અન્વેષણા/૯. કૌટિલ્યનું ‘અર્થ શાસ્ત્ર’ : એક દૃષ્ટિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૌટિલ્યનું ‘અર્થ શાસ્ત્ર’: એક દૃષ્ટિ



આજથી આશરે ત્રેવીસસો વર્ષ પહેલાંની વાત છે. ચંદ્રગુપ્ત નામે એક સામાન્ય ક્ષત્રિય યુવાને વિષ્ણુગુપ્ત નામના એક અદ્ભુત બુદ્ધિશાળી અને રાજનીતિજ્ઞ બ્રાહ્મણની સહાયથી મગધના નંદવંશનો નાશ કર્યો અને ઈ.સ. પૂર્વે ૩૨૧ આસપાસ પાટલિપુત્રમાં એક શક્તિશાળી રાજ્યની સ્થાપના કરી, જેને ઇતિહાસકારો મૌર્ય સામ્રાજ્ય તરીકે ઓળખે છે. ચંદ્રગુપ્તે મગધના સિંહાસન ઉપર ચોવીસ વર્ષ સુધી એકછત્ર રાજ્ય કર્યું અને તેના વંશમાં અશોક જેવા પ્રતાપી અને દીર્ઘદર્શી રાજાઓ થયા. ચંદ્રગુપ્તના માર્ગદર્શક વિષ્ણુગુપ્ત અથવા કૌટિલ્યે રાજનીતિ અને રાજ્યવહીવટને લગતા ‘અર્થશાસ્ત્ર’ નામે ગ્રન્થ સંસ્કૃતમાં રચેલો છે. એ ગ્રન્થ જગપ્રસિદ્ધ છે અને એના કર્તાના નામ ઉપરથી ‘કૌટિલ્ય અર્થશાસ્ત્ર’ તરીકે પણ ઓળખાય છે. અનેક ઐતિહાસિક પ્રમાણો ઉપરથી જણાય છે કે ‘અર્થશાસ્ત્ર’ના કર્તાનું ખરું નામ વિષ્ણુગુપ્ત હતું, અને કુટિલ રાજનીતિમાં નિપુણ હોવાથી તે કૌટિલ્ય તરીકે ઓળખાતો હતો. ચણકનો પુત્ર હોવાથી તે ચાણક્ય પણ કહેવાતો હતો. આમ ‘ચાણક્ય’ એ વંશનામ છે અને ‘કૌટિલ્ય’ એ ઉપાધિ છે. ભારતીય નીતિશાસ્ત્રના સરળ પણ વિશ્વવિખ્યાત ગ્રન્થ ‘પંચતંત્ર’ના આરંભમાં રાજનીતિના કેટલાક અધિકૃત ગ્રન્થકારોની સાથોસાથ કર્તાએ ‘અર્થશાસ્ત્ર’કાર ચાણક્યનો ઉલ્લેખ કર્યો છે—

मनवे वाचस्पतये शुक्राय पराशराय ससुताय
चाणक्याय च विदुषे नमोऽस्तु नयशास्त्रकर्तृभ्यः ॥

અર્થાત્ ‘મનુને, વાચસ્પતિ એટલે બૃહસ્પતિને, શુક્રાચાર્યને, પોતાના પુત્ર વ્યાસ સહિત પરાશરને તથા વિદ્વાન ચાણક્યને- નીતિશાસ્ત્રના આ કર્તાઓને નમસ્કાર હો!' મનુની ‘મનુસ્મૃતિ’ સુપ્રસિદ્ધ છે; બહુસ્પતિની ‘બૃહસ્પતિસ્મૃતિ’ સળંગ ગ્રન્થરૂપે સૈકાઓ થયાં નાશ પામી ગઈ છે, પણ એનું શક્ય પુનર્ઘટન પુરાણો અને અન્ય સાહિત્યમાં લેવાયેલાં તેનાં અવતરણો. ઉપરથી કરવામાં આવ્યું છે. અર્થશાસ્ત્રવિષયક એક ‘બૃહસ્પતિ સૂત્ર’ કેટલાંક વર્ષ પહેલાં છપાયું છે; મૂલ રૂપમાં તે પ્રાચીન હશે, પણ છપાયું છે તે તો નવમી-દશમી સદીનું નવસંસ્કરણ છે. શુક્રાચાર્યની ‘શુક્રનીતિ’ છપાયેલી છે; જોકે એને કોઈ આર્વાચીન પંડિતની રચના કેટલાક માને છે. ‘પરાશરસ્મૃતિ' પણ ધર્મશાસ્ત્રનો એક માન્ય ગ્રન્થ છે. પુરાણકથા અનુસાર, પરાશર મુનિના પુત્ર વેદવ્યાસ હતા, જેઓ મહાભારતના કર્તા ગણાય છે. મહાભારતના શાન્તિપર્વ અને અનુશાસનપર્વમાં મુખ્યત્વે તથા અન્ય પર્વોમાં પ્રસંગોપાત્ત, રાજનીતિ અને રાજ્યવહીવટની તેમ જ યુદ્ધ અને શાન્તિના અનેક પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરેલી છે. એ સર્વ ધર્મશાસ્ત્રકારોની સાથે ‘અર્થશાસ્ત્ર'ના કર્તા ચાણક્યને પણ ‘પંચતંત્ર’ નમસ્કાર કરે છે. એ સૂચક છે. મૂર્ખ રાજકુમારોને ઉપદેશ આપી નીતિશાસ્ત્રમાં નિપુણ બનાવનાર બ્રાહ્મણનું નામ ‘પંચતંત્ર'ના ‘કથામુખ’માં વિષ્ણુશર્મા આપ્યું છે. તેથી ‘પંચતંત્ર'ના કર્તા વિષ્ણુશર્મા છે એવી માન્યતા પ્રચલિત છે. પણ ખરું જોતાં એ માન્યતા આધાર વિનાની છે. કેટલાકનું વલણ, એથીયે આગળ વધીને, વિષ્ણુશર્મા એ ‘અર્થશાસ્ત્ર’ના કર્તા વિષ્ણુગુપ્ત ચાણક્ય એમ માનવાનું છે. અલબત્ત, ‘પંચતંત્ર' એક કથાસંગ્રહ હોવા છતાં છેવટે તો નીતિનો ગ્રન્થ છે, એટલે તેનો કર્તા ‘અર્થશાસ્ત્ર'થી સુપરિચિત હોય એ સ્વાભાવિક છે. પરંતુ ‘પંચતંત્ર'ની પ્રસન્ન, સરલ અને નિરાડંબરી શૈલી તથા ‘અર્થશાસ્ત્ર’ની ક્લિષ્ટ, સૂત્રાત્મક અને અર્થના ભારથી લચકાઈ જતી શૈલી વચ્ચે એટલો મૂલગામી ભેદ છે કે એ અને રચનાઓ એક જ કર્તાની હોય એમ માની શકાય નહિ. બંનેની ભાષાશૈલી જેમ સામસામે છેડે ઊભી છે તેમ વિષયનિરૂપણ પણ બંનેનું ભિન્ન પ્રકારનું છે. ‘પંચતંત્ર' એક પ્રારંભિક અને સિદ્ધાન્ત નિરૂપતી કૃતિ છે, જ્યારે ‘અર્થશાસ્ત્ર’ રાજકાર્ય તથા રાજ્યવ્યવસ્થાનાં મુલકી અને લશ્કરી તમામ અંગોને આવરી લેતો, પ્રત્યક્ષ અનુભવના ફલરૂપે લખાયેલો વિશાળ આકરગ્રન્થ છે. ‘અર્થશાસ્ત્ર’નો કર્તા અનેક પ્રાચીન પંડિતો, ગ્રન્થકારો અને શાસ્ત્રકારોની જેમ કોઈનો આશ્રિત નથી; એ સ્વયં કતૃત્વશીલ અને પરાક્રમી છે તથા ગ્રન્થના અંતભાગમાં પોતાને વિશે અભિમાનપૂર્વક કહે છે કે—

येन शस्त्रं च शास्त्रं च नन्दराजगता च भूः ।
अमर्षेणोद्व्टतान्याशु तेन शास्त्रमिदं कृतम् ॥

‘શસ્ત્રવિદ્યા, રાજનીતિશાસ્ત્ર અને નંદરાજાના કબજામાં ગયેલી પૃથ્વીને જેણે અમર્ષપૂર્વક ઉદ્ધાર કર્યો હતો તેણે આ શાસ્ત્ર રચ્યું છે.’ અને છેવટે ઉમેરે છે કે-

द ट्वा विप्रतिपत्तिं बहुधा शास्त्रेषु भाष्यकाराणाम् ।
स्वयमेव विष्णुगुप्तश्चकार सूत्र च भाष्यं च ॥

‘પ્રાચીન અર્થશાસ્ત્રોમાં બહુધા ભાષ્યકારોના મતભેદો જોઈને સ્વયં વિષ્ણુગુપ્તે (આ અર્થશાસ્ત્રનાં) સૂત્રો અને ભાષ્યની રચના કરી.’ આ મહાન રાજનીતિજ્ઞના વ્યક્તિત્વનું પ્રભાવશાળી ચિત્રણ વિશાખદત્તે એના ઐતિહાસિક સંસ્કૃત નાટક ‘મુદ્રારાક્ષસ’માં કર્યું છે. મુખ્યત્વે ‘અર્થ શાસ્ત્રને’ આધારે, ઈ.સ. ૪૦૦ આસપાસ કામંદક નામે લેખકે ‘નીતિસાર’ ગ્રન્થ રચ્યો છે, જે ‘કામંદકીય નીતિસાર’ તરીકે ઓળખાય છે. એના પ્રારભમાં ‘અર્થશાસ્ત્ર’ અને તેના સન્માન્ય કર્તા વિષે કામંદક કહે છે—

यस्याभिचारवज्रेण वज्रज्वलनतेजसः ।
पपातामूलतः श्रीमान् सुपर्वो नन्दपर्वतः ॥

एकाकी मंत्रशक्त्या यः शक्त्या शक्तिधरोपमः ।
आजहार नृचन्द्राय चन्द्रगुप्ताय मेदिनीम् ॥

नीतिशास्त्रामृतं श्रीमानर्थशास्त्रमहोदधेः ।
य उद्दघ्रे नमस्तस्मै विष्णुगुप्ताय वेधसे ॥

‘વિદ્યુતના અગ્નિ જેવા તેજસ્વી જેના અભિચાર અથવા મંત્રશક્તિના વજ્રથી (નવનંદરૂપી) સરસ સોપાનવાળો નંદવંશનો સમૃદ્ધ પર્વત મૂળમાંથી ઉખડી ગયો હતો; કાર્તિકસ્વામી જેવા (સમર્થ) જેણે એકલાએ પોતાની મંત્રશક્તિ અને (ઉત્સાહ) શક્તિથી મનુષ્યોમાં ચંદ્ર જેવા ચંદ્રગુપ્ત માટે પૃથ્વી હરી લીધી; અને અર્થશાસ્ત્રના મહાસાગરમાંથી જે શ્રીમાને નીતિશાસ્ત્રરૂપી અમૃતનો ઉદ્ધાર કર્યો તે વિદ્વાન વિષ્ણુગુપ્તને નમસ્કાર !’ ચાણક્ય-પ્રણીત ‘નીતિસૂત્ર'નો સમુચ્ચય ચરંપરાથી પ્રચલિત છે. એમાં કુલ ૫૭૨ સૂત્રો છે; એનું કર્તુત્વ સંદિગ્ધ છે, પણ એની શૈલી ‘અર્થશાસ્ત્ર'ની શૈલીને અનુસરતી છે. ‘ચાણક્ય નીતિશાસ્ત્ર' નામ નીચે શ્લોકબદ્ધ જૂના સંગ્રહો મળે છે. ‘લઘુચાણક્ય’ અને ‘વૃદ્ધચાણક્ય' એવી તેની બે વિભિન્ન પરંપરાઓ છે. નીતિશાસ્ત્રને લગતાં સુભષિતોની આ લોકપ્રિય સંકલનાઓ છે અને ભારતની અનેક પ્રાદેશિક ભાષાઓનાં જૂનાં સ્વરૂપોમાં તેના અનુવાદો ગદ્યમાં તેમ જ પદ્યમાં થયેલા છે. રાજનીતિજ્ઞ ચાણક્યની પ્રતિભા અને પ્રભાવનું સાતત્ય ભારતીય સાહિત્યમાં તે દ્વારા સૈકાઓ સુધી ચાલુ રહેલું છે. ‘અર્થશાસ્ત્ર’માં નિરૂપાયેલા વિષયોનું હવે વિહંગાવલોકન કરીએ. આખોયે ગ્રન્થ કુલ પંદર અધિકરણ અથવા વિભાગોમાં વહેંચાયેલો છે. દરેક અધિકરણના પેટામાં પ્રકરણો છે અને પ્રકરણમાં અધ્યાયો છે. આખો ગ્રન્થ મુખ્યત્વે ગદ્યમાં છે, પણ વચ્ચે પ્રસંગોપાત્ત શ્લોકો પણ આવે છે. બત્રીસ અક્ષરનો એક શ્લોક એ ગણત્રીએ ‘અર્થશાસ્ત્ર’નું પ્રમાણ આશરે છ હજાર શ્લોકોનું ગણવામાં આવે છે. પ્રારંભમાં नमः शुक्रबृहस्पतिभ्याम् એમ કહીને અર્થશાસ્ત્રના બે પ્રાચીન આચાર્યો અને શાસ્ત્રકારો શુક્ર અને બૃહસ્પતિને ગ્રન્થકાર નમસ્કાર કરે છે; અને કહે છે કે 'પૃથ્વીની પ્રાપ્તિ અને રક્ષણ માટે પુરાતન આચાર્યોએ જે અર્થશાસ્ત્રોનું નિર્માણ કર્યું. છે, ઘણુંખરું એ સર્વનો સાર ગ્રહણ કરીને આ અર્થશાસ્ત્રની રચના કરી છે.’ શરૂઆતમાં આખા ગ્રન્થનાં અધિકરણો અને પ્રકરણોનાં નામ ગણાવેલાં છે, એટલે કે અનુક્રમણિકા આપી છે એ નોંધપાત્ર છે. પહેલું અધિકરણ ‘વિનય’ એટલે કેળવણીને લગતું છે; રાજા અને તેના અધિકારીઓ માટે કેળવણીની અગત્ય ઉપર કૌટિલ્ય ઘણો ભાર મૂકે છે. એના મત પ્રમાણે વિદ્યાઓ વડે ધર્મ અને અર્થનું જ્ઞાન થાય છે એ જ વિદ્યાઓનું વિદ્યાપણું છે. વિદ્યાઓ ચાર છે—તત્ત્વવસ્તુનું સ્વરૂપ જાણવા માટે ‘આન્વીક્ષિકી’ અથવા તર્કવિદ્યા; ધર્માધર્મનું સ્વરૂપ જાણવા માટે ‘ત્રયી’ અથવા વેદવિદ્યા; અર્થ અને અનર્થનું સ્વરૂપ જાણવા માટે ‘વાર્તા’ અથવા ખેતી, પશુપાલન અને વેપાર; ન્યાય અને અન્યાયનું સ્વરૂપ જાણવા માટે દંડનીતિ. આ દંડ એટલે રાજદંડ દંડનીતિનું બીજું નામ રાજનીતિ. આન્વીક્ષિકી, ત્રયી અને વાર્તા એ ત્રણે વિદ્યાઓના યોગનો અને ક્ષેમનો આધાર દંડનીતિ છે. એને અભાવે માત્સ્યન્યાય પ્રર્વતે એટલે કે મોટું માછલું નાના માછલાને ખાઈ જાય એવી અરાજકતાની સ્થિતિ પ્રવર્તે, પણ તીક્ષ્ણ દંડવાળાથી લોકો ઉદ્વેગ પામે છે, મૃદુ દંડવાળાનો પરાભવ થાય છે; યથાયોગ્ય દંડ કરનાર જ પૂજ્ય છે. સમજીને અખત્યાર કરેલો દંડ જ પ્રજાને ધર્મ, અર્થ અને કામમાં પ્રયોજે છે કામ, ક્રોધ કે અજ્ઞાનથી ખોટી રીતે અખત્યાર કરેલો દંડ વાનપ્રસ્થો અને પરિવ્રાજકોને પણ કોપાવે છે તો ગૃહસ્થોની તો વાત જ શી ? એ અધિકરણમાં કેળવણીની વિશેષ ચર્ચા કર્યા પછી કર્તા રાજાની દિનચર્ચા નિરૂપે છે તથા મંત્રી, પુરોહિત અને ગુપ્તચરોની નિયુક્તિની વાત કરે છે. ‘અધ્યક્ષપ્રચાર’ નામે બીજું અધિકરણ છે. ‘અધ્યક્ષ' એટલે ખાતાનો ઉપરી. એમાંથી રાજ્યવહીવટનાં જુદાં જુદાં ખાતાંઓના સંચાલનનો અને એના ઉપરીઓની કામગીરીનો ખૂબ વિગતવાર પરિચય થાય છે. મુલકી તેમ જ લશ્કરી એ બંને પાંખોનાં ખાતાંઓના અધ્યક્ષોની કામગીરીની વાત એમાં છે. આશરે ત્રેવીસસો વર્ષ પહેલાં મૌર્ય સામ્રાજ્યે સંકુલ છતાં કાર્યક્ષમ તંત્રવ્યવસ્થા વિકસાવી હતી એની માહિતી એમાંથી મળે છે. ત્રીજું અધિકરણ ‘ધર્મસ્થીય’ અથવા ન્યાયતંત્ર વિષેનું છે. અનેક પ્રકારના દીવાની અને ફોજદારી ઝઘડાઓના તથા સામાજિક સંબંધોને લગતા વિવાદોના નિર્ણયની એમાં વાત છે. ચોથા અધિકરણનું શીર્ષક છે ‘કંટકશોધન’. ‘કંટક' એટલે પ્રજાપીડક તત્ત્વો—સમાજવિરોધી તત્ત્વો; એવાં તત્ત્વોથી પ્રજાનું રક્ષણ કરવું તે ‘કંટકશોધન’. એની વિગતો આ અધિકરણમાં છે. દુર્ગ અને રાષ્ટ્રના કંટકોનું શોધન કરવાના ઉપાયો બતાવ્યા પછી ‘યોગ-વૃત્ત’ નામે પાંચમા અધિકરણમાં એવા જ ઉપાયોનું નિરૂપણ રાજા અને રાજ્યતંત્રના વિરોધીઓ પરત્વે કરવામાં આવ્યું છે. ‘મંડલ-યોનિ’ નામે છઠ્ઠા અધિકરણમાં રાજયની સાત પ્રકૃતિના સ્વામી, અમાત્ય, જનપદ, દુર્ગ, કોશ, દંડ અથવા સેના અને મિત્ર—એ સાત પ્રકૃતિના ગુણ નિરૂપવામાં આવ્યા છે તથા રાજ્યવ્યવસ્થામાં ‘શમ અને વ્યાયામ' અથવા શાન્તિ અને ઉદ્યોગોના મહત્ત્વની ચર્ચા કરીને કહ્યું છે કે ક્ષેમનું કારણ શાન્તિ છે અને યોગનું કારણ વ્યાયામ છે. ‘ષાડ્ગુણ્ય’ નામે સાતમા અધિકરણમાં, યુદ્ધ તેમ જ શાન્તિના કાળમાં અગત્યના, રાજનીતિના છ ગુણો વિશે વિસ્તૃત ચર્ચા અને નિરૂપણ છે. એ છ ગુણો તે સંધિ, વિગ્રહ, આસન, યાન, સંશ્રય અને દ્વૈધીભાવ. બે રાજાઓ વચ્ચે કોઈ શરતે મેળ થાય તે સંધિ; શત્રુ ઉપર અપકાર કરવો તે વિગ્રહ; શત્રુની ઉપેક્ષા કરવી તે આસન, આક્રમણ કરવું તે યાન; બીજા બળવાનનો આશ્રય લેવો તે સંશ્રય; અને સંધિ–વિગ્રહ બંનેથી કામ લેવું એ દ્વૈધીભાવ. દુર્બળ પણ વિજયની ઇચ્છાવાળા રાજા માટે શક્તિસંચયનાં સાધનો વિશે, બલવાન શત્રુ અને પરાજિત શત્રુ સાથેના તથા તાબેદાર રાજાઓ સાથેના વ્યવહાર વિષે ચર્ચા કરીને કૌટિલ્યે સબળ વિધાનો કર્યાં છે. આઠમા અધિકરણનું શીર્ષક છે ‘વ્યસનાધિકારિક’. વ્યસન એટલે આપત્તિ. પ્રકૃતિઓનાં વ્યસન અને રાજા તથા રાજ્યનાં વ્યસનોનો પ્રતિકાર કેવી રીતે થાય એ એમાં બતાવ્યું છે. સેના–વ્યસન અને મિત્ર-વ્યસન વિશેનો આ અધિકરણનો છેલ્લો અધ્યાય મહત્ત્વનો છે. સેનામાં અસંતોષ શાથી ફેલાય છે અને તેનું નિવારણ કેવી રીતે કરવું તથા મિત્રરાજા આપણી ગફલતથી અમિત્ર બને નહિ એની સંભાળ કેવી રીતે રાખવી એ ત્યાં બતાવ્યું છે. ‘અભિયાસ્યત્ કર્મ' નામે નવમા અધિકરણમાં અને ‘સાંગ્રામિક' નામે દસમા અધિકરણમાં આક્રમણ, વ્યૂહરચના અને સંગ્રામના અનેક પ્રશ્નોની ખૂબ ઝીણવટભરી ચર્ચા છે; ‘વૃત્તસંઘ’ નામે અગિયારમા અધિકરણમાં શત્રુદળમાં ભેદ પડાવવાના અને એના આગેવાનોના કપટથી વધ કરાવવાના ઉપાયોનું નિરૂપણ છે. ‘આવલીયસ’ નામે બારમા અધિકરણમાં એવા જ વધુ ઉપાયોની તથા શસ્ત્ર, અગ્નિ અને રસોના ગૂઢ પ્રયોગથી શત્રુઓના નાશની ચર્ચા છે. વિજિગીષુ રાજાએ અનેક યુક્તિઓ વડે સ્વપક્ષમાં કેવી રીતે ઉત્સાહ પ્રેરવો અને પરપક્ષને ઉદ્વેગ આપવો એ ‘દુર્ગલંભોપાય’ નામે તેરમા અધિકરણમાં કહ્યું છે. પરાજિત પ્રદેશમાં શાન્તિની સ્થાપના કેવી રીતે કરવી એની પણ વ્યવહારુ ચર્ચા ત્યાં કરી છે. ‘ઔપનિષદિક’ નામે ચૌદમા અધિકરણમાં લાંબા સમય સુધી ભૂખ લાગે નહિ એવી ઔષિધઓના પ્રયોગો આપ્યા છે તે વૈજ્ઞાનિક ચકાસણી માગી લે છે. પંદરમું અને છેલ્લું અધિકરણ ‘તંત્રયુક્તિ’ નામે છે, ‘તંત્ર’ એટલે ‘શાસ્ત્ર,' પ્રસ્તુત સન્દર્ભમાં અર્થ શાસ્ત્ર.' કૌટિલ્ય કહે છે—

मनुष्याणां वृत्तिरर्थः, मनुष्यवती भूमिरित्यर्थः, तस्या:
पृथिव्या लाभपालनेापाय: शास्त्रमर्थ शास्त्रमिति ।

‘મનુષ્યોની જીવિકાને અર્થ કહે છે; મનુષ્યોથી વસાયેલી ભૂમિને પણ અર્થ કહે છે. એ ભૂમિની પ્રાપ્તિ અને રક્ષણનું શાસ્ત્ર તે અર્થશાસ્ત્ર’. અધિકરણ, વિધાન, યોગ, પદાર્થ, હેત્વર્થ, ઉદ્દેશ, નિર્દેશ આદિ બત્રીસ તાર્કિક યુક્તિઓ અર્થશાસ્ત્રમાં છે. એ સર્વની વ્યાખ્યા એને સમજૂતી આ છેલ્લા અધિકરણમાં આપેલી છે.... ‘અર્થ શાસ્ત્ર'માં નિરૂપાયેલ વિષયોનો આ સારસંક્ષેપ છે. ઈસવીસનના પંદરમા સૈકાના આરંભમાં થઈ ગયેલા ઇટાલિયન રાજપુરુષ અને ગ્રન્થકાર મેકિયાવેલેની રચના ‘પ્રિન્સ’ની તુલના કેટલીક વાર ‘અર્થશાસ્ત્ર' સાથે કરવામાં આવે છે, પરંતુ ‘અર્થશાસ્ત્ર'માં ‘પ્રિન્સ’ની જેમ રાજકીય તત્ત્વજ્ઞાનનું નિરૂપણ નથી, ભારતીય ધર્મશાસ્ત્રોમાં નિરૂપાયેલ રાજકીય વિચારસરણિના સ્થિર ધરાતલ ઉપર કૌટિલ્ય ઊભેલો છે; એ વિચારસરણિને ગૃહીત તરીકે ગણીને જ તે આગળ ચાલે છે. કૌટિલ્યને મન રાજ્યનો ઉદ્દેશ કોઈ વિશિષ્ટ સમાજવ્યવસ્થા સર્જવાનો નહિ, પણ એવી શાસ્ત્રવિહિત વ્યવસ્થા વ્યવહારમાં સિદ્ધ કરવાનો છે. ‘અર્થશાસ્ત્ર’ અનુસાર, સમર્થ શાસન એ સાધ્ય છે, એ સાધ્ય ગમે તે સાધનોને ન્યાય્ય ઠરાવે છે, પડોશી રાજ્યો સાથે શાન્તિથી રહી શકાય એમ માનવામાં જ આવેલું નથી. એનો અર્થ એ થયો કે પોતાના રાજ્યમાં શાન્તિ જાળવવા સાથે રાજાએ હમેશાં પાડોશી રાજ્યો સાથે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. રાજ્યસત્તા પ્રત્યેની અધીનતા સ્થાપિત કરવા માટે અને શત્રુઓનો પરાજય કરવા માટે ‘અર્થશાસ્ત્ર’ અને ‘પ્રિન્સ' એકસરખી નિર્દય અને લાગણીવિહીન પદ્ધતિઓની હિમાયત કરે છે. આધુનિક સમયમાં, ખાસ કરીને લોકશાહી દેશોમાં એવી હિમાયત કરવામાં આવતી નથી; તોપણ દેશની સલામતીના સન્દર્ભમાં વ્યાસ, કૌટિલ્ય, મનુ, બૃહસ્પતિ આદિ રાજનીતિ વિચારકોએ સેંકડો વર્ષ પહેલાં કરેલી મીમાંસા અને સૂચવેલી ઉપાયયોજના તાત્ત્વિક અર્થમાં અવગણાય એવી નથી.

[‘પરબ.’ સપ્ટેમ્બર ૧૯૬૬]