અભિમન્યુ આખ્યાન/કડવું ૪૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૪૯
[ચાળણી થયેલા દેહ અને ‘પારધીવીંધ્યા પોપટ’ની જેમ તડફડતાં ય અભિમન્યુએ પોતાનો હાથ બતાવવા માંડ્યો. અંતે કૃષ્ણે ઉંદરનું કપટરૂપ ધારણ કરિ અભિમન્યુના ધનુષ્યની પણછ કાતરી નાખી. વિવિધ શસ્ત્રપ્રહારે આ ‘ચંપાનો છોડ’ ભાંગ્યો. શક્તિ ન રહી ત્યારે સૂતાંય કાળકેેતુને ગદાપ્રહારે મૃત્યુધામ પહોંચાડી અંતે અભિમન્યુ વીરગતિને પામ્યો.]


રાગ ધનાશ્રી

એક વૃષકેતુ કર્ણનો કુંવર, આવ્યો કરીને રીસ;
હેલા માત્રમાં અભિમન્યુએ છેદ્યું તેનું શીશ.          ૧

સહસ્ર રથ ને ત્રણસેં હાથી, ચૌદ સહસ્ર તોખાર;
અભિમન્યુએ મારિયા,શત લક્ષ ત્યાં અસવાર.          ૨

પછવાડેથી કર્ણ આવ્યો, કપટ કરીને પાપી;
તેણે સૌભદ્રેના સારથિનું મસ્તક નાખ્યું કાપી.          ૩

નીચ કર્મ ત્યાં દ્રોણ કીધું, કાપી ધનુષ્યની પ્રત્યંચાય;
ભૂરિશ્રવાએ ઘોડા માર્યા, શલ્યે વેધી કાય.          ૪

કૃતવર્માએ કવચ કાપ્યું, અશ્વત્થામાએ મુગટ;
એમ સર્વે મળીને વિરથ કીધો સૌભદ્રે સુભટ.          ૫

સો સો બાણ રથીએ માર્યાં, શરીર કીધું ચાળણી;
ત્યારે ગદા લઈને ધાયો, કુંવર કરવાને વાળણી.          ૬

પલાશ ફૂલ્યો ફાગણ માસે એવી દીસે દેહ;
નારાચ જાતનાં બાણ વાગ્યાં, પડ્યા સોંસરા વેહ.          ૭

બહુ પારધીએ પોપટ વીંધ્યો, તરફડે વનમાંય;
તેમ કુંવર અકળાવિયો, કોણ આવે તેની સા’ય?          ૮

કૃષ્ણ અર્જુન સાંભર્યા, પિતા માતુલ કો ધાય;
વાઘે ઝાલ્યો મરગલો, શી જીવ્યાની આશાય!          ૯

કાકા કરીને સાદ કીધો, કો નવ સાંભળે બોલ;
ભીમને કાને શબ્દ ન પડે, માટે કૌરવે વજડાવ્યાં ઢોલ.          ૧૦

પારથ-પુત્રે વિચારિયું : ‘દોહલી વેળા કોનો સાથ?
આણી વેળાએ તો ઉગારે મુને મારા હાથ.          ૧૧

એવું કહીને દોટ મૂકી, કર્ણ ભણી કર્યું મુખ;
ગદાપ્રહારે રાધેય પાડ્યો, ઝૂંટી લીધું ધનુષ.          ૧૨

કર્ણના ચાપે ટંકરાવ કીધો, ધ્રુજાવ્યા ચૌદ લોક;
દ્રોણ કહે : ‘નાસો દુર્યોધન, એને જીત્યાની આશા ફોક.’          ૧૩

પડ્યાં બાણ વીણ્યાં મહાવીરે, મુખે કર્યો હોકાર;
‘રખે ભાણેજ નવ મરે’ — કૃષ્ણે કીધો વિચાર.          ૧૪

કપટ કરીને કૃષ્ણ આવ્યા, રૂપ ઉંદરનું ધરી;
અભિમન્યુના ધનુષ્ય કેરી પ્રત્યંચા પોતે કાતરી.          ૧૫

ત્રાહ્ય ત્રાહ્ય દેવતાએ કીધું : ‘આમ નવ ઘટે, ગોપાળ’;
ભાંગ્યું ધનુષ્ય જાણી કૌરવે વીંટી લીધો બાળ.          ૧૬
 
એમ ઉપરાઉપરી ઘા પડે ને છૂંદો કીધી કાય;
તેવે શરીરે ગદા લઈને કૌરવ ઉપર ધાય.          ૧૭

પડે પૃથ્વી, બેઠો થાયે, કરે કેસરી નાદ;
‘આવો કૌરવ! છે કોઈ યોદ્ધો?’ કરે યુદ્ધનો સાદ.          ૧૮

છ રથીએ ગદા મારી એકેકી માથામાંય;
પાટુ પ્રહારે પૃથ્વી પાડ્યો દુર્યોધન ત્યાં રાય.          ૧૯

નાસતા પુરુષને ચરણે ઝાલી ઝીંક્યા અવની સાથ;
બાવીસ સહસ્ર પ્રાક્રમી માર્યા અભિમન્યુએ એક હાથ.          ૨૦

પાસ કોએે જવાય નહિ, ને સહેવાય નહિ સંગ્રામ;
પછે દુઃશાસનનો પુત્ર આવ્યો કાળકેતુ એવું નામ.          ૨૧

તેના હાથમાંહે ગદા મોટી, અભિમન્યુ ઉપર નાખી;
ત્યારે ઊછળી અળગો પડીને દેહ પોતાની રાખી.          ૨૨

એવે અંતર માંહે શલ્યરાયે મૂકી મોટી સાંગ;
સર્પણી સરખી આવી પેઠી અભિમન્યુને અંગ.          ૨૩

ચૌદ બાણ ત્યાં કર્ણે માર્યાં, ભૂરિશ્રવાએ ભોગળ;
કાળકેતુએ ત્રણ ગદા મારી, નવ વળી કુંવરને કળ.          ૨૪

દ્રોણ, કૃપ ને કૃતવર્માએ બાણ માર્યાં વળી;
મહામહારથી પારથનો પુત્ર પડ્યો ધરણે ઢળી.          ૨૫

રૂપે અરુણ-ઉદે સરખો, શોભે કેસરી-કટિનો મોડ;
અકળાઈ પૃથ્વી પર પડ્યો, જાણે ભાંગ્યો ચંપા છોડ.          ૨૬

વસુધાએ અડક્યો નહીં, બાણે વીંધાઈ રહ્યો અંતરિક્ષ;
શક્તિ ભાંગી શરીરની, ત્યારે જુએ ડગમગતે ચક્ષ.          ૨૭

નિસાણ ગડગડ્યાં કૌરવનાં, બોલ્યો દુર્યોધન ધીશ :
‘જા, કાળકેતુ! કર પૂરો, છેદ એહનું શીશ.’          ૨૮

ત્રાહ્ય ત્રાહ્ય દેવતાએ કીધું, દ્રોણ લાગ્યા કહેવા :
‘અફણિયે એ મરશે રાજા, તું એને દે ને રહેવા.’          ૨૯

ભૂપ કહે : ‘કદાપિ એ જીવે તો, આપણથી નહીં જિવાય;
માટે કાળકેતુ! તું જાને વહેલો, ખડ્ગ ગ્રહી કરમાંય :’          ૩૦

મસ્તક છેદવા આવતો દીઠો પડ-પિતરાઈ;
પડ્યાં પડ્યાં અભિમન્યુને, ક્રોધ આવ્યો ભરાઈ.          ૩૧

બકતો વાણી આવતો જાણી, સૂતાં ગદા નાખી સુજાણ;
કાળકેતુને આવી વાગી, ગયા નીસરી પ્રાણ!          ૩૨

શાતા થઈ ત્યારે સુતને કાજે સમર્યા શ્રીભગવાન;
એહવે સ્વર્ગથી એક આવી અપ્સરા લેઈને વિમાન.          ૩૩

પ્રાણ નીસર્યા અભિમનના, દેહ તો દેવતાનો ધરી;
વિમાને બેસી સ્વર્ગે ગયો, શ્રોતાજન બોલો શ્રીહરિ.          ૩૪

વલણ
શ્રી હરિ મુખે કહો શ્રોતા! યુદ્ધે પડ્યો અભિમન્ય રે;
પછે પાંડવે શું કર્યું? આવ્યા કૃષ્ણ-અર્જુન રે.          ૩૫