અમાસના તારા/હૃદયધર્મનો પ્રસાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હૃદયધર્મનો પ્રસાદ

બરાબર યાદ છે. ભુલાય નહીં એવી એ સાંજ હતી. બાકી જીવનમાં ઘણુંય યાદ નથી રહેતું. પ્રકૃતિની સુંદરતા અને માણસના હૃદયની મીઠાશ પણ ઘણી વખત વિસ્મરણની ખાઈમાં ખોવાઈ જાય છે. પણ કોઈની મૂંગી દૃષ્ટિ, કરુણતાથી છલકાતો કોઈનો નિ:શ્વાસ, સૂનું પડેલું એકલવાયું કોઈ ખંડેર અને હૃદયની નિગૂઢ શ્રદ્ધા સમું ઉજ્જડ વનમાં ખીલેલું કોઈ કુસુમ હંમેશાં સ્મૃતિની ભીનાશથી અંતરમાં ચિરંજીવ બની રહે છે.

ઈ. સ. 1949, અઠ્ઠાવીસમી જૂન, અમે બપોરે ચાર વાગે નૈરોબીથી નૈવાશા જવા નીકળ્યા. નેમ તો હતી નૈવાશાનું સરોવર જવાની. રસ્તામાં કિફુયુ સરોવર પણ જોવાઈ જશે એ અપેક્ષિત હતું. કિફુયુ સરોવર પણ દુનિયાની એક અજાયબ ચીજ છે. એને વિષે સાંભળેલું ખૂબ. અમેરિકન અને પશ્ચિમના બીજા મુસાફરોએ એનાં વર્ણનો આશ્ચર્યમુગ્ધ બનીને કરેલાં, અને જોયું ત્યારે આંખો જોઈ જ રહી. આ સ્થાનને માટે આટલી બધી દિગ્મૂઢતા! અમદાવાદના કાંકરિયા તળાવ જેટલું વિશાળ પણ એ નહિ હોય. એમાં ઉપર પાણી દેખાતું નહોતું. પાણી ઉપર બેત્રણ ફૂટ જમીનના થર ચઢી ગયેલા. એની ઉપર ઘાસ ઊગેલું. ઉપર ચાલી શકાય. ચાલીએ ત્યારે જમીન હાલતીચાલતી લાગે. ગમે ત્યારે પગ અંદર ઊતરી પડશે એવો ભય લાગ્યા જ કરે. વચ્ચે દસેક ફૂટનો એક ખાડો ખોડીને રાખેલો. દેખાડવા માટે કે ત્રણ ફૂટ નીચે પાણી ભર્યાં છે. અમે પણ ચાલ્યા. અનુભવ લેવો હતો. મારા પંચોતેર શિલિંગના જોડાની કાયા ખરાબ કરી નાખી. દિલ નાખુશ થઈ ગયું. પણ બુદ્ધિ હારે એમ નહોતું. એણે દલીલ કરી તે એક નવીન અજાયબી જોઈ. પ્રકૃતિની અનેકવિધ વેરાયેલી વિવિધતામાંથી એક અજબ ચીજ જોઈ. મન જંપ્યું. પણ અંતરનો વિષાદ ઘટ્યો નહીં. અમે ચાલ્યા નૈવાશા. મોટર ઝડપથી સરતી હતી. પેટનું પાણી હાલતું નહોતું. ડામરની સડક એટલી એકસરખી અને સ્વચ્છ હતી કે ચાલવાનું મન થાય. મારા યજમાને વાત માંડી. આ સડક બાંધનાર છે ઇટાલિયન કેદીઓ. ગઈ લડાઈ વખતે અહીં કેનિયામાં ઘણા યુરોપિયન કેદીઓની છાવણીઓ હતી. તેમાં ઇટાલીના વતનીઓ ઘણા હતા. એમાંના ઘણા ઇજનેરી કામના દક્ષિણ કારીગરો અને મજૂરો હતા. એ લોકોનો કેનિયાની સરકારે સદુપયોગ કરીને આ સિત્તેર માઈલનો રસ્તો બંધાવ્યો. મને રોમ, મિલાન અને ફ્લૉરેન્સના રસ્તા સાંભર્યા. એટલી જ સફાઈ, એટલી જ દક્ષતા અને એ જ ઘાટ. મોટર સાઠ માઈલની ઝડપથી જતી હતી. પણ એ ગતિ વરતાતી નહોતી. અમેરિકામાં ઘણી વખત માણેલી સિત્તેર માઈલની ઝડપ યાદી આવી ગઈ.

મારા યજમાને વાત આગળ ચલાવી. આ કેનિયાનો સર્વોત્તમ માર્ગ છે. આવી સડક તમને આખા પૂર્વ આફ્રિકામાં બીજે નહિ મળે. પણ આ તો એ કેદીઓ મારફત મેળવેલો સ્થૂળ લાભ છે. એ મજૂરીની એક સૂક્ષ્મ પણ બળવાન અસર આફ્રિકનો ઉપર થઈ છે. આફ્રિકનો આજ સુધી એમ માનતા હતા કે ગોરી ચામડી રાજ્ય કરવા સરજાઈ છે. એ લોકો દેવો છે અથવા દેવોનું વરદાન પામેલા સુભાગી માણસો છે. આવી માન્યતા લગભગ શ્રદ્ધા બની ગઈ હતી. એ આફ્રિકનોએ ઇટાલિયન કેદીઓને મજૂરી કરતાં જોયા. ખોદતા, ટોપલાં ઊંચકતા, ખરે બપોરે ઉઘાડે શરીરે પરસેવો પાડતા એમણે ગોરાઓને પોતાની સગી આંખે જોયા અને એમના ઉપર ચોકી કરનાર પાછા એમના ભાંડુઓને આફ્રિકન લશ્કરી સિપાઈઓ દીઠા. આ પરિસ્થિતિએ આફ્રિકાવાસી મૂળ વતનીના દિલમાં દીવો કર્યો. એમને લાગ્યું કે ગોરાઓ પણ આપણા જેવા જ માણસો છે. એમણે પણ શાપ ભોગવવો પડે છે, કેદની કાળી મજૂરી કરવી પડે છે અને કાળાઓની તાબેદારીમાં રહેવું પડે છે. આ લાગણીએ એમના મનમાંથી લઘુગ્રંથિને ઉખેડી નાંખી. અને ઠેકાણે સમાનતાની ભાવનાનો નીરોગી છોડ એમની ચેતનામાં ઊગ્યો. એમાંથી આત્મવિશ્વાસ જન્મ્યો. આ પરિવર્તને એમનો કાયાકલ્પ કર્યો. આફ્રિકાવાસીઓની પોતાની મુક્તિની લડતમાં આ રૂપાંતર સમુત્ક્રાંતિની દૃષ્ટિએ સીમાચિહ્ન બની રહેશે.

અમારી મોટર એકદમ રોકાઈ ગઈ. અમે એક ઊંડી ખીણને કિનારે આવીને ઊભા હતા. સામે પશ્ચિમની ક્ષિતિજે એક ઠરી ગયેલો જ્વાલામુખી સત્તા ખોઈ બેઠેલ નેતા જેવો બેઠો હતો. એની ઉપર વાદળાંની મહેફિલ જામી હતી. એ શરારતી વાદળાં સૂર્યને બહાર ઝાંખવામાં અંતરાય નાંખતાં હતાં. પણ સૂરજ છૂપ્યો રહે! પ્રકાશનો ઓઘ નાયગરાના ધોધની જેમ જ્વાલામુખીની પાછળ ઠલવાતો હતો. નાયગરાના અદ્ભુત અને ગતિવંત ધોધ જોઈને અંતરને જીવનની ગતિનું ભાન થયું. પણ આ તેજના ધોધને તો આંખોએ પ્રથમ વાર નીરખ્યો. સ્થિરતા અને સ્ફૂર્તિનો અદ્ભુત સંગમ, ભવ્યતા અને સામર્થ્યનો અપૂર્વ સમન્વય જોઈને અંતર આશ્ચર્યમુગ્ધ બની ગયું. આ દૃશ્ય જોઈને દૃષ્ટિ નીચે ઊતરી ત્યારે દૂર દૂર સુધી વિસ્તરેલી અને આથમતા સૂર્યના પ્રકાશથી સિંચાયેલી ખાઈમાં એ પડી. આ જ ખાઈ જગતમશહૂર ‘રિફટ વેલી’ પેલૅસ્ટાઈનથી ધરતીના શરીરમાં પડેલી આ ફાટ છેક દક્ષિણ આફ્રિકા સુધી ઊતરી ગઈ છે.

સૂર્ય પેલા ઠંડા જ્વાલામુખીની પાછળ ઊતરી પડ્યો. સંધ્યા આવતી હોય એવો આભાસ થયો. અમે નૈવાસા ભણી આગળ ચાલ્યા. ખાઈને કિનારે જ્યાં સડક વળ ખાઈને નીચે ઊતરે છે ત્યાં ખૂણાં ઊપર ખાઈ ભણી મુખદ્વારવાળું એક દેવળના ઘાટવાળું નાનું શું સ્વચ્છ કલાત્મક મકાન ઊભું હતું. જ્યાં અને જેવી રીતે બંધાયું હતું એટલું જ એની અસામાન્ય ચિત્રાત્મકતા પુરવાર કરવા માટે બસ હતું. મોટર ઊભી રાખી. અમે ઊતરીને જોયું. એ દેવળ હતું. દીવાલ ઉપર સંત જોન, સંત પિટર અને બીજા અનેક પ્રસંગોનાં હૃદયંગમ ચિત્રો હતાં. વચ્ચે મેડોનાની મૂર્તિ હતી. હાથમાં જિસસનું બાલરૂપ હતું. દેવળ બંધ હતું. અમારા યજમાને શરૂ કર્યું: ‘આ દેવળ ઇટાલિયન કેદીમજૂરોએ પોતાની સ્વેચ્છાથી બાંધ્યું છે. સડક બાંધતાં એમાંથી વધેલો માલસામાન એમાં વાપર્યો છે. પથ્થરો આ ખીણને કિનારેથી ખોદેલા છે. ચિત્રો પણ એ કલાકાર કેદીઓનાં જ છે. એનો ઘાટ, એનું રૂપ બધું જ પેલા ઇટાલિયન કેદીકારીગરોના હૃદયધર્મનું પરિણામ છે. એમાં ખર્ચેલાં નાણાં એ કેદીઓએ પોતાની મજૂરીમાંથી ખર્ચ્યા છે.

સંધ્યા બરાબર ઊતરી આવી. સંધ્યાનું અજવાળું પોતાનું આગવું હોય છે. એમાં સૂર્યના પ્રકાશની સ્પષ્ટતા અને રાત્રિના અંધકારની ઘનતા બંનેનો અભાવ હોય છે. દિવસની વિદાય અને રાત્રિના આગમનનો સંગમ આ સંધ્યાને ઉંબરે થાય છે. મારા અંતરમાં આ સંધ્યાએ કરુણમંગલ ભાવો જગાડ્યા. લગ્ન પછી પતિને ઘેર જવા માટે પિયરની વિદાય લેતી મીંઢળ બાંધેલી સૌભાગ્યવતીના અંતરમાં માબાપ, ભાઈભાંડુ અને પિયરની વિદાયનું કારુણ્ય હોય છે અને પતિને ઘેર આવનાર નવા જીવનના પ્રારંભનું મંગલસ્વપ્ન હોય છે.

એ સંધ્યા કરુણ હતી. ઠરેલી જ્વાલામુખીની દુ:ખદ યાદ હતી, ધરતીને શરીરે પડેલી ફાટનું દર્દ હતું. દિવસના અવસાનનો વિષાદ હતો, અજવાળાને આથમતું જોયું હતું તેની ગમગીની હતી. એ સંધ્યા સાચે જ અતિ કરુણ હતી. પણ સાથે જ પેલા ઇટાલિયન કેદીઓના હૃદયધર્મના દીવાનું નવું તેજ હતું. માનવતાની ચિરયુવા નિત્યનૂતન, ચિરંજીવ આસ્થાના બળની હૂંફ હતી. માનવતાની અભિનવ મંગલતાનું સ્વપ્ન હતું. પથ્થરોમાં પ્રગટેલા મનુષ્યહૃદયની શ્રદ્ધાના કાવ્યને સહજ રીતે દૃષ્ટિ નમી પડી.

પછી નૈવાશા હું ના જઈ શક્યો.