અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ઉચાટ
ઉચાટ
પ્રિયકાન્ત મણિયાર
એકલી ઊભી જમુનાજીને ઘાટ,
નીરખી રહી નીરમાં કાંઈ, ભરતી નહીં માટ!
ક્યાંક બેઠેલો કદંબડાળે
કાનજી ઝૂક્યો જળની પાળે
એની તરતી છબિ સરકી આવી જળના વ્હેણની વાટ.
એકલી.
કરથી સાહી કેમ તે ધારું?
ઘટની માંહે કેમ હું સારું?
અવરને દેખાય ન કાંઈ કોણને કહું ઉચાટ?
એકલી ઊભી જમુનાજીને ઘાટ,
નીરખી રહી નીરમાં કાંઈ, ભરતી નહીં માટ!