અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પીયૂષ પંડ્યા ‘જ્યોતિ'/ખરતી ઉદાસી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ખરતી ઉદાસી

પીયૂષ પંડ્યા ‘જ્યોતિ'

આ પાનખરમાં કેવી પર્ણો સમી
ખરી રહી છે ઉદાસી આપણી!
કેટકેટલી ક્ષણોથી
સાચવી રાખેલી વેદનાને આજુબાજુ બધે
ખરતી વિખરાતી જોવાની મઝા કેવી આવે છે?
મિલનમાં તો રોજરોજ
ટહુકે ખોરડે આપણે વસંતપંચમી,
આ પનખરમાં જ
જાણી શકાય છે
ધુમ્મસના દરિયામાં ડૂબેલા સૂરજવાળા દિવસોને;
આપણી વસંતના દિવસો તો પ્રિયે!
પળ પળમાં ગણી શકાય તેટલા,
કેવા અજાણ્યા અજાણ્યા લાગે છે!
એવી વસંત ક્યાં
ચિરપરિચિત આપણી પાનખર
ઉભયને અદ્વૈત નથી કરતી શું?
તો પછી ચાલ,
આપણે પાનખરમાં
ખરી રહેલી ઉદાસીના દૃશ્યને માણીએ.



આસ્વાદ: ધુમ્મસના સમુંદરમાં સૂરજ – રાધેશ્યામ શર્મા

રચનાનું શીર્ષક કેટકેટલું કહી જાય – ‘ખરતી ઉદાસી’. તારો આકાશના ધાબા પરથી પડતું મૂકતો હોય એમ, ખરતો જોયો હોય પણ ઉદાસીને તારા જેમ ખરતી કથવી એ કવિહૃદયની ઘટના છે.

પરંતુ ગદ્યકૃતિની પ્રથમ બે પંક્તિમાં ‘ખરતી ઉદાસી’ના તારારૂપ કરતાં વૃક્ષનાં પર્ણોની પ્રતિરૂપતા પસંદ થઈ છે. સૂચિત થાય કે કાવ્યનાયકનું ભાવાનુસન્ધાન પ્રિયાસંબંધે, ઊર્ધ્વવ્યાપ્ત આકાશ કરતાં ઇહલૌકિક ભૂમિસંનિવેશ સાથે ગાઢ છે. પૃથ્વીના પાટલે જ વૃક્ષો અને પર્ણો વસંત–પાનખર ઉભય ઋતુમાંથી ગુજરે ને.

ઉદાસી અહીં વેદનાની, અને વેદના ઉદાસીની પર્યાયવાચી લાગણી બને છે. માટે તો કેટલી બધી ક્ષણોથી જતન કરેલી વેદનાને વાચા સાંપડી છે. પણ ભાવકનો અહીં અપેક્ષાભંગ કરીને કર્તાએ અતિ અંગત અભિગમ અપનાવ્યો છે કે પેલી વેદનાને ખરતી તેમજ વિખરાતી જોવાની એને ‘મઝા આવે છે.’ અહીં પ્રશ્નાર્થ કેમ મૂક્યો એવો પ્રશ્ન થાય, પણ પ્રિય નાયિકાને નાયક જેવી મઝા કદાચ નાયે આવતી હોય.

કાવ્યનું અવગમન–સ્તર સાવ સ્પષ્ટ, સીધું અને સાદું છે. પિયામિલનનો મહિમા અહીં માણવા નહીં મળે કેમ કે ત્યાં ખોરડે વસંતપંચમી રોજબરોજ ટહુકી રહી છે! વસંત પણ જો રોજની ચીજ બની બેસે તોપણ એ ના–ચીજ જેવી થઈ રહે! નાયકના ચિત્તમાં જાણવા જેવી વસ, જાળવવા જેવી અનુભૂતિ, મૂર્ત પ્રિયા કરતાંય અમૂર્ત અને વિશિષ્ટ છે.

આખી રચના જેના કાવ્યત્વ ઉપર અવલંબિત છે અને મને પ્રિય છે તે તો આટલી પંક્તિઓ:

આ પાનખરમાં જ
જાણી શકાય છે
ધુમ્મસના દરિયામાં ડૂબેલા સૂરજવાળા દિવસોને;

આ એક ‘ઇમેજરિ’ ઉગારેત્તી જેવા ખેદસ્વી કવિઓની માનસિકતાની સ્મૃતિ જગાવે એવી સબળ છે.

જાણવાની, જાણવા જેવી વસ અન્ય કશું નહીં પણ ‘ધુમ્મસના દરિયામાં ડૂબેલ’ (રિપીટ વાંચો) સૂરજવાળા દિવસોને. ‘સૂરજીલા દિવસોને ધુમ્મસ–સમુંદરમાં નિમજ્જિત થયેલા જોવા–જાણવાની ઋતુ નાયક માટે પર્ણખર ઋતુ છે!

એની સામે વસંતના દિવસો પળ પળનાં વિભક્ત અને અજાણ્યા અજાણ્યા લાગે છે. સુપરિચિત પાનખરમાં નાયક પ્રિયા સાથે અદ્વૈત અનુભવે છે એટલે અદૃશ્ય અનુપસ્થિત નાયિકાને, એની સ્વગતોક્તિમાં નાયક બોલચાલની ભાષામાં કહી દે છે, ‘તો પછી ચાલ, આપણે પાનખરમાં, ખરી રહેલી ઉદાસીના દૃશ્યને માણીએ.’

પીયૂષ પંડ્યાની કાવ્ય–જ્યોતિને અભિનંદીએ. એમની કાવ્યસ્થિત પાનખરપ્રસક્તિ ટેનિસનની પંક્તિઓ તરફ દોરી જાય છે: “Looking on the happy Autumn–fields And thinking of the days that are no more.”

નાયક માટે ‘તે દિવસો ગયા’ એવું નથી, એને બદલે ઉદાસીના દૃશ્યનો સરસ કશ તાણવાનો ભાવ છે. (રચનાને રસ્તે)