અપરાધી/૩૯. કોઈ નહીં ભાગી શકે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૯. કોઈ નહીં ભાગી શકે

‘એ જ ઠીક છે, એ જ બહેતર છે.’ શિવરાજે રામભાઈના નામની રક્ષા કરવાનો માર્ગ પોતાના સંપૂર્ણ આત્મવિસર્જનમાં જ જોયો. હું જ અજવાળીને ઉપાડી ગયો છું, એવી ચિઠ્ઠી મૂકી જઈને પરોઢિયાની આગગાડી હેઠળ શરીરને છૂંદાવી નાખું. કપડાં બદલાવીને પાટા પર સૂઈ જાઉં, માથાના પેચા નીકળી જશે. એવા ભયાનક બનેલા ચહેરાને કોઈ પારખી શકશે નહીં. થોડા દિવસ લોકાપવાદ! થોડો જ કાળ ધિક્કાર-ફિટકાર! થોડી જ ઘડી ગલીચ આક્ષેપોના વરસાદ! પણ એ મને નહી ભીંજવી શકે. મૃત્યુની ગોદમાં હું સલામત બની ગયો હોઈશ. કદાચ એક વધુ વેદનાનું શલ્ય સરસ્વતીના કાળજાને વીંધી રહેશે. પણ એ એક જ છેલ્લું તીર: વેદનાની ત્યાં પૂર્ણાહુતિ થશે. મૃત્યુનો પડદો પડી જશે. સૌ પોતપોતાને પંથે પડશે. સરકારી જાસૂસો મને શોધશે. રામભાઈની ગંધ નાબૂદ થશે. એ જ માર્ગ: એ એક જ રાહ બહેતર છે! હવે જલદી કરું. પરોઢિયું પાસે આવી રહ્યું છે. દૂર દૂર જંક્શન સ્ટેશનમાંથી નિ:સ્તબ્ધ પાછલી રાતનો પહોર ચોખ્ખેચોખ્ખા સ્વરો લાવે છે. લાઇન ક્લિયરના ત્રણ ત્રણ ડંકા: ‘ગાડી છૂટી’ના ચાલુ ટણટણાટો: તૈયાર થતી માલગાડીઓના શન્ટિંગ-ભણકારા: ‘આવવા દે બેક!’ ‘જાવા દે બેક!’ એવા સાંધાવાળાના પોકારો: પળે પળે જાણે અકસ્માતો બને છે. શન્ટિંગના ડબ્બાઓ વચ્ચે જાણે કોઈક પિલાઈ રહ્યું છે, કોઈકના પગ કપાઈ રહ્યા છે, કોઈક પટકાઈ પડે છે. ગોદામો પરના બુઢ્ઢા ચોકિયાતો સામસામા હોકારા સાંધી રહેલ છે. ચોમેરથી ગાડીઓ છૂટતી લાગે છે. એ બધા સ્વરો મને જગબત્રીસીમાંથી બચાવી લેવા વિકરાળ મૃત્યુની ગોદ હેઠળ બોલાવી રહ્યા છે. તાકીદ કરું: ફાટલી પોતડી પહેરી લઉં, માથાના વાળ મૂંડી નાખું, ને ગળામાં – અલખ નિરંજન એકેશ્વરની આરાધના કરનાર પિતા તો કદી માળા ફેરવતા નહોતા, પણ માતાજીનાં વસ્ત્રોની પેટીમાં તુલસી-પારાની તથા રુદ્રાક્ષની માળાઓ છે – ગળામાં પહેરી લઉં. માનું સંભારણું સાથે આવશે. એ માળાઓ આવતા પ્રભાતે કહી દેશે કે કોઈ ભામટો બાવો હશે. એ જ ઠીક છે: એ જ માર્ગ બહેતર છે. હાથ લંબાવીને એણે બત્તીની વાટ સતેજ કરી. એ ક્ષણે એને ઓરડામાં કશોક સંચાર થતો લાગ્યો. એણે ચોમેર જોયું. ગાઢ ચુપકીદી હતી. “કોણ છે?” એણે ઊંચેથી પૂછ્યું. જવાબ જડ્યો નહીં. થરથરતો એ ઊઠતો હતો તે જ પળે પાછું કોઈક બીજું ઓરડામાં હાજર હોવાનો એને આભાસ થયો. “કોણ છે?” અને વળતી જ પળે એને પિતાના વખતની, પિતાજીની હમેશાંની પ્યારી, જ્યાં બેસીને પિતાજી એને માથે રોજ રાતે છેલ્લી વાર હાથ ફેરવતા, તે જ જૂની આરામખુરસી પર બાપુ પોતે જ સદેહે બેઠેલા લાગ્યા. છેલ્લી વાર જેવો જોયેલો તેવો જ પ્રતાપી ચહેરો: પણ એ મૃતદેહના ચહેરા પર મઢાયેલી આંખો તો શૂન્યમય હતી, આ ચહેરાની આંખો અત્યારે ઉઘાડી છે. નહીં નહીં, નબળું પડેલું મન જ મને આવા આભાસો કરાવે છે, એમ વિચારીને શિવરાજે આંખો મીંચી. મીંચેલી આંખો પર હાથ ચાંપી દીધા. પણ ફરી પાછી જ્યારે આંખો ઉઘાડી ત્યારે પિતાજીને ત્યાં જ બિરાજેલા દીઠા. બાપુની આંખોમાંથી કરુણા અને માર્દવ નીતરે છે! માથામાં એક ધણેણાટી ઊઠી. ચક્કર આવ્યાં. સોફાના તકિયા પર શિવરાજ મોંભર ઢળી પડ્યો. પછી એણે પિતાના શબ્દો સાંભળ્યા: જીવતા હતા ત્યારે બોલતા હતા તે જ કોમળ, ગંભીર, પ્રેમાળ પણ મક્કમ બોલ: “બેટા! મારા બેટા! તારા સંકલ્પો હું સમજું છું. સાવધાન, બેટા! એ માર્ગે જતાં તને હું ચેતાવું છું. પોતાનાં પાપનાં પરિણામોથી કોઈપણ માનવી છટકી જઈ શકતો નથી. જો એ આ જન્મે છૂટશે તો નક્કી આવતા જન્મમાં એ જ કાર્યોને પોતાની સન્મુખ ઊભેલાં જોશે. ત્યારે એના હિસાબ ચૂકવવામાં હજારગણી વધુ વેદના સહેવી રહેશે, બેટા! સાવધાન, ભાગીશ ના.” “બાપુજી! ઓ બા...” ઉચ્ચ સ્વરે બૂમ પાડવાની ઇચ્છા છતાં સાદ શિવરાજના ગળામાં જાણે ચોટી રહ્યો. પિતાનો અવાજ અટકી પડ્યો. અને પછી એને જ્યારે ભાન આવ્યું ત્યારે એના ખંડના બારણાની બહાર ચાઊસનો ધીરો સ્વર સંભળાતો હતો: “સા’બ! છોટે સા’બ! બચ્ચા મેરા!” ‘બચ્ચા મેરા’ એ છેલ્લા બોલ જાણે ચાઊસ મનમાં મનમાં બોલતો હતો. “હાં, આતા હૂં.” “સા’બ, પોલીસ સુપરિટન સા’બ આયે હૈં!” તાજગીભેર ખડા થઈને એણે સળગતી બત્તી બુઝાવી નાખી. એના બિછાના પરની બારીએ જાંબલી રંગના નાનકડાં બે પંખી જાણે પહેલી જ વાર કોઈ દેશાવરેથી આવીને બોલતાં હતાં. એ કોના સંદેશા લાવ્યાં હતાં? સરસ્વતીના? કે અજવાળીના? બીજી બારીમાંથી નજર કરી. ઉગમણી દિશાની સેંકડો સીમડીઓને કોઈ વ્રતધારિણી કુમારિકા સમી ઉષા કંકુચાંદલા કરતી હતી. વિરાટ આકાશ જાણે કોઈ નાના ઝાકળબિન્દુ જેટલું અબોલ હતું. ને પોતે? પોતે જાણે કે વિકટ જંગલ વટાવીને ભયમુક્ત બનેલો માનવી હતો; પોતે જાણે કે વર્ષોજૂની પાછળ ઘસડાતી આવતી પગબેડીના ટુકડા કરીને મુક્તિ મેળવનારો કોઈ ગુલામ હતો. જીવનમાંથી ભય નામ ભાગી ગયું હતું. પોતાના માર્ગની ભાળ પોતે મેળવી લીધી હતી. હવે ભૂલા પડવાપણું ક્યાં રહ્યું હતું? ‘સાવધાન, ભાગીશ મા!’ હતા બાપુના અનાહત બોલ. મોં ધોઈ વાળ ઓળ્યા. દાંતિયાને પહેલે જ સપાટે લલાટથી લઈને ચોટી-ભાગ સુધી સીધીદોર સેંથી પડી ગઈ. પાયજામા પર ટૂંકો કોટ પહેરીને એ નીચે ઊતર્યો, એની ચંપલોના પટકારા દાદરને છેલ્લે પગથિયે પહોંચ્યા ત્યારે નીચેના મુલાકાત-ખંડમાં ખુરશી પર બેઠેલા આસિસ્ટંટ પોલીસ ઉપરીએ સલામ ભરીને “ગુડ મોર્નિંગ, સર” કર્યું. “હલ્લો, મિસ્તર સ્કૉટ! ગુડ મોર્નિંગ. મને તો ઘારણ વળી ગયું હતું. તમારે બહુ વાર બેસવું પડ્યું, નહીં? ઓહો! આજનું પ્રભાત તો ગજબ ખુશનુમા છે, નહીં? તમારા દેશમાં તો આવું પ્રભાત દેખી તમે ઘેલા જ બની જાઓ કે બીજું કાંઈ?” એવું બોલતાં બોલતાં શિવરાજે અવિરત હાસ્યભેર આ ગોરા પોલીસ અધિકારી સાથે હાથ મિલાવ્યા. “રાજકોટથી પરોઢિયાની ટ્રેનમાં આવ્યા લાગો છો.” “હા જી, ફોજદારનો એક્સ્પ્રેસ તાર મળ્યો કે જેલ તૂટી છે, તહોમતદારણ ભાગી ગઈ છે. મેં આવીને તપાસ કરી છે, સાહેબ! ને મને પૂરો શક ગયો છે કે તહોમતદારણ અચાનક નથી ભાગી ગઈ. એને ભગાડવામાં મારા બે કોન્સ્ટેબલોનો અને જેલરનો હાથ છે. અગાઉથી ગોઠવી રાખેલી આ યોજના છે. કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરીને મેં અટકાયતમાં લીધા છે. જેલરને સસ્પેન્ડ કરવાની ભલામણનો તાર આપ રાજકોટ કરો, ને દરમિયાન આપ જેલરને મારી અટકાયતમાં રાખવાની પરવાનગી આપો એટલી વિનંતી કરવા આવ્યો છું.” “હાં – હાં વારુ! બીજું કાંઈ?” શિવરાજ લહેરથી પૂછતો હતો. “તહોમતદારણને અને એના નસાડનારને પકડવાનું વૉરંટ આપો.” “કોણ નસાડનાર?” “રામભાઈ વકીલ, જેણે જેલરનાં ને મારા બે કોન્સ્ટેબલોનાં ગજવાં પૈસાથી ભરી દીધાં છે.” “જેલર કાંઈ કહે છે?” “લગભગ કબૂલ કરે છે.” “ચાલો ત્યારે આપણે જેલ પર જઈએ.” ક્રિશ્ચિયન જેલર, રોજનો રાડારાડ પાડનારો, જરા બંકી હૅટ રાખીને મરકતો મરકતો ડગલાનાં છયે છ ચકચકિત બીડેલ બટને ‘ગુડ મોર્નિંગ, સર’ કરી રોજ ઊભો રહેનારો, એ પ્રભાતે ગરીબડો બનીને જેલની ઑફિસમાં ઊભો હતો. ઑફિસના પાછલા બારણા પર એની બૈરી ને એનાં ચાર છોકરાં ઊભાં ઊભાં રુદન કરતાં હતાં. ફ્રૉક પહેરીને ઊભેલી પત્ની પોતાના કંઠમાં પડેલા સોનાના ‘વધસ્તંભ’ને ચૂમતી ચૂમતી અશ્રુપૂર્ણ નેત્રે ધા નાખતી હતી: “જિસસ! મર્સીફુલ લૉર્ડ! સેવ માય હસબંડ! માય ઇનોસંટ હસબંડ! દયાળુ પ્રભુ ઇસુ! મારા નિર્દોષ સ્વામીને બચાવી લેજે!” શિવરાજને જોતાં જ એ ધસી આવી: “મર્સીફુલ સર, યોર એક્સેલન્સી! મારો આલ્બર્ટ આવું કદાપિ ન કરે. એણે મને લગ્ન વખતે વચન આપેલું, એ કદી વિશ્વાસઘાત ન કરે – એ દારૂ પીએ છે, જુગાર પણ રમે છે, પણ વિશ્વાસઘાત એ ન કરે. મને કોલ આપેલો છે. લગ્નવેળાનો કોલ! તમે સમજી શકો છો, દયાળુ સાહેબ, કે બધા કોલ તોડાય, લગ્નના કોલ ન તોડાય.” એટલું બોલીને મા ને છોકરાં શિવરાજને પગે પડી ગયાં. જેલર ઊંધું ઘાલીને ઊભો રહ્યો. “ગાર્ડ ટંચન!” કરીને સલામી આપી ઊભેલા પહેરેગીરોનાં મોં પણ કાળાં મેશ હતાં. કાંપની જેલ પર આ પહેલવહેલું કલંક હતું. “કહાં હૈ વો દો પહેરેવાલે?” શિવરાજે તીણા હાકમી સૂરે હવાલદારને પૂછ્યું. એ બેઉને હાજર કરવામાં આવ્યા. એમના કમરપટા ખૂંચવાઈ ગયા હતા. તાજેતરની કોઈ આકરી સતામણીનાં નિશાન એમના દીદારમાં દેખાઈ આવતાં હતાં. “ઓ બાબાજાન!” એવી કોઈ આક્રંદભરી ચીસ થોડે દૂરથી સંભળાઈ અને ચોંકેલા શિવરાજે તે તરફ જોયું. એક ઇજારધારી, ને એક ધોળું હિન્દુ વસ્ત્ર પહેરેલી એવી બે ઓરતો થોડે આઘે ઊભી હતી, તેમની આંગળીએ બચ્ચાં હતાં. ઇજારધારી ઓરતે મોં ઢાંકેલું હતું. સફેદ પોશાકધારી હિન્દુ ઓરતનું ઉઘાડું મોં દાખવતું હતું કે પોતે એક સિત્તેર વર્ષની બૂઢી છે. બંનેએ શિવરાજ તરફ હાથ જોડ્યા. “બાબાજાન! મેરે બાબા!” એમ બોલતી નાની મુસ્લિમ છોકરી પેલા બે સસ્પેન્ડ પહેરેગીરો પૈકીના એક તરફ પુકારીને માના હાથમાંથી છૂટી ધસી આવવા મથતી હતી. ડોશી પણ એક દીન બાળકને પકડી રાખી ઊભી હતી. “કૌન હૈ યે?” શિવરાજે પૂછ્યું. “સા’બ, યે દો કન્સ્ટેબલકે ઘરકે લોગ હૈં.” હવાલદારે જવાબ વાળ્યો. “બચ્ચોંકો આને દો ઇધર.” “ધે વિલ મેક એ નીડલેસ રો, સર!” (એ વેજા આંહીં નકામી કકળાટ કરી મૂકશે.) આસિસ્ટન્ટ પોલીસ-ઉપરીને આ તમાશો ન ગમ્યો. છોકરાં – બેય કોન્સ્ટેબલોનાં ને જેલરનાં – નજીક આવ્યાં. શિવરાજે તેમને પંપાળ્યાં ને ગજવામાંથી એક રૂપિયો કાઢીને હવાલદારને કહ્યું: “બચ્ચેકો ખાના ઔર ખિલૌના મંગવા દેના.” “ત્યારે હવે શું કરવું છે, મિસ્તર સ્કૉટ?” શિવરાજે પૂછ્યું. “આપની પાસે મેં માગણી કરી છે.” “તમે તમારી તપાસમાં બહુ વધુ પડતા આગળ નીકળી પડ્યા છો, મિ. સ્કૉટ! તમે અવળા જ માર્ગે છો.” “સાહેબ! હું વૉરંટ માગું છું અને આ જેલર માટેનો સસ્પેન્શન ઓર્ડર માગું છું.” શિવરાજના હૃદયમાં બેઠેલો અસુર બોલતો હતો: જવા દેને આ પોલીસ-શકની બિલાડીને મોભામોભ એના જ ઇચ્છિત માર્ગે! તું શા માટે સતવાદીનું પૂંછડું થવા જાય છે? આ જેલરનાં ને કોન્સ્ટેબલનાં બાયડી-છોકરાંને પાળજે, પૈસા મોકલજે, બહુ બહુ તો બબ્બે વર્ષની સજા પામીને એ છૂટી આવે ત્યારે એને ધંધે ચડવાની મદદ કરજે. તું જીવતો હોઈશ ને તારું આજનું સ્થાન સલામત હશે તો તારી એક બૂરાઈની ભરપાઈ તું સુકૃત્યો વડે કરી શકશે. માટે જવા દે! જવા દે આ મામલાને એની મનઇચ્છિત બાજુએ. કુદરત પોતે જ ઇચ્છે છે. એવા એવા લોભામણા સ્વરો જેલના દરવાજા પર ઊભા ઊભા કાનમાં સિંચાઈ રહ્યા. ઘડીભર એ સાચા લાગ્યા. ઘડી પછી પિતાના બોલ યાદ આવ્યા: ‘કોઈ નહીં ભાગી જઈ શકે.’ અને એની સામે ત્રણ ગરીબ કુટુંબો કમબખ્તીના કાલિમંદિરના બરાબર ઉંબર પર બોકડા બનીને ઊભાં હતાં. એ બોકડાને વધેરવાની છૂરી એના હાથમાં હતી. વિધાતાદેવીએ જાણે એને પોતાનો પૂજારી બનાવ્યો હતો. “સાહેબ!” ગોરો અફસર અધીર બન્યો, “વખત જાય છે. કાં તો વૉરંટ આપો, નહીંતર મને રાજકોટ તાર કરવા દો.” “એ તારમાં બે શબ્દો ઉમેરશો, ઉમેરજો, કે સાચો ગુનેગાર હાથમાં જ છે, ને આપોઆપ સુપરત થાય છે.” પોતાના હાથ લાંબા કરીને શિવરાજે પોલીસ-ઉપરી સામે ધર્યા ને પછી કહ્યું: “સાહેબ, ગુનેગાર હું છું. તહોમતદારણને મેં મારી સત્તાની મદદથી નસાડી છે, ઇરાદાપૂર્વક નસાડી છે. મને ગિરફતાર કરો.”