અવલોકન-વિશ્વ/બે સ્તરે આલેખાયેલી દલિત ચેતનાની નવલકથા – નીતિ સિંહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બે સ્તરે આલેખાયેલી દલિત ચેતનાની નવલકથા – નીતિ સિંહ


60-NEETI-187x300.jpg


શાન્તિપરવ – દેસરાજ કાલી
દીપક પબ્લિકેશન, જલંધર, 2010
દેસરાજ કાલી (જ. 1971, જલંધર)ની આ નવલકથા એમની 6 નવલકથાઓની શ્રેણી પૈકી 4થી નવલકથા છે. કાલીની નવલકથાઓની લાક્ષણિકતા એ છે કે કઠોર દલિત-વાસ્તવિકતાનું મર્મભેદક કથન-આલેખન કરવાની સાથે જ, એની સમાન્તરે, તેઓ મુખ્ય ધારાનાં ઇતિહાસ અને પુરાણકથાનકો સામે એવા જ તીક્ષ્ણ પ્રશ્નો ધરે છે. નવલકથાના સાહિત્યસ્વરૂપની પ્રયોગશીલતા દાખવવાની સાથે જ લેખક ધર્મશાસ્ત્રો અને નીતિશાસ્ત્રોનાં સ્થાપિત સત્તાસૂત્રોને મૂળમાંથી હચમચાવે છે. ધર્મોપદેશોની અને વર્ણ-વ્યવસ્થાની વિઘટક ટીકા કરવા ઉપરાંત તે આપણી વિચારવ્યવસ્થાઓના પુનર્ઘટનની વાતને પણ મૂકે છે. આ ભગીરથ મથામણને આકાર આપવા લેખક મૌખિક દલિત-ઇતિહાસ-કથાનકો, એમાં રહેલી ગૂઢ વિધિવિધાન-રૂઢિઓ, દલિત નેતાઓનાં રાજકીય ખ્યાલો અને પ્રવૃત્તિઓને તેમજ દલિત તરીકેના એમના પોતાના અનુભવોને પણ ખપમાં લે છે. ઉત્તર ભારતના સામાજિક-રાજકીય ઇતિહાસને અને વૈશ્વિક દૃષ્ટિકોણને આવરી લઈને દેસરાજ કાલી એમાંથી વર્ણવિહીન, સર્વસમતાવાદી અને ન્યાયી સમાજનો આદર્શ રજૂ છે.
*

મહાભારતના 12મા પ્રકરણનું નામ છે – ‘શાન્તિપર્વ’. દેસરાજ કાલીએ એને નમૂનારૂપે સામે રાખીને પોતાની નવલકથાનું નામ ‘શાન્તિપરવ’ રાખ્યું છે. ‘પરવ’ એ સંસ્કૃત ‘પર્વ’ શબ્દનું જ પંજાબી રૂપાન્તર છે. શાન્તિપરવ એટલે ‘શાન્તિનો પ્રબંધ’. પણ વક્રતા એ છે કે ‘મહાભારત’ હિંસાના ભીતરી માર્ગને અવલોકવાને કે આત્મનિરીક્ષણ કરવાને બદલે કુરુક્ષેત્રના યુદ્ધમાં હિંસાને જાણે ન્યાય્ય ઠેરવે છે. રાજાઓ અને ઋષિઓ દ્વારા યુદ્ધ નિર્ણાયક બન્યું અને અસંખ્ય સામાન્ય માણસો એમાં હોમાયા અને અનેક અસહાય બન્યા, એમને નારકી યાતનાઓ મળી – એ કમનસીબીને યુદ્ધની અનિવાર્યતા માનવામાં આવી હતી. આમ પણ, વેદપ્રોક્ત ચતુર્વર્ણ-વ્યવસ્થામાં છેલ્લા શૂદ્ર વર્ગને ઉપલા ત્રણની સેવા કરવાની ફરજ પડી હતી. ક્ષુદ્ર મનુષ્યો તરીકેની એમની યાતનાઓ અને એમના સંતાપો રાષ્ટ્રીય મહિમાવાળા મુખ્ય ધારાના ઇતિહાસમાં નોંધાયાં જ નહીં. એમ કહેવું ખોટું નહીં ગણાય કે, આ એક મોટો જનસમુદાય આજ સુધી – 21મી સદીમાં સુધ્ધાં – એક નિમ્ન કોટિના માનવ-પ્રાણી તરીકે જોવાતો ને અવહેલના પામતો રહ્યો છે. ‘શાન્તિપરવ’ નવલકથા આવાં નિમ્ન ગણાતાં – હવે શૂદ્રને બદલે દલિત તરીકે ઓળખાતા વર્ગનાં – માનવોનાં જીવનનો ચિતાર આપે છે.

સાંકડી ગલીઓ, સુખના અભાવો અને કેવળ હતાશામાં સબડતી દલિત વસતીનું નિરૂપણ કરતી આ નવલકથા આપણને અસહ્ય ગરીબીમાં, કમરતોડ મજૂરીમાં, વ્યસનો અને રોગોમાં ડૂબેલા એક ભાવશૂન્ય જગતમાં ખેંચી જાય છે. દલિતોના જીવનની કપરી વાસ્તવિકતાને આલેખતી આ નવલકથામાંથી વારતાઓ જાણે ઊંડા સમુદ્રની સપાટી પર ફેલાતાં જતાં મોજાં અને એના ફીણ સાથે ખેંચાઈ આવતા મેલ જેવી લાગે છે. સમુદ્રની એ સપાટી નીચેની વાત લેખકે દરેક પાનાના નીચલા ભાગમાં મુકાયેલાં વિવરણ-વૃત્તાંતો દ્વારા નિરૂપી છે. એ વિવરણો, આ દલિત સમુદાયને ઉપ-મનુષ્ય બનાવનાર યુગજૂના વ્યવસ્થાતંત્રના પ્રપંચો સામે પ્રશ્નો કરીને એને ખુલ્લા કરે છે. દરેક પાનામાં ઉપર-નીચે, એમ સમાન્તરે ચાલતા આ બંને કથાપાઠો (texts) એક ત્રીજો પાઠ નીપજાવે છે – જે વાચકના ચિત્તમાં એની સૂક્ષ્મ ભેદકતાથી પડઘાતો-ગુંજતો રહે છે – (દરેક પાનાની વચ્ચે ભેદકરેખાથી) સપાટી ઉપરના અને સપાટીની નીચેના પાઠો એક સંયોજિત વાસ્તવનો અનુભવ આપે છે.

*

દેસરાજ કાલીની આ નવલકથા દલિત લખાણોમાં સામાન્ય રીતે જોવા મળતાં આત્મવૃત્તાંતોથી દૂર રહી છે. એ રીતે લેખક ખરેખર તો એ દલિત વર્ગની મૂંઝવણ-વેદનાભરી અને નરકરૂપ પીડાઓભરી જીવન-સ્થિતિમાં જીવતાં પાત્રોના આલેખન દ્વારા, વર્ષોથી એક મોટા જનસમુદાયને યાતનાઓમાં ડૂબેલો રાખતા વર્ણ-વિચારના સકંજાની સામે બળવો કરવાની, એને નાબૂદ કરવાની માનવજાતના સંવેદનશીલોને એક અપીલ કરે છે. ખૂણે હડસેલાઈ ગયેલા વર્ગના પ્રશ્નોની, સત્તાતંત્રોની ગતિવિધિઓની તેમજ રાષ્ટ્રીય વિચારધારાઓની જાણકારીવાળા એક લેખકની સજ્જતાથી કાલી આ લખે છે. વળી લેખક તરીકે એ નવલકથાસર્જકનું કૌશલ પણ દાખવે છે, લેખનરીતિ પરની પૂરી પકડ સાથે.

માત્ર 80 પાનાંની આ કૃતિ લઘુનવલ તરીકે ઘણી આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે. નવલકથા સમાંતરે બે સંભાષા-સ્તરો પર ચાલે છે – એક કલ્પનાત્મક અને બીજું બિન-કલ્પનાત્મક; એક સર્જનાત્મક અને બીજું ચર્ચાત્મક. સમાન્તરે પણ સ્વતંત્ર રીતે ચાલતાં એ બંને વૃત્તાંતો પ્રતિ-નવલની અને પ્રતિ-સૌંદર્યશાસ્ત્રની તથા પ્રતિ/ઉપ-માનવીય વિશ્વની આસપાસ એક રચનાગત સંવાદી સૂર નીપજાવે છે.

ઇતિહાસમાં પ્રસરેલું રાજકારણ અને પંજાબી દલિતોની ‘જીવતી’ વાસ્તવિકતા એક સહોપસ્થિતિ રચે છે. આ સહોપસ્થિતિ, અગાઉ કહ્યું એમ, દરેક પાનામાં એક આડી વિભેદક રેખા દ્વારા રચાઈ છે. પાનાંના ઉપરના ભાગના, પૂર્વાર્ધ-અંશો દલિત કથાનાયકના જીવન પર અને દલિત પરિસ્થિતિઓ પર આધારિત 12 પ્રકરણો/કથાનકો ધરાવે છે. આ નાયક શિક્ષિત છે, ઉદારમતવાદી છે, પરિણીત છે, પત્રકાર છે. પાનાંના નીચલા, ઉત્તરાર્ધ અંશો માનવ-અસ્તિત્વના એક ઢંકાયેલા નિમ્ન અર્ધાંગને રજૂ કરે છે – પરિસ્થિતિઓથી સુમાહિતગાર અને સક્રિય રહેલા પ્રૌઢ દલિત નેતાઓની વિમર્શાત્મક એકોક્તિઓ દ્વારા. આ વયસ્ક નેતાઓમાં એક પાકો કોમરેડ છે, બીજો ફાગમુલ નામનો એક મૂરખ રાજકારણી છે અને ત્રીજો જૌહુલ નામનો ઇતિહાસનો એક નિવૃત્ત પ્રોફેસર છે. સહજ ગંભીર સૂરમાં ચાલતી આ ત્રણેની એકોક્તિઓમાં ક્યારેક વચ્ચેવચ્ચે ધૃષ્ટ મજાકો અને ઠઠ્ઠા પણ ઊપસે છે. આવું આલેખવા પાછળ કાલીનો આશય હિંસાનાં અનેક રૂપો, ઇતિહાસની મુખ્ય ધારામાંનાં ગાબડાં, એની નબળી કડીઓ, ભાગલા વખતની સામૂહિક કત્લેઆમ, રાજસત્તા અને આતંકવાદ, ભ્રષ્ટાચાર, મૂડી-ઉત્પાદન અને એનું અસમાન વિતરણ, એ બધું ઉઘાડું પાડી આપવાનો જણાય છે.

પાનાંની આ ઉપર-નીચેના હિસ્સાઓની પ્રયુક્તિ 73 પાનાં સુધી ચાલે છે. એ પછીનાં 7 પાનાં કલ્પિત-વાસ્તવિક સ્તરોને ભેળવી દે છે અને નાયકની કથાનો એક સ્વીકાર્ય અંત રચે છે. આ કથાનાયક અ-નામી (નામ વિનાનો) દલિત નાયક છે જે સમગ્ર દલિતચેતનાના પ્રતિનિધિરૂપ છે – અને એ રાજસત્તાનાં અણઘડ અને જટિલ રૂપોનો, ઉચ્ચવર્ગના વર્ચસ્વનો, રાષ્ટ્ર-સંપત્તિની અયોગ્ય વહેંચણીનો અને શોષણનો ભોગ બનેલો છે.

‘શાન્તિપરવ’માં બખ્તિનની સૌંદર્યશાસ્ત્રીય સંવેદનશીલતાનો ઊંડો પ્રતિધ્વનિ સંભળાય એમ છે. એક રીતે જોતાં આ ‘ચર્ચા-સંવાદ-કેન્દ્રી નવલકથા’ ‘(novel of discourse’) છે અને બીજી રીતે એ માન્ય અર્થની ‘નવલકથા’ જ નથી. સાદી ભાષામાં કહીએ તો એ 12 કથાનકો અને જલ્પનમય લવારા જેવી 3 લાંબી એકોક્તિઓનો ખીચડો છે – જે એકબીજામાં ભળતાં કથાવસ્તુઓ, એના સંદર્ભો અને પરિવેશોથી સંયોજાયેલો છે. કાલીની વાસ્તવવાદી સમજથી, એના વિલક્ષણ ચાતુર્યવાળા વિનોદથી તેમજ વક્રતા અને રૂપકના વિનિયોગથી રચનારૂપ પામેલો છે. કથાનકો ઉપેક્ષિત અને અપમાનિત દલિત શ્રમિક વર્ગનાં પાત્રોની આસપાસ ગૂંથાયાં છે; કથાની નિરૂપણરીતિ ખુલ્લી, વ્યાપક, તાજગીવાળી અને વાસ્તવદર્શી છે. પણ કથા એરિસ્ટોટલ-કથિત સ્પષ્ટ આદિ-મધ્ય-અંત વિનાની છે. કથાનાં ગરીબ રાંક, બીમાર અને જરાગ્રસ્ત પાત્રો ‘મહાભારત’નાં ભવ્ય, સોહામણાં, મૂઠી ઊંચેરાં પાત્રોની સાથે એક સ્પષ્ટ વિરોધ રચે છે. અહીં તો છે જીવવા માટે સંઘર્ષ વેઠતાં, મજૂરીથી બેડોળ થયેલાં શરીરોવાળાં, ઊંડી ઊતરેલી આંખોવાળાં, ધૂળિયાં વસ્ત્રોવાળાં, વ્યસનોમાં ડૂબી ગયેલાં, રોગોથી ક્ષીણ થયેલાં અને એની સાથે કોઈક સમલિંગી સંબંધોવાળાં અને પ્રેમીઓ – જેનો નિર્દેશ-સરખો પેલા મહાકાવ્યમાં નથી.

નવલકથાના માળખાની રીતે જોતાં ઉપરના ભાગના કથાપ્રવાહના અરાજક લાગતા સ્તરને નીચેના ભાગના રાજકારણીઓ અને શિક્ષણકારના કથન-ઉદ્ગારો જાણે કે ખોદતા રહે છે ને એક દૃષ્ટિમંત, તર્કસ્વીકાર્ય સ્તરને ખુલ્લું કરે છે.

એક બીજી વિગત નોંધવી રસપ્રદ થશે કે આ નવલકથામાંનાં દલિત સ્ત્રીપાત્રો પિતૃસત્તાક વ્યવસ્થાને પડકારનારાં છે – પુરાણકથાઓની પ્રશંસા પામેલી આજ્ઞાંકિત નારીઓ જેવાં નથી. આ સ્ત્રીપાત્રો ક્ષમાપ્રાર્થી નહીં પણ ઉદ્દંડ અને આખાબોલાં છે; શરીરે એ બેડોળ, કુરૂપ અને દોદળાં છે પણ હકના આગ્રહો રાખનારાં, વધુ આક્રમણશીલ છે – નવલકથાનાં પુરુષ પાત્રો કરતાં પણ વધુ. પુરુષ પાત્રો કેટલાંક રાંક ચિતરાયાં છે, એ કાં તો મંદબુદ્ધિ છે, કાં તો કોઈ વ્યસનોમાં ઘેરાયેલાં છે.

કાલીની આ નવલકથા આમ અનેક સ્તરે ઉચ્છેદનને લક્ષ્ય કરે છે.

સાહિત્યકૃતિ તરીકે એ, નવલકથા પાસેની આપણી માન્ય અપેક્ષાઓનું પણ ઉચ્છેદન કરે છે. વાચક તરીકેની આપણી ટેવોની રૂઢતાને એ છંછેડે છે, પજવે છે અને નવા વાચન-કૌશલ માટેની જાણે કે આપણને ફરજ પાડે છે. જેમકે, લેખક ક્યારેક યાદૃચ્છિક રીતે જ, કોઈ નિર્દેશો આપ્યા વિના, એક કથાનક કે પાત્ર પરથી બીજા કથાનક કે પાત્રમાં લઈ જતી વાક્યયોજના કરે છે એથી વાચકે વધુ સતર્ક-સભાન રહેવું પડે છે. વળી ઉપરનાં પાનાંની કથાઓ અને નીચેનાં પાનાંની એકોક્તિઓ સાથેના સંબંધોના પણ કોઈ નિર્દેશો આપ્યા ન હોવાથી શું પહેલું વાંચવું ને ક્યારે વાંચવું એની મૂંઝવણ પણ થાય એમ છે. એટલે લેખકે નવલકથાની શરૂઆતમાં આપેલી સૂચનાઓ કાળજીપૂર્વક જોઈ જવી જરૂરી બને છે. વાક્યબંધ અંગે લેખકની એક બીજી વિલક્ષણતા પણ છે: ટૂંકાં વાક્યો, પુનરાવર્તનો, સળંગ કથનમાં ક્યાંક રહી જતા અવકાશો, કથા-અંશોના અનુસંધાન-નિર્દેશોના અભાવો વગેરે. આ બધાની સાથે કાલીનો વાસ્તવ-આગ્રહ, વિગતો પર એનું વિશેષ લક્ષ, ઘરેળુ ભાષાની સમૃદ્ધિ નોંધપાત્ર છે.

અંતે –

કલ્પનાકથા અને વાસ્તવકથાના બે ઘોડા પલાણતી આ કથા છે. એમાં કલ્પનાકથા દલિતોના જીવનની વાસ્તવિકતા સામે (જાણે) અરીસો ધરી રાખે છે અને બિન-કલ્પનાત્મક સંભાષારૂપ એકોક્તિઓ 1947ના ભાગલા વખતની તેમજ 1984ના ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ વખતની દલિતોની યાતનાભરી પરિસ્થિતિઓનાં મૂળ ખોદતી અને એમ ઇતિહાસ-રાજકારણની નિર્મમ ચિકિત્સા કરતી – નિબંધો જેવી છે. એ રીતે આ નવલકથા સદીઓથી હિંસા, ભર્ત્સ્ના અને શોષણનો ભોગ બનતા, સતત ટિપાતા જતા દલિતોની સ્થિતિનો બહુ વિલક્ષણ આલેખ આપે છે.

*

નીતિ સિંહ [1]
અંગ્રેજીનાં અધ્યાપક,
મ.સ. યુનિવર્સિટી, વડોદરા.
વડોદરા.
thelotuslake@gmail.com
98256 07230

*
  1. લેખનો અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ: રમણ સોની, વડોદરા (9228215275)