< અપરાધી
અપરાધી/૪૦. ‘હું નો’તો કે’તો!’
શિવરાજના લંબાયેલા હાથનાં મજબૂત કાંડાં પરથી મિ. સ્કૉટની દૃષ્ટિ સીડી ચડતી બિલાડીની માફક એકદમ શિવરાજના ચહેરા પર ચોંટી. એ તેજસ્વી આંખોમાં આકાશની નીલિમા નહોતી, ઉજાગરાએ અરુણોદયના રંગ પૂર્યા હતા.
“મિ. સ્કૉટ,” શિવરાજના હોઠ અકમ્પિત સ્વરે ફરીથી બોલ્યા, “હું જ અપરાધી છું. મને ગિરફતાર કરો. તમારી ફરજ બજાવો.”
“આપ બીમાર છો, સાહેબ?” પોલીસ અધિકારીનો સ્વર દયાર્દ્ર બન્યો.
“લેશ પણ નહીં, મિ. સ્કૉટ, તમે આ નિર્દોષોને નિર્ભય કરો, મને કેદ કરો.”
પોલીસ અધિકારીને અનેક જૂની નવલકથાઓ યાદ આવી: “મિ. શિવરાજ, સર, ચાલો આપને બંગલે.”
“મારું સ્થાન હવે અહીં છે.” શિવરાજે જેલનો દરવાજો દેખાડ્યો.
અંગ્રેજી સમજી શકનાર એક જેલર જ હતો. પહેરેગીરોને જે ચાલી રહ્યું હતું તેની ગતાગમ નહોતી.
“આપ બંગલા પર ચાલો.”
“મેં એ ઘર ખાલી કર્યું છે, હું આખરી પ્રવાસે નીકળી ચૂક્યો છું, મિ. સ્કૉટ.”
પોલીસ અધિકારીએ શિવરાજના લંબાયેલા હાથ ઝાલી લીધા. તમ્મર ખાઈને પડતા શિવરાજને ટેકો દીધો અને ઑફિસની અંદર લઈ જઈ બેસાર્યો. પોતે રાજકોટ તાર લખીને રવાના કર્યો. પોલીસ અધિકારીએ જીવનમાં પહેલી જ વાર એક અકળ તમાશો દીઠો. એનો તેડાવ્યો દાક્તર આવી પહોંચ્યો.
“દાક્તર,” શિવરાજે હસતે મોંએ કહ્યું, “મારા નખમાંયે રોગ નથી. શા માટે તમાશો કરો છો?”
એક જ કલાક પછી રાજકોટની એજન્સી-કોઠીમાં ખળભળાટ મચ્યો. પોલીસ-ઉપરી તાર લઈને એજન્ટના ગોરા સેક્રેટરી પાસે પહોંચ્યા. સિનિયર ડેપ્યુટી મિ. પંડિતને તેડાવીને વાકેફ કર્યા. બપોર થયા ત્યાં મિ. પંડિતની મોટરગાડી કૅમ્પમાં હાજર થઈ. દરમિયાન જેલની સડક પર જમા થતા લોકોના ટોળાને વિખેરવા માટે પોલીસની જરૂર પડી હતી.
“આપની અને—” નામ ન ઉચ્ચારી શકાયું, એ નામ શિવરાજને અતિ પવિત્ર લાગ્યું – “અને મારા સર્વે શુભચિંતકોની હું રહમ માગું છું, ક્ષમા યાચું છું.”
એણે મિ. પંડિત સામે હાથ જોડ્યા.
“તમે તે આ શી ઘેલછા આદરી છે?”
“ના, મારી ઘેલછાનો અંત ખતમ થયો છે. અપરાધી હું છું.”
“અપરાધના ઢોલ પિટાવવાની જરૂર નથી, જુવાન માણસ! આ શું કરી રહ્યા છો? કાંઈ ભાન છે કે નહીં?” મિ. પંડિતે રોષ દેખાડ્યો, “તમે તમારી છોકરવાદીના ભોગ તમારા ઉપરીઓને, તમારા પિતાના સ્નેહીઓને, ખુદ એજન્સીને બનાવી રહ્યા છો. તમારા ભવાડાથી આખી એજન્સી જગબત્રીસીએ ચડશે. તમને જુવાનને આ હોદ્દો આપનારાઓ પ્રત્યેની તમારી શું કોઈ ફરજ નથી રહી? એક ન્યાયાધિકારી ઊઠીને ગુનો કબૂલ કરશે તો આખા તંત્રની બેવકૂફી ગવાશે. સાહેબલોકો દેશી જવાનો પર દાંતિયાં કરશે. બધાનું કેમ બગાડી રહ્યા છો?”
“મેં ન્યાયનું સ્થાન ખાલી કરીને એક પ્રચંડ તરકટ ઉઘાડું પાડ્યું છે.”
“ને તમે જેનું નામ પણ અતિ પવિત્ર ગણો છો તેના જીવન પર આજે છીણી શા માટે મારો છો? શિવરાજ! બેવકૂફ! હજુ પાછા વળો, સમજી જાઓ. મારી સરસ્વતી—”
“ઊગરી ગયાં છે. એમણે તો મને વખતસર ત્યજ્યો છે.”
“તમને કોણે કહ્યું, નાદાન? છોકરી સ્વપ્નમાંય તમારું નામ લે છે.”
“એ મારા પર રોષ કરીને ગયાં છે.”
“એનો રોષ ક્ષણિક જ હતો, હું તમને ખાતરી આપું છું.”
“એમણે મને ડૂબતો ઉગાર્યો છે. એ મારાં તારણહાર બન્યાં છે.”
“શિવરાજ,” મિ. પંડિતે કાકલૂદી કરી, “તમે એ અણસમજુના ક્ષણિક રોષથી ઉશ્કેરાઈને આ શું કરવા બેઠા છો? ચાલો પાછા, હું તમારાં લગ્ન કરી આપું.”
“મને એ તલસાટ રહ્યો નથી. હું મારી સાચી દુનિયામાં દાખલ થઈ ગયો છું. આ પગલું મેં ક્ષણિક આવેશમાં નથી લીધું.”
એક કલાક સુધી ઑફિસના એકાંતમાં પંડિતસાહેબે વ્યર્થ ફાંફાં માર્યાં. ફરી એણે કાકલૂદી કરી: “મારા ધોળા સામે તો જુઓ! એમાં શા માટે ધૂળ નાખવા નીકળ્યા છો?”
“હું નીકળી ચૂક્યો છું, એટલે દૂર નીકળી ગયો છું કે હવે કિનારાને આંબી શકાશે નહીં.”
“નથી જ માનવું?”
“હું અપરાધી છું. ઘોર અપરાધી છું. દુનિયાને કાને આ એકરાર નાખવા માગું છું. મને પાછો નહીં વાળી શકો.”
“સત્યાનાશ જજો તમારું! નરકમાંય તને વિશ્રામ ન મળજો! તેં અનેક નિર્દોષોની બરબાદી કરી છે. તું એ જ લાગનો છે! સત્યાનાશ જજો, સત્યાનાશ...”
કહેતાં કહેતાં, કમ્પતે સૂરે, લથડિયાં લેતા પંડિતસાહેબ બહાર નીકળ્યા ત્યારે પહેરેગીરો આભા બનીને એમને જોઈ રહ્યા. બેમાંથી કયું દૃશ્ય વધુ દયામણું હતું – લથડતાં પગલાં ભરતો ડોસો? કે હાથ જોડી વંદના દેતો યુવાન? – સિપાઈઓ એ ન સમજી શક્યા.
પોલીસ અધિકારી પાછા આવ્યા. એની આંખ ફરી ગઈ હતી. એની જીભને ટેરવે સામ્રાજ્ય-સત્તા સામટી ચડી બેઠી: “બસ ત્યારે, મિસ્ટર, તમે એકરાર કરો છો ને?”
“જી હા.”
“આરોપીની કબૂલાત લખી લો, ફોજદાર.” એણે સ્થાનિક પોલીસ અમલદારને આજ્ઞા કરી, “અને પછી અંદર લઈ જાઓ.”
પ્રભાતમાં ઊભો થઈને અદબ કરનારો એ અમલદાર સાંજે એની સામે નજર પણ નાખ્યા વગર ચાલ્યો ગયો.
“અને પાકો બંદોબસ્ત રાખજો. એની કોટડીને રાતભર તપાસતા રહેજો.” એ એના વિદાય-શબ્દો હતા.
શિવરાજના હોઠ પર એક સ્મિત આવીને પાછું વળી ગયું.
સંધ્યાકાળે પોલીસે શિવરાજને બે દરવાજાની આરપાર લીધો. એની તુરંગને એક કેદીએ વાળી નાખી.
“સા’બ!” પઠાણ પહેરેગીરે સલામ ભરી, “માલિક આપકા શુકર કરે,” એણે બે હાથ ઊંચા કરીને દુઆ દીધી, “પેટકી રોટી હમારે હાથોંસે બડી બૂરાઈ કરા રહી હૈ, છોટે સા’બ!”
એનો જવાબ શિવરાજના મોંમાંથી કશો જ ન નીકળી શક્યો. કામળી બિછાવીને શિવરાજ સૂઈ ગયો.
ને રાત્રિએ થાણદારને ઘેર વકીલો, અમલદારો, કારકુનો, પટાવાળાઓ, સૌનો મેળો મળ્યો.
“હું તો કહેતો’તો!” થાણદારના મોંમાંથી સૌ પહેલાં નીકળનારા શબ્દો આ હતા. એમણે વારંવાર જે વાતો કરી હતી તે એ રાત્રિએ ફરીથી કહી: “પચીસ જણાના હક ડુબાડીને આજકાલના છોકરાને ઉપરી બનાવ્યો. હું તો કહેતો’તો, કે ભાઈ, આ છોકરવેજાને ભેગી કરવામાં એજન્સીનું ભલું નથી. મેં હજાર વાર કહ્યું’તું કે જીભની ચિબાવલાઈથી કારભારાં નથી થવાનાં. ને હું કહી રાખું છું કે એજન્સીને અમારા વગર નથી ચાલવાનું. ને આ સદ્ધનાં પૂછડાંઓ! જુઓ તો ખરા! જોઈ લ્યો ભવાડા! સફાઈ ઠોકે કે અમે લાંચ નથી લેતા! અમે ગરીબોના બેલી છીએ! અમે શાહુકારોના બાપથીયે દબાતા નથી! અમે રંકોનાં રખવાળાં કરનાર! જોઈ લ્યો હવે આ રંકોના રખેવાળોને! રંકોને માથે વહાલ વરસાવનારાઓનાં માયલાં કામાં જોઈ લેજો બધા – લાંચ નથી લેતા! શું કપાળ લ્યે! લેતાં આવડે તો લ્યે ને! હું કહેતો આવ્યો છું ને કહી રાખું છું, કે આ વેજા એજન્સીનો વહીવટ ઊંધો વાળવાની છે. પચીસ નોકરોના હકો ડુબાડનારાઓનું મારો ત્રિલોકીનાથ ધનોતપનોત કાઢી નાખશે. હું નો’તો કહેતો? અમે ત્રીસ-ત્રીસ વરસથી શું હજામત કરીએ છીએ? અમે શું એજન્સીના ગધેડા છીએ?”
થાણદારનાં આવી મતલબનાં સુવર્ણ-સૂત્રોને ફાટફાટ હાસ્ય વડે વધાવનારાઓ – એ શિવરાજની સખતાઈના ભોગ થઈ ગયેલા વકીલો – પણ ત્યાં વિસ્મય પ્રકટ કરવા લાગ્યા કે કાયદાનું જ્ઞાન પણ એનું કેટલું બધું છીછરું હતું! એને રૂલિંગ આપતાંય નહોતું આવડતું.
“અરે, ડફોળ છે ડફોળ!” થાણદારનો એ છેલ્લો ફટકો હતો.
સૌ મોડી રાતે વીખરાયા. વળતા દિવસે અદાલતમાં થનાર ‘જલસા’માં વખતસર પહોંચી શકવા માટે તેમણે ઘણાએ પરસ્પર ખાસ ચીવટ રાખી ઊઠવાની ભલામણો કરી. ચા સૌએ સાથે મળીને મિલવાળા શેઠને ઘેર પીવાનું ઠરાવ્યું.