અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/રહ્યાં વર્ષો તેમાં —

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રહ્યાં વર્ષો તેમાં —

ઉમાશંકર જોશી

રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઈ જ નિરમી `દુષ્ટ' દુનિયા.
— અહો નાનારંગી અજબ દુનિયા! શેં સમજવી?
તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી!
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી. —

મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;
નિશાખૂણે હૈયે શિશિકિરણનો આસવ ઝમે;
જનોત્કર્ષે-હ્રાસે પરમ ઋતલીલા અભિરમે.
—બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું  :
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.

૨૧-૭-૧૯૫૨/૫૩
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૭૬)



ઉમાશંકર જોશી • રહ્યાં વર્ષો તેમાં — • કવિના સ્વમુખે કાવ્યપઠન:




ઉમાશંકર જોશી • રહ્યાં વર્ષો તેમાં — • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી

આસ્વાદ: ‘ગયાં વર્ષો’ અને ‘રહ્યાં વર્ષો તેમાં–’ : લાગણીઓના નિર્ધારિત દબાવની રચનાઓ — ચન્દ્રકાન્ત ટોપીવાળા