અરણ્યરુદન/સ્વાતન્ત્ર્યોત્તર વિવેચન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સ્વાતન્ત્ર્યોત્તર વિવેચન

સુરેશ જોષી

‘સરસ્વતીચંદ્ર’ના પ્રકટ થયા પછી આપણા આદ્ય વિવેચક નવલરામે કહેલું કે એવી કૃતિને ન્યાય કરવો હોય તો એની વિસ્તૃત વિવેચના માટે કેવળ વિવેચનનું જ જુદું સામયિક હોવું જોઈએ. ત્યાર પછી આજે આટલે વર્ષે એમની એવી અપેક્ષા સન્તોષાય એવી પરિસ્થિતિ છે ખરી? આમ તો અનેક સ્તરે અનેક પ્રકારના વિવેચનઆલોચનની પ્રવૃત્તિ ચાલ્યા કરતી દેખાય છે. સામયિકોમાં જ નહીં પણ દૈનિક વર્તમાનપત્રોમાં સાહિત્યવિવેચન થતું રહે છે. કેટલીક વિદ્યાપીઠો દ્વારા અને સાહિત્ય પરિષદ જેવી સંસ્થા દ્વારા પણ આવી ગમ્ભીર પર્યેષણાની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળતું રહ્યું છે.

આમ છતાં આપણે કબૂલ કરવું જ રહ્યું કે હજી પણ critical climate આપણે ત્યાં વરતાતી નથી. વિવેચનની પ્રવૃત્તિનો પ્રારમ્ભ કરનાર દરેક વિવેચક વિવેચનનાં કર્તવ્ય વિશે કે વિવેચનનાં કાર્યક્ષેત્ર વિશે પોતાનું મન્તવ્ય રજૂ કરતો રહ્યો છે. આનન્દશંકરે ‘કાન્ત’ના ‘વસંતવિજય’ની ચર્ચા કરતી વેળાએ ‘રસવિવેચન’ એવી સંજ્ઞા યોજેલી. ઉમાશંકરે પણ વિવેચનને ‘આસ્વાદમૂલક અવબોધકથા’ કહીને ઓળખાવ્યું છે. વિવેચન ‘વ્યક્તિરંગી’ હોવું જોઈએ એવો પણ એમણે આગ્રહ રાખ્યો છે. કેટલાક નવીનોએ પણ શાસ્ત્રીયતા, વસ્તુલક્ષી ધોરણો, સૈદ્ધાન્તિક પીઠિકા અને ચોકસાઈભરી પરિભાષા પ્રત્યે અણગમો બતાવીને સહૃદયના વ્યક્તિગત પ્રતિભાવનું જ મહત્ત્વ સ્થાપ્યું છે.

આ વલણનાં ભયસ્થાનો પણ હવે તો છતાં થઈ ચૂક્યાં છે. સહૃદય અને તદ્વિદ્ વચ્ચે વિરોધ કલ્પવાની જરૂર છે ખરી? વ્યક્તિગત ગમાઅણગમાનાં ચોકઠાંમાં અમુક પ્રકારની કૃતિને અભિમુખ થનાર, પોતાની પરિમિત રુચિને કારણે જ, વધારે સિદ્ધાન્તજડ બને એવો ભય વિશેષ રહે છે. સ્વાતન્ત્ર્યપ્રાપ્તિ પછી વિશ્વસાહિત્યના અનુવાદો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થયા. આથી આપણા સર્જકો સમક્ષ નવી ક્ષિતિજો ઊઘડી. એક વિશાળ માનવ સન્દર્ભમાં આપણે મુકાયા. આથી આપણો પરિપ્રેક્ષ્ય પણ બદલાયો. કેટલાક રૂઢ સંસ્કારોએ ઊભી કરેલી જડ મર્યાદાઓ તથા વિધિનિષેધોને ઉલ્લંઘીને નવા અભિગમોને સ્વીકારવાનું દુસ્સાહસ કરવાની આબોહવા ઊભી થઈ. આને પરિણામે સર્જનનો જે નવો ફાલ આવ્યો તે જોઈને આપણા વિવેચકો ઘડીભર તો દિશાભ્રાન્ત બનીને થંભી જ ગયા. આ નવા અભિગમની પાછળ કામ કરી રહેલી સર્જકચેતના, એમાં પ્રયોજાયેલી નવી રચનારીતિઓ, એની પાછળ રહેલું નવું aesthetics, એની દાર્શનિક પીઠિકા – આ બધું અવલોકવા માટે જે સજ્જતા જોઈએ તે આપણા વિવેચકમાં નહોતી. આ અશક્તિ એણે નવા અભિગમોને પશ્ચિમની વાનરનકલનાં પરિણામ રૂપે ઓળખાવીને રોષ પ્રકટ કરીને ઢાંકી. આ સર્જકોને હવે દેશદ્રોહી કહેવાનો તો કશો અર્થ નહોતો, કારણ કે સ્વતન્ત્રતા પ્રાપ્ત થયા પછી દેશાભિમાનનો ભાર પણ આપણે ઉતારી નાંખ્યો હતો. આથી આપણે એ સર્જકોને સંસ્કૃતિદ્રોહી ગણ્યા.

આ પરિસ્થિતિ સર્જનને માટે અનુકૂળ આબોહવા ઊભી કરવાને બદલે સર્જન અને વિવેચન વચ્ચે નાહકનું વૈમનસ્ય ઊભી કરનાર નીવડી. વિવેચન જ્યાં સાચી રીતે ક્રિયાશીલ બનતું હોય છે, ત્યાં આથી જુદું જ બનતું હોય છે. સર્જનની બદલાતી આબોહવાની એંધાણી એ પ્રથમ પારખે છે, એને માટેની જરૂરી પીઠિકા એ રચી આપે છે. પ્રજાનો શિક્ષિતદીક્ષિત વર્ગ પણ હૃદયજડતાને કારણે, સાચા હૃદયમાં હોવી ઘટે તેવી સમુદારતાના અભાવને કારણે સર્જનના આ નવા ઉન્મેષોથી વિમુખ થઈ જાય ત્યારે વિવેચક જ સર્જક અને ભાવકને નિકટ લાવવાની ભૂમિકા રચી આપે.

આ કેવળ વ્યક્તિરંગી વિવેચનથી બની નહીં શકે. આપણે એક કવિતા વાંચતા હોઈએ છીએ ત્યારે એ પહેલાંનાં કાવ્યાનુશીલનોને પરિણામે કાવ્યતત્ત્વ વિશે આપણા ચિત્તમાં સમ્પ્રજ્ઞાત કે અસમ્પ્રજ્ઞાત જે વિભાવનાઓ બંધાતી આવી હોય છે તે આપણી રસાનુભવ લેવાની પ્રક્રિયામાં ક્રિયાશીલ બનતી જ હોય છે. દરેક કૃતિ એને મૂલવવાનાં ધોરણો પોતે જ ઉપજાવી આપે છે એમ કહેવું સર્વથા સાચું નથી. અનેક પ્રકારની રચનારીતિઓને જોયા પછી આપણે કશાક સર્વસામાન્ય લક્ષણને પકડવા મથીએ છીએ. પહેલાં કાવ્ય, પછી વિવેચન એ સાચું છે, પણ રસાનુભવના આપણા આગલા સંસ્કારોમાંથી ઉદ્ભવતાં ધોરણો કાવ્યનિરપેક્ષ જ નિયમો હોય છે એમ પણ નહીં કહી શકાય. કવિઓને માટે કાવ્યરચના સમજાવતી કોઈ માર્ગદશિર્કા વિવેચન તૈયાર કરતું નથી. પણ કવિની રચનાપ્રક્રિયા સમજવી એ કાવ્યના સાચા આસ્વાદ માટે જો આવશ્યક હોય તો એને માટે જરૂરી એવા જ્ઞાનની ભૂમિકા વિવેચને રચી આપવી જોઈએ. આવી ભૂમિકા ભાવકને કાવ્યાભિમુખ કરવામાં ઉપકારક નીવડે છે. આમ નથી બનતું ત્યાં ભાવક ઘણુંખરું તો કાવ્યના વસ્તુને પામે છે, હાર્દને પામતો નથી. શાસ્ત્રીય સંગીત માણવું હોય તો રાગનું બંધારણ, ગાયકીનું સ્વરૂપ, ઘરાના વગેરેનું જ્ઞાન એમાં ઉપકારક થઈ પડે છે અને તો જ અમુક ગાયકની વિશિષ્ટ ગાયકીનું તત્ત્વ પામીને આપણે સાચો આનન્દ માણી શકીએ છીએ.

સર્જકો પોતે જ, કેવળ પ્રેરણાને વશ થઈને સર્જવાનો દાવો નથી કરતા હોતા ત્યારે, પોતાની રચનાપ્રક્રિયા દરમિયાન ઊભી થતી સમસ્યાઓની માંડણી કરે છે. આ રીતે સર્જનને સમાન્તર, સર્જનને કારણે ઊભા થતા પ્રશ્નોમાંથી જ ઉદ્ભવતું એવું, વિવેચન થતું આવે છે. એલિયટ, વાલેરી જેવા સર્જકોનું ઘણું મહત્ત્વનું લેખાય છે. આપણે ત્યાં આવું વિવેચન ઝાઝું નથી. સર્જકો પોતાની કૃતિ વિશે વાત કરતી વેળાએ પોતાનાં સ્વપ્નો અને આદર્શોની જ વાત કરવા મંડી પડે છે.

આસ્વાદલક્ષી વિવેચનની આપણે ત્યાં ભારે અવદશા થઈ છે. ઘણી વાર વિવેચન વ્યક્તિગત ભૂમિકાએ શત્રુઉન્મૂલક કે મિત્રપ્રતિષ્ઠા કરનાર બની રહે છે. સર્જકો પછીથી ખુમારીના તોરમાં એમ કહેતા થઈ જાય છે કે સર્જન અદ્વિતીય હોય છે, એનું અનુકથન ન હોઈ શકે. આમાંથી કાવ્યનું વિવેચન કાવ્ય પોતે જ અને સર્જક જ વિવેચક થઈ શકે એવી મિથ્યા વ્યાપ્તિઓ ઊભી થાય છે. આવી અરાજકતા આપણે ત્યાં પણ થોડો વખત પ્રવર્તતી રહી.

નવી રચનારીતિઓ તથા પશ્ચિમમાં ઊભી થયેલી કેટલીક ચર્ચાઓને કારણે આપણે ત્યાં પણ, આ પહેલાં નહીં ચર્ચાયેલા એવા, કેટલાક મુદ્દાઓની ચર્ચા શરૂ થઈ. આપણે પ્રતીક, કલ્પન, પુરાકલ્પન – એ દરેકની વ્યાખ્યા બાંધીને એનાં વ્યાવર્તક લક્ષણો સ્થાપી આપવાનો ઉદ્યમ કરવા લાગ્યા. હજી આ દિશામાં આપણો પ્રયત્ન પશ્ચિમમાં થયેલી ચર્ચાનું સારસંકલન આપી છૂટવા પૂરતો જ મર્યાદિત સ્વરૂપનો રહ્યો છે. અમુક એક કૃતિમાં આ તત્ત્વો કેવી રીતે ક્રિયાશીલ બને છે તે દર્શાવી આપવાની પ્રવૃત્તિ બહુ ઓછી છે, ને જ્યાં એ થતી દેખાય છે ત્યાં નૈપુણ્ય કે ચાતુર્ય જ વિશેષ માત્રામાં દેખાય છે, સૂઝ ઓછી.

આપણા મોટા ભાગના વિવેચકો અધ્યાપકો છે. અનુસ્તાતક વર્ગોમાં અધ્યાપન કરવાની યોગ્યતા મેળવવા માટે ‘અભ્યાસપૂર્ણ લેખો’ લખવાનું કેટલીક વિદ્યાપીઠોએ અનિવાર્ય બનાવ્યું છે. આની પાછળનો આશય તો સારો છે, પણ એને પરિણામે અધ્યાપકી વિવેચનના કેટલાક નિકૃષ્ટ નમૂનાઓ પણ આપણને પ્રાપ્ત થતા રહે છે. આવું વિવેચન પાઠ્યપુસ્તકોની પ્રદક્ષિણા કરતું હોય છે. મધ્યકાલીન કૃતિઓ પાઠ્યક્રમમાં હોય છે. તેથી જ અખા વિશે, શામળ વિશે, થોડાક જૈન ફાગુઓ વિશે કે પ્રેમાનંદ વિશે કંઈક ને કંઈક લખાતું રહે છે. વિવેચનના નવા અભિગમો આવી કૃતિ પરત્વે કેટલે અંશે પ્રયોજનીય એવો પ્રશ્ન પણ ક્યારેક કોઈક ઉઠાવે છે. પણ મોટે ભાગે તો કથિતકથન જ એમાં વિશેષ હોય છે, પુનર્મૂલ્યાંકનની પ્રવૃત્તિ નહિવત્ દેખાય છે.

ગ્રન્થાવલોકન બહુ ઓછાં સામયિકોમાં ઊંચા સ્તર પર થતું દેખાય છે. જ્યાં થાય છે ત્યાં પણ કશો વિશેષ પ્રકટ ન કરતી સામાન્ય કૃતિ વિશે વિસ્તારથી લખાય છે, તો નવા ઉન્મેષ પ્રકટ કરતી કેટલીય કૃતિઓનો ઉલ્લેખ સરખો થતો નથી. સારું સામયિક રુચિને ઘડવામાં ઉપકારક નીવડે. પણ આપણે ત્યાં તો સામયિકનો તન્ત્રી જ આ બાબતમાં અવરોધક બળ બની રહેતો દેખાય છે.

કાવ્યવિવેચનમાં તો હજી કેટલાક મૂળભૂત મુદ્દાઓ ચર્ચામાં પ્રવેશે છે, પણ કથાસાહિત્યના વિવેચનમાં તો સામાજિક અભિગમ જ હજી પ્રાધાન્ય ભોગવે છે. આથી વિષયવસ્તુ અંગેની જ ચર્ચા વધારે થાય છે, એનાં aestheticsની આછી. સાહિત્યમાં ભાષાનું મહત્ત્વ સ્વીકારવા લાગ્યું છે ને શૈલી, structure વગેરેની પ્રાથમિક સ્વરૂપની ચર્ચા શરૂ થઈ છે ખરી, પણ એનો પ્રભાવ હજી વર્તાતો નથી. સાહિત્યનું અધ્યાપન કરનારાઓએ તો હજી એની નોંધ સરખી લીધી નથી.

રૂપલક્ષી વિવેચનનો આગ્રહ અમુક વર્ગ તરફથી રાખવામાં આવે છે, પણ એની સૈદ્ધાન્તિક ભૂમિકા હજી બરાબર સ્થાપી આપી શકાઈ નથી. આ થાય તે પહેલાં તો aesthetics of formlessnessની વાતો શરૂ થઈ છે. પણ એમાં કેવળ એક અભિનિવેશપૂર્વકની પ્રતિક્રિયા જ દેખાય છે. પશ્ચિમમાં જ્હોન હોપકિન્સ સ્કૂલ તરીકે ઓળખાતા વિવેચકોના વર્ગે એની જે દાર્શનિક માંડણી કરી આપી છે તેનો ઝાઝો ઉપયોગ આપણે ત્યાંના રૂપલક્ષી વિવેચનાના વિરોધીઓ કરતા હોય એમ દેખાતું નથી. અર્વાચીન વિવેચનાની દાર્શનિક પીઠિકા વિશેનું જ્ઞાન પણ પ્રાપ્ત કરવું બાકી છે. કેટલાક તદ્વિદો આ અંગેના કેટલાક મહત્ત્વના વિચારપ્રવાહનો પરિચય, કેટલીક વાર માત્ર સારસંક્ષેપ દ્વારા પણ કરાવતા રહે છે તે એક ઇષ્ટ પરિસ્થિતિ છે. હવે ભાષા તરફનો ઝોક ઓછો થતો જાય છે અને mimesisની પ્રક્રિયા તપાસવાનું વધુ મહત્ત્વનું લેખાવા લાગ્યું છે.

રશિયન ક્વયિત્રી મરિના શ્વેતાયેવાએ ધંધાદારી વિવેચકના ત્રણ પ્રકાર ગણાવ્યા છે. એ પૈકીનો પહેલો તે લેખકને પ્રમાણપત્ર આપનારો વિવેચક છે. કૃતિ સ્વીકાર્ય બની છે એ જોયા પછી જ એ પોતાની પ્રવૃત્તિ શરૂ કરે છે. એને એ critic with a ten-year time

lag કહે છે. એ સાચો વિવેચક પયગમ્બર ગણાતો હોય તો આ વિવેચક prophet in reverse છે. બીજો વિવેચક અદ્યતન વલણથી સાવ નિલિર્પ્ત રહે છે. નવી પ્રતિભા ચીંધી બતાવવાનું એનું કામ નથી. ત્રીજા વિવેચકને તો આપણી આ સદી સાથે જ સમ્બન્ધ હોતો નથી. એ archeological timeમાં નથી એમ કોણ કહી શકશે? આપણે ત્યાં પણ આ ત્રણેય પ્રકારના વિવચકો નથી એમ કોણ કહી શકશે?

જાન્યુઆરી, 1975