અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પથિક પરમાર/ચાલીએ
Jump to navigation
Jump to search
ચાલીએ
પથિક પરમાર
ભ્રમણાની કાંચળીઓ ફગાવીને ચાલીએ,
આંખોમાં ભાવિ સ્વપ્ન સજાવીને ચાલીએ.
વ્હેતી મૂકી દીધી છે લગામો વિચારની,
સંવેદનાનાં વ્હાણ તપાવીને ચાલીએ.
ઝીલી શકો તો ઝીલો ઝવેરાત શબ્દનાં,
અર્થોના રાજપાટ લૂંટાવીને ચાલીએ.
કૈં દૂર નથી ટેકરી રાખોડી રંગની,
ખોલી ક્ષિતિજનાં દ્વાર ઝુકાવીને ચાલીએ.
બ્રહ્માંડ તાળી પાડતાં ગાજી ઊઠે સકળ,
સાયુજ્ય જેવી ધૂન લગાવીને ચાલીએ.