અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'વિશ્વરથ' /સોળ શણગાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સોળ શણગાર

વિશ્વરથ

તરસને ઝાંઝવાંના એક અણસારે નજર લાગી;
વિરહને ચાંદનીના સોળ શણગારે નજર લાગી.

કમળને સાંધ્યના રંગી અંધારે નજર લાગી;
કુમુદને પણ ઉષાના તેજ-અંબારે નજર લાગી.

ચકોરીએ નજર ઊંચી કરીને મીટ માંડી તો —
શશીની પાંપણોના પ્રેમ-પલકારે નજર લાગી.

નજર લાગી હજારો વાર હળવાંફૂલ હેયાંને;
કહો પાષાણ દિલને કોઈની ક્યારે નજર લાગી?

અમારી નાવડીની કમનસીબી શું કહું તમને?
બચી મજધારથી તો છેક ઓવારે નજર લાગી.

પ્રથમ ઉપચાર હું કોનો કરું, સમજાવશો કોઈ?
હૃદય ને આંખડી બન્નેયને હારે નજર લાગી?

લથડિયું ખાઈને આકાશથી ગબડી પડ્યો તારો;
ધરા પરથી શું એને કોઈની ભારે નજર લાગી?

અછકલાં રૂપરાણીએ અરીસામાં નિહાળ્યું તો —
નયનમાં ડોકિયું કરતા અહંકારે નજર લાગી.

દીવાનો ‘વિશ્વરથ’ ઘૂમી વળ્યો નવ ખંડમાં, તોપણ —
નથી એને સફરમાં ક્યાંય તલભારે નજર લાગી.

(મલયાનિલ, ૧૯૮૫, પૃ. ૪)