અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગુલામમોહમ્મદ શેખ/સ્વજનને પત્ર (નીલિમા, સમીરાને)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સ્વજનને પત્ર (નીલિમા, સમીરાને)

ગુલામમોહમ્મદ શેખ

હાંફળાફાંફળા મુસાફરો
ગાડીમાં ગરકાવ થઈ જાય
તે પહેલાં
ગાડી
કથ્થાઈ બારીઓ પર બદામી કોણીઓ ટેકવી ઊભેલી
દરેક વ્યક્તિના પેટમાંથી પસાર થઈ જાય છે.
ખાલી પાટા, બોગદું, પુલ,
વેઇટિંગ રૂમના બારણાનો ફરી ધ્રૂજતો આગળિયો.
મારા શરીરની આજુબાજુ તરતી
બે મનુષ્યોનાં શરીરની ગંધ
ક્ષણવારમાં ઊડી ગઈ.
એની સાથે મારા શરીરની ગંધેય ઊડી.
(હંમેશાં જનાર વ્યક્તિ જ જતી હોય
એવું નથી;
દરેક વિદાય વખતે
વળાવનાર વ્યક્તિનો કોઈ અંશ
ગાડી સાથે અચૂક ચાલી નીકળે છે.)
પાછો ફર્યો
ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર
મને વીંટળાઈ વળ્યું.
(અથવા, પૃ. ૧૩)



આસ્વાદ: સમય — પોતે જ વેઇટિંગ રૂમ – જગદીશ જોષી

એક નવલકથાકારે પોતાના નાયકની પાસે ઘર છોડાવ્યું, તેને મોકલી તો આપ્યો પણ તે કોઈ ગુફામાં નહીં, પણ સીધો રેલવેના પ્લૅટફૉર્મ પર. કારણ કે પ્લૅટફૉર્મ ઉપર ઊભા ઊભા સંસારની ઝાંખી થાય છે તેવી ક્યાંય નથી થતી.

કાવ્યનો મૂળ પ્રસંગ છે સ્વજનોને વિદાય આપવાનો. કવિ આવી અબોલ વિદાય આપીને પાછા ઘરે આવે છે ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર એમને વીંટળાઈ વળે છે. કવિનું અસ્તિત્વ પોતે એક લખાયેલો (કહો કે, નહીં લખાયેલો) એક પત્ર જ છે. અહીંનો પત્ર તો સ્વજનોને લખાયેલો પત્ર છે; be advisedથી શરૂ થતો ને Yours Faithfully પાસે પૂરો થતો ઔપચારિક પત્ર નથી. કાગળ તો માત્ર નિમિત્ત છે કારણ કે કવિતામાં લાગણી હોય પણ એ લાગણી કાવ્ય રૂપે પ્રગટી હોવી જોઈએ; નહીં તો દરરોજ લખાતા હજારો પત્ર કવિતા જ થતે ને!

કાવ્યની શરૂઆત જ ‘હાંફળાફાંફળા’ શબ્દથી થાય છે. શરીરની પ્રત્યેક ક્રિયા, શ્વાસોચ્છ્‌વાસ પણ, મનની સ્થિતિને વ્યક્ત કરે છે. બેચેની, વ્યાકુળતા, ઉધમાત અનુભવતા મુસાફરો ગાડીમાં ‘ગરકાવ’ થઈ જાય તે પહેલાં તો આવી કેટલીય વગર વ્બિસલની ગાડી ‘દરેક વ્યક્તિના પેટમાંથી પસાર થઈ જાય છે!’ સ્વજનથી વિખૂટા પડવાની ક્ષણના ધ્રાસકાને કવિ કેવી આગવી રીતે વાચા આપે છે!

સ્વજનને વળાવવા જનાર વ્યક્તિ જ્યારે પાછી ફરે ત્યારે તેને અનુભવ થવાનો કે પોતાનો કોઈક અંશ પણ પેલા સ્વજન સાથે ચાલી નીકળ્યો છે. મધુ રાયની એક વાર્તામાં સ્ટેશન જાણે સ્મશાન જ હોય એ રીતે નિરૂપાયું છે — ‘સ્ટેશન’ એવું નામ દીધા વિના! એટલે જ પેલી પ્રસિદ્ધ પંક્તિઓ અહીં યાદ આવી જાય છે —

‘Any man’s death diminishes me because I’m involved in mankind.’

માનવજાત સાથે આ જીવ એટલો બધો ઓતપ્રોત છે કે પ્રત્યેક વ્યક્તિના મૃત્યુ સાથે એનો પણ કોઈક અંશ મૃત્યુ પામે છે.

વિદાય આપીને પાછા વળતા કવિને ઘર ‘કોરા પરબીડિયા’ની જેમ વીંટળાઈ વળે છે. એ અનુભૂતિની કાવ્યમયતા માણવા જેવી છે. પત્ર જેમાંથી નીકળી ગયો છે — જેની કૂખ ખાલી થઈ ગઈ છે — એવું પરબીડિયું: અને એ પણ કોરું. એમાં સ્મરણોનો ‘ઘેરાવ’ છે પણ લખાયેલા — હસ્તલિખિત — શબ્દોની ઉષ્મા વિનાનો. સ્ટેશનથી પાછા ફર્યા ન ફર્યા ત્યાં તો કવિનું ઘર–મન–ટપાલની પરિભાષામાં ચિત્કાર કરી ઊઠે છે, શું હશે? વિખૂટા પડેલા સ્વજનને કાગળ લખવાની તાલાવેલી કે કાગળ મેળવવાની સોત્કંઠ અપેક્ષા? કદાચ બંને.

સ્વજનને લઈ જતી વખતે પગ ઘસડતી, આંચકા સાથે ઊપડતી ગાડીની વાત કરી, કવિ અહીં સ્ટેશનની આબોહવા ખડી કરી દે છે. અહીં વેઇટિંગ રૂમનો ઉલ્લેખ પણ સાંકેતિક રીતે થયો છે. સ્વજનના ગયા પછીનો સમય પણ એક તરછોડાયેલો વેઇટિંગ રૂમ જ નથી બની જતો!

આ કવિ ચિત્રકાર પણ છે અને તેથી જ તેમની કલમમાંથી પણ પીંછીનો રંગ નીતર્યા વગર નથી રહેતો, નહીં તો ‘કથ્થાઈ બારીઓ’ અને ‘બદામી કોણીઓ’ — આવા શબ્દોનો લગોલગ વિનિયોગ ક્યાંથી આવે?

મનની આજુબાજુ તર્યા કરતા આ કાવ્યમાં વેદનાની લાગણીઓ ભારોભાર છે ને છતાં લાગણીના થથેડા કે ખાલી શબ્દોના લિસોટા ક્યાંય નથી. (‘એકાંતની સભા'માંથી)