અનુષંગ/‘ઇન્દુકુમાર’ – ઇતિવૃત્ત અને ઇતિહાસભૂગોળ
ન્હાનાલાલની પ્રથમ નાટ્યકૃતિ તે ‘ઇન્દુકુમાર’. એના પ્રથમ અક્ષર પડ્યા, કવિએ પોતે ત્રીજા અંકમાં ‘સંકેલન’માં (પૃ. ૧૬૮) જણાવ્યા મુજબ, ઈ.સ. ૧૮૯૮માં. પ્રથમ અંક નામે ‘લગ્ન’ પ્રગટ થયો ઈ.સ. ૧૯૦૯માં, બીજો અંક નામે ‘રાસ’ ઈ.સ. ૧૯૨૫માં, ત્રીજો નામે ‘સમર્પણ’ ઈ.સ. ૧૯૩૨માં. વચ્ચે ઈ.સ. ૧૯૧૪માં ‘જયા-જયંત’ બહાર પડ્યું, જેમાંની ભાવના, કવિએ ત્રીજા અંકના ‘સંકેલન’માં જણાવ્યા મુજબ, ‘ઇન્દુકુમાર’નો ચોથો અંક થવાની હતી (પૃ. ૧૬૮) : પણ એ સ્વતંત્ર નાટક બની ગયું. એ જાણીતી વાત છે કે ‘ઇન્દુકુમાર’નું’ વસ્તુ ને વસ્તુગ્રથન મૂર્ત કે નક્કર નથી. વસ્તુના, ખાસ કરીને પૂર્વકથાના, તંતુઓ અહીંતહીં છૂટાછવાયા વેરી દીધા છે અને ઘણું કામ સૂચનના વ્યાપાર પાસેથી લીધું છે. ‘ઇન્દુકુમાર’નું ઇતિવૃત્ત જ એક મહત્ત્વનો અભ્યાસવિષય અને સમીક્ષા વિષય બની શકે તેમ છે. ઉપરાંત, ‘ઇન્દુકુમાર’ના ઇતિવૃત્તના સ્થલકાલનો – ભૂગોળ-ઇતિહાસનો પ્રશ્ન પણ તપાસવા જેવો છે.[1]
૧
‘ઇન્દુકુમાર’ની સઘળી ઘટનાઓ અમૃતપુરમાં બને છે. અમૃતપુરની કવિની કલ્પના એક રમણીય પરિવેશવાળા નગરની છે. નગરની સન્નિધિમાં સાગર છે (જોકે બંદર તરીકે એનો ઉપયોગ હોય, એવું વર્ણન ક્યાંયે આવતું નથી). સાગરકાંઠે ટેકરીઓ છે, ટેકરીઓ પર ઝાડી છે (૨.૧). સાગરતીરે સ્મશાન પણ છે (૨.૭), સાગરતીરની કોઈ ટેકરી પર આંબાવાડિયુંઅને એના ઉપર ચંદનવક્ષનું ઝુંડ છે જે ચન્દનવન તરીકે ઓળખાય છે; એની નીચેના ભાગમાં જોગગુફાઓ છે જે બૌદ્ધયુગની છે (૩.૮). અમૃતપુરની પરવાડે ભગવાનટેકરીને નામે ઓળખાતી ટેકરી પણ છે જેના શિખરે મંદિરઘટા આવેલી છે (૩.૧). કોઈ એક ટેકરીનું શિખર ઉદયશૃંગ તરીકે ઓળખાય છે. (૧.૧) અને કોઈક કાળે ત્યાં જ્વાળામુખી હતો એમ મનાય છે. (૧.૧.૧૪ તથા ૧. ટિપ્પણ. ૧૧૪). આમ, અમૃતપુર પર્વતમાળાથી ઘેરાયેલું નગર છે (૧.ટિ.૧૧૩). ગિરિમંડલની ગોદમાં આનન્દ-સરોવરને નામે ઓળખાતું સરોવર છે (૧.ર તથા ટિ.૧૧૫), એની ઉપર કુંજો છે (૧.૨ તથા ૨.૮), આસપાસમાં વસંતવાડી (૩.૫) અને થોડે દૂર વિલાસકુંજો છે (૩.૫.૮૮). વિલાસકુંજો સાગરની આસપાસમાં હોય એવું પણ જણાય છે (૩.૬.૧૧૨). નગરમાં સુંદરબાગને નામે ઓળખાતો બાગ છે. (૧.૬ તથા ૨.૫). નગરના દ્વારનો ઉલ્લેખ મળે છે (૩.૩) પણ નગરની રચના વિશે કોઈ વિશેષ જાણકારી પ્રાપ્ત થતી નથી. નગરનાં બીજાં કેટલાંક સ્થળો અહીં દૃશ્ય રૂપે આવે છે તે છે કાન્તિકુમારીની વાડી (૧.૩), કાન્તિકુમારીની અટારી (૨.૪), પ્રમદાની અગાસી (૨.૬), જયદેવનો આશ્રમ (૧.૪), ખંડેર (૧.૫) અને યશનું સ્નેહમંદિર (૧.૭) કે એનો સૌભાગ્યઆશ્રમ (૨.૨). આ રીતે, આ નાટક સામાન્ય રીતે ઘર બહારનાં દૃશ્યો – outdoor scenery – ધરાવે છે. આજનાં ડ્રોઇંગરૂમનાં નાટકોથી એ, એ દૃષ્ટિએ એકદમ જુદું તરી આવે છે. બીજી એક એ વસ્તુ ધ્યાન ખેંચે છે કે આવાં દૃશ્યોનો નિર્દેશ કરવામાં જ ન્હાનાલાલે પોતાના કામની પર્યાપ્તિ માની છે. એની ઝીણી વાસ્તવિક વિગતો કે નાની ગૌણ દૃશ્યસામગ્રી પૂરી પાડવાની એમણે ઝાઝી પરવા કરી નથી. અમૃતપુરનો અને એનાં આ બધાં સ્થાનોનો નકશો ન્હાનાલાલના ચિત્તમાં પૂરેપૂરો સ્પષ્ટ અને ચોક્કસ હશે ખરો?
૨
‘ઇન્દુકુમાર’માંની ઘટનાઓની કાલમર્યાદા અને કાલક્રમનો પ્રશ્ન જરા ગૂંચવાડા ભરેલો છે. કવિએ આખાયે પહેલા અંકના સમય તરીકે વસંતનો (પૃ. ૨) તથા બીજા અંકના સમય તરીકે ગ્રીષ્મનો (પૃ. ૨) નિર્દેશ કર્યો છે. પણ ત્રીજા અંકના સમયનો આ રીતે સમગ્રપણે નિર્દેશ કર્યો નથી. કોઈકોઈ પ્રવેશોમાં કવિએ ચોક્કસ તિથિઓ નિર્દેશી છે – વસંતપંચમી (૧.૩), વસન્તપૂર્ણિમા (૧.૭ અને ૩.૪), મહાશિવરાત્રિ (૨.૬) અને ચૈત્રી પડવો (૩.૭) તથા ચૈત્રી બીજ (૩.૮). પહેલા અંકમાં પાછળ ટિપ્પણ આપેલાં છે તેમાં કેટલેક ઠેકાણે વધુ ચોક્કસ તિથિઓ નિર્દેશી છે, પણ બીજા-ત્રીજા અંકમાં ટિપ્પણ નથી. તેથી અસ્પષ્ટતાઓ ઊભી રહે છે. નાટકનાં ત્રણે અંકમાંનાં ઋતુ-વર્ણનો જોતાં તો વસન્ત જ સર્વત્ર વિસ્તરેલી દેખાય છે અને એનો મેળ નાટકમાંની ઘટનાઓની કાળગતિ સાથે આપણે મેળવવાનો રહે છે ‘ઇન્દુકુમાર’ના કાલક્રમને એમાંનાં સર્વસંદર્ભોને લક્ષમાં લઈ આપણે બારીકાઈથી તપાસીએ. પહેલા અંકનો પહેલો પ્રવેશ પોષ માસની અમાસની સવારનો છે એમ કવિ ટિપ્પણમાં (પૃ. ૧૧૩) સ્પષ્ટ રીતે નિર્દેશે છે. નાટકમાં માસનો ઉલ્લેખ નથી પણ “અમાસનું સ્હવાર” તો કહેવામાં આવ્યું છે અને “ચન્દ્રીને હૃદયપાંખમાં સંતાડી/ સવિતાદેવ ચ્હડશે આજ આકાશે” (૧.૧.૮) એવું નિરૂપણ પણ મળે છે. સાથે, વસંતપંચમી હવે પછી આવવાની છે એવો ઉલ્લેખ પણ મળે છે (૧.૧.૯). પોષ અમાસની સાથે, બેસતી વસન્તના ઉલ્લેખનો (૧.૧.૧૨), “જગમાં વસંત રમણે ચ્હડી” એવી ગીતપંક્તિનો (૧.૧.૧૭ તથા ૧૯) તથા આંબાનો મ્હોર નીતરે છે એવા વર્ણનવાક્યનો (૧.૧.૧૬) મેળ કેટલો બેસે એ વિચારવાનું રહે. સામાન્ય રીતે મહાશિવરાત્રિ પછી જ આંબે મ્હોર બેસતો કહી શકાય. અહીં “મ્હારે વતન મ્હારું પહેલું ઊડણ” એમ ઇન્દુકુમાર કહે છે. (૧.૧.૬) તે એમ બતાવે કે ગુરુએ એને એક વર્ષનું જે એકાકીવ્રત આપ્યું છે તેનો હજુ આરંભ છે. બીજું દૃશ્ય, ટિપ્પણમાં (પૃ. ૧૧૫) દર્શાવ્યા પ્રમાણે, બેત્રણ દિવસ પછીનું, મહા માસની અજવાળી બીજનું છે. નાટકમાં ‘અજવાળી બીજ’ એટલો સમયનિર્દેશ છે (૧.૨.૩૦). ઇન્દુકુમારના એકાકીવ્રતનો હજુ પ્રારંભ જ છે એ હકીકત આ દૃશ્યમાંના “ધર્મારણ્યમાં એક વર્ષભર/સ્નેહનાં તપ તપવાનાં મ્હારે” એવા ઉદ્ગારથી સમર્થિત થાય છે. પ્રવેશ ત્રીજો, નાટકમાં જ દર્શાવ્યું છે તેમ, વસંતપંચમીના દિવસનો છે. પ્રવેશ ચોથાનો તિથિનિર્દેશ નાટકમાં કે ટિપ્પણમાં નથી. પ્રવેશ પાંચની તિથિ મહા શુદ ૧૪ સવાર અને પ્રવેશ છઠ્ઠાની તિથિ ચૌદશની એટલે કે તે જ દિવસની સાંજ ટિપ્પણમાં (પૃ. ૧૧૯ અને ૧૨૧) જણાવવામાં આવી છે. નાટકમાં એકલા પાંચમા પ્રવેશમાં “કાલે વસન્તપૂર્ણિમા છે” એવો ઉલ્લેખ મળે છે (૧.૫.૭૭), પ્રવેશ સાતની તિથિ નાટકમાં કેવળ વસંતપૂર્ણિમા (૧.૭) અને ટિપ્પણમાં મહામાસની વસંતપૂર્ણિમા (પૃ. ૧૨૩) દર્શાવવામાં આવી છે. આ પ્રવેશોમાં સામાન્ય રીતે વાસંતિક વાતાવરણ પણ આલેખાયું છે. ટૂંકમાં પહેલા અંકનો સમય પોષ અમાસથી મહા પૂર્ણિમા સુધીનો છે અને એમાં કશી ખાસ મુશ્કેલી જણાતી નથી. બીજા અંકના પહેલા પાંચ પ્રવેશોમાં કોઈ ચોક્કસ તિર્થિનિર્દેશ નથી, માત્ર સવાર-સાંજના સમયનો ઉલ્લેખ છે. પહેલા પ્રવેશમાં વસન્તવેશનો (૨.૧.૬) અને પાંચમા પ્રવેશમાં બેસતી વસંતનો (૨.૫.૭૯) ઉલ્લેખ એટલું બતાવે છે કે પહેલા-બીજા અંક વચ્ચે સમયનું ખાસ અંતર નથી. પોષ અમાસની બેસતી વસંત, માઘ પૂર્ણિમા પછી પણ હજુ એ જ સ્થિતિમાં છે! છઠ્ઠા પ્રવેશમાં “આજે છે મહાશિવરાત્રિ” એવી પંક્તિ આવે છે (૨.૬.૯૨), એથી લાંબો સમય નથી વીત્યો એની ખાતરી થાય છે. સાતમા પ્રવેશની અમાસ, આ પછી, આપણે મહા વદ અમાસ જ માનવી રહે અને આઠમા પ્રવેશની અજવાળી બીજ એ ફાગણ શુદ બીજ. આ રીતે બીજા અંકનો સમય મહા શુદ પૂનમ પછીનો ફાગણ શુદ બીજ સુધીનો નક્કી થાય. એને ગ્રીષ્મના સમય તરીકે ઓળખાવવો યથાર્થ છે? અહીં ઇન્દુકુમારના જીવનકાળને લગતો એક પ્રશ્ન ઊઠે છે. બીજા અંકના આઠમા પ્રવેશમાં ઇન્દુકુમાર વિચારે છે –
સ્વજન સન્મુખ સંતાવાનો શેષ માસ
કુંજના સાન્ધ્ય પડછાયા શો
વર્ષ થઈ હૈયે વાગે છે. (૨.૮.૧૨૪)
“સ્વજન સન્મુખ સંતાવાનો શેષ માસ” એ શબ્દોનો એવો અર્થ થાય કે ગુપ્તવેશે રહેવાના ઇન્દુકુમાર વ્રતના એક વર્ષમાંથી હવે માત્ર એક માસ બાકી રહ્યો છે. એક રીતે જોઈએ તો આ વાત યથાર્થ લાગે છે કેમ કે ફાગણની અજવાળી બીજના ઇન્દુકુમારના આ ઉદ્ગાર છે અને ચૈત્રી પડવાને દિવસે ઇન્દુકુમારની ઓળખ જાહેર થાય છે. પણ બીજી બાજુથી, પ્રશ્ન ઊઠે છે કે ઇન્દુકુમારના વ્રતના અગિયાર માસ ક્યાં અને કેમ વીત્યા? પોષ આખરમાં તો એ અમૃતપુર આવ્યો અને ત્યારે હજુ એના વ્રતનો આરંભ થતો હોય એવા એનો ઉદ્ગારો હતા અને પોષ આખરને હજુ એક માસ થયો છે. ન્હાનાલાલની અહીં કંઈ સરતચૂક છે કે પછી વ્રતના દશેક મહિના બીજે ગાળીને એ અમૃતપુર આવ્યો છે એમ માની લેવું? આ બીજી વાત પણ બંધબેસતી નથી એ આપણે આગળ જોઈશું તેથી ન્હાનાલાલના ચિત્તમાં સમયનું ચિત્ર સ્પષ્ટ ન હોય એવો વહેમ જાય છે. ત્રીજા અંકના પહેલા પ્રવેશમાં શાકે શાલિવાહનની શકવર્તી તિથિ (એટલે ચૈત્રી પડવા)ને ત્રણ અઠવાડિયાં આડાં છે એવો ઉલ્લેખ મળે છે (૩.૧.૬). તેથી આ પ્રવેશનો સમય ફાગણ શુદ આઠમ લગભગ ગણી શકાય. બીજા પ્રવેશમાં વસંતના અજવાળિયાનો અને એકાદશીના ચન્દ્રનો (૩.૨.૨૨) તથા ચોથા પ્રવેશમાં વસંતપૂર્ણિમાની સંધ્યાનો (૩.૪.૫૧) ઉલ્લેખ છે તે બતાવે છે કે બીજા અંકની ઋતુને ગ્રીષ્મ તરીકે ઓળખવામાં ભૂલ હતી; હજુ ત્રીજા અંકમાં પણ વસંત ઋતુ જ છે. ચૈત્રી પડવો હવે પછી આવવાનો છે એ જોતાં આ બન્ને પ્રવેશોની તિથિ અનુક્રમે ફાગણ શુદ ૧૧ અને ફાગણશુદ ૧૫ માનવાની રહે. એ નોંધપાત્ર છે કે ન્હાનાલાલે મહા અને ફાગણ બન્નેની પૂર્ણિમાને વસન્તપૂર્ણિમા કહી છે. વચ્ચેના ત્રીજા પ્રવેશમાં કોઈ સમયનિર્દેશ નથી પણ એ ફાગણ શુદ ૧૧ અને ૧૫ વચ્ચેની કોઈ તિથિ હોઈ શકે. ત્રીજા અંકના પાંચમા પ્રવેશમાં “કૌમુદી ઉત્સવની મધરાતે કાલે/એક ઓળો જતો રહેતો જોયો” (૩.૫.૭૬) એ કાન્તિકુમારીનો ઉદ્ગાર ફાગણ વદ ૧ની તિથિ હોય એવું દર્શાવે છે. ઇન્દુકુમારના જીવનકાળને લગતો એક ઉલ્લેખ અહીં પણ મળે છે, જે આપણા આગળના વહેમને દૃઢ કરે છે. પાંખડી આ પ્રવેશમાં જણાવે છે કે ઇન્દુકુમારને ગુરુએ આપેલા વ્રતને ચાર માસ બાકી છે (૩.૫.૮૪). હજુ ફાગણની અજવાળી બીજે એક માસ બાકી હતો તે ફાગણ વદમાં ચાર માસ ક્યાંથી થઈ ગયા? એ સ્પષ્ટ છે કે સમયની બાબતમાં ન્હાનાલાલની કશીક સમજફેર છે. છઠ્ઠા પ્રવેશનું ખગ્રાસ સૂર્યગ્રહણ અમાસની તિથિ દર્શાવે છે. અને ભટ્ટરાજ “કાલે વસન્તમંદિરે છે પ્રતિષ્ઠાપર્વ” એમ કહે છે (૩.૬.૯૧) તેમજ વસન્તમંદિરની પ્રતિષ્ઠા ચૈત્રી પડવાને દિવસે થાય છે તેથી આ ફાગણ વદ અમાસ છે એમ નક્કી થાય છે. સાતમા પ્રવેશમાં ચૈત્રી પડવાનો સ્પષ્ટ નિર્દેશ છે (૩.૭.૧૧૩) અને એમાં પણ છઠ્ઠા પ્રવેશની ઘટનાઓનો ગઈ કાલની ઘટનાઓ તરીકે ઉલ્લેખ છે – “કાલે વીજળી પડી” વગેરે (૩.૧.૧૧૫). આઠમા પ્રવેશમાં ચૈત્રી બીજ છે. નવમા પ્રવેશમાં ઇન્દુકુમાર નેપાળી જોગણને આજની રાત્રિ રહી જવા વીનવે છે (૩.૮.૧૫૧) અને નવમા પ્રવેશમાં નેપાળી જોગણ વિદાય લે છે (૩.૯.૧૬૫) તે જોતાં નવમો પ્રવેશ ચૈત્રી ત્રીજનો છે એની ખાતરી થાય છે. ત્રીજો અંક, આમ, ફાગણ શુદ આઠમ લગભગથી શરૂ થઈ ચૈત્ર શુદ ત્રીજ સુધીમાં પૂરો થાય છે. એટલે કે ત્રણ અઠવાડિયાની ઘટનાઓ એમાં આલેખાઈ છે. ‘ઇન્દુકુમાર’ના ત્રણે અંકના જે પ્રવેશોના તિથિનિર્દેશ આપણે નક્કી કરી શક્યા છીએ એ ભેગા કરીને જોઈએ તો કાલક્રમનું આવું ચિત્ર આપણને મળે છે : ૧.૧ પોષ વદ અમાસ ૨.૮ ફાગણ શુદ બીજ ૧.૨ મહા શુદ બીજ ૩.૧ ફાગણ શુદ આઠમ ૧.૩ મહા શુદ પાંચમ ૩.૨ ફાગણ શુદ અગિયારશ ૧.૫ મહા શુદ ચૌદશ ૩.૪ ફાગણ શુદ પૂનમ ૧.૬ મહા શુદ ચૌદશ ૩.૬ ફાગણ વદ અમાસ ૧.૭ મહા શુદ પૂનમ ૩.૭ ચૈત્ર શુદ એકમ ૨.૬ મહા વદ ચૌદશ ૩.૮ ચૈત્ર શુદ બીજ ૨.૭ મહા વદ અમાસ ૩.૯ ચૈત્ર શુદ ત્રીજ બે માસની આસપાસના સમયમાં તો ‘ઇન્દુકુમાર’નાં મુખ્ય પાત્રોના જીવનમાં કેવી ઊથલપાથલ મચી જાય છે, લાગણીનાં કેવાં ઘમસાણોમાંથી એ પસાર થઈ જાય છે અને સંસારના કેટલાબધા પ્રશ્નો વિશેની કેટકેટલી વિચારસામ્રગી ઠલવાઈ જાય છે! માનસિક અનુભવની દૃષ્ટિએ નાટકનો સમયગાળો બે માસથી ઘણો વધારે માનવો પડે.
૩
‘ઇન્દુકુમાર’ની કથાના તાણાવાણા સંકલિત કરતાં જણાય છે કે એમાં કેટલુંક અસ્પષ્ટ, અદ્ધર રહી જાય છે. કથાનો ઊર્મિ નિરૂપણની ખીંટી તરીકે ઉપયોગ થયો હોય ત્યાં આમ બનવું સાહજિક છે પણ આપણે જેવું છે તેવું ઇતિવૃત્ત તારવવા અને સમજવા કોશિશ કરીએ. અમૃતપુરના જગન્નાથ શેઠનો પુત્ર અમરનાથ. એનું હુલામણાનું નામ ઇન્દુકુમાર. (૩.૭.૧૨૪) ઇન્દુકુમાર અને કાન્તિકુમારીને બાળપણની પ્રીતિ, નીકની નદીઓમાં બન્ને નાવ તરાવતાં. (૨.૨.૩૧) જીવનના બાલકાંડમાં ઇન્દુકુમાર આનંદસરોવરે આવતો, બેસતો. કુંજની હરણી જેવી કાન્તિકુમારી પણ દોડી આવતી. આજુબાજુનાં કૃપાશીતલ કોતરોમાં, ઝીણા ઝરણની વાદળભીની ખીણોમાં, સુરભિના સ્રોતમાં, અનિલની લહરીમાં, જલમાં, વૃક્ષમાં અંતરિક્ષમાં બધે જ કાન્તિકુમારીના બુલબુલ જેવા બાલમુખડેથી મંગલમંજુલ વાણી નિર્ઝરતી. એ વાણીને ઇન્દુકુમાર આકાશવાણીની પેઠે સુણતો અને એમાંથી પોતાના સૌભાગ્યના શુભ આદેશ ઉકેલતો. (૧.૨.૨૪-૨૫) સુંદરબાગમાં પણ બન્ને મળતાં અને હૈયાનાં હેતની વાંસળી વગાડતાં. (૧.૬.૮૨) કાન્તિકુમારી કળીઓની ક્યારીઓમાં – બાલ્યાવસ્થામાં હતી ત્યારે ઇન્દુકુમાર એને ફિરશ્તા સમો લાગતો. વાદળ આંજેલાં એનાં નયન અને એને કંઠે ઊડતી કેસરીની કેસર (જુલ્ફાં) એના ચિત્તમાં વસી ગયાં હતાં. ઇન્દુકુમાર વીંછૂના ડંખ ઉતારતો, કોયલને માળે કૂક બોલી આવતો, વૈશાખી આંબાડાળ ચખાડતો, આનંદસરોવરની કમળકાકડી વહેંચતો, શિખરની મ્હોરમંજરી મુગટે માંડતો, કુંજ-કુંજના ઊંડાણમાં પણ કાન્તિકુમારી એની સહચરી બનીને ભમતી. એક જ હોડીનાં હલેસાંની પેઠે બન્નેની પાંખો સંગાથે ઊડતી. (૩.૫.૮૧) ફુલની પરબે બન્ને રમતાં અને કુમારી રહે ત્યાં સુધી કાન્તિકુમારીએ ફૂલની પરબ માંડવી એવો એ બન્નેનો કોલ હતો. (૧.૨.૩૦ તથા ૩.૩.૪૩) ઇન્દુકુમાર-કાન્તિકુમારીની આ સ્નેહમૈત્રી એમનાં વડીલોની જાણમાં હશે કે કેમ અને એના પ્રત્યે એમનું કેવું વલણ હશે એ વિશે કશી સ્પષ્ટ માહિતી મળતી નથી. નાટકને છેક અંતે, અમૃતપુરમાં આવેલો એકાકીવ્રતધારી અજ્ઞાત પુરુષ તે ઇન્દુકુમાર છે અને ઇન્દુકમાર તે જ અમરનાથ એ જાણવા મળતાં કાન્તિકુમારીની ભાભી પ્રમદા કહે છે કે
ભવની ભૂલો મ્હેં કીધી
ક્રાન્તિકુમારીને મોતીઓથી મઢત.
પણ જડ આંખે ન ઓળખ્યો કે
ઇન્દુકુમાર એ જ અમરનાથ. (૩.૭.૧૨૭)
આનો અર્થ એવો થાય કે કે કાન્તિકુમારીનો ઇન્દુકુમાર સાથેનો સંબંધ એનાં કુટુંબીજનોને ઇષ્ટ નહોતો એટલું જ નહીં, ઇન્દુકુમાર કોણ છે અને શું છે એનીયે એમને ખબર નહોતી. આટલી હદ સુધીનું અજાણપણું કોઈ રીતે સંભવિત નથી, એટલે પ્રમદાની આ ઉકિતઓ કોઈ જુદા સંદર્ભમાં હશે એમ માનવાનું મન થાય. બાળપણના ઇન્દુકુમારના સંદર્ભે નહીં પણ એકાકીવ્રત લઈને અમૃતપુરમાં આવેલા ઇન્દુકુમારના સંદર્ભે એની આ ઉક્તિ હોય એવી એક શક્યતા છે પણ એની પણ મુશ્કેલીઓ છે, જે આપણે હવે પછી ચર્ચીશું. ઇન્દુકુમારના કુટુંબ ઉપર કશીક આપત્તિ ઊતરી આવે છે. શી તે ન્હાનાલાલે સ્પષ્ટ ક્યાંય કહ્યું નથી. “ગ્રીષ્મની એક વહ્નિજ્વાલા વાઈ” એવી રૂપકની ભાષામાં જ એની વાત કરી છે. (૧.૫.૭૬) પણ એને કારણે હવેલીના વડલા નીચે જે કુલમંડલિ કલ્લોલતી તે વિખેરાય છે, હવેલીનાં પણ ખંડેર થાય છે અને ઇન્દુકુમાર જગની ઝાડીઓમાં ચાલ્યો જાય છે. (૧.૫.૭૬-૭૭ અને ૩.૫.૮૧) દેખીતી રીતે જ આ માહિતી ઘણી અધ્ધર અને અપૂરતી છે. શી આપત્તિ આવી હતી? એમાં કુટુંબીજનોનું શું થયું? ઇન્દુકુમાર શા માટે ગામ છોડી ચાલ્યો ગયો? – આ બધા પ્રશ્નો અનુત્તર રહે છે. હવેલીના ખંડેર થઈ જાય છે માટે વહ્નિજ્વાલાને આપણે રૂપક નહીં પણ વાસ્તવિક ઘટના માનવી? એમાં કુટુંબીજનો ભસ્મીભૂત થઈ ગયા એમ ગણવું? તો પછી “કુટુંબમાંડવડો વિખેરાયો” એવા શબ્દોનો શો અર્થ? અહીં એ નોંધવું જોઈએ કે નાટકમાં ઇન્દુકુમારના કુટુંબીઓનો કશો જ ઉલ્લેખ આવતો નથી, એટલે એમના હયાત ન હોવા વિશેની જ છાપ પડે છે. પણ ઇન્દુકુમારના કુટુંબ સાથે સંબંધ ધરાવતો એક પુરુષ હયાત હોય છે ખરો. એ છે એના પિતાનો મુનીમ જીવણદાસ. આનંદ ભગત બનીને એણે ઇન્દુકુમારના સોનામહોરના ચરુઓ જતનથી સાચવી રાખ્યા હોય છે (૩.૭.૧૨૪) એ પરથી એવું લાગે છે કે જાણે એની હવેલી આગનો જ ભોગ બની હોય! પણ તો પછી ઇન્દુકુમાર શા માટે ગામ છોડી ચાલ્યો ગયો એ સમજાતું નથી. જીવણદાસને પ્રીતમ નામે એક પુત્ર હતો. એ વિલાસી અને રંગીલો હોય એમ જણાય છે. એણે પ્રમદાને વિલાસકુંજોમાં નોતરેલી પણ પોતાના રૂપના ગર્વમાં (અને કદાચ પ્રીતમને એક સામાન્ય મુનીમપુત્ર સમજીને) એ ન ગઈ. પછી પ્રીતમે વિલાસને નોતરી. (૩.૭.૧૨૭) વિલાસને કુમારી-અવસ્થામાં જ એનાથી બે વાર ગર્ભ રહ્યો. પહેલી વાર ગર્ભપાત કરાવ્યો. બીજું બાળક વિલાસ ઉછેરે છે. (૨.૫.૮૮) દરમ્યાનમાં પ્રીતમ સાગરમાં ડૂબી મર્યો હોય છે. (૩.૩.૪૦ અને ૩.૭.૧૨૪) પ્રીતમ સાથે ઇન્દુકુમાર પણ હતો અને એને જીવણદાસે બચાવી લીધો હતો એવું સમજાય છે. એ કહે છે –
પ્રીતમને ઉગારતાં અમરનાથ ડૂબત.
એકને તાર્યો સાગરમોજમાંથી,
એક ડૂબ્યો ભાગ્યનાં વમળોમાં. (૩.૭.૧૨૬)
ઇન્દુકુમારના ડૂબવાની આ ઘટના ક્યારે બનેલી? એના કુટુંબ પર આપત્તિ આવી તે પહેલાં? તે પછી? કે એ કૌટુંબિક આપત્તિનો જ એક ભાગ હતી? – આ બધા પ્રશ્નોના કોઈ જવાબ નથી. કૌટુંબિક આપત્તિ વેળા કે પછી આ ઘટના બની હોય તો એને બચાવી લેનાર જીવણદાસ એને ભાગ્યે એ જ જવા દે. ગમે તેમ, કુટુંબ વેરણછેરણ થતાં ઇન્દુકુમાર અમૃતપુર છોડી ચાલ્યો જાય છે. અમૃતપુર છોડતી વખતે એના મનોભાવો અને વિચારો શા હશે તે આપણે જાણતા નથી પણ પછી એણે કોઈ ગુરુનું સાન્નિધ્ય સેવ્યું જણાય છે. “અમારી વિશ્વપુરાણ સંસારનગરીમાંનાં/પવિત્રતાનાં મંદિર જીર્ણોદ્ધારવાં” એ એના જીવનનું હવે નિશાન બને છે અને એ એ માટે જગદ્યાત્રાના અભિલાષ પણ એ સેવે છે. (૧.૧.૫) પણ આ જીવનનિશાનમાં –સંન્યાસધર્મમાં સ્થિર મનોવૃતિ કદાચ એને સિદ્ધ નહોતી થઈ. ગુરુએ એનો ગુરુડ સ્નેહદિશામાં ગિન્નાતો દીઠો. એટલે ગુરુએ એને એક વર્ષનું એકાકીવ્રત – બ્રહ્મચર્યવ્રત આપ્યું; અદૃશ્ય રહી પ્રાણપાંખો સમતોલ કરી, ધર્મ ને સ્નેહનાં નયન અખંડ રાખી, સંસારને જોવાનું અને એક વર્ષને અંતે સંસારનો સ્વીકાર કરવો કે સંન્યાસનો તેનો નિર્ણય કરવાનું સૂચવ્યું. પ્રિયને પદ નમવું હોય તોપણ બે પગ – ધર્મ અને સ્નેહના – સબળ કર્યા પછી. (૧.૨.૨૨-૨૩ તથા ૩.૫.૮૪) આ વ્રત લઈને ઇન્દુકુમાર પહેલો મુકામ નાખે છે પોતાના વતનમાં. પહેલા અંકના ટિપ્પણમાં (પૃ. ૧૧૩) કવિ જણાવે છે કે ઇન્દુકુમાર ઘણે વર્ષે વતનમાં આવેલો છે. ઘણે વર્ષે એટલે કેટલા વર્ષે? વિલાસને પ્રીતમથી થયેલું બીજું બાળક ધાવણું છે. (૨.૫.૮૬) એટલે પ્રીતમને મર્યાને બેત્રણ વર્ષ થયાં ગણાય. પ્રીતમ અને ઇન્દુકુમાર એક સાથે ડૂબવા લાગેલા હોય અને એ વખતે પ્રીતમને બચાવી ન શકાયો હોય તો ઇન્દુકુમાર એ ઘટના સુધી અમૃતપુરમાં હતો એમ ગણાય. એટલે ઇન્દુકુમારને વતન છોડ્યાને બેત્રણ વર્ષ કરતાં પણ ઓછો સમય થયેલો માનવો પડે. પણ પ્રીતમ-ઇન્દુકુમારના સાગરમાં ડૂબવાની ઘટના એક સાથે બનેલી એમ માનવું અનિવાર્ય છે? “પ્રીતમને ઉગારતાં અમરનાથ ડૂબત” એ વાક્યનો એવો અર્થ કરી શકાય કે પ્રીતમના સ્વચ્છંદી ઉડાઉ સ્વભાવને કારણે જીવણદાસ પાસે રહેલી અમરનાથની સંપત્તિ પર જોખમ હતું, અને પ્રીતમ પોતાની કોઈ અંગત મુશ્કેલીને કારણે દરિયામાં ડૂબી મર્યો હોય. જીવણદાસ પ્રીતમ વિશે “ડૂબ્યો ભવસાગરમાં” “ડૂબ્યો ભાગ્યનાં વમળોમાં” એવા શબ્દપ્રયોગો કરે છે. (૩.૭.૧૨૬) એ સૂચક છે. એટલે કે પ્રીતમ ડૂબ્યાની ઘટના ઇન્દુકુમારના ગયા પછી બની હોય અને ઇન્દુકુમારના ડૂબવાની ઘટના એનાથી અલગ રીતે જ અને વર્ષો પૂર્વે બનેલી હોય. આમ હોય તો પ્રીતમના મૃત્યુ પૂર્વે ગમે ત્યારે ઇન્દુકુમારને અમૃતપુરમાંથી ગયેલો માની શકાય અને તો ઇન્દુકુમાર ‘ઘણે વર્ષે’ વતનમાં આવેલો માનવામાં કશો અંતરાય ન રહે. એક બીજો સંદર્ભ પણ આ પરત્વે તપાસવા જેવો છે. પ્રીતમ દરિયામાં ડૂબ્યા પછી પોતાની સંપત્તિમાં જીવણદાસે મંદિર બંધાવવું શરૂ કરેલું (૩.૭.૧૨૪) તે નાટકના ત્રીજા અંકના પહેલા પ્રવેશમાં છેલ્લા શણગારના તબક્કામાં છે. (૩.૧.૬) સામાન્ય રીતે આ સમય બેત્રણ વર્ષનો ગણાય પણ વધારે પણ હોઈ શકે. એટલે આ સંદર્ભ સમયગાળો નક્કી કરવામાં ઝાઝો ઉપયોગી ન થાય. એમાંયે ઇન્દુકુમાર ગયા પછી પ્રીતમના મૃત્યુની ઘટના બનેલી માનીએ તો તો આ સંદર્ભની કશી જરૂર પણ ન રહે. ઇન્દુકુમારે કેટલા વર્ષની ઉંમરે વતન છોડ્યું હતું, ઘણા વર્ષે વતનમાં આવેલા એની અત્યારે ઉંમર કેટલી, કાન્તિકુમારીની ઉંમર કેટલી – આવા કેટલાક પ્રશ્નો અહીં પ્રસ્તુત બને પણ એના કોઈ જવાબો નથી. ઇન્દુકુમાર-કાન્તિકુમારીનાં ભૂતકાળનાં સ્નેહચિત્રો કિશોરાવસ્થાનાં છે, જ્યારે આજે ઇન્દુકુમારને યૌવનનો સ્નેહ ફૂટ્યો છે. (૧.૨.૩૨) એ ગાળો બેત્રણ વર્ષથી પાંચસાત વર્ષનો પણ હોઈ શકે. ઇન્દુકુમાર કેટલેક વર્ષે અમૃતપુરમાં આવે છે ત્યારે એની વિશ્વકલ્યાણની ભાવનાને અને એની સંન્યાસવૃત્તિને પ્રેરે – પોષે એવી બે વ્યક્તિઓ અમૃતપુરમાં ઉપસ્થિત છે. એક છે જયદેવ અને બીજી છે નેપાળી જોગણ. જયદેવે પત્ની અને પુત્રી ગુમાવ્યાં છે. ઈશ્વરે એને “આંસુ પાઈ આંસુ લ્હોતાં શીખવ્યું” અને ભેખ ધારણ કરી, આશ્રમ સ્થાપી, એ એક બાલાના પિતા મટી અનેક બાલુડાંના પિતા બન્યા. (૧.૪.૬૦) રસલતા૨ માને ગુમાવનાર પાંખડી જયદેવને મુખડે માની મીઠાશ અને એમના હેતમાં માવડીનું વહાલ અનુભવે છે. (૧.૪.૪૭) નિરાધાર પાંખડી જયદેવને આશ્રયે ઊછરે છે. દેવ પાંખડીને દીક્ષા આપે છે ત્યારે અમૃતપુરનાં ફૂલ વીણીવીણી અમૃતપુરવાસીને દેવાનું કામ ભળાવે છે. (૧.૨.૨૯) નેપાળી જોગણ ખરેખર નેપાળની નથી. પોતાની પિતૃભૂમિની ઓળખ એ આ રીતે આપે છે –
રઘુવીરની પુરાણ પુણ્યનગરી,
સ્વતન્ત્રતાસુહાગી નેપાલ દેશ,
ને બુદ્ધદેવના નીતિમંદિરોની વચમાં
છે મ્હારા પિતાની પિતૃભૂમિ. (૧.૫.૬૪)
અયોધ્યા (ઉત્તરપ્રદેશ), નેપાલ અને બિહારથી ભિન્ન અને એ ત્રણેની વચમાં આવેલો કોઈ પ્રદેશ અત્યારના નકશામાં તો નથી. વળી, નેપાળી જોગણ કહે છે કે “અમારા દેશમાં સેવકસંસ્થા નથી.” (૧.૫.૬૫) આવો દેશ વળી કયો? આ સ્ત્રી પછી નેપાળમાં પોતાનો સંબંધ બાંધે છે તેથી એ પ્રજાને સમાન એવી પ્રજાનો આ દેશ હોવો જોઈએ એવું અનુમાન થાય, પણ કશું નિશ્ચિત કરી શકાય તેમ લાગતું નથી. નેપાળી જોગણે નાની ઉંમરે માતાપિતા ગુમાવ્યાં હતાં. કૌમારમાંથી યોવનખોળે બેઠી ત્યારે જીવનનિયંતા પ્રાણનાથ એણે જાતે જ શોધવાના આવ્યા. દેવ જેવા કાન્તિમાન એક પુરુષને એણે પોતાના હૃદયમાં પધરાવ્યા. પણ દેશમાં સેવકસંસ્થા ન હોવાથી લગ્નની સવારે એનો થનાર પતિ લગ્નમાળાનાં ફૂલ વીણવાને પર્વતોમાં ગયો અને વિષ નીંગળતો કાળો નાગ કાળમીટમાંથી નીકળી એને કરડ્યો. તરત જ એ મૃત્યુ પામ્યો. (૧.૫.૬૫) તાતવહોણી, નાથવહોણી, પુત્રવહોણી નિરાધાર સ્ત્રી, પછી, નેપાળ દેશમાં ઊતરી. વીરમાતા નેપાળભૂમિમાંથી એક વીરમુગટને વાગ્દાન દીધું. પ્રાણ તો સમર્પ્યા હતા પહેલા પુરુષને, એ લઈ ઊડી ગયો હતો પણ દેહનો કોલ દેવો હતો તેથી આ બીજો સંબંધ સ્વીકાર્યો હતો. પણ વિધિએ કંઈક જુદું જ નિર્માણ કર્યું હતું. નાટકમાં વાત સાવ સ્પષ્ટ નથી છતાં માત્ર ‘વાગ્દાન’ની વાત થઈ છે તેથી એમ સમજાય છે કે લગ્ન પહેલાં જ એ નેપાળી સમશેરબહાદુર સંગ્રામ ખેડવાને મધ્યએશિઆનાં મેદાનોમાં ગયો. વાટ નિહાળતાં વર્ષો ગયાં પણ એ પાછો ન આવ્યો, બે-બે લગ્ને કુંવારી રહેલી અને બે-બે નાથે અનાથ રહેલી આ સ્ત્રીએ, અંતે, વૈધવ્યદીક્ષા ને પ્રભુવ્રત લીધાં અને પ્રજાસેવામાં પોતાનું જીવન સમર્પ્યું. (૧.૫.૬૭) ભારતના પુરાણ-નૂતન તીર્થધામોમાં ફરીને, નરકેસરી સુરેન્દ્રનાથ બેનરજી, રાજર્ષિ માધવ ગોવિંદ રાનડે, સરલાદેવી ચૌધરાણી જેવા દેશચિંતકો અને દેશસેવકોને મળીને, દેશસેવાની અને સ્ત્રીજાગૃતિની ચિનગારી લઈને એ નેપાળી જોગણઅહીં અમૃતપુરમાં આવી છે. (૧.૫.૬૮-૬૯). આટલી તો ‘ઇન્દુકુમાર’ની પૂર્વકથા છે. એને લઈને નાટક આગળ ચાલે છે. દેખીતી રીતે જ પૂર્વકથા વજનદાર છે અને એ સહજ સુગમ રીતે નાટકમાં વણી લેવાનું ન્હાનાલાલને ફાવ્યું નથી. કેટલુંક અધ્ધર રહી ગયું છે, કેટલુંક ઝાંખા સૂચનથી અને મોડેમોડે કહ્યું છે અને ઘણું તો પાત્રના સીધા નિવેદન રૂપે જ મૂકી દેવું પડ્યું છે. કથાગૂંથણીની કલા ન્હાનાલાલ પાસે નથી એની પ્રતીતિ આ પરથી થાય છે. બે માસનો સમયગાળો લઈને આવતું નાટક બહુ વધારે કથાવિકાસ ન બતાવી શકે એ સમજાય એવું છે. એટલે પૂર્વકથાને મુકાબલે નાટકમાંની કથા આછીપાતળી લાગે છે. અને કથાની ખોટ ન્હાનાલાલે લાગણીઓનાં ચિત્રો અને વિવિધ વિચારોભાવનાઓના છટાદાર નિબંધોથી પૂરી કરી છે. નાટકમાંની ઘટનાઓનો દોર હવે આપણે પકડીએ. ગુરુએ આપેલું એક વર્ષનું એકાકીવ્રત લઈ પૃથ્વીપ્રદક્ષિણા કરવાના આશયથી નીકળેલો ઇન્દુકુમાર પહેલો વિશ્રામ પોતાને વતન કરે છે. (૧.૧.૬) અને ઉદયશૃંગે ઉષા આલેખવા માટે જાય છે. કાન્તિકુમારી અને એનાં ભાભી પ્રમદાસુન્દરી પણ ત્યાં આવે છે – પ્રમદાની પુત્રી કુમારીનો જન્મદિવસ હોવાથી પૂજનને માટે સ્નેહોદયના મંડપેથી અમરવેલની ડાંખળી ચૂંટવા. (૧.૧.૭,૧૨ તથા ટિ.પૃ. ૧૧૩) નણંદ-ભાભીની વાતચીત ઉપરથી સમજાય છે કે યૌવનમાં આવેલી કાન્તિકુમારીને પરણાવવાની વેતરણ કુલજનો કરી રહ્યાં છે પણ કાન્તિકુમારી કબૂલ થતી નથી. પિતા કુળ શોધે છે, માતાને જોઈએ છે લક્ષ્મીનાં અક્ષયપાત્ર, અને પ્રમદાને મદ, યૌવન અને પ્રતાપ એ પસંદગીનાં ધોરણ છે. (૨.૨.૩૪) કાન્તિકુમારી ધન, રૂપ, ગુણ, વિદ્યાને વરવા માગતી નથી, પણ આત્મા ઓળખે તેને વરવા માગે છે. (૧.૧.૧૦) આમ છતાં કાન્તિકુમારી કહે છે કે વસંતપંચમીને દિવસે યશ વસન્તપૂજન શીખવશે પછી પ્રભુના અવતારીને પોતે પરણશે. (૧.૧.૯). કુમારીનો જન્મદિવસ હોવાથી પૂજા-અર્થે શીર્ષમાલા અને ભાઈ-ભાભી માટે કલગીનાં ફૂલ લાવવા કાન્તિકુમારી પાંખડી સાથે શિખરમાર્ગે જાય છે. (૧.૧.૧૨) સૂર્યને અંજલિ આપી ઇન્દુકુમાર ગાયત્રી મંત્ર બોલે છે ત્યારે ઇન્દુ-કાન્તિનો ઘડીભર દૃષ્ટિયોગ થાય છે, બન્ને તરત નયન નમાવી લે છે. (૧.૧.૧૫) કાન્તિકુમારીને અંતરમાંથી કોઈ બોલાવતું હોય એમ ભાસ થાય છે, પણ પવિત્ર પુરુષને અભડાવાય નહીં એવી ભાવનાથી એ ખાલી છાબે પાછી વળે છે. (૧.૧.૧૫-૧૮) કાન્તિકુમારીના ભાભી સાથેના વાર્તાલાપથી મુગ્ધ અને કંઈક વ્યાકુળ બનેલો (૧.૧.૧૩) ઇન્દુકુમાર એના સૌન્દર્યથી અભિભૂત થાય છે, વધારે વ્યાકુળ થાય છે. પણ સૌન્દર્ય દર્શનમાંથી વિશ્વોદ્ધારની પ્રેરણા ઝીલી એ વિરમે છે. (૧.૧.૧૩-૧૪ તથા ૧૯-૨૦) આ પ્રથમ મિલન વખતે ઇન્દુકુમાર-કાન્તિકુમારી એકબીજાને ઓળખી લે છે કે કેમ એ એક સહેજે ઊઠે એવો પ્રશ્ર્ન છે. કાન્તિકુમારી ઇન્દુકુમારને જોયા પછી “મ્હારાં સ્મરણનાં સૌદંર્ય/જાણે સન્મુખ આવી ઊભાં” (૧.૧.૧૭-૧૮) એવી પંક્તિ ઉચ્ચારે છે પણ કાન્તિકુમારીએ ઇન્દુકુમારને ઓળખી લીધો છે એમ માનવાથી આગળ ઉપર મુશ્કેલી પડે તેમ છે એટલે આ પુરુષને જોતાં એને ઇન્દુકુમારનું સ્મરણ થાય છે એટલો જ અર્થ કરવો રહ્યો. ઇન્દુકુમારે કાન્તિકુમારીને ઓળખી છે કે કેમ તે સ્પષ્ટ નથી. પણ ઓળખી હોય તો એ સ્વાભાવિક છે. અને ઓળખી છે એમ માનવામાં કશી આપત્તિ પણ નથી. બે દિવસ પછી અજવાળી બીજે આનંદસરોવરની કુંજોમાં રાસ ગવડાવતી કાન્તિકુમારીનો અવાજ ઇન્દુકુમાર બરાબર એાળખી લે છેઃ “મિઠ્ઠો, મદભર, બુલન્દ/સ્નેહદેવની વેણુ શો/બાલે! તે ત્હારો જ શબ્દને?” (૧.૨.૨૩) પૂર્વકાલનાં સ્મરણો તાજાં થાય છે અને મનથી કાન્તિકુમારીના સ્નેહની એ દીક્ષા લે છે. (૧.૨.૨૫) પણ ત્યાં જોગણ એને સંસાર પ્રત્યેનાં, દેશ પ્રત્યેનાં, માનવજાતિ પ્રત્યેનાં અને ઈશ્વર પ્રત્યેનાં કર્તવ્યોની યાદ દેવડાવે છે. (૧.૨.૨૭) “જરા બાલાને બળતી બચાવો, સજન!” ગાતી પાંખડીએ કાન્તિકુમારીની ફૂલપરબની વાત કરતાં (૧.૨.૨૯), વળી, એને બાલસ્નેહીનો કોલ યાદ આવે છે. પણ ગુરુએ વ્રત આપી જીભ કાપી હોવાથી એને અનુત્તર રહેવું પડે છે. (૧.૨.૩૨) રાસ પૂરો થયે પોતે આવ્યો અને દર્શન ન થયાં એનું દુઃખ પણ એ વ્યક્ત કરે છે. (૧.૨.૩૦) વસંતપંચમીના દિવસે યશ કાન્તિકુમારીને વસંતપૂજન શીખવવા આવે છે અને પ્રભાતમાં પતિએ કેવાં લાડ કર્યાં, તેનું પૂજન કર્યું, વળી, બન્નેએ મળીને વસંતપૂજન કર્યું, અમૃતપુરમાં અમૃત લાવવાનું એક વર્ષનું જીવનવ્રત લીધું, (૧.૩.૩૬-૩૭) પૂર્ણિમાને દિવસે લગ્નતિથિ ઊજવવાનું નક્કી કર્યું (૧.૩.૪૨) વગેરેની વાતો કાન્તિકુમારી પાસે કરે છે. કાન્તિકુમારીને આજે વસન્તપૂજન કરવાનું હતું, પણ એના પ્રાણમાં પ્રફુલ્લતા નથી. (૧.૩.૩૮-૩૯) એને પોતાના માનસવાસી સ્વામીની મૂર્તિ જોઈએ છે પણ એ તપસ્વી કોણ જાણે કયા અરણ્યમાં તપ તપતા હશે! (૧.૩.૪૦) બીજી બાજુથી કુલજનો એની મૂર્તિ ભાંગવાને ઊભાં છે. (૧.૩.૪૧) એટલે એનો આત્મા ખંડેર સમો થયો છે અને એને અંધકારનાં આણાં આવે છે. (૧.૩.૩૯) આ પ્રસંગના કાન્તિકુમારીના એકબે ઉદ્ગારો ધ્યાન ખેંચે એવા છે. એક ઉદ્ગાર છે –
ઘમઘમતી માઝમરાતના મધ્યાકાશમાં
એકાએક સુધાકર વીંધી ઊતરે,
ને આભમાં જ્યોતિરેખા દોરાય :
એવું પ્રગટ્યું છે એક કિરણ
મ્હારે હૃદય, બ્હેનાં!
યશ! દેવિ! જનનિ!
ત્હોય નથી આયુષ્યમાં ઉઘાડ. (૧.૩.૩૭)
અને યશ જ્યારે પૂછે છે – “કાન્તિબહેન ! મનના મહેમાન આવ્યા?/સાગરના તીરથવાસી પધાર્યા ત્હમારા!” ત્યારે કાન્તિકુમારી ઉત્તર આપે છે –
વસંત પધારી, ને લાવી :
આવ્યા છે, હૈયે પધરાવ્યા છે, યશ!
મનના આતિથ્ય આચરું છું,
પ્રભુની માનસી પૂજા કરું છું, દેવિ! (૧.૩.૪૦)
આપણને વહેમ જાય કે અમૃતપુરમાં આવેલા ઇન્દુકુમારની ઓળખાણ કાન્તિકુમારીને પડી ગઈ છે કે શું? પણ વસ્તુતઃ એમ નથી. ‘કીયાયે અરણ્યમાં કોણ જાણે/તપતા હશે એ તપસ્વી” વગેરે પંક્તિઓ (૧.૩.૪૦) બતાવે છે કે ઇન્દુકુમાર અમૃતપુરમાં આવ્યાનું કાન્તિકુમારી જાણતી નથી. ઉપરના બન્ને ઉદ્ગારો તો વસંત આવતાં કાન્તિકુમારીના હૃદયમાં ઇન્દુકુમારના સ્નેહનો એકાએક ઉદય થયો, વસંત ઇન્દુકુમારને એના સ્મરણપ્રદેશમાં લાવી એટલું જ સૂચવે છે એમ, પછી, માનવું રહ્યું. કાન્તિકુમારી જયદેવના આશ્રમનાં બાળકોને સાગરનાં મોજાંની સામે ચાલતાં શીખવે છે, સાગરતીરે વ્યૂહમંડાણ શીખવે છે. (૧.૪.૪૪). એક દિવસે સવારે ત્યાંથી જયદેવના આશ્રમે આવે છે, પાંખડીને જમવા તેડવા, સવારના પહોરમાં કાન્તિકુમારી “જમાડી ઠારી જમવા/આજે ન સાંપડ્યા અતિથિદેવ” એમ કહે એ જરા વિચિત્ર લાગે છે. પણ અહીં પાંખડી શહેરમાં આવેલા અનુપમ રાજઅતિથિની વાત કરે છે અને એમને જમાડીને રોજ જમવાનું કાન્તિકુમારીને સૂચવે છે. (૧.૪.૫૭) કાન્તિકુમારી “ને વળી કાલે, પાંખડી!/આદરશું આપણે રાજઅતિથિને’ એટલો જ જવાબ વાળે છે. (૧.૪.૫૮) પણ જયદેવની સાથે એને લગ્નવિષયક, સૃજનના હેતુવિષયક ચર્ચા થાય છે એમાં તથા “સ્નેહલગ્નનાંયે શમણાં ન હોય તો?” (૧.૪.૫૨). એવા પ્રશ્નોમાં એની ઘોર નિરાશા, એનો થાક અને સંસારના કટુ અનુભવોનો ડંખ વરતાઈ આવે છે. નેપાળી જોગણ જગન્નાય શેઠની હવેલી જે ખંડેર થઈ થઈ ગઈ છે તેની ગુફામાં રહે છે. (૧.૫.૭૬-૭૭ : પણ હવેલીમાં ગુફા?) એક વખતે જયદેવ, કાન્તિકુમારી અને પ્રમદાસુન્દરી જોગણનાં દર્શને આવે છે. જોગણના પૂર્વાશ્રમની કથાનો અને એની ભાવનાઓનો પરિચય કરે છે અને વસન્તપૂર્ણિમાએ યશદમ્પતીની લગ્નતિથિ હોઈ તે દિવસે ભિક્ષા લેવા પધારવાનું નિમંત્રણ કાન્તિકુમારી એમની વતી આપે છે. (૧.૫.૭૭-૭૮) જોગણ યશદમ્પતીને પાઠશાળા અને અન્નસત્રના નિયંતા તરીકે ઓળખાવે છે. (૧.૫.૭૮) તો યશદંપતીની તે પ્રવૃત્તિઓ કદાચ અમૃતપુરમાં અમૃત લાવવાના એમના વ્રતના ભાગરૂપ પણ હોય. કથામાં આ પછી યશદંપતીની કોઈ વિશેષ પ્રવૃત્તિની વાત આવતી નથી. જોગણને ત્યાંથી કાન્તિકુમારી વગેરે નીકળે છે ત્યારે જોગણ પાસે ગીતાનું અધ્યયન કરવા આવતો ઇન્દુકુમાર એમને સામો મળે છે. (૧.૫.૭૮) આ પ્રસંગે ઇન્દુકુમાર કે કાન્તિકુમારીની કોઈ સ્ફુટ પ્રતિક્રિયાઓ કવિએ આલેખી નથી. એ જ દિવસે સાંજે-રાત્રે કાન્તિકુમારી સુન્દરબાગમાં પોતાનાં કુટુંબીજનોને શોધતી હોય છે અને ઇન્દુકુમાર સાથેના બાળપણના સહચારની સ્મૃતિ થતાં એકલતાની વેદના અનુભવતી હોય છે. ત્યારે પાંખડી એને મળે છે અને આથમણે ક્યારે એનાં માતપિતા અને ભાંડુઓ છે એવા ખબર આપે છે. કાલે યશદંપતીની લગ્નપૂર્ણિમા હોઈ ફૂલની કટોરી ગૂંથી લાવવાનું એને કહી કાન્તિકુમારી આથમણે ક્યારે જાય છે. (‘ઇન્દુકુમાર’ના આખા નાટકમાં કાન્તિકુમારીના માતપિતા અને ભાંડુ બસ અહીં જ આમ અલપઝલપ ઉલ્લેખાય છે. બાકી એની ભાભી પ્રમદા સિવાય કોઈ પાત્ર નજરે ચડતું નથી કે તેનું કોઈ કાર્ય ઉલ્લેખાતું નથી.) કાન્તિકુમારી જતાં ઇન્દુકુમાર આવે છે અને પાંખડીને મોગરાનો રૂમાલ ગૂંથી કાલે અહીં લાવવાનું કહે છે; જોકે પછી રૂમાલ પાંખડીથી કદી ગૂંથાતો નથી (૨.૫.૮૫) પણ ઇન્દુકુમારનો હેતુ આપણે કંઈક કલ્પી શકીએ છીએ. ઉપરથી ગરતા ફૂલમાં એ કાન્તિકુમારીનો અભિષેક જુએ છે, એનો સ્વીકાર કરે છે; સ્નેહકથાની સંયમદીક્ષા છે. પણ દર્શનની બાધા નથી, તેથી અંધારપછેડો ઓઢી આશિષો મેળવી લેવાનો એ અભિલાષ ધરાવે છે. (૧.૬.૯૧-૯૨) આ બધું ઇન્દુકુમારના લાગણીસંઘર્ષો પ્રગટ કરે છે. મહાપૂર્ણિમાએ યશદેવીનો લગ્નોત્સવ ઉજવાય છે. ઉજવણીના ઉલ્લાસ વચ્ચે કાંતિકુમારીની એકાકીપણાંની અસ્વસ્થતા ડોકાયા કરે. છે. (૧.૭, ૧૦૩, ૧૦૯) પોતાના ભાગ્યનો વિચાર કરતી કાન્તિકુમારીનો એક ઉદ્ગાર વિચારવા જેવો છે :
રોક્યું – મ્હેં રોક્યું મનને,
આંખલડીયે ન ફરકવા દીધી;
આજ નથી રહેતું ઝાલ્યું.
વનવનમાં જઈ ઊડે છે
કન્થ કોડામણની ભાળમાં.
દેખીતી રીતે જ અમૃતપુરમાં અત્યારે આવેલા ઇન્દુકુમાર તરફ આંખલડી ફરકવા નથી દીધી એવો અર્થ ન હોઈ શકે. પણ ઇન્દુકુમારની ગેરહાજરીમાં અત્યાર સુધી પોતાના મનને સ્વસ્થ અને સંયમશીલ રાખ્યું છે એટલો જ અર્થ હોઈ શકે, હવે સ્નેહની લાગણી એને અવશ બનાવી રહી છે. એક સહિયર નામે વસંત સ્નેહનાં નિમંત્રણનું એક ગીત ગાય છે અને એના સંબંધમાં કહે છે કે “સરોવરકાંઠે જલોર્મિઓ ગણતા/એક યાત્રાળુ જેવા ગાતા હતાઃ/જાણે વનકુંજે રસના ઋષિરાજ” (૧.૭.૧૦૮) તેમાં ઇન્દુકુમારનો સંકેત છે પણ એનો તંતુ આગળ ચાલતો નથી. જોગણના આદેશથી કાન્તિકુમારી કૌમારસંઘ સ્થાપી એની સેનાધિપતિણી બને છે. (૨.૧.૧૬) સાગરતીરે એક વખત કુમારોને સંસારવ્યૂહ શીખવાડે છે ત્યારે પાંખડી જયદેવે એની પાસે ગાયેલું મેનાપોપટનું ગીત ગાય છે અને પ્રસંગ આગળ ચલાવે છે કે –
અબૂઝ મેનાએ ન બૂઝ્યું
કે વસન્તવેશ પ્રેમવેશ હતો
એ પ્રેમરાણીજીને પોતાને જ કાજે.
મેનકાની અડપડિયાળી આંખલડીએ
ન ઓળખ્યો પ્રેમ,
કે ન ઓળખ્યો પ્રેમી.
... ... ...
પ્રેમપરિવેશના ધારી એ પંખીરાજ
ઊડ્યા જગતના ઉદ્ધાર કલ્લોલતા. (૨.૧.૧૨)
અહીં ઇન્દુકુમારનો સંકેત છે એ સ્પષ્ટ છે, અને કાન્તિકુમારી પણ પછી કહે જ છે કે
મ્હારાયે પોપટજી આકાશે ઊડ્યા
વસન્તના વાઘા સજીને.
... ... ...
જગતના ઉદ્ધાર થશે – કે આથમશે,
મ્હારે તો અંધકાર ઊતર્યા :
સ્મરણોયે શોષાઈ ગયાં. (૨.૧.૧૪)
વસન્તપંચમીએ યશદેવીને શણગારી અને એના સ્નેહમંદિરે લગ્નપર્વણીનો મહોત્સવ ઊજવ્યો ત્યારથી કાન્તિકુમારીનું રોમેરોમ પોતાના અંતર્યામી પ્રેમદેવને રટ્યા કરે છે (૨.૧.૧૪) એની પ્રતીતિ આવા પ્રસંગો કરાવ્યા કરે છે. કાન્તિકુમારી પ્રભુજીને કાજે મુગટ ગૂંથવા ફૂલ વીણવા યશને ઉદ્યાને જાય છે ત્યારેયે એના વણપુરાયેલા કોડની વેદના ગાજ્યા કરે છે. એક બાજુ દેહમાં એકને બદલે બે આત્માઓ ધારણ કરતી યશ (૨.૨.૩૭) અને બીજી બાજુ કાન્તિકુમારીના જીવનની આ ભરી શૂન્યતા. યશ જ્યારે પૂછે છે કે તમારા પ્રાણપ્રભુ પધાર્યા? – ત્યારે કાન્તિકુમારીનો જવાબ સૂચક છે અને એના જીવનની વિષમ પરિસ્થિતિને વ્યક્ત કરે છે :
સૂરજમાળામાંથી ચન્દ્રરાજ
નથી શોધવાના રહ્યા પૃથ્વીને.
ચિત્તના ચન્દ્રક તો મ્હારે
દીધા લેવાના છે હવે. (૨.૨.૩૩)
એટલે કે પોતાનો સ્વામી પોતે શોધવાનો નથી, કુટુંબીઓ એને કોઈની સાથે પરણવા ફરજ પાડી રહ્યાં છે. પ્રમદાએ એને પૂછ્યું જ છે અને એનો ઉત્તર એને આપવાનો છે. (૨.૨.૩૪)
સંસાર સ્નેહલગ્ને સ્વીકારતો નથી અને સંસારલગ્નમાં પ્રેમ એટલે પાપાચાર થઈ ગયો છે એનો ઉપાય શો? યશદેવી અને ભટ્ટરાજ પુણ્યસ્નેહના કોડ જગાડતો એક આશ્રમ સ્થાપવાનો વિચાર કરી રહ્યાં છે અને એ માટે આત્માના આરોગ્ય સાધનારી ઔષધિઓ – રસાયનો સંઘરી રહ્યાં છે, સંસારના રસાયનશાસ્ત્રીઓને નિમંત્રી રહ્યાં છે. (૨.૨.૩૬) એ નોંધવું જોઈએ કે ભાવનાસ્વરૂપે રહેલી આ યોજના આ નાટકમાં તો મૂર્ત સ્વરૂપ પામતી દેખાતી નથી. અહીં ભટ્ટરાજ સમાચાર આપે છે કે અમૃતપુરના રાજઅતિથિએ કૌમારસંઘના એક સેનાનીને ડૂબતો બચાવ્યો છે. (૨.૨.૩૯) કાન્તિકુમારી કૌમારસંઘ વતી આભારના શબ્દો કહેવા જવા વિચારે છે. ત્યારે ભટ્ટરાજ ટકોર કરે છે કે “જો જો પેલું નાટકના જેવું ન થાય પાછું./પાડ૩ એટલે પ્રેમનું પહેલું પગથિયું.” (૨.૨.૪૦) અમૃતપુરના રાજઅતિથિ તે ઇન્દુકુમાર. એને મળવા કાન્તિકુમારી જાય એ પ્રસંગ આપણે માટે કૌતુકભર્યો બની રહે. પણ કાન્તિકુમારી મળવા જતી નથી, જોકે અહીં એવો ઉલ્લેખ છે જ કે એ જોગીરાજ જડતા નથી અને અદૃશ્યની ઝાડીઓમાં ક્યાંક ભમ્યા કરે છે. (૨.૨.૪૦) કાન્તિકુમારીએ ઇન્દુકુમારને હજી ઓળખ્યો નથી એ તો સ્પષ્ટ થાય છે, કેમકે “તરનારો ને તારનારો તો/એક હતો સંસારના સાગરનો./ડૂબકી મારી ગયો એ જળમ્હેલોમાંય્.”(૨.૨.૪૧) એવા ઉદ્ગારોથી ઇન્દુકુમારનું એ અહીં સ્મરણ કરે છે. કાન્તિકુમારીનો આંતરસંઘર્ષ દિવસેદિવસે તીવ્રતર-તીવ્રતમ બનતો જાય છે. એને પ્રેમની ભૂખ લાગી છે (૨.૪.૭૭), હૈયાની વાદળી છલાછલ છલકાતી વરસવાને માટે ઝૂમે છે (૨.૪.૬૬), પણ હૈયામાંની રસમૂર્તિ, પોતાની પ્રકૃતિનો પુરુષોત્તમ નજરે ચડતો નથી. (૨.૪.૭૭) એક પગે યાત્રા નહીં થાય એમ પણ એ એ સમજે છે. (૨.૪.૭૭) બીજી બાજુથી એનાં સ્વજનો એની પાસે ઉત્તર માગી રહ્યાં છે. (૨.૪.૭૭) ઘડીક એને બંડ કરવાનું મન થાય છે પણ સંસ્કાર આડા આવે છે “– ના; ગાવડી જેવી ગરીબડી/હિન્દુ દુહિતાઓ બંડ નહીં માંડે.” (૨.૪.૬૭) પણ “રખે કો રાવણ ન હરી જાય” એ અંગે તે સચેત બને છે. (૨.૪.૭૮) છતાં “ઝંપલાવ જીવ! જગતની ઝાડીઓમાં” એમ બોલી “આત્મહત્યા કરનારીની પ્રચંડજ્વાળ મુખરેખાવન્તી કાન્તિકુમારી ઝરૂખેથી ઊતરે છે” (૨.૪.૭૮) તે એવું બતાવે છે કે જાણે કાન્તિકુમારીએ સંસારને સ્વીકારવાનો નિશ્ચય કર્યો હોય. મહાશિવરાત્રિને દિને પ્રમદા “જિંદગી એટલે કાલ નહીં, આજ./જિંદગી એટલે લ્હેર ને લિજ્જત.” એવી પોતાની જીવનફિલસૂફી પ્રગટ કરે છે (૨.૬.૯૩) ત્યારે કાન્તિકુમારી દુનિયામાં લગ્નને નામે જે ધતિંગ ચાલે છે એનું એક કટુ દર્શન રજૂ કરે છે (૨.૬.૧૦૦) તે એની તીવ્ર બનતી જતી લાગણીઓ દર્શાવે છે. આમ છતાં, પ્રમદા કાન્તિકુમારીને ચૈત્રી પડવે પૂર્ણિમા જેવાં પ્રકાશવાનું કહે છે. ત્યારે એ કબૂલે છે કે “મોકલશો ત્યાં જઈશ, ભાભી! ને દેહને વેચીશ દુનિયાને દરબાર.” (૨.૬.૧૦૫) કાન્તિકુમારી જાણે થાકી છે, હારી છે એવું જણાય છે. ઇન્દુકુમાર કાન્તિકુમારીને ચિત્તમાંથી ખસેડી શકતો નથી. ફૂલોથી શણગારાયેલી કાન્તિકુમારીનાં દર્શન થતાં એનું મન વીંધાય છે અને “મ્હેં નીરખી : એ નીરખતી હશે?” એવો એને પ્રશ્ન થાય છે. (૨.૫.૮૧-૮૨) પાંખડીએ કાન્તિકુમારીને શણગારી ત્યારે એ રડતી હતી એ જાણીને તો એ સ્તબ્ધ, મૂઢ બને છે. (૨.૫.૮૬) આ સ્વાભાવિક છે કેમકે કાન્તિકુમારીનું દુઃખ પોતે દૂર કરી શકે તેમ નથી એ એ જાણે છે. ઇન્દુકુમારને રાતનાં અંધારાં ઊતર્યે પોતાના નસીબની ટેલ નાખતી વિલાસનો પરિચય પણ થાય છે. જે અમૃતપુરમાં અઢાર વર્ષ પછી કુમારિકા કોઈ ન હોય, સિવાય કે આજીવન બ્રહ્મચારિણી, તે અમૃતપુરમાં આ કુમારિકા માતાને જોઈ એને વિસ્મય થાય છે (૨.૫.૮૭) અને જ્યારે એ જાણે છે કે એક બાળક તો એનું ગર્ભપાતમાં ગયું અને આ બીજું સંતાન છે ત્યારે એ ઘણો વ્યગ્ર બને છે. ઘડીક સંસારને સળગાવી મારવાનું ઝનૂન એને ચડે છે, પણ પછી સંસારને સુધારવાનું સાહસ કરવા એ કૃતનિશ્રય બને છે. (૨.૫.૮૮-૯૦) ચિત્તની શાંતિને અર્થે ઇન્દુકુમાર સંસાર છોડીને સાગરગુફામાં વસે છે પણ ત્યાંયે શાન્તિ તો એને માટે દોહેલી બને છે. (૨.૭.૧૦૮) મહાઅમાસની રાત્રિએ સાગરતીરના સ્મશાનમાંયે સ્વર્ગગંગામાંથી કાન્તિકુમારીને પ્રગટ થતી એ જુએ છે. એની આંખડીના રસફુવારામાં માણતો આત્મા અંતરે ઢળે છે, તન્દ્રાની સમાધિ લાધે છે, ત્યાર પછી જે પાપપુંજની સૃષ્ટિ, વિનાશનાં વમળો, ભૂતાવળના રાસ ઇન્દુકુમારને પ્રત્યક્ષ થાય છે એ એને સંસારનાં દોઝખનું ભયાનક દર્શન કરાવે છે. (૨.૭.૧૧૦-૧૪) અને એમાં કાન્તિકુમારીને દુઃખમગ્ન બની રડતી પણ એ જુએ છે. (૨.૭.૧૧૭) સાધના અર્થે સ્મશાનમાં આવેલી જોગણ આ જ વખતે પોતાની અતીન્દ્રિયોને (ઇન્દ્રિયોને?) બાળી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. (૨.૭.૧૧૫-૧૬) અને વિરાટનો અઘોર રાસ જોઈ કમ્પી ઊઠેલા ઇન્દુકુમારને માથે કફની ઓઢાડી એના આત્માને શાંત કરવા લઈ જાય છે. ફાગણની અજવાળી બીજે આનંદસરોવરની કુંજોમાં રાસ રમાય છે ત્યારે ઇન્દુકુમાર પોતાના વ્રતને યાદ કરે છે. સ્વજન સન્મુખ સંતાવાનો શેષ માસ એને વર્ષ જેવડો લાગે છે, છતાં વ્રતના પાલન અર્થે નિશ્ચય વ્યક્ત કરે છે. (૨.૮.૧૨૩–૨૪ : ‘શેષ માસ’નો સમયગાળો જોકે ચર્ચાસ્પદ છે.) કાન્તિકુમારી પહેલાં તો પોતાનો નાથ જીવનમાં ઊગ્યો અને આથમ્યો એવી નિરાશા વ્યક્ત કરે છે પણ પછી એ રાસ લેતી હોય છે ત્યારે એનાં “ચરણોમાં પગના પાટલીપલ્લવમાં સંતાતો એક પડછાયો” પડતો જુએ છે અને બોલી ઊઠે છે –
એ પડછાયો હતો કે પુરષ?
– એ શેનો પડછાયો?
મ્હારા પ્રાણનો પડછાયો?
કે મ્હારા મનોરથનો પડછાયો? (૨.૮.૧૩૧–૩૨)
એ જ વખતે ભટ્ટરાજ એને ઇન્દુકુમારનો સત્કાર કરવા કહે છે અને ઇન્દુકુમારને એનો પરિચય કરાવે છે. કાન્તિકુમારીએ ઇન્દુકુમારને ઓળખ્યો કે કેમ તે સ્પષ્ટ નથી પણ “દેહધનુષ્યને વાળી તીરછાં દૃષ્ટિબાણ ફેંકતી કાન્તિકુમારી રાસમંડળ ભણી વળે છે” એમાં કંઈક સંકેત રહેલો હોઈ શકે. (૨.૮.૧૩૨–૩૩) ચાલુ થઈ ગયેલ રાસમાં કાન્તિકુમારીનું કોઈ સાથીદાર નથી એટલે ભટ્ટરાજ ઇન્દુકુમારને એને સાથ આપવા વીનવે છે. ઇન્દુકુમાર વ્રતને યાદ કરી “નહીં જ જાઉં” એમ વિચારે છે પણ કોઈ અતીન્દ્રિય દોરદોર્યો રાસમંડળમાં જાય છે, કાંતિકુમારીને ફૂલથી વધાવે છે અને રાસ જામે છે. (૨.૮.૧૩૩–૩૪) રાસ પૂરો થયે કાન્તિ તો બોલી ઊઠે છે – “આ રહ્યો, આ – આ મ્હારો ચન્દ્ર” અને રસતન્દ્રાવંતી એ બેલડી પરસ્પરનાં લોચનમાં લોચન ઢાળી, સ્વપ્નવશ સમી ક્ષણેક ઊભે છે. પ્રમદા તેમને વિખૂટાં પાડે છે અને વનઘટાઓમાં ભમતા ભૂત જેવો ઇન્દુકુમાર અદૃશ્ય થઈ જાય છે. કાંતિકુમારી તો રસસમાધિલીન બની રહે છે અને પાંખડી કહે છે – “એ જ એ અતિથિદેવઃ/કાન્તિબહેન વાટ જોતાં હતાં તે.” પ્રમદા એને ચૂપ કરી દે છે – “બેશ-બેશ. ચબાવલી!/ન્હાનું મોઢું ને મ્હોટા બોલ.” (૨.૮.૧૩૫) કાન્તિકુમારીએ ઇન્દુકુમારને અહીં પૂરેપૂરો ઓળખી લીધેલો હોવો જોઈએ. એ જ વાસ્તવિક છે. બાળસ્નેહીને તો પ્રથમ દર્શને પણ વ્યક્તિ ઓળખી જાય. અહીંનું નિરૂપણ પણ કાન્તિકુમારીને ઇન્દુકુમારની પ્રતીતિ થઈ ગયાનું સૂચવે છે. તેમ છતાં આ પછીથી કાન્તિકુમારીનું વર્તન તો આ હકીકત પ્રત્યે શંકા પ્રેરે એવું છે. પાંખડીને બાળા જોગીએ, જોગણમૈયાના યુવરાજે ઉગારી એવી વાત આવે છે ત્યારે કાન્તિકુમારી એટલું જ બોલે છે કે –
જ્વાળામુખીને શિખરે જોયા હતા
યજ્ઞજ્વાળાની જ્યોત જેવા :
વસન્ત! એ જ ને એ? (૩.૩.૪૦)
બીજું કશું એ સ્મરણમાં લાવતી નથી કે બીજી કોઈ પ્રતિક્રિયા દર્શાવતી નથી. ઊલટું, પન્થી પાણી પીવાને ન આવ્યો અને પોતાને દેહદેશે સંસાર સળવળ્યા છે તેથી ફૂલપરબ સંકેલી લેવાની વાત કરે છે (૩.૩.૪૩) આપણને પ્રશ્ન થાય કે શું કાન્તિકુમારી કૌમારવ્રત છોડી પરણવા માગે છે? પણ હકીકતમાં તો એ જોગણને પૂછે છે – “માજી! હુંયે જોગિયો ધારું તો?” (૩.૪.૬૮) એટલું જ નહીં બીજે દિવસે ફૂલડોલનું પર્વ હોવા છતાં, ફૂલ ઉતારી જોગિયો સાળુ ઓઢીને આવે છે. આનું કારણ એ એવું આપે છે કે “કૌમુદી-ઉત્સવની મધરાતે કાલે/એક ઓળો જતો રહેતો જોયો.” (૩.૫.૭૬) એટલે કે સંસારની ભૂખ જાગી છે, પણ સંસાર માંડવાની શક્યતા નથી માટે વિરહભાવે કે વૈરાગ્યભાવે જોગિયો ધારણ કર્યો છે. આ પ્રસંગે પાંખડી એની સમક્ષ ઇન્દુકુમારનો ઉલ્લેખ કરે છે. “ઝાડીઓમાં ભૂત દેખાય છે, પાંખડી!’ એવું કાન્તિકુમારી કહે છે ત્યારે પાંખડી કહે છે – “ભૂત કે ભૂતેશ્વર? કાન્તિબા!/આવ્યાનાં એંધાણ આવ્યાં – /આગમમાં ભાખ્યાં છે એ.” ત્યારે કાન્તિકુમારી પ્રશ્ન કરે છે – “તો સન્તાય છે શાને?” પાંખડી જવાબમાં ઇન્દુકુમારના એક વર્ષના વ્રતની વાત કરે છે, અને વ્રતના ચાર માસ બાકી છે એવી સ્પષ્ટતા કરે છે. ભટ્ટરાજ પણ કાન્તિકુમારીને શીખ આપે છે કે “તો કલ્યાણી! જ્યમ ત્યમ કરી/કાઢ આ ચાર માસ :” (૩.૫.૮૩–૮૪) પણ કાન્તિકુમારી તો “ફૂલડાંને પગલે ન આવ્યા એ” (૩.૫.૮૫) એવું જ ગાયા કરે છે, જાણે ઇન્દુકુમારની ઉપસ્થિતિની જાણીબૂઝીને ઉપેક્ષા કરતી હોય. ખંડેરવાળા વડલેથી એક જોગી આવશે અને ઓંકારનાં મંદિર માંડશે એવી એક દંતકથા અમૃતપુરમાં છે. (૨.૬.૧૦૪) ઉપરની વાતચીત પછી તરત આનંદસરોવરમાં હોડીમાં વિહરતા ઇન્દુકુમારને જોઈ ફરી પાંખડી એના વિશે કહે છે કે
જોગણ માજીના યુવરાજ :
વસન્તમંદિરના મહંત થશે એ.
અમર કો ઊતર્યા છે અમૃતપુરમાં.
દેવ કહેતા’તા નિજ દેશના છે. (૩.૫.૮૬–૮૭)
ઇન્દુકુમારને જોઈને પ્રમદા પણ સ્વગત બોલે છે કે
અરેરે! ભવ જેવડી ભૂલ આ તો.
ભૂલ તો બેઠી જઈને ક્ષિતિજપાંખે;
ક્ષિતિજ ઝલાય તો એ ઝલાય.
કાન્તિબા! મ્હારો વાંક છે;
મ્હેં અધીરીએ ભૂલાં પાડ્યાં ત્હમને. (૩.૫.૮૭)
આનો અર્થ એ કે પ્રમદા ઇન્દુકુમારને ઓળખે છે, એની સાથે કાન્તિકુમારીનો સંબંધ ન ગોઠવવામાં ભૂલ થઈ છે એવું કબૂલે છે, અને એ ભૂલ હવે સુધરી શકે તેમ નથી એવું પણ કદાચ સૂચવે છે. થોડીજ વારમાં એ કાન્તિકુમારીને વિલાસકુંજો તરફ લઈ જાય. છે. (૩.૫.૮૯) સવાલ એ છે કે જે ઇન્દુકુમારનું વ્રત નિશ્ચિત અવધનું જ હોય અને એની ઓળખ પડી ગઈ હોય તો કાન્તિકુમારીની હતાશા શા માટે? પ્રમદાનો અફસોસ શા માટે? બીજે પ્રસંગે વળી પોતે આતમના અતિથિની પ્રતીક્ષા કરી રહી છે એવું કાન્તિકુમારી કહે છે ત્યારે પાંખડી ફૂલપરબે માથે જોગિયાનું છોગલું નાખી આવતા નવતર અતિથિની એને યાદ દેવડાવે છે. પ્રમદા પણ કહે છે – “કાન્તિબાને દર્શને આવે છે એ –/ ફૂલ લેવાનું તો મિષ છે.” કાન્તિકુમારી અહીં “આવ્યાને આંખે ન ઓળખ્યો” એનો અફસોસ વ્યક્ત કરી અટકી જાય છે. (૩.૬.૧૦૦–૧૦૧) તો થોડી વાર પછી “મુજને મ્હેલી અંતરિયાળ, અમર ઉરભોગી રે!” એવું ઇન્દુકુમાર પ્રત્યે ફરિયાદનું ગીત પણ ગાય છે! પાંખડી, અલબત્ત, પૂછે છે – “નિત્યનિત્યે દર્શને આવે છે/ એને માથે પરહર્યાંના આળ?” ત્યારે કાન્તિકુમારી પાસે “ઉરઆઘાં એ કનેનાંયે આઘાં” એ સિવાય બીજો કશો જવાબ નથી. (૩.૬.૧૦૬) આ બધું બતાવે છે કે કાન્તિકુમારી ઇન્દુકુમારના સંબંધની પરિસ્થિતિના આલેખનમાં કવિએ પરપસ્પર-વિરોધો વહોરી લીધા છે, એ પરિસ્થિતિને અવાસ્તવિક રીતે અસ્પષ્ટ બનાવી દીધી છે અને સરળ સહજ ઉકેલને ઇરાદાપૂર્વક અવરોધ્યો છે. મદ, યૌવન અને પ્રતાપ જેના દિલના દેવ છે (૨.૨.૩૪) અને જે વર્તમાનને એકને જ સાચ્ચો માને છે (૨.૩.૪૭) તથા વસંત એટલે વિલાસ એવું સમજે છે (૩.૪.૭૦) તે પ્રમદા કાન્તિકુમારીને વિલાસને માર્ગે લઈ જવા ઇચ્છે છે અને તે માટે કાન્તિકુમારીની યૌવનની લાગણીઓને સ્પર્શવા વારેવારે મથે છે. આના પરિણામની કલ્પના નાટકનાં બીજાં પાત્રોને પણ ક્યારેક-ક્યારેક આવી છે. પૂર્ણિમાએ કૌમુદી-ઉત્સવ ઊજવવા પોતાને ત્યાં આવવાનું પ્રમદા યશને નિમંત્રણ આપે છે અને કાંતિ પણ એ અંગે ઉમળકાથી વાત કરે છે ત્યારે કાંચન એક કોરે આડું જોઈને બોલે છે – “ને ત્ય્હાં પ્રમદાસુન્દરીના જાજરમાન /કાન્તિબાની મુગ્ધતાને ઝંખવશે.” (૩.૨.૧૮) પૂર્ણિમાને દિવસે જોગણ વસન્તધર્મ શીખવે છે અને પ્રમદા “વસન્ત એટલે વિલાસ” એવું કાંતિને સમજાવે છે ત્યારે વસન્ત પણ સ્વગત બોલે છે – “આ પ્રમદા કાન્તિને પછાડશે કે શું?” (૩.૪.૭૦) બીજે દિવસે ફૂલડોલના ઉત્સવ વેળા કાન્તિકુમારી જોગિયાનો વેશ પહેરી પોતાના જીવનના સૂનકારની વાત કરતી ઝૂર્યા કરે છે ત્યારે પ્રમદા વેલપડદા પાછળ રહેલી વિલાસકુંજો બતાવે છે અને એટલે આઘે નહીં તો પડોશમાં પધારવા વીનવે છે. વસન્ત કહે છે કે “ભાભી! ત્ય્હાં તો છે કૌવચનાં વન” અને કાન્તિ પણ કહે છે – “ભાભી! એ નથી મ્હારો દેશ” તોપણ પ્રમદા એને વિલાસકુંજોને માર્ગે લઈ તો જાય છે. (૩.૫.૮૮–૮૯) તેમ છતાં આ દિવસે કાન્તિ વિલાસકુંજો સુધી પહોંચી ન હોય એમ લાગે છે. કેમકે એ ઘટના તો આ પછી અમાસને દિવસે જ બને છે. અમાસને દિને ખગ્રાસ સૂર્યગ્રહણ છે. એ જોવાને માટે ભટ્ટરાજ અને યશદેવી સાગરતીરે દૂરબીન લઈને પહોંચ્યાં છે. ત્યાં કાન્તિકુમારી અને પ્રમદા પણ આવે છે. પ્રમદાને આજે કાન્તિનું સૌંદર્ય એવું ઊઘડેલું લાગે છે કે એને સ્ત્રીનેયે એનો મોહ થાય છે. (૩.૬.૯૬) રાજદંપતી ગયા પછી કાન્તિકુમારી પોતાનેયે જવા દેવાનું કહે છે ત્યારે પ્રમદા એને નિર્બંધ સ્વતંત્રતાની વાડીઓ સમી વિલાસકુંજોની ઝાંખી કરવાનું કહે છે. (૩.૬.૯૯) કાન્તિકુમારી પોતાના આત્માના અતિથિ ઇન્દુકુમારની યાદમાં ઝૂરે છે ત્યારે પ્રમદા એને ‘આ પ્રાર્થતા’ને પરણવાનું સૂચવે છે. કાન્તિકુમારી એને જવાબ વાળે છે કે “–ને આ તો છે માંસાહારીઃ;/નાખજે મ્હારા માંસનો ઢગલો એને.” (૩.૬.૧૦૦) એમાં જાણે કાન્તિકુમારી સંસારલગ્ન માટે તૈયાર હોય એવું સૂચવાય છે. પણ થોડી વાર પછી પ્રમાદ વિલાસકુંજોમાં ઝબકતા બે મણિઓ બતાવે છે ત્યારે કાન્તિકુમારી કહે છે –
કય્હાં? – હા; એ તો છે વાઘની આંખો;
માંસભૂખી ને અંગારાઝરતી.
પ્રેમપંખિણીના મારગ નથી એ.
મ્હારો મારગ છે શિખરનો. (૩.૬.૧૧૧)
એટલું જ નહીં, શિખરમાર્ગે જોગિયાનું છોગલું એને દેખાય છે, “ત્ય્હાં છે મ્હારો પ્રેમદેવ ને પ્રેમકેડીઃ / મ્હારો વસન્તમંદિરનો મહન્ત! /એ – એ; એ જ આતમદેવ –” એમ એ ઉદ્ગારે છે, પણ ત્યાં મેઘાડંબરનું ઘમસાણ જામે છે અને કાન્તિકુમારીની કરવેલ ઝાલી, પ્રેરી, દોરી, આકર્ષી, ધક્કેલી પ્રમદાસુંદરી એને બેએક પગથિયાં ઉતારે છે. હવામાંથી બાણ વાગ્યા સમું કાન્તિકુમારીને ત્યાં થાય છે. કુમારી પાછી વળે છે, પગલુંક પાછું ભરે છે. એવે વખતે વીજળી પડે છે, વિશ્વશિખરે ખગ્રાસ ગ્રહણ ઝઝૂમી રહે છે. ધૂમ્રવાદળ શો ડગમગતો, કાજળકાળો, વજ્રછાટ સમો એક પડછાયો ઝુંડમાં જાય છે. પાંખડી ઉદ્ગારી ઊઠે છે – “ધાવ રે! પુણ્યનાં પાણીએ./ વીજળી પડી, પાંખો જળી ગઈ.” (૩.૬.૧૧૨) સૂચન એવું લાગે છે કે પ્રમદા કાન્તિકુમારીને વિલાસકુંજોમાં લઈ જઈ દેહભ્રષ્ટ કરવા શક્તિમાન નીવડી છે બીજે દિવસે એ કહે જ છે કે “કાન્તિબા તરસ્યાં હતાં;/ ને મ્હેં તો પરિતર્પ્યાં એમને.” કાન્તિ ત્યારથી મૂર્છિત અવસ્થામાં છે અને પ્રમદાને ગાલે કાળો ડાઘ છે; પણ એનો ખુલાસો તો પ્રમદા એવો કરે છે કે “કાલે વીજળી પડી તે/ કાન્તિબા કજળ્યાં ને હું સ્હોરાઈ.” (૩.૭.૧૧૫–૧૬) જોગણ પણ પછીથી કાન્તિકુમારી વિશે “પ્રેરણાપંખાળી પરણીને પાંગળી થઈ.” અને “ન પરણ્યા શું પરણી” વગેરે કહે છે. (૩.૮.૧૪૨) તે પણ કાન્તિકુમારીના જીવનમાં શું ઘટી ગયું તેનો નિર્દેશ કરે છે. ફાગણની અજવાળી બીજ પછી ઇન્દુકુમાર તો ક્યાંક અલપઝલપ દેખાય છે કે પાંખડીને એણે ઉગારી એવી કોઈક એની વાત આવે છે. પ્રીતમ દરિયામાં ડૂબ્યા પછી જીવણદાસે આનંદ ભગત બનીને પોતાના પૈસામાંથી ઓંકારનાથનું જે વસંતમંદિર બંધાવવા માંડેલું તે હવે પૂરું થવામાં છે. આનંદભગતની તુંબડીમાંથી કારીગરોને ઉદારતાથી રોજી અપાય છે. કારીગરોમાંથી કોઈ એમ માને છે કે એ તુંબડી મંત્રેલી છે, ભગતનું અખેપાત્ર છે, કોઈ એમ માને છે કે ભગત સોનાનો કીમિયો જાણે છે અને ગુફામાં અઢળક સોનામહોરો ભરી છે, તો કોઈ કહે છે કે ગુફામાં તો મણિધરના મણિ ઝગમગે છે. (૩.૧.૫–૬) વિલાસને પણ ભગત એકાદશીએ-એકાદશીએ બે સોનામહોર આપે છે અને એના બાળુડાને એક. (૩.૭.૧૨૬) એટલું જ નહીં પણ જોબનવંટોળમાં ઝોલાં ખાતી વિલાસ “મ્હેં તો મનભર માણી લીધું” એમ કહે છે ત્યારે એને સાચી જગત્સંન્યાસિણી તરીકે અભિનંદે છે. (૩.૧.૧૮) ઓંકારનાથના વસંતમંદિરની ચૈત્રી પડવાને દિવસે પ્રાણપ્રતિષ્ઠા થાય છે. આપણે ત્યાં ગ્રહણની આજુબાજુના અમુક દિવસોમાં આવું મંગલ કાર્ય ન કરી શકાય એવું વિધાન છે પણ અહીં તો ખગ્રાસ ગ્રહણને બીજે દિવસે જ આ મંગલ કાર્ય થાય છે! આચાર્યપદે જયદેવ છે, યજમાનપદે ઇન્દુકુમાર છે (૩.૭.૧૨૨) પણ યજ્ઞની પૂર્ણાહુતિ થતાં જોગણ પાટ નીચેથી અંચળો કાઢી ઇન્દુકુમારને ઓઢાડે છે, અને ઇન્દુકુમારમાંથી ઇન્દુદેવ બનાવી વસંતમંદિરના મહંત તરીકે સ્થાપે છે, એને ‘અમરનાથ’ તરીકે અહીં જોગણ સંબોધે છે તે બતાવે કે જોગણે પોતાના શિષ્ય ઇન્દુકુમારનો પૂર્વ ઇતિહાસ જાણી લીધો છે. ‘અમરનાથ’નું નામ પડતાં આનંદ ભગત એને પગે પડે છે અને પોતાનો પરિચય આપી એના ચરુઓ એને સંભાળી લેવા કહે છે. વિલાસ પણ જીવણદાસને ઓળખે છે અને પ્રમદાને અફસોસ થાય છે કે કાન્તિકુમારીનો સંબંધ ઇન્દુકુમાર સાથે ન જોડ્યો, તેમ પોતે પ્રીતમે બોલાવી હતી ત્યારે વિલાસકુંજે ન ગઈ. (૩.૭.૧૨૩–૨૭) આનંદભગત વિલાસને પૂછે છે કે વીજળી પડી ત્યારે વીજસ્નાન કર્યું હતું કે નહીં? વિલાસે ‘હા’ પાડતાં વીજજ્વાળામાં શુદ્ધ થયેલી એને વસંતમંદિરે પહેલી સંન્યાસિની ‘આનંદિની’ તરીકે સ્થાપે છે. (૩.૭.૧૨૭) ઇન્દુકુમારને ઘડીભર અસ્વસ્થતા આવી જાય છે, “મારા આત્માની પાંખ /મારા જીવનની પ્રેરણાઃ /ક્ષિતિજ ઓળંગી આથમી ગઈ” એવું એ ઉદ્ગારી ઊઠે છે પણ જોગણ એને માથે હાથ મૂકી એનામાં સ્વસ્થતા સંચારે છે અને “ઇન્દુદેવ! આંખ હોય ત્હેને/ધ્રુવતારલી અનસ્ત છે” એવું આશ્વાસન આપે છે. (૩.૭.૧૩૦) મધ્યાહ્ને પ્રાણપ્રતિષ્ઠાનું આહ્વાન કરવામાં આવે છે અને ઓંકારનાથની આરતી ઉતારાય છે. (૩.૭.૧૩૩–૩૪) ચૈત્રી બીજની ચંદ્રલેખા ઊગે છે ત્યારે ઇન્દુકુમાર સાગરતીરે ભમતો હોય છે અને એના ચિત્તમાં ઘેરા સંઘર્ષો ચાલે છે. મહંતાઈનો અંચળો ઓઢી મંદિરમાં પુરાવાનું એને ગમતું નથી, એમાં પરતંત્રતા લાગે છે અને કાન્તિકુમારીના વિચારો પણ એને પજવ્યા કરે છે. હજુ કાન્તિકુમારી મૂર્છામાં છે એમ જાણી એને પ્રશ્ન થાય છે. કે “દૃષ્ટે દેખાતી’તી એ આથમી જશે?” એ પરણી હોય તોય એની કળી સમ કૌમારજ્યોત પોતાને માટે આરાધ્ય છે – ‘મુજ વૈષ્ણવની બાલમુકુન્દની” – એમ એ વિચારે છે. (૩.૮.૧૩૬–૩૭) “મ્હારે વિશ્વ વીણવાં છે હજીઃ /વિશ્વ વીણી મનુકુળને વધાવવું છે.” એવી ભાવનાથી એ સાધુતાની સોનાબેડીઓ સમો મહંતાઈનો અંચળો અંગ પરથી ઉતારી નાખે છે અને વાયુલહરી એ અંચળાને જલધિજલમાં પધરાવે છે. (૩.૮.૧૩૯) ત્યાં બરાબર નેપાળી જોગણ વિદાય લેવા આવે છે. માનવસૂર્યો સર્જવા એને હવે વિશ્વમાં ભમવાનું છે. ઇન્દુકુમાર એને પૂછે છે કે કુમારમાંથી દેવ બનાવ્યો અને હવે છોડી જાઓ છો? ત્યારે જોગણ જવાબ વાળે છે કે માતા બાળકને જ ધવરાવે, જુવાનને નહીં. (૩.૮.૧૫૦) ઇન્દુકુમાર સાથે આવવા રજા માગે છે કેમકે એને પણ ‘વિશ્વ વીણવાં’ છે. અને પ્રશ્ન કરે છે કે પ્રિયતમા પરવારી ગઈ, માતાયે આજ જાય છે, પછી આયુષ્યમાં શા આધારે જીવવાનું? જોગણ ઇન્દુકુમારને સમજાવે છે કે નથી વર્યો છતાંયે વર્યા જેવો એ છે અને એનો પ્રાણ તો પરિતૃપ્ત થયો છે. માટે એણે પ્રેમપ્રભુના અગ્નિહોત્રી થઈને રહેવું. (૩.૮.૧૪૪) “ઇન્દુકમાર એક પ્રણયપંખિણીનો હતો; / ઇન્દુદેવ જગતની જોગણોનો થયો /પૂજક, પ્રશંસક, પ્રારબ્ધ ઘડનાર.” (૩.૮.૧૪૭) જગતની જોગણોને વીણીવીણીને હવે એની પાસે પોતે પાઠવશે અને “ભૂખીતરસી નહીં રહે હવે જગતના જોગીઓની જમાત’ એવો હેતુ પણ જોગણ સ્પષ્ટ કરે છે. (૩.૮.૧૫૦) એટલામાં ત્યાં આવેલી પાંખડીનો ઇન્દુકુમાર આધાર લે છે – માતા, પ્રિયતમા ગયા પછી પુત્રી પુરુષનો આધાર છે એમ કહીને. જોગણ પણ પાંખડીને ઇન્દુદેવનો આધાર બનવાનું કહે છે. (૩.૮.૧૩૯) ઇન્દુકુમાર, છેવટે, જોગણને એક રાત રહી જવા વિનંતી કરે છે અને જોગણ એ કબૂલ રાખે છે. (૩.૮.૧૪૧) પછી, જોગણ સાગરને વધાવવાને જાય છે ત્યાં મહંતાઈનો અંચળો જળલહરીમાં લહરતો જુએ છે એને ઉપાડી લઈ એ પાછી ફરે છે અને જોગીને જોગઅંચળાનો ભાર ન હોય એમ સમજાવી ઇન્દુકુમારને પાછો ઓઢાડે છે અને જોગગુફાઓ તરફ એને દોરી જાય છે. (૩.૮.૧૫૧–૫૩) પછીને દિવસે ઇન્દુકુમાર ઓંકારનાથને મંદિરે સર્વમેધયજ્ઞ આદરે છે. હજુ ઇન્દુકુમારના મનમાં અધૂરપની એક લાગણી રહી ગઈ છે – સંસારની વાસનાનો સ્પર્શ રહી ગયો છે. વિશ્વજિત યજ્ઞ તો પતિપત્નીથી સંગાથે થાય, પાંખડી જ્યારે કહે છે કે “ત્હમારી આંખમાં ને હૈયામાં/ પત્ની પધરાવેલાં જ છે સ્તો!’ ત્યારે ઇન્દુકુમાર જવાબ આપે છે – “જોગી ભાવથી તર્પાય છે, / માનવી મનમાંની મૂર્તિ માગે છે.” સઘળું લૂંટાવી રહેલા ઇન્દુકુમાર પાસે પાંખડી એનું રતનમાદળિયું માગી લે છે. ઇન્દુકમાર સ્તબ્ધ થઈ જાય છે. પણ જોગણ એને આત્માની છેલ્લી ગ્રંથી છોડી દેવા પ્રેરે છે. ઇન્દુકુમાર રતનમાદળિયું ઉતારી, લલાટે ચાંપી, “મહીં છે મ્હારી હૈયાલક્ષ્મી” એમ કહી પાંખડીને આપી દે છે. (૩.૯.૧૫૯–૬૧) કાન્તિકુમારી સંન્યાસ લેવાની છે એવી એક લોકવાયકા તો હતી જ (૩.૮.૧૪૨) પણ જોગણ હવે જ્યારે વિદાય લે છે ત્યારે “સજીવન થઈ હશે તો /જગત્યાત્રામાં મ્હારે થશે અમૃતપુરની સંન્યાસિણીનો સાથ.” એમ કહે છે અને પછી લોકો ક્ષિતિજે બે જોગણોને જતી પણ જુએ છે. (૩.૯.૧૬૪–૬૫) કાન્તિકુમારીને વિલાસકુંજોના અનુભવ પછી કવિ આપણી સામે લાવતા નથી એ નોંધપાત્ર છે. જોગણ ગયા પછી પાંખડીની અંજલિમાં રહેલા માદળિયાને ઇન્દુકુમાર કુંકુમઅક્ષતે પૂજે છે. પૃથ્વીનાં વસનો અને પૂજનના મોહ હજુ જાણે છૂટતાં નથી. પાંખડીની ફૂલછાબનો પુષ્પમુગટ એ માદળિયાને ધરાવે છે ત્યારે “હવે મ્હારે ફૂલછાબે શી? / ને ઇન્દુદેવ! ફૂલપરબે શી?’ એમ કહી પાંખડી ફૂલછાબને ઝીલીને સાગરજળમાં પધરાવે છે. (૩.૯.૧૬૫–૬૬) કવિના વર્ણનમાં એ પૂરેપૂરું સ્પષ્ટ નથી, પણ ફૂલછાબ સાથે માદળિયાને પણ સાગરમાં પધરાવવાનો અને એ રીતે સંસાર સાથેના ઇન્દુકુમારના સંબંધનો છેલ્લો તંતુ પણ છોડી નાખવાનો અહીં સંકેત હોય એવું અનુમાન થાય છે. “ઇન્દુદેવના જીવનયજ્ઞનાં /આજે પ્રારંભ કે પૂર્ણાહુતિ?” એવો પ્રશ્ન નાટકમાં આવે જ છે. (૩.૯.૧૫૭) અને ‘જયાજયંત’માંની ભાવના ઇન્દુકુમારનો ચોથો અંક થવાની હતી હતી એમ લેખકે પોતે કહ્યું છે (૩. સંકેલન.૧૬૮) એ જોતાં ઇન્દુકુમાર અને કાન્તિકુમારી હવે દેહના અધ્યાસમાંથી મુક્ત થવાની કક્ષાએ પહોંચ્યાં છે એમ બતાવવાનો લેખકનો આશય જણાય છે. એમની આત્મનિષ્ઠ પ્રીતિની કથા હવે પછી આવે. ‘ઇન્દુકુમાર’ની આ કથાસંઘટનામાં ઘણા મુદ્દાઓ ચર્ચવા જેવા છે પણ એ એક બીજા લેખનો વિષય છે. માટે અહીં અટકીએ.
પાદટીપ : ૧. અહીં ‘ઇન્દુકુમાર’ના અંક ૧,૨,૩નાં અનુક્રમે ઈ.સ. ૧૯૬૦, ઈ.સ. ૧૯૬૦ અને ઈ.સ. ૧૯૫૧નાં મુદ્રણોનો ઉપયોગ કર્યો છે. સંદર્ભ અંક, પ્રવેશ, પૃષ્ઠ એ ક્રમે આપ્યો છે. ૨. નાટકમાં પાંખડીની માનું નામ સરલતા છે, જે કદાચ છાપભૂલ હોવાની શકયતા છે. ટિપ્પણમાં (પૃ. ૧૧૮) રસલતા નામ છે, જે અહીં સ્વીકાર્યું છે. ૩. ન્હાનાલાલે ‘પ્હાડ’ શબ્દ લખ્યો છે, પણ એ ‘પાડ” (=આભાર) જોઈએ એમ લાગે છે.
[૯ ફેબ્રુઆરી ૧૯૭૭; ‘ન્હાનાલાલ અધ્યયન ગ્રંથ’ (બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢ), ૧૯૭૭; ‘બુદ્ધિપ્રકાશ’, જુલાઈ-ઑગષ્ટ ૧૯૭૭]
- ↑ ૧