અનેકએક/જળ
જળ
૧
પથ્થરોને ખસેડી
સર્યું બુંદ
તળાવમાં
ખડકજડ રાશિ સળવળ્યો
તરંગલયે
પવન વહ્યો વનરાજિમાં
વેરાયો આકાશમાં
આકાશે
શતસહસ્ર અંગુલિઓથી ઉત્તેજી પૃથ્વીને
પૃથ્વીએ
ઉછાળ્યા સમુદ્ર
ફંગોળ્યા પર્વતો
સમુદ્રે
અગ્નિને જળસરસો રાખ્યો
પર્વતોએ
ધાર્યાં ધર્યાં જળ
જળ
ઠર્યાં તપ્યાં વહ્યાં
ઊડ્યાં વરાળ વાદળમાં
પ્રસર્યાં ધુમ્મસમાં
ઝર્યાં ઝાકળમાં
આમ તો
પૃથ્વી પછી,
પહેલાં અગ્નિ
પછી જળ
પછી અગ્નિ જળ પવને આરંભી ક્રીડા
આકાશે છંટકાર્યા સૂર્ય
જળબિંબ તળે
ઉપર
જળ વહ્યાં
જળ છુપાયાં છલકાયાં
ચમક્યાં પથ્થરોમાં
બુઝાયાં
૨
ખળભળ્યાં, ઊછળ્યાં
વીંટળાઈ વળ્યાં
બળ પ્રગટ્યાં, નાદ જાગ્યા
ફોરાં ફોરાં થયાં
પછડાયાં
જળ... ભળી ગયાં જળમાં
ઊંડે ઊતર્યાં
પૃથ્વીમાં ફર્યાં
એક પડખે અગ્નિ
એક પડખે અંધારાં
તળ ફંફોસ્યાં
જળ... મળી ગયાં જળને
રૂપ લીધાં
વરાળ થઈ વાયુ દેખાડ્યા
વાદળ થઈ સૂર્યની સમીપ ગયાં
હિમ થઈ
શાંત પ્રશાંત સ્થિર સ્થિત રહ્યાં
વનસ્પતિમાં
રસ રંગ ગંધ ફળ થયાં
જળ... કળી ગયાં જળને