અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વર્ષા દાસ/લોહીનો રંગ લાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લોહીનો રંગ લાલ

વર્ષા દાસ

લોહીનો રંગ લાલ
પછી તે વાઘનું હોય કે વાંદરાનું
હડકાયા કૂતરાનું હોય કે માણસનું
સરવાળે જાણે બધું એક
રૂના પોલ જેવાં વાદળો
ઊડીને ઉપર જાઓ
તો જાણે બધું એક
કયું ભારત અને કયું પાકિસ્તાન!
કયું કોસોવો ને કયું પેલેસ્ટાઈન!
હૃદય ધબકે
મારું તારું ને એનું પણ
ને જ્યારે અટકે ત્યારે
પાણી પાણીમાં, તેજ તેજમાં
વાયુ વાયુમાં, તેજ તેજમાં
વાયુ વાયુમાં, માટી માટીમાં
સરવાળે બધું જાણે એક
તો પછી ઝઘડા શેના?
નામ, રૂપ ને રંગના/
બદલાતી બોલીના?
જાતે જ પાડેલી લીટીના?
મૂર્ખાઈની પણ કંઈ હદ હોયને?



આસ્વાદ: વિભાજનવૃત્તિ પર પુણ્યપ્રકોપ – રાધેશ્યામ શર્મા

કવયિત્રીએ શીર્ષક ‘લોહીનો રંગ લાલ,’ ભલે ના આપ્યું પણ અછાંદસ કૃતિ વારેવારે સરવાળો કરી સિદ્ધ કરે છે ‘જાણે બધું એક’.

સાંપ્રત કવિતાક્ષેત્રે – વૈયક્તિક અભિગમના વાંકવળાંક, ઇમેજરિ, પ્રતીક, ભાષાશૈલીની ઝીગઝેગ પૅટર્ન, ભાવોનાં શીર્ષાસન – આવું કોઈ ધ્યાનાર્હ ઉપકરણ અહીં નથી.

છતાં રચના બની છે, એનાં સહજ નિખાલસ કલ્પના–સ્ફુરણોથી.

‘લોહીનો રંગ લાલ’ કહી દીધો – સીધુંસાદું સ્ટેટમેન્ટ. પછી કર્તા તરત માણસના લોહીનો રંગ ઉદ્ગારવાના બદલે હિંસક વાઘ, ચંચળ વાંદરાને ઊંડળમાં લઈ એક પંક્તિ સ–રસ રચે છે:

‘હડકાયા કૂતરાનું હોય કે માણસનું‘

જરીકે અતિશયોક્તિ કર્યા વિના માની શકાય કે અહીં પ્રાણીવિશ્વમાં રહેલ વિભિન્ન પ્રકૃતિનાં પાત્રોને છેડે ઉત્ક્રાન્તિપ્રાપ્ત માણસની ભેદભાવભરી વૃત્તિ-પ્રવૃત્તિ પ્રત્યે સ્પષ્ટ નિર્દેશ છે.

માણસમાં પણ વાઘ–વાનર–હડકાયું શ્વાન લપાઈને બેઠું છે! સરવાળે સૌનો રંગ લાલ…

રચનાના બીજા સ્તબકમાં ‘રૂનાં પોલ જેવાં વાદળો’ દર્શાવાયાં છે તો કવિ પૅરિસથી બલોનિયા–ઇટલી જતાં વિમાનપ્રવાસની સર્વસામાન્ય ઘટનાના કારણે, પણ પછી એમનું થીમ–ટાર્ગેટ છતું થાય છે: ‘ઊડીને ઉપર જાઓ તો જાણે બધું એક.’

અહીં આસ્વાદ્ય છે… લોહીના લાલ રંગના એકત્વનો ઉપમાનુયા અનુબન્ધ આકાશી વાદળો સાથે પ્રયોજાયો તે.

પ્લેન ઘરઘરાટ સાથે નીચે ઊતરે ત્યારે ભૂમિ–ભાગ કુદરતી રીતે દેખાય પરંતુ અહીં તો આશ્ચર્યચિહ્નો સાથે પ્રચ્છન્ન પ્રશ્નો છે: કયું ભારત કયું પાકિસ્તાન! કયું કોસોવો ક્યું પૅલેસ્ટાઇન!

વિભાજનની વાત જહનમાં ફૂટતાં જ ભારત પાકિસ્તાનની સમસ્યા ડોકિયાં કરે અને બે શબ્દ ઝબૂકે:

‘હૃદય ધબકે’

પૃથ્વીપટના સકલ નિવાસીઓના લોહીનો લાલ રંગ એક છે તેમ ધરતી પરથી ઊડીને ઉપર જઈ જુઓ તો અભ્રવિશ્વમાં સર્વ એકાકાર છે. ‘હૃદય ધબકે’ પછીની પાંચ પંક્તિઓ, જેમાં પંચ તત્ત્વોના એકત્વની જિકર છે તે અભિધાસ્તરની છે. તેમ છતાં અજંપો રાજકીય, ભૌગોલિક નથી, કંઈક આધ્યાત્મિકલક્ષી છે:

તો પછી ઝઘડા શેના?
નામ, રૂપ ને રંગના?
બદલાતી બોલીના?
જાતે જ પાડેલી લીટીના?

ભાગલા પાડી, અધિકાર સિદ્ધ કરી, સત્તા ભોગવવાના અહમ્ ભાવ ઉપર પુણ્યપ્રકોપ અંત્ય પંક્તિમાં ઠાલવ્યો છે:

મૂર્ખાઈની પણ કંઈ હદ હોય ને?

આવી સીધીસટ અભિવ્યક્તિ શ્રીકૃષ્ણના ઉદ્ગાર ‘વિમૂઢા નાનપશ્યન્તિ’ની યાદ આપી ગઈ.

બીજી સ્મૃતિ છે જે. કૃષ્ણમૂર્તિના આવા પ્રકારના કોઈક પ્ર–વચનની. દેશવિદેશની ધજાઓ પણ–જાણે કે એકમેકથી અલગ પડી સરસાઈ દર્શાવવા મથતી વિભાજનવૃત્તિ ના હોય!

એ દૃષ્ટિએ, વર્ષા દાસની આ કૃતિનો, ઝઘડાખોર મનુષ્યજાતિએ જાતે પાડેલી વિભાજનરેખાને ભૂંસવાનો સ્વાભાવિક ઉત્તાપ આવકાર્ય છે. (રચનાને રસ્તે)