સમજ્યા તે મુજબ બારીસાહેબના ભાષણનો સાર આપ્યો હતો. વળી તેમણે આ ભૂલ જોયા વિના नवजीवनમાં છપાવા જવા દીધી એ પોતાની ભૂલનો એકરાર કરીને, આવી બાબતોમાં વાચકોએ થોડો વિવેક જાળવવો જોઈએ એવું સૂચન પણ કર્યું હતું. આપણે એટલો હિસ્સો જોઈએ:

‘नवजीवन’ ધ્યાનપૂર્વક વાંચનારને મારે કહેવાની જરૂર નથી કે ભાઈ મહાદેવે પોતાના રિપોર્ટની નીચે જે નોંધ કરેલી તેમાં તેમણે પોતાનો અને મૌલાનાસાહેબનો પૂરેપૂરો બચાવ કરી દીધો છે.

ભાઈ મહાદેવે પણ કંઈ શબ્દेશબ્દ રિપોર્ટ લીધો જ ન હતો, તેથી જે અધૂરાપણું મેં જોયું તે મેં વાંચનારની આગળ મૂક્યું છે. મારું અધૂરાપણું તો બીજા સાંભળનારાઓ અવશ્ય બતાવી શકે. મારી એક પત્રકાર તરીકेની જવાબદારી શી છે એ મારે આમાંથી શીખી લેવાનું રહ્યું. દરેક તંત્રી પોતાના પત્રની લીટીએ લીટી ઉપર અંકુશ રાખી શકતો નથી. જો મેં ભાઈ મહાદેવનો રિપોર્ટ અગાઉથી જાયો હોત તો હું ઉપર પ્રમાણે ફેરફાર જરૂર કરત. પણ હું ભાઈ મહાદેવનો દોષ કાઢવાને પણ તૈયાર નથી. રિપોર્ટર પોતે સાંભળેલું અને સમજેલું પ્રામાણિકપણે અને શુદ્ધ બુદ્ધિથી આપી દે એટલે તેમણે પોતાની ફરજ બજાવી છે. વાંચનારે તંત્રીની અને રિપોર્ટરવર્ગની મુશ્કેલીઓનો ખ્યાલ કરી હંમેશાં વર્તમાનપત્રોમાં યોગ્ય સુધારા કરીને વાંચવાં જોઈએ. એમ ન કરે તો વર્તમાનપત્રો ચલાવનારાને એ મોટો ગેરઇન્સાફ કરે અને જેટલો લાભ તેને ઉઠાવવો શક્ય છે તેટલો તે હરગિજ ન ઉઠાવી શક.’૫૭

પોતાની રાઈ જેટલી ભૂલને પર્વત જેવી ગણાવી જાહેર જનતા આગળ એની કબૂલાત કરે, એવો ગાંધીજીનો સ્વભાવ હતો. પોતાની માફક જ પોતાના સાથીઓની ભૂલોને પણ તેઓ જગબત્રીસીએ ચડાવતાં ચૂકે નહીં તેવા હતા. આ પ્રસંગમાં તેમણે મહાદેવભાઈની ભૂલને ‘નિર્દોષ ભૂલ’ કહી છે અને એમની બધી ભૂલો જણાવ્યા પછી પણ એમનો થોડો બચાવ કર્યો છે તેમાં ગાંધીજીનો મહાદેવભાઈ પ્રત્યેનો પક્ષપાત નહીં, પણ વિષયને ન્યાયદૃષ્ટિએ મૂલવવાની વૃત્તિ જ કામ કરતી હતી, એ જોઈ શકાય છે.

મહાદેવભાઈ સચિવ હતા, પણ સચિવ ગાંધીજીના હતા. તેથી સચિવ તરીકેની કામગીરી અંગેની રૂઢ માન્યતાઓને ઘણી વાર ઓળંગી જવું પડતું. અનેક વાર મહાદેવભાઈને કોયડાની તપાસ કરનાર પંચ તો વળી બીજી ઘણી વાર કોઈ વિવાદ અંગે વિષ્ટિકાર પણ બનવું પડતું. આવી ગંભીર જવાબદારીઓ ઉપાડવાની શરૂઆત ઠેઠ ૧૯૧૯ના ફેબ્રુઆરી માસથી થઈ હતી. રાજસ્થાનના મેવાડ ક્ષેત્રના બિજોલિયા નામના એક નાનકડા રજવાડા સામે લોકોએ કાંઈક ફરિયાદ કરી હતી. તે અંગે તપાસ કરવા ગાંધીજીએ મહાદેવભાઈને તે સ્થળે મોકલ્યા હતા જ્યાં તેમણે લગભગ પાંચ-છ દિવસ ગાળ્યા હોય એમ જણાય છે. પ્રશ્ન શો હતો અને મહાદેવભાઈએ એ બાબત શી કાર્યવાહી કીધી તેની માહિતી મળતી નથી. આ દિવસોની ડાયરીમાં કશી નોંધ નથી, કારણ, ગાંધીજીથી અલગ હોય ત્યારની નોંધ મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં લખી નથી!

આ જ પ્રકારનું બીજું મહત્ત્વનું કામ મહાદેવભાઈ પર મે ૧૯૨૧માં આવી પડ્યું હતું. તે માસની બીજી તારીખે મૌલાના મહમદઅલીએ મદ્રાસ પાસે ઈરોડમાં એવું ભાષણ કર્યું કે જેનાથી હિંસાને ઉત્તેજન મળે એવો સરકારનો મત હતો. આ અંગે પંડિત મદનમોહન માલવિયાજી સાથે વાઇસરૉયને સિમલામાં વાતચીત થઈ હતી.

વાતચીત દરમિયાન વાઇસરૉયે એવો ઇશારો કર્યો હતો કે હિંસાને ઉત્તેજે તેવાં ભાષણો કરવાના આરોપસર સરકાર અલીભાઈઓને ગિરફતાર કરવા વિચારે છે. માલવિયાજીએ એવું કાંઈ પગલું લેતાં પહેલાં ગાંધીજીને મળવાની વાઇસરૉયને વિનંતી કરી હતી જેની વાઇસરૉયે તૈયારી બતાવી હતી. માલવિયાજી અને ઍન્ડ્રૂઝસાહેબની માગણીથી ગાંધીજી બનારસ હતા ત્યાંથી સીધા સિમલા જઈને વાઇસરૉયને મળ્યા હતા. મુલાકાત દરમિયાન વાઇસરૉયે ગાંધીજીને જણાવ્યું હતું કે અલીભાઈઓનાં ભાષણોમાંથી હિંસોત્તેજક ફકરાઓ બતાવી શકાય એમ છે. આ ફકરાઓ જ્યારે ગાંધીજીને બતાવવામાં આવ્યા ત્યારે તેમણે સ્વીકાર્યું કે એમાંથી વાઇસરૉય કાઢે છે તેવો અર્થ નીકળી શકે ખરો. પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને ભાઈઓનો ઇરાદો એવો હોઈ ન શકે. ગાંધીજીએ કહ્યું કે આ બાબત તેઓ અલીભાઈઓ સાથે સંપર્ક કરીને તેમને જાહેરમાં દિલગીરી વ્યક્ત કરવા સમજાવશે. વાઇસરૉયે જણાવ્યું હતું કે તે લખાણનો ખરડો જો તેમને બતાવવામાં આવે અને ભવિષ્યમાં હિંસા ઉશ્કેરે તેવાં ભાષણો ન કરવા બાંયધરી આપવામાં આવે તો અલીભાઈઓ પર કાયદેસર પગલાં ન ભરવા તેઓ પોતાની લાગવગ વાપરશે. એકંદરે આ વાતચીતમાં એકેય પક્ષે કોઈ સોદો કરવાની દાનત નહોતી. ગાંધીજીએ તો એટલે સુધી કહ્યું કે ખટલો દાખલ થાય કે ન થાય તોપણ બંને ભાઈઓનાં ભાષણોના વાંધાજનક ફકરા એમને બતાવવા. પછી, એમની પોતાની અને અસહકારની લડતની આબરૂ ખાતર મારી એ ફરજ થઈ પડશે કે જાહેરમાં માફી માગવાની એમને સલાહ આપવી.

વાઇસરૉયને મળ્યા પછી બીજા જ દિવસથી ગાંધીજીએ પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો. ગાંધીજીએ મહારાષ્ટ્રમાં બાર્શીથી મહાદેવભાઈને પોતાના વતી અલીભાઈઓને મળવા મુંબઈ મોકલ્યા. મહમદઅલીએ કરેલા ભાષણમાંથી કેટલાક ફકરાનો વિચિત્ર અર્થ પણ થઈ શકે એ મહાદેવભાઈએ તેમને સમજાવ્યું. સિમલામાં દિલગીરી વ્યક્ત કરતા વક્તવ્યનો ખરડો ઘડાયો હતો. મૂળ ખરડામાં એક વાક્યમાં ફેરફાર કરવાનું સૂચન મહમદઅલી અને મહાદેવભાઈએ મળીને કર્યું અને તે મુજબ ગાંધીજીને તાર કર્યો. મૂળ ખરડામાં પરંતુ ‘અમે કબૂલ રાખીએ છીએ કે અમારા ભાષણમાં કેટલાક પૅરેગ્રાફ એવા છે જેના અર્થને બદલે, અમને કલ્પના પણ નહોતી કે અમારા ભાષણમાંથી કોઈ પણ પૅરેગ્રાફનો અર્થ’ એમ અને પછીનું વાક્ય આ રીતે શરૂ થાય: ‘પરંતુ અમે ખરા દિલથી…’ ભાવાર્થ એ હતો કે ‘અમારા બોલવામાં કાંઈ પણ હિંસાની ગંધ આવતી હોય તો અમે દિલગીર છીએ.’ આ સૂચિત સુધારો ગાંધીજીએ તાર દ્વારા વાઇસરૉયને મોકલ્યો.

અલીભાઈઓ ઉપર કોઈ ફોજદારી ખટલો ન ચાલ્યો. વિષ્ટિકાર તરીકે મહાદેવભાઈ સફળ થયા.

તે દિવસોમાં અલીભાઈઓનો સૂરજ આખા દેશમાં તપતો હતો. એવા મોટા નેતા પાસે જાહેરમાં નિવેદન દ્વારા દિલગીરી પ્રદર્શિત કરાવવી એ સહેલું કામ નહોતું. મહાદેવભાઈને એ કામમાં સફળતા મેળવવા સારુ પોતાની સમજાવવાની સર્વ કળા વાપરવી પડી હશે.

આમ આખો સમય પ્રેમ પીરસી, કોઈ વાર મિલન, કોઈ વાર વિરહ દ્વારા, કોઈ વાર સ્તુતિ કે કદરદાની, કોઈ વાર ઠપકા દ્વારા, કોઈ વાર ઝઘડા, વિવાદ કે ચર્ચા દ્વારા, કોઈ વાર નવી નવી જવાબદારીઓ સોંપી, કોઈ વાર ઝીણાં ઝીણાં કામો, વિગતો તપાસીને ગાંધીજી મહાદેવભાઈને પ્રશિક્ષણ આપી રહ્યા હતા. એ પ્રશિક્ષણની છેલ્લી મંજિલ એકાત્મતાની હતી, જે તરફ મહાદેવની યાત્રા અસાધારણ વેગે જઈ રહી હતી.

નોંધ:

૧. गांधीजीनो अक्षरदेह – ૧૫ : પૃ. ૧૬૪.

૨. એજન, ૧૭, પૃ. ૮૫.

૩. એજન, પૃ. ૩૧૪.

૪. એજન, ૨૧, પૃ. ૨૦.

પ. એજન, ૫, પૃ. ૫.

૬. એજન, ૧૬, પૃ. ૪૬૧.

૭. महादेवभाईनी डायरी – પૃ. ૪ : પૃ. ૭

૮. એજન, પૃ. ૧૨.

૯. હરિલાલ ગાંધી – ગાંધીજીના મોટા પુત્ર.

૧૦. જાણીતા અર્થશાસ્ત્રી અને મહાદેવભાઈના મિત્ર.

૧૧, महादेवभाईनी डायरी – ૪ : પૃ. ૮૪-૮૫.

૧૨. એજન, પૃ. ૮૫.

૧૩. એજન, પૃ. ૮૫.

૧૪. એજન, પૃ. ૮૫.

૧૫. એજન, પૃ. ૫.

૧૬. એજન, પૃ. ૧૪૭.

૧૭. એજન, પૃ. ૯૯.

૧૮. તુલસીદાસ — विनयपत्रिका.

૧૯, દેવદાસ ગાંધી: ગાંધીજીના સૌથી નાના પુત્ર.

૨૦. महादेवभाईनी डायरी – ૪ : પૃ. ૧૧૭.

૨૧. એજન, પૃ. ૧૪૯.

૨૨. गांधीजीनो अक्षरदेह – ૧૪ : પૃ. ૨૧૨.

૨૩. આ પત્ર સૈન્યભરતીના ગાંધીજીના કાર્યક્રમ અંગે હતો.

૨૪. ગાંધીજીની સવારની પ્રાર્થનાનો પહેલો શ્લોક: प्रात: स्मरामि ह्यदि संस्कुरादात्म तत्त्चम्.

૨૫. महादेवभाईनी डायरी – ૪ : પૃ. ૧૪૯.

૨૬. એજન, પૃ. ૧૫૦.

૨૭. महादेवभाईनी डायरी – ૫ : પૃ. ૧૫૫. એસ્થર ફેરિંગને પત્ર.

૨૮ महादेवभाईनी डायरी – ૫ : પૃ. ૩૭.

૨૯. गांधीजीनो अक्षरदेह – ૧૫ : પૃ. ૩૦૦.

૩૦. એજન, પૃ. ૩૦૦-૩૦૧.

૩૧. महादेवभाईनी डायरी – ૪ : પૃ. ૭૩.

૩૨. એજન, પૃ. ૧૨૭.

૩૩. એજન, પૃ.૧૧૩, શ્રી હનુમંતરાવને પત્ર.

૩૪. એજન, પૃ. ૧૩૩-૧૩૪.

૩૫. એજન, પૃ. ૨૦૧.

૩૬. એજન, પૃ. ૧૪૭થી ૧૪૯.

૩૭. મોટા દીકરા હરિલાલભાઈનાં પત્ની.

૩૮. महादेवभाईनी डायरी – ૪ : પૃ. ૧૨૭.

૩૯. એજન, પૃ. ૧૨૩.

૪૦. એજન, પૃ. ૧૦૨.

૪૧. महादेवभाईनी डायरी – ૫ : પૃ. ૯.

૪૨. એજન, ૧૦.

૪૩. એજન, પૃ. ૩૦.

૪૪. એજન, પૃ. ૯૭.

૪૫. એજન, પૃ. ૪૧૦.

૪૬. એજન, પૃ. ૪૫.

૪૭. એજન, પૃ. ૬૧થી ૬૩.

૪૮. એજન, પૃ. ૬૩થી ૬૬.

૪૯. એજન, પૃ. ૪૦૪.

૫૦. એજન, પૃ. ૫૦૬-૫૦૭.

૫૧. એજન, પૃ. ૫૦૭.

૫૨. महादेवभाईनी डायरी – ૪ : પૃ. ૧૧૪.

૫૩. નરહરિ પરીખ: महादेवभाईनुं पूर्वचरित: પૃ. ૬૩-૬૪ની પાદટીપ.

૫૪. महादेवभाईनी डायरी – ૫ : પૃ. ૫.

૫૫. એજન, પૃ. ૫૨૪.

૫૬. गांधीजीनो अक्षरदेह – ૧૮ : પૃ. ૩૯૩.

૫૭. महादेवभाईनी डायरी – ૫ : પૃ. ૨૮૬