અભિમન્યુ આખ્યાન/કડવું ૨૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૨૦
[વૈદ્યરૂપ ધારીને સુભદ્રાની નાડી જોવા બેઠા. ચક્રવ્યૂહ ચીતરાવીને બહેનને એ સંભળાવવા લાગ્યા. સાતમા કોઠાના ભેદની લાલચે અહિલોચન પુત્ર રૂપે જન્મ પામ્યો.]


રાગ મેવાડો

સંજય કહે : સાંભળો હો રાજા! વૈદ્ય થયા વિશ્વનાથ જી;
નાડી ગ્રહવાને બેઠા નરહરિ, જુએ ભગિનીનો હાથ જી.          ૧

‘ત્રાહે ત્રાહે’ કરી કૃષ્ણ કહે છે, ‘સર્વ નીસરો બહાર જી’;
તાતભ્રાતને આજ્ઞા આપી, વોળાવી સર્વે નાર જી.          ૨

ચીતર્યો ચક્રાવો ચતુર્ભુજે, ભગિનીને કહે ભગવંત જી;
‘અરે સુભદ્રા સન્મુખ થાઓ, સાંભળજો એકે ચંત જી.          ૩

આ જન્મ પામ્યાનો જંત્ર છે, હું કહું તે ધરજો કાન જી;
ચક્રાવો એ નામ એહનું, ભેદ રાખજો ધ્યાન જી.          ૪

પહેલે કોઠે એક બારણું, અવળાં દ્વાર છે ત્રણ જી;
મધ્ય બે વાંકે પેસે તે વીર ન પામે મરણ જી.          ૫

નવ દ્વાર છે બીજે કોઠે, તેહનો કહું છું ભેદ જી;
છેલ્લે બારણે જે પેસે તે જીતે, એમ કહે ધનુર્વેદ જી.          ૬

ત્રીજે કોઠે વીશ બારી છે, તે મધ્યે મારગ ત્રણ જી;
દક્ષિણનું દ્વાર અતિ વાંકડું, ત્યાં પહેલું ભરવું ક્રમ જી.          ૭

ચોથે ચક્રે બત્રીશ બારી, એક મધ્યે મોટું દ્વાર જી;
તે માંહે જે જાયે જોદ્ધો તે જીતે નિરધાર જી.          ૮

પાંચમે ગુલ્મે બે બારણાં છે, આઠ ત્યાં અવળાઈ જી;
દક્ષિણ દ્વારે પૂંઠ કરીને, વામાંગે પેસવું ધાઈ જી.          ૯

છઠ્ઠે કોઠે ચોસઠ નાકાં, ભુલવણીનો ઠામ જી;
પાંચ ને સાઠ્ય મધ્યે પેસવું’, એમ કહે સુંદરશ્યામ જી.          ૧૦

જે જે ભેદ કહ્યો ભગવાને તે ગર્ભે ગોખ્યો મુખ જી;
હાલતો ચાલતો રહ્યો પેટમાં, સુભદ્રા પામ્યાં સુખ જી.           ૧૧

શાતા થઈ શ્યામા શરીરે, તત્ક્ષણ નિદ્રા આવી જી;
ભગવાને ભણવું મૂકી છાંડ્યું, બહેનને ન બોલાવી જી.          ૧૨

પેટમાંહેથી પુત્ર બોલ્યો, હરિને દેઈ હોંકારો જી;
‘છ કોઠા હું તો શીખ્યો મામા, સાતમો વિસ્તારો જી;’          ૧૩

અકસ્માત એવું સાંભળીને, મર્મ લહ્યો મોરાર જી;
એહથી અધિક શીખવું, જો તું નીસરે બહાર જી.          ૧૪

કહેતામાંહે પ્રસવ થયો તે વિદ્યા ભણવાના કોડ જી;
વેરી જાણી ચક્રાવો ભાંગી ઊઠી ચાલ્યા રણછોડ જી.          ૧૫

સુભદ્રાએ પુત્ર પ્રસવ્યો, વાત ચાલી ચોફેર જી;
હાથા તોરણ હરિને મંદિર, વાજે વાજિંત્ર ભેર જી.          ૧૬

વસુદેવ-દેવકી આનંદ પામ્યાં, હૈડે હરખ્યા રામ જી;
જાચકજન સર્વે સંતોષ્યા, બળિભદ્રે ખરચ્યા દામ જી.          ૧૭

વધામણી મોકલી ઇન્દ્રપ્રસ્થમાં હરખ્યા રાજા ધર્મ જી;
વિપ્રને બહુ દાન દીધાં, અર્જુને કીધું જાતકર્મ જી.          ૧૮

વલણ
જાતકર્મ કીધું, કારજ સીધ્યું, વહી ગયા સાત માસ રે;
આણું કરવા સુભદ્રાને, ધર્મે મોકલ્યા નકુલ ભ્રાત રે.          ૧૯