અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/કવિવર નથી થયો તું રે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કવિવર નથી થયો તું રે

લાભશંકર ઠાકર

કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
લઘરા, તારી આંખોમાંથી ખરતાં અવિરત આંસુ
આંસુમાં પલળેલા શબ્દો
શબ્દો પાણીપોચા
પાણીપોચાં રણ રેતીનાં
પાણીપોચા રામ
પાણીપોચા લય લચકીને
ચક્રવાકને ચૂમે
કવિવર નથી થયો તું રે
શીદ ને ગુમાનમાં ઘૂમે?
લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતોનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
શહીદ બનતાં બચી ગયો તું ખડક શબ્દના ખોદે
વાણીના પાણીની મનમાં પરબ માંડતો મોદે
અરે, ભલા! શીદ પરસેવાનું કરતો પાણી પાણી?
તું તરસ્યો છે એવીસાદી વાત હવે લે જાણી.
શબ્દો છોડી ખેતરને તું ખેડ
ડી.ડી.ટી. છાંટીને ઘરમાં અનાવિલને તેડ.
શબ્દોનો સથવારો છોડી
લય લંપટના તંતુ તોડી
ઘર-આંગણિયે શાકભાજીને વાવો
કવિવર! વનસ્પતિ હરખાય અશું કૈં પ્રેરક સંગીત ગાઓ
અને જુઓ આ રીંગણ મરચાં ગલકાં તૂરિયાં
આંખ સમીપે લટકે લૂમેલૂમે
કવિવર નથી થવું તારે
શીદ ને વિષાદમાં ઘૂમે?
(લઘરો, પૃ. ૫૨-૫૩)



આસ્વાદ: ‘કવિવર નથી થયો તું રે’ વિશે – હરિકૃષ્ણ પાઠક

મધ્યકાલીન કવિ શ્રી દયારામના જાણીતા પદની પ્રથમ બે પંક્તિમાંથી આરંભનો એક જ શબ્દ બદલીને કવિશ્રી લાભશંકર ઠાકર ભાવકને મધ્યકાલીન ભાવજગતમાંથી ઊંચકીને આધુનિક કવિતાના વિશ્વમાં લાવી મૂકે છે.

કવિના ‘લઘરા’ જૂથનું આ એક મનભર કાવ્ય છે. આપણે જાણીએ છીએ કે અભિવ્યક્તિ માટે, ભાષાસામર્થ્ય વિશે, શબ્દ વિશે અશ્રદ્ધાનો ભાવ જાગતાં કવિ હાસ્ય-કટાક્ષ અને વિડંબનાનો એવો તો વિનિયોગ કરે છે કે કવિ સ્વયં ભલે એવું કહે — ‘ડોલ શબ્દની કાણી રે’ — આપણને તો પ્રતીત થાય છે કે આ કવિના શબ્દની ડોલ તો કાણી નથી જ નથી.

પ્રસ્તુત કાવ્યમાં ‘કવિવર’ થવાનો મનોરથ સેવતા કે થઈ બેઠાની ભ્રાંતિમાં રાચતા ‘લઘરા’ને સંબોધીને કવિ જે કંઈ કથે છે તેમાં મૂળનો પદબંધ ભલે સાદ્યંત જાળવતા નથી, ને તે અનિવાર્ય પણ નથી, છતાં આરંભના લયબંધ સાથે સંવાદમાં રહેતો પરંપરિત પદ્યલય કશા ખાંચા-ખચકા વિના સચવાયો છે ને વધારામાં ટેકની પંક્તિઓમાં જે પ્રાસયોજના સર્જી છે તે તો પ્રેમાનંદની હાસ્યસર્જનની શક્તિની યાદ અપાવે તેવી છે.

આમ પણ કવિએ પોતાના સર્જન વિશે ‘આંતરકથામાં’ જે કંઈ કહ્યું છે તેમાં પોતાના ચિત્તમાં રસાઈ ગયેલ લયચેતનાને એક મહત્ત્વનું પાસું ગણેલ છે, અને કવિતા માટે તો ‘શ્રવણસંપદા’ જેવી ઓળખ પણ આપી છે.

અહીં જે પાત્ર-વિશેષ છે ‘લઘરો’ તે કોણ?

કવિશ્રી ચિનુ મોદીના મતે કથા, નાટક, આખ્યાન વગેરેમાં અનિવાર્યપણે હોય તેવું આ પાત્ર નથી; તો કેવળ હાસ્યના પ્રયોજન માટે સર્જાયેલ પાત્ર પણ નથી જ. અન્ય સર્જકોએ સર્જેલ–મગન, અમથાલાલ, ચંદુડિયો, ઓચ્છવલાલ કે લેંચૂજીથીયે અલગ એવું પાત્ર છે — લઘરો. કવિને ખુદને પરંપરાએ પકડાવેલ ગૃહીતોને તાટસ્થ્યપૂર્વક જોવા-જોગવવા માટે ને ખુદનીયે ખણખોદ માટે આબાદનો ‘લઘરો’ જડી ગયો છે, અને વળી પરંપરાના પદઢાળનો નવેસર ઉપયોગ કરીને આ નવી વાતને વધુ સ્વીકાર્ય-આવકાર્ય બનાવી છે.

દયારામના પદમાં તો ‘વૈષ્ણવ’ થવા માટે શું શું હોવું ને થવું ઘટે અને શું શું ન હોવું ઘટે તેનાં ઉદાહરણો ચીંધાયાં છે; અહીં તો જે ‘કવિવર’ થયો નથી ને થવાનોય નથી તેને નિર્ભ્રાંત કરવાનો ઉપક્રમ રચાયો છે — પ્રમાણો આપીને, ને વિકલ્પ પણ સૂચવાયો છે. આંખોમાંથી અવિરત ખરતાં આંસુ, તેમાં પલળીને પાણીપોચા થઈ ગયેલ શબ્દો તો ખરા જ, રેતીનાં રણ પણ પાણીપોચાં ને છેલ્લે તો ‘પાણીપોચો લય લચકીને ચક્રવાકને ચૂમે’ તેવી સ્થિતિ દર્શાવી છે. પાણીપોચા લયની ઉડાન એવી કેમ હોવાની કે ચક્રવાકને — પંખીને પણ ચૂમે? પહોંચની બહાર છે તેને પામવાના ઉધમાતનો આ સંકેત છે. વધારામાં રોતલવેડા તરફ પણ આંગળી ચીંધાઈ હોવાનું સમજાય. ‘લઘરા’ કવિની એક બીજીયે મુશ્કેલી છે. કાનમાં પેસી ગયેલું મચ્છર તો મરેલું છે, તેના ગણગણાટનું સંગીત પણ રહ્યું નથી. મચ્છરની ફફડતી પાંખોની માફક ‘કવિવર’ના શબ્દોય થથરે છે, પછી બીજું તો શું થાય?! ‘ફફડાટોની કરે કવિતા / કકળાટોની કરે કવિતા’ દ્વારા કદાચ કાવ્યેતર હેતુઓ માટે ખુદ કાવ્યકલાને ગાજરની પીપૂડી સમજીને પ્રવૃત્ત થનારનો સંકેત અહીં વાંચી શકાય.

‘પડતા પર્વતોનો ભય તારા ભાવજગત પર ઝૂમે’ એ ટેકના પ્રાસની પંક્તિમાં બે ઇંગિતો પડ્યાં છે. ‘ભાવજગત’ એટલે કે ‘ભાવનામયતા’ કવિ લાભશંકરને મિથ્યા લાગી હશે. અને આનંદ પ્રગટ કરવા માટે યોગ્ય ગણાય એવું ક્રિયાપદ ‘ઝૂમે’ મૂકીને ‘લઘરા’ની અણસમજ પ્રત્યે ઇશારો થયો છે. ‘ભય’ અને ‘ઝૂમે’ એકસાથે કેવી રીતે હોય? અહીં સુધી આવ્યા બાદ કવિ ‘લઘરા’ને યથાર્થ સમજ આપીને સધિયારો પણ બંધાવે છે.

‘શહીદ બનતાં બચી ગયો તું ખડક શબ્દના ખોદે વાણીના પાણીની મનમાં પરબ માંડતો મોદે’

– અહીં ‘શહીદ’ શબ્દ તો હાસ્ય પ્રેરે જ પણ ‘મોદે’થી સર્જાતો મર્માળો વિનોદ આત્મતુષ્ટિમાં રાચનારાઓએ તો સમજવો રહ્યો.

‘લઘરા’ને આટલી સમજ આપ્યા પછી કાવ્યકલાની અસાધ્ય ઉપાસના છોડી દેવા આપેલી શીખ પણ મોં મલકાવી દે તેવી મર્માળી છે –

‘અરે ભલા! શીદ પરસેવાનું કરતો પાણી પાણી? તું તરસ્યો છે એવી સાદી વાત હવે લે જાણી…’

માણસમાત્રમાં એક લોકેષણા રહેલી હોય છે તે વાત અહીં કહેવાઈ ગઈ છે; ને પછી શબ્દવ્યાયામ છોડીને જેમાં કશીક સ્થૂલ પ્રાપ્તિ તો થઈ શકે તેવું ફલદાયી કામ વિકલ્પ રૂપે સૂચવે છે.

‘શબ્દો છોડી ખેતરને તું ખેડ ડી.ડી.ટી. છાંટીને ઘરમાં અનાવિલને તેડ’

(અનાવિલ એ કોઈ જ્ઞાતિ નહીં, કશુંક શુદ્ધ, કશું નિર્મળ–) તેના અનુસંધાને લય-લંપટના તંતુ તોડવાની વાત પૂર્તિરૂપ બને. અને પછી પ્રાપ્તિ તો જુઓ :

‘અને જુઓ આ રીંગણ મરચાં ગલકાં તૂરિયાં આંખ સમીપે લટકે લૂમે લૂમે કવિવર નથી થવું તારે શીદને વિષાદમાં ઘૂમે?

આમ કાવ્યને અંતે કોઈપણ લઘરો, જે કવિવર થવા સર્જાયો જ નથી તેને ફોગટ વિષાદમાંથી બચી જવા કહે છે –

‘કવિવર નથી થવું તારે…’

પંડને પામવા ને અભિવ્યક્ત થવા માટે શબ્દ સિવાય કશું માધ્યમ નથી ને એ પણ અપર્યાપ્ત — એવી પ્રતીતિમાંથી પ્રગટેલાં ‘લઘરા’ જૂથનાં કાવ્યો પૈકી આ પણ એક મનભર કાવ્ય છે. (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)