અભિમન્યુ આખ્યાન/કડવું ૫૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૫૦
[અભિમન્યુના મૃત્યુએ સમગ્ર સ્વજનસમુદાયને ઘેરા શોકમાં ગરકાવ કરી દીધો. પાંડવોનું આક્રંદ, વાજિંત્રસૂર વિનાનું, અભિમન્યુવિહોણું પાછું શોકમગ્ન સૈન્ય, નારીવર્ગની મૂર્ચ્છા અને અર્જુનને ઘેર આવતાં જ ‘સૌભદ્રરૂપી’ સૂરજ આથમ્યો, સાંપડતી માહિતી - આ બધું વાતાવરણને ઘેરા કરુણથી રંગી નાખે છે.]


રામ મેવાડો ધનાશ્રી

અભિમન્યુ પડિયો હો, પાંડવે સાંભળ્યું જી;
સેન સઘળું હો, શોકે ધરણી ઢળ્યું જી.          ૧

કાકા ચારે હો, આવ્યા ધાઈ જી;
પડિયો દીઠો હો, અભિમન્યુ ભાઈ જી.          ૨

ચંદ્રવદન હો, અંબુજ નયન જી;
પ્રાણ પાખે હો, કીધું શયન જી.          ૩

આક્રંદ કરતા હો, કાકા ચાર જી.
હાથે કરતા હો, હૃદયે પ્રહાર જી.          ૪

‘અરે! બાલકડા હો, અરે, બાડુવા જી;
અમો ન જાણ્યું હો, કૌરવ કૂડા જી.’          ૫

રુએ યુધિષ્ઠિર હો, ઊઠો બાપ જી!
હું શો દેઈશ હો, અર્જુનને જવાબ જી.          ૬

સુભદ્રા કુંતા હો, વળી પાંચાળી જી;
તેઓની દેહડી હો, દીકરા તેં બાળી જી.          ૭

કોમળ જેવી હો, કમળની પાંખડી જી;
તે કેમ જીવે હો, ઉત્તરા રાંકડી જી?’          ૮

રુએ વૃકોદાર હો, તે વેળા કોપી જી :
‘પાર્થ ગયા છે હો, મુજને સોંપી જી.’          ૯

વળતી પાડી હો, ભીમે ચીસ જી;
નાઠા કૌરવ હો દશો દિશ જી.          ૧૦

ફરિયા પાંડવ હો, સર્વ શિબિર ભણી જી;
વાટ જુએ છે હો , માતા કુંવર તણી જી.          ૧૧

સુભદ્રા ઉત્તરા હો અને પાંચાળી જી;
અભિમન્યુ નહિ દીઠો હો, સેના ભાળી જી.          ૧૨

વાજિંત્રશે નહિ વાજે હો? સૈન્ય શોકે ભર્યું જી;
મૌને મૌને હો સર્વ પરવર્યાં જી.          ૧૩

અભિમન્યુ કેરી હો, વાર્તા સાંભળી જી;
નારી સર્વેને હો ત્યારે મૂર્છા વળી જી.          ૧૪

જળ વિના હો, મીન જેમ ટળવળે જી;
વીરને સંભારી હો, સરવ ધરણે ઢળી જી.          ૧૫

સુભદ્રાને હો, શોક ન જાય સમાવ્યો જી;
એવે સમે હો, અર્જુન આવ્યો જી.          ૧૬

થાયે વાટે હો, માન-શુકન જી;
સૂકે કંઠે હો, ફરકે લોચન જી.          ૧૭

પૂછે કૃષ્ણને હો, ‘ત્રિભુવન ધણી જી’;
દુઃખણી સેના હો, દીસે આપણી જી.          ૧૮

માણસ હીંડે હો, હુંથી લાજતા જી;
અરે દયાળજી હો, દુંદુભિ શેં નથી વાજતાં જી?          ૧૯

મારા મન માંહે હો, કલપ્યું સર્વથી જી;
ભાણેજ તમારો હો, તે જીવતો નથી જી.          ૨૦

હવાં શું થાશે હો, જો સાચું હશે જી;
દીકરો જાતાં હો, જશ ને તેજ જાશે જી.          ૨૧

કૃષ્ણજી બોલ્યા હો, ‘એમ ન કીજિયે જી;
રોવું વળતું હો, તપાસી લીજિયે જી.’          ૨૨

આવ્યા સભા માંહે હો, બેઉએ દડબડ્યા જી;
પારથને દેખી હો, પાંડવ રોઈ પડ્યા જી.          ૨૩

યુધિષ્ઠિર બોલ્યા હો, ‘શું આવ્યા તમો જી?
સૌભદ્રે રૂપી હો, સૂરજ આથમ્યો જી.          ૨૪

વલણ
આથમ્યો સૂરજ, સાંભળી નરનારાયણને મૂર્ચ્છા વળી રે;
અભિમન્યુના ગુણ સંભારી, બન્ને પડ્યા ધરણે ઢળી રે.          ૨૫