અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ જોષી/કથા સુણાવું રામાયણની (સંક્ષિપ્ત રામાયણ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કથા સુણાવું રામાયણની (સંક્ષિપ્ત રામાયણ)

સુરેશ જોષી

કથા સુણાવું રામાયણની ભાવિક જનને કાજે,
હૃદયહૃદયમાં ગુંજી ઊઠો રઘુપતિરાઘવ રાજે.

નગરી અયોધ્યાતણો નથી કૈં જોજનનો વિસ્તાર,
સાંકડી બે ઓરડીમાં તોયે મહિમા એનો અપરંપાર.

હું જ રામ ને હું છું રાવણ, કૌતુક ભાઈ ભારે!
લંકાયે ના દૂર નથી કૈં — આ ઉમ્બરની પારે.

બે ઓરડીની વચ્ચે વ્યાપ્યો મૌનતણો મહાસાગર,
સેતુઓ બંધાય ખરા પણ રહે નહિ કો સ્થાવર.

સીતાકેરી અગ્નિપરીક્ષા થાતી રોજ સવારે,
એ બાબતમાં આળસ કદીયે કર્યું નથી આ રામે.

રાત પડે ને દણ્ડકવનમાં પલટે આ સંસાર,
હિંસક પશુની રાતી જીભનો દેખાતો લપકાર.

‘નાનકડા આ ઘરમાં ભાઈ, દેશવટાનું શું?’
દેશવટો તો રોજ દઉં છું, રાખી અંતર એક તસુ.

લવકુશની ના ખોટ છે અમને, છે બે પુત્ર પ્રતાપી,
પરાક્રમોની કીર્તિ જેની દિશાદિશાએ વ્યાપી.

સ્ટ્રોન્શિયમ નેવું ને કૅલ્શિયમ ડેફિસિયન્સી —
અદૃશ્ય એવા શત્રુ સાથે જેણે બાથ ભિડાવી.

રક્તતણા કણકણમાં જેના પળપળ ચાલે જુદ્ધ,
એની વીરતા વર્ણવવાને ઓછી પડે છે બુધ્ય.

રામાયણના કાણ્ડ ઘણાં છે, સુજ્ઞ જનો સૌ જાણે;
યુદ્ધ અરણ્ય એ બે જ કાણ્ડનો અહીં તો મહિમા ભારે.

ઘરઘરમાં રાજ કરે છે રામ ને ઘરઘરમાં ત્યાગ સીતાનો,
રામાયણમાં હતું બીજું શું, બોલો જય વાલ્મીકનો.