અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કેશવ હ. શેઠ/હૈયાસૂનાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હૈયાસૂનાં

કેશવ હ. શેઠ

         નિર્જન વનવગડે અલી વાદળી!
                  જળ શાં ઢોળવાં અમથાં?
                  રણે રગદોળવાં અમથાં?
એવાં હૈયાસૂનાં સમીપ વીતક શાં બોલવાં અમથાં?

                  હૃદય શીદ ખોલવાં અમથાં?
         ચાતક જળ વણ ટળવળે, મેઘ ચડ્યો ઘનઘોર;
         ગર્જન કિંતુ જૂઠડાં; જગ એવુંય નઠોર:
છીછરાં સરવરને શીદ મલિન જળે અંઘોળવા અમથાં?
         જવાહીર ઝબોળવાં અમથાં?
એવાં હૈયાસૂનાં સમીપ વીતક શાં ખોલવાં અમથાં?
                  હૃદય શીદ ખોલવાં અમથાં?

         સુગન્ધમિઠ્ઠા લિમ્બડા, રસમાં કડવા ઝેર;
         મુખ મિઠ્ઠાંના મોહ શા, જો નહિ મનના મેળ?
ગરજુ જગવગડે વણપાત્ર પ્રણય શો ઢોળવો અમથાં?
         ઉરેઉર જોડવાં અમથાં?
ઉજ્જડ મરુભૂમિનાં રસિક હૃદય શાં ખોલવાં અમથાં?
                  જીવન શીદ રોળવાં અમથાં?
         મોહભીના સંસારમાં, જૂઠા મૃગજળ ઘાટ;
         મોંઘી સફરો સ્નેહની, આઘી ઉરની વાટ:
વિજય કો વાડીને એકાન્ત ફૂલો! શાં ફોરવાં અમથાં?
                  દરદ દિલ વ્હોરવાં અમથાં?
કહો ક્યાં મળશે વ્હાલો કાન્ત? સ્વજનના સ્નેહનીય કથા?
         અવરની મારે છે શી તથા?

નિર્જનo