અપરાધી/૯. ઘર કે ઘોરખાનું!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૯. ઘર કે ઘોરખાનું!

“હવે ચાલો, સૂઈ જવાનું છે.” બુઢ્ઢા માલુજીએ ટેલબ પર માથું ઢાળીને ઝોલાં ખાતા શિવરાજને રાતના દસ વાગ્યે હુકમ કર્યો. માલુજીને શિવરાજની વધતી જતી ઉંમરનું ભાન ન આવ્યું તે ન જ આવ્યું: માતાએ સોંપેલો શિવરાજ કદી માલુજીના મનથી મોટો થયો જ નહોતો. સુવાડીને ઓઢાડતાં માલુજીએ પૂછ્યું: “સરસ્વતીબાઈ તો ગયાં તે ગયાં જ! પાછાં ડોકાણાં પણ નહીં?” “આપણે શું કામ છે?” શિવરાજે ટૂંકોટચ જવાબ વાળ્યો. “તમને કાંઈ વિચાર થાય છે કે નહીં?” “શાનો?” “આ તે ઘર છે કે ઘોરખાનું?” “એટલે?” “મારાથી હવે તમારી આડોડાઈ નથી વેઠી શકાતી. તમારી સંભાળ લેનારું કોઈક આવશે નહીં, તો તો તમે ખાવામાં બે રોટલીએ ઊતરી ગયા છો તે હવે વા ભરખીને જ જીવવા મંડવાના.” શિવરાજ ન બોલ્યો, એટલે માલુજીએ કબાટનાં બારણાં નિષ્પ્રયોજન ઉઘાડબીડ ઉઘાડબીડ કરતે કરતે બોલવા માંડ્યું: “ડોસો બચાડો આખો જન્મારો ખેંચ્યે જ જશે; ને આ ભર્યા ઘરનું ભૂતખાનું કે’દીય આળસશે જ નહીં! ખેડુની બાયડિયું કમ્પાઉન્ડની બા’ર ઊભી ઊભી મોં આડે લૂગડાં રાખીને જોયા જ કરે છે – કે આ તે કેવા માણસ! વરસું વીત્યાં તોય આ ઘરમાં બે માણસનાં ત્રણ બન્યાં જ નહીં! ઉપર જાતાં મને સૌ ટોણા મારે છે કે, તારે, માલુજી – તારે એકહથ્થુ રાજ કરવાં છે એટલે જ તેં સાહેબને ફરી પરણવા ન દીધા, ને ભાઈનુંય ઘર પણ તું જ બંધાવા દેતો નથી. દરવાજે બેઠો બેઠો ઓલ્યો બૂઢિયો ચાઉસ પણ મને જ ઊધડો લેતો ફરે કે, બસ, માલુજી, તું કાંઈ અમરપટો લઈને નથી આવ્યો! સાહેબની, મારી ને તારી – ત્રણેયની બાજરી હવે ખલાસ થવા આવી, તોય હજી ઘરનું ઠેકાણું પડ્યું નહીં.” શિવરાજ કામળ નીચે પડ્યો પડ્યો રમૂજ પામતો હતો. માલુજીએ શિવરાજની ચોપડીઓ સરખી પડી હતી તોપણ ઠબકારી ઠબકારી નવેસર ગોઠવતે ગોઠવતે કહેવાનું બહાનું શરૂ રાખ્યું: “હું તમને કહી રાખું છું. સાહેબનું જે દી આંખમાથું દુખશે ને, તે દી પછી હું પણ સાજો નથી રહેવાનો. મારે એમને વળાવીને વાંસે રે’વું નથી; હું એમની આગળ જ એમની પથારી કરવા હાલ્યો જઈશ. પછી તમે જાણો ને તમારું આ ઘોરખાનું જાણે!” બબડતો બબડતો માલુજી બહાર નીકળી ગયો – અને કોઈ દિવસ નહીં ને માત્ર તે જ દિવસે રાતે એણે શિવરાજના ઓરડાનું બારણું જોરથી બંધ કર્યું. શિવરાજે પહેલી જ વાર મકાનના છાપરા પર માર્મિક નજર કરી: સાચે જ, શું આ ઘર ઘોરખાનું છે? એણે કાન માંડ્યા: કબ્રસ્તાનના જેવો કોઈ કરુણ હાહાકાર આંહીંના વાતાવરણમાંથી સંભળાય છે? આ શૂન્યતા કોઈ ફક્કડ યોગી-તપસ્વીના નિવાસની છે – કે કોઈ સ્વજન-ઝૂરતા રાગભરપૂર રહેઠાણની? આંહીં કોઈ બાળક કેમ રોતું નથી? આંહીં છોકરાંના કજિયા કેમ ચૂપ છે? પતિપત્નીના ધમધમાટા આંહીંથી પૃથ્વીના પેટાળમાં ક્યારે સમાઈ ગયા? હું ને પિતા શું આ ઘરમાં – વીશ વર્ષો દરમ્યાન જ્યાં જ્યાં ગયા ત્યાં પ્રત્યેક ઘરમાં અમે નિર્જનતાને જ વસાવી છે શું? મારી બા, મારી બહેન, મારાં નાનાં ભાંડુઓ, કૂતરાં ને બિલાડાં, મરઘાં ને બતકો, ચકલી ને ખિસકોલી – કોઈ કરતાં કોઈ કેમ નથી બોલતું? બધાં એકાએક જ શું બંધ પડી ગયાં? બધાં એકાએક બહારગામ તો નહીં ચાલ્યાં ગયાં હોય? નીંદરમાં શિવરાજ જાણે કે ઘોરખાનાની ઘોર પછી ઘોર ફોળતો ફોળતો ઘૂમતો હતો. છ મહિના ગયા. શિવરાજે પરીક્ષા પાસ કરી. “ભાઈને હવે આંહીં આપણા રાજની જ સનંદ લેવરાવોને, સાહેબ!” ગામના શેઠિયાએ આવી સારું લગાડવા માંડ્યું. “પોતાની જાતનો દુશ્મન હોય તે જ જુવાન પોતાના બાપની છાયાનો આશરો ગોતે.” દેવનારાયણસિંહે શેઠને કહી પુત્રને સંભળાવ્યું. “પણ આપના ઇન્સાફની કડકાઈ પર કોઈથી થોડો આક્ષેપ થઈ શકે છે?” “તમે ભૂલો છો.” દેવનારાયણસિંહે હસીને કહ્યું: “દીકરો વકીલ બનીને સામો ઊભો રહે, ત્યારે જાણ્યેઅજાણ્યે પણ એની બાજુએ ન ઢળી જાય એવું હૈયું લઈને કયો બાપ જન્મ્યો છે આ જગતમાં?” “તો ક્યાંક ભલામણપત્ર લખીને નોકરી અપાવો. એમ ભાઈને રઝળતા મૂક્યે કંઈ ચાલે? એને આમ નહીં ઠેકાણે પાડો તે કાંઈ કામ આવે? વાડ્ય વગર કાંઈ વેલો ચડે!” શિવરાજ માટેની પોતાની ચિંતા શિવરાજના સગા પિતા કરતાં પણ પોતાને વધુ છે એવું બતાવનાર આ શેઠ એક અપવાદ નહોતા, પણ એવા એક આખા વર્ગના પ્રતિનિધિ હતા. જવાબો આપવા એ જ્યારે બેવકૂફી જેવું લાગતું ત્યારે દેવનારાયણસિંહ જોરથી હસી લેતા. માણસોની ઢોંગીલી હમદર્દી પર ગરમ બનતા મગજને માથે આ હાસ્ય જ ઠંડા જળની ધાર જેવું બની જતું. એમણે શિવરાજને કહ્યું: “પરીક્ષા પાર કરી એટલે માત્ર પ્રવેશદ્વાર. અંદર પ્રવેશ કરવા પૂર્વેની તાલીમ હજુ તારે કોઈ વકીલની હૂંફે હૂંફે લેવાની છે. એકથી લાખ રૂપિયાનો પણ કેસ લઈને કોઈ આવે તો અડકવાનું નથી, કેમ્પમાં પાટિયું મારવાનું નથી. માત્ર મકાન રાખીને વ્યવહાર-જ્ઞાન મેળવી લે. એક વર્ષ વીત્યે રાજકોટ જઈ પ્રેક્ટિસ માંડજે.” કેમ્પમાં શિવરાજને મકાન અપાવવા પણ કોઈ ન ગયું. પોતાની મેળે જ એને પોતાનું ફોડી લેવાનું હતું.