અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/કૃતિના Baby Shower પ્રસંગે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૃતિના Baby Shower પ્રસંગે

યોગેશ જોષી

હું જોઉં છું કૃતિની આંખોમાં–
એના ગર્ભમાં રહેલ બાળકની આંખો
ચમકે છે
કૃતિની આંખોમાં.
એના ગર્ભમાં રહેલ બાળકના ગાલ
દેખાય છે
કૃતિના ગાલમાં
ઊગતા શિશુ-સૂર્યની રતાશ સાથે.
કૃતિના મનને
જરીક ઠેસ વાગતાં જ
એના મનના મુખમાંથી
સરી પડે છે
‘ઓ મા...!’

એ અવાજમાં
સંભળાય છે
ગર્ભમાંના શિશુનો અવાજ—
‘ઊંવાં...’

ખડખડાટ હસતી કૃતિના હોઠમાં
દેખાય છે
ગર્ભમાંના બાળકના હસતા હોઠ—
મધમીઠેરું, ખિલ ખિલ, કિલ કિલ!
કૃતિના હાસ્યરણકારમાં
સંભળાય છે
ગર્ભસ્થ શિશુનું ઝીણું ઝીણું કલહાસ્ય—
ઘરમાંના નાનકડા મંદિરમાં બજતી ઘંટડી જેવું!
પાંખો ફફડાવવા મથતા
મારા આ શબ્દોને
સાંભળે છે ગર્ભસ્થ શિશુ.
કૃતિના કાન થકી,
અને મલકે છે રહસ્યસભર,
કોઈ ચિંતક જેવું!
કૃતિના માથા પર
હું ચૂમી કરું છું
અને એ થકી
ચૂમું છું
ગર્ભસ્થ શિશુનું માથું
અને
હૈયામાંથી જાણે
અઢળક વહાલની થાય છે
અષાઢી વર્ષા...
આ ક્ષણે હું નીરખું છું
આમ સૌના હૈયામાંથી થતી
શુભેચ્છા-આશીર્વાદની વર્ષા...
એ વર્ષામાં
કૃતિ-હિરેન
તથા ગર્ભસ્થ શિશુની સાથે
આપણે સહુ પણ ભીંજાઈએ છીએ—
જાણે ઊભા હોઈએ નાયગરાની નિકટ!
હવે ઝાઝી વાર નથી
હૂંફાળો તડકો નીકળવાની
ને મેઘધનુષ પ્રગટવાની!
હું
નીરખું છું
મેઘધનુષ પ્રગટતું—
કૃતિની પાંખોમાંથી,
ગર્ભસ્થ શિશુની આંખોમાંથી!
કવિલોક, નવેમ્બર-ડિસેમ્બર