અનુક્રમ/સુદામાચરિત્ર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સુદામાચરિત્ર

ચૌદ કડવાંની આ નાનકડી કૃતિ પ્રેમાનંદની એક ઉત્તમ પંક્તિની રચના છે. આ કાવ્યમાં સુદામાના વિરોધાભાસયુક્ત છતાં પ્રતીતિકર ચરિત્ર-નિર્માણમાં, વાગ્વેદગધ્યના ઉત્કર્ષમાં, વિલક્ષણ રસસંવિધાનમાં અને ધીમી સ્વસ્થ ગતિવાળા છતાં સઘન સુશ્લિષ્ટ નાટ્યાત્મક રચનાબંધમાં પ્રેમાનંદની સર્જકતાના વિશિષ્ટ ઉન્મેષો પ્રગટ થાય છે.
અભિલાષની સિદ્ધિ : સુદામાનું ચરિત્ર ‘ભાગવત’ માં સુદામાની કથા ભગવત્કૃપાના એક દૃષ્ટાંત લેખે આવે છે. પ્રેમાનંદનો પણ અંતિમ હેતુ તો ભગવત્કૃપા દર્શાવવાનો જ છે, છતાં પ્રેમાનંદની કલ્પના સુદામાનું એક આગવું ચરિત્ર ઊભું કરે છે. કહો કે પ્રેમાનંદને હાથે સુદામો એક આગવો આકાર ધારણ કરી રહે છે. પ્રેમાનંદની કૃતિમાં સુદામાનું આ ચરિત્ર જ સૌથી વધુ આસ્વાદ્યતત્ત્વ છે અને એથી એનું નામ ‘સુદામાચરિત્ર’ સાર્થક નીવડે છે. ‘ભાગવત’નો સુદામો દરિદ્ર છતાં આત્મગૌરવવાળો, સંસારી છતાં જિતેન્દ્રિય, તેમજ બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મવેત્તા છે. સ્ત્રીના પ્રેર્યા, શ્રીકૃષ્ણ પાસે જતી વખતે એને ‘ભગવાનનું દર્શન થશે’ એ સિવાય બીજો કોઈ વિચાર આવતો નથી, અને અંતે પણ ભગવાનની કૃપાનું જ એ દર્શન કરે છે. એની આ ભગવન્નિષ્ઠાનું ફળ જ એને મળે છેને! ‘ભાગવત’નો સુદામો આમ ભગવદ્‌ભક્તિના ઉજ્જ્વળ રંગે રંગાયેલો છે. પ્રેમાનંદના સુદામાનું ચરિત્ર કેવું છે? એ તેજછાયાના મિશ્રણ સમાન છે. એનામાં ભક્તિની આર્દ્રતા નથી એવું તો નહિ કહી શકાય. સાંદીપનિ ઋષિના આશ્રમમાંથી શ્રીકૃષ્ણથી છૂટા પડતી વખતે એ કેવા આર્જવપૂર્વક અને શું માગે છે? “સદા તમારા ચરણ વિષે રહેજો મનસા મારી.” કૃષ્ણ એને પૂછે છે કે તમે આટલા બધા દૂબળા કેમ થઈ ગયા છો, ત્યારે પણ એ કૃષ્ણવિરહની પીડાને આગળ કરે છે :

છે મોટું દુખ વિજોગનું, નહીં કૃષ્ણજી પાસે;
આજ પ્રભુજી મુજને મળ્યા, દેહી પુષ્ટ જ થાશે.

છતાં એમ લાગે છે કે ભક્તિનું બીજ એના ચિત્તમાં દૃઢ અને નિશ્ચલપણે રોપાયેલું નથી. ભક્તિ સિવાય બીજા વિચારો પણ એની પ્રવૃત્તિઓ પાછળ કામ કરે છે. આમ લાગવાનું કારણ એ છે કે સુદામો એક બાજુથી જેમ કૃષ્ણપ્રીતિથી રંગાયેલો છે તેમ બીજી બાજુથી એ કૃષ્ણનો સંકોચ પણ અનુભવે છે : “પણ મિત્ર આગળ મામ મૂકી જાચતાં જીવ જાય”. આથી જ વિજોગની વાત માત્ર વિનયની તો નથી ને એવી શંકા થાય છે. વિચારમાં એને ઈશ્વરની ભક્તવત્સલતામાં શ્રદ્ધા છે. કૃષ્ણ અંતર્યામી છે, આપણને ભૂલશે નહિ, અહીં બેઠાં નવનિધ આપશે – એવુંએવું એ પોતાની પત્નીને કહે છે, છતાં આચારમાં આ શ્રદ્ધા પ્રમાણે એ વર્તતો નથી. એ કૃષ્ણ પાસે માગવા જાય છે – ‘નિશ્ચે જાચવા જાવું પડે મારે જી’ – અને કૃષ્ણ પાસેથી કંઈ મળતું નથી ત્યારે નિરાશ પણ થાય છે – “એને આપતાં શું ઓછું થાત?” એનો જાત પ્રત્યે અને પત્ની પ્રત્યે તિરસ્કાર ઊપજે છે અને તાંદુલ ગયા એને અફસોસ થાય છે. પોતાનો સ્વાર્થ ન સધાયો એટલે કૃષ્ણ એને સ્વાર્થી લાગે છે : “એ કપટી ધૂર્તની સેવા, લટપટ કીધી મારા તાંદુલ લેવા.” હા, કર્મવાદ અને વિવેકજ્ઞાનની સહાયથી સુદામો પોતાના મનને સ્થિર કરે છે : ‘ભગવાન તો કોઈનો ભાર રાખતા નથી. જેનું લે છે એને આપે છે. મારું કર્મ જ કઠોર હોય તો એમાં એ શું કરે? અને ધન ન આપ્યું તે સારું જ થયું. ધન મળતાં હું ભક્તિ ભૂલી જાત.” પણ આ નિરૂપણ એટલું બતાવે છે કે ઈશ્વરની અદૃષ્ટ કૃપામાં સુદામાને અટલ વિશ્વાસ નથી. એણે પોતાની જાત, પોતાનું સર્વસ્વ, ‘મામેરું’ના નરસિંહની પેઠે, ઈશ્વરને સોંપેલ નથી. એ જ રીતે સુદામાનું મન સંન્યાસી છે, નામે એ ગૃહસ્થ પણ ખરેખર તો એ જતિ છે, માયાસુખની એને જરાયે ઇચ્છા નથી, તથા એ અજાચકવૃત્તિ પાળે છે એવું બધું પ્રેમાનંદ વર્ણવે છે. કર્મનો નિયમ પણ એ સ્વીકારે છે કે, દીધા વિના કેમ પામી શકાય? આમ છતાં નિર્મળ અને સહજ સંન્યાસ-વૃત્તિમાં કે કર્મફળના સિદ્ધાંત ઉપર સુદામાનું ચિત્ત સ્થિર રહી શકે છે ખરું? અન્ન વિના બાળકોને ટળવળતાં જોઈ સુદામાનું મન પીગળી જાય કે પોતાનાં ઝૂંપડી, નારી તથા બાળકો ગુમાવતાં એને ખેદ થાય એમાં કંઈ ખોટું નથી. આ તો સહજ આસક્તિ અને કર્તવ્યદૃષ્ટિ કહેવાય. પણ એને લોભ લાગે છે. અને કૃષ્ણ પાસે માગવા પણ જાય છે. માગવા જાય છે છતાં પોતાની દરિદ્રતાની એ લજ્જા અનુભવે છે અને કૃષ્ણની મહાનુભાવતાની એને ખાતરી બેસતી નથી : “હું દુર્બળ મિત્રનું રૂપ દેખી લાજે લક્ષ્મીનાથ.” પરિણામે કૃષ્ણને માટે લઈ ગયેલ તાંદુલની ગાંઠડી પણ એ આપતો નથી, આપવાને બદલે સંતાડે છે. આટલું જ નહિ, કૃષ્ણની સમૃદ્ધિ જોઈને એને ઇર્ષ્યા થતી હોય, પોતાની સ્થિતિનો અસંતોષ જાગતો હોય એવું પણ લાગે છે :

ગહન દીસે ભાઈ! કર્મની ગતિ, એક ગુરુના અમો વિદ્યારથી;
એ થઈ બેઠો પૃથ્વીપતિ, મારા ઘરમાં ખાવા નથી!
રમાડતો ગોકુલ માંકડાં, અમો ગુરુને ઘેર લાવ્યા લાકડાં;
તે આજ બેઠા સિંહાસન ચડી, મારે તુંબડી ને લાકડી.

અલબત્ત, તરત જ પોતાની અલ્પતાનું અને કૃષ્ણના ભગવત્સ્વરૂપનું ભાન થતાં સુદામો આ વિચારો ખંખેરી નાંખે છે અને એનું ચિત્ત ભગવદ્‌દર્શનના માહાત્મ્ય પર ઠરે છે :

વળી ઋષિને આવ્યું જ્ઞાન, ‘હું અલ્પજીવ, એ સ્વયં ભગવાન,
જો એક વાર પામું દર્શન, જાણું હું પામ્યો ઇન્દ્રાસન.’

પણ આ નિરૂપણ પણ સુદામાના ચિત્તની ચંચળતાને તો દર્શાવે છે. ટૂંકમાં, સુદામાની વૃત્તિ સંકલ્પવિકલ્પાત્મક છે. એના ચિત્તસરોવરને અનેક વિચાર-લહરીઓ સંક્ષુબ્ધ કરી નાખે છે. છતાં કાવ્યને અંતે, ઈશ્વરની અદૃષ્ટ કૃપાનું ભાન થતાં, સુદામો નિર્દોપ, નિઃસ્પૃહી, નિશ્ચલ ભક્ત બને છેઃ

જદપિ વૈભવ ઇન્દ્રનો, પણ ઋષિ રહે ઉદાસ;
વિષય રાખે ભોગનો, પણ. સદા પાળે સંન્યાસ;
વેદ ધ્યાન અગ્નિહોત્ર હોમે, રાખે અંતર હરિનું ધ્યાન,
માળા ન મૂકે, ભક્તિ ન ચૂકે, મહાવૈષ્ણવ ઋષિ ભગવાન.

પ્રેમાનંદે ધાર્યું હોય કે ન હોય, પ્રેમાનંદનું કાવ્ય ભક્તિના અભિલાષથી ભક્તિની સિદ્ધિ સુધી વિસ્તરે છે – “સદા તમારા ચરણ વિષે રહેજો મનસા મારી”થી “માળા ન મૂકે, ભક્તિ ન ચૂકે, મહાવૈષ્ણવ ઋષિ ભગવાન” સુધી. આ બે બિંદુની વચ્ચે વિકસતું સુદામાનું ચરિત્ર આપણને અહીં પ્રત્યક્ષ થાય છે અને તેથી જ પ્રેમાનંદનો સુદામો એક નવો આકાર ધારણ કરીને આવે છે એમ આપણે કહીએ છીએ. ‘ભાગવત’નો સુદામો ભક્તિની દૃષ્ટિએ પ્રેમાનંદના સુદામા કરતાં ભલે ચડિયાતો હોય, પ્રેમાનંદે આલેખેલું સુદામાનું ચરિત્ર વધારે ચિત્રમય અને તેથી વધારે કલાત્મક છે. પ્રેમાનંદ સુદામાના મનના મોટા આવેગોને જ નહિ, ઝીણાં સંવેદનોને પણ જે સૂક્ષ્મતાથી અને સતતતાથી મૂર્ત કરી આપે છે તે એની પ્રત્યક્ષીકરણની કલાનો વિજય છે. ‘સદા તમારા ચરણ વિષે રહેજો મનસા મારી” એમ આર્જવપૂર્વક પ્રાર્થતો સુદામો તગતગતા તાંદુલ દેખીને રીઝ પામતો સુદામો, કૃષ્ણમંદિરની ભવ્યતા જોઈ પહેલાં “રહ્યા ઊભા, નવ ચાલે પાય” એમ આશ્ચર્યમૂઢ થતો અને પછી સંકલ્પવિકલ્પમાં ફેરા ફરતો સુદામો, કૃષ્ણની સમક્ષ ગાંઠડી સંતાડવાનો વ્યર્થ પ્રયત્ન કરતો સુદામો અને વિદાયવેળા કૃષ્ણ હમણાં કંઈક આપશે એવા આશાના તંતુએ લટકતા જીવવાળો સુદામો – સુદામાને આપણે મનઃચક્ષુ સમક્ષ તરવરતો જોઈએ છીએ. હા, પ્રેમાનંદ પોતાનાં ચિત્રોને વધારે અસરકારક બનાવવા ચાહે છે અને તેથી એમાં ઘેરા રંગો પણ પૂરે છે. સુદામાને દરિદ્ર અને વ્યવહારવિમુખ બતાવવામાત્રથી એને સંતોષ વળતો નથી, “વાધ્યા નખ ને વાધી જટા, માથે ઊડે રાખોડીની ઘટા” એવું સુદામો આળસુ – એદી – પ્રમાદી હોય એમ બતાવતું ચિત્ર પણ એ દોરી નાખે છે. પછી “મુનિનો મર્મ કોઈ નવ લહે” અને એને “સૌ મેલોઘેલો દરિદ્રી કહે” એમાં શી નવાઈ? સુદામામાં લઘુતાગ્રંથિ છે, આત્મસંકોચ છે, ભીરુતા છે, અને એની પાપભીરુતા બતાવતી વખતે પ્રેમાનંદ એના ચિત્તમાં કેવી અનુચિત અવાસ્તવિક કલ્પના મૂકે છે : “ભોગાસક્ત હું નથી આવ્યો!” ઇન્દ્રાણી જેવી સ્ત્રી બાવા જેવા સુદામા પર મોહી પડી હોય એવો વિચાર સુદામાને જ આવે. એમાં સુદામાની બાઘાઈ પણ દેખાઈ આવે છે. સુદામાનાં વિચાર અને વાણીમાં પ્રાકૃતતા પણ ડોકાયા કરે છે. કૃષ્ણે કંઈ આપ્યું નહિ ત્યારે એને શો વિચાર આવે છે? “હશે સ્ત્રીની ચોરી મન ધરી.” અને હવે એકાંતમાં કૃષ્ણ કંઈક આપશે! પત્નીને માટે એ ‘રંડા’ જેવો હલકો શબ્દ વાપરે છે. ટૂંકમાં, સુદામામાં માત્ર માનવસહજ ચંચળતા કે નિર્બળતા નથી, પણ પ્રમાદ, પ્રાકૃતતા અને બાઘાઈ પણ છે. આ જાતની રેખાઓ સુદામાના ચરિત્રમાં જરૂરી હતી એવું કંઈ નથી, ઊલટું એ સુદામાના વ્યક્તિત્વ-નિરૂપણને અને કાવ્યના રસને હાનિ કરે છે. છતાં પ્રેમાનંદને હાથે આવું બની ગયું છે અને એ પ્રેમાનંદની જીવન અને કલાની દૃષ્ટિની મર્યાદા બતાવે છે. આવી થોડીક રેખાઓ બાદ કરતાં પ્રેમાનંદે આલેખેલું સુદામાનું ચરિત્ર એની સર્જકશક્તિનો એક વિલક્ષણ ઉન્મેષ છે.
કર્તવ્યબુદ્ધિની ઉચ્ચતા ‘સુદામાચરિત્ર’માંથી સુદામાનું જે ચરિત્ર ઊપસી આવે છે એમાં સુદામાપત્નીનો પણ આડકતરો હિસ્સો છે. સુદામાનો વૈરાગ્ય નિસ્તેજ અને ગૌરવહીન લાગે છે, સુદામાની નિષ્ક્રિયતા આપણને ખૂંચે છે, કેમ કે એ અજાચકવ્રત પાળે છે ત્યારે એની પત્ની ભિક્ષા કરી લાવી, પારકાં કામ કરી, કુટુંબનો નિર્વાહ ચલાવે છે. સુદામાની પત્ની કર્તવ્યનિષ્ઠ સ્ત્રી છે અને કુટુંબનો ભાર સહજભાવે ઉપાડે છે. બાળકને બે દિવસના ઉપવાસ થાય છે ત્યારે જ એ અકળાય છે અને પતિને તકલીફ (!) આપવા તૈયાર થાય છે. એ વ્યવહારબુદ્ધિવાળી પણ છે. ‘ઊભો અન્ને આખો સંસાર’ એમ એ સમજે છે એટલું જ નહિ ‘અન્ન વિના ધરમ સૂઝે નહિ’ એમ ધર્મનો પાયો પણ અન્ન છે એમ જાણે છે – દૃષ્ટાંતોથી સમજાવે પણ છે. દારિદ્ર્યને કારણે તો દાન-ધરમ પણ થઈ શકતાં નથી. દારિદ્ર્યના અક્ષર ધરણીધર ધોશે એવી એને શ્રદ્ધા છે છતાં એ હાથ જોડીને નિષ્ક્રિય બેસી રહેવામાં માનનારી નથી, એમ માનવું એને પાલવે તેમ પણ નથી, કેમ કે પરિવારને એણે જિવાડવાનો છે. પુરુષાર્થબુદ્ધિથી એ સ્ત્રી જાતે ઉદ્યોગ કરે છે અને અળખામણી થઈને પણ, પતિને કૃષ્ણ પાસે જવાનો ઉદ્યોગ કરવા પ્રેરે છે. એક કુટુબિની સ્ત્રીની કુટુંબ-વત્સલતા પણ એનામાં છે. બાળકનું દુઃખ એના હૃદયને હલાવી જાય છે, તો પતિના દુઃખનો પણ એને ઓછો ઉદ્વેગ નથીઃ

હું ધીરજ કોણ પ્રકારે ધરું? તમારું દુઃખ દેખીને મરું.
અબોટિયું પોતિયું નવ મળે, સ્નાન કરો છો શીતળ જળે.


દર્ભ તણી તૂટી સાદડી, તે ઉપર, નાથ! રહો છો પડી;
બીજેત્રીજે કાંઈ પામો આહાર, તે મુજને દહે છે અંગાર.

પોતાનું અંગત દુઃખ એ બહુ ગાતી નથી. ‘આ શરીર અન્ન વિના સૂકું’ એમ એ કહે છે, પણ એને ડંખે છે તે તો ‘નહિ લલાટે દેવા કંકુ’. સ્વામીસેવાનું સુખ વાંછતી પતિવ્રતા સ્ત્રીને પોતાનાં સૌભાગ્યચિહ્નોની વધારે ચિંતા હોયને? માયાસુખ એ ઇચ્છતી નથી, છતાં ઘરવ્યવહાર અને લોકવ્યવહાર તો એ સાચવવા ઇચ્છે છે. એ એક સંસારી સ્ત્રી છે. તેથી તો દારિદ્ર્યની આ સ્થિતિમાં પણ બાળકોને માટે સત્કુલની કન્યા કેમ જડશે એવો એને વિચાર આવે છે. સુદામાપત્નીમાં વ્યવહારબુદ્ધિનું શાણપણ અને ચતુરાઈ પણ છે. સુદામાને એ કેવાં વિવિધ દૃષ્ટિબિંદુથી સમજાવે છે! “ધન નહિ જડે તો ગોમતી-મજજન-દર્શન-ફળ નહિ જાય” એવું સુદામાને ગમે એવું પ્રયોજન આગળ ધરે છે, અન્ન અને ધનનો મહિમા સમજાવે છે, ઉદ્યમની પ્રેરણા આપે છે, ઈશ્વરની કૃપામાં શ્રદ્ધા દર્શાવે છે, અને સુદામાની કુટુંબ પ્રત્યેની લાગણી પણ જગાડે છે. સુદામાને પણ થાય છે કે “અન્ન વિના બાળક ટળવળે, તો વામાનો શો વાંક?” સુદામાપત્ની પતિ પ્રત્યે પૂરતો આદર ધરાવે છે. એનાં જ્ઞાન, ત્યાગ, વૈરાગ્યનો મહિમા એ સ્વીકારે છે, માત્ર એક સંસારી સ્ત્રી તરીકેની પોતાની મુશ્કેલી રજૂ કરે છે :

તમો જ્ઞાની, ત્યાગી, વેરાગી, છો પંડિત ગુણભંડાર,
હું જુગતે જીવું કેમ કરી? નીચ નારીનો અવતાર.

આ સંસારી સુદામાપત્ની સંન્યાસી સુદામા કરતાંયે આપણને કંઈક ઊંચી લાગવા સંભવ છે – એની કર્તવ્યબુદ્ધિને કારણે.
દિવ્ય અને લૌકિક રંગો સુદામાનું ચરિત્ર પ્રેમાનંદને હાથે કંઈક નવો આકાર પામ્યું, તો કૃષ્ણનું પાત્ર પણ પ્રેમાનંદને હાથે કંઈક નવા રંગો ધારણ કરે છે. ‘ભાગવત’માં કૃષ્ણ સ્નેહથી છલકાતા હૃદયવાળા મિત્ર છે અને ભક્તની નાનીશી ભેટનું ગૌરવ કરી, એની મનઃકામનાને જાણી, એને અપાર સમૃદ્ધિ આપનાર પરમાત્મા પણ છે. પ્રેમાનંદ કૃષ્ણચરિત્રના આ અંશોને સરસ અને સચોટ ઉઠાવ આપે છે. સુદામો આવ્યો છે એ સાંભળતાં જ વૈભવ અને ભોગવિલાસમાં મગ્ન કૃષ્ણનું હૃદય મિત્રમિલન માટે કેવું ઉત્કંઠિત બની જાય છે :

દાસીનો બોલ સાંભળિયો રે, હેં હેં! કરી ઊઠ્યો શામળિયો રે;
મારો બાળસનેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે.
ઊઠી ધાયા જાદવરાય રે, મોજા નવ પહેર્યા પાય રે;
પીતાંબર ભોમ ભરાયે રે, જઈ રુક્મિણી ઊંચું સાહે રે.
આનંદે ફૂલી ઘણી કાય રે, રુદિયાભર શ્વાસ ન માય રે;
ઢળી પડે વળી બેઠા થાય રે. એક પલક તે જુગ વહી જાય રે.

મિત્રને એ કેવા ભાવથી ભેટે છે, એનો કેવો આદરસત્કાર કરે છે, નાનપણાના નેહની – “આપણ સૂતા એક સાથ રે” એવી આત્મીયતાની – મધુર સ્મૃતિઓ કેવા લીન બનીને વાગોળે છે અને અંતે કેવા હેતપ્રેમથી સુદામાને વળાવે છે!

પણ પ્રેમાનંદ આટલેથી અટકતો નથી. શ્રીકૃષ્ણના મિત્રભાવમાં બીજા રંગો ઉમેરી એને વધારે સજીવ અને સર્વભોગ્ય બનાવે છે. એક બાજુથી કૃષ્ણ “તમો પાસે અમો વિદ્યા શીખતા” એમ કહી સુદામાને મોટાઈ આપે છે, તો બીજી બાજુથી ગોરાણીએ આપેલા ચણા “અમો છાના તમો આરોગિયા” એમ હસતાંહસતાં સંભળાવી પણ દે છે; “કે ભાભી અમારાં વઢકણાં?” કહીને એની મીઠી મશ્કરી પણ કરી લે છે. એની આંખમાં અને એની ઉક્તિઓમાં ટીખળ ઊછળે છે. “જે નમશે એનાં ચરણ ઝાલી રે, તે સહુપેં મુજને વહાલી રે” એવું કહી એ રાણીઓના મનમાં સુદામા વિષે કેવું કૌતુક જગાડે છે અને સુદામાને જોઈને રાણીઓને ખરેખર કેવો ભાવ થાય છે! “કાંઈ ચતુર ભાભીએ ભેટ મોકલી” એમ કહી ભાભીને જાણે લડાવે છે, “અમો જોગ એ ન હોય તો દૂર થકી દેખાડો” કહી લઘુતાનો મીઠો ડોળ કરે છે, તો “જો પવિત્ર સુખડી પ્રેમે આપો તો ભવની ભાવઠ જાય” એવી શ્લેષોક્તિથી મિત્રની ભેટથી ધન્ય થવાના ભાવને ઓઠે ભક્તને ઉદ્ધારવાનો ભાવ ચતુરાઈપૂર્વક પ્રકટ કરે છે. ‘ભાગવત’ના કૃષ્ણનો મિત્રપ્રેમ દિવ્ય હતો, શાંત નિર્મળ સરોવર જેવો હતો; પ્રેમાનંદ એમાં નાનાવિધ સહચારી ભાવોના તરંગો ઉપજાવે છે અને લૌકિક રંગો ઉમેરે છે. ભગવાનની ભક્તવત્સલતાને પણ પ્રેમાનંદે માર્મિક અને મનોહર ઉઠાવ આપ્યો છે. સુદામાનું દારિદ્ર્ય ફેડવા “જાચકરૂપ થયા જગજીવન” એવી તો એમની મહાનુભાવતા. સુદામાના તાંદુલના સ્વાદની એ કેવી પ્રશંસા કરે છે! તાંદુલના એક-એક કણ સાટે એ કેટલો બધો વૈભવ આપે છે! અને બીજી મૂઠી ભરે છે ત્યારે મનમાં કેવો ભારે સંકલ્પ કરે છે! –

હું એ સરખો થઈ વનમાં તાપું, વૈકુંઠની રીધ એને આપું;
સોળ સહસ્ર સાથે રુક્મિણી, સેવા કરે સુદામા તણી.
દ્વારકા આપવાની મનસા કરી, બીજી મુષ્ટિ શ્રીનાથે ભરી.

ભગવાનનું સર્વ કંઈ અને ભગવાન પોતે જાણે ભક્તને અર્થે જ છે! પણ અહીં પ્રેમાનંદ ભગવાનની માત્ર ભક્તાધીનતા દર્શાવીને અટકી જતો નથી, એ. ભગવાનને પોતાનાં પરાક્રમો વર્ણવતા પણ નિરૂપે છે! “નિશાળે બેઠાં હાથ વધારિયો”, “પુત્ર ગોરાણીને આપિયો”. ‘જુઓ, મેં — કેવું કર્યું હતું’ એવો આત્મપ્રશંસાનો ધ્વનિ એમાં રહેલો છે. ભગવાનની ભગવત્તાને પણ થોડો લૌકિક સ્પર્શ લાગે છે. તોપણ કૃષ્ણનો મિત્રસ્નેહ આપણને સ્પર્શી જાય એવો છે, એની અનહદ કૃપાનું દર્શન ધન્ય કરે એવું છે. એનાં ટોળટીખળ, એની નમ્રતા, એનું અભિમાન આપણને મોહ પમાડે એવાં છે. પ્રેમાનંદે એક રસભર્યું કૃષ્ણચરિત્ર ઊભું કર્યું છે એમાં ના નહિ.
પ્રત્યક્ષ જનસ્વભાવચિત્રો આ ત્રણ મુખ્ય ચરિત્રો ઉપરાંત બીજી કેટલીક સરસ ચરિત્રરેખાઓ આપણને પ્રેમાનંદની કૃતિમાં આસ્વાદવાની મળે છે. એ ચરિત્રરેખાઓ અત્યંત ગૌણ પાત્રોની છે અને સંક્ષેપમાં આલેખાયેલી છે, પણ પ્રેમાનંદને માણસમાં, માણસના વિવિધ સ્વભાવોનું અવલોકન કરવામાં અને એની નોંધ લેવામાં કેટલો રસ છે તે બતાવે છે. રોતાં મુખ કરી પિતાને દીન વાક્ય કહેતાં સુદામાનાં બાળકો, સુદામાને જોઈ તાળી દઈ હસતી અને વ્યંગવચનો બોલતી યાદવસ્ત્રીઓ, સુદામાની પૂંઠે કાંકરા નાખતાં બાળકો, વિવેકી વૃદ્ધ યાદવ અને પ્રતિહાર, બટકબોલી દાસી, વાંકાબોલી સત્ય-ભામા અને વિદગ્ધ રુક્મિણી – આટલીબધી વ્યક્તિઓને આવડા નાના કાવ્યમાં પ્રેમાનંદ સિવાય કોણ સ્થાન આપે? સ્થાન આપે તોયે એમના લાક્ષણિક સ્વભાવને યથાર્થ રીતે કોણ નિરૂપી શકે? હા, પ્રેમાનંદની પાત્રાલેખનકળાનું એક લક્ષણ આ છે કે એની સૃષ્ટિ જનસ્વભાવચિત્રોથી સભર હોય છે. જનસ્વભાવ એટલે પ્રેમાનંદે પોતાની આસપાસનાં સામાન્ય સ્ત્રીપુરુષોમાં જોયેલાં સ્વભાવલક્ષણો. એ સ્ત્રીપુરુષો અમુકતમુક વર્ગનાં પ્રતિનિધિ જેવાં હતાં. એટલે પ્રેમાનંદ એ રીતે એમને આલેખે છે. સુદામાપત્ની આપણને હિંદુ પતિભક્ત કુટુંબિની સ્ત્રીની આબેહૂબ મૂર્તિ નથી લાગતી? કૃષ્ણની રાણીઓને સુદામાને જોવાનું અદમ્ય કુતૂહલ થાય છે તે શું સ્ત્રીઓની એક સામાન્ય મનોવૃત્તિ નથી? અને સુદામાને જોઈને એના રૂપની હાંસી કરવી એ પણ સ્ત્રીસ્વભાવ જ નથી? “દેખાડો, રોતાં રહેશે બાળ” એ વિચાર પણ સ્ત્રીને જ આવેને? અને સુદામાને જોઈને એની સ્ત્રીનો વિચાર – “કીધાં હશે પૂન વ્રત અપાર, તે સ્ત્રી પામી હશે એ ભરથાર” – સ્ત્રી સિવાય કોને આવે? વૃદ્ધ યાદવ વિનયપૂર્વક “કૃપાનાથ, ક્યાંથી આવિયા? આ પુરને કેમ કીધી મયા?” એવો પ્રશ્ન પૂછે તે એક વડીલ પુરુષને છાજે એવો વર્તાવ છે. સુદામામાં આલેખાયેલી પાપભીરુતા એય સામાન્ય બ્રાહ્મણની પાપભીરુતા છે. પ્રેમાનંદે પોતાની આસપાસના સમાજને બરોબર ઓળખીને પોતાની કૃતિમાં જીવતો કરી મૂક્યો છે. પણ હા, આવી જાતના આલેખનથી પૌરાણિક શિષ્ટ સંસ્કારી વાતાવરણ ઘણી વાર જળવાતું નથી, અને પૌરાણિક પાત્રોમાં આરોપાયેલા ગ્રામ્ય અંશો ખૂંચે છે. અહીં સુદામામાં એક ગ્રામ્ય બ્રાહ્મણનાં લોભ, ઈર્ષ્યા અને પાપભીરુતા પ્રેમાનંદે નથી મૂક્યાં? પણ સુદામાના પાત્રની તો આખી વિભાવના જ પ્રેમાનંદમાં બદલાઈ ગયેલી છે અને એ એકંદરે સુસંગત રીતે વ્યક્ત થઈ છે; એનો એ રૂપે જ આસ્વાદ લેવાનો છે, એટલે આ ગ્રામ્ય અંશો આપણા ચિત્તને બહુ ખૂંચતા નથી. કૃષ્ણનું તો એક નટખટ પુરુષ તરીકેનું ચરિત્ર લોકમાનસમાં વસેલું જ છે, અને પ્રેમાનંદે એને ઉઠાવ આપ્યો છે. એથી એમાં પણ ક્યાંયે રસહાનિ થવાનો પ્રસંગ આવતો નથી. પૌરાણિક અને ગ્રામ્ય ભાવોના મિશ્રણથી પાત્રાલેખનની ભારે અસંગતિઓ પ્રેમાનંદનાં બીજાં આખ્યાનોમાં નજરે ચડે છે તે સદ્‌ભાગ્યે અહીં દેખાતી નથી. પ્રેમાનંદનાં આખ્યાનોમાં પાત્રોના જે મનોભાવો આલેખાય છે તે સમૂહગત – ઘણાં માણસોના લક્ષણરૂપ-ભાવો હોય છે. વૈયક્તિક સંવેદનો એમાં ભાગ્યે જ આવે છે. પાત્રોને આપણે વર્ગપ્રતિનિધિઓ કે જાતિચિત્રો કહીએ છીએ એનો આ જ અર્થ છે. વળી મનોભાવો છૂટાછૂટા એના સાદા સર્વગમ્ય સ્વરૂપમાં આલેખાય છે. સંકુલ મનોભાવો પ્રેમાનંદની સૃષ્ટિમાં જવલ્લે જ અભિવ્યક્ત થતા હશે. એ રીતે જોઈએ તો અહીં સુદામા અને સુદામાપત્નીના ભિન્નભિન્ન વિચારો અને ભાવો ગૂંથીને પ્રેમાનંદે કંઈક સંકુલ મનોભાવચિત્રો ઉપજાવ્યાં છે એમ કહી શકાય; અને સુદામાના ઝોલા ખાતા મનને આલેખીને તો પ્રેમાનંદે એક અત્યંત રસિક ચિત્ર ઊભું કર્યું છે. ‘સુદામાચરિત્ર’ના પાત્રાલેખનની આ એક વિશેષતા છે. આવાં પાત્રોને પ્રેમાનંદ કેવી રીતે રજૂ કરે છે? પાત્રોના સ્વભાવ વિષે કથન કરવાને બદલે પ્રેમાનંદ એમને એમનાં ક્રિયાઓ, વર્તનો કે ઉદ્‌ગારો દ્વારા પ્રગટ થવા દે છે. આથી આપણે પાત્રોને જીવતાંજાગતાં અનુભવી શકીએ છીએ. પાત્રોના મનોભાવોને વ્યક્ત કરતા ઉદ્‌ગારો તો આપણે આગળ ઘણા જોયા છે; અહીં થોડી ક્રિયાઓ અને થોડાં વર્તનોની નોંધ લઈએ. સુદામો આવ્યો છે એ સમાચાર સાંભળતાં કૃષ્ણને મિત્ર-સ્નેહની જે લાગણી થાય છે એને ક્રિયાઓ દ્વારા કેવી હૃદયંગમ રીતે પ્રગટ કરી છે! હરિ મંદિર જોઈને સુદામો આશ્ચર્યમૂઢ થાય છે એ પ્રેમાનંદ કેવી રીતે વર્ણવે છે? “રહ્યા ઊભા, નવ ચાલે પાય.” અને એના મનના સંકલ્પ-વિકલ્પને એના પગની ગતિ દ્વારા મૂર્ત કરે છેઃ “ત્યાં સુદામોજી ફરે”. સુદામાની પોટલી લેવાની કૃષ્ણ મથામણ કરે છે ત્યારે પ્રેમાનંદ સૌ રાણીઓ પાસે “અમને આપજો તલમાત્ર” એમ વિનંતી જ નથી કરાવતો, એમને પાત્ર લઈને ઊભી પણ રાખે છે! હા, પ્રેમાનંદની સૃષ્ટિ પ્રત્યક્ષ સૃષ્ટિ છે. એ પ્રત્યક્ષની સંજ્ઞામાં જ ઘણું. બધું વિચારે છે. સુદામો યાચકવૃત્તિનો તિરસ્કાર કરે છે ત્યારે યાચકનાં ચિહ્નો વર્ણવે છે : “જોડવા પાણિ, દીન વાણી, થાયે વદન પીળું વર્ણ.” પ્રત્યક્ષનો પ્રેમાનંદનો એટલો બધો રસ છે કે એ કેટલીક વાર એને ઘૂંટી-ઘૂંટીને આલેખે છે. સુદામાની દરિદ્રાવસ્થાને સચોટ રીતે આલેખવા જતાં એ સુદામાને ‘હાઉ’ જેવો બનાવી દે છે. પણ આ પ્રત્યક્ષતાને કારણે પ્રેમાનંદનાં જનસ્વભાવચિત્રો આપણા મનને હરી લે છે એમાં કોઈ શંકા નથી. પાત્રોને આપણે નજરે જોતાં હોઈએ એવું લાગે છે અને પ્રેમાનંદ બોલચાલની વાસ્તવિક લઢણોવાળા સંવાદો એટલા બધા પ્રયોજે છે કે આપણે પાત્રોને કાનોકાન સાંભળીએ પણ છીએ છેલ્લે; અહીં ‘સુદામાચરિત્ર’માં દેખાતી પ્રેમાનંદની પાત્રાલેખનકળાની એક વિશેષતાની નોંધ લેવાની રહે છે. આરંભમાં પ્રેમાનંદ વ્યવહારબુદ્ધિવાળી, કર્તવ્યનિષ્ઠ, કુટુંબવત્સલ સુદામાપત્નીની સામે વ્યવહારવિમુખ, સંકોચશીલ, વૈરાગ્યવૃત્તિવાળા સુદામાને મૂકે છે. એક-બીજાના વિરોધમાં બન્નેનાં અલગ વ્યક્તિત્વ કેવાં ખીલી નીકળે છે અને કેવી નાટ્યાત્મક અસર ઊભી થાય છે! પછીથી, મનમાં આકાંક્ષાવાળા છતાં લજ્જા અનુભવતા અને કૃષ્ણે કંઈ ન આપતાં એને વિષે કંઈકંઈ ધારતા સુદામાના મનોભાવોની સાથેસાથે સુદામાને આદર-સત્કારથી મૂંઝવી દેતા, એના સંકોચને આગ્રહપૂર્વક તોડતા અને એના પર અદૃષ્ટ કૃપા વરસાવતા કૃષ્ણના ચરિત્રની રેખાઓ ગૂંથીને પ્રેમાનંદે એક મજાની ભાત ઉપસાવી છે. મૂળ કથા-વસ્તુમાં જ આ વિરોધોનાં બીજ રહેલાં છે પણ પ્રેમાનંદ જેટલી સરસ રીતે કોઈએ એને ખીલવ્યાં નથી. સુદામાના પાત્રમાં પ્રેમાનંદે કેવો આંતર્વિરોધ ખડો કર્યો છે તે અહીં યાદ કરો એટલે પાત્રાલેખનમાં નાટ્યાત્મક વિરોધનો પ્રેમાનંદે કેટલો ઉપયોગ કર્યો છે એનો ખ્યાલ આવશે. આવાં પાત્રો અને એની આવી રજૂઆત આપણને પ્રેમાનંદની સૃષ્ટિમાં લીન બનાવી દે છે.
ભક્તિબોધનું તાત્પર્ય, છતાં ભક્તિરસ નહિ પ્રેમાનંદનાં પાત્રો સજીવ હોય છે, જનસ્વભાવની એની રેખાઓ તાદૃશ અને માર્મિક હોય છે અને આપણા ચિત્તમાં દૃઢપણે અંકિત થઈ જાય છે, છતાં પ્રેમાનંદ આપણા હૃદયને ભીંજવે છે અને વશ કરે છે એ તો એના આખ્યાનમાં ઊછળતી રસની છોળોથી. આ આખ્યાનમાં કયાકયા રસોની છોળ ઊછળે છે અને આપણને કેવીક ભીંજવે છે એ આપણે જોઈએ. ‘સુદામાચરિત્ર’નો હેતુ ભગવાનની નિઃસીમ કૃપા દર્શાવવાનો અને ભક્તિનો મહિમા ગાવાનો છે. તેથી ભક્તિરસ એમાં મુખ્ય હોય એમ માનવાનું આપણને મન થાય. પ્રેમાનંદ પણ આરંભમાં પ્રસ્તાવ મૂકે છે કે “ભક્તિરસ ચાખું, જે ચાખ્યો શુકસ્વામીએ રે.” ‘ભાગવત’ની સુદામાની કથા વાંચીએ તો એમાં સુદામાના હૃદયનો મુખ્ય ભાવ ભક્તિનો જ દેખાય છે અને ભગવાનની ભક્તવત્સલતાથી પોષાઈ એ આપણને ભક્તિરસનો અનુભવ કરાવે છે. અહીં પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર’માં શું બને છે? ભક્તિરસની કોઈ ગાઢ અનુભૂતિ થાય છે ખરી? સુદામામાં ભક્તિની ભાવના છે, પણ આપણે આગળ જોયું છે તેમ એમાં એનું મન સ્થિર રહી શકતું નથી. અને કાવ્યમાંથી તો સુદામાનું ભક્ત તરીકેનું ચરિત્ર ઊપસે છે એના કરતાં ઘણી વધારે સરસ અને સચોટ રીતે એની દયનીયતા અને ઉપહસનીયતી ઊપસે છે. એ જ રીતે કૃષ્ણની ભક્તવત્સલતા અહીં નિરૂપાયેલી છે, છતાં કૃષ્ણચરિત્રમાં એવા લૌકિક અંશો ભળ્યા છે જેને કારણે શુદ્ધ નિર્મળ ભક્તિનું ચિત્ર ઊભું થતું નથી. આની સાથે ‘મામેરુ’ને સરખાવીએ તો જણાય છે કે ત્યાં નરસિંહના સમગ્ર વ્યક્તિત્વમાંથી કેવળ ઈશ્વરનિષ્ઠા નીતરે છે અને ભગવાનની ભક્તાધીનતા એને વિષે સાર્થક થતી લાગે છે. બન્ને મળીને ભક્તિનું એક ઉજ્જ્વળ ચિત્ર રચે છે. ‘સુદામાચરિત્ર’નું તાત્પર્ય, ભક્તિબોધનું છે અને એ ભક્તિબોધ કાવ્યના વસ્તુમાંથી ફલિત પણ થાય છે. પણ, કહેવું જોઈએ કે, ભક્તિનું કોઈ ઉજ્જ્વળ ચિત્ર એમાંથી આપણને મળતું નથી. હા, આરંભમાં સુદામાની પ્રતિજ્ઞા મળે છે : “સદા તમારા ચરણ વિષે રહેજો મનસા મારી.” અને અંતમાં કવિએ સુદામા વિષે કરેલું કથન મળે છે; “માળા ન મૂકે, ભક્તિ ન ચૂકે, મહાવૈષ્ણવ ઋષિ ભગવાન,” પણ સુદામાના વ્યવહારમાંથી નરસિંહની પેઠે, ઈશ્વરાભિમુખતા નીતરતી નથી. અરે, છેલ્લે સુદામાની સમૃદ્ધિનું વર્ણન કવિ કરે છે, પણ આ સમૃદ્ધિ આપનાર શ્રીકૃષ્ણની વત્સલતાનો વિચાર કરતો એને બતાવ્યો છે ખરો? ’ભાગવત’માં સુદામો આ વત્સલતાના અનુભવથી કેવો ધન્ય બનતો લાગે છે! અને પોતાની એ ધન્યતાના ભાવને એ કેવી સરસ રીતે પ્રગટ કરે છે! ઓછામાં ઓછું, પ્રેમાનંદ વિશુદ્ધ ભક્તિભાવના નિરૂપણની આ તક ઝડપી શક્યો હોત.
શાંતનું કથન, વ્યવહાર નહિ

‘સુદામાચરિત્ર’માં ભક્તિરસની ઓછપ છે તો શાંતરસ છે એમ કહી શકાશે? સુદામાની વૈરાગ્યવૃત્તિ શાંતરસને અવકાશ આપે. પણ આપણે આગળ જોયું તેમ એનો વૈરાગ્ય નિસ્તેજ છે, એનામાં એક સાચા વૈરાગીની આત્મનિર્ભરતા નથી, એનું મન સાવ નિઃસ્પૃહ રહી શકતું નથી. છેવટની બે પંક્તિઓ

જદપિ વૈભવ ઇન્દ્રનો, પણ ઋષિ રહે ઉદાસ,
વિષય રાખે ભોગનો, પણ સદા પાળે સંન્યાસ.

–ને શાંતરસના આલેખન તરીકે ગણાવવાનું આપણને મન થાય, પણ એ કવિનું કથન છે. સુદામાનો વ્યવહાર શાંતરસ નિષ્પન્ન કરતો હોય એવું ક્યાંયે બનતું નથી.
અદ્‌ભુતરસનું અસરકારક ચિત્ર ભક્તિરસની સાથે અદ્‌ભુતરસ ઘણી વાર વણાતો હોય છે, કેમ કે ભગવાનની લીલા, ભગવાનની કૃપા, વિસ્મયકારી હોય છે. ‘સુદામાચરિત્ર’ના વસ્તુમાં તો અદ્‌ભુતને ખાસ અવકાશ છે. પ્રેમાનંદ એને અસરકારક રીતે વર્ણવે પણ છે. કૃષ્ણ તાંદુલ ખાતા જાય છે અને સુદામાનાં દુઃખ કેવા. કાપતા જાય છે અને એને કેવો અપાર વૈભવ આપતા જાય છે! —

મુષ્ટિ ભરીને તાંદુલ લીધા, દારિદ્ર નાખ્યાં કાપી.
કર મરડીને ગાંઠડી લીધી, સાથેથાં દુઃખ મોડ્યાં;
જેમ જેમ ચીંથરાં છોડ્યાં નાથે, ભવનાં બંધન છોડ્યાં.
તાંદુલ જવ મુખ માંહે મૂક્યા, ઊડી છાપરી આકાશ;
તેણે સ્થાનક સુદામાને થયા સપ્તભોમ આવાસ.
ઋષિપત્ની થઈ રુક્મિણી સરખી, થયા સાંબ સરખા પુત્ર.

પછીથી સુદામો પોળમાં પેસે છે ત્યારે એનું પણ હરિના સરખું રૂપ થાય છે. સુદામાના વૈભવને પણ પ્રેમાનંદ પ્રભાવક રૂપે વર્ણવે છે, અને સઘળું અદ્‌ભુતરસનું એક લાક્ષણિક ચિત્ર બની જાય છે. આ અદ્‌ભુતને જ ભગવાનની ભક્તવત્સલતાના વિચાર દ્વારા ભક્તિના ચિત્રમાં પલટાવી શકાય. પણ પ્રેમાનંદ અદ્‌ભુત આગળ અટકી ગયો છે. ભગવાનની અપાર વત્સલતાનો વિચાર કરી ભક્તિભાવ કેળવવાનું એણે આપણા પર છોડ્યું છે. હા, સુદામાના ભક્તજીવનનો નિર્દેશ કરી એણે આનું સૂચન કર્યું છે ખરું. એકંદરે, અદ્‌ભુત ‘સુદામાચરિત્ર’માં ઠીક રીતે આલેખાયેલો હોવા છતાં એ ગૌણ રસ છે.
કરુણ – ઘાડો અને સૂક્ષ્મ ‘સુદામાચરિત્ર’માં ભક્તિરસ જો ઉત્કટ નથી, શાંતનું માત્ર કથન જ થયું છે, અને અદ્‌ભુત ગૌણ છે, તો પ્રધાનપણે પ્રવર્તતા અને સમર્થ રીતે આલેખાયેલા રસો કયા છે? કરુણ અને હાસ્ય. એ બે પ્રેમાનંદને વધુ ભાવતા અને ફાવતા રસો છે.

કાવ્યના આરંભમાં સુદામાના દારિદ્ર્યનું જે ચિત્ર છે તે જુઓ. ભૂખ્યાં અને ભસ્મમાં પેસીને સૂતાં બાળકો, દર્ભની તૂટેલી સાદડી પર પડી રહેતો અને બીજેત્રીજે આહાર પામતો સુદામો, અન્ન વિના સુકાઈ ગયેલી અને લલાટે કંકુવિહોણી સુદામાપત્ની, જર્જરિત ઘર, નૈવેદ્ય વિના પૂજાતા દેવ, નિર્મુખ ફરતા અતીત, અને જેવો ઊગે એવો જ આથમતો દિવસ – આ બધી વીગતોથી પ્રેમાનંદે કરુણને કેવો ઘાડો અને હૃદયસ્પર્શી બનાવ્યો છે! તેમાં ભળે છે સુદામાપત્નીની અકળામણ – “આવું દુઃખ સંહીશું ક્યાં લગે?”, એની અસહાયતા –“હું જુગતે જીવું કેમ કરી?”, એનું હતબુદ્ધિપણું – “મારું જડ થયું છે મન”, એની આગ્રહી અને આર્દ્ર વિનંતીઓ –

એ જ્ઞાન મને ગમતું નથી, ઋષિરાયજી રે;
રુએ બાળક, લાવો અન્ન; લાગું પાયજી રે.

અને એનાં આંસુ, સુદામો પણ પીગળી જાય છે, જવાનું કબૂલે છે, અને બાળકો રોતાં મુખ કરી દીન વાક્ય કહે છે ત્યારે તો એ નિઃશ્વાસ પણ મૂકે છે. દારિદ્ર્યનું આ ઘેરું ચિત્ર આપણને વ્યથિત કરે એવું છે. આવો પ્રગટ ઘેરો કરુણ ‘સુદામાચરિત્ર’માં પછીથી આવતો નથી, પરંતુ જોઈ શકીએ તો સુદામાના સઘળા વ્યવહાર-વિચારમાં કરુણની પ્રચ્છન્ન સરવાણી વહેતી દેખાય. સુદામાના સંકલ્પવિકલ્પ, એનો સંકોચ, એનું અજ્ઞાન, એની પાપભીરુતા અને બાઘાઈ – સઘળાં કરુણાસ્પદ નથી લાગતાં? સુદામાની પોતાની દૃષ્ટિએ તો એ એની દયાજનક સ્થિતિ. છે. પોતાનું સર્વસ્વ ગયું જાણી એ કેવો ભારે વિષાદ અનુભવે છે! –

ત્રુટી સરખી ઝૂંપડી ને લૂંટી સરખી સુંદરી;
છળ્યાં સરખાં છોકરાં, તે ન મળ્યાં મુજને ફરી.

પ્રેમાનંદ દરિદ્ર સ્થિતિનો ઘેરો કરુણ અને માનવમનનો સૂક્ષ્મ કરુણ – બન્ને સમર્થ રીતે આલેખી શકે છે.
સમૃદ્ધ હાસ્ય પ્રેમાનંદનાં આખ્યાનોમાં અને અહીં ‘સુદામાચરિત્ર’માં પણ સમૃદ્ધપણે આલેખાયેલો કોઈ રસ હોય તો તે હાસ્ય જ છે. હાસ્યની અનેક છટાઓ અહીં આપણને જોવા મળે છે – વિકૃતિજન્ય સ્થૂળ હાસ્ય, માનવસ્વભાવજન્ય સૂક્ષ્મ હાસ્ય, હળવો વિનોદ, તીક્ષ્ણ કટાક્ષો અને મર્માળા વ્યંગ. સુદામાનું વર્ણન જુઓ : “વાધ્યા નખ ને વાધી જટા, માથે ઊડે રાખોડીની ઘટા;”, “મૂંછ-કૂછનું જાળ વાધ્યું, કદર્મ દીસે કાય.” તથા ‘ઉપાનરેણુએ અભ્ર છાયો; શું સૈન્ય મોટું જાય?” – આ બધું હાસ્યજનક નથી લાગતું? દેહ-વેષ આદિની વિકૃત અવસ્થાનું એ ઘેરું ચિત્ર છે. પત્ની પૂજા કરી પાલવ ગ્રહે, ત્યારે ઋષિજી નાઠા જાય અને ચીસ પાડી ઊઠે – એ ચેષ્ટાઓ અને “પાપિણીઓ, ઈશ્વર પૂછશે” – એ ઉદ્‌ગારો પણ વધારે પડતાં હોઈ હાસ્ય ઉપજાવે છે. આવા દેહ-વેષાદિ વિષે કટાક્ષો પણ પ્રેમાનંદ એનાં પાત્રો પાસે કરાવે છે અને એથી એની હાસ્યાસ્પદતા આપણે વધારે માણીએ છીએ, યાદવસ્ત્રીઓ સુદામાને જોઈને કેવાં વ્યંગ-વચનો કહે છે! –

કો કહે ઇન્દુ, કો કહે કામ, એને રૂપે હાર્યા કેશવ-રામ; .
પતિવ્રતાનાં મોહશે મન,

સત્યભામા પણ દાઢમાંથી બોલે છે : “આ શું ફૂટડા મિત્ર સુદામા રે!” પ્રેમાનંદનાં આ જાતનાં નિરૂપણો આપણને ખડખડાટ હસાવે છે. પરંતુ પ્રેમાનંદનું વધારે ઊંચું હાસ્ય તો સ્વાભાવિક માનવવર્તન, માનવવૃત્તિ કે વિચારમાંથી જન્મતું હાસ્ય છે. “આ બાળક પરણાવવાં પડશે, સતકુલની કન્યા કેમ જડશે?” એવો વિચાર સુદામાપત્ની કરે છે ત્યારે તમારા હોઠ મલકી નથી જતા? આમ તો એ હિંદુ માતાની એક સ્વાભાવિક ચિંતા છે, પણ ખાવા ન મળતું હોય એવે વખતે આવો વિચાર આવે તેથી આપણને રમૂજ ઊપજે છે. સુદામો સંકોચપૂર્વક તાંદુલની ગાંઠડી સંતાડે છે, તાંદુલ જેવી તુચ્છ ભેટ લાવ્યો તે માટે અફસોસ વ્યક્ત કરે છે, ભગવાને કોડીયે ન આપી તે માટે એને વિષે કંઈકંઈ વિચારે છે, અને “મૂળગા મારા તાંદુલ ગયા” એવો ક્ષુદ્ર વિચાર કરે છે ત્યારે પણ આપણને રમૂજ થયા વિના રહેતી નથી, કેમ કે સુદામાનાં આ બધાં વર્તન-વિચાર બિનજરૂરી છે, ભગવાનની મહાનુભાવતા અને એની કૃપા નહિ સમજવાથી થયેલાં છે એ આપણે જાણીએ છીએ. સુદામાપત્નીની ચિંતા અને સુદામાનો ખેદ આપણે માટે હાસ્યાસ્પદ બને એ કેવું? પ્રેમાનંદની એ કળા છે અને કવિદૃષ્ટિ છે. વિવિધ માનવ-ભાવોમાં રહેલો વિનોદનો અંશ એ પારખે છે અને એમને વિનોદી રીતે આલેખે છે. કૃષ્ણના હૃદયમાં મિત્રસ્નેહનો ઊભરો આવે છે એ ચિત્ર જોવા જેવું છે. એને પણ વિનોદનો રંગ નથી લાગેલો? પ્રેમાનંદના કરુણમાં પણ વિનોદની આછી રેખા આવ્યા વિના રહેતી નથી. દારિદ્ર્યના કરુણ ચિત્રમાં બાળકો “ભસ્મ માંહે પેસીને સૂએ” એ રેખા હાસ્યની પણ નથી? પોતાનું ઘર ન દેખતાં સુદામાને જે વિષાદ થાય છે તેમાં એ પવિત્ર કુશની સાદડી ગયાનું પણ દુઃખ વ્યક્ત કરે એ જરા રમૂજી નથી લાગતું? પ્રેમાનંદની સર્વ સૃષ્ટિ જાણે વિનોદથી રસાયેલી લાગે છે. પ્રેમાનંદ બે વિરોધી વસ્તુઓને બાજુબાજુમાં મૂકીને પણ હાસ્ય જન્માવે છે. તાંદુલ જેવી તુચ્છ ભેટ અને એને દશવીસ ચીંથરાં બાંધી એનું રત્ન પેઠે જતન! એક ગુરુના બે વિદ્યાર્થી; એક થઈ બેઠો પૃથ્વીપતિ, બીજાને ઘરમાં ખાવા નથી; એક બેઠો સિંહાસન ચડી. બીજાને તુંબડી ને લાકડી! કૃષ્ણ સુદામાને ભેટે છે ત્યારે પણ પેલી સત્યભામા આ જોડીની હાસ્યાસ્પદતા નોંધે છેને! –

ભલી જેવા સરખી જોડી રે, હરિનો સોંધો, એને રાખોડી રે!

આમ તો, કૃષ્ણ-સુદામાના સમગ્ર વ્યવહારમાં આ વિરોધનું હાસ્ય અવારનવાર ફરક્યા જ કરે છે. પ્રેમાનંદ જાતે તો માનવ-વ્યવહારનાં વિનોદી ચિત્રો આલેખે છે, પરંતુ એનાં પાત્રો પણ અવારનવાર વિનોદ કરતાં હોય છે, એકબીજાંની મશ્કરી – ઘણી વાર મીઠી તો ક્યારેક ખટમીઠી – કરતાં હોય છે. કૃષ્ણ “શું ભાભી અમારાં વઢકણાં?” કહીને સુદામાની મીઠી મજાક નથી કરતા ? રાણીઓને કૃષ્ણ કહે છે : “જે નમશે એનાં ચરણ ઝાલી રે, તે સહુપેં મુજને વહાલી રે!” એમાં પણ મજાક તો છે પણ ખટમીઠી. મીઠી મશ્કરીમાં જ નહિ, કટાક્ષ અને દ્વિ-અર્થી ઉક્તિઓમાં પણ પ્રેમાનંદ કુશળ છે. એ તો એના માર્મિક હાસ્યનાં ઉત્તમ સાધન છે. યાદવસ્ત્રીઓ અને સત્યભામાના કટાક્ષો આપણે આગળ નોંધ્યા છે. આ બધા સીધા પ્રગટ કટાક્ષો છે. ઘણી વાર પ્રેમાનંદનાં નિરૂપણોમાં ઊંડા કટાક્ષો હોય છે. દશ બાળકવાળા સુદામાને કૃષ્ણ પૂછે કે “કે નથી સુખ સંતાનનું?” તો એમાં કટાક્ષ ન જોઈ શકાય? એ રીતે જોઈએ તો. સુદામાનો સઘળો વ્યવહાર કટાક્ષદૃષ્ટિએ (ironically) આલેખાયેલો લાગે. પ્રેમાનંદની દ્વિ-અર્થી ઉક્તિઓમાં ઊંડા કટાક્ષ રહેલા હોય છે અને એ સૂક્ષ્મ ગંભીર માર્મિક હાસ્ય પ્રેરે છે. “જો પવિત્ર સુખડી પ્રેમે આપો, તો ભવની ભાવઠ જાય.” એમ કૃષ્ણ કહે છે ત્યારે સુદામાએ એને એનું વિવેકવચન માન્યું હશે. પણ કૃષ્ણ તો સુદામાના ભવની ભાવઠ દૂર કરવા માગતા હતા એ આપણે જાણીએ છીએ. રુક્મિણી કૃષ્ણને તાંદુલ ખાતાં રોકી “અમે અન્યાય શો કીધો, નાથ?” એમ પૂછે છે ત્યારે આસપાસનાં સૌને તો એમાં તાંદુલ ખાવાની ઇચ્છા જ દેખાઈ હશે, પણ આપણે જાણીએ છીએ કે આ તો કૃષ્ણ પોતાની રાણીઓને સુદામાની સેવા કરવા મોકલવાનો સંકલ્પ કરતા હતા તેની સામેની ઉક્તિ છે! આ કટાક્ષાત્મક દ્વિ-અર્થી ઉક્તિઓ આપણે સૂક્ષ્મ હાસ્યથી માણીએ છીએ અને એમાં વ્યક્ત થતી પ્રેમાનંદની ઊંચામાં ઊંચી સિદ્ધિ અનુભવીએ છીએ. પ્રેમાનંદ અનેકવિધ રીતે હાસ્ય જન્માવે છે અને એના હાસ્યનાં અનેક રૂપો આપણને આસ્વાદવા મળે છે. આથી જ આપણે કહીએ છીએ કે પ્રેમાનંદનું હાસ્ય સર્વ કવિઓમાં અને પ્રેમાનંદના સર્વ રસોમાં પણ સૌથી વધુ સમૃદ્ધ છે.
રસસિદ્ધિનાં રહસ્ય ભિન્નભિન્ન રસોમાં ઓછીવત્તી ગતિ છતાં પ્રેમાનંદ એક રસસિદ્ધ કવિ છે એમ આપણને લાગ્યા વિના રહેતું નથી. પ્રેમાનંદની આ રસસિદ્ધિનું રહસ્ય શું છે? પ્રેમાનંદ પાસે રસને અનુરૂપ વિગતો પસંદ કરવાની અનન્ય સૂઝ છે, પાત્રોની ચેષ્ટાઓ અને ઉક્તિઓથી ભાવને સાક્ષાત્કારક બનાવતાં એને આવડે છે, અને બીજાં પાત્રોના પ્રત્યાઘાતો નિરૂપી ભાવને એ ઉત્કટ બનાવે છે કે એને ચમત્કારિક વળાંક આપે છે. સુદામાના દારિદ્ર્યનું કરુણસભર વર્ણન જુઓને. એમાં કરુણને અનુરૂપ કેટલી બધી વીગતો પ્રેમાનંદે એકઠી કરી છે! સુદામા-પત્નીના વિવિધ ભાવોનો એની ચેષ્ટાઓ અને ઉક્તિઓ દ્વારા આપણને કેવો સાક્ષાત્કાર કરાવ્યો છે! અને અંતે સુદામાના નિઃશ્વાસને મૂકી પરિસ્થિતિની કરુણતાને કેવી તીક્ષ્ણતા અર્પી છે! પ્રેમાનંદનાં રસનિરૂપણો એટલે ભાવોની ઉજ્જ્વળ મૂર્ત આકૃતિઓ. પ્રેમાનંદની રસસિદ્ધિનું બીજું રહસ્ય એ છે કે એ રસોને ફેરવી-પલટાવીને યોજે છે. આથી એકતાનતા આવતી નથી અને વૈવિધ્ય જળવાય છે. પ્રેમાનંદ એક રસમાંથી બીજા રસમાં અત્યંત સહજતાથી સરી જાય છે અને એકંદરે એક ચમત્કારિક સંકુલ રસસૃષ્ટિનો આપણને અનુભવ થાય છે. આરંભમાં સુદામાને અવલંબીને ભક્તિ અને શાંતની આછી રેખાઓ આપીને, એના ગૃહસ્થાશ્રમનું વર્ણન કરતાં-કરતાં પ્રેમાનંદ એના દારિદ્ર્યનો કરુણ ચિતાર કેવો આપી દે છે! સુદામાના દારિદ્ર્યના જ પરિણામરૂપ એના મેલાઘેલા સ્વરૂપને અવલંબીને પછી, પ્રેમાનંદે હાસ્ય પ્રગટાવ્યું. ત્યારબાદ હાસ્યનાં વિવિધ સ્વરૂપો પ્રગટ થતાં રહે છે – કટાક્ષ, વિનોદ, માનવસ્વભાવજન્ય હાસ્ય, વગેરે; અને હાસ્યની સાથે બીજા અનેક ભાવો પણ ગૂંથાતા આવે છે – સુદામાનાં વિસ્મય, સંકોચ આદિ, કૃષ્ણનાં મિત્રપ્રેમ, ભક્તિવાત્સલ્ય, ઉદાત્તતા આદિ. ફરી સુદામાને અંગે હાસ્ય-કરુણનું મિશ્ર ચિત્ર આપી, ભક્તિ અને શાંતની આછી રેખાઓથી કાવ્યને આટોપી લે છે. પ્રેમાનંદ રસોની ગૂંથણી કલામય રીતે કરે છે અને આપણને કંઈક વિશિષ્ટ આસ્વાદ આપે છે. આમાંથી જ પ્રેમાનંદની રસસિદ્ધિનું ત્રીજું રહસ્ય સ્ફુટ થાય છે. પ્રેમાનંદમાં એકસાથે અનેક રસો નિભાવવાની વિરલ શક્તિ છે. એક પછી બીજો રસ યોજવો એ તો કંઈક સહેલું છે, પણ એક જ નિરૂપણને ભિન્નભિન્ન રસો નિષ્પન્ન કરતું બનાવવું એ મુશ્કેલ છે. તેમાંયે બીજા બધા રસોને તો સાથે મૂકી શકાય, પણ હાસ્ય અને કરુણ જેવા પરસ્પરવિરોધી રસો એકસાથે કેવી રીતે આવી શકે? પણ પ્રેમાનંદ એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે એમાં હસવું કે રડવું એની જ આપણને સમજ ન પડે; અથવા એમ કહો કે, આપણે એક આંખે હસીએ અને એક આંખે રડીએ. સુદામાની દરિદ્ર સ્થિતિને અને એના વ્યક્તિત્વને પ્રેમાનંદે એકસાથે દયનીય અને હસનીય બને એવી રીતે આલેખ્યાં છે. આને કારણે, નીચે વહેતો આછા કરુણનો પ્રવાહ અને ઉપર ફરકતી હાસ્યની લહર એવું વિશિષ્ટ રસસંવિધાન આ કાવ્યમાં થયું છે. આવાં રહસ્યો જેને હાથ લાગ્યાં છે એવા પ્રેમાનંદની રસસિદ્ધિને કોણ પહોંચી શકે?
શબ્દચિત્રો – માર્મિક, લાક્ષણિક અને સુંદર ‘સુદામાચરિત્ર’ના પાત્રાલેખનની વાત કરતાં પ્રેમાનંદની પ્રત્યક્ષતાની કળાની આપણે થોડી વાત કરી હતી અને પાત્રોના મનોભાવોને એની ચેષ્ટા કે હાવભાવની એકાદ રેખા દ્વારા એ કેવા મૂર્ત કરી આપે છે તે જોયું હતું. રસનિરૂપણની વાત કરતાં પણ આપણે નોંધ્યું હતું કે પ્રેમાનંદ રસની મૂર્ત આકૃતિઓ સર્જે છે. આ જ પ્રેમાનંદની વર્ણનની કળા પ્રેમાનંદને એકાદ લસરકાથી આબેહૂબ શબ્દચિત્ર ઊભું કરતાં આવડે છે, તો અનેક રેખાઓ દોરી પૂર્ણ ચિત્રો સર્જવાનું પણ એને ગમે છે. “આ નીચાં ઘર, ભીંતડીઓ પડી, શ્વાન-માંજાર આવે છે ચડી” આ એક પંક્તિ આપણા ચિત્તમાં સુદામાના ઘરની એક છબી અંકિત નથી કરી દેતી? તો ભાલે તિલક, કંઠે માળા, એક હાથમાં જ્યેષ્ટિકા, અને એક હાથમાં તુંબીપાત્ર, જીરણ વસ્ત્રનું કોપીન ને ફટક-ફટક થતાં ખાસડાં, મૂંછ-કૂછનું જાળ તથા મુખમાં રામનું નામ – આ બધી, વર્ણન-રેખાઓ, સુદામાની એક સંપૂર્ણ આકૃતિ ઊભી કરી દે છે. દ્વારામતીનાં બે દર્શન પ્રેમાનંદે આલેખ્યાં છે – એક બહારથી કરેલું, બીજું અંદરથી કરેલું. બહારથી થયેલા દર્શનનું પ્રેમાનંદે કરેલું આલેખન એની વિવિધ રેખાઓથી નોંધપાત્ર છે. એકાદ રેખા દ્વારકાની સમૃદ્ધિને સૂચવે છે, એકાદ એની આકૃતિ આલેખે છે, એકાદ દૂરથી દેખાતી વસ્તુઓ અને સંભળાતા અવાજોને નિરૂપે છે, અને એકાદ રેખા એની આસપાસની સૃષ્ટિને વર્ણવે છે. ટૂંકામાં પ્રેમાનંદ કેવું લાક્ષણિક ચિત્ર દોરી નાખે છે! –

કનકકોટ ઝળકારા કરે, માણેક-રત્ન જડ્યાં કાંગરે,
બહુ કોઠાર કોશીસાં પર્મ, જોવા સરખું વિશ્વકર્માનું કર્મ;
દુર્ગે ધજા ઘણી ફરફરે, દુંદુભિ ઢોલ ઘણા ગડગડે.
સુદર્શન ફરતું સૂસવે, ગંભીર નાદ સાગર ઘૂઘવે;
કલોલ ગોમતી-સંગમ થાય; ચતુર્વર્ણ ત્યાં આવી નાહ્ય.

દ્વારકાનું અંદરનું દર્શન થોડી વિગતપ્રચુરતાથી આલેખાયું છે. પણ સુદામાને સ્તબ્ધ કરી નાખનાર દ્વારકાના ઊભરાતા વૈભવને અને એની ઝાકઝમાળને નિરૂપવા માટે આ બધી વીગતો જરૂરી હતી. વળી આ વીગતો, પ્રેમાનંદમાં ઘણી વાર બને છે તેમ, કંટાળાજનક સૂચિની પેઠે રજૂ નથી થઈ. નગરનાં મકાનો અને ચૌટાં, એની સભાઓ અને એ સભાઓમાં થતાં નાચગાન, શેરીશેરીમાં થતા ઉત્સવો, હરતા-ફરતા ઘોડા, ડોલતા હાથી, પાણી લાવતી પનિહારીઓ – આદિ નગરની અનેક બાજુઓ એમાં રજૂ થઈ છે અને દશબાર પંક્તિમાં તો પ્રેમાનંદે વર્ણન સમેટી લીધું છે! પ્રેમાનંદની સુંદર શબ્દરચના પણ આ વર્ણનને ઉઠાવ આપવામાં અગત્યનો ભાગ ભજવે છે. એમ તો, કૃષ્ણના અંતઃપુરનું અને સુદામાના વૈભવશાળી મંદિરનું પણ પ્રેમાનંદે વર્ણન કર્યું છે. એ વર્ણનોની વીગતોમાં કંઈ નવીનતા નથી. પણ પ્રેમાનંદની શબ્દસિદ્ધિ ત્યાંયે આસ્વાદ્ય નીવડે છે. પ્રેમાનંદ સામાન્ય વર્ણનોને પણ શબ્દસૌન્દર્યથી આહ્‌લાદક બનાવી મૂકે છે. પ્રેમાનંદનાં વર્ણનો એટલે કેટલીક વાર માર્મિક, ઘણી વાર લાક્ષણિક, અને હંમેશાં સુંદર શબ્દચિત્રો. કેવા ભિન્નભિન્ન પ્રકારના વિષયોનું આબેહૂબ વર્ણન પ્રેમાનંદ કરી શકે છે એ પણ નોંધવા જેવું છે. સુદામાના ગરીબ ઘરસંસારને અને કૃષ્ણના વૈભવવંત જીવનવ્યવહારને પ્રેમાનંદ એકસરખી સફળતાથી આલેખી શકે છે. સુદામાની દીનતાભરી ઢસડાતી ચાલને અને કૃષ્ણની ઉમળકાભરી ઉતાવળી દોડને કેવી અનુરૂપતાથી અને સચોટ રીતે પ્રેમાનંદ વર્ણવે છે! વર્ણનમાં પ્રેમાનંદની અનિરુદ્ધ ગતિ છે.
શબ્દ અને અર્થની લીલા અંતે તો કવિને માટે શબ્દસિદ્ધિ – વાણીની શક્તિ – જ સૌથી મહત્ત્વની વસ્તુ છે. કહો કે પાયાની, પાયાની જ શા માટે? ટોચની પણ વસ્તુ છે, જે કંઈ સિદ્ધ કરવાનું છે – કથન, વર્ણન, રસનિરૂપણ – એ વાણી દ્વારા જ સિદ્ધ કરવાનું છે, વાણીરૂપે જ સિદ્ધ કરવાનું છે. અને આપણી પાસે તો એ વાણી જ કવિની કલ્પનાનું મૂર્ત રૂપ બનીને આવવાની છે. પ્રેમાનંદ એક કવિ છે, સાચો કવિ છે, કેમ કે એને શબ્દ સાથે, શબ્દના અવાજ સાથે, શબ્દના લય સાથે સ્નેહ છે; એ સારો કવિ છે, મોટો કવિ છે, કેમ કે એ શબ્દસમૃદ્ધ છે, શબ્દનો ઔચિત્યથી ઉપયોગ કરી શકે છે, શબ્દની શક્તિને પિછાની શકે છે. પ્રેમાનંદની શબ્દશક્તિનું પહેલું લક્ષણ એ છે કે, એની પાસે શબ્દોનો અખૂટ ભંડાર છે અને તેથી વર્ણવિન્યાસ, પ્રાસ, લય, અર્થ આદિની દૃષ્ટિએ યોગ્ય શબ્દની પસંદગી એ કરી શકે છે અને ધારી અસર નિપજાવી શકે છે. તમે પ્રેમાનંદે વાપરેલાં કૃષ્ણનાં જુદાંજુદાં નામોની એક સૂચિ કરી જુઓને : રમારમણ, ભૂધર, વિઠ્ઠલ, વિશ્વાધાર, શામળ, હરિ, ભગવંત, મુરારિ – આટલાં નામો તો પહેલા કડવામાં જ મળે છે, અને આખા આખ્યાનમાંથી ભેગાં કરીએ તો બીજાં પણ ઘણાં મળી આવે. આ પૌરાણિક શબ્દસમૃદ્ધિ છે અને પ્રેમાનંદે તે કેટલી પચાવી છે તે દેખાઈ આવે છે. આ ઉપરાંત પણ પ્રેમાનંદમાં ઘણા સંસ્કૃત શબ્દો આવે છે, ‘નિર્મુખ’ જેવો શબ્દ પણ આમ ભારે છતાં પૌરાણિક કથાઓ સાંભળનારને સુપરિચિત જેવો છે, તો ‘દુર્ભર’ જેવો વધારે ભારે શબ્દ પણ ક્યારેક પ્રેમાનંદમાં પ્રયોજાઈ જાય છે. અરે! ‘ઉપરાજ્યું’ જેવું ક્રિયાપદ પણ ‘ઉપાર્જન’ પરથી એ બનાવી કાઢે છેને! ‘કૃષ્ણ-સુત-સમુદાય’ અને ‘ગોમતી-મજ્જન-દર્શન-ફલ’ જેવા સમાસો પણ પ્રેમાનંદ કોઈ વાર પોતાના પદ્યમાં ગોઠવી દે છે. પ્રેમાનંદમાં આમ સંસ્કૃત શબ્દો છે અને સમાસો પણ છે, છતાં સંસ્કૃતમયતા લાગતી નથી, કેમ કે સમાસો સરળ છે અને ઉક્તિ પદ્યના લયમાં ગોઠવાતાં સમાસરૂપ બની ગયેલ હોય છે; શબ્દો મોટે ભાગે પરિચિત છે અને કોઈ ઠેકાણે અપરિચિત હોય તો આસપાસના સંદર્ભથી તેનો અર્થ પામી શકાય તેમ હોય છે. ‘સુદામાચરિત્ર’માં પ્રેમાનંદ કેટલા સંસ્કૃત શબ્દો, કેટલા સંસ્કૃત પરથી ઊતરી આવેલા ગુજરાતી શબ્દો, અને કેટલા તળપદા દેશ્ય શબ્દો વાપરે છે તેની નોંધ કરવા જેવી છે. એવી નોંધ કરતાં દેખાયા વિના નહિ રહે કે આ આખ્યાનમાંની પ્રેમાનંદની ભાષામાં સંસ્કૃતની સુગંધ ઘણીબધી છે. ‘ઝાડુવાં’ ને ‘બાડુવાં’, ‘આંગલાં-ટોપી’ અને ‘વાગલાં’ જેવા અત્યંત તળપદા શબ્દપ્રયોગો એમાં ઓછા છે. હા, ગુજરાતી ભાષાના કેટલાક અસરકારક રૂઢિપ્રયોગોનો પ્રેમાનંદે સારો લાભ ઉઠાવ્યો છે : ‘લૂંટી સરખી સુંદરી’, ‘છળ્યાં સરખાં છોકરાં’, ‘ઘર ઘાત્યું’, ‘જેવો ઊગે તેવો આથમે’, ‘દોહ્યલાં હર્યાં ને સોહ્યલાં કર્યાં’ વગેરે. આમ તો પ્રેમાનંદે સંવાદોમાં બોલચાલના લહેકાઓ ઉતાર્યા છે, અને વાત કરવાની લાક્ષણિક ઢબ પણ અવારનવાર ઉપસાવી છે. ગુજરાતી ભાષાનું તળપદું રૂપ અને સંસ્કૃત રૂપ બન્ને અહીં અનુરૂપતાથી આવિષ્કાર પામેલ છે એમ કહી શકાય. આ તો પ્રેમાનંદનું ભાષાજ્ઞાન થયું. કવિ તરીકેની વિશિષ્ટતા તો ભાષાને એ જે રીતે વાપરે છે તેમાં રહેલી છે. પ્રેમાનંદ શબ્દને વાપરે છે એના અવાજો પારખીને સ્વરવ્યંજનની મધુર લીલા એ પોતાના વર્ણવિન્યાસમાં પ્રગટ કરે છે. આપણે પ્રેમાનંદે પ્રયોજેલાં કૃષ્ણ માટેનાં વિવિધ નામોની એક સૂચિ કરેલીને? પ્રેમાનંદ કયું નામ કયા શબ્દની આજુબાજુ વાપરે છે તેની જરા ઝીણી દૃષ્ટિથી તપાસ કરો. ઘણે ઠેકાણે પ્રગટ વર્ણસગાઈ દેખાશે, તો કેટલેક ઠેકાણે સૂક્ષ્મ નાદ-સગાઈ પણ દેખાશે. જુઓ, ‘છે માધવ સાથે મિત્રાચાર’, ‘રીયા શ્રીરણછોડ રે’, ‘શામળિયોજી મળવા જાય રે’, ‘સુદામે દીઠા શ્રીકૃષ્ણદેવ રે’ વગેરે. કોઈ કહે, કૃષ્ણનાં તો ઘણાંબધાં નામો હતાં એટલે પ્રેમાનંદને સગવડ હતી, પણ બીજે શું? પણ પ્રેમાનંદની બીજી પંક્તિઓ જોવાથી પ્રેમાનંદ કેવી સહજ વર્ણસગાઈ અને નાદસગાઈ સિદ્ધ કરે છે તેની ખાતરી થાય છે. પ્રેમાનંદના પદબંધમાં જે મીઠાશ, જે અનુરૂપતા અને જે સુશ્લિષ્ટતા દેખાય છે તેનું કારણ તેની આ શબ્દલીલા છે. પણ પ્રેમાનંદ તો પ્રત્યક્ષાનુરાગી કવિ છે. શબ્દોને એ પ્રત્યક્ષતાના સાધન તરીકે પણ વાપરે છે. કેવી રીતે વાપરે છે એ જોવા જેવું છે. અવાજનો સાક્ષાત્કાર કરાવવા પ્રેમાનંદ રવાનુકારી શબ્દો ઘણી વાર વાપરે છેઃ ‘ફટક ફટક’, ‘ગડગડે’, ‘ઝમક ઝમક’, ‘ઝંઘડ ઝંઘડ’, ‘ઘમ્મર’ વગેરે. પણ આવા રવાનુકારી શબ્દો ઉપરાંત ભાષાના ચાલુ શબ્દોમાંથી અવાજ ઊભો કરવાનું સૂક્ષ્મ કૌશલ પણ પ્રેમાનંદમાં છે. નીચેનું વર્ણન જુઓ :

પવનના જોરથી ભસ્મ ઊડે, જાણે ધૂમ્ર કોટાકોટ,
થાયે ફટક ફટક ખાસડાં, ઊડે ધૂળના ગોટેગોટ.

આ વર્ણનમાં ‘ફટક ફટક’ એ રવાનુકારી શબ્દ ઉપરાંત ‘ઊડે’, ‘ખાસડાં’, ‘કોટાકોટ’, ‘ગોટેગોટ’ વગેરે શબ્દો પણ ખાસડાના અવાજને મૂર્ત કરવામાં કેવા મદદરૂપ થાય છે તે જોવા જેવું છે. માત્ર અવાજને જ નહિ, ક્રિયા આદિને મૂર્ત કરવા માટે પણ સ્વર-વ્યંજનોનો ઉપયોગ પ્રેમાનંદ કરી જાણે છે. “સૂધ ન સૂઝે, વપુ ધ્રૂજે”ના બધા ‘ઉ કાર ભેગા થઈને ધ્રૂજવાની ક્રિયાનો ભાસ નથી કરાવતા? શબ્દનો આ ઊંડો ઉપયોગ છે. બીજા કેટલાક પ્રયોગો પણ જુઓ : “અઢળક ઢળિયો”, “વૈભવ આગળ વળિયો છેક”. ‘તગતગતા’, ‘લટપટ’ જેવા શબ્દોનો ઉપયોગ પણ આ દૃષ્ટિએ નોંધપાત્ર કહેવાય. શબ્દના નાદને ક્રિયાને મૂર્ત કરવા ઘણી વાર વાપરી શકાય છે. શબ્દોના અવાજની પેઠે શબ્દોનો લય પણ સારો કવિ ઉત્તમ રીતે ઉપયોગમાં લેતો હોય છે. સાતમા કડવાનો ટૂંકા ચરણનો ઝડપી લય જુઓ. આરંભમાં કૃષ્ણના અંતઃપુરની વિવિધ પ્રવૃત્તિઓનો ઝડપથી અને સંક્ષેપથી નિર્દેશ કરવામાં એ કામ આવે છે. પછીથી દાસી દોડતી-દોડતી આવી એકશ્વાસે બોલી જતી હોય એવો ભાસ કરાવે છે, અને શામળિયાની દોટને મૂર્ત કરવા માટે તો એ કેટલો બધો યોગ્ય લય છે? ચોથા અને દશમા કડવામાં સંવાદને એના સ્વાભાવિક અને ભાવમય સ્વરૂપમાં રજૂ કરવામાં ત્યાં યોજાયેલો લય કેવો કામ આપે છે તે તપાસવા જેવું છે. પ્રેમાનંદ લયની સૂઝવાળો કવિ પણ છે તે આ બતાવે છે. ભાષાના શબ્દમાં માત્ર નાદ અને લય નથી હોતા, અર્થ પણ હોય છે, અને એ અર્થનો પણ ઘણી વાર અર્થચમત્કાર નિપજાવવામાં ઉપયોગ થઈ શકે છે. પ્રેમાનંદ તો વ્યંજનાકુશળ, વક્રોક્તિપ્રિય કવિ રહ્યો. અર્થને ઢાંકીને તીરછી રીતે પ્રગટ કરવાનું એને ખૂબ ગમે છે. કૃષ્ણનાં એણે પ્રયોજેલાં ભિન્નભિન્ન નામોને આપણે માત્ર નામો ગણી કે બહુબહુ તો વર્ણસગાઈની દૃષ્ટિએ એનું જે કંઈ મૂલ્ય છે તેની નોંધ લઈને જવા દઈએ. પણ કેટલેક ઠેકાણે એ નામો સાભિપ્રાય, કંઈક વિશેષ અર્થ પ્રગટ કરવા યોજાયાં હોય એવાં લાગે છે. દા. ત., “હું દુર્બળ મિત્રનું રૂપ દેખી લાજે લક્ષ્મીનાથ” – એમાં ‘લક્ષ્મીનાથ’ શબ્દ સમુચિત નથી લાગતો? ગરીબ મિત્રને જોઈ લક્ષ્મીનો નાથ તો લાજે જ ને? વળી, “સુખ-સજ્જાએ ઋષિ બેસાડી, ચમર કરે ચક્રપાણિ.” ચક્રને ધારણ કરનારના હાથમાં ચમર! કેવું માન્યામાં ન આવે એવું દૃશ્ય! પ્રેમાનંદ, આમ, શબ્દોને અર્થચમત્કારની દૃષ્ટિએ પણ યોજે છે. માત્ર શબ્દને નહિ પણ આખી ઉક્તિને પણ પ્રેમાનંદ આ રીતે યોજતો દેખાય છે. “જો પવિત્ર સુખડી પ્રેમે આપો, તો ભવની ભાવઠ જાય” એ ઉક્તિમાંથી ‘મારી’ કે ‘તમારી’ એ શબ્દોને ટાળીને પ્રેમાનંદે કેવી માર્મિક વ્યંજના ઉત્પન્ન કરી છે એ આપણે આગળ જોયું છે. “અમે અન્યાય શો કીધો, નાથ?” એ ઉક્તિ પણ ચાલુ પ્રસંગના સંદર્ભમાં અને કૃષ્ણના સંકલ્પના સંદર્ભમાં કેવા ભિન્નભિન્ન અર્થો ધારણ કરી રહે છે એ પણ આપણે આગળ જોયું છે. આજુબાજુના પ્રસંગ-સંદર્ભમાં જ નહિ, સમગ્ર કૃતિના સંદર્ભમાં કંઈક નવીન અર્થચમત્કાર ધારણ કરી રહે એવી એક ઉક્તિ પણ ‘સુદામાચરિત્ર’માં મળે છે તે અહીં નોંધવા જેવી છે. સુદામો એની પત્નીને શરૂઆતમાં કહે છે : “અહીં બેઠાં નવનિધ આપશે.” એ શ્રદ્ધા છોડીને એ કૃષ્ણ પાસે જાય છે, એને કંઈ નથી મળતું એથી અકળાય છે, પણ એને ખરેખર કંઈ મળ્યું નથી હોતું? મળ્યું તો હોય છે, પણ દ્વારકામાં હાથોહાથ નહિ, એને પોતાને ઘેર જ. સુદામાની શ્રદ્ધા કેવી સાચી હતી? અને એણે કરેલો શ્રમ કેવો વ્યર્થ હતો? સમગ્ર કૃતિના સંદર્ભમાં એ ઉક્તિ મર્મવાળી બની રહે છે. પ્રેમાનંદની આ શબ્દલીલા અને અર્થલીલા એની વાણીને મધુર અને મર્માળી, એનાં ચિત્રોને હૃદયંગમ તથા એની પરિસ્થિતિઓને કટાક્ષમય બનાવે છે. અલંકારો – અર્થપૂર્ણ, કલ્પનારમ્ય, સચોટ પ્રેમાનંદના કવિત્વના એક ઉન્મેષની વાત કરવી હજુ રહી જાય છે – એના અલંકારોની. ‘સુદામાચરિત્ર’માં પ્રેમાનંદની વાણી આલંકારિક બહુ ઠેકાણે બનતી નથી. એમાંયે ઘણા અલંકારો તો સુયોગ્ય રીતે પ્રયોજાયેલા હોવા છતાં પરંપરાગત છે. પ્રેમાનંદના અલંકારોની એક નોંધ તમે જ તૈયાર કરજો. અહીં તો આપણે પ્રેમાનંદના થોડા મહત્ત્વના અલંકારો વિષે થોડી મહત્ત્વની વાત કરીશું. ઉપમાદિ અલંકારો કવિની કલ્પનામાંથી ઉદ્‌ભવતા હોય છે. જલઝારી લઈને સુદામાને લેવા જતી સુદામાપત્નીને પ્રેમાનંદ કેવે રૂપે કલ્પે છે? કળશ ઢોળવા જતી હસ્તિનીને રૂપે. અહીં પ્રેમાનંદની કલ્પનાનું રહસ્ય બે વ્યક્તિઓના બાહ્ય સામ્યમાં જ રહેલું છે? ના, હસ્તિની રાજ્યના સ્વામીને શોધવા નીકળે છે તેમ સુદામાપત્ની જે સંપત્તિ આવી છે તેના સ્વામીને સત્કારવા નીકળી છે એવો અર્થ પણ અહીં સૂચવાય છે અને તેથી ઉપમા વધારે અર્થપૂર્ણ બની રહે છે. પ્રેમાનંદ અલંકારને અર્થદ્યોતક રૂપે પ્રયોજી શકે છે તેમ આસ્વાદ્ય ચિત્રરૂપે પણ પ્રયોજે છે. જુઓ, “સુદામે દીઠા શ્રીકૃષ્ણદેવ રે, છૂટ્યાં આંસુ શ્રાવણ-નેવ રે”. સુદામાની આંખોને શ્રાવણનાં ટપકતાં નેવાં રૂપે જોવી એ કેવી હૃદયંગમ કલ્પના છે! પ્રેમાનંદ ક્યારેક વક્તવ્યને સચોટ બનાવવા માટે પણ અલંકાર – ખાસ કરીને દૃષ્ટાંતને – પ્રયોજે છે. ચોથા કડવાની સુદામાની ઉક્તિમાં એકબે દૃષ્ટાંતો છે. પણ બીજા કડવામાં સુદામાપત્ની માધવની મૈત્રીનું માહાત્મ્ય કેટલાં બધાં દૃષ્ટાંતોથી ઠસાવે છે! એમાંનો કોઈ એક અલંકાર કશી ખાસ અસર ઉપજાવતો નથી, પણ બધા ભેગા મળીને, ઓઘ રૂપે આવીને વક્તવ્યને સચોટ બનાવે છે. અલંકાર પ્રેમાનંદની કથનકલાના એક ભાગ રૂપે જાણે આવે છે. આમ પ્રેમાનંદના અલંકારોમાં બહુ નાવીન્ય ન હોવા છતાં એ અર્થપૂર્ણ, કલ્પનારમ્ય, અને વક્તવ્યને ચોટદાર બનાવનાર હોય છે. આસપાસના જીવનનું અભિજ્ઞાન અને એનો રસ પ્રેમાનંદની વ્યક્તિઓથી માંડીને એની વાણી સુધીનાં વિવિધ પાસાંઓનો આપણે અભ્યાસ કર્યો. આ અભ્યાસ પરથી એવું નથી લાગતું કે, પ્રેમાનંદ પુરાણકથાનું અવલંબન લે છે છતાં કંઈક નવું સર્જી બતાવે છે? પ્રેમાનંદનું આખ્યાન કંઈ પુરાણકથાનો અનુવાદ નથી હોતો – ભાષાની દૃષ્ટિએ કે વાતાવરણની દૃષ્ટિએ. પ્રેમાનંદ પુરાણકથાને પોતાના સમયના સમાજની દૃષ્ટિએ કલ્પે છે અને એ રીતે આલેખે છે. આને પ્રેમાનંદનું ગુજરાતીપણું કહેવામાં આવે છે, પણ એ ખ્યાલમાં રાખવું જોઈએ કે જે સામાજિક લાક્ષણિકતાઓ પ્રેમાનંદમાં અભિવ્યક્ત થાય છે તેમાંની ઘણીખરી એ વખતના માત્ર ગુજરાતી સમાજની જ નહિ, ભારતીય સમાજની પણ લાક્ષણિકતાઓ હતી. સમકાલીન સમાજની લાક્ષણિકતાઓ પ્રેમાનંદમાં ક્યાંક્યાં ડોકાય છે? એણે નિરૂપેલી સામાજિક સંસ્થાઓમાં, એણે દોરેલાં વ્યક્તિચિત્રોમાં, એણે ગૂંથેલી માન્યતાઓ અને ભાવનાઓમાં, તથા એણે કરેલાં વર્ણનોમાં – બધે સમકાલીન સમાજની રેખાઓ ઓછીવત્તી ઊપસી આવી છે. સાંદીપનિ ઋષિનો આશ્રમ જુઓ. વડો વિદ્યાર્થી સુદામો, એને પાટીમાં લખી દેખાડવા આવતા કૃષ્ણ-બલરામ – આ રેખાઓ પ્રેમાનંદના સમયની ગામઠી નિશાળની નથી? દ્વારકાના તથા સુદામાને મળેલા વૈભવના નિરૂપણમાં પૌરાણિક અત્યુક્તિ છે, છતાં પ્રેમાનંદની નજર આવું નિરૂપણ કરવા તરફ જાય છે એનું કારણ એ છે કે પ્રેમાનંદને એ કાળની ગુજરાતની આર્થિક સમૃદ્ધિનો અનુભવ છે. “કોટિ ધ્વજ, લાખેણા દીપક, વાજે છપ્પન ઉપર ભેર” એ તો પ્રેમાનંદને પરિચિત એવી ગુજરાતી સમાજજીવનની જ હકીકત છે. સોલંકીયુગમાં પાટણમાં ધનપતિઓના મહાલયો પર એક લાખ ટંકે એક દીવો મૂકવામાં આવતો, કરોડે ધજા ફરકતી, અને છપ્પન કરોડે એને બારણે ભૂંગળો ફૂંકાતી. પ્રેમાનંદકાળના સમાજમાં ધનનો મહિમા ઘણો હતો, વિદ્યાનો ઓછો. વિદ્યાવંતો જ કદાચ ઓછા. શામળના વ્યવહારબોધના છપ્પાઓ જોતાં આ દેખાઈ આવે છે. પ્રેમાનંદ સુદામાને જ્ઞાનના ગૌરવ વિનાનો અને દારિદ્ર્યની લજ્જાવાળો નિરૂપે છે એનું કારણ પણ આ જ. પ્રેમાનંદના સમયમાં બ્રાહ્મણોની સંસ્થાનું અધઃપતન થઈ ગયું હશે. તેથી જ સુદામાપત્ની અને સુદામો બન્ને બ્રાહ્મણને ભીખવામાં કશો વાંધો નથી એમ માને છેને! એ સમયમાં ગુજરાત રાજકીય દૃષ્ટિએ હીણાયેલું હતું. એની સચેતનતા ધાર્મિક આચારોમાં અને કુટુંબજીવનમાં સીમિત થઈ ગઈ હતી. દાન, વ્રત, શ્રાદ્ધસંવત્સરી, દેવપૂજા, તીર્થ, હોમ-હવન, પિતૃ-તર્પણ નથી થયાનો અફસોસ સુદામાપત્ની અને સુદામો વ્યક્ત કરતાં દેખાય છે એ ધાર્મિક આચારોની પકડ બતાવે છે. પણ એ વખતની સૌથી વધુ જીવંત સંસ્થા તો કુટુંબસંસ્થા લાગે છે. પ્રેમાનંદમાં કૌટુંબિક સંબંધોના ઉલ્લેખ વારંવાર આવે છે અને કુટુંબભાવનાં ખૂબ રસિક ચિત્રો પણ એની પાસેથી મળે છે. કૃષ્ણ ‘ભાભી’ને યાદ કરી મશ્કરીઓ કરે, કૃષ્ણની રાણીઓ ‘દિયર’ને જોવા ઉત્સુક બની રહે, કૃષ્ણના પુત્રો ‘કાકા’ કહીને પાસે આવે તે માટે તેમને આપવા સુદામો ખાવાનું લઈ જાય એ સર્વ ઉલ્લેખો અને નિરૂપણો આ દૃષ્ટિએ નોંધપાત્ર છે. સુદામાના ગૃહજીવનનું વર્ણન કરતાં પતિ પત્ની, માતા-બાળક, પિતા-બાળકની લાગણીઓ પ્રત્યે પ્રેમાનંદે કેટલું ધ્યાન આપ્યું છે તે જોવા જેવું છે. પેલી દ્વારકાની સ્ત્રીઓ પણ જ્યારે સુદામાને જુએ છે ત્યારે એક સ્ત્રીના ભરથાર તરીકે એનો વિચાર કર્યા વિના રહી શકતી નથી. સ્ત્રીની સ્થિતિ એ સમાજમાં કંઈ આદરણીય નહોતી, એનું પ્રતિબિંબ પણ ‘સુદામાચરિત્ર’માં પડેલું છે. સુદામાપત્ની પોતે જે સ્ત્રીના અવતારને અધમ કહે છે. અને સુદામો પોતાની સ્ત્રીને માટે ‘રંડા’ જેવો શબ્દ વાપરતા ખચકાતો નથી. કૃષ્ણની રાણીઓને પણ પ્રેમાનંદ કૃષ્ણની સેવા અને એનું મનોરંજન કરતી જ વર્ણવે છે. પુરુષની સેવા અને કુટુંબની વેઠ એ જાણે સ્ત્રીનો ધર્મ બની ગયો લાગે છે અને છતાં એનું કંઈ ખાસ મૂલ્ય નહિ. સ્ત્રીની સંકુચિત મનોવૃત્તિનો પણ એક ઠેકાણે ઇશારો છે. કૃષ્ણ રાણીઓની હાજરીમાં કંઈ આપતા નથી, એટલે સુદામો વિચારે છે – “હશે સ્ત્રીની ચોરી મન ધરી.” આ બધાં છેક હમણાં સુધીના હિંદુ સંસારના સ્ત્રી વિષેના પ્રાકૃત ખ્યાલો છે. પ્રારબ્ધવાદ – કર્મવાદ એક પ્રાચીન હિંદુ માન્યતા છે પણ એ પ્રેમાનંદકાળમાં પ્રબળ બનેલી જણાય છે. સુદામાને મુખે પ્રેમાનંદે આ વાદને દાખલા-દલીલોથી મૂક્યો છે. નિષ્ક્રિય સુદામો પોતે જ પ્રારબ્ધવાદની એક સાક્ષાત્‌ મૂર્તિ જેવો નથી લાગતો? સુદામાએ સાત જન્મ સુધી એકે દાન કર્યું નથી માટે એને સંપત્તિ આપતાં પહેલાં કૃષ્ણને જાચકરૂપ થવું પડે છે એ પણ કર્મવાદને જ સૂચવે છે. પ્રેમાનંદનાં પાત્રો એ સમયના સામાજિક વર્ગોનું પ્રતિનિધિત્વ કરે છે એ આપણે જોઈ ગયા છીએ. પ્રેમાનંદની વાણીમાં ગુજરાતી ભાષાના લાક્ષણિક પ્રયોગો અને વાકભંગિઓ કેવાં ઊતરે છે એની વાત આપણે હમણાં જ કરી ગયા. અને પ્રેમાનંદના સમયની સંસ્થાઓ, માન્યતાઓ, સમાજસ્થિતિ આદિ એની કૃતિમાં કેવાં ડોકાય છે એ આપણે અહીં વીગતે તપાસ્યું. આ બધું બતાવે છે કે પ્રેમાનંદની કૃતિ એક પૌરાણિક ઉપાખ્યાન મટીને મધ્યકાળનું ગુજરાતી આખ્યાન બની જાય છે. પ્રેમાનંદમાં આવું વધુ બને છે, કેમ કે પ્રેમાનંદે પોતાની આસપાસના સમાજને વધુ ઓળખ્યો છે અને એનામાં વધુ રસ લીધો છે. આ અભિજ્ઞાન અને આ રસને એ પોતાની કૃતિમાં ઉતારે છે. નાનાલાલ પ્રેમાનંદને સૌથી વધુ ગુજરાતી કવિ કહે છે, તે આ દૃષ્ટિએ સાર્થક છે.
એક આખ્યાનકૃતિ તરીકે આસ્વાદ ‘સુદામાચરિત્ર’નાં સૌ અંગો આપણે છૂટાંછૂટાં તપાસ્યાં એથી એ કૃતિ આપણાં ચિત્ત પર સમગ્રપણે જે પ્રભાવ પાડે છે એનો ખ્યાલ ન આવે. હવે આપણે ‘સુદામાચરિત્ર’ને સળંગપણે વિચારીએ અને પ્રેમાનંદ આપણી રસવૃત્તિને કેવી રીતે સ્પર્શતો જાય છે અને પોતાની કથામાં કેવી રીતે ખેંચતો જાય છે તે જોઈએ. મંગળાચરણ અને કથાપ્રસ્તાવમાં પ્રેમાનંદ આપણને બહુ રોકતો નથી. એ સીધો આપણને સાંદીપનિ ઋષિના આશ્રમમાં લઈ જાય છે. કૃષ્ણ-સુદામા-બલરામના સહાધ્યયનની થોડી વીગતોથી કાવ્યને માટે અત્યંત મહત્ત્વના કૃષ્ણ-સુદામા-સંબંધનો ઉઘાડ આપણી સમક્ષ કરે છે અને વિદાયનું ભાવભર્યું ચિત્ર આપી એ સંબંધનો આસ્વાદ આપણને કરાવે છે. આ વાતને અહીં અટકાવી પ્રેમાનંદ જાણે નાટકનું બીજું દૃશ્ય આપણી આગળ રજૂ કરે છે. એ દૃશ્ય છે સુદામાના ગૃહસ્થાશ્રમનું. કેટલીક વીગતો એ આપે છે જેમાંથી સુદામા અને સુદામાપત્નીની લાક્ષણિક આકૃતિઓ આપણી આગળ ઝાંખીઝાંખી ઊભી થવા લાગે છે. અને કુટુંબનું ભરણપોષણ કરતાં થાકેલી સુદામાપત્ની પતિ સમક્ષ ઘરનાં દુઃખદારિદ્ર્યનું જે વર્ણન કરે છે તેમાંથી તો એ સ્ત્રીના હૃદયભાવોને આપણે બરોબર ઓળખવા લાગીએ છીએ. એ વર્ણન આપણાં મનશ્ચક્ષુ સમક્ષ કેટલાંક સુરેખ ચિત્રો પણ રજૂ કરે છે અને આપણા હૃદયને કરુણરસથી આર્દ્ર કરે છે. કરુણથી ભીંજવતી વખતે વચ્ચેવચ્ચે પ્રેમાનંદ આપણને ક્યાંક હસાવી પણ દે છે. ઘરનાં દુઃખદારિદ્રયનું આ વર્ણન કરીને સુદામાની પત્ની કૃષ્ણમૈત્રીનું માહાત્મ્ય દૃષ્ટાંતોથી સબળ રીતે બતાવે છે. આ મૈત્રી કેટલી આત્મીય હતી તે તો આપણે જાણીએ છીએ એટલે આ દલીલનું ઔચિત્ય આપણને ખાસ પ્રતીત થાય છે. આટલું અવલોકન બતાવે છે કે પ્રેમાનંદ કથાવીગતો, ચિત્રાત્મકતા, રસાત્મકતા, પાત્રરેખાઓ સર્વને સરસ રીતે ગૂંથીને આપણી સર્વ અપેક્ષાઓને સંતોષે છે. ક્યાંય કથા અટકી જતી નથી, એની ધીમી પણ ચોક્કસ ગતિ વરતાયા કરે છે. પાત્રની રેખાઓ ધીમેધીમે ઊઘડતી આવે છે. અને આ બધું સીધા શુષ્ક કથનથી પ્રેમાનંદ નથી કરતો. એ તો આપણી નજર સામે એક પછી એક ચિત્રો રજૂ કરતો જાય છે. એ ચિત્રો ભાવથી સભર હોય છે. એટલે ચિત્ર જોઈએ છીએ ત્યારે આપણે એમાં લીન થઈ જઈએ છીએ. ગતિની, વૈવિધ્યની આવી સૂઝ અને પ્રત્યક્ષ ચિત્રો દોરવાની, ભાવાદ્રિ બનાવવાની આવી શક્તિ બહુ ઓછા આખ્યાનકારમાં હોય છે. પ્રેમાનંદની આખ્યાનકળાનું એ રહસ્ય છે, પણ આગળ ચાલીએ. પ્રેમાનંદ આ સિવાય પણ આપણને કંઈ આપે છે કે કેમ ? સુદામાપત્નીને છેલ્લે પતિને કૃષ્ણ પાસે જવાનો આગ્રહ કરતી આપણે જોઈ. એનો સુદામો શો જવાબ વાળે છે એ જાણવાની આપણને ઉત્સુકતા થાય જ. પ્રેમાનંદ અહીં વાતનો જલદી અંત નથી લાવતો. બે કડવાં સુધી સુદામા અને સુદામાપત્નીનો વાદવિવાદ આપણે સાંભળવાનો આવે છે. આ વાદવિવાદ પ્રેમાનંદની બૌદ્ધિક સજ્જતાનો, એના વાક્‌પાટવનો આપણને અનુભવ કરાવે છે. પણ એ કંઈ શુષ્ક દલીલબાજી નથી. પાત્રોની લાક્ષણિક ભાવનાઓ એમાંથી આપણે ઝીલી શકીએ છીએ અને પાત્રોનો કંઈક ઊંડો પરિચય આપણને થાય છે. અને આપણને મજા તો એ પડે છે કે સુદામા અને સુદામાપત્નીના વિચારો પરસ્પર ટકરાય છે. પ્રેમાનંદ પરિસ્થિતિની ગર્ભિત નાટ્યાત્મકતા છતી કરી આપી છે. ફરી પાછી કથા ચાલે છે. આપણે સુદામાની જવાની તૈયારી થતી જોઈએ છીએ. નાનીનાની વીગતોનો પ્રેમાનંદ આપણને કેવો સજીવ અનુભવ કરાવે છે તે જુઓ. તગતગતા તાંદુલને દશવીસ ચીંથરાંથી બાંધવામાં આવે છે એ નિરૂપણ આપણા મનમાં વસી નથી જતું ? નિરર્થક નિર્જીવ કથન પ્રેમાનંદમાં ભાગ્યે જ જોવા મળશે. આ પ્રસંગને અંતે પાછું સુદામાનું એક હાસ્યરસિક ચિત્ર આપી પ્રેમાનંદ આપણી દૃષ્ટિને જાણે જકડી લે છે. પણ તરત જ પ્રેમાનંદ આપણને સુદામાની સાથે દ્વારકામાં લાવે છે. બદલાતી હવા આપણે હવે અનુભવવા લાગીએ છીએ. અત્યાર સુધી આપણે જે વાતાવરણ અનુભવતા હતા તે હાસ્યાસ્પદ, કરુણાસ્પદ, એક જાતની ક્ષુદ્રતાથી ભરેલું વાતાવરણ હતું. આપણે હવે દ્વારકાની વૈભવવંત સૃષ્ટિને જોઈએ છીએ. આપણે આવા કોઈક વર્ણનને માટે ઉત્સુક પણ હતા અને પ્રેમાનંદ એ આપણને આપે છે. પણ હા, પ્રેમાનંદ આપણને એ વર્ણનમાં ડુબાડી નથી દેતો, એ વૈભવવંત સૃષ્ટિની વચ્ચે મુકાયેલો પેલો સુદામો આપણી નજરમાંથી ખસતો નથી અને આ દૃશ્ય પણ આપણને નાટ્યાત્મક લાગે છે. પછી તો ખરું નાટક ચાલે છે. એક સુદામાના મનની અંદર અને બીજું બહાર સુદામા–કૃષ્ણ–કૃષ્ણની પટરાણીઓ વચ્ચે. એ ‘સુદામાચરિત્ર’નો સૌથી વધુ આસ્વાદ્ય ભાગ છે. પ્રેમાનંદે કથાવસ્તુને ધીમેધીમે આગળ વધારી આપણને પરિસ્થિતિની પરાકાષ્ઠાએ કેવા લાવી મૂક્યા? આ નાટક પ્રેમાનંદ ઠીકઠીક લાંબું ચલાવે છે. છતાં પરિસ્થિતિની તંગદિલી ક્યાંયે ઢીલી પડતી લાગે છે? હા, બે મિત્રોના વાર્તાલાપ વખતે દોર ઢીલો મુકાતો હોય એવું લાગે છે, અને એ વાર્તાલાપ પૂર્વજીવનની વીગતોથી સભર હોઈ વાંચતાં જરા કંટાળો પણ આવે છે. પણ એ સંવાદની પાછળ બે મિત્રોનાં હૃદય ધબકી રહ્યાં છે એનું સૂચન થયા નથી કરતું? પ્રેમાનંદને આપણે ગાતો સાંભળ્યો હોત તો તો જરૂર એ ધબકારને વધુ નિકટતાથી અનુભવી શકત. કાવ્યની આ અત્યંત મહત્ત્વની ક્ષણોએ પ્રેમાનંદ આપણી રસવૃત્તિને કેવી ભિન્નભિન્ન રીતે સંતોષ આપે છે એનું પૃથક્કરણ કરવાનું મુશ્કેલ છે. એ ઘડીક આપણને હસાવે છે, ઘડીક ગંભીર બનવાની ફરજ પાડે છે, ઘડીક આર્દ્ર કરે છે, અને ઘડીક વિસ્મય પણ પમાડે છે, અને અંતે સુદામાની વિદાયવેળા પાસે લાવી મૂકે છે. ત્યાં શું જોવા મળે છે? સુદામો વિદાય માગે છે અને કૃષ્ણ પ્રાર્થે છે – ‘વળી કૃપા કરજો કો સમે’, પણ પ્રેમાનંદ કહે છે–ઠાલે હાથે નમીને. પોળ સુધી વળાવવા જાય છે પણ ‘કોડી એક ન મૂકી કરમાંહ્ય.’ રાણીઓ પણ આ હકીકતની નોંધ લે છે અને દુઃખ વ્યક્ત કરે છે. પછી કૃષ્ણ સુદામાને ભેટે છે અને સુદામો માને છે, સ્ત્રીથી છાનું રસ્તામાં કૃષ્ણ કંઈક આપશે, ‘પગે લાગી નારી સૌ ગઈ, તોયે પણ કાંઈ આપ્યું નહિ.’ એક કોસ સુધી કૃષ્ણ વળાવવા જાય છે, સુદામો એમને પાછા વળવા કહે છે ત્યારે ભેટીને રડે છે, ‘ફરી મળજો’ કહી પાછા ફરે છે, પરંતુ ‘કરમાં કંઈ મૂક્યું નહિ’. સુદામાને આપણે નિઃશ્વાસ મૂકતો સાંભળીએ છીએ. ‘કૃષ્ણ કંઈ નથી આપતા’ એ હકીકતનું પુનરાવર્તન આડકતરી રીતે સુદામાના આતુર મનને આપણી આગળ કેવું પ્રગટ કરે છે! ખેંચાતા અને અંતે તૂટી જતા આશાતંતુની વેદના આ જાતના પ્રસંગાલેખનમાંથી સાહજિક રીતે વ્યંજિત થઈ રહે છે. પ્રેમાનંદ સામાન્ય પ્રસંગને વિસ્તારીને એને કોઈક મર્મને અસરકારક રીતે વ્યક્ત કરતો બનાવીને આપણા હૃદયને જીતી લે છે. વાત કહેવાની પ્રેમાનંદની આ આગવી કળા છે. કાવ્યના બાકીના ભાગનું અવલોકન કરવાની જરૂર નથી. સમગ્રપણે જોતાં આપણને લાગે છે કે પ્રેમાનંદની શબ્દકલાથી શોભતાં સુદામા, દ્વારિકા આદિનાં કેટલાંક આસ્વાદ્ય વર્ણનો અને કુશળ માવજત પામેલા સુદામા-સુદામાપત્ની તથા કૃષ્ણ-સુદામાના લાંબા સંવાદોને કારણે તથા મનઃસ્થિતિના ચિત્રણ ઉપર વિશેષ લક્ષ હોવાને લીધે આ કાવ્યના વસ્તુપ્રવાહનો વેગ થોડો ધીમો રહે છે પણ કાવ્યનો બંધ શિથિલ થતો નથી, ધીમી પણ ચોક્કસ અને સ્થિર ગતિનો અનુભવ થાય છે. કથન, વર્ણન, ભાવનિરૂપણ યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય આંતરે આવે છે અને પરિસ્થિતિની નાટ્યાત્મકતા પ્રગટ થાય એવી રીતે પ્રેમાનંદ એને ખીલવે છે, કથાપ્રપંચ કરતાં વધારે આસ્વાદ્ય નીવડે છે આ ચિત્રાત્મકતા, નાટ્યાત્મકતા અને ભાવલક્ષિતા. પણ બધું ભેગું મળીને આપણને કોઈ અનન્ય એવો આસ્વાદ આપે છે અને ‘સુદામાચરિત્ર’ પ્રેમાનંદનાં ઉત્તમ આખ્યાનો માંહેનું એક બની રહે છે.
‘સુદામાચરિત્ર’નું રહસ્ય પ્રેમાનંદે આ આખ્યાન શા માટે કર્યું હશે? માત્ર શ્રોતાના મનને આનંદ પમાડવા? ના, ધર્મબોધનો હેતુ તો આખીયે આખ્યાનપ્રવૃત્તિનું એક મહત્ત્વનું પ્રેરકબળ હતું. અહીં પણ પ્રેમાનંદ ભગવાનનું ભક્તજન વાત્સલ્ય બતાવી આપણને ભક્તિમાર્ગે વાળવા માગે છે. માણસની અલ્પતા અને એના અજ્ઞાનનું તથા ઈશ્વરની મહત્તા અને કૃપાળુતાનું દર્શન કરાવી ઈશ્વરશરણતાના વિચારને એ આપણા ચિત્તમાં દૃઢતાથી રોપે છે. પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર’નું આ તાત્પર્ય કે રહસ્ય છે. પણ એ માત્ર પ્રેમાનંદનું નથી, ‘ભાગવત’ની સુદામાકથાનું પણ છે એ ખ્યાલમાં રાખવું જોઈએ. ઈશ્વર અને જીવ વચ્ચે આપણે ત્યાં વિલક્ષણ પ્રકારનો પ્રેમભક્તિનો સંબંધ સ્વીકારાયો છે. ઈશ્વર અને જીવના સ્વરૂપ અને વ્યવહાર વિષેની પણ આપણી કેટલીક માન્યતાઓ છે. આ બધાંને સુદામાની કથામાં કૃષ્ણ-સુદામાના વ્યવહાર દ્વારા સરસ રીતે ઉઠાવ મળ્યો છે. શ્રી રામનારાયણ પાઠકના શબ્દોમાં જ આપણે એ જોઈએ : ઈશ્વર સર્વશક્તિમાન છતાં, પોતે સંપૂર્ણ છતાં, તેને જીવ સાથે પ્રેમ છે, તે ભક્તને વશ વર્તે છે. ઈશ્વરને કશાની ખોટ નથી છતાં ભક્તની આણેલી અર્પણ કરેલી નાની સરખી વસ્તુથી પણ તે પ્રસન્ન થાય છે. જીવને પોતાનું કશું નથી છતાં તેની પાસે જે કાંઈ હોય તેમાંથી તે ઈશ્વરને અર્પણ કરે તે જ તેની ભક્તિનું ખરું ચિહ્ન છે. ઈશ્વર સર્વસ્વ આપનાર છે છતાં તેને ભક્તના સ્વાર્પણની અપેક્ષા છે.[1] પ્રેમાનંદે તો વળી ‘ભાગવત’ના બ્રહ્મનિષ્ઠ સુદામામાં સામાન્ય માનવીયતાની રેખા ગૂંથી છે, એનામાં શ્રદ્ધા અને સંકોચ, વિરક્તતા અને તૃષ્ણા, સંકલ્પ અને વિકલ્પ મૂક્યાં છે એથી સુદામાનું ચરિત્ર પ્રતીકાત્મક બની જઈ કંઈક વિશેષ રહસ્ય પ્રગટ કરે છે. એ પણ શ્રી રામનારાયણ પાઠકના શબ્દોમાં જ જોઈએ : કાવ્યનો વ્યંગ્ય એ છે કે માણસ મહત્તા અને લઘુતાનું અદ્‌ભુત મિશ્રણ છે. તેનામાં ઈશ્વરાભિમુખ થવાની ઇચ્છા છે છતાં સંસારની ઈષણાઓથી તે પર જઈ શકતો નથી. તેને ઈશ્વરના નિઃસીમ ડહાપણનું, તેની શક્તિનું, તેના પ્રેમનું ભાન છે, છતાં તેનાથી માગ્યા વિના રહેવાતું નથી. ઈશ્વરની ઘટના અકલ છે એમ માણસ જાણે છે છતાં ઈશ્વર અમુક રીતે કામ કરે એમ અપેક્ષા રાખે છે, અને ઈશ્વરપ્રસાદ તેને મળે છે ત્યારે તે ઈશ્વરનો પ્રસાદ છે એટલું ઓળખવાની પણ તેની શક્તિ નથી.[2] એટલે કે માણસ સર્વાત્મભાવે ઈશ્વરને ભજી શકતો નથી એ માણસની મર્યાદા પ્રેમાનંદે સ્ફુટ કરી છે. પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર’નું રહસ્ય આ રીતે ખાસ સ્વતંત્ર નથી. સમકાલીન જીવનને અને જીવનના રસોને વ્યક્ત કરતાં એમાં કંઈક આગવાપણું નીપજી આવ્યું છે. પ્રેમાનંદની સિદ્ધિ પણ જીવન વિષે નવી રીતે અને ઊંડાણથી વિચારવામાં નથી, પણ પરંપરાગત જીવનવિચારને નવા જીવનરસથી વ્યક્ત કરવામાં છે.

[‘સુદામાચરિત્ર’, ૧૯૬૭: સંવર્ધિત આવૃત્તિ, ૧૯૭૫]





  1. જુઓ ‘કાવ્યની શક્તિ’ પૃ. ૮૬
  2. જુઓ ‘કાવ્યની શક્તિ’ પૃ. ૯૬-૯૭