અનુબોધ/‘પર્ણજ્યોતિના શીળા ઊજાસમાં’ (જીવનમાં પેરણારૂપ બનેલાં પુસ્તકો)
(જીવનમાં પ્રેરણારૂપ બની રહેલાં પુસ્તકો)
આજે તો મારા ભીતરી એકાંતમાં સરતો હું મારો વાનપ્રસ્થાશ્રમ ભોગવી રહ્યો છું. કોઈ આવરણ ભેદીને મીરાંના શબ્દો જૂનું તો થયું રે દેવળ’ પડઘાતા સાંભળું છું. છ એક દાયકાથીય કંઈક લાંબા આયુષ્યપથ પર જોયેલું જગત ધ્યાનમાંય ન આવે એ રીતે ઓગળતું લાગે છે. સંસારના જીર્ણ સંબંધો ૫૨ નીરવતા છવાતી જાય છે. એવી ક્ષણોમાં મારાં કેટલાંક પ્રિય પુસ્તકો મારા હૃદયજગતમાં પર્ણજ્યોતિનો શીળો ઉજાસ રેલાવી રહ્યાં છે. મારું ચૈતન્ય એ શીળા ઉજાસમાં અનોખી રંગીન ઝાંય ધરી રહ્યું છે. હા, તો તમારો આ જ પ્રશ્ન છેઃ કયાં પુસ્તકો તમને તમારા જીવનમાં પ્રેરણાસ્રોત બની રહ્યાં છે? પ્રશ્ન આમ જુઓ તો સ૨ળ છે, અને આમ જુઓ તો સરળ નથી. કેમ કે, મારી કારકિર્દી ગુજરાતી ભાષાસાહિત્યના એક અધ્યાપક તરીકે પસાર થઈ, અને અધ્યાપનકાર્યના ભાગરૂપે કવિતા, વાર્તા, નવલકથા, જીવનકથા, લલિત નિબંધ આદિ વિભિન્ન સ્વરૂપનાં અસંખ્ય પુસ્તકો ઝીણવટથી વાંચવાનાં આવ્યાં. એ સાથે કેટલુંક લેખનકામ પણ કર્યું. એ નિમિત્તે વળી વિવેચન, કળામીમાંસા અને માનવિદ્યાના બીજા વિષયોમાંથીય કેટલુંક વાંચ્યું. આમ એક અધ્યાપક હોવાને કારણે અનેકવિધ પુસ્તકો સાથે સતત સંપર્કમાં રહેવાનું બન્યું. પણ કારકિર્દીના આરંભે શું વાંચવું શું ન વાંચવું તેનો કોઈ સ્પષ્ટ નકશો નહોતો. એટલે, વાંચેલાં-જોયેલાં પુસ્તકોમાં ખરેખર કેટલાંક મારા હૃદયમાં વસી ગયાં છે, તોપણ ન જોવાયેલાં, ન જોઈ શકાયેલાં મહાન અને અતિસમૃદ્ધ પુસ્તકો તો સાચા અર્થમાં અપાર છે. પુસ્તકાલયોમાં હરતાંફરતાં એ પુસ્તકો હજીય આમંત્રણ આપ્યા જ કરે છે. પણ.... પ્રેરણારૂપ પુસ્તકોની મારી કેફિયત રજૂ કરું છું ત્યારે નિખાલસપણે આરંભમાં એવો એકરાર કરી લઉં છું કે હું કોઈ શ્રદ્ધાળુ ભક્તજન નથી, કે આધ્યાત્મિક માર્ગનો સાધક નથી, કે પ્રવૃત્તિપરાયણ સમાજસુધારક નથી. અધ્યાપક બન્યો ખરો, પણ એમાંય ભાગ્યદેવતાનો હાથ હોઈ શકે. ગમે તેમ હું એક જિજ્ઞાસુ વિદ્યા-અર્થી રહ્યો છું. અને જીવનના કોઈક તબક્કે મને એમ પણ લાગ્યું છે કે મારું વિશ્વ મારી આ સ્થૂળ નજર વિસ્તરે એટલું સીમિત નથી. ભીતરમાં ક્યાંક સ્ફુલ્લિંગ પડ્યો હશે તે વચ્ચેવચ્ચે તગતગી ઊઠે છે. એવી ક્ષણોમાં રોજિંદા પરિચિત જગતના અક્ષાંશરેખાંશ કંપી ઊઠે છેઃ કોઈ આધ્યાત્મિક જિજ્ઞાસા કે કોઈ દાર્શનિક પ્રશ્ન આકાર લે છે. તો, હું એમ કહેવા પ્રેરાઉં છું કે મારી આવી કોઈ ઊંડી જિજ્ઞાસાને સંતોષે એ પ્રકારનાં પુસ્તકો મારા અંતરમાં આવી વસ્યાં છે. અલબત્ત, કાવ્યસૌંદર્ય અને ૨સતત્ત્વથી મંડિત હોય તો એ પુસ્તકો વધુ હૃદયવ્યાપી બનીને સ્વયં શ્રદ્ધાબળ બની રહ્યાં છે, એમ મારે ઉમેરવું જોઈએ. ભારતીય સાહિત્યમાંથી જે થોડાંક પુસ્તકો મારા અંતરમાં સ્થાન પામ્યાં છે તેનો નિર્દેશ આપું તો – Hymns to Mystic Fire (સં. શ્રી અરવિંદ), ઇશોપનિષદ, ‘વાલ્મીકીય રામકથા’ (ચી. ના. પટેલ), ગીતા, શ્રીમદ્ ભાગવત, નરસિંહ, મીરાં, કબીર આદિ સંતોનાં પદો, રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યગ્રંથો પૈકી ‘ગીતાંજલિ’, ‘માળી’ અને ‘ફ્લુસંચય’ ઉપરાંત તેમના પ્રવચનગ્રંથો ‘શાંતિનિકેતન’ (૧-૩), ‘સરસ્વતીચંદ્ર’(૧–૪), ‘આપણો ધર્મ’ (આ. આનંદશંકર ધ્રુવ), ‘સત્યના પ્રયોગો’, મહાદેવભાઈની ડાયરી’, ‘દ્રુમપર્ણ’ (વિષ્ણુપ્રસાદ ત્રિવેદી), દર્શન અને ચિંતન’ (પંડિત સુખલાલજી), સુંદરમ્, રાજેન્દ્ર શાહ આદિની કવિતા વગેરે. પરદેશના સાહિત્યમાંથી જો નિર્દેશ કરું તો – પ્રસિદ્ધ ગ્રીક ટ્રેજેડી ‘ઇડિપસ ધ કિંગ’, હેમ્લેટ’ (શેઇસ્પિયર), વડ્ર્ઝવર્થ શેલી યેટ્સ એલિયટ રિલ્કે અને સેફેરિસ જેવા મોટા કવિઓની કવિતા, એન્દ્રેયેક ચેખવ દોસ્તોએવ્સ્કી ટોલ્સ્ટોય હેમિંગ્વે, માલામૂડ સિંગર જેવા કથાસર્જકોની નવલિકાઓ, કિર્કેગાર્દનાં જર્નલ્સ, કાફકાની ડાયરી ઉપરાંત બાઈબલનાં‘નવો ક૨ા૨’માંનાં સ્રોતગાન, નવમાદસમા સૈકાની ચીની ઊર્મિકવિતા, ટોયન્બી- ઈકેડાના વાર્તાલાપનો ગ્રંથ‘choose life.’ આ પૈકી કેટલાક મારી અધ્યાત્મઝંખનાને પ્રેરક- પોષક બળ બની રહ્યાં છે, તો કેટલાંક મારા જીવનના કોઈક નૈતિક સંઘર્ષની ક્ષણોમાં માર્ગદર્શક બન્યાં છે, તો બીજાં વળી મારા અંત૨માં વ્યાપી જતી નિરાશાની ક્ષણોમાં એકાએક નવી આશા જન્માવી ગયાં છે, પણ પુસ્તકોની પ્રેરણા એવી એક અતિ સૂક્ષ્મ અને દુર્ગાહ્ય ચૈતસિક ઘટના છે કે એનો શ્રદ્ધેય અહેવાલ આપવાનું અતિ દુષ્કર છે. જીવનની કોઈ એક નિર્ણાયક ક્ષણે કોઈ એક જ, એકમાત્ર પુસ્તક પથદર્શક બન્યું એમ કદાચ ન કહી શકાય. ઉપલક નજર કોઈ એક પુસ્તક સહાયભૂત બની રહ્યું લાગે, પણ એવા એક પુસ્તકની પાછળ બીજાં પણ અનેક પુસ્તકોનું સત્ત્વ કામ કરી રહ્યું હોય છે. હવે ઉપર ઉલ્લેખેલાં પુસ્તકોમાંથી ચારપાંચ સાથેનો હૃદયસંબંધ સંક્ષેપમાં વર્ણવવા ચાહું છું. કંઈક સુખદ વિસ્મય થાય એવી વાત છે કે શ્રી અરવિંદ દ્વારા સંકલિત પુસ્તક Hymns to Mystic Fire (ગુહ્ય અગ્નિ વિશેનાં સ્રોત્રગાન) અત્યારે પહેલું જ સ્મરણમાં તરી આવે છે. જોકે નિખાલસપણે હું એમ પણ કહેવા ચાહું છે કે સંસ્કૃત ભાષાનો હું કોઈ એવો અભ્યાસી નથી, એટલે વૈદિક સાહિત્યમાં મારી ગતિ અલ્પ જ. આ ગ્રંથમાં શ્રી અરવિંદે અગ્નિ વિશે જે ઋચાઓનું સંકલન કર્યું છે તે એક જિજ્ઞાસુ તરીકે હું વાંચતો રહ્યો છું. શ્રી અરવિંદે અહીં ઋચાઓના જે અંગ્રેજી અનુવાદો આપ્યા છે તેના પ્રકાશમાં વૈદિક શબ્દો ઉકેલવાની મથામણ કરતો રહ્યો છું. એ ઋચાઓનું પૂર્ણ રહસ્ય ક્યારેય પામી શકીશ કે કેમ એ પ્રશ્ન છે, પણ એ ગૂઢ અકળ રહસ્ય જ કદાચ મને સતત પ્રેર્યા કરે છે. મને કંઈક એવી પ્રતીતિ બંધાઈ છે કે વૈદિક ઋષિઓ સાચા અર્થમાં ક્રાન્તદૃષ્ટા કવિ હતા અને આ ઋચાઓમાં વિશ્વજીવનનાં ગહનગંભીર સત્યોનું તેઓ આવિષ્કરણ કરતા રહ્યા છે. પરમ ધન્યતા એ વાતની કે એ સત્યોના ઉદ્ઘાટનમાં તેમની ભવ્યોદાત્ત અને અતિ ઓજસ્વતી કલ્પનાશક્તિનો યોગ મળ્યો છે. વૈદિક દેવતાઓના મંડળમાં અગ્નિ એક મહદ્ સત્તા છે, પણ વૈદિક ઋષિ તેના મહિમ્નાત્રોમાં સર્વદેવોના દેવ તરીકે સ્થાપે છે, અને સમગ્ર વિશ્વની આધસત્તા તેમ તેના વિલાસવિસ્તારના અણુએ અણુમાં રહેલી સત્યરૂપતા તરીકે તેનો ઉલ્લેખ કરે છે. અગ્નિનું વિશ્વવ્યાપી પ્રગટીકરણ સ્વયં ઋષિકવિ માટે અનંત વિસ્મયની ઘટના છે. સૂર્ય નક્ષત્રોનો તે આદ્યસ્રોત છે, તો એ સૂર્યાદિની સંતતિ પણ છે. વિશ્વના અંધકારમાં તેનો જન્મ છે – કે આદ્યજલોમાં તેનો ઉદ્ભવ છે – તો અરણ્યોનાં વૃક્ષોમાં તેનો પ્રસાર છે. ઋષિનું ક્રાન્તદર્શન સતત અગ્નિનું અભિનવ દર્શન રજૂ કરે છે. ઉપલક નજરને વિરોધાભાસી લાગે તેવાં વર્ણનો એમાં સહજ સંકળાઈ આવે છે. પૌરાણિક બિંબો અને પ્રતીકોની ગૂઢ રહસ્યસભર વાણી જ મારી ચેતનાને સમગ્રતયા ગ્રહણ કરી લે છે. કાવ્ય અહીં દર્શનનું આલંબન લે છે કે દર્શન- કાવ્યનું – એનો નિર્ણય કરવાનુંય અહીં તો મુશ્કેલ છે. ઋચાઓના વાચનમનન સાથે ભીતરી ચેતના જાણે કે ખીલી ઊઠે છે. વિશ્વજીવનની ગહનતર લયદાબક સાથે સંવાદ રચાય છે. ઊર્ધ્વમુખી ચેતના પ્રાકૃતતાના સ્તરેથી મુક્ત થતી લાગે છે. પણ, અગ્નિ-વિષયક આ ઋચાઓમાં વિશ્વજીવનનું યજ્ઞમયરૂપ કદાચ મને સૌથી પ્રેરણાદાયી. લાગ્યું છે. વિશ્વયજ્ઞમાં હોતા અને હવિ પોતે જ છે. સર્વ કંઈ એ આદ્ય અગ્નિમાંથી જન્મે છે, અને અંતે એમાં જ લય પામે છે. પદાર્થમાત્ર, વ્યક્તિમાત્ર, દૈવી સત્ત્વો પણ, એ યજ્ઞમાં આહુતિ અર્થે જન્મ્યાં છે. પોતાની કોઈ અલગ સત્તા સ્થાપવાનો, અલગ વ્યક્તિતા ઊભી કરવાનો પ્રશ્ન જ નથી. ક્ષણેક્ષણે આત્મવિસર્જન – એ પરમ મહતી સત્તા સમક્ષ આત્મવિસર્જન એ જ. વિશ્વજીવનનું પરમ ઋતુ છે. વિશ્વયજ્ઞનું આ દર્શન ગીતામાં વિશેષ ભાર સાથે ઉપસાવવામાં આવ્યું છે. જોકે સમય જતાં બાહ્ય વિધિવિધાન રૂપે યજ્ઞયાગનો વ્યાપક પ્રચાર થયો, એ રીતે એમાં દૂષણોય પ્રવેશ્યાં, પણ દૃષ્ટિસંપન્ન સંતો અને આચાર્યો જીવનયજ્ઞની મૂળ વિશુદ્ધ ભાવનાથી જરાયે અળગા થયા નથી. રવીન્દ્રનાથની કવિતામાં, ‘સરસ્વતીચંદ્ર’ની યજ્ઞમીમાંસામાં, આપણો ધર્મ’ની કર્મમીમાંસામા, ‘સત્યના પ્રયોગો’ની સાધનામાં એ જ ભાવના જુદીજુદી રીતે રણકતી રહી છે. એ દૃષ્ટિએ અગ્નિ વિશેની ઋચાઓમાં યજ્ઞનું જે દર્શન રજૂ થયું છે તે મારી દૃષ્ટિએ ભારતીય સંસ્કૃતિનાં સૌથી મૂળભૂત, સૌથી પ્રાણવાન અને સૌથી ગતિશીલ તત્ત્વોમાંનું એક છે. અગ્નિ વિશેની થોડીક ઋચાઓ અહીં માત્ર દૃષ્ટાંત લેખે રજૂ કરું છુંઃ
ऋतस्य देवा अनु व्रता गुर्भुवत्परिष्टिर्द्यौर्न भूम ।
वर्धन्तीमापः पन्वा सुशिश्विमृतस्य योना गर्भे सुजातम् ॥
ઋતના કાર્યના નિયમમાં દેવતાઓ તેને (અગ્નિને) અનુસરે છે. સ્વર્ગ અને પૃથ્વી બંનેને વ્યાપીને તે ઊભો છે. પરમ સત્યના નિવાસમાં આદ્યજલો પોતાના ગર્ભમાં સારી રીતે જન્મેલા અગ્નિનું મંત્રગાન દ્વારા તેના દેહરાશિનું સંવર્ધન કરે છે.
शवसित्यप्सु हंसो न सीदन करत्वा चेतिष्ठो विशामुषर्भुत।
सोमो न वेधा रतप्रजातः पशुर्न शिश्वा विभुर्दूरेभाः ॥
તે (અગ્નિ) આદ્યજલોમાં બેઠેલા હંસની જેમ શ્વાસ લે છે. પ્રભાતે જાગીને પ્રજાઓને જ્ઞાન આપવાનું સામર્થ્ય પોતાનાં કાર્યોની ઇચ્છાશક્તિથી તે મેળવે છે. ઋતુ અને સૃષ્ટામાંથી જન્મેલો એ અગ્નિ સોમદેવતા જેવો છે. એ અગ્નિ નવજાત વાછરડીવાળી ગાય જેવો છે. અનંતમાં તે પ્રસરી રહ્યો છે, અને તેનો પ્રકાશ દૂરદૂરથી દેખાયા કરે છે.
रयिर्न चित्रा सूरो न संदृगायुर्न प्राणो नित्यो न सूनुः ॥१॥
तक्वा न भूर्णिर्वना सिषक्ति पयो न धेनुः शुचिर्विभावा ॥२॥
તે (અગ્નિ) વૈવિધ્યભરી સમૃદ્ધિ જેવો અને સૂર્યની સર્વતોમુખી દૃષ્ટિ જેવો છે. આપણા અસ્તિત્વમાં તે જીવન અને પ્રાણરૂપ છે. તે આપણા શાશ્વત શિશુ જેવો છે. જેના પર આપણે અસ્વાર છીએ એવો એ ઝડપી અશ્વ છે, અરણ્યોને તે વળગે છે. તે દૂધ આપતી ગાય સમો છે. તે વિશુદ્ધ તેજોમય છે, તેનો ઝળહળાટ વિસ્તારી છે.
वनेषु जायुर्मतेषु भित्रो वृणीते श्रुष्टि राजेवाजुयम् ।
क्षेमो न साधुः करतुनै भद्रो भुषत्खाधीर्होता हव्यवाद ॥
તે (અગ્નિ) અરણ્યોમાંથી વિજેતા (રાજા) છે; મોંમાં તે મિત્ર છે; રાજા, જેને ક્યારેય વૃદ્ધત્વ ન સંભવે, એવા મંત્રીની વરણી કરે છે. એ જ રીતે તે (અગ્નિ) પ્રેરણાતત્ત્વને વરે છે, તે (અગ્નિ) આપણું પૂર્ણ શ્રેય સાધનાર છે. તે તેના ચિંતનમાં સુખકર સંકલ્પ જેવો છે. આપણા આમંત્રણથી તે આપણો હોતા અને હિવ બને છે.
गर्भो यो अपां गर्भो वनानां गर्भश्च स्थातां गर्भश्चरथाम् ।
अद्रौ चिदस्मा अन्तर्दुरोणे विशां न विश्वो अमृतः स्वाधीः ॥
તે (અગ્નિ) આદ્યજલોનું સંતાન છે, અરણ્યોનું સંતાન છે, તે સ્થાવર વસ્તુઓનું સંતાન છે, તે જંગમ વસ્તુઓનું સંતાન છે. માનવ અર્થે તે પથ્થરમાંય છે, અને માનવીના ગૃહમાંય તે મધ્યસ્થાને છે. પ્રાણીઓમાં રહેલું તે એક શાશ્વત છે, તે અમૃતસ્વરૂપ છે, પૂર્ણ ચિંતક છે.
ईमं स्तोममर्हते जातवेदसे रथमिव सं महेमा मनीषया ।
भद्रा हि नः प्रमतिरस्य संसहाग्ने सख्ये मा रिषामा वयं तव ॥
આ અગ્નિ જે સર્વજ્ઞ છે તે આપણા અસ્તિત્વનું ઋત જાણે છે, અને પોતાની કૃતિઓ અર્થે પર્યાપ્ત છે. આપણે આપણા વિચારો દ્વારા તેના ઋતનું ગીત રચીએ, અને એ ગીત જાણે એક રથ બની રહેશે, અને તે તેના પ૨ ૨થી બનશે. જ્યારે આપણી સાથે સહવાસ કરે છે ત્યારે સુખદાયી શાણપણ આપણું બની રહે છે. એ આપણો મિત્ર છે, એની ઉપસ્થિતિમાં આપણને કશી હાનિ ન થાય.
शकेम त्वा समिधं साधया धियस्त्वे देवा हविरदन्त्याहुतम् ।
त्वमादित्याँ आ वह तान्ह्युश्मस्यग्ने सख्ये मा रिषामा वयं तव ॥
અમારા યજ્ઞની આ સમિધ છે. એની પૂર્ણ ઊંચાઈએ પ્રજ્વલિત ક૨વાને અમને બળ પ્રાપ્ત થાઓ, આપણા વિચારોને એ અગ્નિ પૂર્ણતા અર્પે. આ સર્વ જે અમે અર્પણ કરીએ છીએ તે દેવતાઓનું ભોજ્ય બને એ રીતે ફેલાઈ જાઓ. એ રીતે અનંત ચૈતન્યના દિવ્યાંશની આપણી જે કામના છે તે પૂરી કરશે. અગ્નિ વિશેની આ ઋચાઓમાં પરમ તત્ત્વને સંબોધીને જે અંતરની પ્રાર્થના રંજૂ થઈ છે તે કોઈ પણ આધ્યાત્મિક વ્યક્તિને સીધી સ્પર્શે છે. મારા પ્રેરણાગ્રંથમાં શ્રીમદ્ ભગવદ્ગીતાનું વિરલ સ્થાન છે. એમાં ૨જૂ થયેલું અધ્યાત્મદર્શને એ શ્રીકૃષ્ણ પ્રભુનું દિવ્યગાન લેખાયું છે. આત્મા-અનાત્માવિવેક, જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગમાર્ગ, વિભૂતિવર્ણન, વિશ્વરૂપદર્શન આદિ સર્વ પાસાંઓનું એમાંનું દર્શન વિશ્વસાહિત્યમાં અપૂર્વ છે. પણ એ કેવળ દાર્શનિક ચિંતનમાં સમાઈ ગયો નથી : એમાં વ્યક્તિ અને સમાજના પરમ શ્રેય અર્થે નૈતિક ચિંતન પણ છે. નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞદશા, યજ્ઞમાં સહયોગ વિશેની ગીતામાં વિચારણા મારા જેવા જિજ્ઞાસુને ઘણી રીતે પ્રેરણાદાયી બની છે. ગીતાના ત્રીજા અધ્યાય ‘કર્મયોગ’માં યજ્ઞની ભાવનાનું જે રીતે વર્ણન થયું છે તે તો સમગ્ર માનવજાતિ માટે કલ્યાણકારી સંદેશ છે.
इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः।
तैर्दत्तान प्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव सः ॥ १२ ॥
યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઇચ્છિત ભોગો આપશેઃ પરંતુ તેમણે આપેલા ભોગો તેમને ન આપતાં, જેઓ પોતે જ ભોગવે છે તે ચોર જ છે.
यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः ।
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥ १३ ॥
યજ્ઞમાંથી વધેલું જમનારા સત્પુરુષો સર્વપાપથી મુક્ત થાય છે; પરંતુ જે પાપીઓ માત્ર પોતાને અર્થે જ રાંધે છે તેઓ પાપ જ ખાય છે. અગ્નિ વિશેની ઋચાઓમાં જ વિશ્વજીવનના યજ્ઞની ભાવના ફરીફરીને રજૂ થઈ છે – વૈદિક ઋષિઓનું એ કેન્દ્રવર્તી દર્શન રહ્યું છે – અને ગીતામાં તેનુ સમાજધર્મ તરીકે થયેલું અર્થદર્શન એટલું જ પ્રેરક છે. કોઈ પણ પ્રજા કલ્યાણરાજ્યની કલ્પના કરતી હોય તો તેની સમાજરચનાના પાયામાં આ પ્રકારની સમષ્ટિહિતની ભાવના હોવી જોઈએ એમ એમાં અભિપ્રેત છે. ભારતીય ભાષાઓના અર્વાચીન સાહિત્યમાંથી કવિવર રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યનો મારા હૃદયજીવન પર ઊંડો પ્રભાવ રહ્યો છે. ખાસ કરીને ‘ગીતાંજલિ’ ‘માળી’ અને ‘ફ્લુસંચય’ એ કાવ્યગ્રંથો અને ‘શાંતિનિકેતન’ (૧-૩) જેવા પ્રવચનગ્રંથો મારા લાગણીમય જીવન સાથે વધુ ઓતપ્રોત રહ્યા છે. જે ક્ષણ જીવનમાં કોઈ ધૂંધળો પિરવેશ વીંટાતો લાગ્યો છે, આસપાસના જગત સાથેના સંબંધોમાં ક્યાંક તણાવ વરતાતો થયો છે તે ક્ષણે એ ગ્રંથોની કવિતા કે પ્રવચન હાથમાં લઉં છું. જગત પ્રતિ અને જગતસર્જક પ્રતિ શ્રદ્ધાના તંતુમાં નવું બળ પુરાય છે, નવી ચેતના જન્મે છે. મર્મેજ્ઞો તો જાણે છે કે ટાગોરની કવિતાના હાર્દમાં ઉપનિષદોનું બ્રહ્મદર્શન, ભગવાન બુદ્ધની કરુણા અને પ્રજ્ઞાદૃષ્ટિ, સંત કબીરની રહસ્યવાદી દૃષ્ટિ, બંગાળ- અસમના વૈષ્ણવ સંપ્રદાયના કવિઓની તેમ બાઉલ સાધુઓની ભક્તિકવિતા એ સર્વ તત્ત્વો સહજ આત્મસાત્ થઈ ચૂક્યાં છે. ભારતીય સંસ્કૃતિનાં વિશુદ્ધ શ્રેયસ્કર તત્ત્વોનું રમણીય કાવ્યરૂપે એમાં અવતરણ છે. પણ ટાગોરની કવિતાની મારા હૃદયને જે વિશેષ અપીલ છે તે તો તેમના વિશેષ માનવદર્શનની છે. તેમની કવિતામાં જે પરમ આરાધ્ય તત્ત્વ છે તે તો માનવીના અંતરમાં વસતો જીવનદેવતા. એ જીવનદેવતા સ્વયં પરમ પુરુષ છે. એ જ પૂર્ણ પુરુષ છે. સીમિત વ્યક્તિતા અને અસીમ બ્રહ્મન્ એ પુરુષમાં એકરૂપ છે. પરમાત્મા, પરમબ્રહ્મ, પરમ ચૈતન્ય એ કોઈ પેલેપા૨ વસતું તત્ત્વ નથીઃ સ્વયં માનવીના અંતરમાં માનવદેવતા રૂપે સાકાર થતું તત્ત્વ છે. એના દર્શન અર્થે કોઈ અગાધ પાંડિત્યની જરૂર નથી કે અટપટા વિધિવિધાનની જરૂર નથી કે ઉગ્ર કઠોર હઠયોગની જરૂર નથી. સરળ નિર્વ્યાજ પ્રેમના મૃદુ સ્પર્શે એ પ્રગટ થાય છે. વિશ્વપ્રકૃતિ સાથે ગાઢ આત્મીય સંવાદ અને ઐક્ય સ્થપાય એ માવનચેતનાનું લક્ષ્ય છે. ‘ગીતાજંલિ’ની કાવ્યરચનાઓ મને તો અખૂટ પ્રેરણાસ્રોત સમી રહી છે. જે સૂક્ષ્મ ઉદાત્ત ભાવ કે ભાવના ટાગોરને વર્ણવવાં છે તે માટે તેમને વિદગ્ધ કાવ્યબાનીની આવશ્યકતા નથી. સરળ ઋજુ બાનીમાં ઝાઝા અલંકરણ વિના એ ભાવ-ભાવના મૂર્ત થયાં છે. વેદઉ પનિષદોથી વર્તમાન બાઉલ પરંપરાના સાધુઓની બાનીનાં સા૨સત્ત્વો એમાં ઝીલાયાં છે. પરંપરામાં નિરંતર પ્રયોજાઈ ને સત્ત્વસમૃદ્ધ બનેલાં પ્રતીકો અને આદ્યબિંબો એમાં સહજ સ્થાન પામ્યાં છે. છતાં આ સર્વ કવિતામાં જે વિશેષ પ્રભાવક તત્ત્વ છે તે તો (કવિ) વ્યક્તિ અને અંતરદેવતા વચ્ચેનો વિદ્રંભ વાર્તાલાપ છે. આત્મીયતાનો સૌમ્યઋજુ સ્વર છે. આરાધક જે રીતે આરાધ્ય જીવનદેવતા સમક્ષ સમર્પણભાવ વ્યક્ત કરે છે, અને વિરહની વ્યથા કે મિલનની પ્રસન્નતા વ્યક્ત કરે છે, તેમાં બંને વચ્ચેના સામીપ્ટની મોકળાશ છે. હૃદયની આરત, આસ્થા, વિસ્મય, વિરહ, કૃતકૃત્યતા, સમર્પણ, ઝાંખી, રહસ્યમય અણસાર, એમ અનેકવિધ ભાવરમણાઓ અહીં લીલામય કાવ્ય રચે છે, અને પરમ દેવતાની અનન્ય આસ્થાના બળે હ્રદયમાં ઊંડો પ્રભાવ જન્માવે છે. કવિવરની આ ભાવરમણા કોઈ અંગત વૈયક્તિક ઊર્મિનો આવિષ્કાર છે એમ નહિ, વિશાળ માનવજાતિને આવરી લેતી વ્યાપક આદ્યચેતનાનું પ્રગટીકરણ એમાં પ્રતીત થાય છે. માનવના અંતરમાં વસતા જીવનદેવતા, આમ જુઓ તો, અતિ સમીપ – બલકે, સીમિત જ્યાં અસીમને મળે છે એ બિંદુએ તો એ વ્યક્તિચેતના અને જીવનદેવતા બંને છે – એકરૂપ બની રહે છે – છતાં બંને વચ્ચે અમુક દૂરતા રહી છે. વ્યક્તિચેતના જ્યારે જાગૃત થાય છે ત્યારે એ જીવનદેવતાને અભિમુખ બને છે. રવીન્દ્રનાથે એ બંનેના સંબંધોમાં વૈષ્ણવભક્તિની ભાવનાનું સિંચન કર્યું છે. ‘ગીતાજંલિ’ની પહેલી રચના જુઓઃ તેં મને અનંત સર્જ્યો છે, એ જ તારો આનંદ છે. આ ક્ષણભંગુર પાત્રને તું ફરીફરીને ખાલી કરતો રહે છે, અને નિરંતર નવો પ્રાણ તું એમાં ભરતો રહે છે. બરુની આ નાનકડી વાંસળી લઈ ને તું ટેકરીઓ અને ખીણોમાં વિહરતો રહ્યો છે, અને એમાં પ્રાણ ફૂંકીને નિત્ય નવીન મધુર સૂરો રેલાવ્યા છે. તારા હાથના અમૃતમય સ્પર્શે મારું અલ્પ હ્રદય અસીમ આનંદમાં લીન બને છે. અને અવર્ણનીય ઉદ્ગારોને જન્મ આપે છે. તારી અનંત બક્ષિસો મારા આ નાનકડા હાથોમાં મળી છે. યુગો પસાર થતા રહે છે. હજીય તું બક્ષિસો વરસાવતો રહે છે, અને છતાં એને માટે હજી અવકાશ છે. ‘ગીતાજંલિ’ની એક બીજી રચના વાંચીએઃ
જે દિવસે એ કમળ ખીલી ઊઠ્યું હતું,
અરે હાય, એ દિવસે મારું મન આમતેમ ભટકતું હતું.
અને મને એની કશીય જાણ જ નહિ.
મારી છાબ ખાલી પડી હતી,
અને એ ફૂલ તો ઉપેક્ષિત જ રહ્યું.
ક્યારેક- ક્યારેક વિષાદની છાયા મને ઘેરી રહી.
મારા સ્વપ્નમાં હું છળી ઊઠતો હતો,
અને દક્ષિણાનિલની અણજાણ મીઠી સુવાસ માણી રહ્યો.
એ આછી મધુર સુવાસથી મારા અંતરમાં
વિરહનું કો દર્દ સળવળી ઊઠ્યું
એમ લાગ્યું કે ગ્રીષ્મનો આતુર શ્વાસ
પૂર્ણતાની ઝંખનામાં ઘૂમી રહ્યો છે.
ત્યારે મને એવી કશીય જાણ નહિ
કે એ એટલો સમીપ છે,
એ મારો જ શ્વાસ છે, અને એ પૂર્ણ માધુર્ય મારા પોતાના અંતરની ગુહામાં મ્હૉરી ઊઠ્યું છે.
વ્યક્તિચેતના જે પૂર્ણ પુરુષની ઝંખના કરે છે, તે, અલબત્ત, પૂરું આત્મસમર્પણ માગે છે, ‘માળી’ સંગ્રહની નીચેની રચનાનો વિશિષ્ટ ભાવસંદર્ભ મને હંમેશાં પ્રભાવિત કરતો રહ્યો છેઃ ઓ મા, તરુણ રાજકુંવર આપણા દ્વારેથી પસાર થવાના છે. પરોઢમાં કામકાજ આજે કેવી રીતે કરી શકું? મારી વેણી કેવી રીતે સજાવું તે મને બતાવ, કાં વસ્ત્રાભૂષણો પહેરું તે મને કહે ને! પણ શા માટે તું આટલા અચરજથી મને નિહાળી રહી છે મા? હું એ જાણું છે કે મારી બારી પર તે જરા સરખીય નજ ૨ નહિ કરે, અને હુંયે જાણું છું કે આંખના એક પલકારમાત્રમાં તે મારી નજરમાંથી સરી જશે. માત્ર દૂરદૂરથી તેની વાંસળીના મંદ થતા સૂરો ડૂસકાં ભરતા વહી આવશે. પણ તરુણ રાજકુંવર આપણા દ્વારેથી પસાર થશે, અને એ ક્ષણ અર્થે હું મારા શ્રેષ્ઠ શૃંગાર સજીશ. ઓ મા, તરુણ રાજકુંવર આપણા દ્વારેથી પસાર પણ થઈ ગયા. અને તેમના રથમાં પ્રભાતનો સૂર્ય ઝળહળી ઊઠ્યો હતો! મારા વદનનો ઘૂંઘ મેં એ ક્ષણે ખસેડી નાંખ્યો. મારા કંઠની નીલમમાળા મે તોડી નાંખી અને તેના પથ પર ફંગોળી દીધી. પણ શા માટે તું આટલા અચરજથી મને નિહાળી રહી છે મા? હું સારી રીતે જાણું છું, મા, તેમણે મારી માળા કંઈ ઉપાડી લીધી નહોતી. એય જાણું છું કે તેમના રથના ચક્ર તળે કચડાઈ ને એ ચૂરેચૂરા થઈ ગઈ હતી! અને ત્યાં છું ધૂળમાં માત્ર લાલ ડાઘ રહી ગયા છે! મારી ભેટ શી હતી, કોને હતી, એ વિશે કોઈએ કશું કંઈ જાણ્યું નહિ. પણ તરુણ રાજકુંવર આપણા દ્વારેથી પસાર તો થયા જ; અને મેં મારા હ્રદયનું ઝવેરાત તેના પથ પર ફંગોળ્યું હતું એય એટલું જ સાચું. – રવીન્દ્રનાથની આ કાવ્યરચનાનું ખરેખર રહસ્ય શું એ પ્રશ્ન વારંવાર મારા-મનમાં ઊઠતો રહ્યો છે. નાયિકાના જીવનનો આ બનાવા કઈ રીતે ઘટવી શકાય તે વિશે જુદાજુદા બિંદુથી મેં ચિંતન કરી જોયું છે. આમ જુઓ તો નાયિકાએ પોતાના હૃદયનું મોંઘમાં મોઘું ઝવેરાત ધર્યું છે છતાં તેની ઝંખનાના રાજકુંવર તેના તરફ દૃષ્ટિ કરતા નથી, કે તેની અમૂલ્ય માળા સ્વીકારતા નથી. તો એ રાજકુંવર આટલી કઠોર ઉપેક્ષા શા માટે કરે? જીવનદેવતા એટલા કઠોર પુરુષ છે એમ ઘટાવવું. પણ કાવ્યપ્રસંગમાં થોડો પરિપ્રેક્ષ્ય બદલીએ. નાયિકાએ પોતાનું જે શ્રેષ્ઠ ગણ્યું તે તો દુન્યવી દૃષ્ટિએ મૂલ્યવાન ચીજ છે, જીવનદેવતાને એની શી વિસાત? પણ આ પ્રસંગને હજી સૂક્ષ્મ સ્તરેથી જોઈએ. અહીં નાયિકા પોતાના સ્વાર્પણ વિશે જે ઉગ્ર સભાનતા પ્રગટ કરે છે તેમાં સૂક્ષ્મ અહમ્ છતો થઈ જતો નથી? જીવનદેવતા સાથે હૃદયના પૂર્ણ સંવાદ અને ઐક્ય અર્થે આવો સૂક્ષ્મ અહમ્નો ભાવ પણ અંતર ઊભું કરી દે એમ ન બને? કૃતિના રહસ્યનું દલેદલ, આ રીતે, હૃદયના પ્રકાશ પાથરે છે. ‘ગીતાજંલ’, ‘માળી’ અને ‘ફ્લસંચય’ની ઊર્મિકવિતામાં વ્યક્ત થતી આધ્યાત્મિક ઝંખના જે-જે ભાવપ્રસંગોમાં અને જે-જે ભાવસંબંધોના આશ્રયે પ્રગટ થતી રહી છે તેની તાઝગી અને પ્રાણશક્તિ ક્યારેય ઓછી થઈ નથી, બલ્કે વાચને-વાચને અણધારી રીતે નવા ચમત્કૃતિભર્યા અર્થો એમાંથી સાક્ષાત્કારાતા રહે છે. રવીન્દ્રનાથે પોતાની સંસ્થા શાંતિનિકેતનમાં પ્રભાતના હોરે આપેલાં પ્રવચનો ‘શાંતિનિકેતન’ (૧-૩, અનુ. નગીનદાસ પારેખ) ના શીર્ષકથી પ્રગટ થયાં છે. એમાં કવિવરની પ્રકાશમય વાણીનો શાતાદાયી અનુભવ થાય છે. પ્રાચીન ઉપનિષદોનું ગહનગંભીર દર્શન એમાં મુખ્ય પ્રેરણાસ્રોત છે. ઉપનિષદોનાં ગહનગંભીર રહસ્યો રવીન્દ્રનાથે પોતાની આગવી રીતે ઘટાવ્યાં છે. બંગાળીમાં ૨જૂ થયેલાં પ્રવચનો અતિ પ્રાસાદિક અને મધુર શૈલીમાં હશેઃ શ્રી નગીનદાસ પારેખનો ગુજરાતી અનુવાદ પણ જે સુકુમારતા, વિશદતા અને માધુર્ય ધરે છે તે પરથી હું એમ માનવા પ્રેરાઉં છું. આ વિશ્વજીવનમાં પરમતત્ત્વ સર્વત્ર કેવળ આનંદતત્ત્વ રૂપે વ્યાપી રહ્યું છે, અને વિશ્વપ્રકૃતિમાં જે કંઈ ઇંદ્રિયગોચર છે તેમાંયે સૂક્ષ્મ રીતે વિલસી રહ્યું છે. કવિવરના દર્શનમાં વિશ્વપ્રકૃતિનો સમગ્રમાં સ્વીકાર છે. ઐન્દ્રિયિક અનુભવોની ભરચક સમૃદ્ધિનો તેઓ, આથી, અનન્ય મહિમા કરતા રહ્યા છે. વિશ્વજીવનમાં ૫૨મ સંવાદ અને આંતરિક એકતા એ કોઈ દૂર ભવિષ્યની વાત પણ નથી. પ્રેમના વિશુદ્ધ આવિષ્કારમાં એ તત્ક્ષણ સંસ્પર્શમાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં જે પુસ્તકો મારા અંતરને ભરી દે છે તેમાં ગાંધીજીની આત્મકાથા, ‘સત્યના પ્રયોગો’ અનોખું સ્થાન લે છે. તેમના ‘સત્યના પ્રયોગો’ સમગ્ર માનવજાતિના વિકાસામમાં અપૂર્વ ઘટના છે. પશ્ચિમની ભૌતિકતાવાદી સંસ્કૃતિ સમગ્ર જગત પર આામણ કરી રહી છે ત્યારે એ પ્રયોગો’વિશુદ્ધ આધ્યાત્મિકતાનું પરમ પ્રગટીકરણ બની રહે છે. અત્યંત સામાન્ય લાગતા બેરિસ્ટરમાંથી એક વિરાટ મહાત્માનો જન્મ, એ ઘટનાક્રમ અહીં, આમ તો, માનવ્યની અસીમ ઊંચાઈ નો માનવ્યના વિકાસની અનંત શક્યતાનો અણસાર આપે છે. વિજ્ઞાનીઓએ આ બ્રહ્માંડમાં જડ પદાર્થોનો અનંત વિસ્તાર જોયો છેઃ એ જડ અવકાશમાં માનવવ્યક્તિ કેવો તો અલ્પતમ બની જાય છે. પણ પોતાની સત્યસાધના દ્વારા, અને તેની પાછળ વિરલ નૈતિક સંકલ્પો અને નૈતિક સ્વાતંત્ર્યના ભોગવટા દ્વારા, વ્યક્તિ કેટલી બૃહદ્ બની શકે તે ગાંધીજીના જીવનમાં વેધક રીતે પ્રગટ થાય છે. દક્ષિણ આફ્રિકાના પહેલા પ્રવાસમાં મેરિટ્ઝબર્ગ સ્ટેશને ટ્રેનના પ્રથમ વર્ગમાંથી તેમને અપમાનપૂર્વક ઉતારી મૂકવામાં આવ્યા એ પ્રસંગે તેમના અંતરમાં જન્મી પડેલું મહામંથન એક અસાધારણ ઘટના હતી. એમાં ખરેખર અંગત હિતના પ્રશ્નને ઓળંગી તેઓ વ્યાપકપણે ત્યાંના હિંદીઓને વેઠવાં પડતાં અન્યાય અને જુલ્મોના પ્રશ્ને મંથન કરવા પ્રેરાયા. સત્યાગ્રહની લડતનાં, એ રીતે, દક્ષિણ આફ્રિકાની ધરતી ૫૨ જ મંડાણ થયાં. ૧૯૧૫ માં તેઓ ભારત આવ્યા, અને રાષ્ટ્રીય મુક્તિની લડતમાં અગ્રણી બન્યા, ત્યારેય કેવળ રાજકીય મુક્તિ તેમને અભિમત નહોતી : સમગ્ર હિંદી પ્રજાની સામાજિક આર્થિક અને આધ્યાત્મિક ઉન્નતિ તેઓ ઝંખી રહ્યા હતા. તેમની પ્રતિભાનો વિશેષ એ કે સમગ્ર રાષ્ટ્રના નવનિર્માણનું કાર્ય તેઓ નૈતિક આધ્યાત્મિક ભૂમિકાએથી કરવા માગતા હતા. પ્રાચીન ભારતના ઋષિઓ અને આચાર્યોએ બતાવેલાં પાંચ મહાવ્રતો – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગ્રહ તેમના જીવનકાર્યની મુખ્ય આધારશિલા બની. જે કર્મમાર્ગને તેઓ વર્યા, તેમાં નિરંતર આત્મજાગૃતિ અને આત્મખોજથી આગળ વધતા રહ્યા. વિશ્વરચનામાં કોઈ નિશ્ચિત નૈતિક-આધ્યાત્મિક તંત્ર કામ કરી રહ્યું છે એવી તેમની મૂળભૂત શ્રદ્ધા હતી. બાહ્ય કર્મકાંડોમાં જકડાયેલાં, શાસ્રાર્થોની જટિલ ચર્ચાઓમાં ગૂંચવાયેલો કે ગહન યોગસાધનામાં પ્રવૃત્ત એવો કોઈ સાધનામાર્ગ તેમને સ્વીકાર્ય નહોતો. વ્યક્તિ અને સમાજના નૈતિક સંકલ્પો અને આચારવિચારોની શુદ્ધિનો એ માર્ગ હતો. ધર્મને તેમણે માનવવ્યક્તિના અંતઃકરણના પરમ વિશુદ્ધ અવાજરૂપે ઘટાવ્યો હતો. રાષ્ટ્રીય પ્રાંતીય કે કોઈ સ્થાનીય પ્રશ્ન અંગે વિચારવિમર્શ કરતાં અને નિર્ણય કરતાં પોતાના અંતઃકરણના અવાજને ઓળખવા તેઓ નિરંતર જાગૃત રહ્યા છે. ગીતાએ વર્ણવેલા સ્થિતપ્રજ્ઞની ભૂમિકાએ તેઓ પહોચવાં મથ્યા છે પણ ગાંધીજી જેટલા આદર્શપ્રેમી છે તેટલા જ વાસ્તવદર્શી પણ રહ્યા છે. માનવીની સ્વભાવગત નિર્બળતાઓ અને તેની સ્ખલનશીલતાનો ગાંધીજીએ જે રીતે અનુભવ કર્યો છે અને જે રીતે એકરાર કર્યો છે તે બહુ ઓછા સંતોમાં જોવા મળશે. વિશાળ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ કરતાંકરતાં પોતાના વાર્તાલાપોમાં, પત્રોમાં, અંગત કેફિયતોમાં પોતાની માનવસહજ નિર્બળતાઓનો સતત તેઓ ઉલ્લેખ કરતા રહ્યા છે. પોતાના મનમાં કોઈ અસદ્- વૃત્તિ જન્મી કે કોઈ પ્રાકૃત વાસના ઉદ્ભવી કે પાપતત્ત્વ ઘેરાતું લાગ્યું, એવા અસદ્ તત્ત્વોનો મુકાબલો કરવા તેઓ તરત જાગૃત બન્યા છે. ‘સત્યના પ્રયોગો’ માં પોતાના જીવનનાં અઠ્ઠાવનેક વર્ષના જે પ્રસંગો વર્ણવ્યા છે તેમાં તો દરેક અપરાધ પછી વિરલ પ્રાયશ્ચિત્ત સાથે તેઓ પુનર્જીવન પામ્યા હોય અને એવા દરેક પ્રસંગે અસાધારણ નૈતિક બળ પામ્યા હોય એમ દેખાય છે. પોતાની અંદર પડેલા દુતિનો પૂરી સચ્ચાઈ અને પ્રામાણિકતાથી મુકાબલો કરવા સંકલ્પબદ્ધ થયા છે. વિશાળ માનવજાતિના પરમ શ્રેયને લક્ષમાં રાખીને તેઓ કર્તવ્ય અકર્તવ્યના નિર્ણયો લેવા મથ્યા છે. છતાં એવા દરેક નિર્ણયાત્મક પ્રસંગે પોતાના આત્માની ઊંડી ખોજ કરવા પ્રેરાયા છે. વૈયક્તિક ઇચ્છા અનિચ્છા, રાગદ્વેષ કે લાભાલાભની ભૂમિકાએથી ઊંચે ઊઠી વિશ્વમાં વ્યાપી રહેલા નૈતિક- આધ્યાત્મિક સત્ત્વનો અવાજ તેઓ પામવા ચાહે છે. મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સંત્યનો વિજય થાઓ – એ મતલબના તેમના ઉદ્ગારનો મર્મ એ જ કે વૈયક્તિક અને સીમિત અહંભાવની ભૂમિકાનું તેઓ વિસર્જન ક૨વા ઝંખે છે. માનવીય સત્ત્વ ગાંધીજીની સાધનામાં કર્મમાર્ગ લે છે, અને એ માર્ગમાં સતત સંઘર્ષો, કટોકટીઓ કે યાતનાઓ સહન કરવાની આવી છે. મહાદેવભાઈ ની ડાયરીઓ’ (૧-૧૯) માં, આપ તો, રાષ્ટ્રીય મુક્તિની લડત, એ મુક્તિના લડવૈયાઓ, વિવિધ કાર્યામો અને વ્યૂહરચનાઓ, અને ગાંધીજીના સહયોગી નેતાઓ કાર્યકરો અને ચિંતકોલેખકોનાં ચરિત્રો ઉપરાંત બોજી ઘણી વૈવિધ્યભરી રસપ્રદ સામગ્રીઓ છે. પણ એમાં પ્રગટપણે વધુ તો ગાંધીજીનું જીવનકાર્ય ૨જૂ થયું છે. અને એ જ સ્વાભાવિક પણ છે. ડાયરીલેખક મહાદેવભાઈતો ગાંધીજીના માનસિક-આધ્યાત્મિક જીવનમાં સૂક્ષ્મ રીતે જોડાયેલા રહ્યા છે. અહીં મારે જે વાત કહેવી છે તે તો એ કે ‘સત્યના પ્રયોગો’માં ૨જૂ થઈ ન શકેલી તેમ એ પ્રયોગો’ના લેખન પછીની વિપુલ સામગ્રી ગ્રંથસ્થ થઈ છે. એક આત્મકથા લેખે‘સત્યના પ્રયોગો’એક મહાત્માના સત્યદર્શનના અનુભવોની જગત્સાહિત્યમાં વિરલ રચના છે, તો મહાદેવભાઈ ની ડાયરીઓ એ મહાત્માની રોજિંદી ઘટમાળનાં બયાનોને કા૨ણે પણ વધુ તો પ્રસંગેપ્રસંગે એ મહાત્માનાં વિરલ ચિંતન અને મહામંથનને કા૨ણે જગત્સાહિત્યમાં સાચે જ અનોખી છે. એમાં વર્તમાન માનવજાતિ સામે ઊપસેલા વિરાટ પ્રશ્નો સાથે, બલકે પૂર્વપશ્ચિમની સંસ્કૃતિઓ વચ્ચેના સંઘર્ષકાળના વિશાળ પ્રશ્નો સાથે તેમણે કામ પાડ્યું છે, તો કુટુંબના કે આશ્રમના અતિ નાજુક પ્રશ્નોનો સામનો કરવાના પ્રસંગો આવ્યા છે. સાથી કાર્યકરો, રાષ્ટ્રીય નેતાઓ, દેશ પરદેશના ચિંતકો અને સાહિત્યકારો સાથે તેમણે લાંબો કે ટૂંકો પત્રવ્યવહાર ચલાવ્યો છે. સત્યના ઉપાસક એવા એ પુરુષનું માનવસત્ત્વ વૈયક્તિક સંબંધોની ભૂમિકાએ વિશેષ દીપ્તિમંત બન્યું છે. પણ નાજુક પશ્નોની મંથનક્ષણોમાં માનવસહજ અનુકંપા, વાત્સલ્ય, સાત્ત્વિક રોષ, કઠોર આદેશભાવ, નિરાશાના ઉદ્ગારોય ભળે છે, અને છતાં તેમનો દૃઢનિશ્ચયાત્મક નૈતિક અવાજ એવી ક્ષણોમાંય રણકી ઊઠે છે. ડાયરીના પહેલા બીજા અને ત્રીજા ભાગમાં, ગાંધીજી તા. ૧૦-૩-૩૨ થી ૨૦-૮-૩૩ દરમ્યાન યરવડા જેલમાં રહ્યા તે દરમ્યાન મિત્રો અને સ્વજનોને જુદાજુદા નિમિત્તે જે પત્રો લખ્યા તે આ સંદર્ભમાં વાંચવા જેવા છે. આ લેખનું સમાપન કરતાં, મને અત્યંત પ્રિય એવા જર્મન મહાકવિ રિના કાવ્યગ્રંથ Rainer Maria Rilkeઃ Selected Works. Vol II Poetry’નો ઉ લ્લેખ કરી લેવા ચાહું છું. એમની અતિ સત્ત્વસમૃદ્ધ પ્રતીકવાદી કવિતાથી હું હંમેશાં પ્રભાવિત રહ્યો છું. એમાં ઈશ્વરી સત્ત્વ અને સંતજીવનને લગતી રચનાઓય ઘણી ગમી છે, ઓર્ફિયસને લક્ષતાં સોનેટોય એટલાં જ આકર્ષક લાગ્યાં છે, દશ એલિજીઓનો એટલો જ પ્રભાવ છે. પણ તેમની ઉત્તરકાલીન રચનાઓમાં વિશ્વપ્રકૃતિના રૂપાંતરનું જે દર્શન છે તે કદાચ સૌથી પ્રેરણાદાયી તત્ત્વ છે. એ પ્રકારની એક The Fruit’,‘ફ્ળ’ શીર્ષકની રચનાનો અનુવાદ અહીં મૂકવા ચાહું છું.
ફળ
ધરતીમાંથી
ઊર્ધ્વઊર્ધ્વતર આરોહણ એનું
અગોચ૨૫ણે
ગોપવી રહ્યું છે નિજ રહસ્ય
વૃંતની નિઃશબ્દતામાં
અને વિશદ મંજરીપુંજને
પલટી દીધું રક્તજ્યોતમાં
અને પુનઃ પામ્યું
પોતાની આદિ રહસ્યમયતા
વેદનામાં કણસતું વૃક્ષ
બીજનું
આધાન પામ્યું દિનરાત
આખા ગ્રીષ્મમાં.
બહારી અવકાશ પ્રતિ ભાવ વ્યક્ત કરવાને
ભીતરી ભીંસ અનુભવી રહ્યું.
અને હવે,
અભિનવ પૂર્ણ વિશ્રાંતિમાં
ગોળાકાર કૃતિ
દીપ્તિમંત રેખાઓમાં વિલસે
ત્વચાની ભીતર નિવૃત્તિભાવે
એ આત્મલીન બની રહ્યું છે.
જે કેન્દ્રમાંથી એ બહાર વિસ્તરી રહ્યું હતું
તેમાં પુનઃ એ વિરમી ગયું છે.
* પીધો. અમીરસ અક્ષરનો સેં. પ્રીતિ શાહ, ૧૯૯૭) માં પ્રકાશિત.
* * *