અવલોકન-વિશ્વ/અંગ્રેજી ભાષાવિચાર – હર્ષવદન ત્રિવેદી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અંગ્રેજી ભાષાવિચાર – હર્ષવદન ત્રિવેદી


Twitterature-184x300.jpg


Twitterature – Alexander Aciman
Emmet Rensin, New York, 2009

2009ની વસંત ઋતુની એક સાંજે એલેક્સ એસિમન અને એમેટ રેન્સિન નામના 19 વર્ષના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા બે કોલેજીયનો શિકાગો યુનિવર્સિટીની પોતાની હોસ્ટેલના રૂમમાં બેસીને ગપ્પાં મારી રહ્યા હતા. તેમની ચર્ચા સોશ્યલ નેટવકિર્ંગ સાઇટ ટ્વિટરની વધતી જતી લોકપ્રિયતા તરફ વળી. વાતમાં ને વાતમાં તેમને એવો વિચાર આવ્યો કે હવે પ્રશિષ્ટ સાહિત્ય વાંચતા લોકો ઘટી રહ્યા છે. ઘણાંને શેક્સપિઅર કે ચોસર જેવા મહાન સર્જકોનાં નામની પણ ખબર હોતી નથી અને જો નામની ખબર હોય તો પણ તેમની કૃતિઓ તેમણે વાંચી હોતી નથી. આથી તેમને વિચાર આવ્યો કે આવા પ્રશિષ્ટ ગ્રંથોને ટ્વિટરના માધ્યમથી રજૂ કરવામાં આવે તો કેવું રહે? બંનેએ એક ચોપડી ખોલી અને વિચાર્યું કે તેની વાર્તા કેવી રીતે આગળ વધે છે. વાર્તા ગંભીર પ્રકારની હોય તો તેને આજની પેઢીને રસ પડે એવી રમૂજી શૈલીમાં કેવી રીતે રજૂ કરવી? એ પણ 140 કેરેક્ટરની મર્યાદામાં રહીને? બંને મિત્રોએ રમત શરૂ કરી. એક જણ કૃતિનો સાર એક લીટીમાં બોલે અને બીજો તેની પાદપૂર્તિ કરે. આમ રમતમાં ને રમતમાં ચાલુ થયેલી આ પ્રવૃત્તિએ ગંભીર રૂપ ધારણ કર્યું. એમાંથી ટ્વિટ-સાહિત્ય (Twitterature)નો જન્મ થયો. (આ શબ્દ Twitter અને Literature એ બે શબ્દોના સંયોજનથી બન્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ 140 કેરેક્ટરના ટ્વિટ્સના માધ્યમથી સાહિત્યિક અભિવ્યક્તિની શક્યતાઓ તાગવાનો છે.) બંનેએ જગતની પચાસેક શ્રેષ્ઠ કૃતિઓને 20-20 જેટલા ટ્વિટમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો. આ પુસ્તકમાં The Catcher in the Rye, Macbeth, The Iliad, The Three Musketeers જેવી પ્રશિષ્ટ કૃતિઓ છે તો ભારતમાં પણ જાણીતી Harry Potter સિરીઝનો પણ એમાં સમાવેશ કરાયો છે. હેરી પોટર સિરીઝમાં અત્યાર સુધીમાં સાતેક નવલકથાઓ બહાર પડી ચૂકી છે. આ બધી કથાઓને લેખકોએ ટ્વિટ્સમાં રજૂ કરી છે.

આ પુસ્તકમાં જાણીતી કૃતિઓનો સીધી-સાદી ભાષામાં સારસંક્ષેપ આપવાનો પ્રયાસ થયો છે એવું નથી. આ પુસ્તક વિખ્યાત પુસ્તકોના મધ્યવર્તી વિચાર કે ટૂંકસાર આપતી ગાઇડોનો વિકલ્પ નથી. આગળ કહ્યું તેમ લેખકોની શૈલી રમૂજી છે. કેટલેક સ્થળે તેમણે પેરોડીનો આશરો લીધો છે તો કેટલેક સ્થળે જોક્સ પણ કર્યા છે. એમની ભાષા પણ અમેરિકાની નવી પેઢીની છે. ભારતીય અને ગુજરાતી વાચકોએ તો તે વાંચવા માટે કે અમેરિકન સ્લેન્ગ વગેરે સમજવા માટે વારંવાર ઇન્ટરનેટ-ગુગલની મદદ લેવી પડે તેમ છે. પણ જ્યારે પુસ્તક પૂરું થાય ત્યારે અમેરિકાની યુવાન પેઢીના માનસમાં ડોકિયું કરવાની તક તો મળે જ છે. સાથોસાથ અમેરિકાની નવી પેઢીના ઇંગ્લિશથી પણ આપણે ખાસ્સા પરિચિત થઈ જઈએ છીએ.

જગતની મહાન કૃતિઓને 140 કેરેક્ટરના માઇક્રો-ફિક્શનમાં સમાવી લેવા પાછળનો તર્ક પણ સ્પષ્ટ છે. અઢારમી સદીના આરંભથી જ સમાજમાં વ્યક્તિ પર ભાર મુકાતો આવ્યો છે. માનવશાસ્ત્રી ઇમિલ ડર્કહાઇમ કહે છે કે સામૂહિક ચેતના છેવટે તો વૈયક્તિકતાના માર્ગે જ વ્યક્ત થાય છે. હવે ટ્વિટર અને ફેસબુક જેવાં માધ્યમોના કારણે વ્યક્તિ પોતાના વિચારો બેધડક વ્યક્ત કરી શકે છે. એ પણ કોઈ પણ જાતના ખર્ચા વિના. અગાઉના જમાનામાં તો કાં તો તમારે છાપું કાઢવું પડતું, જેમ નર્મદે ‘ડાંડિયો’ કાઢ્યું હતું એમ; અથવા તો લાઉડસ્પીકર કે રેડિયોનો ખર્ચો કરવો પડતો હતો. આજે માણસ પોતાના વિચારો સરળતાથી વ્યક્ત કરી શકે છે.

આમ ટ્વિટર અને ટ્વિટ-સાહિત્ય બંને સર્જન કરવાની અને તેને કોઈક માધ્યમ દ્વારા રેકોર્ડ કરવાની માનવજાતની અદમ્ય એષણાની નીપજ છે.

આ બંને યુવાનોના પિતાઓ પણ સફળ લેખકો છે. એલેક્સ એસિમનના પિતા આન્દ્રે એસિમન અમેરિકામાં નવલકથાકાર, નિબંધકાર અને સંસ્મરણલેખક તરીકે જાણીતા છે. રેન્સિનના પિતા ડેવિડ રેન્સિન અમેરિકાના જાણીતા પત્રકાર અને લેખક છે. એટલે બંને યુવાનોને સર્જકતા વારસામાં મળી છે.

આ પુસ્તકના મને ગમેલા કેટલાક અંશો અહીં રજૂ કરું છું જેથી વાચકોને આ યુવાનોએ કેવું કામ કર્યું છે તેનો ખ્યાલ આવશે.

ગુજરાતી ભાષામાં સેમ્યુઅલ બેકેટનું નાટક Waiting For Godot જાણીતું છે. તેની પરનું આ ટ્વિટ જુઓ:

@ShaggyGodotJoke – Still waiting. Trying not to think of this awful, frustrating situational metaphor we’ve found ourselves in.

એવી જ રીતે કાફ્કા પણ ઘણો જાણીતો છે. તેની The Metamorphosis: વિશેનું આ ટ્વિટ જુઓ:

@bugged-out–-I seem to have transformed into a large bug. Has this ever happened to any of you? No solution on Web MD.

સોફોક્લીસની વિખ્યાત ટ્રેજેડી ઇડીપસ ધ કિંગનો ગુજરાતી અનુવાદ પણ થયો છે.-

PARTY IN THEBES!!! Nobody cares I killed the old dude, plus this woman is all over me. Total MILF.

આ ટ્વિટમાં MILF એ અશ્લીલ પ્રયોગ છે. જિજ્ઞાસુઓએ ડિક્શનરીમાં નહીં પણ ગુગલ પર સર્ચ કરવું.

છેલ્લે હેમ્લેટ જુઓ: Hamlet: WFT IS POLONIUS DOING BEHIND THE CURTAIN???

કોઈએ આવી જ રીતે ગુજરાતી ભાષાની પ્રશિષ્ટ કૃતિઓને ટ્વિટના માધ્યમથી રજૂ કરવાનો પ્રયાસ કરવા જેવો –

અહીં આપણે એકાદ-બે ગુજરાતી કૃતિઓ પર હાથ અજમાવી જોઈએ?:

સરસ્વતીચંદ્ર – My life is all foreplay and no orgasm! WTF has the destiny done to me???

મરણોત્તર – Don’t forget to carry this book while your flight to hell or heaven? LOL!