અનુક્રમ/મામેરું
૧૬ કડવાંનું આ આખ્યાન પ્રેમાનંદની એક અદોષરમણીય રચના છે, એની ગતિ ત્વરિત અને દૃઢ છે, એનાં વર્ણનો સપ્રમાણ અને સાર્થ છે, એમાં એ સમયની બોલતી વાણીનો ઉત્તમ વિનિયોગ છે અને એમાં હિંદુ સંસારનું સંપૂર્ણ વાસ્તવિક ચિત્ર નાનીનાની અનેક રેખાઓથી આલેખાયું છે. એમ કહી શકાય કે ‘સુદામાચરિત્ર’માં કળાની કાંઈક સભાનતા છે, ‘નળાખ્યાન’માં કળાનો પ્રયત્ન, ત્યારે ‘મામેરું’માં કલાની સાહજિકતા છે. પેલી બે વિદગ્ધ કવિની વિચિત્રમાર્ગની રચનાઓ છે ત્યારે ‘મામેરું’ સુકુમારમાર્ગની કૃતિ છે. પ્રેમાનંદ પોતાની કેટલીક મર્યાદાઓમાંથી, આ કાવ્ય પૂરતો ઊગરી ગયો છે. કાવ્ય ગુજરાતી જીવનનું જ હોઈ પૌરાણિક પાત્રોની ગૌરવહાનિનો તો પ્રસંગ જ ઉપસ્થિત થતો નથી અને નરસિંહનું વ્યક્તિત્વ એણે એવું ઘડ્યું છે કે લોકો એની રીતભાતની હાંસી કરે છે, તોપણ આપણા વિચારમાં એનું માન ઓછું થતું નથી. [1] નરસિંહનું ચિત્ત સંકલ્પવિકલ્પોમાં અટવાતું નથી, એનામાં ઝંઝાવાતો વચ્ચેય અચલ રહેતી ઈશ્વરશ્રદ્ધા છે. તે સાથે એ સંપૂર્ણ ઈશ્વરસમર્પિત જીવન ગાળે છે. એનામાં નિર્મળતા, નિર્દંશતા અને નિરભિમાનિતા છે, પણ નિસ્તેજતા નથી. ભાભીના વચનથી એને દાઝ લાગે છે તેમ સમોવણપ્રસંગે કુંવરબાઈની જેઠાણીનો બોલ પણ હૃદયમાં વાગે છે. નિલેંપતા છતાં, એનામાં સુદામાના જેવી નિષ્ક્રિયતા કે સંસાર-પરાઙ્મુખતા પણ નથી. વ્યવહાર પ્રસંગો – ભલે ભગવાનની સહાયથી – પણ એ સારી રીતે પાર ઉતારે છે, ઉતારવાની વૃત્તિ પણ રાખે છે, અને એના હૃદયમાં સ્નેહની શાંત સરવાણી વહે છે. એનું સઘળું વર્તન નિઃસંકોચ અને નિર્ભય છે. જેના મસ્તકે બે-બે ભગવાને હાથ મૂક્યા છે, જેણે રાસલીલા પ્રત્યક્ષ જોઈ છે અને જે ભગવાન પાસેથી વરદાન પામેલા છે એવા ભક્તનું ઉદાત્ત ચરિત્ર અહીં પ્રેમાનંદ બરાબર ઉપસાવી શક્યો છે. ડગમગતી આસ્થા કુંવરબાઈની છે ખરી એ નરસિંહની પાસે આવે છે ત્યારે એની શ્રદ્ધાની આંચ એને લાગે છે, પણ પછી શંકા અને ભય એને દમવા લાગે છે. પણ એ તો ભક્તપુત્રી છતાં સંસારી સ્ત્રી છે. પૃથ્વીતળે કંઈ નામ કરવાની, સાસરિયાંનું મહેણું ટાળવાની સંસારી ઇચ્છા એનામાં છે. એટલે જ મામેરાની તૈયારી નથી જોતી ત્યારે એ અકળાઈ જાય છે. છતાં પિતા પ્રત્યે એને અપાર મમતા છે. એની હાંસી થાય એ એ જોઈ શકતી. નથી, ‘ન હોય પિતા તો જાઓ ફરી’ એમ એ અકળાઈને જાકારો જ નથી દેતી પણ ‘સાધુ પિતાને દુઃખ દેવાને મારે સીમંત શાને આવ્યું’ એવો અંતસ્તાપ પણ એ અનુભવે છે. કુંવરબાઈની ક્ષણક્ષણની રિબામણીને પ્રેમાનંદે તાદૃશ કરી આપી છે. પણ કપરા સાસરિયામાં રહેતી કુંવરબાઈ પોચી માટીની રહી નથી. જરૂર પડ્યે એ સાસુ-નણંદને જવાબ વાળી દે છે અને છાબ સોનૈયે ભરાય છે ત્યારે હાકીને ગર્વે ઓચરે પણ છે! જગતભગતનો વિરોધ આ કાવ્યનું મુખ્ય તત્ત્વ છે, નરસિંહનું શાંત, સ્વચ્છ, ભક્તિનમ્ર વ્યક્તિત્વ અને સામે નાગરી ન્યાતનો ખુલ્લો ઉપહાસ – આ પરિસ્થિતિને પ્રેમાનંદે આખાયે કાવ્યમાં રસિક રીતે વિસ્તારી છે. છેવટે ભગવાન પહેરામણી કરવા આવી પહોંચે છે ત્યારે આ જ નાગરી ન્યાતના શાણા લોકો જે લોભની ક્ષુદ્રતા બતાવે છે તે તો એક માર્મિક ગૂઢ કટાક્ષ છે. હસનારાં હાસ્યપાત્ર જ નહિ, દયાપાત્ર બને છે. એની સામે ભક્તિનું ગૌરવ સ્થાપિત થાય છે. પણ આ કાવ્યમાં આ ઉપરાંત બીજો પણ એક વિરોધ છે અને એની માવજત પણ પ્રેમાનંદે કૌશલથી કરી છે. એ છે નરસિંહ અને કુંવરબાઈનો વિરોધ. એ વિરોધનો તંતુ પરોક્ષ રીતે કુંવરબાઈ ખોખલા પંડ્યા સાથે સંદેશો મોકલાવે છે ત્યાંથી શરૂ થાય છે. પણ પછી પ્રેમાનંદે કુંવરબાઈના પિતા સાથેનાં નાનાંમોટાં પાંચ મિલનો ગોઠવ્યાં છે : પિતા આવતાંની સાથે કુંવરબાઈ મળવા જાય છે તે પહેલું, વડસાસુ પાસેથી પહેરામણીની યાદી મળ્યા પછીનું તે બીજું, મોસાળાના દિવસે સવારમાં કુંવરબાઈ મળવા જાય છે તે ત્રીજું, ઠાલી છાબ મુકાય છે ત્યારે કુંવરબાઈ પિતા પાસે પહોંચે છે તે ચોથું, અને નણંદની દીકરી પહેરામણીમાં રહી ગઈ ત્યારે કુંવરબાઈ પિતાને વાત કરે છે તે પાંચમું. સંસારદગ્ધ અને ડગમગતી આસ્થાવાળી કુંવરબાઈની પરમ શ્રદ્ધાવંત પ્રેમાળ પિતા સાથેની આ મુલાકાતોમાં વેદના અને સાંત્વનાની કરુણમધુર ભાત ઊપસી છે. પહેરામણીની યાદી, મંડપમાં મળેલી નાગર-સ્ત્રીઓના શણગાર ને હાવભાવ, લક્ષ્મીજીનાં રૂપ અને વાણી, પહેરામણીની વહેંચણી ઇત્યાદિનાં નિરૂપણો પ્રેમાનંદે ઘણાં લાડથી કર્યાં છે અને નવલરામે કહ્યું છે તે યથાર્થ ઠરે છે કે “કવિએ આ કાવ્ય ઘણા ઉમંગથી લખ્યું હોય એમ જણાય છે. એમાં સઘળે ઠેકાણે આનંદ ઊછળી રહ્યો છે અને કવિની કલમના ઉછાળા પ્રત્યક્ષ માલૂમ પડે છે.” [2] ભક્તિ, હાસ્ય, કરુણ અને એ સર્વની ઉપર વ્યાપતો કવિનો આનંદરસ આપણને એક સભર સંકુલ અનુભવ પૂરો પાડે છે.
પ્રેમાનંદની કૃતિમાં રસ-રહસ્યનું કોઈ નવું કેન્દ્ર નિર્મિત થતું નથી. – જેવું શેક્સપિયર કે કાલિદાસની કૃતિઓમાં કે ‘કાન્ત’ના ‘વસંતવિજય’માં નિર્મિત થાય છે. પણ પ્રસંગમાં નિહિત રસરહસ્યને પ્રેમાનંદ કેટલીક વાર કુશળતાથી ખીલવી શકે છે અને એકંદરે એકરસ સૃષ્ટિનું તથા કથન, વર્ણન અને ભાવનિરૂપણની સમતુલાથી તેમજ આદિ-મધ્ય-અંતની સુશ્લિષ્ટતાથી આગવી લાગે એવી આકૃતિનું એ નિર્માણ કરી શકે છે. પ્રેમાનંદના ‘મામેરું’ ને વિશ્વનાથ જાનીની એ વિષયની એક નોંધપાત્ર કૃતિ ‘મોસાળાચરિત્ર’ સાથે સરખાવતાં આ વાત તરત પ્રતીત થશે. પ્રેમાનંદને વિશ્વનાથ જાનીની કૃતિમાંથી ઘણી સામગ્રી અને ઘણાં નિરૂપણો તૈયાર મળ્યાં છે. આમ છતાં પ્રેમાનંદના ‘મામેરું’ની સિદ્ધિ કંઈક અનન્ય લાગે છે. વિશ્વનાથ જાની એક કડવામાં સહેજ વિસ્તારથી નરસિંહનો જીવનપરિચય કરાવીને પછી આગળ વધે છે, પણ એમાં નરસિંહને ભાભીએ મારેલું મહેણું અને પછી એને થયેલું રાસલીલાનું દર્શન એ ઘટનાઓનો ઉલ્લેખ પણ નથી. પ્રેમાનંદ આરંભમાં બે કડવાં સુધી આ ઘટનાઓને વિસ્તારે છે. એમાં પહેલી દૃષ્ટિએ કદાચ શિથિલતા લાગે, પરંતુ નરસિંહના સમગ્ર જીવનવ્યવહારમાં જે નિર્લેપતા અને સરલસહજ ઈશ્વરનિષ્ઠા છે, ભક્તિની નમ્રતા અને સાથેસાથે ખુમારી છે તેનાં મૂળ ક્યાં છે તે આ નિરૂપણ આપણને સચોટતાથી બતાવે છે. ‘રખે લોકાચાર મન માંહી ગણતો’ એ ત્રિપુરારિનું વચન નરસિંહનું જીવનવિધાયક બનેલું આપણે પછી જોઈએ છીએ અને ‘દુઃખ વેળા મને સંભારજે, હું ધાઈ આવીશ તત્કાળ’ એ શ્રીગોપાળનો કોલ પણ અહીં આપણે બરાબર સચવાતો જોઈએ છીએ. આ બે કડવાં આ રીતે ‘મામેરું’ની ઘટનાઓ અને એમાં વ્યક્ત થતા નરસિંહચરિતની એક સબળ ભૂમિકા ઊભી કરે છે. મામેરા પૂર્વેની નરસિંહના જીવનની બીજી ઘટનાઓનો ઉલ્લેખ તો પ્રેમાનંદ ખૂબ સંક્ષેપમાં, પણ એની વિરક્તતા અને ઈશ્વરનિષ્ઠાને ઉઠાવ મળે એ રીતે, પતાવી દે છે.
સાસરિયાં કુંવરબાઈને દમે છે, એમ વિશ્વનાથ જાની કહે છે પણ સાસુ, નણંદ આદિના ઉદ્ગારોથી એ બધું પ્રેમાનંદે જે રીતે પ્રત્યક્ષ કરાવ્યું છે તે વિશ્વનાથ જાની કરાવી શક્યો નથી. આમેય પ્રેમાનંદમાં સાસરિયાંના મનોભાવો મિશ્ર છે. સીમંતિની વહુનું રૂપ દેખી એ હરખે ભરાય છે અને વહુને ઓરિયો વીતે એ માટે પોતાને ઘેરથી મોસાળું કરવા તૈયાર થાય છે. કુંવરબાઈના વૈરાગી ગરીબ પિતાને મહેણાં મારતાં એ થાકતા નથી, પણ એને આંગણે બોલાવવાની કરુણા સાસુને આવે છે, વૈકુંઠ મહેતા તો વિવેક અને લાગણીથી ભર્યો પત્ર લખે છે અને ચતુર વડસાસુને, જેને શામળિયા સાથે સ્નેહ છે એ નરસૈંયા પાસેથી મનગમતી પહેરામણી મેળવવાનો લોભ પણ ઊંડેઊંડે હોય એમ જણાય છે. આ રીતે આ પાત્રોનાં વ્યક્તિત્વો પણ કંઈક જુદાં તરી આવે છે. કુંવરબાઈની લાગણીઓને પણ પ્રેમાનંદે વધારે ધારદાર બનાવી મૂકી છે.
કુંવરબાઈ પ્રત્યેનું સાસરિયાંનું ‘આવો વૈષ્ણવની દીકરી, સાસરવેલ સૌ પાવન કરી’ એ આરંભનું વ્યંગવચન અંતે એનો ડંખ ગુમાવીને પરમાર્થરૂપ બનીને પાછું ફરે છે – “પિયરપનોતાં કુંવરવહુ” — એ પ્રેમાનંદની યોજના પણ કૃતિના મર્મને ચમત્કારક રીતે અજવાળે છે અને બે છેડાને પાસે લાવી કૃતિનું જાણે દૃઢ નિબન્ધન કરે છે.
આ સિવાય અહીંતહીં થોડી રેખાઓ કે પ્રસંગો ઉમેરી પ્રેમાનંદે વાતાવરણને અસરકારક બનાવ્યું છે અને જગતભગતની રીત જે આ આખ્યાનનું રસબીજ છે તેને ખૂબ સંતર્પક રીતે ખીલવ્યું છે. નરસિંહ મહેતાની વહેલનું વર્ણન વિશ્વનાથે સરસ કર્યું છે, પણ એમાં વૈરાગી સાથનું ઉમેરણ પ્રેમાનંદનું છે. વિશ્વનાથમાંયે દામોદર દોશી આવે છે. પણ દામોદર દોશી અને કમળા શેઠાણીની સાક્ષાત્ જીવંત મૂર્તિઓ તો પ્રેમાનંદ જ ખડી કરી શકે છે. એક કાપડું રહી ગયાનો પ્રસંગ વિશ્વનાથ ઉલ્લેખે છે પણ વડસાસુ અને નણંદનાં રિસામણાં અને છણકા તો પ્રેમાનંદે જ ગોઠવ્યાં છે.
પ્રેમાનંદને હાથે નરસિંહના ભક્તચરિત્રનો દોર ઘણી કુશળતાથી સમાલાયો છે. અને સંસારચિત્ર પણ સંપૂર્ણ બન્યું છે.
પ્રાર્થના અને પહેરામણીના પ્રસંગે પ્રેમાનંદમાં આપણને કંઈક પથરાટવાળું નિરૂપણ લાગે, પણ વિશ્વનાથ તો પહેરામણીમાં ત્રણ-ચાર કડવાં રોકે છે! નરસિંહ મોસાળું લઈને આવે છે તે વખતનું અને મોસાળા વખતે નાગરસ્ત્રીઓનું પ્રેમાનંદનું વર્ણન વિસ્તૃત તો છે પણ રસભર્યું છે. સીમંતવિધિનું વર્ણન કરવાનો મોહ પ્રેમાનંદે ખાળ્યો છે એથી કૃતિની સુશ્લિષ્ટતા વધી છે.
ઉપરાંત, આ કાવ્યમાં પ્રેમાનંદનો જે વાગ્વૈભવ છલકાય છે તે તો અનન્ય જ છે.
[ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ બીજો, ૧૯૭૫માંથી સંવર્ધિત]