zoom in zoom out toggle zoom 

< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા

અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘યુગવંદના'ની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫૮. ‘યુગવંદના'ની કવિતા

ડૉ. બી. બી. વાઘેલા

પોતાને પહાડના બાળક તરીકે ઓળખાવનાર શ્રી ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૧૮૯૬માં શૂરવીરોની ધરતી સૌરાષ્ટ્રના પાંચાલ પ્રદેશના ચોટીલામાં થયો હતો. પિતાની પોલીસ ખાતાની સરકારી નોકરીને લીધે બગસરા, પાળિયાદ, અમરેલી, વઢવાણ, રાજકોટ વગેરે સ્થળોએ બદલી થયા કરતી હતી. એને લીધે આવા પ્રદેશનાં ડુંગરો, નદીઓ, વોંકળાની પ્રકૃતિની ગોદમાં એમનું બાળપણ પસાર થયું હતું. એટલે એમનું શિક્ષણ પણ જુદે જુદે ઠેકાણે થયું હતું. ૧૯૧૬માં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે સ્નાતકની પદવી મેળવી. એમ.એ. અભ્યાસ કૌટુંબિક જવાબદારી આવવાથી અધૂરો છોડીને કોલકાતા ગયા. ત્યાં કંપનીમાં સારાં માન-મોભાવાળી નોકરી સ્વીકારી. કોલકાતા નિવાસ દરમિયાન તેમણે બંગાળી ભાષા અને સાહિત્યનો અભ્યાસ કર્યો. રવીન્દ્રનાથ ટાગોર અને બંગાળી બાઉલગીતોનું રસપાન કર્યું. આવી ઊંચા દરજ્જાની નોકરી હોવા છતાં વતનનો પોકાર મેઘાણીને વતન સૌરાષ્ટ્રમાં પાછા ખેંચી લાવે છે. અહીં આવી તેમણે પત્રકારત્વના ક્ષેત્રે ઝંપલાવ્યું અને સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો. સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ, તળપ્રદેશ, ત્યાંનું જનજીવન, ત્યાંની વિવિધરંગી પ્રજા, તેની ખુમારી, શૌર્ય, તેમના રીતરિવાજો, ઉત્સવો, આનંદઉલ્લાસ, મેળા, વ્રતો, જીવનરીતિનો નિકટથી પરિચય મેળવ્યો.

આમ બંગાળી સાહિત્ય, બાઉલગીતોનો પ્રભાવ અને સૌરાષ્ટ્રના ભજનિકો, ગઢવીઓ, ચારણો, બારોટો, સાધુઓ, વણઝારાઓ, ખારવાઓ, દરબાર વાજસુર વાળા વગેરેના નજીકના સંપર્કથી તેમણે તેમની ભાષા, લોકસૂર, લોકગીતો, લોકઢાળો આત્મસાત્ કર્યાં. આમ, જન્મજાત શક્તિ અને માનવજીવનનો વિશાળ અનુભવ એમના સર્જનની અમૂલ્ય મૂડી બની રહે છે. જીવનના લગભગ બે દાયકા જેટલા સમયગાળામાં વિપુલ પ્રમાણમાં સર્જન, લેખન અને સંશોધનકાર્ય કર્યું. તેમણે નવલકથા, ચરિત્ર, ટૂંકી વાર્તા, નાટક, નિબંધ, ઇતિહાસ, વિવેચન, આત્મકથન, પત્રસાહિત્ય, અનુવાદ, પ્રવાસ, લોકકથાઓ, લોકસાહિત્યનું સંપાદન, સંશોધન વિવેચન વગેરે રચ્યું છે. ‘વેણીનાં ફૂલ' (૧૯૨૮), ‘કિલ્લોલ' (૧૯૩૦), ‘યુગવંદના’ (૧૯૩૫), ‘એકતારો’ (૧૯૪૦), ‘બાપુનાં પારણાં' (૧૯૪૩) એમ પાંચ કાવ્યસંગ્રહો આપ્યા છે.

ગાંધીયુગના કવિઓ પર ગાંધીજીના વિચારો અને એમના જીવનદર્શનની પ્રબળ અસર પડી છે તો કાવ્યરચનારીતિની બાબતમાં બ.ક.ઠાકોરનો પ્રભાવ ઝિલાયો છે. જોકે મેઘાણીની કવિતામાં ગાંધીવિચાર ઝિલાયો છે પણ તેમણે બ.ક.ઠાકોરની રચનારીતિ અપનાવી નથી. મેઘાણીની કવિતામાં એના બાહ્ય સ્વરૂપ પરત્વે પોતાની આગવી શૈલી પ્રયોજાયેલી જોવા મળે છે. એમની કવિતામાં જોવા મળતાં ગેયતા, રવમાધુર્ય અને લોકભોગ્યતામાં નાનાલાલની કવિતાનું અનુસંધાન જોવા મળે છે. મેઘાણીની કવિતા ગાંધીચિંધ્યા રાષ્ટ્રપ્રેમનો રંગ, લોકસાહિત્યનો રંગ અને રવીન્દ્રનાથ ટાગોરના રંગથી રંગાયેલી છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણી એકમાત્ર એવા કવિ છે કે જેમણે લોકના, જનતાના કવિ તરીકે કાવ્યરચનાઓ કરીને લોકહૃદય પર સામ્રાજ્ય જમાવ્યું છે. એમના ‘સિંધુડો'નાં કાવ્યોએ ત્રીસીની લડતમાં લોકો પર દેશભક્તિનો એવો રંગ લગાડ્યો હતો, એવી રાષ્ટ્રચેતના જગાવી હતી કે અંગ્રેજ સરકારને એ પુસ્તકની જપ્તી કરવી પડી હતી.

‘યુગવંદના' શીર્ષક જ તત્કાલીન યુગના સંદર્ભને પ્રત્યક્ષ કરે છે. એ યુગનાં ભાવસંવેદનોને મેઘાણીએ બુલંદ સ્વરે ગાયાં છે. એમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિની ઝંખના, રાષ્ટ્રપ્રેમ, દીનજનવાત્સલ્ય, વાસ્તવદર્શન, વિશ્વબંધુત્વ, સામ્યવાદ, રાષ્ટ્રને જાગ્રત કરવાની ભાવના વગેરે તાર સ્વરે પ્રગટ થયાં છે. જેમાં મોટા ભાગનાં ગીતો છે. એમાંનાં કેટલાંક લોકજીભે રમતાં થઈ ગયાં છે. ‘યુગવંદના'નાં કાવ્યો પાંચ ખંડમાં વિભાજિત છે.

‘યુગવંદના' નામના પ્રથમ ખંડમાં ૨૪ કાવ્યો છે. એમાં માતૃભૂમિનો પ્રેમ, સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટેની જાગૃતિ મુખ્ય વિષય રહ્યો છે. એમાં ગાંધીજીવિષયક ત્રણ, ઐતિહાસિક કથાનકવાળું છતાં સમકાલીન ભાવનાને પ્રગટ કરતું ‘શિવાજીનું હાલરડું' ઉપરાંત કેટલાંક પ્રેરિત અને અનુવાદરૂપે રચાયેલાં કાવ્યો છે.

‘કસુંબીનો રંગ' કાવ્યમાં કસુંબલ રંગની છાપ આકર્ષક અને રોચક છે. જે જીવનના સર્વ ઉદાત્ત ભાવોનું કાવ્યાત્મક પ્રતીક બની રહે છે. આ ગીતમાં કવિની સમગ્ર જીવનદૃષ્ટિ પ્રતિબિંબિત થાય છે. કસુંબીના રંગમાં પ્રેમ, વીરતા, પરાક્રમ, શહીદી, સેવા વગેરે ભાવો સૂચિત છે

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ.

કવિને દેશ માટે મરી ફીટનાર દુનિયાના સ્વાતંત્ર્યવીરોની કબરોમાં કસુંબીનો રંગ મહેકતો દેખાય છે.

‘સ્વતંત્રતાની મીઠાશ' કાવ્યમાં સ્વતંત્રતાનો મહિમા ગાયો છે. ગુલામ પ્રજાની સ્વાતંત્ર્યઝંખનાને વાચા મળી છે.

‘તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી,
છુપ્પા ચંદ્ર-સૂરજ-તારલા, મધસાગરે મારી નાવડી,
ત્યાંયે જોઉં દૂર ઝબૂકતી તારા દ્વારની ઝીણી દીવડી.

અહીં શોષણ, અત્યાચાર, જુલ્મની ઘોર નિરાશાની વચ્ચે પણ સ્વતંત્રતા દૂર ઝબૂકતી દીવડી સમાન લાગે છે. જાણે કે દૂરથી એ પ્રેરણા આપી રહી છે.

‘ઊઠો' કાવ્ય દેશ માટે બલિદાન આપનાર વીર યોદ્ધાઓની સ્ત્રીઓને ઉદ્દેશીને લખાયું છે. કવિ કહે છે :

‘ઊઠો, સાવજશૂરાની બેટડી, બાંધો કેશ, લૂછો અશ્રુધાર,
જોજો ઝૂઝે તમારા કંથડા એનાં કામજો કીર્તિઅંબાર.
અને જો કદાચ પતિ રણભૂમિમાં મરી જશે તો...
‘ખોળે પોઢાડીને ચઢશું ચિતા
માથે : હસતાં જાશું સુરવાટ રે,
એના ઉગ્રભાગી અવતાર...ઊઠો.

આમ આ કાવ્યમાં વીરપુરુષોની વીરાંગનાઓનો ધર્મ દર્શાવ્યો છે. ‘છેલ્લી પ્રાર્થના' કવિનું ખૂબ જ લોકપ્રિય ગીત છે. આઈરીશ કવિની એક પંક્તિ પરથી કવિને તે સૂઝી આવેલું છે. સ્વાતંત્ર્યના સત્યાગ્રહ દરમિયાન પોતાના બુલંદ કંઠથી ગીતો ગાઈને લોકોમાં શૌર્યભાવ જગાવતા આ કવિ પર જૂઠા આરોપ કરીને તેમને પકડવામાં આવ્યા અને ધંધુકાની કોર્ટમાં એમના પર કેસ ચાલ્યો, તેમને બે વર્ષની સજા થઈ. ત્યારે અદાલતમાં ન્યાયાધીશની મંજૂરી લઈને હજારોની મેદની વચ્ચે દર્દભર્યા કંઠે આ ગીત ગાયું હતું.

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,
મરેલાનાં રુધિર ને જીવતાનાં આંસુડાંઓ
સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ!

કવિ આગળ કહે છે –

નથી જાણ્યું અમારે પંથ શી આફત પડી છે,
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.

આ ગીત સાંભળીને મુસલમાન ન્યાયાધીશની આંખ પણ આંસુથી છલકાઈ હતી. આ ગીત સ્વાતંત્ર્યવીરના મુખે ઉક્તિરૂપે ભગવાનને સંબોધાયું છે તેથી એમાં નાટ્યાત્મકતાના અંશો પણ ભળેલા છે. અહીં માતૃભૂમિની મુક્તિ માટેનો વીર યોદ્ધાનો સમર્પણભાવ, ખુમારીપૂર્વક પ્રગટે છે.

‘વિદાય' ઉપરના કાવ્યના જ રાગમાં રચાયેલું કાવ્ય છે. એમાં સ્વાતંત્ર્યવીરનો અંતિમ સંદેશો રજૂ થયો છે. કાવ્યમાં તેમની ઊંડી સંવેદના અને ખુમારી વ્યક્ત થઈ છે.

અમારે ઘરો હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને
પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે.

અર્થાત્ સ્વાતંત્ર્યવીર લોકોને કહે છે કે અમારે પણ તમારી જેમ ઘર, માતા-પિતા, સ્વજનો હતાં. પરંતુ મા-ભોમની હાકલ પડતાં અચાનક એ બધું છોડીને અમે ચાલી નીકળ્યા હતા. એમાં વીરનું પ્રિયજનો છોડવાનું દુ:ખ વર્ણવાયું છે. તે આગળ કહે છે -

સમય નો'તો પ્રિયાને ગોદ લૈ આટિંગવાનો
સમય નો'તો શિશુના ગાલ પંપાળવાનો.

કાવ્યાન્તે વીર યોદ્ધો લોકોને કહે છે, જો આપણા દેશને આઝાદી પ્રાપ્ત થાય તો અમારા જેવાને એકાદ ક્ષણ સ્મરી લેજો. વીરની આવી ઊંડી અભિલાષા વ્યક્ત થઈ છે.

‘આગે કદમ’માં કવિની રાષ્ટ્રપ્રેમની અનુભૂતિનો ઉદ્રેક પ્રબળપણે ઝિલાયો છે. સ્વાતંત્ર્યનો માર્ગ બલિદાનનો માર્ગ છે. કવિ એ માર્ગે આગળ વધવાનું કહે છે.

જ્વાલામુખીને શૃંગ ઉપર જીવવા
તેં આદરી પ્યારી સફર ઓ નૌજવાં!
માતા તણે મુક્તિ-કદંબે ઝૂલવા
આગે કદમ! આગે કદમ! આગે કદમ!

સ્વાધીનતાની યાત્રાનો માર્ગ સરળ નથી, એ કેટલો વિકટ, કઠિન છે તે અહીં આલેખાવું છે. આ ગીતનો ઢાળ કૂચગીતનો છે.

ભજનના ઢાળમાં રચાયેલા ‘ફૂલમાળ' ગીતમાં શહીદોને ભાવાંજલ અર્પી છે. ભગતસિંહ અને તેમના બે સાર્થીઓને ફાંસી આપ્યા બાદ તેમના મૃતદેહને પંજાબમાં સતજલ નદીને કિનારે અગ્નિદાહ આપવામાં આવ્યો એ પ્રસંગને કવિએ કાવ્યાત્મક રીતે આલેખ્યો છે.

વીરા મારા! પંચ રે સિંધુને સમશાન,
રોપાણાં ત્રણ રૂખડાં હો...જી
વીરા! એની ડાળિયું અડી આસમાન :
મુગતિનાં ઝરે ફૂલડાં હો...જી
કાવ્યાન્તે કવિ કહે છે –
વીરા! એ તો ફાંસી રે નહિ ફૂલમાળ :
પે'રીને પળ્યો. પોંખણી હો...જી
વીરા તારું વદન હસે ઊજમાળ,
સ્વાધીનતાને તોરણે હો...જી.

કાવ્યમાં વીર ભગતસિંહ બીજા શહીદોને ભવ્ય અંજલિ આપીને એમની ક્રીતિને અમર કરી દીધી છે.

‘તરુણોનું મનોરાજ્ય' ગીતમાં માતૃભૂમિ માટે ફના થઈ જઈને આમૂલ ક્રાન્તિ ઝંખતા તરુણ યુવાનોની મનોસ્થિતિ આલેખી છે. ક્રાન્તિવાદી યુવાનનું ચિત્ર આલેખાયું છે :

ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ,
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.

અહીં ઘોડા જેવા શક્તિશાળી, સ્ફૂર્તિલા, થનગનાટ કરતા યુવાનો નવાં નવાં વણદીઠેલાં સપનાં જોવાની અને જે અતાગ છે તેને તાગવાની, નવું નવું કરવાની પ્રબળ ઝંખનાનું, એમના મનોભાવનું આલેખન કર્યું છે.

‘શિવાજીનું હાલરડું' કવિનું ખૂબ જ પ્રચલિત અને લોકહૈયે, લોકકંઠે વસેલા આ ગીતનું કથાનક ઐતિહાસિક છે પણ કવિએ એમાં પોતાના જમાનાની અનુભૂતિને વણી લીધી છે.

‘છેલ્લો કટોરો’ ગાંધીજીના જીવનના મહત્ત્વના પ્રસંગને નિરૂપતું પ્રસંગકાવ્ય છે. મહાત્મા ગાંધી ગોળમેજી પરિષદમાં જવાના હતા ત્યારે એમના મનની સ્થિતિ કેવી હશે એ અનુભૂતિ આ કાવ્યમાં આલેખાઈ છે. કવિ વિદેશ જતાં ગાંધીજીને કહે છે

છેલ્લો કટોરો ઝેરનો : આ પી જજો બાપુ!
સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો બાપુ!

અહીં ગાંધીજીના મહાન વ્યક્તિત્વને ચિત્રિત કર્યું છે. ઇંગ્લૅન્ડ જતાં ગાંધીજીને કવિ પ્રજા તરફથી પણ શુભેચ્છા પાઠવતાં કહે છે -

ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ!
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ!
ચાલ્યો જજે! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ!
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ!

આ કાવ્ય વાંચીને ગાંધીજીએ કહ્યું હતું કે, ‘મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે તે તદ્દન સાચું છે.’ બીજા એક વિદ્વાન અને ગાંધીજીના મંત્રી શ્રી મહાદેવભાઈ દેસાઈએ આ કાવ્યની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, ‘બાપુની સાથે રહેવાનો જેને લ્હાવો નથી મળ્યો, પણ એમની અદ્ભુત કલ્પનાશક્તિ બાપુને રોમેરોમ આલેખી ગઈ છે, એવા કવિએ એમાં બાપુનું શાશ્વત ચિત્ર આલેખ્યું છે’ મેઘાણીએ પોતે જ ઠેર-ઠેર લોકોની સમક્ષ બુલંદ કંઠે આ ગીત રજૂ કર્યું હતું તે સાંભળીને લોકોએ તેમને ‘રાષ્ટ્રીય શાયર'નું બિરુદ આપ્યું હતું. આ પ્રસંગકાવ્યમાં પ્રસંગ જેટલો મહત્ત્વનો છે એટલું જ કાવ્ય પણ સુંદર બન્યું છે. આ ઉપરાંત ‘માતા તારો બેટડો આવે’ અને ‘છેલ્લી સલામ’ જેવાં કાવ્યોમાં પણ ગાંધીજીના જીવનપ્રસંગોનું નિરૂપણ થયેલું છે. આ કાવ્યો દ્વારા કવિએ મહાત્મા ગાંધીજીના રાજકીય, સામાજિક કાર્યોને ભાવભરી અંજલિ આપી છે.

‘ઓતરાદા વાયરા ઊઠો’ કવિનાં જાણીતાં ગીતોમાંનું જ એક પ્રતીકાત્મક ગીત છે. ગીતમાં નવીન સમાજરચના માટે વિ ભોગ આપવા તૈયાર છે, કારણ કે વિનાશમાંથી જ નવસર્જન થશે એમ કવિનું દૃઢપણે માનવું છે. કદાચ વિનાશને લીધે અશાંતિ કે અરાજકતાનું વાતાવરણ ઊભું થશે, સામાજિક વ્યવસ્થા છિન્નભિન્ન થઈ જાય તોય કવિને તેનો ડર નથી, કારણ કે એમને સંપૂર્ણ વિશ્વાસ છે કે નષ્ટ થયેલાના ભંગારમાંથી નવા સમાજનું માળખું ચોક્કસ ઘડાશે જ. કવિ કહે છે:

‘ધરતીના દેહ પટે ચડિયા છે પુંજ પુંજ
સડિયેલ ચીર, ધૂળ, કૂંથો
જોબના નીર મહીં જામ્યાં શેવાળ-ફૂગ :
ઝંઝાના વીર, તમે ઊઠો!
ઓતરાદા વાયરા, ઊઠો!

‘પીડિતદર્શન' નામના ‘યુગવંદના'ના બીજા ખંડમાં કુલ ૧૬ કાવ્યો છે. જેમાંથી પાંચ ભાષાંતિરત છે. એમાં ‘દીઠી સાંતાલની નારી’, ‘દૂધવાળો આવે', ‘બીડીઓ વાળનારીનું ગીત’ વગેરેમાં સમાજની વરવી, કઠોર, કરુણ વાસ્તવિકતા આલેખાઈ છે.

‘દીઠી સાંતાલની નારી’ ગીત ટાગોરના ‘સાઓનાલ મેયે' કાવ્ય પરથી રચાયેલું છે. પ્રારંભે સાંતાલની નારીનું સુંદર શબ્દચિત્ર કવિ નિરૂપે છે -

માથે માંડેલ છે માટીની સૂંડલી :
ઘાટીલા હાથમાં થોડી થોડી બંગડી :
પાતળિયા દેહ પર વીંટલી ચૂંદડી :
કાયાની કાંબડી કાળી..….

કાવ્યાન્તે કવિએ સ્ત્રીજીવનની લાચારી, મજબૂરી, કરુણતાનું જે વરવું વાસ્તવિક ચિત્રણ કર્યું છે તે હૃદયદ્રાવક છે.

પ્રિયજનની સેવાને કારણીયે સરજેલી
નારીની પુણ્યવતી કાયા;
એ રે કાયાનાં આજ દુનિયાના ચોકમાં
સોંઘેરાં હાટડાં મંડાયો.

‘કાલ જાગે', ‘વૈશાખી દાવાનલ, આવો', ‘વિરાટ દર્શન’, ‘કવિ તને કેમ ગમે' – વગેરે કાવ્યોમાં મેઘાણીનો હિંસક ક્રાન્તિ તરફનો ભક્તિભાવ, ઝુકાવ પ્રગટતો જોવા મળે છે. હિંસક ક્રાન્તિને કવિ આવકારે છે અને સમાજના નવનિર્માણ માટેની પોતાની ભાવના આ કાવ્યોમાં જોમભરી શૈલીમાં રજૂ થઈ છે.

કવિએ કેટલાંક ગીતોમાં સમાજના દલિત-પીડિત-શોષિત વર્ગની વેદનાને વાચા આપી છે. ‘ઘણ રે બોલે ને’ આ પ્રકારનું કાવ્ય છે. કાવ્યમાં સમાજના સામાન્ય માણસની વિશ્વક્રાંતિની ભાવના કલાત્મક રીતે વ્યક્ત થઈ છે. વિશ્વમાં શાંતિ માટે નિઃશસ્ત્રીકરણના પ્રશ્નને કવિએ સામાન્ય માણસને સરળતાથી સમજાય એવી લોકભાષામાં રજૂ કર્યો છે. આ કાવ્યમાં લુહારની કોઢમાં રહેલાં ઘણ અને એણ વચ્ચેનો સંવાદ આલેખાયો છે.

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો….જી
બંધુડો બોલે ને બહેનડ સાંભળે હો…જી.
નવસર્જનની વાતને રજૂ કરતાં કવિ કહે છે -
ભાંગો, હો ભાંગો, રથ રણજોધના હો...જી
પાવળડાં ઘડો, હો છોરુડાંનાં દૂધના હો...જી.

કાવ્ય દ્વારા વિશ્વમાં યુદ્ધો થતાં વિનાશ ને અશાંતિની સામે નવસર્જન દ્વારા જરૂર શાંતિ સ્થપાશે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. ‘યુગવંદના'નો ત્રીજો ખંડ કથાગીતોનો છે. એમાં કવિએ અંગ્રેજીમાંથી તેમજ અન્ય ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદ કરીને જે રચનાઓ કરી હતી તેનો સમાવેશ છે. કવિએ અન્ય ભાષાની આ કૃતિઓને એવી તો આત્મસાત કરી છે કે મૂળ કૃતિ કરતાં તે અનેકગણી પ્રભાવક બની છે. જાણે કે કવિની સ્વતંત્ર રચનાઓ હોય એવી બની ગઈ છે.

‘સૂના સમદરની પાળે' એ અંગ્રેજી બેલેડકાવ્યમાંથી પ્રેરણા લઈને આપણા લોકઢાળમાં રચાયેલું કથાકાવ્ય છે. આ કાવ્યમાં પરદેશની ધરતી પર કોઈ અજાણ્યા સમુદ્રને કિનારે પડેલો, ઘેરાતી રાતે છેલ્લા શ્વાસ લઈ રહેલો યુવાન મિત્ર મારફતે પોતાના દેશબાંધવોને અને સ્વજનોને છેલ્લો સંદેશો પાઠવે છે તેનું કરુણાજનક ચિત્ર ઉપસ્યું છે.

સૂના સમદરની પાળે.
રે આઘા સમદરની પાળે
ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક બાળુડો રે
સૂના સમદરની પાળે.

આ વીર સૈનિક પોતાના સંદેશામાં જુદાં જુદાં ભાવસંવેદનો અનુભવે છે તેનું ચિત્રણ છે. પિતા, માતા, બહેન, પત્ની સાથેનો એનો સ્નેહભાવ અને તેની અધૂરી રહી ગયેલી ઇચ્છાઓ એમાં વ્યક્ત થઈ છે. એ રીતે કાવ્યમાં વીરરસની સાથે ઘેરો કરુણરસ ઘૂંટાયો છે. ‘કોઈનો લાડકવાયો’ શ્રીમતી લાકોસ્ટેના ‘સમબડીઝ ડાર્લિંગ' કાવ્ય પરથી આ ગીતની રચના કરી છે. ગુજરાતીમાં ખૂબ જ ગવાતું અને ચર્ચાતું આ કાવ્ય લોકગીત કક્ષાનું સુંદર ગીત છે. આ કાવ્ય પર મેઘાણીના વ્યક્તિત્વની એવી ઘેરી છાપ પડી છે. એમાં ભાવ, ભાષા અને તળપદા રંગો એવી રીતે પુરાયા છે કે આ ગીત કવિની મૌલિક રચના હોય એવું અનુભવાય છે. કાવ્યના આરંભે માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાના વતનથી દૂર યુદ્ધભૂમિમાં પહોંચી ગયેલો કોઈ વીર યોદ્ધો યુદ્ધમાં ઘવાઈને ભૂમિ પર - મૃત્યુશૈયા પર દૂર એકલો પડ્યો છે. યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સેવાચાકરી કરનારી સમરસેવિકાઓ આમથી તેમ દોડી રહી છે. તેનું ગતિશીલ, વીરતાનું ચિત્ર કવિ આપે છે.

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે.
ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે

યુદ્ધમાં સૈનિકો ઘવાયા છે એ જાણીને કોઈની માતા, બહેન, પત્ની ત્યાં દોડી આવે છે અને પોતાના વીરની સેવાશુશ્રૂષા કરે છે. કવિ કહે છે –

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો આ દૃશ્ય જોઈને કવિનો આત્મા બહુ દુ:ખી થાય છે, કારણ કે ત્યાં દૂર એકલા પડેલા સૈનિકનું કોઈ સ્વજન આવ્યું નથી. તેની કોઈ સારસંભાળ લેતું નથી. બીજા સૈનિકો પર તેમનાં સ્વજનો જે સ્નેહ વરસાવે છે તે જોઈને પેલા એકલા પડેલા સૈનિકને ખુશી થાય છે અને શાંતિનો અનુભવ કરતાં મૃત્યુ પામે છે.

ત્યારે કવિ અન્ય આવેલાં સ્વજનોને સંબોધીને કહે છે –

કોઈના એ લાડકવાયા પાસે હળવે પગ સંચરજો
હળવે એના હૈયા ઉપર કરજોડામણ કરજો.

કાવ્યમાં કવિએ દૂર પડેલા સૈનિકની માતા, બહેન અને પત્નીનાં ચિત્રો આપીને એમની ભાવસ્થિતિનું ચિત્રણ કર્યું છે, જેમાંથી કરુણરસ નિષ્પન્ન થાય છે.

કવિએ આ ઉપરાંત રવીન્દ્રનાથ ટાગોરનાં કાવ્યોનો અનુવાદ કરીને ‘અભિસાર' અને ‘સોનાનાવડી’ કાવ્યોની રચના કરી છે. જે તેના લોકઢાળને કારણે ખૂબ પ્રશંસાને પાત્ર બન્યાં છે.

ચોથા ‘આત્મસંવેદન’ નામના ખંડમાં ૧૩ કાવ્યો છે એમાં પાંચ કૃતિઓ અનૂદિત છે. બાકીની કવિની મૌલિક રચનાઓ છે. ‘સાગર રાણો’, ‘એક જન્મતિથિ’, ‘થાકેલો’ વગેરે કાવ્યો થોડાં આસ્વાદ્ય કાવ્યો છે. બાકીનાં સામાન્ય કક્ષાનાં છે.

પાંચમા ખંડ ‘પ્રેમલહરીઓ’માં ૧૭ કાવ્યો છે. જેમાંની પાંચ જ રચનાઓ સ્વતંત્ર રચનાઓ છે. બાકીનાં બીજાં અન્ય પરથી રચાયેલાં છે. આ કાવ્યોમાં મુખ્યત્વે પ્રણયભાવ વ્યક્ત થયો છે. જોકે કાવ્યત્વની દૃષ્ટિએ આ કાવ્યો સામાન્ય કક્ષાનાં લાગે છે. તેથી બહુ જાણીતાં બન્યાં નથી.

‘યુગવંદના'માં મેઘાણીએ તળપદા લય, લોકગીતોના લોકઢાળોની સાથે મનહર, ગુલબંકી, ઝૂલણા, લાવણી, સ્રગ્ધરા, રેખતાની ચાલ, ચર્ચરી, કુંડલિયો વગેરે છંદોમાં આ કાવ્યો રચ્યાં છે. આ સાથે ભાવને સ્પષ્ટ કરવા માટે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, સજીવારોપણ, પ્રાસાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ વગેરેનો સુંદર વિનિયોગ કર્યો છે. સમગ્ર રીતે જોતાં ‘યુગવંદના'માં મેઘાણીના સ્વતંત્ર, મૌલિક કાવ્યો કરતાં તેમનાં પ્રેરિત કે અનુવાદિત કાવ્યો વધુ આસ્વાદ્ય અને પ્રચલિત બન્યાં છે. જેણે કવિને ખૂબ જ લોકપ્રિયતા અપાવી છે.

(‘અધીત : પિસ્તાળીસ')