અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પુરુરાજ જોષી/એક સવારે
Jump to navigation
Jump to search
એક સવારે
પુરુરાજ જોષી
જાગીને જોઉં તો
પથારીમાં
હમણાં જ ઊઠીને કોઈ ચાલ્યું ગયું હોય
એવા સળ,
એવી હૂંફ...
ઓરડામાં તરવરે
ખંડિત સ્વપ્નના મેઘધનુષી ફીણ પરપોટા
આંખમાં ફરફરે
નહીં માણેલા ઉજાગરાની ખટમીઠી વ્યથા
બારી ખોલતાં જ
સદ્યસ્નાતા નારીનાં
સૌરભલથપથ અંગોનો આશ્લેષ
દૂરના આમ્રવૃક્ષ પર
કન્યાને નવાં ફૂટેલાં સ્તનો શી મંજરીઓ
દેવાલયના ઝુમ્મરો શું રણઝણે
રોમ રોમમાં
કામરત કપોતની પાંખોનું કંપન
ને હોઠ પરેથી
વહી નીકળે નિઃશ્વાસ અચાનક
વાડામાં જઈ જોઉં
તો
ગઈ મોસમમાં જ
વેરીએ વાઢી નાંખેલા
આંબાના રુક્ષ થડિયા પર
એક લાલચટક કૂંપળ
કૂણું કૂણું હસે.
(નક્ષત્ર, ૧૯૭૯, પૃ. ૪૩)