અનુબોધ/સૂરજ કદાચ ઊગે (હરિકૃષ્ણ પાઠક)

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
“સૂરજ કદાચ ઊગે” : હરિકૃષ્ણ પાઠક

ઝાંખા જળમાં રે ઝૂક્યું આભલું
ઝૂકી તરણાની ઝાંય
ઝાંખા દીવાના અંજવાસમાં
ઊગે કંકુની કાય,
ઝાંખી પાંખી રે માયા ભોગવું.
(ઝાંખા ઝરૂખા, પૃ. ૧૫)

પાંદડાં પીળાં ભલે ખરતાં રહે,
એ ચહેરો તો હજી મનમાં તરે
(વેદના, પૃ. ૩૫)

લૂખી સુક્કી લૂનો ફળફળ થતો ફાળ ભરતો,
મને ઘેરી લેતો અરવ સુસવાટો સસડતો.
(પરાયું કૈં લાગે, પૃ. ૬૨)

– આવી અનેક ચિત્તસ્પર્શી કાવ્યપંક્તિઓમાંથી, આપણા નવકવિ શ્રી હરિકૃષ્ણ પાઠકની કવિત્વશક્તિનો આપણને કંઈક અંદાજ મળી જાય એમ છે. ‘સૂરજ કદાચ ઊગે’માં સહૃદય-ભાવકને આવી સુખદ ક્ષણો મળે છે ત્યારે, આ કવિની સર્જકતા વિશે અમુક અપેક્ષા પણ જાગે છે. તેમનો આ પ્રથમ સંગ્રહ તેમની કાવ્યપ્રવૃત્તિને સમજવા માટે સારી ભૂમિકા પૂરી પાડે છે. સંગ્રહની કાવ્યસૃષ્ટિને સમગ્રતયા લક્ષમાં લેતાં પહેલો પ્રતિભાવ તો એ જાગે કે એમાં હરિકૃષ્ણની પ્રતિભાનો એવો કોઈ અનન્ય ઉન્મેષ જોવા મળતો નથી. ભાવ, ભાષા, કલ્પનો, પ્રતીકો, કે રચનારીતિની બાબતમાં એવું કોઈ મોટું નવપ્રસ્થાન અહીં જોવા મળતું નથી. બલકે, આપણી અત્યારની કવિતાના ભાવ અને ભાષાના પડઘા અહીં અનેક સ્થાને સાંભળી શકાશે. ગીત, ગઝલ અને અછાંદસ પ્રકારની તેમની ઘણીખરી રચનાઓમાં આપણી આજની કવિતાનાં અનેક રૂઢ તત્ત્વો ફરીફરીને જોવા મળે છે. આમ છતાં અહીં કેટલીક કૃતિઓમાં કવિનું કશુંક નિજી વલણ પણ પ્રગટ થાય છે એ કારણે, અને એમાં તેમનો કંઈક વૈયક્તિકતાનો પાસ બેઠો છે એ કારણે, આ સંગ્રહની કેટલીક કૃતિઓ લક્ષ ખેંચે એમ બને. હરિકૃષ્ણની કવિતામાં જે નિજીક વલણ છે તેની સ્પષ્ટ વ્યાખ્યા કરવાનું સરળ નથી. પણ એમ કહી શકાય કે તેમની કાવ્યપ્રવૃત્તિમાં તળ ધરતીના વાતાવરણની ભૂખરાશ કેટલીક વાર વિશેષ ઊપસી આવી છે : તેમની કવિતા, જાણે કે, કઠોર ભૂખરાશ વચ્ચે રંગદર્શી અંકુરો સમી ખીલી આવી છે. ધરતીનાં દૃશ્યોમાંથી રુક્ષકઠોર અને જીર્ણ તત્ત્વો તેમની સંવેદનામાં વારંવાર ભળી ગયાં દેખાય છે. પરિચિત પ્રકૃતિથી દૂર જઈને ધરતીનું કોઈ કર્કશ અને ખરબચડું તત્ત્વ પકડવાનું વલણ તેમનામાં ગૂઢ રીતે કામ કરતું દેખાય છે. આ પણ એક પ્રકારનો રોમૅન્ટિક ઉદ્રેક છે. રમેશ પારેખ, અનિલ જોષી, મનોજ ખંડેરિયહા જેવા તરુણ કવિઓથી હરિકૃષ્ણ જુદા પડતા હોય તો તે કદાચ આ રીતના વલણને કારણે જ. જો કે, આ જુદાઈ કરતાંયે તેમની વચ્ચે જે સામ્ય રહ્યું છે તે વધુ ધ્યાન ખેંચે છે.

આજના આપણા તરુણ કવિઓનો આવો એક વર્ગ ફરીથી લોકજીવન તરફ ઢળતોરહ્યો છેઃ રંગદર્શી લોકજીવનનાં ભાતીગળ ચિત્રો અને લોકગીતની સમૃદ્ધ ભાષા તેમનેપ્રેરક બનતાં રહ્યાં છે. અલબત્ત, નવી કવિતાની રચનારીતિ અને અભિવ્યક્તિનું તેમાં ઓછુંવત્તું અનુસંધાન પણ થયું છે, પણ તેઓ અનેક વાર પ્રેરણા માટે આ લોકસંસ્કૃતિ તરફ અભિમુખ બન્યા હોય એમ પણ જોઈ શકાશે. હરિકૃષ્ણ પાઠક પણ આપણનેએ લોકજીવન અને એની રંગદર્શી સૃષ્ટિ તરફ સંકેત કરી રહે છે. તેમની અનેક રચનાઓમાં અતીતનાં સરી જતાં દૃશ્યો રૂપે એ ધરતીનું વાતાવરણ આલેખવાનો એમનો પ્રયત્ન જોવામળશે. જોકે, વર્તમાન નગરસંસ્કૃતિ માટેનો તેમનો અભાવો પણ ઢંકાયેલો રહેતો નથી.‘ગાંધીનગરમાં’ જેવી રચનામાં તેમનું આ પ્રકારનું વલણ બહુ સ્પષ્ટ રીતે પ્રગટ થઈજાય છે :

ઘરમાં ફરું તો ત્યાંય પગમાં ચાસ વાગે છે કદી
ને ક્યાંક ગૌચર ભાંભરે છે,
સોળમું સેકટર થઈ ને જીવવાનું છે હવે
એ ખ્યાલથી આ જીવ ભટકે છે કદી વાવોલ જઈ ને
ને વળી લટકે કદી વાગોળ પેઠે-સાવ નીંભર
કોક સુક્કા ખીજડાની ડાળ પર...
(પૃ.૮૬)

– નૈસર્ગિક જીવન ૫૨ નગરસંસ્કૃતિના આામણના ભાનમાંથી જન્મતી વેદના અનેવ્યગ્રતા અહીં છતાં થઈ જાય છે, ખેડાતી ધરતી અને ઘાસનાં બીડો પર આજે નગરબાંધવામાં આવ્યું છે, તેની કૃત્રિમ વ્યવસ્થામાં કવિને જાણે કશે ગોઠતું નથી. રહીરહીનેપેલી તળ ધરતીની સ્મૃતિ સણકા સાથે તાજી થઈ જાય છે, વડ, લીમડા ને આમલી’માંઆ જાતનો ભાવ, પણ જરા જુદી રીતે વ્યક્ત થયો છે. અહીં ખોવાયેલા વતન માટેનીતેમની પ્રબળ ઝંખના (nostalgia) રજૂ થઈ છે. વતનની ધૂળિયા ધરતી, તેનાં ધૂળિયાવૃક્ષો, અને એ ધૂળિયુ જગત, જાણે કે અતીતમાં સરી રહ્યું છે.

હવે ગામ કે ખેતરને રસ્તે રસ્તે
કંઈ જતાં આવતાં કોકવાર તો
અટકી જાતા પાય... ઘડીભર :
પછી ઝૂલવા લાગે આંખે કોક ઘટા
ને વાંકીચૂકી રુક્ષરમ્ય એકાદ ઝૂમતી છટા;
પાનખરની બપ્પોરે અલસ આંખથી જોયેલી ખરતી
તે સઘળી ક્ષણો
કોક ટહુકાનું તાજું પાન અને કંઈ તરતાં પીંછાં
ફાળ ઘડીભર પડે!
પછી સમજાયઃ અહીં તો હતું કોક
ને હવે? - રહી સ્મરવાની વાતો.

–નાનપણમાં જોયેલી એ સીમવગડાની સૃષ્ટિ, એની વસંત અને પાનખર, અને એમાંરુક્ષરમ્ય રૂપો એ બધું હવે ઝડપથી લોપ થઈ રહ્યું છે. પરિચિત વૃક્ષો કપાઈ રહ્યાં છે :નૈસર્ગિક વાતાવરણ ઉજ્જડ થઈ રહ્યું છે. આ સંદર્ભમાં પેલી, અતીતની રોમાંચક સૃષ્ટિમાટેનો કવિનો અનુરાગ અહીં છતો થઈ જાય છે. એમાં કેટલાક સંદર્ભો કવિ રાવજીની યાદઆપી જતા લાગે છે. જોકે, રાવજીની અપ્રતિમ કળાષ્ટિ અહીં નથી. રાવજીમાં કવિકર્મનીભૂમિકા ઘણી ઉચ્ચતર છે. શબ્દને તે બરોબર જીવ્યો હતો. એટલે ભાવભાષાની તેની સૂક્ષ્મતાઅને સંકુલતા અહીં સિદ્ધ થઈ શક્યાં નથી. પણ આપણને, અહીં એટલું જ અભિમત છે કેરાવજીની જેમ હરિકૃષ્ણ પણ વતનના તલસાટને વ્યક્ત કરવાની મથામણ કરતા રહ્યા છે. અને એ પણ ખરું કે એ વતનની ધરતીનાં સ્મરણો તેમની સંવેદનાના વ્યાપમાંફરીફરીને સ્થાન પામ્યાં છે, તેથી તે ધરતીનાં વ્રુક્ષકઠોર અને ભૂખરા રંગનાં ચિત્રો અહીંવારંવાર જોવા મળે છે. ભૂતાવળનું ગીત’(પૃ. ૫), ’ભણકારા વાગે’(પૃ. ૭), ‘ભાંગેલુંગામ’(પૃ.૧૦), ’પાનખર’(પૃ. ૨૭), ‘અસ્તાચળે’(પૃ. ૩૭), ‘ગઢ’( પૃ. ૪૫), ‘વિદાયવૃક્ષની’( પૃ. ૪૬), ’શ્વેતવાયકા’ (પૃ. ૫૧), ’બપોર’(પૃ. ૬૧), પરાયું કે લાગે’(પૃ. ૬૨),‘અણસારા’(પૃ. ૬૩), અને ‘ગ્રીષ્મ’(પૃ.૭૬) જેવી કૃતિઓ, તેમાં રજૂ થયેલાં તળ ધરતીનાંરૂપો અને તેમાં તરતા વાતાવરણને કારણે તરત ધ્યાન પર આવે છે. એમાં કેટલાક સંદર્ભોકવિની સબળ ચિત્રણશક્તિને કારણે વિશેષ પ્રભાવક બનતા દેખાય છે :

ઉગમણા સૂરજની આથમણી ઝાંય
હવે પાણીમાં પાન પાન ઓગળે,
ભીડચા દરવાજામાં ભાંગેલું ગામ
ક્યાંક વળગી રહ્યું છે હવે ભાગોળે.
(ભાંગેલું ગામ, પૃ. ૧૦)
તીરી સમળી-ચીખ મહીં
ચિલ્લાઈ ઊઠે આ વગડો,
રડવાખડ્યા ગાડાનાં પૈમાં
ખડબડ ખખડે વગડો
(વગડો, પૃ. ૮૪)
ઊંચેરી ડાળીએ બેસીને
ગીધની આંખે હું અંધકાર ચાળું,
ઝબકાતું જોઉં ક્યાંક મૂંગું મસાણ
ગીત ગાતું આવે રે અંજવાળું.
(ભણકારા વાગે, પૃ. ૭)
લૂખી સુક્કી લૂનો ફળફળ થતો ફાળ ભરતો
મને ઘેરી લેતો અરવ સુસવાટો સસડતો,
ઘડી શીળું લાગે, જરીક અમથું આંખ મળતાં
ફરી ખોલું ત્યાં તો કણ કણ નરી આગ ઝરતાં.
(પરાયું કૈં લાગે, પૃ. ૬૨)

પણ, આવા રુક્ષભૂખર વાતાવરણની વચ્ચે, કવિની રંગરાગી વૃત્તિ જ્યાં બળવાનબની છે ત્યાં, અનેક વાર રમ્યકોમળ ભાવોની રંગીન ઝાંય કૃતિમાં નો જ પરિવેશરચી દે છે. વિશેષ કરીને, ગીતો અને ગઝલશૈલીની રચનાઓમાં આ જાતનું રોમાંચકતત્ત્વ વધું ઘૂંટાતું દેખાય છે. આ (અવલોકનને આરંભે મૂકેલી) કડી જ જુઓ :

ઝાંખા જળમાં રે ઝૂક્યું આભલું
ઝૂકી તરણાની ઝાંય
ઝાંખા દીવાના અંજવાસમાં
ઊગે કંકુની કાય
ઝાંખી પાંખી રે માયા ભોગવું,
(ઝાંખા ઝરૂખા, પૃ. ૧૫)

આવી જ રંગીન છટા, ‘રૂપનો ઉઘાડ’માં અંતની પંક્તિઓમાં જોવા મળે છે :

આછાં ભીનાં વસનમાંહીથી મત્ત જોબને

ટ્‌હૌકો કર્યો; વૃક્ષની ડાળડાળે
ટીપાં ઠર્યાં અગણ આંખની કીકી જેવાં
ઝૂમી ઊઠ્યાં - ઝલમલ્યો રૂપનો ઉઘાડ!
(પૃ. ૫૨)

- અને, ગઝલશૈલીમાં તો કવિની આવી રંગદર્શી વૃત્તિ ખરેખર સુરેખ ચિત્રોનોમનોહર ઉઘાડ કરતી રહે છે. ખાલી રહ્યું’(પૃ. ૨૫), ’પાનખર’(પૃ. ૨૭), ‘ફળિયું’ (પૃ.૨૮), ‘નથી’(પૃ. ૨૯), ‘સૂરજ કદાચ ઊગે’(પૃ. ૩૧), ‘રણ વિ રે’પૃ. ૩૨), ‘બારીકને જ’(પૃ.૩૪), ‘વેદના’(પૃ. ૩૫) જેવી અનેક કૃતિઓ ઠીક ઠીક ચિત્તસ્પર્શી બની આવી છે, એમાં ભાવની સ્ફૂર્તિ અને વિસ્તાર સહેજ ધ્યાન ખેંચે એવા છે. ‘પારેવાં’ જેવી કૃતિમાં કવિનું કવિકર્મ વળી પ્રભાવક બન્યું છે :

કૂઈ ની બખોલે બેઠાં પડઘાનાં રૂપ
રતૂમડી આંખ જલે અંધકાર ધૂપ
(પૃ. ૫૪)

પણ, હરિકૃષ્ણની કાવ્યસૃષ્ટિનો સમગ્રતયા વિચાર કરતાં એમ લાગ્યા કરે છે કે તેમની સર્જકતા આવી કડીઓમાં સુંદર રીતે ખીલી નીકળતી હોવા છતાંય સર્વાંગસુંદર રચનાઓ તેઓ બહુ ઓછી આપી શક્યા છે. જૂનાં લોકગીતોના ઢાળમાં રચાયેલાં કેટલાંક ગીતો અને ગઝલશૈલીની કેટલીક રચનાઓ બાદ કરતાં, ઘણીખરી રચનાઓ એક યા બીજા કારણસર કથળી જતી દેખાય છે. કેટલાક સંદર્ભોમાં કવિ કાવ્યાત્મક ક્ષણને નભાવી શકતા નથી, એટલે વચ્ચે ગધાળુ શિથિલ પંક્તિઓ આવી ભળે છે. કેટલાક સંદર્ભો માંકલ્પનો/રૂપકોની યોજનામાં આયાસપૂર્વક તાણીતૂસીને આણેલા સંબંધો કૃતક લાગે છે. તો, બીજે લયનો બંધ તૂટે છે કે તેની ગતિ ખોડંગાય છે. આ જાતની ત્રુટિઓનાં દૃષ્ટાંતો તો વાચકને જોઈએ એટલા મળી રહેશે. તેથી અહીં ખરો પ્રશ્ન સર્જકતાની ગતિનો છે :લય, પદ્યબંધ અને ભાષાકર્મ ત્રણેની સંગતિનો છે. કવિ અનેકવાર પરિચિત વાસ્તવિકતાની– ભીતરી અને બહારની વાસ્તવિકતાની – ધરાતલ છોડી શક્યા નથી; પરિચિત જગતનાં સંસ્મરણો અને સાહચર્યોને અતિામી શક્યા નથી; તેથી શુદ્ધ સર્જનનું રહસ્ય તાગવામાંતેઓ ઘણે સ્થાને નિષ્ફળ રહ્યા છે. પણ, તેમની કેટલીક ટૂંકી રચનાઓમાં ગઝલશૈલીની અને અન્ય રીતિની જે કાવ્યસમૃદ્ધિ પ્રગટ થઈ છે, તે કવિની કાવ્યપ્રવૃત્તિ માટે સારીઆશા જગાડે છે. કવિ કને કાવ્યરચનાનાં ઉ પકરણો તો પ્રાપ્ત થયાં જ છે : માત્ર એનોવધુ સમર્થ વિનિયોગ અપેક્ષિત છે અને કવિ જો પોતીકા સ્વરને અણિશુદ્ધ રૂપમાં પામવા મથશે તો એમનો પ્રયત્ન વધુ સાર્થક અને સફળ બની રહેશે એ પણ નક્કી છે. - ’ગ્રંથ’ નવેમ્બર ૧૯૭૬

* * *