અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/સમુદ્ર
Jump to navigation
Jump to search
સમુદ્ર
સિતાંશુ યશશ્ચંદ્ર
દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે.
મેં વડવાનળના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં પાડી ન શકાય.
ભીંજાવું અને દાઝવું એ એક જ છે.
સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી.
હું કવિ છું.
જે છે તે છે કેવળ મારી આંખોમાં.
(જટાયુ, પૃ. ૧)