અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયના જાની/વચમાં ઊભું રે એક વેલડું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વચમાં ઊભું રે એક વેલડું

નયના જાની

આથમતો સૂરજ ને ઊગતો ચાંદલો
એવા રૂડા ગોરજવેળાના અજવાસ
આ દૃશ્ય દાદાની ડેલિયું
ઓ દૃશ્ય પિયુના આવાસ
વચમાં ઊભું રે એક વેલડું...

એક રે આંખડીએ આંસુ ભર્યાં
બીજીએ સપનાના રંગ
સપનાના રંગ સાદ દઈ નોતરે
છૂટે નૈ સૈયરનો સંગ
વચમાં ઊભું રે એક વેલડું

છોડી છૂટે ના મહિયર ગાંઠડી
ને આમ છેડાછેડી બંધાય
હસતી-રોતી ઊડી ચરકલડી
કે રૂમઝૂમ કિયે મલક જાય
હેતે રે વળાવો બેનીનું વેલડું...

માડીની રુએ એક આંખડી
ને બીજી હરખે ભીંજાય
બે બે ઘરનો દીવડો દીકરો
તેજ કેમ રે સમાય
હોંશે રે વળાવો બેનીનું વેલડું...

આ દૃશ્ય વસમાં વળામણાં
ઓ દૃશ્ય કંકુ વેરાય
વ્હાલપનાં મીઠડાં વધામણાં
મોંઘું કોણ રે પોંખાય
હેતે રે વધાવો વહુનું વેલડું...

પધારો ને લાડડી કોડે ભર્યાં
મારે આંગણિયે અંજવાસ
પગલાં ભરો ને કમ્મળ ખીલતાં
ઘરમાં લખમીનો વાસ
હોંશે રે વધાવો વહુનું વેલડું...

આથમ્યો સૂરજ નો ઊગ્યો ચાંદલો
રંગ પૂનમની રાત
ઓરડામાં ઝળહળ ઉજાગરો
રાતી ચૂંદડીએ ભાત
હરખે ઊભું રે એક વેલડું...
નવનીત સમર્પણ, ઑક્ટોબર, પૃ. ૧૧૮