અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/પારાવાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પારાવાર

વેણીભાઈ પુરોહિત

હું પોતે મારામાં છલકું
         પંચામૃતનો મુખરિત પારાવાર.
હું છું મારો ફેનિલ આરો,
         ને હું મુજ ઊર્મિલ મઝધાર :
         પંચામૃતનો સુખરિત પારાવાર.

ફેનફેનના કુન્દધવલ કંઈ
         ઘૂઘરના ઘમકાર,
હું છું મારું સ્મિત સ્વરમંડલ,
         ને હું મારો અભિહત હાહાકાર :
         પંચામૃતનો મુખરિત પારાવાર.

હું મારો વિરહાકુલ પ્રેમી,
         હું મારો અભિસાર —
સ્વયં વિવર્તિત, સ્વયં વિસર્જિત,
નશ્વર ને તોફાની તબડક
તરંગના તોખાર :
હું પોતે નિજ રેન સમાલું,
         હું મારો અસવાર :
         પંચામૃતનો મુખરિત પારાવાર.

ઋતુમય તેજઋચા હું પોતે
હું ઉદ્ગાતા ને હું શ્રોતા,
         હું મુજ મંત્રોચ્ચાર :
અનંતમાં લીલામય રમતા
         છંદલલિત ઉદ્ગાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.
ચેતનમય છલછલ જલઅંબર
ફરફર ફરકે —
દૂર જઈ આત્મવિલોપનમાં
સહુ મરકે —
મોજમોજનાં ગેબ ગતકડાં,
ક્ષણભંગુરનો ક્ષણ ક્ષણ નવઅવતાર :
મોજાંનો છે રવ,
રવનાં છે મોજાં અપરંપાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.

હું મારામાં અસીમ સીમિત,
અવિરત, ચંચલ,
અકલિત, એકાકાર :
नित्यजीवोऽहम् नित्यजीवोऽहम्,
હું પોતે મારામાં મલકું,
પંચતત્ત્વનો પુલકિત પારાવાર.