અન્વેષણા/૨૩. ચિરસ્મરણીય વેપારીઓ :જગડૂશાહ અને શાંતિદાસ ઝવેરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચિરસ્મરણીય વેપારીઓ


-જગડૂશાહ અને શાન્તિદાસ ઝવેરી



લાંબા દરિયાકિનારાને કારણે વેપાર અને સમુદ્રપર્યટન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની પ્રજામાં ખૂબ વિકસ્યાં હતાં. એવા અનેક શાહસોદગરો અહીં થયા છે, જેમની સમૃદ્ધિને નહિ, પણ જેમનાં સાહસ, પરોપકાર, દાનશૂરતા અને ધર્મપ્રેમને આજે પણ પ્રજા યાદ કરે છે. વેપાર કરતાં કરતાં જેઓ રાજવહીવટમાં પડ્યા હતા એવા વિમલશા, વસ્તુપાલ-તેજપાલ કે ઉદયન જેવાની વાત આપણે અહીં કરતા નથી. જેમની પાસે કશી રાજકીય સત્તા નહોતી, પણ જેમણે હમણાં ગણાવેલી વિશેષતાઓને કારણે પોતાના સમયમાં વર્ચસ મેળવ્યું હતું અને ચિરકાળ મોટી નામના મેળવી હતી એવા ચિરસ્મરણીય વેપારીઓની આપણે અહીં વાત કરીશું. પ્રાચીનકાળથી માંડી ઠેઠ અર્વાચીન ઇતિહાસકાળ સુધીમાં આવા સંખ્યાબંધ શાહસોદાગરોનાં નામ અને વૃત્તાન્ત મળે છે. આ ટૂંકા વાર્તાલાપમાં આપણે માત્ર બેની જ વાત કરી શકશું—એક કચ્છના શાહસોદાગર મહાન વહાણવટી અને દાનેશ્વરી જગડૂશાહ તથા બીજા અમદાવાદના નગરશેઠ કુટુંબના પૂર્વજ શાન્તિદાસ ઝવેરી. જગડૂશાહ વિક્રમના ચૌદમા સૈકામાં રાજા વીસલદેવ વાઘેલાના સમયમાં થઈ ગયા, જ્યારે શાંતિદાસ ઝવેરી શાહજહાં અને ઔરંગઝેબના વખતમાં થયા. એ બંનેય વિષે રસિક અને વિશ્વાસપાત્ર ઐતિહાસિક હકીકતો મળે છે. જગડૂશાહના અવસાન પછી થોડા જ સમયમાં થયેલા જૈન આચાર્ય ધનપ્રભસૂરિના શિષ્ય સર્વાનંદસૂરિએ ‘જગડૂચરિત્ર' નામનું સાત સર્ગનું એક સંસ્કૃત કાવ્ય રચ્યું છે અને તેમાં જગડૂનો તથા તેના પૂર્વજોનો કાવ્યમય ઐતિહાસિક વૃત્તાન્ત આપ્યો છે. રત્નાકરની આરાધનાથી અર્થાત્ વહાણવટાના ધંધામાંથી જગડૂને પુષ્કળ ધન મળ્યું એમ કવિએ પ્રારંભમાં અનેક રૂપકો દ્વારા વર્ણવ્યું છે. ‘જગડૂચરિત્ર'ના ચોથા સર્ગના આરંભમાં કવિ કહે છે કે— ઇન્દ્રના જેવી કાન્તિવાળો સોલનો પુત્ર જગડૂ જેનાં મોટાં મોટાં વહાણો હંમેશાં નિર્વિઘ્ને આવતાં-જતાં હતાં તે ભદ્રેશ્વર નગરમાં સમુદ્રના વરદાનથી અધિક દીપવા લાગ્યો. કવિ અહીં એક પ્રસંગ વર્ણવે છે કે જયંતસિંહ નામનો જગડૂનો એક સેવક અનેક જાતનો માલ ભરેલું એક વહાણ લઈને આર્દ્રપુર અથવા એડન ગયો હતો અને ત્યાંના રાજાને નજરાણું આપી પ્રસન્ન કરી, એક મકાન રાખીને વેપાર માટે રહ્યો હતો. ત્યાં ખંભાતનો રહીશ અને તુર્ક વહાણનો પ્રવરાધિકારી અથવા કરાણી આવી પહોંચ્યો હતો. જયંતસિંહ અને એ તુર્ક વહાણવટીની વચ્ચે એક કીમતી મણિ લેવા વિષે વાદ થયો અને જયંતસિંહે એડનના રાજાને ત્રણ લાખ દીનાર આપીને એ મણિ લીધો અને પરદેશમાં પણ જગડૂની કીર્ત્તિ ફેલાવી. આટલું મોટું મૂલ્ય આપવાનું સાહસ કરવા માટે જગડૂ પોતાને શિક્ષા કરશે એવો જયંતસિંહને ડર હતો, પણ જગડૂએ તો પરદેશમાં પણ પોતાનુ ગૌરવ જાળવી રાખવા બદલ તેને રેશમી વસ્ત્ર અને વીંટીનું પ્રીતિદાન આપ્યુ, અને ઇચ્છા કરતાં પણ અધિક ધન આપીને તેને પોતાની પાસે રાખ્યો. થરપારકરના રાજા પીઠદેવનું ગર્વખંડન જગડૂએ કેવી રીતે કર્યું એનું વર્ણન કવિએ પાંચમા સર્ગમાં કર્યું છે. એકવાર એ પીઠદેવ પોતાના સૈન્ય સાથે ભદ્રેશ્વર ઉપર ચઢી આવ્યો અને ભીમદેવ સોલંકીએ પૂર્વકાળમાં બંધાવેલો ભદ્રેશ્વરનો કિલ્લો તેણે તોડી નાખ્યો. પીઠદેવ પાછો ગયો, પછી જગડૂએ એ કિલ્લો ફરી બાંધવા માંડ્યો. પીઠદેવને આ સમાચાર મળતાં તેણે એક દૂત મોકલી, જગડૂનો તિરસ્કાર કરીને, આ કિલ્લો નહિ બાંધવાની તેને સૂચના કરી. પાટણના સર્વેશ્વર વાઘેલા લવણપ્રસાદની સહાય મેળવીને જગડૂએ ખાઈ સાથે એ કિલ્લો બાંધ્યો અને પીઠદેવનું માનખંડન કર્યું. ‘જગડૂચરિત્ર’નો છઠ્ઠો સર્ગ સૌથી અગત્યનો છે. પોતાના ગુરુ પરમદેવસૂરિના ઉપદેશથી જગડૂએ સંઘયાત્રા કરવાનો નિશ્ચય કર્યો અને તે માટે લવણપ્રસાદના પૌત્ર રાજા વીસલદેવને નજરાણું આપી પ્રસન્ન કરીને, તેની સંમતિ અને સહાય મેળવી. પછી શત્રુંજય અને ગિરનારની સંઘયાત્રાનું ચાલુ પરિપાટીનું અલંકારપ્રધાન વર્ણન કવિ કરે છે. એનાં પુણ્યકાર્યો અને દાન વર્ણવતાં કવિ કહે છે. કે—ભદ્રેશ્વરની લક્ષ્મીના મણિમુકુટ સમાન વીરનાથના મંદિરમાં સોનાનો મોટો કળશ તથા સોનાનો ધ્વજદંડ તેણે બનાવ્યા હતા. એ જ સ્થળે પોતાના કુટુંબીઓના શ્રેય અર્થે તેણે અનેક દહેરીઓ અને મૂર્તિઓ કરાવી હતી તથા પાર્શ્વનાથની મૂર્તિ ઉપર સોનાનું પતરું ચઢાવ્યું હતું. ચૌલુક્ય રાજાઓ મૂળરાજ અને કુમારપાલે અગાઉ બંધાવેલી વાવો તેણે સમરાવી હતી તથા કર્ણ રાજાએ બાંધેલી વાવ ‘કર્ણવાપિકા'નો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. બધાં દેવમંદિરોની પૂજા માટે જગડૂએ ભદ્રેશ્વરમાં એક વિશાળ પુષ્પવાટિકા કરાવી હતી. કપિલ કોટમાં નેમિમાધવના મંદિરનો તથા કુજાડ ગામમાં હરિશંકર અથવા હરિહરના મંદિરનો તેણે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ઢાંક, વઢવાણ અને શત્રુંજયમાં તથા તળ ગુજરાતમાં સુલક્ષણપુર અથવા સંખલપુરની પાસેના દેવકુલ અથવા દેલવાડા ગામમાં તેણે મંદિરો બાંધ્યાં હતાં. તુર્કો સાથેના વેપારમાં તેને ઘણું ધન મળ્યું હતું, તેથી ભદ્રેશ્વરમાં ‘ખીમલી મસ્જિદ' નામે ઓળખાતી. મસ્જિદ તેણે ચણાવી હતી તથા મીઠા પાણીની સેંકડો વાવ કચ્છમાં બંધાવી હતી. એક વાર પરમદેવરિએ જગડૂને કહ્યું કે ‘સં.૧૩૧૩થી ત્રણ વર્ષ સુધી ભયાનક દુષ્કાળ પડવાનો છે, માટે સર્વ દેશમાં પ્રવીણ મનુષ્યોને મોકલી સર્વ પ્રકારનાં ધાન્યનો સંગ્રહ કરાવ તથા જગતનાં લોકને જીવિતદાન આપીને સમુદ્રના તરંગ સરખો ઉજજવળ યશ સંપાદન કર.’ આ ઉપરથી જગડૂએ પુષ્કળ ધાન્યનો સંચય કર્યો અને માત્ર કચ્છમાં જ નહિ, બીજા દેશોમાં પણ પોતાનાં માણસો દ્વારા દુષ્કાળમાં ધાન્ય આપવા માંડયું. દુષ્કાળનાં બે વર્ષ મહા કષ્ટે વીતતાં રાજાના કોઠારોમાંથી પણ અનાજ ખૂટી ગયું, અને દુષ્કાળની એવી વિષમ અસર થઈ કે એક દ્રમ્મના તેર ચણા મળવા લાગ્યા. પાટણના રાજા વીસલદેવના કોઠારમાંથી અનાજ ખૂટી પડતાં તેણે પોતાના મંત્રી નાગડ મારફત જગડૂને વિનંતી કરી; જગડૂએ તેને આઠ હજાર મૂડા અનાજ આપ્યું. એ સમયે વીસલદેવના દરબારના સોમેશ્વર વગેરે કવિઓએ કહેલા પ્રશસ્તિશ્લોકો કર્તાએ અહીં આપ્યા છે. કવિ કહે છે – ‘દુષ્કાળરૂપી સર્પે ડંખેલા આ આખા જગતને જગડૂએ પુષ્કળ અન્નદાનરૂપી અમૃત આપીને જીવાડયું.’ વળી કર્તા અહીં નોંધે છે કે સિંધ દેશના રાજા હમીરને જગડૂએ ૧૨૦૦૦ મૂડા અનાજ આપ્યું; ઉજ્જનના રાજા મદનવર્માને ૧૮૦૦૦ મૂડા, દિલ્હીના રાજા મોજદીનને ૨૧૦૦૦ મૂડા, કાશીના રાજા પ્રતાપસિંહને ૩૨૦૦૦ મૂડા અને સ્કંધિલ દેશના રાજાને ૧૨૦૦૦ મૂડા આપ્યા. યાચકોને તેણે લાખો મૂડા ધાન્ય અને લાખો દ્રમ્મ દુષ્કાળમાં આપ્યા. આ કામ માટે તેણે ૧૧૨ દાનશાળાઓ કરી હતી. આબરૂદાર માણસોને છાની રીતે જે લાડુ મોકલવામાં આવે તે લજ્જાપિંડ, લજ્જાપિંડોમાં સોનાના દીનાર નાખીને અનેક કુલીન પણ ગરીબ લોકોને ત્યાં એ રાતના સમયે મોકલતો હતો. ‘જગડૂચરિત્ર'નો સાતમો અને છેલ્લો સર્ગ સમાપનનો છે. અનેક ધર્મકાર્યો કરીને એ દાનેશ્વરી જગડૂ સ્વર્ગવાસી થયો. ત્યારે લોકો કહેવા લાગ્યા કે–બલિરાજા, શિબિરાજા, જીમૂતવાહન, વિક્રમાદિત્ય અને ભોજ રાજા જાણે કે આજે જ સ્વર્ગે ગયા ! અનેક રાજદરબારોમાં જગડૂ ભારે માન પામતો હતો; એના અવસાનના સમાચાર સાંભળી દિલ્હીપતિએ મસ્તક ઉપરથી મુકુટ ઉતાર્યો, પાટણના વાધેલા રાજા અર્જુનદેવે રુદન કર્યું અને સિન્ધના રાજા હમીરે બે દિવસ સુધી અન્ન પણ ન ખાધું. ‘જગડૂચરિત્ર’ની કેટલીક હસ્તપ્રતોને અંતે જગડૂની પ્રશસ્તિનો એક શ્લોક મળે છે કે –

तेज : सर्वसपत्नगर्वदलनं विश्वम्भरोद्धारकृ-
द्दानं साहसमप्यनेकसुमनश्चेतोल्लसद्विस्मयम् ।
बुद्धि: श्रीजिनधर्म मर्म विषया चन्द्रप्रभाभासुरा ।
कीर्त्ति : श्रीनिलयस्य तस्य जगडूनाम्नः प्रियं किं न किम् ॥

અર્થાત્ સર્વ શત્રુઓના ગર્વનું ખંડન કરનારું તેજ, પૃથ્વીનો ઉદ્ધાર કરનારું દાન, અનેક બુદ્ધિશાળીઓના ચિત્તને વિસ્મિત કરનારું સાહસ, જિનધર્મનો મર્મ જાણનારી બુદ્ધિ અને ચન્દ્રપ્રભા જેવી શોભાયમાન કીર્ત્તિ—લક્ષ્મીના નિવાસરૂપ એ જગડૂનો કયો ગુણ પ્રિયકારી નથી ? શાન્તિદાસ ઝવેરી જગડૂશાહની પછી આશરે સાડાચારસો વર્ષે થયા. મોગલ સમયમાં તેમણે વેપાર, રાજદ્વાર અને ધાર્મિક ક્ષેત્રે ઘણી કીર્તિ મેળવી છે. જગડૂશાહની જેમ તેઓ પણ રાજવહીવટ સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલા નહોતા. અમદાવાદના પ્રસિદ્ધ નગરશેઠ કુટુંબના મૂળ પુરુષ આ શાન્તિલાલ ઝવેરી હતા. તેઓ ઓસવાળ વણિક હતા. એમના વડવા મેવાડના સીસોદિયા રજપૂતના કુળમાંથી ઊતરી આવ્યાનું મનાય છે. શાન્તિદાસ એક ધાર્મિક પુરુષ, સજ્જન અને ભક્ત હતા તથા સાહસિક વેપારી હતા. ઝવેરાતનો વેપાર એમનો મુખ્ય ધંધો હતો, પણ અમદાવાદના શરાફોના તેઓ શિરોમણિ હતા. અમદાવાદના સૂબા શાહજાદા મુરાદબક્ષે શાહજહાંની સામે બળવો કર્યો ત્યારે શાંતિદાસ ઝવેરીના પુત્રો પાસેથી સાડાપાંચ લાખ રૂપિયા ખાતે લીધા હતા. શાન્તિદાસના પુત્ર માણેકચંદને આ નાણાં ગુજરાતના રાજ્યની આવકમાંથી પાછાં આપવાનું ફરમાન મુરાદબક્ષે કરેલું એની નકલ, ‘મિરાતે અહમદી’માં છે. શાંતિદાસ ઝવેરીએ ઈ. સ. ૧૬૩૮માં અમદાવાદના બીબીપુર નામે પરામાં ચિન્તામણિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર કરાવ્યું હતું. આ બીબીપુર અત્યારના સરસપુર અને અસારવાની વચમાં આવેલું હતું. ઔરંગઝેબની બે વર્ષની સૂબાગીરી દરમિયાન આ મંદિર અપવિત્ર કરી અને મસ્જિદના રૂપમાં ફેરવી નાખવામાં આવ્યું હતું. પણ શાહજહાંના દરબારમાં શાંતિદાસનો સારો પ્રભાવ હતો. શાહજહાંએ ઔરંગઝેબને પાછો બોલાવી લીધો અને ચિન્તામણિ પાર્શ્વનાથનું મંદિર ફરી બંધાવી આપવા હુકમ કર્યો. પણ ઉપાસકો એ મંદિર તરફ ફરીથી તો ન જ વળ્યા. શાંતિદાસ ઝવેરીના મંદિરનો નાશ થયા પછી અમદાવાદમાં એવું જ ભવ્ય અને કલામય દેવાલય તે ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં દિલ્હી દરવાજા બહાર શેઠ હઠીસિંહે બાંધેલું જૈન મંદિર છે. શાંતિદાસના ગુરુ રાજસાગરસૂરિ નિર્વાણ પામ્યા ત્યારે એમની સ્મશાનયાત્રા મોટા સમારોહપૂર્વક ઝવેરીવાડમાંથી લઈ જવામાં આવી ત્યારે શહેરનો કોટવાળ બંદોબસ્ત માટે સાથે હતો, એનું વર્ણન ‘રાજસાગરસૂરિ નિર્વાણરાસ’માં છે. અમદાવાદનો ઝવેરીવાડો શાંતિદાસે બંધાવ્યો હતો એમ મનાય છે. એમના નગરશેઠ કુટુંબનું સ્થાન ગુજરાતના મધ્યકાલીન તેમ જ અર્વાચીન ઇતિહાસમાં વિશિષ્ટ છે. શાંતિદાસને પાંચ પુત્રો હતા; એમાંથી એક માણેકચંદ સૂરતમાં અને બાકીના ચાર અમદાવાદમાં રહ્યા. એમના એક પુત્ર લક્ષ્મીચંદનો બહોળો વેપાર હતો. એમનાં નાણાં કેટલાક લોકો ડુબાડતા એ સામે એમણે ઔરંગઝેબને ફરિયાદ કરી હતી; અને એમને રક્ષણ આપતુ ફરમાન ઔરંગઝેબે કાઢ્યું હતું; જે આજે પણ નગરશેઠને ત્યાં છે. લક્ષ્મીચંદના પુત્ર ખુશાલચંદે મોગલાઈના અંત અને મરાઠાઓની ચઢાઈઓના કપરા સમયમાં અમદાવાદના ઇતિહાસમાં અગત્યનો ભાગ લીધો હતો. ખુશાલચંદના પુત્ર વખતચંદ પણ એક નામાંકિત વ્યક્તિ હતા. જનરલ ગોડાર્ડે અમદાવાદ શહેર લૂંટવાનો હુકમ કર્યો ત્યારે વખતચંદે પોતાની લાગવગ વાપરી તે પાછો ખેંચાવ્યો હતો. કવિ ક્ષેમવર્ધને વખતચંદ શેઠનો રાસ રચ્યો છે, જેમાં વખતચંદના કુટુંબનું, વેપારનું અને ધર્મ કાર્યોનું વિસ્તૃત વર્ણન કર્યું છે. વખતચંદને સાત સંતાન હતાં. એમાં ખાસ નામાંકિત, નગરશેઠ હિમાભાઈ થયા, તેમના સ્મારકરૂપે આજે પણ અમદાવાદમાં હિમાભાઈ ઈન્સ્ટિટયુટ છે. અમદાવાદ અને ગુજરાતની અનેક જાહેર અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેમણે સારો ફાળો આપ્યો હતો. વખતચંદના બીજા પુત્ર મોતીચંદના વંશમાં શેઠ લાલભાઈ દલપતભાઈ થયા. હિમાભાઈ પછી એમના પુત્ર પ્રેમાભાઈ નગરશેઠ થયા; એમનું નામ પ્રેમાભાઈ હોલ વડે અમદાવાદમાં ઘેર ઘેર જાણીતું છે. ધાર્મિક કાર્યો ઉપરાંત તેમણે પણ લોકહિતાર્થે સારી સખાવતો કરી હતી. એક સમય એવો હતો કે પ્રત્યેક મોટા રાજદ્વારી અને જાહેર કામમાં નગરશેઠને આગળ કરવામાં આવતા હતા. હવે સમય બદલાયો છે, તોપણ ગુજરાતના આ ચિરસ્મરણીય વેપારીઓનો વૃત્તાન્ત ભવિષ્યની પ્રજા માટે ઉપયોગી તેમ જ ઉત્સાહપ્રેરક થઈ પડશે એમાં સંદેહ નથી.

[‘સંદેશ,’ દીપોત્સવી અંક, સં. ૨૦૧૨]