અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/નોખું નોખું ને એકાકાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નોખું નોખું ને એકાકાર

વેણીભાઈ પુરોહિત

સપનામાં જાગ્યો તેનો
લાગ્યો ઉજાગરો ને
આંખોમાં ભીનો ભીનો ભાર રે,
જોગીડા! આ તે
કેવું રે સૂવું ને કેવું જાગવું હો જી!

લોચન બીડ્યાં ને સૃષ્ટિ સો સો ત્યાં ઊઘડી,
સો સો સમાધિ લાગી... લાગી અધૂકડી,
જ્યાં રે કાંઠો છે ત્યાં મઝધાર :
રે જોગીડા! આ તે
કેવું પરાયું કેવું આગવું હો જી!

સામે આવે તે પહેલાં સુખડાં મેં પામી લીધાં,
આડે આવે તે પહેલાં દુખડાં મેં વામી દીધાં;
મારો તે લાગે મુને ભાર :
રે જોગીડા! આ તે
કેવું રે ભોગવવું કેવું ત્યાગવું હો જી!

શ્રાવણના શ્યામલ નભમાં પોતાની પાવકજ્યોતે —
ઘૂમી ઘૂમીને વીજલ ખાતી પછડાટ પોતે —
લપસીને લથડે લાખો વાર :
રે જોગીડા! આ તે
કેવું રે રુઝાવું કેવા વાગવું હો જી!

પંખી પોતામાં ઊડી પોતામાં ડૂબી રહેતું,
આખું આકાશ એને ચોગમ લપેટી લેતું
ઊંચું ને ઊંડું હારોહાર
નોખું નોખું ને એકાકાર
રે જોગીડા! આ તે
કેવું તરવું ને કેવું તાગવું હો જી!

(આચમન, ૧૯૭૫, પૃ. ૧૩૧-૧૩૨)