અન્વેષણા/૮. શાન્તિપર્વ : રાજનૈતિક દૃષ્ટિએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શાન્તિપર્વ : રાજનૈતિક દૃષ્ટિએ



મહાભારત એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો સર્વસંગ્રહ છે. પણ એની ખરી મહત્તા તો એ વસ્તુમાં રહેલી છે કે માનવજીવનું એ સર્વંકષ કાવ્ય છે. મનુષ્યના સ્થૂલ કે સુક્ષ્મ જીવનનું કોઈ પણ અંગ એવું નથી જે વિષે મહાભારતે વિચાર કર્યો ન હોય, અને એથી જ મહાભારતકારનો આ દાવો વૃથા ગર્વોક્તિ નહિ, પણ નક્કર હકીકત છે કે-

धर्मे अर्थे च कामे च मोक्षे च भरतर्षभ ।
यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न कुत्रचित् ॥

અથાત્ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના વિષયમાં જે અહીં છે તે જ બીજે છે અને જે અહીં નથી તે ક્યાંય નથી. અને મહાભારતની મહદાશ્ચર્યજનક સર્વસંગ્રહાત્મકતાથી ચકિત થઈને કોઈએ એના પરંપરામાન્ય કર્તા બાદરાયણ વ્યાસને ચાર મુખ વિનાના બ્રહ્મા, બે હાથવાળા હરિ અને ભાલસ્થલમાં લોચન વિનાના શંકર કહ્યા છે. મહાભારતમાં જેમ અનેકાનેક વિષયોનું સંક્લન, નિરૂપણ અને વિવેચન છે તેમ રાજકારણ અને રાજનીતિનું પણ છે. પાશ્ચાત્ય મેકિયાવેલીની કુટિલ નીતિ સાથે તુલના કરવાનું મન થાય એવી નિર્ઘૃણ કૂટનીતિનું નિરૂપણ આદિપર્વ-અંતર્ગત ‘કણિકનીતિ'માં છે. ઉદ્યોગપર્વમાંની ‘વિદુરનીતિ' પણ રાજનીતિ અને સામાન્ય નીતિનો એક ગ્રન્થ છે. વળી મહાભારતમાં સ્થળે સ્થળે વેરાયેલા સંવાદો અને નીતિવાદોમાં પ્રાચીન ભારતીય રાજનીતિના જુદા જુદા સિદ્ધાન્તોનું નિરૂપણ અથવા તે પરત્વે સાધકબાધક ચર્ચાઓ છે, પણ રાજનીતિ અને રાજવ્યવસ્થાનાં અનેક અંગોનું વિસ્તૃત અને પદ્ધતિસરનું નિરૂપણ તો શાન્તિપર્વ-અંતર્ગત રાજધર્મ અને આપદ્ગદ્-ધર્મ પર્વોમાં છે. રાજધર્મ આપદ્ગદ્-ધર્મના ૧૭૩ અધ્યાયોમાં મહાભારતકારે રાજનીતિનો એક સ્વતંત્ર ગ્રન્થ આપ્યો છે, અને રાજનીતિ વિષેનું મહાભારતકારનું અશેષ કથન એમાં સમાઈ જાય છે. શાન્તિપર્વના રચનાકાળે રાજપદ રાજ્યવ્યવસ્થા સાથે લગભગ નિરપવાદ રીતે જોડાયેલું હતું—આધુનિક પ્રજાસત્તાક સાથે સરખાવી શકાય એવાં ગણસત્તાક રાજ્યો જવલ્લે જ અસ્તિત્વમાં રહ્યાં હતાં—એટલે શાન્તિપર્વમાં રાજનીતિના નિરૂપણમાં સર્વત્ર રાજ્યના સરનશીન તરીકે રાજાનો નિર્દેશ આવે છે; પણ એમાં દર્શાવેલા રાજ્યવ્યવસ્થાના મૂળ સિદ્ધાન્તો સર્વકાળે તત્ત્વત: સમાન હોઈને હરકોઈ યુગના રાજ્યશાસકને પણ એ લાગુ પડે છે. શાન્તિપર્વમાં નિરૂપેલી રાજનીતિનો કેટલોક મહત્ત્વનો ભાગ, બને ત્યાં સુધી મૂળના જ શબ્દોમાં, આપણે જોઈએ. મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી, પાંડવોએ યુદ્ધમાં મરણ પામેલા સંબંધીઓનું શ્રાદ્ધકર્મ કર્યું અને પછી પાંડવો વિદુર, ધૃતરાષ્ટ્ર તથા ભરતકુળની સર્વ સ્ત્રીઓ શૌચ પાળવા માટે એક માસ સુધી નગરની બહાર રહ્યાં. ત્યાં મહર્ષિ વ્યાસ, નારદ, દેવલ, દેવસ્થાન, કણ્વ તથા બીજા અનેક ઋષિઓ યુધિષ્ઠિરને મળવા માટે આવ્યા. વ્યાસે યુધિષ્ઠિરને કહ્યું કે ‘હે રાજા! તમારા શત્રુઓ નાશ પામ્યા છે અને તમને રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ છે. હવે તમે મિત્રોને પ્રસન્ન કરો છો ને? અને તમે પોતે પણ શોકથી પીડાતા તો નથી ને ?’ ત્યારે યુધિષ્ઠિરે શોકાતુર થઈને ઉત્તર આપ્યો કે, - ‘હે ભગવન્ ! મિત્રો અને સંબંધીઓના સંહારને પરિણામે મળેલો આ વિજય પણ મને પરાજય જેવો લાગે છે.' પછી યુધિષ્ઠિર તો સંસારનો ત્યાગ કરીને સંન્યસ્ત લેવાની વાત કરે છે અને ભીમ, અર્જુન અને દ્રૌપદીના કઠોર ઉપાલંભો છતાં તેમનો નિર્વેદ દૂર થતો નથી. પણ છેવટે કૃષ્ણની સમજાવટથી તેઓ ધૈર્ય ધારણ કરે છે અને તેમનો રાજ્યાભિષેક થાય છે. શય્યા ઉપર પોઢીને પોતાના યોગ્ય મરણ સમય માટે ઉત્તરાયણની પ્રતીક્ષા કરતા ભીષ્મપિતામહ પાસે રાજધર્મ અને મોક્ષધર્મનો ઉપદેશ સાંભળવા માટે તેઓ પછી શ્રીકૃષ્ણની સૂચનાથી જાય છે. શોકાતુર યુધિષ્ઠિરની ચિત્તશાન્તિ માટે અપાયેલો રાજર્ષિ ભીષ્મનો ઉપદેશ આમ શાન્તિપર્વમાં સંગૃહીત થયો છે. કોમળતા અને કઠોરતાનું જેમાં વિલક્ષણ મિશ્રણ થયું છે એવો રાજધર્મ યુધિષ્ઠિરને સમજાવતાં ભીષ્મપિતામહ કહે છે કે,—દરમાં ભરાઈ બેસતા ઉંદરને જેમ પૃથ્વી ગળી જાય છે તેમ શત્રુઓ ઉપર આક્રમણ નહિ કરનાર રાજાને અને અધ્યયન માટે પ્રવાસ નહિ કરનાર બ્રાહ્મણને પણ ગળી જાય છે......બળવાન રાજાએ પોતાના દુર્બળ શત્રુની પણ ઉપેક્ષા કરવી નહિ, કેમકે અગ્નિનો નાનો તણખો પણ બાળી મૂકે છે અને થોડુંક ઝેર પણ પ્રાણ લઈ લે છે......વળી રાજ્ય એક મહાન તંત્ર છે; જેમણે પોતાની જાતને વશ કરી નથી તેઓ એ તંત્રને ધારણ કરી શકતા નથી. એ તંત્ર ચલાવવામાં ખૂબ પરિશ્રમ પડે છે. એથી કોમળ પ્રકૃતિનો પુરુષ પણ એવો ભાર સહન કરી શકતો નથી. રાજ્ય એ સર્વનો ભોગ્ય પદાર્થ છે, માટે કેવળ સરળતાથી એનું રક્ષણ થઈ શકતું નથી. માટે હે યુધિષ્ઠિર ! તમારે સરળતા અને કઠોરતા એ બન્ને ગુણો ધારણ કરીને વર્તવું. આ પ્રમાણે યુધિષ્ઠિરનું સાન્ત્વન કર્યા પછી રાષ્ટ્રમાં સુદૃઢ રાજ્યસત્તાની આવશ્યકતા વર્ણવતાં ભીષ્મપિતામહ કહે છે કે, અરાજકતા જેવું બીજું એકપણ રાષ્ટ્રિય પાપ નથી. આ પૃથ્વીના લોકોમાં દંડધારી રાજા ન હોત તો જળમાં નાનાં માછલાંને મોટાં માછલાં ખાઈ જાય તેમ દુર્બળોને બળવાનો ખાઈ જાત......જેમ લગામ ઘોડાને વશ રાખે છે અને અંકુશ હાથીને વશ રાખે છે તેમ રાજધર્મ સર્વ લોકને વશ રાખે છે....પુત્રો જેમ પિતાના ઘરમાં નિર્ભયપણે વિચરે છે તેમ જે રાજાના રાજ્યમાં મનુષ્યો નિર્ભયપણે વિચરતા હોય તે રાજા ઉત્તમ કહેવાય છે... આ સંબધમાં અંગિરા મુનિએ કહ્યું છે કેઃ--

कृत्वा सर्वाणि कार्याणि सम्यक् संपाल्य मेदिनीम् ।
पालयित्वा तथा पैौरान् परमं सुखमेधते ॥
किं तस्य तपसा राज्ञः किं च तस्याध्वरैरावे ।
सुपालितप्रजो यः स्यात् सर्वधर्मविदेव सः ॥

અર્થાત્ બધાં રાજકાર્યો કરીને, પૃથ્વીનું સારી રીતે પાલન કરીને તથા નાગરિકોનું રક્ષણ કરીને રાજા આ લોકમાં અને પરલોકમાં સુખ પામે છે. એ રાજાને તપનું શું કામ છે? એને યજ્ઞોની પણ શી જરૂર છે? પ્રજાનું સારી રીતે પાલન કરીને જ તે સર્વ ધર્મોનો વેત્તા બને છે, બળવાન રાજા જ્યારે ચઢી આવે ત્યારે નિર્બળ રાજાએ એનો પ્રતિકાર શી રીતે કરવો એ સમજાવતાં ભીષ્મપિતામહ કહે છે; એ સમયે નિર્બળ રાજાએ કિલ્લાનો આશ્રય લેવો અને સામ, દાન કે ભેદના ઉપાયો કારગત ન નીવડે તો પછી યુદ્ધની તૈયારી કરવી. ગામડાં ઉજ્જડ કરી દેવાં, ધનવાનો અને સૈન્યના મુખ્ય ભાગને સમજાવીને ગુપ્ત દુર્ગોમાં દાખલ કરી દેવાં, ખેતરોમાંનું ધન્ય જેમ બને તેમ જલદી નગરમાં દાખલ કરી દેવું, પણ તેમ જો ન બની શકે તો પછી અગ્નિથી સળગાવી મૂકવું. પુલો તોડી નાખવા, બાંધેલાં જળાશયોની પાળ તોડી નાખીને પાણી ફેલાવી દેવું અને જેનું પાણી બહાર નીકળી ન શકે એવા વાવ કૂવા વગેરેનું પાણી ઝેર નાખીને દૂષિત કરવું.....રાજધાનીની આસપાસ આવેલા નાના કિલ્લાઓ તોડી નાખવા જેથી શત્રુ એનો આશ્રય લઈ શકે નહિં અને આસપાસની ઝાડી કપાવી નાખવી, જેથી શત્રુ ત્યાં છુપાઈ શકે નહિં...... કિલ્લાની આસપાસની ખાઈમાં પાણી ભરાવવું, એમાં ભાલાવાળા સ્તંભો રોપાવવા તથા ખાઇમાં પુષ્કળ મગર અને ઝૂડ મુકાવવા, જેથી શત્રુ તે તરી શકે નહિ...નગરમાં લાકડાંનો સંગ્રહ કરવો, કૂવાઓ ગળાવવા. જે મકાનો ઉપર ઘાસનાં છાપરાં હોય તે ઉતરાવી લેવાં, કેમકે ઘાસમાંથી આગ લાગવાનો સંભવ રહે છે. માત્ર અગ્નિહોત્રના અપવાદ સિવાય તથા જ્યાં સુવાવડનો પ્રસંગ હોય એવાં ઘર સિવાય ક્યાંય દિવસે અગ્નિ સળગાવવા દેવો નહિ. *(* બળતણ તથા દીવો બાળવાનુ તેલ એ બન્નેની કરકસર થાય એ દૃષ્ટિએ આ નિયમ કરવામાં આવ્યો હશે.) જ્યારે લડાઈ થાય ત્યારે રાજાએ પોતાના નગરમાંથી ભિક્ષુકો, ગાડાં હાંકનારાઓ, હીજડાઓ, ઉન્મત્તો તથા નટોનો કાઢી મૂકવા.....વળી રાજાએ તેલ, ચરબી, ઘી, સર્વ પ્રકારનાં ઔષધો, કોલસા, દર્ભ, મુંજનાં દોરડાં, ખાખરાનાં પાન, બાણ, ઘાસ, બળતણ, ઝેર પાયેલાં બાણ તથા સર્વ પ્રકારનાં આયુધોનો સંગ્રહ કરવો. સંખ્યાબંધ કારકુનો પણ રાખવા. વળી બધાં ઔષધો, મૂળિયાં અને ફળોનો પણ સંગ્રહ કરવો તથા વિષ-વેદ્ય, શસ્ત્રવૈદ્ય, રોગવૈદ્ય અને કૃત્યાવૈદ્ય એટલે મેલી વિદ્યા જાણનારા—એ પ્રમાણે ચાર પ્રકારના વૈદ્યો પણ રાખવા. કોઈ પણ સેવક, મંત્રી, નાગરિક કે સામંત રાજાનું વર્તન શંકાસ્પદ લાગે તો તેને તુરત કેદ પકડવો. રાજ્યનું કામ પરિપૂર્ણ કરનાર સેવકોને ધન આપીને, યોગ્ય ઇનામ આપીને અથવા વિવિધ પ્રકારે મધુર વચનો કહીને સત્કારવા, હે કુરુનંદન યુધિષ્ઠિર ! આમ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે શત્રુને હંફાવીને અથવા તેનો નાશ કરીને રાજા રાજ્ય પ્રત્યેના પોતાના ઋણમાંથી મુક્ત થાય છે. આ પછી રાજાના સભાસદો, સહાયકો, સુહૃદો, સેનાનાયકો તથા મંત્રીઓ કેવા હોવા જોઈએ તથા તેમની લાયકાત શી હોવી જોઈએ, રાજધાનીનું શહેર કેવું હોય તથા તેની આસપાસના દુર્ગો કેવા સુસજ્જ હોવા જોઈએ એનો ઉપદેશ ભીષ્મપિતામહે કર્યો છે, અને પછી રાષ્ટ્રરક્ષણના પ્રકારોની ચર્ચા કરી છે. રાષ્ટ્રના રક્ષણ માટે કોશ એટલે કે ખજાનો ભરપૂર હોય એ અતિ આવશ્યક છે, એટલે પ્રજાનું પીડન કર્યા સિવાય કોશને રાજાએ શી રીતે સમૃદ્ધ કરવો એનો ઉપદેશ કરવામાં આવ્યો છે. એ સંબધમાં ભીષ્મપિતામહ કહે છે કે, હે યુધિષ્ઠિર ! પ્રજાનું તેમ જ પોતાનું શ્રેય થતું લાગે એવાં સર્વ કાર્યો રાજાએ રાષ્ટ્રમાં પ્રવર્તાવવાં. ફૂલને ઈજા કર્યા વિના ભમરા જેમ મધ ચૂસી લે છે તેમ રાજાએ રાષ્ટ્રને પીડા કર્યા વિના તેનું દોહન કરવું. વાછરડાને પોષવાની ઇચ્છાવાળો પુરુષ ગાયને દૂહે છે ખરો, પણ તેના આંચળ નીચોવી નાખતો નથી તે પ્રમાણે રાજાએ વર્તવું. જળો જેમ મૃદુતાથી લોહી ચૂસે છે તેમ રાજાએ મૃદુ ઉપાયોથી દ્રવ્ય ખેંચવું. વાઘણ પોતાનાં બચ્ચાંને દાંતથી પકડીને ઉપાડી જાય છે પણ તેમના શરીરમાં દાંત બેસાડી પીડા કરતી નથી તેમ રાજાએ વર્તવું. તીણી ચાંચવાળો ઉંદર ફૂંકી ફૂંકીને પગને ખાય છે તેમ રાજાએ મૃદુ ઉપાય વડે રાષ્ટ્રમાંથી સમૃદ્ધિનું પાન કરવું. પ્રથમ થોડો થોડો કર નાખીને પ્રથમ પ્રજા પાસેથી ધન લેવું અને ભારે પડે નહિ તેમ, ક્રમેક્રમે, તેમાં વધારો કરવો... કેવળ શુદ્ધ અને પવિત્ર આચરણથી અથવા કેવળ ક્રૂરતાથી કોશવૃદ્ધિ થતી નથી, માટે મધ્યમ આચરણથી કોશસંગ્રહ કરવો. નિર્બળ રાજા પાસે કોશ ક્યાંથી હોય? કોશ વિના સૈન્યબળ ક્યાંથી હોય ? સૈન્યબળ વિના રાજ્ય શી રીતે સ્થિર રહે ? અને રાજ્ય વિના લક્ષ્મી ક્યાંથી હોય ? માટે રાજાએ કોશની, સૈન્યની અને મિત્રોની વૃદ્ધિ કરવી. વળી ભીષ્મપિતામહ યુધિષ્ટિરને હિતશિક્ષા આપે છે કે, હે રાજન્! તમારે નિત્ય વિચાર કરવો જોઈએ કે મારાં છિદ્ર શાં છે? મને કયા વ્યસનનો સંગ છે? કયું શત્રુરાજ્ય મેં હજી વશ કર્યું નથી ? કયા કારણથી મારામાં દોષ પેદા થયો છે? વળી તમારા વિશ્વાસુ ગુપ્તચરો દ્વારા તમારે તપાસ કરાવવી કે ગઈ કાલે મેં કરેલા કાર્યની લોકો આજે પ્રશંસા કરે છે કે કેમ ? પ્રજા જો મારું ચરિત્ર જાણતી હોય તો તેને એ વખાણે છે કે કેમ ? તથા જનપદમાં અને રાષ્ટ્રમાં મારો યશ ફેલાય છે કે કેમ ? વળી હે રાજન ! તમારા રાજ્યમાં વેપારીઓ કરના અસહ્ય ભારથી દુઃખી તો નથી થતા ને? એમને ઘણું આપીને થોડું તો નથી લેવું પડતું ને? અને વગડામાં તો નથી વસવું પડતું ને? અત્યંત પીડાયેલા ખેડૂતો તમારા રાષ્ટ્રનો ત્યાગ કરીને તો ચાલ્યા જતા નથી ને? એ ખેડૂતો રાજાઓની ઘૂંસરી ઉઠાવે છે અને બીજા સર્વનું પોષણ કરે છે. તેઓ જે આપે છે તેનાથી દેવો, પિતૃગણો, મનુષ્યો, સર્પો, રાક્ષસો, પક્ષીઓ અને પશુઓ જીવે છે.... હે રાજન્! જે દેશમાં બળવાન રાજા દુર્બળ પ્રજાઓ ઉપર અત્યાચાર કરે છે ત્યાં એ રાજાના વંશજો એવી જ અધર્મિક વૃત્તિનો આશ્રય લે છે. બીજા માણસો પણ એ પાપપ્રવર્તક રાજાનું અનુકરણ કરે છે, અને પરિણામે અવિનીત મનુષ્યોથી વ્યાપ્ત થયેલું તે રાષ્ટ્ર એકદમ નાશ પામે છે. અને પછી મહાભારતકાર રાજનીતિનું એક પરમ સત્ય ઉચ્ચારે છે કે—

मृदुरित्यवजानन्ति तीक्ष्ण इत्युद्विजन्ति हि ।
तीक्ष्णकाले भवेत्तीक्ष्णो मृदु काले मृदुर्भवेत् ॥
मृदुना दारुणं ह्यन्ति मृदुना हन्त्यदारुणम् ।
नासाध्यं मृदुना किश्चित् तस्मात् तीक्ष्णतरं मृदुः ॥
काले मृदुर्यो भवति काले भवति दारुणः ।
प्रसाधयति कार्याणि शत्रूञ्चाप्यधितिष्ठति ॥

અર્થાત્ લોકો મૃદુ શાસકની અવજ્ઞા કરે છે અને તીક્ષ્ણ શાસકથી ત્રાસ પામે છે; માટે શાસકે, તીક્ષ્ણ થવા યોગ્ય સમયે તીક્ષ્ણ થવું અને મૃદુ થવા ચોગ્ય સમયે મૃદુ થવું. મૃદુ ઉપાયથી કઠોરનો નાશ થઈ શકે છે, અને મૃદુ ઉપાયથી મૃદુનો પણ નાશ થઈ શકે છે. મૃદુ ઉપાયથી કશું અસાધ્ય નથી, માટે મૃદુ ઉપાય જ વાસ્તવિક અર્થમાં વધારે તીક્ષ્ણ છે. જે રાજા યોગ્ય સમયે મૃદુ થાય છે અને યોગ્ય સમયે કઠોર થાય છે તે સર્વ કાર્યો સિદ્ધ કરે છે અને શત્રુઓને પણ જીતે છે. શાન્તિપર્વમાં એક અધ્યાય ગણો વિષે છે. રાજ્યશાસનમાં જેનો સીધો અવાજ હોય એવા એક જાતિના સંગઠિત જનસમુદાયને ગણ કહેવામાં આવતો. યાદવ, વજ્જી, લિચ્છવી, યૌધેય, માલવ. વગેરે ગણો હતા. એમાં કોઈ વંશપરંપરાગત રાજા ન હતો, પણ ગણના નાયકો રાજ્ય ચલાવતા. આ ઐતિહાસિક હકીકતને લક્ષ્યમાં રાખીને જ નવી ભારતીય બંધારણ પરિભાષામાં ભારતના પ્રજાસત્તાકને ‘ગણરાજ્ય' કહેવામાં આવ્યું છે. ગણો વિષેનો શાન્તિપર્વનો ઉપદેશ આધુનિક સન્દર્ભમાં પણ ઘટાવી શકાય એમ છે. એમાં ભીષ્મપિતામહ કહે છે, અંદરોઅંદર ભેદ પડવાથી ગણો વિનાશ પામે છે, કારણ કે ફાટફૂટને કારણે શત્રુઓ તેમના ઉપર જલદી વિજય મેળવી શકે છે; માટે ગણોએ સદાકાળ સંઘાતવૃત્તિથી પ્રયત્ન કરવો. પોતાના પુત્રો કે ભાઈઓને પણ તેમના અપરાધ બદલ શિક્ષા કરનારા, લોકોને વિનય અર્થાત્ કેળવણી આપનારા અને વિનીતોનો સત્કાર કરનારા ગણનાયકો વિજય પામે છે. હે, શત્રુહંતા ભારત ! રાજકીય મંત્રણા અને ગુપ્તદૂતોની યોજના ત્રણ નાયકોએ જ કરવાની હોય છે, કેમકે બધા ગણોનો સમુદાય એ મંત્રણા સાંભળવાને યોગ્ય હોતો નથી......... પ્રત્યેક ગણ જો ફાટફૂટ પામીને અસ્તવ્યસ્ત થઈ જાય તો તેનો અર્થ નાશ પામે અને અને અનર્થો પેદા થાય, માટે ગણો પરસ્પરથી જુદા પડીને સ્વચ્છંદે પોતાની શક્તિ વેડફી નાખતા હોય તો બુદ્ધિશાળી ગણનાયકોએ તેનો એકદમ નિગ્રહ કરવો, શાથી જે—

आभ्यन्तरं भयं रक्ष्यमसार बाह्यतो भयम् ।

અંદરના ભયની સામે જ રક્ષણ કરવાનું છે, બહારનો ભય તો નિ:સાર છે. અને માટે ભીષ્મપિતામહે કહ્યું છે કે, સંઘશક્તિ એ જ ગણો અર્થાત્ પ્રજાસમુદાય માટે મહાન રક્ષણરૂપ છે-

तत्मात् संघातमेवाहुर्गणानां शरणं महत् ।


[ ‘સંદેશ,’ દીપોત્સવી અંક, સં. ૨૦૦૬]