અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/સમયનું સોનું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સમયનું સોનું

પ્રિયકાન્ત મણિયાર

         હવે આ હાથ રહે ના હેમ!
મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ;
         હવે આ હાથ રહે ના હેમ!

બહુ દિન બેસી સિવડાવ્યા બસ કૈં નવરંગી વાઘા,
સાવ રેશમી ભાતભાતના મહીં રૂપેરી ધાગા;
જેહ મળે તે દર્પણ જોવા વણલીધેલો નેમ!
         હવે આ હાથ રહે ના હેમ!

ભરબપ્પોરે ભોજનઘેને નિતની એ રાતોમાં,
ઘણુંખરું એ એમ ગયું ને કશુંક કૈં વાતોમાં;
પડ્યું પ્રમાદે કથીર થયું ને જાગ્યોયે નહીં વ્હેમ!
         હવે આ હાથ રહે ના હેમ!

કદી કોઈને કાજે નહીં મેં કટકોયે એ કાપ્યું,
અન્યશું દેતાં થાય અમૂલખ મૂલ્ય નહીં મેં માપ્યું;
રતી સરીખું અવ રહ્યું એનો ઘાટ ઘડાશે કેમ?
         હવે આ હાથ રહે ના હેમ!



આસ્વાદ: ગયાં વર્ષો – હરીન્દ્ર દવે

કોઈ લક્ષ્મીપતિ રસ્તા પર લાખો રૂપિયા ગમેતેમ ઉડાવતો પસાર થાય તો તેનું મગજ ખસી ગયું હશે, એવો જ ભ્રમ લોકોને રહે, પણ આપણે સૌ લગભગ એવું જ કરીએ છીએ. આપણા હાથમાં સમય જેવી મૂલ્યવાન સંપત્તિ મળી છે અને કલ્પનામાં ન આવે એટલી બેદરકારીથી એને વેડફતા રહીએ છીએ.

સમયનું સુવર્ણ હાથ તો લાગે છે પણ હાથમાં રહેતું નથી. કારણ કે આપણે તેનો ઉપયોગ બહારના ચળકાટને વધારવામાં કરીએ છીએ—માણસ બહારની ટાપટીપ પાછળ જેટલો સમય વિતાવે છે એનાથી સોમા ભાગનો સમય પણ એ પોતાના ભીતરને ઠીકઠાક કરવામાં આપતો નથી.

માણસ દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોઈ મુગ્ધતા અનુભવે છે પણ અરીસામાં જે દેખાય છે એ માણસનો બહારનો આકાર છે. પોતાનો ભીતરનો ઘાટ દેખાડી શકે એવો અરીસો તો પ્રત્યેક માણસે પોતે જ નીપજાવી લેવો પડે.

સમય કેટલો મૂલ્યવાન છે એ સૌ જાણે છે, છતાં સમયને વેડફવામાં કોઈ પાછી પાની કરતું નથી. રાતની નિદ્રામાં, ભોજનમાં, ભોજન પછીના ઘેનમાં, પ્રમાદમાં અને સૌથી વધુ તો નકામી વાતોમાં દિવસનો કેટલો સમય પસાર થઈ જાય છે, એનું ગણિત કોઈ ગણતું નથી. પ્રમાદનો પારો સોનાનો ચળકાટને કથીરમાં પલટાવી રહ્યો છે એની જાણ પણ આપણને થતી નથી.

આપણા સમયમાંથી કેટલો આપણા માટે વીતે છે અને કેટલો બીજાઓ માટે એની ક્યારેય કલ્પના આવી છે? કોઈક અપરિચિત ઉદાસ બાળકને હસતું કરવા પાછળ આપણે થોડી ક્ષણો ક્યારે ય ગાળી છે? કોઈ બીની આંખોને લૂછવાનો પ્રયત્ન ક્યારેય કર્યો છે? કોઈના દુઃખમાં તમે સમભાવ પ્રગટ કરો, કે કોઈનું અશ્રુ લૂછો કે કોઈ ઉદાસ માનવીના મુખ પર સ્મિત પ્રગટાવો ત્યારે એમાં વીતેલા સમયનું સુવર્ણ તમારા જીવનને શણગારે એવા આભૂષણનો ઘાટ ધરે છે.

પણ સમયનો ઉપયોગ આપણે જાત માટે જ કરીએ છીએ. બીજા માટે એકાદ કટકો પણ કાતાં આપણો જીવ ચાલતો નથી.

બીજા માટે સમયનો ઉપયોગ નથી કરી શકતા ત્યારે આપણા માટે પણ તેનો ઉપયોગ થઈ શકતો નથી. કારણ કે જીવનમાં તમે જ્યારે બીજા માટે કૈંક કરો, ત્યારે જ તમારું કલ્યાણ કરી શકતા હો છો. બાકી તો સપાટી પરની જ વાત બની જાય છે.

સમય વેડફાતાં વેડફાતાં એક એવી ક્ષણ આવી પહોંચે છે જ્યારે ઘણું મોડું થઈ જાય છે. જ્યારે પુષ્કળ સમય હોય, ઘણું જીવન બાકી હોય ત્યારે કોઈક ઘાટ ઘડી શકાય એવી શક્યતા રહે છે. પણ જ્યારે જીવન પૂરું થવા આવે ત્યારે એને કોઈ નવો ઘાટ આપવાનું શક્ય રહેતું નથી.

આપણે સૌ સમયની જે રેતીને સરી જવા દઈએ છીએ એ વાસ્તવમાં સુવર્ણકણો છે અને એ ખાલી વેરાઈ જાય એ કરતાં એનો કોઈ વાર ઘાટ બંધાય તો હમેશાં પ્રેક્ષણીય બની રહે, એ વાત આપણા મનમાં બેસતી જ નથી. એની વ્યથા અને વિમાસણનું જ આ કાવ્ય છે. (કવિ અને કવિતા)