અન્વેષણા/૨૪. મોગલકાલીન ગુજરાતના બે વીર મુત્સદ્દીઓ
પરન્તુ રાજનીતિ ઉપરાંત યુદ્ધવિદ્યામાં પણ ખ્યાતિ મેળવનાર મોગલકાલના બે પ્રસિદ્ધ ગુજરાતીઓનો પરિચય આ વાર્તાલાપમાં હું આપીશ. એ બે મુત્સદ્દીઓ તે મહેતા ઈશ્વરદાસ અને રાજા છબિલારામ બહાદુર. મહેતા ઈશ્વરદાસ એક કુશળ વહીવટકર્તા અને મુત્સદ્દી હોવા ઉપરાંત વિદ્વાન પણ હતા. તેઓ ઔરંગઝેબના સમકાલીન હતા. ઔરંગઝેબના રાજ્યકાળની, હિન્દુઓના હાથે ફારસીમાં લખાયેલી, અત્યંત મૂલ્યવાન એવી સમકાલીન તવારીખો બે છે—એક, બુરાનપુરના ભીમસેન કાયસ્થે રચેલ ‘નુસ્ક-ઈ-દિલકશ’ અને બીજી, પાટણના નાગર ઈશ્વરદાસે રચેલ ‘ફુતુહાત-ઈ-આલમગીરી’ અથવા ‘આલમગીરની ફત્તેહો.’ યોગ્ય કેળવણી લીધા પછી ઈશ્વરદાસે મોગલ સામ્રાજ્યના મુખ્ય કાઝી અર્થાત્ સર્વોચ્ચ ન્યાયાધીશ શેખ-ઉલ-ઈસ્લામના હાથ નીચે નોકરી લીધી હતી. મુખ્ય કાઝી તરીકે આ શેખ દરબારમાં અને સવારીમાં ઔરંગઝેબની સાથે રહેતો હતો, અને તેથી ઈશ્વરદાસને તત્કાલીન ઇતિહાસના અનેક પ્રસંગો નિકટથી નિહાળવાની કે જાણવાની તક મળી હશે, અને એ અનુભવ તેમને જીવનમાં તેમ જ ઔરંગઝેબ વિષેની પોતાની ફારસી તવારીખના આલેખનમાં ઉપયોગી થયો હશે. બીજાપુર અને ગેાવલકોંડાના સુલતાનો સાથે યુદ્ધ નહિ કરવાની સલાહ મુખ્ય કાઝી તરીકે શેખ-ઉલ-ઇસ્લામે ઔરંગઝેબને આપી હતી, પરન્તુ ઔરંગઝેબે તેનો અસ્વીકાર કરવાથી પોતાના ઓદ્ધાનું રાજીનામું આપીને ઈ.સ.૧૬૮૪માં શેખ-ઉલ-ઇસ્લામ મક્કાની હજ કરવા નીકળ્યો હતો. એ સમયે ઈશ્વરદાસની વય ત્રીસ વર્ષની હતી. ત્યાર પછી ઈશ્વરદાસે ગુજરાતના સૂબા શુજાતખાન પાસે નોકરી લીધી, અને શુજાતખાને તેમની નિમણૂક તુરત જ જોધપુરના વસુલાતી અધિકારી તરીકે કરી. જોધપુરના વીર દુર્ગાદાસ રાઠોડ અને ઔરંગઝેબ વચ્ચે સંધિ કરાવવાનું ઈશ્વરદાસના જીવનનું સૌથી મહત્ત્વનું રાજકીય કાર્ય ત્યારથી શરૂ થયું. આ પ્રસંગની થોડીક પૂર્વભૂમિકા જોઈએ. ઔરંગઝેબના તૂટતા સામ્રાજ્યને મજબૂત ટેકો આપી ટકાવી રાખનાર જોધપુરના રાજા જશવંતસિંહે અફઘાનિસ્તાનમાં એ સામ્રાજ્યનું સંરક્ષણ કરતાં પ્રાણ ગુમાવ્યા પછી ઔરંગઝેબે જોધપુરનું રાજ્ય ખાલસા કર્યુ અને જશવંતિસંહના બાળકપુત્ર અજિતસિંહનો હક્ક સ્વીકારવાની ના પાડી. એ વખતે જશવંતસિંહના પ્રધાનપુત્ર રાઠોડ વીર દુર્ગાદાસે અજિતસિંહ અને મારવાડને બચાવવાનું બીડું ઝડપ્યું, અને અનેક સંકટોની વચ્ચે મહાન મોગલ સમ્રાટ સામે લગભગ ત્રીસ વર્ષોનો કપરો વિગ્રહ ખેડયો. ઔરંગઝેબના ચોથા પુત્ર મુહમ્મદ અકબરે પોતાના પિતા સામે બળવો કર્યો હતો, પણ હારી જવાથી તેણે રાયગઢમાં રાજા સંભાજીના દરબારમાં દુર્ગાદાસ મારફત આશ્રય લીધો હતો. શાહજાદો અકબર પાછળથી ઈરાન ચાલ્યો ગયો હતો, પણ પોતાના બાલપુત્ર બુલંદ અખ્તર અને પુત્રી સફિયત-ઉન્-નિસાની સોંપણી દુર્ગાદાસને કરી ગયેા હતો; અને મુસ્લિમ રાજકુટુંબનાં બાળકોને છાજતી તમામ કેળવણી તેમને આપવાનો પ્રબંધ દુર્ગાદાસે કર્યો હતો, અને શાહજાદીને તો કુરાનનું શિક્ષણ આપવા માટે એક મુસ્લિમ શિક્ષિકા રોકી હતી. ઔરંગઝેબ પોતાનાં પૌત્રપૌત્રીને પાછાં મેળવવા અને એ રીતે પોતાના કુળની આબરૂ સાચવવા આતુર હતો, તે સાથે દુર્ગાદાસ પણ જબ્બર સામ્રાજ્ય સાથેના લાંબા વિગ્રહથી તથા સતત યુદ્ધને કારણે મારવાડના પ્રદેશની થતી ખાનાખરાબીથી કંટાળી ગયો હતો. એક તરફ ગર્વિષ્ઠ સમ્રાટ અને બીજી તરફ અટંકી વીર—એ બે વચ્ચેની સંધિ ઈશ્વરદાસે કુનેહથી કરાવી. બાદશાહ એ સમયે દક્ષિણમાં હતા અને દુર્ગાદાસ મારવાડના કોઈ એક અભેદ્ય દુર્ગમાં હતો; તેથી એ બંને વચ્ચેની મુલાકાત અમદાવાદમાં યોજાઈ, એનું ઝીણવટભર્યુ વર્ણન ઈશ્વરદાસે ‘ફુતુહાત-ઈ-આલમગીરી’માં કર્યું છે. ઔરંગઝેબે ઈશ્વરદાસને ઊંચો લશ્કરી ઓદ્ધો તથા મેડતા ગામની જાગીર આપ્યાં હતાં એવો ઉલ્લેખ તો ગ્રન્થમાં જ મળે છે. ‘ફુતુહાત-ઈ-આલમગીરી’ ગ્રન્થ ઈશ્વરદાસે પોતાની ૭૬ વર્ષની વૃદ્ધ વયે ઈ.સ. ૧૭૩૧માં પૂરો કર્યો હતો; અર્થાત્ એ ગ્રન્થ તેમના નિવૃત્તિકાળમાં રચાયેલો છે. અનુમાન કરી શકાય કે તેમના વતન પાટણમાં અથવા એમના જાગીરના ગામ મેડતામાં તે લખાયો હોય. ‘લાલા ખુશહાલની જાણ માટે’ તે રચાયો હોવાની નોંધ પુષ્પિકામાં છે. ‘દસ્તુર-ઈ-અમલ-ઈ-શાહાનશાહી' નામે બીજી એક ફારસી તવારીખમાં ઈશ્વરદાસના પુત્ર વ્રજરાયના પુત્ર કોઈ લાલાસાહેબ વિષે નિર્દેશ છે. હવે, જો ‘લાલા ખુશહાલ' અને ‘લાલાસાહેબ’ એક જ હોય તો એમ કહી શકાય કે ઈશ્વરદાસે પોતાના અનુભવસમૃદ્ધ જીવનનાં સંસ્મરણોની પોતાના પૌત્રને જાણ કરવા માટે ‘ફુતુહાત-ઈ-આલમગીરી’નું લેખન કર્યું હોય. ઈશ્વરદાસના વંશજો વિષે પાટણની નાગર જ્ઞાતિમાં કોઈ કંઈ જાણતું નથી. એમના કુટુંબનો કાંતો ઉચ્છેદ થયો હોય અથવા કુટુંબે કદાચ વતન બદલ્યું હોય. શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહની તાજેતરમાં પ્રગટ થયેલી પ્રલંબ બનવલકથા ‘કંટકછાયો પંથ'માં ઈશ્વરદાસના વંશજોની કુટુંબકથા આલેખાયેલી છે, પરન્તુ એ તો એક સર્જકની કલ્પનાસૃષ્ટિ જ છે. ઈશ્વરદદાસે રચેલી ફારસી તવારીખ ‘ફુતુહાત-ઈ-આલમગીરી’ હજુ અપ્રગટ છે. એની એક માત્ર હસ્તપ્રત લંડનના બ્રિટિશ મ્યૂઝિયમમાં સચવાયેલી છે, અને તેનો ઉપયોગ સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી. જદુનાથ સરકારે ઔરંગઝેબ વિષેનો પોતાના મહાગ્રન્થ લખવામાં કર્યો હતો. પરંતુ મૂળ ફારસી તવારીખનું પ્રકાશન ગુજરાતની કોઈ સંસ્થાએ કરવા જેવું ગણાય. રાજા છબિલદાસ બહાદુર તથા એમના કુટુંબીઓ અને વંશજો ગિરધર બહાદુર, દયા બહાદુર, ચમન બહાદુર ઉર્ફે ભવાનીરામ, રાજા ગુલાબરાય, રાજા આનંદરાય વગેરેએ ઔરંગઝેબ પછીના ઉત્તર મોગલયુગમાં રાજ્ય પ્રકરણ અને યુદ્ધકલાના વિષયમાં મોટી નામના મેળવી હતી. કવિ નર્મદાશંકરે ‘હિન્દુઓની પડતી’ એ કાવ્યમાં તેમને બિરદાવતાં કહ્યું છેઃ
રાજા છબિલારામ, જજિયો માફ કરાવ્યો;
જનહિતેચ્છુ તેહ, પ્રજાને મન બહુ ભાવ્યો.
સુબા માળવા માંહ્ય, અમલ રાજા ગિરધરનો;
શૂરો નાગર આજ, કહાં છે ઊંચા ઘરનો ?
જુદ્ધ મરાઠા સાથે, દયાએ ખૂબ મચાવ્યું;
નામ તવારીખ માંહ્ય, શૂરવીરોમાં રાખ્યું.
છબિલારામ ગુજરાતના નાગર હતા, પણ તેઓ ક્યાંના વતની હતા એ નક્કી થઈ શકે એમ નથી. પરન્તુ તેમની કર્મભૂમિ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હતી. ઉત્તર પ્રદેશમાં વસેલા ગુજરાતી નાગરો આજે પણ ત્યાં ‘સિપાહી નાગર' તરીકે એળખાય છે એ વસ્તુ તેમના જેવા પરાક્રમી પુરુષોએ સ્થાપેલી પરંપરાનું સ્મરણ કરાવે છે. છબિલારામના પુત્ર દયા બહાદુરની પુત્રી વેણીકુંવરનું લગ્ન જૂનાગઢના નાગર ગૃહસ્થ કુંવરજી મહેતા સાથે થયું હતું. કુંવરજી અને વેણીકુંવરના પુત્ર તે જૂનાગઢના સુપ્રસિદ્ધ દીવાન અને વીર મુત્સદ્દી અમરજી. અમરજીના પુત્ર રણછોડજીએ ‘તવારીખે સોરઠ’ એ નામના પોતાના ફારસી ઇતિહાસગ્રન્થમાં કહ્યું છે કે, દિલ્હીના પુરાણા કિલ્લામાંના એક કૂવામાંથી અકબર બાદશાહને બે શિવલિંગ મળ્યાં હતાં અને તે શાહી દેવઘરમાં પુજાતાં હતાં. ફરૂખશિયર બાદશાહે એમાંનું એક શિવલિંગ છબિલારામને ભેટ આપ્યું હતું. અને દયા બહાદુરે પોતાની પુત્રી વેણીકુંવરને એ કન્યાદાનમાં આપ્યું હતું. બુઢ્ઢા બાવા નામથી ઓળખાતુ એ બાણ જૂનાગઢમાં લક્ષ્મીશંકર દીવાનના કુંટુબમાં આજ અને બુસુધી છે ઢ્ઢેશ્વર નામથી ઓળખાય છે. છબિલારામના ભાઈ હૃદયરામે કાશીના નાગર બ્રાહ્મણોને આપેલી બ્રહ્મપુરી અને તેનું દાનપત્ર આજે મોજૂદ છે અને લખનૌમાં ‘રાનીકા કત્રા’ નામની બજાર છબિલારામની પત્નીએ બંધાવી હતી એવી કિંવદંતી છે, ફરૂખશિયર અને જહાંદરશાહ વચ્ચે આગ્રા પાસે યુદ્ધ થયું અને મુખ્યત્વે સિપાહી નાગરોની સહાયથી ફરૂખશિયરનો વિજય થયો; તેમાં છબિલારામ વગેરેના પરાક્રમનું વર્ણન કરતું ‘જંગનામાં’ એ નામનું હિન્દી કાવ્ય અલ્હાબાદનિવાસી કવિ શ્રીધર અથવા મુરલીધરે તે સમયે રચેલું છે. આ યુદ્ધ થયું ત્યાર પહેલાં જ, છબિલારામ અને દયા બહાદુર મોગલ સામ્રાજ્યમાં ઊંચા લશ્કરી ઓદ્ધાઓ ઉપર હતા. પરન્તુ એ પછી ફરૂખશિયર બાદશાહે છબિલારામને ‘દીવાને ખાલસા’ એટલે નાણાપ્રધાન તરીકે નીમ્યા તથા પાંચ હજારી મનસબદારનો અને રાજા બહાદુરનો એમ બે ખિતાબો આપ્યા. પરન્તુ છબિલારામે કોઈ વિશેષ અંગત લાભ મેળવવાને બદલે, ઔરંગઝેબના સમયથી — ચોત્રીસ વર્ષથી ચાલ્યો આવતો જજીયાવેરો રદ્દ કરવાનું ફરમાન ફરૂખશિયર પાસેથી મેળવીને સમસ્ત હિન્દુ પ્રજાના આશીર્વાદ મેળવ્યા. બાદશાહી ફરમાનના મૂળ ફારસી લેખ સાથે તત્કાલીન મોગલ સામ્રાજ્યના ચાર સર્વોચ્ચ અધિકારીઓનાં ચિત્ર છે, જેમાં મોગલાઈ પોશાકમાં છબિલારામની સુન્દર છબિ પણ છે. આ વીર મુત્સદ્દીનું, શત્રુઓના કપટી વિષપ્રયોગથી ઈ.સ.૧૭૧૯માં અવસાન થયું હતું. એમનું પરાક્રમી, સાહસિક પણ નિષ્કલંક જીવન સ્મરણીય છે.
[‘સ્વાધ્યાય’, ફેબ્રુઆરી ૧૯૬૪]