અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેશ પંડ્યા/સમુદ્રકાવ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સમુદ્રકાવ્યો

રાજેશ પંડ્યા

(૧)

સૂરજ આથમી જાય
પછી સમુદ્રનો ઘુઘવાટ વધુ ઊંડેથી
ખૂબ ઊંડેથી આવતો હોય તેમ સંભળાય.
કાળાં પાણી છેક આંખ સુધી આવી પહોંચે
સાતે સાગર ઉછાળા મારતા અફળાય.
આકાશમાં તરતી હોડી અચાનક
ઊંધી વળી જઈ ચંદ્ર પાછળ સંતાય
નાળિયેરીની ટોચે ઝગમગતી રાત
ટિટોડીના અવાજથી
ઘડી આઘી તો ઘડી પાછી હડસેલાતી જાય.

(૨)

એક પછી એક દરિયા વટાવતો પવન
છેવટ દીવાની જ્યોત પર આવી ઠરે
ત્યારે માછલીની આંખમાં એક તારો ડૂબી જાય
જળમાં જરીક આછો છમકારો થાય
એનો અવાજ દરિયાના ઘુઘવાટ વચ્ચેય
સાવ જુદો પડી જઈને સંભળાય.
આજુબાજુ કોઈ ન હોય
તમારો પડછાયો પણ ન હોય
એવું એકાંત હોય ત્યારે
તમે એ સાંભળી શકો તો સાંભળી શકો કદાચ.

(૩)

સમુદ્રની અધવચ
અચાનક ઊભું રહી જાય છે વહાણ
સૂરજના ઊછળતા તડકામાં
દૂર દૂરથી આવીને કોઈ પંખી
કૂવાપંથ પર બેસે છે એટલામાં તો
હલેસાં પાછાં બની જાય છે ડાળી.
દોરડાં ઝૂલવા લાગે છે નાળિયેરીનાં પાન જેમ
પાણીનો ઘુઘવાટ બદલાઈ જાય છે સુગંધમાં
માલમો બધા તૂતક પર આવીને જુએ છે તો
સામે કાંઠાના ખડક પર ઊભા રહીને
કોઈ
હાથ હલાવે છે.

(૪)

આંખનાં પાણી તરવાં સહેલાં નથી
તું કહે તો સાતે દરિયા તરી બતાવું હું
રાતદિવસ હંકાર્યા કરું વહાણ
સઢની પાછળ ઊગતા ને
આથમતા ચાંદા સૂરજને જોઈ જોઈ.
ફૂંફાડતા પવન ને ઊછળતાં મોજાં વચાળ
હલેસાં મારતો રહું સતત
જે કાંઠે તું છે ત્યાં પહોંચવા
એક પછી એક સાતેય દરિયાને વીંધીને છેવટ
આવી પહોંચ્યા પછીય
તારી આંખનાં પાણી તરી શકું નહીં.

(૫)

બધા કહે છે
એક વખતે અહીં દરિયો હતો.
થોડુંક ઊંડે ખોદો
તો શંખ છીપલાં મળી આવે
થોડુંક વધું ઊંડે ખોદો તો પરવાળાં
એમ ઊંડે ને ઊંડે ઊતરતા જાઓ
તો દટાઈને સચવાયેલી કંઈ કંઈ
દરિયાઈ વસ્તુ મળી આવે અકબંધ
ઘુઘવાટ પણ મળી આવે કદાચ.
ન મળે માત્ર
કોઈ સાંજે હાથમાં હાથ લઈ
ભીની રેતી પર
દૂર સુધી ચાલતાં રહ્યાં એ પગલાં
સૂરજ ક્યારનો સૂકવી ગયો છે એ
ને ક્યાંય ઉડાવી ગયો છે પવન.
હવે ખોડવાનું માંડી વાળો
બધા કહે છે
પણ કોઈને પગલાં મળ્યાં નથી હજી.

(૬)

દરિયાની વાત નથી કરવાનો હવે
હજી હમણાં તો આવ્યો છું
સમુદ્રો વીંધીને બ્હાર ભૂમધ્ય
ફરી પગ ખોડીને ઊભો રહેવા અહીં.
આમેય પાણીનાં ઊંડાણ કાપી શકે એવા ક્યાં છે મારા પગ
મારા પગને માટી ચોંટી હોય એ જ મને તો ગમે
તમે જાણો છ
પાણીમાં તો માટી ધોવાઈ જાય છે.
રોજ સાંજે રમીને થાક્યોપાક્યો ઘેર આવું
મા કહેઃ ‘પગ ધોઈ નાખ’
પગને પાણી અડે એ ગમે
પણ માટી ધોવાઈ જાય એ ગમે નહીં.
આજેય ઘણી વાર
રાતે ઊંઘમાં ધોવાઈને ચોખ્ખા થયેલા
પગની પાનીએ માછલીઓ ગલીપચી કરે એવું અડે
ને હું ઝબકીને પથારીમાં બેઠો થઈ જાઉં
શરીર પરથી માછલીઓની ગંધને ખંખેરી નાખું ત્યારે ઊંઘ આવે
ઊંઘમાં નાકનાં ફોયણાં માટીની ગંધ સૂંઘવા ઊંચાંનીચાં થયાં કરે.