અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/સૉનેટદ્વય : ૨. ફરીથી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સૉનેટદ્વય : ૨. ફરીથી

ભગવતીકુમાર શર્મા

વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે
એ સૂર્યોશી ઝળહળ ઋચા નાદબ્રહ્મે ઘડેલી
ગાળે આયુ વ્યરથ જકડાઈ પીળી પોથીઓમાં.
દીપાવ્યો ના વહન કરીને વારસો જ્ઞાન કેરો
પુત્રે, શીળા જનક તણી આ કિન્તુ વિદ્યા અપુત્રા
શોષાઈ રે, રણ મહીં ગઈ શારદા મંત્ર ભીની,
લોપાયું સૌ શ્વસન તૂટતાં વૃદ્ધ જ્ઞાને પિતાનાં,
ફંફોસું છું અઢળક નિયૉની ઝગારા છતાંયે.
આપી દીધી કઠણ હૃદયે કોઈને કાષ્ઠપેટી,
સીંચ્યો જેમાં મબલક હતો વારસો વૈભવી શો!
દીવાલો જે સમૂહસ્વરમાં ઝીલતી’તી ઋચાઓ,
આજે ઊભી અરવ પળતાં ગ્રંથ જ્ઞાને મઢેલા.
જાણે દીધા વળાવી જનક જ ફરીથી સ્કંધ પે ઊંચકીને,
ભીની આંખે ભળાવ્યા ભડભડ બળતા અગ્નિઅંકે ફરીથી.
(છંદો છે પાંદડાં જેનાં, ૧૪-૭-૧૯૭૭)