અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`પતીલ'/ખપના દિલાસા શા?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ખપના દિલાસા શા?

પતીલ

જતાં મદફન તરફ ઘરની બજવવાં ઢોલતાસાં શાં?
બજવવાં ઢોલતાસાં શાં? ઊજવવા આ તમાશા શા?

         થતાં પ્હેલાં ઝભે મુજને હતું ના કોઈ ઓળખતું,
         કબર આગળ હવે મારી ફૂલો, સાકર, પતાસાં શાં?

ગયો રમનાર વેચાઈ સદાની બેનસીબીને,
પછીથી નાખવા તેને ઉપર શતરંજ પાસા શા?

         બીજાને કાજ તો એકે હતો હરગિજ મુકાયો ના—
         કહો, પોતાની હાલત પર પછી મૂકવા નિસાસા શા?

દમે આખર પતલિયાને કહો છો શું તમે આવી?
ન આપ્યો પ્રેમ તો મુજને — હવે ખપના દિલાસા શા?

(પ્રભાતનર્મદા, ૧૯૪૦, પૃ. ૬૦)




આસ્વાદ: પોતીકી પરંપરાની કવિતા — જગદીશ જોષી

આધુનિકતાના ખ્યાલ ફરતી આપણે એવી રંગીની મઢી બેઠા છીએ કે આખું સાંબેલું વાસીદામાં ઢસડાઈ જાય ત્યાં સુધી આપણે ગાફેલ રહી જઈએ છીએ. સમકાલીનતા એ જ આધુનિકતા એવી ભ્રમણામાં આપણી સર્જનાત્મકતાને આપણે ચીમળાઈ જવા દઈએ છીએ. કંઈક વ્યાખ્યા બાંધવી હોય તો કહી શકાય કે જે સમકાલીન નહીં પણ સર્વકાલીન હોય, જેની શક્તિ તાત્કાલિક નાવીન્યમાં નહીં પરંતુ દીર્ઘકાલીન તાજપમાં હોય, જેમાં માત્ર પ્રભાવ નહીં પણ પ્રતિભા હોય એને આપણે આધુનિક કહી શકીએ.

સાડત્રીસ વર્ષ કરતાં પણ પહેલાં લખાયેલી આ ગઝલ આજે પણ તાજી લાગે એવી છે – આ વાતમાંથી આધુનિક ગઝલકારો અને આધુનિક સર્જકો સૌએ એક સબક શીખવા જેવો છે. ‘પતીલ’ કોઈ પરંપરાને વળગ્યા ન હતા. એમણે પોતાની જ એક આગવી પરંપરા ઊભી કરવા પ્રયત્નો કરેલા. ગઝલ, સોનેટ ઇત્યાદિ કાવ્ય-સ્વરૂપોમાં પણ એમના પ્રયોગો દેખાઈ આવે છે. એમની ભાષા પણ ચીલાચાલુ નહીં. કોઈ કોઈ કૃતિ એટલી સદ્ભાગી હોય છે કે, એક જ કૃતિ તેના કર્તાને પ્રખ્યાત કરી દે છે: ‘પતીલ’નું સૉનેટ ‘સદ્ભાવના’ કંઈક અંશે આવી કૃતિ છે.

જવું છે ‘મદફન’ – કબ્રસ્તાન તરફ અને વગાડવાં છે ઢોલ, નગારાં, તાસાં! મૃત્યુની આ મહિમા-સ્તુતિ શા માટે? જ્યારે કોઈ વસ્તુને તમે ‘જાહેર’ સ્વરૂપ આપો છો ત્યારે તે તમાશો થઈ જાય છે. ‘સ્મશાનયાત્રા’ને આપણે સરઘસનું રૂપ આપી દઈએ છીએ. પહેલાં મને કોઈ ઓખળતું ન’તું. પણ જ્યારે હું કત્લ થઈ ચૂક્યો છું ત્યારે મારી કબર પાસે સૌ ફૂલ, સાકલ, પતાસાં મૂકે છે. જૂઠી આંગળીઓથી આપણે જ્યારે લાગણીની કઠપૂતળીઓને ડોલાવીએ છીએ ત્યારે પેલા પ્રેક્ષકની આંખ બિડાઈ ગઈ હોય છે. આ સંદર્ભમાં બરકત વીરાણીનો શેર યાદ આવે છે:

‘આ બધાં બેફામ જે આજે રડે છે મોત પર, એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.’

આમ, જીવનને ન જીરવી શકનારાઓ મૃત્યુ વખતે ઉમળકાથી છલકાય છે. જીવતાં સાથે કરેલા અન્યાયનું પ્રાયશ્ચિત્ત તેઓ શબને શણગારીને કરે છે.

‘સદાની બેનસીબી’ જેવો અચ્છો પ્રયોગ આપી કવિ કહે છે કે રમનાર ખુદ વેચાઈ ગયો, વાડ પાતે જ ચીભડું ગળી ગઈ. પછી રમતને ચાલુ રાખવા પાસા ફેંકવાનો કોઈ અર્થ? દ્રૌપદી વેચાઈ ગયા પછી જો કોઈ રમત બાકી રહેતી હોય તો તે માત્ર વસ્ત્રહરણની જ! પરંતુ જે અભિશાપ શાશ્વતીનું વરદાન લઈને જન્મ્યો છે તેને ભાગે કે ભાગ્યે રમત ‘રમત’ રહે જ શી રીતે? હારેલાને હાર પહેરાવવા જેવો નાજુક જુલમ કયો હોઈ શકે?

જેણે બીજાની હાલત ઉપર નિસાસો સરખોય મૂક્યો નથી, જેણે બીજાની કૂણી લાગણીઓ સામે જોયું સરખું નથી, એ જ્યારે પોતાની સ્થિતિને રડે, ત્યારે દયાની દેવી કેવી આડું જોઈ જાય! બીજાની હાલત ઉપર મૂકેલા નિસાસાની વરાળમાંથી જ કદાચ વાદળ બંધાય: અને એ વાદળી જરૂર પડ્યે આપણા ઉપર કદાચ વરસે તો વરસે, આ માર્મિક શેરમાં શાયર આત્મખોજની વાત કરે છે. બીજાનો વેશ ઝીણવટથી તપાસતા પહેલાં કદાચ આપણે આપણાં ચશ્માં સાફ કરી લેવાં જોઈએ.

પોતાના કાવ્યસંગ્રહ નિવેદનમાં ‘માત્ર પોકળ સહાનુભૂતિના શબ્દોથી છેતરાતો તે મને બચાવો’ કહેનાર ‘પતીલ’ અહીં છેલ્લા શેરમાં કહે છે કે જ્યારે જીવનના છેલ્લા શ્વાસો ગણાતા હોય ત્યારે આ સહાનુભૂતિ? જીવનભર પ્રેમ ઝંખ્યો ત્યારે હવે આ ઘડીએ આવો છો અને એય દિલાસા દેવા? પેલો જાણીતો શેર અમસ્તો યાદ આવી જાય છે: ‘તમન્ના હું દવાની નહીં દયાની લઈને આવ્યો છું:’ જ્યારે ખપ હતો ત્યારે દિલાસોય ન મળ્યો: હવે જ્યારે શ્વાસ જ સમેટું છું ત્યારે આશ્વાસન શા ખપનું? (‘એકાંતની સભા'માંથી)