અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/ચરણ રૂકે ત્યાં કાશી
ચરણ રૂકે ત્યાં કાશી
હરીન્દ્ર દવે
જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી,
ઝાકળનાં બિંદુમાં જોયો
ગંગાનો જલરાશિ.
જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
થીર રહું તો સરકે ધરતી
હું તો નિત્ય પ્રવાસી.
સ્પરશું તો સાકાર, ન સ્પરશું તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
હું જ કદી લપટાઉં જાળમાં
હું જ રહું સંન્યાસી.
હું જ વિલાસે રમું, ધરી લઉં છું જ પરમનું ધ્યાન;
કદી અચાનક રહું, જાચી લઉં કદી દુષ્કર વરદાન;
મોત લઉં હું માગી, જે પળ,
લઉં સુધારસ પ્રાશી!
હરીન્દ્ર દવે • ચરણ રૂકે ત્યાં કાશી • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: અમર ભટ્ટ