અભિમન્યુ આખ્યાન/સંપાદક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંપાદક-પરિચય

ભરત ખેની(૧૯૮૭) નવી પેઢીના એેક તેજસ્વી અભ્યાસી અને આશાસ્પદ કવિ છે. ગુજરાતી સાહિત્યના અધ્યાપક તરીકે પાંચ વર્ષ આણંદની એન. એસ. પટેલ કૉલેજમાં કામ કર્યું ત્યાં વિવિધ સાહિત્યિક કાર્યક્રમોમાં સક્રિય રહેવાથી એમની અભ્યાસવૃત્તિ વિકસતી ગઈ. એ દરમ્યાન ‘અનુ-આધુનિક ગુજરાતી વાર્તાનું સંવેદનવિશ્વ’ પર શોધનિબંધ કરીને પીએચ.ડી. થયા. અત્યારે તે દાહોદ પાસેના ગરબાડાની સરકારી વિનયન કૉલેજમાં ગુજરાતીનું અધ્યાપન કરે છે. ડૉ. ભરત ખેનીની રુચિ સાહિત્ય ઉપરાંત ચિત્રકળા અને લોકસાહિત્યમાં પણ પ્રસરેલી છે. ‘કંઠસંપદા’ સામયિકના તથા ‘લોકસાહિત્ય અને સંબંધિત વિદ્યાશાસ્ત્રો’, ‘પ્રતિપદા’, વગેરે પુસ્તકોના સંપાદનમાં એમની ચીવટભરી અભ્યાસદૃષ્ટિ ઉપયોગી બનેલી. ગુજરાતીનાં વિવિધ સામયિકોમાં એમના અભ્યાસલેખો પ્રગટ થતા રહે છે. વળી, છેલ્લા કેટલાક સમયથી, મહત્ત્વનાં સામયિકોમાં પ્રગટ થતાં એમનાં વિશિષ્ટ મુદ્રાવાળાં કાવ્યોેએ રસિકો અને અભ્યાસીઓનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે. તાજેતરમાં એમણે, વર્ષોના ઉદ્યમભર્યા અભ્યાસના પરિણામ રૂપે, ભારતના વિખ્યાત ચિત્રકળાકાર રાજા રવિ વર્માનું ચરિત્ર પ્રકાશિત કર્યું છે. એ ગ્રંથ એક રસપ્રદ ચરિત્રલેખન બનવા ઉપરાંત રાજા રવિ વર્માની જાણીતી ચિત્રકૃતિઓને સમાવતું એક મહત્ત્વનું દસ્તાવેજી અંકન પણ બન્યું છે. એમાંની શાસ્ત્રીય સંદર્ભસામગ્રી અને સૂચિ પણ દ્યોતક છે. ગ્રંથનું નિર્માણ એક કલાકારના ચરિત્રને શોભાવે એવું રૂપકડું છે. અભિમન્યુ-આખ્યાનના સંપાદનથી ભરતભાઈ મધ્યકાલીન સાહિત્યના અભ્યાસક્ષેત્રમાં પ્રવેશે છે ત્યારે એમને વિશેષ અભિનંદન અને શુભેચ્છાઓ. –રમણ સોની