અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘પરિક્રમા'નાં કાવ્યો વિશે
ગિરીશ ચૌધરી
બાલમુકુન્દ દવે અનુગાંધીયુગના અગ્રીમ હરોળના કવિ છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના મસ્તપુરા ગામમાં જન્મેલા આ કવિએ વતનની વનશ્રીનું પ્રાકૃતિક સૌંદર્ય મનભરીને પીધું છે તેમજ ગ્રામજીવનના સંસ્કારો, માનવહૃદયના સુકોમળ ભાવો અને ગાંધીયુગની ભાવનાને કવિએ પોતાના મનહૃદય પર બખૂબી ઝીલ્યા છે તેનું ગાન ‘પરિક્રમા'ની કાવ્યરચનાઓમાં કલાત્મક રીતે થયું છે. તેમની પાસેથી ‘પરિક્રમા’ (૧૯૫૫) અને ‘કુન્તલ’ (૧૯૯૨) એમ બે કાવ્યસંગ્રહો પ્રાપ્ત થાય છે. તદ્ઉપરાંત ‘સોનચંપો’ (૧૯૫૯), ‘અલ્લક દલ્લક’ (૧૯૬૫) અને ‘ઝરમરિયાં’ (૧૯૭૩) નામે બાળકિશોર કાવ્યના ત્રણ સંગ્રહો મળે છે. ‘પરિક્રમા’ કવિનો કીર્તિદા કાવ્યસંગ્રહ છે. બાલમુકુન્દ દવે તેર-ચૌદ વર્ષની કિશોરવયે ‘ધ્રુવાખ્યાન' જેવી રચનાથી કાવ્યારંભ કરે છે. ઉમાશંકર જોશીના ‘સંસ્કૃતિ' સામયિકમાં ‘કવિતાબીજની ભીતરિયા ફૂટ’ શીર્ષકથી કવિ બાલમુકુન્દ દવેની કેફિયત ગ્રંથસ્થ થયેલી છે, જે કવિની ભાવના અને તેમની કવિતા વિશેની સમજ સ્પષ્ટ કરી આપે છે. જુઓ- ‘મૌનનું પડ ફોડીને શબ્દાંકુર બહાર પ્રગટે છે, તે પૂર્વે ભોમભીતરમાં ચાલતી કવિતાબીજ ફણગાવવાની નિગૂઢ પ્રક્રિયા તપાસવી એ જેટલું રસપ્રદ એટલું જ અટપટું છે. એ કવિતાબીજને કેવુંક ખાતર મળ્યું? ઓતરાચીતરાના કેવાક તાપ એણે ખમ્યા? કેવાંક પોષણજલ એ પામ્યું? કેવીક ધરતીમાં એનો ઉછેર થયો? – આ બધાંની બારીક મોજણી કરવા છતાંય, કશુંક એવું બાકી રહી જાય છે જે પૂરેપૂરું પામી શકાતું નથી અને જે કવિતાને ‘કવિતા’ બનાવે છે. આ જે તત્ત્વ શેષ રહી જાય છે તે જ કવિતાનું ‘વિશેષ’ છે. ‘પરિક્રમા' સંગ્રહમાં વિષયવૈવિધ્ય ધ્યાનાર્હ છે. પ્રણય, પ્રકૃતિ, અધ્યાત્મ અને અંજલિકાવ્યો એમના કવનના મહત્ત્વના વિષયો રહ્યા છે. આ વિષયો ગીત. સૉનેટ અને ખંડકાવ્યનાં સ્વરૂપોમાં કલારૂપ પામ્યાં છે. કવિએ પ્રાકૃતિક સૌંદર્ય મન ભરીને માણ્યું છે. ગામડું, પ્રકૃતિનું સાંનિધ્ય અને માનવહૃદયના ભાવો કવિના હૃદયને સ્પર્શી ગયા છે માટે પ્રકૃતિ અને પ્રણયનું ગાન સવિશેષ એમની કાવ્યરચનાઓમાં જોવા મળે છે. ‘ચાંદની’, ‘નર્મદા તટે પૂર્ણિમા', ‘ખંડેર પરનો પીપળો, ‘સાબરમાં ઘોડાપુર જોઈને’, ‘ચણોઠીનું સ્વપ્ન’, ‘વનચંપો' અને ‘શ્રાવણ નીતર્યા' જેવાં પ્રકૃતિ કાવ્યમાં પ્રકૃતિનાં આહલાદક રૂપોની સમાંતરે માનવભાવોની કલાત્મક ગૂંથણી થઈ છે. 'ચાંદની' કાવ્યમાં શરદની ચાંદની રાતનું રમણીય વર્ણન કર્યું છે. હરિણી છંદમાં રચાયેલા આ કાવ્યના ઉઘાડનું મનમોહક દૃશ્ય જુઓ :
‘શરદરજની ધીરે ધીરે ગળાઈ ચળાઈને
અજબ ઊઘડી મોડી મોડી ખીલી પુરબા'રમાં!’
આ પંક્તિ શરદપૂનમની ચાંદની (જ્યોત્સના)નો ચાક્ષુષ અનુભવ ભાવકને કરાવે છે. ચાંદની રાતમાં પૃથ્વી 'નવપદ્મજા' સમી શોભી રહી છે અને ચાંદની પ્રકૃતિના એકેએક તત્ત્વને પોતાના તેજ વડે કેવી સૌંદર્યે મઢી રહી છે તેનું એક દૃશ્ય જુઓ :
‘ગિરિ, વન, નદી, મેદાને થૈ સરે રમણીયતા,
પરણ પરની કીડીયે શી ધરે કમનીયતા!’
આ રચનામાં કવિએ શરદની ચાંદની રાતનું સૌંદર્ય સાદી-સરળ કાવ્યબાનીમાં કર્યું છે, જે આસ્વાદ્ય બન્યું છે. ‘નર્મદા તટે પૂર્ણિમા' કાવ્યમાં નર્મદા તટે ઉદય થતી પૂર્ણિમાનું સૌંદર્ય વર્ણવ્યું છે. આ રચનામાં કવિ પૂર્ણિમાને દેવબાળા રૂપે કલ્પે છે અને તે નર્મદા નદીમાં સ્નાનાર્થે ઊતરી આવે છે તે પછી પૂર્ણિમા અને નર્મદા નદીની રમ્ય લીલા રચાય છે તેનું પ્રત્યક્ષીકરણ કાવ્યમાં રચ્યું છે. આ રચનામાં કવિએ નર્મદા તટે ઉદય થતી પૂણિમાનું નૂતન અને વિરલ દર્શન કરાવ્યું છે. નર્મદાની શોભા પૂણિમામાં પ્રગટે છે એવી બીજે ક્યાંય નથી એવી શ્રદ્ધા કવિની છે, જેના દર્શનથી કવિ અને ભાવક તૃપ્તિનો અનુભવ કરે છે. પૂર્ણિમા અને નર્મદાના વર્ણનમાં કવિની આલંકારિક અને છંદોબદ્ધ લયાત્મક વાણી કવિપ્રતિભાની પ્રતીતિ કરાવે છે. ‘ખંડેર પરનો પીપળો' સ્રગ્ધરા છંદમાં રચાયેલું સૉનેટકાવ્ય છે. કાવ્યના આરંભે કવિ ખંડેર પર ઊગેલા પીપળાને ઉપાલંભ આપતાં કહે છે -
‘ઊગ્યો ક્યાંથી અહીં તું અધવચ અટૂલો ભગ્ન ખંડેર માથે?’
વિજન ખંડેર પર ઊગેલા અપૂજ પીપળાના ભાગ્યને કવિ કોસે છે પણ અંતે પીપળા સાથે તાદાત્મ્ય અનુભવતાં કવિ પોતાની સ્થિતિનો વિચાર કરે છે ત્યારે બંનેની સ્થિતિ વિશે ઝાઝો ફરક દેખાતો નથી. કિન્તુ હે વૃક્ષપ્રિય! ભવભટકણમાં હુંય ખંડેર વચ્ચે, એકાકિલો ઊગ્યો છું, અવરજવર ના કોઈની આ દિશાએ!' કવિને ખંડેર પરના પીપળામાં જીવનનું સમાધાન દેખાય છે. જેમ પીપળાએ શેષ જીવન ખંડેરમાં ગાળવાનું છે એમ કવિએ પણ શેષ જીવન કપરી જિંદગી જીવીને ગાળવાનું છે. નિયતિનિર્મિત જગતમાં દરેકે કેવી રીતે જીવીને જીવનને ઉજમાળવાનું છે તેનું ચિંતન અહીં રજૂ થયું છે. ‘સાબરમાં ઘોડાપુર જોઈને’ સ્રગ્ધરા છંદમાં રચાયેલું રૂપકાત્મક કાવ્ય છે. નદીની ગતિની સમાંતરે પિયરથી શ્વસુરગૃહે ગમન કરતી નવવધૂનાં વિવિધ રૂપો એનાં મનોભાવો કલાત્મક રીતે નિરૂપિત થયાં છે. ‘ચણોઠીનું સ્વપ્ન' અને ‘વનચંપો' જુદી ભાત રચનાં પ્રકૃતિકાવ્યો છે. ‘ચણોઠીનું સ્વપ્ન'માં કવિએ ચણોઠીની અભિલાષા વ્યક્ત કરી છે. અચબૂચ વનની એ ઊગેલી રાંક ચણોઠી પ્રભુને પામવાની ઝંખના સેવે છે પણ એની પાસે સ્વાતિ નક્ષત્રમાં નિર્માયેલા મોતી જેવું મૂલ્ય નથી; એવી સમૃદ્ધિ નથી કે પ્રભુના ચરણમાં સહજ સ્થાન પામી શકે. તેમ છતાં ચણોઠીની પ્રભુશરણ પામવાની શ્રદ્ધા કેવી છે જુઓ -
‘મનો શ્રદ્ધા! કો’દી વિરહશૂલના વીંધ વચમાં
પરોવી તું દોરો, ગ્રંથિત કરી ગુંજા સુહાવશે;
હશે ત્યારે મારી ઉરધબકને શો ઉમળકો!
બનું તારે કંઠે કવણ ઘડીએ માળમણકો?’
આ રચનામાં ચણોઠીની મહેચ્છાને સ્વપ્નરૂપે આલેખવાની કલ્પના કાવ્યને સુંદર બનાવે છે. કાવ્યમાં વિચાર અને ચિંતન ભળેલાં હોવા છતાં ચિંતનનો ક્યાંય ભાર જણાતો નથી એ જ કાવ્યની વિશેષતા છે. ‘વનચંપો'માં વનચંપાની વેદના કવનનો વિષય બને છે. વનવગડામાં તળાવકિનારે ઊગેલો ચંપો શોકાર્બ છે, તેના શોકનું કારણ આ છે —
‘ત્રણે ગુણોની તરવેણી રે,
રૂપ, રંગ ને વાસ :
તોયે ભ્રમર ન આવે પાસ!’
વસંતઋતુમાં વૃક્ષો પુષ્પિત થયાં છે. ચંપા સિવાયનાં ફૂલો પર ભ્રમરા ગુંજારવ કરી મધુપાન કરે છે પણ વનચંપાના ફૂલમાં રંગ, રૂપે ને ગંધ હોવા છતાં ભ્રમર એની પાસે આવતા નથી એ વાતે વનચંપો દુઃખી છે. અંતે તળાવમાં ખીલેલી પોયણી એના દુઃખને પિછાણે છે અને કાવ્યાંતે પોયણી, ચાંદની અને તલાવડીનાં નીર સમસંવેદન અનુભવતાં આંસુ સારે છે. આ રીતે ચણોઠી અને વનચંપો જેવાં પ્રકૃતિનાં તત્ત્વોની પીડાને કવિએ સરસ વાચા આપી છે. ‘શ્રાવણ નીતર્યો' ગીતમાં શ્રાવણનાં સરવડાં વરસતાં પૃથ્વી અને પ્રકૃતિનાં કેવાં સોહામણાં રૂપો રચાયાં છે તેને ઝીલી લેવાનું મીઠું ઇજન કવિ આપે છે. ‘પરિક્રમા'માં સ્નેહની ફોરમ પ્રસરાવતાં અને અવનવી ભાત ઉપસાવતાં પ્રણય કાવ્યોની સંખ્યા પણ વિપુલ છે. બાલમુકુન્દ દવેએ એક મુક્તકમાં પ્રણયની ભાવના અને મિજાજ સરસ રીતે પ્રગટાવ્યો છે -
‘છીછરા નીરમાં હોય શું ના'વું. તરવા તો મઝધારે જાવું
ઓર ગાણામાં હોય શું ગાવું? ગીત ગાવું તો પ્રીતનું ગાવું.’
પ્રણય કાવ્યોમાં કવિએ પ્રીતનાં રમણીય રૂપો આલેખ્યાં છે. પ્રણયનું માધુર્ય, દામ્પત્ય જીવનની પ્રસન્નતા અને માંગલ્યભાવના, મિલન-વિરહની ભાવોર્મિ અને વાત્સલ્યભાવ ગીત, સોનેટ અને ખંડકાવ્ય સ્વરૂપે ઘૂંટાઈને કાવ્યરૂપ પામ્યાં છે. ‘હડદોલો’, ‘ગોરી ને ઘેરૈયો’, ‘બંદો અને રાણી’, ‘મિલન મર્મર', ‘પ્રેમનો વિજય', ‘ભીના વાયરા', ‘ગરાસણી’, ‘બેવડો રંગ’ અને ‘નવદંપતીને’ બાલમુકુન્દ દવેનાં ધ્યાનપાત્ર પ્રણય કાવ્યો છે. ‘હડદોલો’ કાવ્યમાં કવિએ પ્રેમનો પ્રથમ સંસ્પર્શ થતાં હૃદય કેવું ડોલાયમાન બને છે તેનું પ્રભાવક ચિત્ર આકર્ષક ભાવપ્રતીકો દ્વારા અંકિત કર્યું છે. ‘ગોરી ને ઘેરૈયો’ સંવાદરીતિનું સુંદર પ્રણય કાવ્ય છે. ફાગણને નિમિત્ત બનાવીને રચાયેલા આ કાવ્યમાં ઘેરૈયો ગોરીને કહે છે -
‘દિલદડૂલો સમાલજે ગોરી
ફાગણવાયુ કમાલ છે હોરી!
બા'ર જો ડોકશે બારી ઉઘેડી,
વાગશે કોકના નેણની ગેડી!’
ઘેરૈયાને પ્રત્યુત્તર આપતાં ગૌરી કહે છે
‘નીરમાં સરી જાય ઘડૂલો
એવો નથી મારો દિલદડૂલો,
ઘેરૈયા! ખાલી વેણથી ખીજી
બંધ બારણે રેય એ બીજી!
અમે નથી એને લૂછીએ એવાં
તરસ્યાં કંઠની પ્યાસ છિપાય તો
અમે નથી ઘર પૂછીએ એવાં.’
ગોરીને પોતાના હૈયા પર કાબૂ છે પણ પ્રેમનો ઉદ્ભવ સહજ હોય તો સ્વીકાર પણ છે. આ રચનામાં સ્વાભાવિક પ્રેમની સ્વીકૃતિ ગોરીના ઉત્તરમાં સુંદર રીતે અભિવ્યક્ત થઈ છે. ‘બંદી અને રાણી' રચના પણ સંવાદરીતિએ રચાયેલું પ્રેમોદયના મુગ્ધભાવનું આલેખન કરતું મધુર ગીત છે. ‘મિલન મર્મર' મિલન-વિરહ અને મિલન સ્મૃતિને વર્ણવતું મંદાક્રાન્તા છંદમાં રચાયેલું સૉનેટ કાવ્ય છે. ‘પ્રેમનો વિજય' કાવ્યમાં બે પ્રણયીજનો છૂટા પડવાનો નિર્ધાર કરે છે ત્યારે હૈયાં વધુ ગાઢ રીતે પ્રણયભાવથી ગૂંથાય છે એમાં પ્રેમનો વિજય છે. ‘ગરાસણી'માં ગરાસણીનું અનુપમ સૌંદર્ય કવિએ નિરૂપ્યું છે. ‘નવદંપતીને નવપરિણીત યુગલોને પ્રેમમય મધુર દામ્પત્યની શુભેચ્છા વ્યક્ત કરતું કાવ્ય છે. કાવ્યમાં લગ્નમંડપની શોભાના વર્ણનની સમાંતરે નવદંપતીનાં હૈયાં કેવાં મ્હોરી ઊઠ્યાં છે તેની કલ્પના આસ્વાદ્ય બની છે. દામ્પત્યજીવનની કલ્યાણકારી ભાવનાનું સુંદર આલેખન અહીં થયું છે. ‘બેવડો રંગ’ પ્રણયભાવ અને પ્રેમનું મૂલ્ય વર્ણવતું ખંડકાવ્ય છે. જહાંગીર બાદશાહ અશ્વસવારના ફેટાના રંગથી આકર્ષાય છે અને અસવારની રંગરેજ પત્નીને એવા જ ફેટાની રંગરેજી કરવા કહે છે ત્યારે બેવડા રંગ પાછળ તો પ્રેમનું રહસ્ય રહેલું છે માટે તે બાદશાહને કહે છે-
‘ન માત્ર ઓછો-વધુ રંગ નાખવે
આવી શકે રોનક બાદશાહ!
જેનાં પડીકાં ન મળે બજારમાં
ને એકને જે ચડે હજારમાં’
પ્રેમ પારખુ બાદશાહ રંગરેજ સ્ત્રીનો જવાબ સાંભળી પ્રસન્નતાથી બંનેની પીઠ થાબડે છે. કાવ્યમાં રંગરેજ સ્ત્રી અને બાદશાહ જહાંગીર વચ્ચેના સંવાદની ભાષા નોંધપાત્ર અને આસ્વાદ્ય બની છે. ‘સજીવન શબ્દો', ‘હરિનો હંસલો’ અને ‘ધૂળિયો જોગી’ અંજલિ કાવ્યો છે. ‘સજીવન શબ્દો’માં ઝવેરચંદ મેઘાણી, ‘હરિનો હંસલો’માં ગાંધીજી અને ‘ધૂળિયો જોગી’માં ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવેને કવિએ ભાવાંજલિ અર્પી છે. ત્રણે રચનામાં ઝવેરચંદ મેઘાણી, ગાંધીજી અને વિનોબા ભાવેનું જીવનકર્મ અને ચરિત્ર સુપેરે ઉઠાવ પામ્યાં છે. ‘ઝાંકળ પીછોડી’ અને ‘સંહારનો હકદાર’ અધ્યાત્મ અને તત્ત્વચિંતનનાં કાવ્યો છે. ‘વડોદરાનગરી' સ્થળ-નગર વિષયક રચના છે. કવિ બાલમુકુન્દ દવેએ સયાજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતાં સાત વર્ષ વડોદરામાં વસવાટ કર્યો છે. એ દરમિયાન વડોદરા સાથે કેવી પ્રીત બંધાઈ છે; વડોદરા નગર કેવું પોતાનામાં વસ્યું છે તેનાં સ્મૃતિચિત્રો અહીં આલેખ્યાં છે. સંગ્રહનું શીર્ષક બનેલું ‘પરકમ્માવાસી' કાવ્ય અધ્યાત્મનો સંસ્પર્શ ધરાવતું પૃથ્વીપ્રીતિનું અન્નય કાવ્ય છે. પૃથ્વીના પરકમ્માવાસી બનવાનું કેમ ગમે છે તેનું મુખ્ય કારણ કાવ્યારંભે કવિએ આ પ્રમાણે આપ્યું છે.
‘આવી ચડ્યાં અમે દૂરનાં વાસી,
પ્રથમીની અમે પ્રીનાં પ્યાસી:
મનખે મનખે ધામ ધણીનું –
એ જ મથુરાં ને એ જ રે કાશી;
ભોમકાના ભમનાર પ્રવાસી.’
અમે પૃથ્વીની પ્રીતનાં પ્યાસી છીએ. અમને પૃથ્વીમાં રસ છે, પૃથ્વી પવિત્ર યાત્રાધામ સમી છે અને પ્રત્યેક મનુષ્ય પ્રભુના ધામ જેવો છે. અમારે મન તો ‘એ જ મથુરા અને એ જ કાશી’ માટે અમને પૃથ્વીના પરકમ્માવાસી થવું ગમે છે. નરસિંહ મહેતાની જેમ કવિ કહે છે અમે વૈકુંઠની કામના કરતા નથી પણ લખચોરાશી અવતાર લઈ વારંવાર પૃથ્વીના પરકમ્માવાસી બનવાનું અમને મંજૂર છે. આ કાવ્યમાં કવિએ જીવનદાયી અને સૌંદર્યમયી પૃથ્વી-ધરતી પ્રતિની ઉદાત્ત ભાવના મધુર વાણીમાં વ્યક્ત કરી છે. ‘જૂનું ઘર ખાલી કરતાં' બાલમુકુન્દ દવેનું જ નહિ પણ ગુજરાતી સૉનેટ કવિતાનું ઉત્તમ સૉનેટ કાવ્ય છે. આ રચના કવિની ઓળખ બનેલી રચના છે. જૂનું ઘર ખાલી કરવા નિમિત્તે પિતૃહૃદયમાં જાગ્રત થયેલી મૃત દીકરાની સ્મૃતિ કાવ્યના કેન્દ્રમાં છે. સ્થૂળ વિગતોથી આરંભાયેલું કાવ્ય અંતે કરુણના સર્વોચ્ચ શિખરે લઈ જાય છે. ‘બા-બાપુ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?' મૃત દીકરાના બોલ-સ્મૃતિ કાવ્યનાયકના હૃદયના બોજને વધારનારાં બને છે. કાવ્યની અંતિમ પંક્તિ જુઓ :
‘ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા!
ઊપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા!’
મૃત પુત્રની યાદનો શોક અંતિમ પંક્તિમાં અસરકારક રીતે ધ્વનિત થયો છે. એમ કહો કે શોક શ્લોકત્વ પામ્યો છે. આમ, ‘પરિક્રમા’નાં કાવ્યોમાં પ્રકૃતિનાં વિવિધ રૂપોનું સુંદર આલેખન થયું છે. પ્રકૃતિનાં રમ્ય અને ભવ્ય રૂપોને કવિએ ઉમળકાથી આલેખ્યાં છે. એમાં આવતી કલ્પનોની દૃશ્યાત્મકતા, સ્પર્શક્ષમતા, શ્રવણગમ્યતા અને ગતિશીલતા પંચેન્દ્રિયને સ્પર્શે છે અને ભાવકને ઊંચી કોટિનો રસાનુભવ કરાવે છે. પ્રણય કાવ્યોમાં પ્રણયની મસ્તી કવિએ મુક્તમને ગાઈ છે. ‘પરિક્રમા’નાં કાવ્યોની ભાષા સંદર્ભે અનંતરાય રાવળનું અવલોકન ઉચિત અને યથાયોગ્ય છે : ‘તેમની કાવ્યબાની સમગ્રપણે પ્રસાદપૂર્ણ અને ઘણી વાર મધુર બની છે. સંસ્કૃત શિષ્ટ શબ્દો સાથે એટલી જ સરળતાથી કવિ તળપદી વાણી પણ પ્રયોજી જાણે છે એ એમની વિશેષતા છે.’ વાસ્તવ અને સૌંદર્યલોક એમની કવિતામાં કેવાં વણાયાં છે એ સંદર્ભે નગીનદાસ પારેખનું અવતરણ પણ નોંધનીય છે: ‘શ્રી બાલમુકુન્દ દવેની કવિતા એટલે વાસ્તવની સમતલ ભૂમિ પર વિહરતી, ક્યારેક ફૂલની જેવા હળવા અને મોહક ઢાળોમાં તો ક્યારેક સંસ્કૃત વૃત્તોમાં અને સૉનેટ જેવા દૃઢબંધ કાવ્યસ્વરૂપમાં વહેતી, ક્યારેક માનવભાગોને તો ક્યારેક પ્રકૃતિનાં વિવિધ સૌંદર્યને ઉમળકાભેર અને સચ્ચાઈથી ગાતી કવિતા.’ ગાંધીયુગથી આરંભાયેલી કવિની કાવ્યયાત્રા અનુગાંધીયુગની કાવ્યધારા સાથે અનુસંધાન ધરાવે છે. કવિની દૃષ્ટિ પ્રકૃતિપ્રેમ-મનુજપ્રેમથી લઈને અધ્યાત્મચિંતન સુધીના બધા પ્રદેશોમાં આસાનીથી ફરી વળી છે. કવનમાં નિજી કવિમુદ્રા ઉપસાવી શકેલા બાલમુકુન્દ દવેની કાવ્યરચનાઓ ગીત, સૉનેટ, મુક્તક, ખંડકાવ્ય, ભજન અને દીર્ઘકાવ્યરૂપે સહજ અને સ્વસ્થ રીતે અવતરી છે. આમ, ‘પરિક્રમા’નાં કાવ્યો ભાવકને સૌંદર્યલોક-આનંદલોકની પરિક્રમા કરાવતાં કાવ્યો છે.
❖
(‘અધીત : પિસ્તાળીસ’)